jatashankar, junagadh books and stories free download online pdf in Gujarati

જટાશંકર, જૂનાગઢ ટ્રેકિંગ

જટાશંકર, જૂનાગઢ.


આ સ્થળ વનરાજી વચ્ચે, હજી સુધી તો લીલાં છમ્મ જંગલ વચ્ચે આવેલું છે. ગિરનાર રોપ વે ની એન્ટ્રી ની બાજુમાંથી જ રસ્તો જાય છે.

અન્ય મિત્રો સાથે નરસિંહ ધામ, જૂનાગઢ ડિસેમ્બર ના અંતમાં ગયેલો. ત્રીજે અને છેલ્લે દિવસે સવારે એક મિત્રએ સૂચવ્યું કે આ સ્થળ ખૂબ રમણીય છે અને શહેરની ખૂબ નજીક હોવા છતાં જંગલમાંથી ટ્રેકિંગ નો અનુભવ કરાવશે.

હું તો શ્રીમતી સાથે તળેટીમાં રોપ વે શરૂ થાય છે ત્યાં કોઈ કપડાંના શો રૂમમાં ગયેલો. ત્યાં ખરીદી કરતાં એને પૂછ્યું કે જટાશંકર ક્યાં? એ કહે બસ આ પગથીયું ઉતરી ચાલવા માંડો, દોઢ કિમી. જ છે. થોડું ચડવાનું જરૂર છે.
હું તો ગ્રુપ સાથે મળવાનો હતો તે બ્રેકફાસ્ટ સ્કીપ કરી જ્યાં સાડા દસે ભેગા થવાનું હતું ત્યાં સીધો આવીશ કહી, બૂમો પાડતાં શ્રીમતીને દુકાનમાં જ છોડી ઝડપથી એ રોપ વે ની બાજુની કેડીએ થી ચાલ્યો.
સવારે પોણા નવ થયેલા. હજી વાતાવરણ વહેલી સવાર જેવું હતું. થોડાં પગથિયાં ચડવાનાં, વળી કેડી, વળી પગથિયાં એમ પગપાળા જવા લાગ્યો. બેય બાજુ કાળમીંઢ પથ્થરો પર જટાશંકર જવાના એરો જંગલ ખાતાં એ મુક્યા છે. ક્યાંક ભૂલ ન પડો એટલે કેડી આડે કોઈ થડ પણ મૂક્યું છે.
રસ્તો આખો ખાખરા અને જાણી અજાણી વનસ્પતિનાં ખૂબ ઊંચાં ઊંચાં વૃક્ષો, ચારે તરફથી કુકુ.. કુ , ચીંચી, હું.. હુસ હુસ.. એવા અને કદાચ જંગલી કાગડા અને એવાં પક્ષીઓના અવાજ, ક્યાંક થી કદાચ શિયાળની લાળી એવા અવાજો સિવાય ચારે બાજુ અલગ જાતની શાંતિ હતી. પવન ના પણ સૂસવાટા અહીં ન હતા કેમ કે ગિરનાર એને રોકી લે, બાકીના અવાજો વનરાજી માં દબાઈ જાય.
ક્યાંક નાનું, સાવ આપણાં પગલાં જેટલું પહોળું ઝરણું ક્રોસ કર્યું, ક્યાંક ખાખરા પર ચાલી કડડ.. કડડ.. અવાજ મારાં જ પગલાં નો સાંભળ્યો. બાકી એકદમ નીરવ શાંતિ. તમને તમારો શ્વાસ પણ સંભળાય એવી.
અહીં આકાશ નો ભૂરો રંગ પણ કાંઈક અલગ લાગતો હતો.
પથ્થરની કેડી અને પગથિયાં બરાબર હતાં.

એક જગ્યાએ આવાં જંગલ વચ્ચે કોઈ ડોશી લીંબુ પાણી વગેરે વેચતી મળી. આવી જગ્યાએ, ગાઢ જંગલની અંદર ડોશી? એ માયા હોઈ શકે, થમ્સઅપ નાં ટીન થોડાં હોય? ત્યાં વળી ત્રણ રસ્તા ભેગા થતા હતા. આમ તો મેં ગૂગલ મેપ ચાલુ રાખેલો છતાં ડોશીને પૂછી ખાતરી કરી કે સાચો રસ્તો છે .
કોઈ જગ્યાએ વળી કપડાં સુકાતાં જોયાં. નજીકમાં કોઈ સાધુ કે કોઈ શ્રમજીવી ની ઝુંપડી હોઈ શકે પણ દેખાઈ નહીં.
સીઝનમાં અહીં આંબાઓ પર સરસ કેસર કેરી પણ ઉગતી હશે. બાકી કઈ વનસ્પતિ ઔષધિ છે ને કઈ શું છે એ ખબર ન પડે. ઘણી અજાણી હતી.
આશરે 30 મિનિટ પછી ગૂગલે બતાવ્યું ત્યાં ગયો પણ શંકા ગઈ કે ખોટો રસ્તો છે. કોઈક રીતે ભલે ગોળ વળાંકો વળી પણ સીધી ચટ્ટાન ચડી, બાજુના પથરાઓ પર પગ મુકતો ચડી ગયો. હવે ફરી કેડી આવી અને થોડે દૂર ઉપર તરફ મંદિર દેખાયું.
ત્યાં જવા પણ પગથિયાં પૂરાં થઈ ગયાં. પેલી લખ ચોરાસી ના ફેરાની વાતમાં આવે છે એમ એ મારાથી ત્રણ ગણા ઊંચા ગોળ પથરાઓ પર હાથ રાખી પ્રદક્ષિણા ફરતો રસ્તો ગોતતો પહોંચ્યો જટાશંકર ના છેલ્લાં આઠ દસ પગથિયે, જે પેલો માઈલ સ્ટોન પૂરો થાય એની સાવ વિરુદ્ધ દિશાએ, ઉત્તર તરફ હતાં. હું મંદિરની દક્ષિણે ગિરનાર તરફ હતો . ઉપર જતાં જોયું કે ગુફામાં શિવલિંગ હતું, ગુફાની ટોચ રૂપેરી પેઇન્ટ કરેલી. પૂજા રોજ થતી હશે એટલે તાજાં ફૂલો ચડાવેલાં. હું ગુફામાં જઈ પૂજા કરવા ગયો તો ત્યાં એક નાની ઓરડીમાં કશું શાક છીણતા બેઠેલા મહંત કહે પૂજા કરવી હોય તો આ કુંડીએ સ્નાન કરી, ઉપરનું વસ્ત્ર કાઢીને કરો. કદાચ પહેલાં ના પાડી, પછી જાતે કેવા એમ પૂછ્યું , મેં નાગર કહ્યું તો કહે નાગર થી પૂજા વગર ન જવાય. પણ સ્નાન કરો, ઉપરનું વસ્ત્ર કાઢી અને પૂજા કરો.
ત્યાં કપડાં કાઢું તો સ્નાન કરવા શું લઉં? ટુવાલ ક્યાં? એમ વિચારું ત્યાં કોઈ ભાઈ , આજે અટક યાદ નથી, એ મહારાજ માટે અઠવાડિયાની ગ્રોસરી, કેરોસીન વગેરે ઉંચકીને આવેલા એમણે મને પોતાનો સાવલિયો (ઝીણી લાલ ચેકસ વાળો ટુવાલ) આપ્યો. મેં કુંડીએ સ્નાન કર્યું, શિવજીને ફૂલ ચડાવી સ્તોત્ર ધીમે અવાજે બોલ્યો. એ ટુંક સમયના મિત્ર નરસિંહ ધામ સંભાળતા શ્રી. વસાવડા ના પાડોશી હતા.
એમને ત્યાં વાર લાગે એમ હતી. હું ફરીથી એકલો ફટાફટ ઉતરવા લાગ્યો. હવે નીચે યુવાન લોકો ટ્રેકિંગ માં આવતાં હોય એવા અવાજો આવતા હતા.
વળી અર્ધે રસ્તે કેડી ચૂક્યો. અત્યારે ગૂગલ પણ unknown place બતાવતું હતું.
એ અવાજો તરફ પેલા ત્રણ માથોડાં ઊંચા, કાળા, લપસણા ગોળ ખડકો પર લપસી નીચે કેડી પર પહોંચ્યો. ગોઠણ જેટલું કૂદીને.
અવાજો હજી નીચે હતા. અહીં ફોરેસ્ટ ખાતાનો તંબુ હોય એવું હતું. હું આવેલો દક્ષિણ અને પશ્ચિમ વચ્ચેથી એટલે એ બાજુની કેડીએ ગયો. થોડું ગયેલો ત્યાં જ ફરી હજી નીચે પહોંચ્યો પછી નીચે કેડી અને પગથિયાં દેખાયાં. પેલું ઝરણાંનું બચ્ચું આવ્યું. બસ, પગથિયાં ઠેક્તો, એ ગૃપ્સ ને નમઃ શિવાય કહેતો 20 કે 22 મિનિટમાં રોપવે ની એન્ટ્રી પાસે આવી ગયો.
સારું થયું ઈશ્વરે સાચો રસ્તો બતાવ્યો. બહેન નિરૂપા કહે ત્યાંથી એક કેડી સીધી ધોરાજી નીકળે છે.
આમ ત્યાં ત્રણ રસ્તા જંગલમાં ફંટાય છે. મોટે ભાગે ગૂગલ મેપ દિશા બતાવે છે.
મારું ગ્રુપ તો નીકળી ગયેલું. પહેલી રિક્ષા પકડી એ લોકો ગયેલા ત્યાં રૂપાયતન ગયો.
આમ આ અનાયાસે ટ્રેકિંગ, શિયાળાની કુમળી સવારે થઈ ગયેલું.
ફોટા અને અહેવાલ આજે મુકું છું.
પહોંચતાં જ માતૃભારતી એ મારી બુક છાપવાની છે એની પ્રૂફ જોઈ જવા કહ્યું, એક નોવેલ ' તેરે કારન મેરે સાજન' પ્રતિલિપિ પર પૂરી કરવી હતી એના અંતિમ 3 હપ્તા મુક્યા જે પહેલે નોરતે થી લખતો હતો. એમ જ ગયા જાન્યુ, ફેબ્રૂ, માર્ચ. આજે મુકું છું અહેવાલ અને ફોટાઓ.

ગિરનાર હવે જાઓ તો રોપ વે માં જરૂર બેસો અને જંગલમાં અર્ધો x 2 એમ એક કલાક ચાલવું હોય તો જટાશંકર જરૂર જાઓ, જંગલમાં ચાલવાનો અનુભવ શહેરથી નજીકમાં કરો. ચોમાસાં પછી તરત ખૂબ સારું.

મારે તો મોટી ઉંમરે એક સુંદર મીની ટ્રેકિંગ થઈ ગયું.