Tari Sangathe - 5 books and stories free download online pdf in Gujarati

તારી સંગાથે - ભાગ 5

ભાગ 5

 

24 જુલાઈ 2018, મંગળવાર રાતના 10.30

------------------------------------------------------

 

- છોકરી, તું શું કરે છે?

- ડિનર લીધું. થોડો આરામ કરી રહી છું, સાથે-સાથે તારા વિશે વિચારી રહી છું.

- શું વિચારી રહી છે?

- ગઈકાલે તારો જન્મદિવસ હતો. કેવી રીતે ઉજવ્યો?

- મેં એક રેસ્ટોરન્ટમાં મારા અને મારા મિત્ર સંજીવના પરિવાર સાથે ડિનર લીધું. જમતી વખતે, મેં સંજીવને તારા વિશે વાત કરી, તેને તારો ફેસબુક નો ફોટો પણ બતાવ્યો તો તેણે કહ્યું, ‘ભાઈ, તારી તો વાત જ જુદી છે. એ જમાનામાં, ઘણી છોકરીઓ તારી દીવાની હતી.’ 

- તેણે સાચું જ કહ્યું, ઐશ. તારું વ્યક્તિત્વ જ એવું પ્રભાવશાળી હતું. યૌવનના ઉમરે ડગ માંડી રહેલી છોકરીઓ માટે તો તું સપનાનો રાજકુમાર હતો. 

- મારા વ્યક્તિત્વ વિશે તેં મને આપેલી માહિતી મારી પાસે નહોતી. હું એટલો અંતર્મુખી હતો કે છોકરીઓ સાથે વાત કરવામાં મને ખૂબ જ સંકોચ થતો.

- હવે તેં જે માહિતી આપી તે મારી પાસે નહોતી, નહીં તો હું જ તારી તરફ આગળ ન વધી હોત! છોકરીઓ શરમાળ હોય છે પણ છોકરો આટલો શરમાળ હોઈ શકે, સાંભળ્યું નથી. 

- એજ તો. મારું પ્રભાવશાળી વ્યક્તિત્વ કોઈ કામમાં ન આવ્યું. આજે એક ઘટના યાદ આવી રહી છે.

- કહે.

- એકવાર, હું અને સંજીવ ગુજરાત યુનિવર્સિટી વતી સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેવા આંધ્રપ્રદેશ ગયા હતા. અમારી ટીમમાં યુનિવર્સિટી દ્વારા સંચાલિત યુવા મહોત્સવમાં એવોર્ડ વિજેતા કલાકારો હતા, ત્યાં અમે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાના હતા. ત્યાંના કોઈ સરકારી વિભાગ દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. હવે નામ યાદ નથી. સદીઓ વીતી ગઈ. 

- તને યાદ રાખવામાં મારી પણ સદીઓ વીતી. ગામની એક સીધી સાદી છોકરીને તેં રાધા બનાવી દીધી!

- આ બાબતમાં મારો સ્વભાવ મારો દુશ્મન બન્યો!

- આટલો સ્માર્ટ છોકરો અને આટલો બધો સીધો? નો વે!

- સત્ય આ જ હતું, રાધા. 

- હા કૃષ્ણ, તું તો માતાનો આજ્ઞાંકિત દીકરો હતો! એક વાત કહું? બધા માનસશાસ્ત્રીઓ માને છે કે વ્યક્તિત્વના વિકાસમાં ઘરના વાતાવરણનો મોટો પ્રભાવ હોય છે. તારા પર માતાનો મોટો પ્રભાવ હતો. તેં જ કહ્યું છે કે માતાનો આદેશ હતો એટલે તું, જ્યાં નર્સો રહેતી હતી તે વિસ્તારને ઝડપથી પાર કરી દેતો. 

- સાચું કહ્યું તેં. 

- મારો એક પ્રશ્ન છે, આશુ. પરિવાર તરફથી છોકરાઓને, છોકરીઓ સાથે વાત ન કરવાની અથવા તેમની તરફ ન જોવાની સલાહ આપવી કેટલી યોગ્ય છે? છેવટે તો છોકરાએ કોઈ છોકરી સાથે જ પોતાનું ઘર વસાવવાનું હોય છે. 

- મને ખબર નથી. કદાચ એટલે જ મારામાં આત્મવિશ્વાસનો અભાવ હતો. હું અંતર્મુખી અને શરમાળ વ્યક્તિ બની ગયો. 

- આમ તો મારા પણ એ જ હાલ હતા. મારા પર પણ બી.ડી. મહિલા કૉલેજમાં જ પ્રવેશ મેળવવાનું મારા મમ્મીનું દબાણ હતું, પણ મેં એસ.એસ.સી. સુધી કો-એજ્યુકેશન સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. મેં મમ્મીની વાત માની નહીં અને પપ્પાનો સાથ મળ્યો એટલે હું ભવન્સ કૉલેજમાં પ્રવેશ મેળવી શકી. 

- પણ કોઈ લાભ ન થયો ને? શરમાળ સ્વભાવને કારણે જ તું એકતરફી પ્રેમિકા બની રહી, મલ્લિકા. કોઈ તને ખૂબ પ્રિય છે, એની જાણ સુદ્ધાં કોઈને ન થઈ ! ‘હું કાચો પડ્યો ને તમે પાછા પડ્યા’, બીજું તો શું કહી શકું?

- આ ગુજરાતી કહેવત આપણા કિસ્સામાં સુસંગત છે, ઐશ. વર્ષોથી ચાલી આવતી પરંપરાઓ અને સામાજિક પરિવેશનો મારા પર મોટો પ્રભાવ હતો. જવા દે, મને આંધ્રપ્રદેશ પ્રવાસ વિશે કંઈક વધુ કહે. 

- અમારી ટીમમાં ગુજરાત યુનિવર્સિટીના બંને ઝોનના વિદ્યાર્થીઓ હતા. ગુજરાતની બીજી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ હતા. બાવીસ દિવસની ટૂર હતી અને બસની મુસાફરી હતી. અમારી સાથે ઝેવિયર્સ કૉલેજની વિદ્યાર્થીની ગીતા હતી. તે કવિતાઓ લખતી અને સુંદર ગાતી પણ હતી. તે હવે સંજીવની પત્ની છે, અને તું? 

- હું તને સાચા દિલથી ચાહતી હતી એ જ સત્ય છે, અશ્વિન. તું મારો પહેલો પ્રેમ હતો, મારો પહેલો ક્રશ!

- અને તું મારો છેલ્લો ક્રશ!

- ફરી શરારત?

- મારી વહાલી સખી, બસ?

- ધન્યવાદ.

- હું એક બીજી ઘટનાનો ઉલ્લેખ કરવા માંગુ છું.

- કરો, શરમાળ માણસ!

- શરમાળપણાની જ વાત છે ગામડાની ગોરી! 

- રાહ કોની જુએ છે? કહી નાખ.

- બસમાં, હું અને સંજીવ એક જ સીટ પર બેઠા હતા પરંતુ તે તેની મિત્ર ગીતા પાસે જતો રહ્યો અને મારી બાજુમાં ખાલી સીટ પર એક યુવતી આવીને બેસી ગઈ. 

- એ તો થવાનું જ હતું.

- થોડી વાર તો તેણે મારી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. હું ડરતા ડરતા જવાબ આપી રહ્યો હતો. અચાનક તેણે પર્સમાંથી ચાંદી જેવી પાતળી વીંટી કાઢી અને કહ્યું, 'આ પહેરી લો. હું તમારી ગર્લફ્રેન્ડ બનવા માંગુ છું. ડરના માર્યા મારા બૂરા હાલ હતા.’ મેં તેના હાથમાંથી વીંટી લઈ લીધી.

- પછી જાતે પહેરી લીધી?

- અરે ના રે. તે મને ના પહેરાવી દે એ ડરથી મારી હથેળીમાં જ દબાવીને બેસી રહ્યો. મનમાં તો એવું થતું હતું કે ઊઠીને સંજીવ પાસે જતો રહું પણ મારા પગ જાણે થીજી ગયા હતા. કદાચ તે ગાયિકા હતી અને તેથી જ અમારી ટ્રીપમાં સામેલ હતી. અચાનક તે એક પંજાબી ગીત ગણગણવા લાગી, જેમાં ‘જુગની’ શબ્દ હતો.

- અહા! આંખો કે રસ્તે દિલ મેં ઉતર કે, લે ગઈ તેરી જાન...જુગની જુગની હાય...જુગની જુગની...

- મારી મજાક ન કર છોકરી.

- મને તો ખૂબ મજા આવી રહી છે. પછી શું થયું?

- ગીત પૂરું થતાં જ તેણીએ મારી તરફ જોયું, મેં તેને 'જુગની' શબ્દનો અર્થ પૂછ્યો. તેણી હસીને બોલી, 'જુગની એટલે પ્રેમિકા, આજથી હું તારી જુગની બની ગઈ અને તું મારો પ્રેમી બની ગયો.' હું તો મનમાં ને મનમાં જીસસને યાદ કરવા લાગ્યો.

- તે વીંટી પહેરાવી દે, માટે? 

- ઉફ્ફ! હું કેટલો પરેશાન હતો તને ખબર નથી છોકરી, પણ જીસસે મને સાંભળ્યો.

- શું થયું?

- મારો ચહેરો જોઈને તે સમજી ગઈ કે આગળ વધવાની કોઈ શક્યતા નથી. તેણીએ તે વીંટી પાછી માંગી લીધી. મેં પણ ઝડપથી તેને આપી દીધી. હવે હું ઉભા થઈને ભાગવાની તૈયારી કરી રહ્યો હતો કે તે જ ઉઠીને ચાલી ગઈ. આટલી ફાસ્ટ છોકરી મેં ક્યારેય નથી જોઈ.

- ખરેખર? 

- અને આટલી સ્લો પણ નથી જોઈ.

- મને સંભળાવી રહ્યો છે ને?

- સમઝને વાલે સમઝ ગયે હૈં, ના સમઝે વો અનાડી હૈ... ત્યાં પહોંચ્યા બાદ એક બીજી ઘટના બની. મેડિકલની એક સ્ટુડન્ટને હું ગમવા લાગ્યો. 

- મતલબ, તું જ્યાં ઊભો રહેતો, લાઇન ત્યાંથી શરૂ થતી હતી.

- મારી હાલત તું સમજી શકતી નથી, મારી દુશ્મન! હું તેની ફ્લુઅંટ અંગ્રેજીથી ડરી ગયો હતો. મારી સરનેમથી તેને જાણ થઈ ગઈ કે હું ક્રિશ્ચિયન છું અને અમારા ગ્રુપમાં એકમાત્ર માંસાહારી છું.

- બીજા દિવસે તે તારા માટે નૉન-વેજ આઇટમ બનાવી લાવી હશે. 

- તને કેવી રીતે ખબર પડી?

- તારી નજીક આવવા માટેનો આ એકમાત્ર ઉપાય હતો!

- એવું જ થયું, મેં ધીરેથી ના પાડી દીધી. તેને નહીં ગમ્યું હોય પરંતુ હું લાચાર હતો. જમવા માટે મારે એની સાથે ક્યાંક દૂર જઈને બેસવું પડત. 

- અશ્વિન, સારું થયું કે ભગવાને તને શરમાળ બનાવ્યો, નહીં તો આજ સુધીમાં કેટલી ગોપીઓ તારી પત્ની બની ગઈ હોત!

- હું તો રાધાને ઇચ્છતો હતો જે તું જ બની શકે.

- આવ્યો મોટો! જો, ગઈકાલે મેં નેટ પર તારા શારીરિક વ્યક્તિત્વ અને માનસિક વ્યક્તિત્વ વચ્ચેના વિરોધાભાસનું કારણ શોધવાનો પ્રયાસ કર્યો.

- કોઈ કારણ મળ્યું?

- વ્યક્તિનું વ્યક્તિત્વ બાળપણથી લઈને જીવન પર્યંત બદલાતું રહે છે. 

- સાચી વાત. કૉલેજમાં એક વાક્ય સરખું ન બોલી શકનાર છોકરીની કલમ આજે કૈંચીની જેમ ચાલી રહી છે!

- અને ખૂબ જ શરમાળ હીરો હવે કેવી રોમેન્ટિક વાતો લખી રહ્યો છે! મતલબ કે આપણા બંનેના વ્યક્તિત્વનો અભ્યાસ કરવો જરૂરી હતો.

- સાચું કહ્યું, મલ્લિકા. જનરલી, પર્સનાલિટીનો અર્થ વ્યક્તિના બાહ્ય દેખાવ અને તેનાં પોશાક પરથી તારવવામાં આવે છે, પરંતુ સાઈકોલૉજી, તેને વ્યક્તિના સેન્ટિમેન્ટ સાથે જોડે છે. આપણે બંને એક જ ખોજમાં સામેલ છીએ.

- અલબત્ત, તરુણાવસ્થામાં આપણી એક્સ્ટર્નલ પર્સનાલિટી અને આપણી સાઈકોલૉજિકલ પર્સનાલિટી વચ્ચે મેળ નહોતો, થોડું ઘણું આપણે બંને અંતર્મુખી હતા જે લેખક બનવા માટે સૌથી ઉચિત વ્યક્તિત્વ છે. 

- તું તો લેખક બની ગઈ, પણ હું બનતા બનતા રહી ગયો!

- હવે તો બની ગયો ને?

- પણ એ વખતે તું મળી હોત તો સંભવ છે કે આજે સુપ્રસિદ્ધ લેખકોમાં મારું નામ હોત! 

- દેર આયે દુરસ્ત આયે. તને પ્રસિદ્ધિ મળશે જ. આપણા બંનેના વિચારો એટલા સમાન છે કે હું તારી યોગ્ય જીવનસંગિની બની શકી હોત, પણ ઈશ્વરે તને સ્મૃતિ માટે બનાવ્યો હશે અને મને પાર્થો માટે બનાવી હશે. જોડીઓ સ્વર્ગમાં બને છે તેવું સાંભળ્યું હતું, પરંતુ હવે માનું છું. તારા માટે કેટલીક પંક્તિઓ-

 

મિલે ભી તો મઝધાર મેં,

નહીં સાહિલ કા ઠિકાના!

હમ હૈં ટુકડે કાઠ કે,

લહરોં સંગ બહતે જાના!

કિસી જનમ મેં હો સંભવ,

તો વક્ત સે પહલે આના. 

હાથોં કી લકીરોં મેં 

મુઝકો લિખવાકર લાના!

    

- મારો જવાબ પણ સાંભળી લે. મારી હથેળીમાં તને મળવાની લકીરો હતી. 

- પછી ક્યાં ખોવાઈ ગઈ એ લકીરો?

- એજ શોધી રહ્યો છું. જિંદગીને પૂછું છું, નિદા ફાજલી ના આ શેરમાં- 

 તેરી કિતાબ કે હર્ફે સમઝ નહીં આતે,

 અય જિંદગી તેરે ફલસફે સમઝ નહીં આતે.

- કેવું અજબ લાગે છે નહીં! આજે આપણે આપણા જીવનની આટલી લાંબી મુસાફરીનું અંતર કાપીને, યાદોના આંગણાને લીંપીને, તેના પર એક સુંદર રંગોળી ભરી રહ્યા છીએ. 

- હવે તને ડર નથી લાગતો ને, બીકણ છોકરી?

- નથી લાગતો. સોશિયલ મીડિયા પર તને ફરીથી મળવું એ મારા જીવનની એક અકલ્પનીય ઘટના છે, ડિયર. જિંદગીથી હવે કોઈ ફરિયાદ નથી. આપણી વચ્ચે વાતચીતનો આ સેતુ હંમેશાં સલામત રહે. ઘણું કહેવાનું બાકી છે, ઘણું સાંભળવાનું બાકી છે. 

- હું તારા વિવાહિત જીવન વિશે જાણવા ઉત્સુક છું. અરેન્જડ મેરેજ હતું કે લવ મેરેજ? વાર્તા બંનેની ઇન્ટરેસ્ટિંગ છે. તમારો છેલ્લા એકતાળીસ વર્ષનો ઇતિહાસ મને કહો, મૈડમ.

- મારી વાર્તા તારાથી ઘણી અલગ છે. મારી લવ સ્ટોરીમાં હું ત્રિકોણનો ચોથો કોણ બની ગઈ.

- ત્રિકોણની ત્રણ બાજુ અને ત્રણ ખૂણા હોય છે. આ ચોથા કોણનો અર્થ શું છે?

- રૂઢિપ્રયોગ અથવા કહેવત જેવું કંઈક, નિષ્ફળ પ્રેમની વાર્તા.

- મલ્લિકા, મારો ઈરાદો તને દુઃખ પહોંચાડવાનો નહોતો.

- હું જાણું છું, પણ જ્યારે હું તારા વિશે જાણવા માંગુ છું, ત્યારે મારે વિશે પણ કહેવું તો પડશે ને? તું મારો પહેલો પ્રેમ હતો, મૌનની ગલીઓમાં ખોવાઈ ગયો. જીવનના તે ચાર વર્ષો પણ ખોવાઈ ગયાં. એકવીસ વર્ષની ઉંમરે, જીવનપથ પર એક વળાંક આવ્યો, જ્યાં મને કોઈ એવી વ્યક્તિ મળી જે કદાચ તારી જગ્યા લઈ શકી હોત. 

- કોણ હતો તે ખુશનસીબ?

- કાશ, તે ખુશનસીબ હોત!

- મને એમ કે તું પાર્થોનું નામ લઈશ.

- પાર્થો તો પછીથી મળ્યા, ત્યારે જ તો મેં લખ્યું કે હું ત્રિકોણનો ચોથો કોણ બની.

- ઓહ!

- હું પ્રેમના માર્ગે ચાલીને જ પ્રેમની મંઝિલ સુધી પહોંચવા માંગતી હતી, પરંતુ મારા નસીબમાં માત્ર ભટકન લખાઈ હતી. મારા જીવનનો એક મુશ્કેલ અને પીડાદાયક તબક્કો ફરીથી આવ્યો જે ચાર વર્ષ સુધી ચાલ્યો. જેની અસર કદાચ જીવનભર રહેત, પણ તારા આવવાથી તે પીડાની અસર હવે ઓછી થતી જાય છે. 

- જો હું તારા કોઈ કામમાં આવી શકું તો મારી જાતને ભાગ્યશાળી માનીશ. હવે તું આરામ કર. કાલે વાત કરીશું. 

- હું તને મારી વાર્તા ચોક્કસ કહીશ, થોડો સમય આપ. સ્મૃતિને મારો પ્રેમ અને તારા મિત્ર સંજીવને મારી શુભેચ્છાઓ.

- અસ્તુ.

 

 

 

 

 

 

25 જુલાઈ 2018, બુધવાર સવારના 8.30

---------------------------------------------------

- અશ્વિન, મેં આજે સવારે તારી ગઈકાલની પોસ્ટ ફરીથી વાંચી, હસવું આવી ગયું. હવે તો માનીશ ને કે તારું વ્યક્તિત્વ કેટલું શાનદાર હતું? છોકરીઓ કેવી ખેંચાઈને આવતી હતી તારી પાસે! તું કોઈ પણ છોકરીના સપનાનો રાજકુમાર હતો, તો મારો શો વાંક? એક સુંદર અને શુદ્ધ પીડાને વ્યક્ત કરતી તારી પંક્તિ, ‘હું કાચો પડ્યો કે તમે પાછા પડ્યા.’ દિલને વીંધી ગઈ.

- મલ્લિકા, એ જ સાચું છે. હું છ અને સાત ધોરણ સેંટ ઝેવિયર્સ પ્રાઇમરી સ્કૂલ, મિરઝાપુર અને આઠથી અગિયાર ધોરણ સુધી સેંટ ઝેવિયર્સ હાઇ સ્કૂલ લોયલા હૉલ, નવરંગપુરામાં ભણ્યો. બદકિસ્મતીથી તે બોયઝ સ્કૂલ હતી તેથી છોકરીઓ સાથે વાત કરવામાં હું કાચો પડી ગયો.

- હવે આ સ્કૂલ કો-એજ્યુકેશન બની ગઈ છે.

- થેંક ગૉડ.

- અને હું સામાજિક પ્રભાવને કારણે પાછળ રહી ગઈ. નરમ દિલના લોકો પર આપણી દિશાહીન સામાજિક વ્યવસ્થાના કુસંસ્કાર કેવા હાવી થઈ જાય છે! આપણી દરેક મુલાકાતમાં પરિચયને આગળ વધારવાના અવસર હું ખોતી ગઈ.

- અને આપણી પ્રેમ કહાની બનતાં-બનતાં રહી ગઈ. 

- શું કહું, ઐશ? મેં તને પહેલાં પણ કહ્યું છે કે બી.ડી. ગર્લ્સ કૉલેજમાં ભણાવવાના માના દુરાગ્રહની સામે જીદ કરીને મેં ભવન્સ કૉલેજમાં એડમિશન લીધું હતું. ઉંમરનું સોળમુ વર્ષ, મારા મનમાં એક ડર હતો કે જો કોઈ છોકરા સાથે નામ જોડાઈ ગયું, તો માનો ડર સાચો પડશે અને પપ્પા શું વિચારશે?

- ‘કોઈ શું કહેશે?’, આ વિચાર જ બધી મુસીબતોની જડ છે.

- સાચું કહ્યું તેં. તને યાદ છે? આપણી કૉલેજની એક વિદ્યાર્થીની હતી, પરવીન સુલતાન. અપ્રતિમ સૌંદર્યની સ્વામિની, જાણે કે સંગેમરમરની મૂર્તિ! આજ સુધી મેં આટલી નખશીખ સુંદર સ્ત્રી જોઈ નથી. શ્રીમંત પરિવારની હતી, હંમેશાં કારમાં જ આવતી હતી. મેં એક વાર તને કૉલેજના કોરિડોરમાં તેની સાથે વાત કરતો જોયો હતો. 

- તું તો જાણે યાદોનો પટારો ખોલીને બેઠી છે અને નવી નવી વાતો બતાવીને મને અચરજમાં મૂકી રહી છો! મને પરવીન સુલતાન જેવી ખૂબસૂરત છોકરીની સાથે વાત કરવાની ઘટના ખરેખર યાદ નથી.

- હું કેવી રીતે ભૂલી શકું? જોકે, તેં બે કે ત્રણ મિનિટથી વધુ વાત નહીં કરી હોય, પણ થોડી ક્ષણો માટે મારા મનમાં ઈર્ષ્યાના ભાવ જાગ્યા હતા. પરવીન મને પણ ખૂબ ગમતી. મને તો શું, તે બધાને બહુ ગમતી. કૉલેજના પ્રોફેસર્સ પણ તેની સાથે વાત કરવાનાં બહાનાં શોધતા.

- તેણીએ જ કંઈક પૂછ્યું હશે, નહીંતર મારી શું મજાલ કે હું કોઈ ખૂબસૂરત છોકરી સાથે વાત કરવાની હિમ્મત કરું! 

- ત્યારે મને તારા આ શરમાળ સ્વભાવની થોડી ખબર હતી? ટેલેન્ટ ઇવનિંગ સમારંભમાં પરવીને ગીત પણ

ગાયું હતું.

- અચ્છા? એણે ગીત ગાયું હતું, એ પણ મને યાદ નથી.

- તેણી જ્યારે ગીત ગાઈ રહી હતી ત્યારે તું બીજા કલાકારોની સાથે સ્ટેજ પર જ હતો, કેવી રીતે ભૂલી ગયો? સિલ્વર ડૉટવાળી બ્લેક સાડીમાં તેનો ગોરો ચહેરો એવો ચમકી રહ્યો હતો જાણે કોઈ પરી આકાશમાંથી ઊતરી આવી હોય! હૉલમાં બેઠેલા વિદ્યાર્થીઓએ તેણીને ગાવા જ ન દીધું, તેઓ એટલો ઘોંઘાટ કરવા લાગ્યા કે તે સ્ટેજ છોડીને નેપથ્યમાં ચાલી ગઈ.

- બની શકે છે, પણ હમણાં યાદ નથી આવી રહ્યું. મારી માંદગીની યાદશક્તિ પર થોડી અસર પડી છે. મને થોડું યાદ છે, થોડું ભૂલી ગયો છું. તું મને એવી ઘણી વાતોની યાદ અપાવી રહી છે, જે મને એ સમયમાં પાછો લઈ જઈ રહી છે.

- અશ્વિન, શું તને યાદ છે કે 1973-74માં સાબરમતી નદીમાં ભયંકર પૂર આવ્યું હતું અને કૉલેજ બિલ્ડિંગની સામે આવેલ ગીતા હૉલનું બેસમેંટ ડૂબી ગયું હતું? પંદર દિવસ સુધી કૉલેજ બંધ રહી હતી.

- થોડું થોડું યાદ આવી રહ્યું છે કે વી. એસ. હોસ્પિટલના અમારા ક્વાર્ટર્સમાં પણ પાણી આવી ગયું હતું. એ હૉલ કદાચ ત્યારે બની રહ્યો હતો. મારો દોસ્ત સંજીવ સાયન્સમાં ભણતો હતો, તેણે પણ કહ્યું હતું કે પૂરનું પાણી બેસમેંટમાં આવેલી તેની લેબમાં ઘૂસી ગયું હતું.

- ચલો કંઈક તો યાદ આવ્યું. મને તો એ પણ યાદ છે કે તમે લોકો ગીતા હૉલના પહેલા માળે નાટકનું રિહર્સલ કરતાં. મને પણ અભિનયમાં બેહદ રુચિ હતી.

- કાશ! તેં એકવાર મને પણ કહ્યું હોત કે અમારા ડિરેક્ટરને મળીને અભિનય માટેની તારી ઇચ્છા વ્યક્ત કરી શકી હોત!

- ગામથી આવવું પડતું, તો કદાચ ઘરેથી પરમિશન ના મળત. આ જ શોખ પછી મેં મારા કાર્યાલયમાં પૂરો કર્યો. દર વર્ષે અમારા કાર્યાલયના ‘સાહિત્યિક અને મનોરંજન ક્લબ’ દ્વારા આયોજિત વાર્ષિક મહોત્સવમાં નાટક રજૂ કરવામાં આવતું., પરતું તેમાં કોઇ સ્ત્રી પાત્ર ન રહેતું. વર્ષ 1982 માં, ઓફિસના ડાયરેક્ટરે એક એવું ગુજરાતી નાટક પસંદ કર્યું જેમાં એક હીરોઇનની જરૂર હતી. એમણે મને પૂછ્યું, મેં સંમતિ દર્શાવી અને મારી અભિનયની સફર શરૂ થઈ.

- કોઈ હીરો મળ્યો, મારા જેવો?

- ના, કારણ કે પાર્થો સાથે મારા લગ્ન નક્કી થઈ ગયાં હતાં. 

- ઓહ! તો પછી સાબરમતીમાં કેટલું પાણી વહી ગયું!

- ઘણું, પરંતુ હવે સાબરમતીમાંથી પાણી વહી ન જાય, તેથી મોદી સાહેબે નદીને બંને કાંઠે ઘેરાવી લીધી છે, રિવર ફ્રંટથી...હા...હા...

- થેંક યૂ, એમ&એમ!

- એમ&એમ?

- અહીં નાની નાની રંગબેરંગી કેન્ડી મળે છે, બિલકુલ તારી વાતો જેવી મીઠી મીઠી, તેને એમ&એમ કહે છે.

- વાહ, આટલું પ્યારું નામ! આ નામનો આનંદ માણવા માટે મારે ફરીથી સોળ વર્ષના થવું પડશે! આવું મધ જેવું મીઠું કેવી રીતે લખી શકે છે? ત્યારે મળ્યો હોત તો કદાચ હું તારા જીવનમાં એમ&એમ કેન્ડીની જેમ ઓગળી ગઈ હોત!

- અત્યારે પણ ઓગળી જ ગઈ છું, ત્યારે તો આ નામ યાદ આવ્યું!

- સ્મૃતિને ખબર છે ને તારો મજાકિયો સ્વભાવ? તને બચાવવા માટે આટલે દૂરથી હું નહીં આવી શકું!

- હવે હું જીવતો જ ક્યાં રહ્યો છું!

- હે ભગવાન! પાછી શરારત?

- તું જે રીતે ખુલ્લા દિલથી લખી શકે છે, તે એક મર્દ ન લખી શકે.

- શું વાત કરે છે? મારાથી વધારે તો તું લખી રહ્યો છે, ખુલ્લા દિલથી!

- સાચે જ?

- કલાકારો આવા જ હોય. એમના દિલોદિમાગમાં કોઈ પેચ નથી હોતો.

- તે સમયે તારી લાગણીઓને સમજી ન શકવા માટે હું પોતાને દોષી માનું છું, તેથી કંઈ પણ લખતો રહું છું.

- લખતો રહે. સારું લાગે છે. જે પણ કલાની દુનિયા સાથે સંબંધ રાખે છે તે મોટેભાગે દીવાના હોય છે, જેમ કે સંગીતકાર, નૃત્યકાર, ચિત્રકાર, લેખક, એક્ટર કે ગાયક. તું પણ એ જ કેટેગરીમાં છે.

- આપણે આટલી બધી વાતો કરીએ છીએ, તો તારા પરિવારમાં કોઈ સમસ્યા તો નહીં ઊભી થાય ને? એક નવું યુદ્ધ ના છેડાઈ જાય.

- લાંબા સમય પછી તેં મારા પ્રેમને મેળવવા-ગુમાવવાની હદની બહાર જઈને કબૂલ કર્યો, હું તો ફરીથી હારી ગઈ ને? હારેલા સિપાહી સાથે કોણ લડશે, બોલ?

- હું તારા પતિદેવ પાર્થોની વાત કરી રહ્યો છું.

- પાર્થોની વાત કરું તો, તેમણે મને હું જેવી છું તેવી, મારા અતીતની સાથે સ્વીકારી છે. મારા જીવનની કોઈ પણ વાત તેમનાથી છૂપી નથી. હા, મેં તેમને પહેલાં તારા વિશે ક્યારેય કહ્યું નહોતું, કહેવા જેવું કંઈ હતું પણ ક્યાં? હવે કહ્યું છે. ફુરસદના સમયમાં હું તેમની સાથે આપણી વાતચીત પણ શેયર કરું છું. સો ડોન્ટ વરી.

- ઓહ! તું સાચે જ ખુશકિસ્મત છે મલ્લિકા કે તને પાર્થો જેવો પતિ મળ્યો.

- સાચે જ. 

- તારી પાસેથી તારી અસફળ પ્રેમ કહાની સાંભળવાની બાકી છે.

- જરૂર સંભળાવીશ, ઐશ. ઈશ્વર કોઈને એવી યાતના ન આપે. લખતાં લખતાં મારે ફરી એ જ પીડામાંથી પસાર થવું પડશે, પરંતુ મારી પીડા તારી સાથે વહેંચવાથી મને થોડી રાહત મળશે. શક્ય તેટલી વહેલી તકે લખવાનો પ્રયત્ન કરીશ. તારી પાસે એ દિલ છે, જે મારા એ દર્દને મહેસૂસ કરી શકશે. આજે આટલું જ, બાય.

- મારા ડિનરનો પણ ટાઇમ થઈ ગયો છે, બાય.