Tari Sangathe - 2 books and stories free download online pdf in Gujarati

તારી સંગાથે - ભાગ 2

ભાગ 2

 

17 જુલાઈ 2018, મંગળવાર સવારના 7.15

------------------------------------------------------

- તમારી તબિયત વિશે વાંચીને કાલે હું ખૂબ જ રડી, આજે તો જાણે કોઈ શબ્દ જ નથી મળી રહ્યા કે શું લખું? મને આશા જ નહીં, ભરોસો છે કે તમે સંપૂર્ણ સ્વસ્થ થઈ જશો. તમારી સાથે કેટલીયે વાતો શેયર કરવી છે. તમારી પાસેથી કેટલીયે વાતો સાંભળવી છે.

- મલ્લિકા, મેં જીવનમાં ઘણા ઉતાર-ચડાવ જોયા છે. હવે મોતથી પણ નથી ડરતો. શુભેચ્છા પાઠવવા બદલ આભાર. મારા માટે પણ 'તમે' ને બદલે 'તું' સંબોધન વધુ યોગ્ય રહેશે.

- જેવી આજ્ઞા. તેં કાલે લખ્યુ હતું કે જો મેં શરૂઆત કરી હોત તો તું એક સારો મિત્ર બની શક્યો હોત,.

- બિલકુલ લખ્યુ હતુ્ં.

- સાચું કહું તો તું મને બેહદ પસંદ હતો. દર વખતે હું તારી સાથે વાત કરવા માંગતી હતી પણ ડરતી હતી. મારા જેવી ગામથી આવેલી સાધારણ દેખાતી છોકરી, તારા શાનદાર વ્યક્તિત્વની સામે પોતાને ક્યાંય મૂકી શકતી નહોતી. તેં ક્યારેક કૉલેજ પરિસરમાં મારી સાથે ઔપચારિક વાત કરી, પરંતુ મેં ક્યારેય શરૂઆત ન કરી.

- દોસ્તીનો હાથ લંબાવવામાં રંગ-રૂપ સાથે શી લેવાદેવા? તો પછી વાંક તારો થયો. 

- સોળ વર્ષની નાદાન ઉંમરમાં સૌથી વધુ ડર અસ્વીકૃતિનો હોય છે.

- તું ફક્ત સોળ વર્ષની જ હતી?

- જી, મેં પહેલું અને બીજું ધોરણ સાથે કર્યું એટલે ભણતરમાં એક વર્ષ ઓછું થઈ ગયું હતું. અગિયારમુ ધોરણ પાસ કરતાં, સોળ વર્ષની ઉંમરે જ મેં કૉલેજમાં પગ મૂક્યો.

- ઓહ! હું ત્રેવીસ વર્ષનો હતો. તેં એક વર્ષમાં બે ધોરણ ભણી લીધાં અને મેં એક ધોરણમાં બબ્બે વર્ષ વિતાવ્યાં. આઠમાં ધોરણમાં બે વર્ષ અને દસમા ધોરણમાં બે વર્ષ.

- શું કરતો હતો ક્લાસમાં?

- મારું માનવું હતું કે જ્યાં સુધી ભણવાનું બરાબર પાકું ન થઈ જાય, ત્યાં સુધી આગળના ધોરણમાં ન જવું.

- તું ખૂબ રમુજી લાગે છે. શું ટીચર્સ પણ એવું માનતા હતા?

- ના રે, દસમામાં બીજી વાર ફેઇલ થયો તો સ્કૂલ છોડવી પડી! પછી એક વર્ષ કોચિંગ ક્લાસમાં ગયો. ઘરે રહીને જ ભણ્યો અને એસ.એસ.સી.ની પરીક્ષા આપી તો પાસ થઈ ગયો.

- ઇન્ટરેસ્ટીંગ! આગળનો ઇતિહાસ જણાવ. 

- પછી કૉલેજમાં આર્ટ્સ ભણવાનું વિચાર્યું તો મને કૉમર્સમાં એડ્મિશન અપાવી દીધું. પ્રિ-કૉમર્સમાં ઇકોનૉમિક્સ અને એકાઉન્ટન્સી બંને વિષયમાં ફેલ થયો તો એ.ટી.કે.ટી. મળી. 

- હમ્મ..અલાઉડ ટૂ કીપ ટર્મ. ત્યારે આ શબ્દો ખૂબ જાણીતા હતા.

- કારણકે મારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓને મળતી. પ્રોફેસરે બોલાવીને કહ્યું કે જો એકાઉન્ટન્સી ક્લિયર કરું તો ફર્સ્ટ યર બી. એ. માં એડમિશન મળી શકે. એ શર્તે મેં કૉમર્સથી આર્ટ્સમાં પ્રસ્થાન કર્યું.

- ઓહ! એટલે પ્રિ-આર્ટ્સમાં તું ફક્ત ઇકોનૉમિક્સના લેક્ચરમાં જ જોવા મળતો. આર્ટ્સ અને કૉમર્સનો આ એક જ વિષય કૉમન રહેતો કે જેના લેક્ચર્સ પણ કૉમન રહેતાં. તું મારાથી ઉંમરમાં મોટો હોઈશ એવું લાગતું હતું પણ કેટલો મોટો હોઈશ તે ખબર નહોતી.

- હું તારા કરતા સાત વર્ષ મોટો છું.

- એટલે જ કદાચ ડરતી હતી, સરખી ઉંમરનો હોત તો પીઠ પર હલકો ધબ્બો મારીને પણ વાત કરી શકત. મજાક કરી રહી છું, એટલી હિંમત જ ક્યાં હતી? અશ્વિન, મને લાગતું કે તું અભિનય જગત સાથે જોડાયેલો છે એટલે કૉલેજ રેગ્યુલર નહોતો આવી શકતો, પણ અહીં તો મામલો કંઈ જુદો જ નીકળ્યો, ભણતરથી જ દુશ્મની હતી!

- પણ તારી સાથે તો દોસ્તી થઈ શકી હોત ને? મેં તો વાત કરવાની કોશિશ પણ કરી હતી. જો તેં થોડો પણ રિસ્પોન્સ આપ્યો હોત તો હું રેગ્યુલર આવવા લાગ્યો હોત. 

- હમ્મ....આજે પણ આશ્ચર્ય થાય છે, કૉલેજમાં મેં તારી તરફ એક ડગલું પણ આગળ ન વધાર્યું, છતાં તને આટલા વર્ષો સુધી મારી યાદોમાં સાચવી રાખ્યો.

- એટલે જ ઈશ્વરે મને તારી સાથે મળાવ્યો.

- સોશિયલ મીડિયા, ફેસબુક ની પણ કમાલ છે! 

- તારે ઝુકરબર્ગને થેંક્સ કહેવું જોઈએ મલ્લિકા. ૯૩૦૦ માઇલ દૂર બેઠેલી એક વ્યક્તિને કેવી રીતે શોધી શકત તું?

- સાચું કહ્યું. આમ તો તારે પણ ઝુકરબર્ગને થેંક્સ કહેવું જોઈએ. મને મળીને તું તારા વતનમાં વિતાવેલા સુંદર અતીતથી રૂબરૂ થઈ શક્યો. આગળ પણ આપણે આવી ઘણી વાતો શેયર કરીશું. આજે બસ આટલું જ. બાય.

- બાય.

 

 

 

 

18 જુલાઈ 2018, બુધવાર રાતના 10.30 

--------------------------------------------------- 

- કંઈક તો યાદ આવે છે મલ્લિકા, શું તું બંગાળી છું?

- હું બંગાળી છું, મિત્ર.

- આજે બાંગ્લામાં એક પંક્તિ કે જે ‘આનંદ’ ફિલ્મમાં છે, તે યાદ આવી ગઈ.

- કઈ?

- ‘આમિ તોમાકે ભાલોબાસિ.’ હું આ વાત મૈત્રીપૂર્ણ ભાવથી કહી રહ્યો છું, કારણ કે આનો અર્થ મને ખબર છે.

- ઓહ માય ગૉડ! અશ્વિન, સોળ વર્ષની ઉંમરે જે પંક્તિ તારી પાસેથી સાંભળવાની અદમ્ય ઈચ્છા હતી, તે એકસઠ વર્ષે વાંચવા મળી અને તે પણ બાંગ્લામાં! શું આ ચમત્કાર નથી? તેં મારા મનને કેવી રીતે વાંચી લીધું?

- મનુષ્યના સબકોન્શિયસ માઇન્ડમાં જો કોઈ સપનું અધૂરું રહ્યું હોય તો તે કોઈ પણ સમયે સાકાર થઈ શકે છે! તેં કૉલેજ છોડ્યા પછી પણ આશરે એકતાળીસ વર્ષ સુધી મને યાદ રાખ્યો, તો એટલું તો સમજાયું કે આજે પણ તારા મનમાં મારા માટે થોડી ફીલિંગ છે.

- અદ્ભુત! વિચાર કે આ ધરતી પર કોઈ એવું હોઈ શકે કે જે વર્ષોથી તેના પ્રિયજનને શોધી રહ્યું હોય, પેલી એક પંક્તિ કહેવા માટે અને મળ્યા પછી તે વ્યક્તિ ખુદ જ કહી દે તે પંક્તિ? કેવો રોમાંચક અનુભવ! 

- મલ્લિકા, તારી વાણી તારા શબ્દો જેટલી જ સહજ છે.

- પ્રેમ એ એક લાગણી છે, તેને અનુભવવાની જરૂર છે.

- હું પણ એવું જ માનું છું કે પ્રેમ એક લાગણી છે. પ્રેમ વિના કોઈ માનવ સંબંધ શક્ય નથી. માનવ જીવનના તમામ સંઘર્ષો આખરે પ્રેમ માટે છે.

- સાચી વાત. આપણા કૉલેજની ‘આકાર’ પત્રિકામાં ‘શાહ પંકજ અમૃતલાલ’ નામના વિદ્યાર્થીએ એક નાની લવ-સ્ટોરી લખી હતી. મને વાર્તાના અંતે લખેલી ગઝલની એ ચાર પંક્તિઓ ખરેખર ગમી ગઈ હતી. 

- કઈ પંક્તિઓ હતી?

- મોકલું છું.

એ વર્ષાની ઝરમર, એ મોસમ દુલારી,

ન પૂછો અમે કેમ કરીને ગુજારી!

મસ્ત નશીલી આંખો તમારી,

કરી યાદ હર પળ વિસારી-વિસારી!

- વાહ! બેહદ ખૂબસૂરત પંક્તિઓ.

- પછી ખબર પડી કે આ ગઝલના રચનાકાર આસિમ રાંદેરી છે. ખેર, એ સમયે મેં આ ગઝલની સાથે લય મેળવતા કેટલીક પંક્તિઓ તારા માટે લખી હતી, જે મારી ડાયરીમાં આજે પણ સુરક્ષિત છે.

- શું લખ્યું હતું? મને મોકલ. 

- આજે મોકો મળ્યો છે તો મોકલી દઉં છું.

મીઠી મધુરી છે યાદ તમારી,

છીનવી લઈ જાય નીંદર મારી.

સપના યે વીતે તમને નિહાળી,

ખયાલોમાં તમને વિચારી વિચારી!

 

તમન્ના અધૂરી રહી જાય મારી,

મુજથી જુદા છે રાહ તમારી.

થાકીને લોચન હું દઉ છું રે ઢાળી,

ગીતોમાં તમને ઉતારી ઉતારી!

 

પ્રીત તમારી છે જગથી યે ન્યારી,

જોઉં છું હર પળ હું વાટ તમારી.

ખીલશે જ્યારે ગુલાબોની ક્યારી,

એ પળ હશે એક યુગથી યે ન્યારી!

 

- વાહ! અદભુત.

- આ બાર પંક્તિઓ તારા માટે. આ એક અનમોલ પળની પ્રતીક્ષામાં મારાં પિસ્તાળીસ વર્ષ વીતી ગયાં! એ પળ આપવા માટે અંતરના ઊંડાણથી આભાર, મિત્ર. 

- હું અવાચક છું મલ્લિકા, શું કહું?

- જીવનની સંધ્યા વેળાએ જો તું ન મળ્યો હોત અશ્વિન, કદાચ વીતેલા જીવનનું આકલન શક્ય ન બન્યું હોત! 

- હવે મળ્યાં જ છીએ તો કરી લઈશું વીતેલા જીવનનું આકલન. 

- જરૂર, હવે કાલે વાત થશે, બાય.

- બાય.

                       

 

 

 

19 જુલાઈ 2018, ગુરુવાર રાતના 11.50 

--------------------------------------------------- 

- આજે મારા હિન્દી પ્રવાસ વૃતાંત ‘મેરા સ્વર્ણિમ બંગાલ’ ના પ્રુફ રીડીંગનું કાર્ય પૂર્ણ કર્યું. હું મોડી રાત સુધી લખતી રહું છું. હમણાં તેં મોકલેલી તારી તસવીર જોઈ, સારુ લાગ્યું. 16 જુલાઈની પોસ્ટમાં તેં લખ્યું હતું કે તું એક સારો મિત્ર બની શક્યો હોત જો મેં શરૂઆત કરી હોત. એ પોસ્ટના જવાબમાં મેં 17 જુલાઈની પોસ્ટમાં એટલું જ લખ્યું હતું કે એ નાદાન ઉંમરમાં સૌથી વધુ ડર અસ્વીકૃતિનો હોય છે.

- યાદ છે.

- કહેતાં કહેતાં એ દિવસે હું રોકાઈ ગઈ હતી, અશ્વિન, આજે કહેવા માંગું છું.

- શું કહેવા માંગે છે?

- હકીકતમાં હું તને પ્રેમ કરવા લાગી હતી. અસ્વીકૃતિનો ડર તો હતો જ મને, પણ એથી યે ભયાનક ડર આપણી વચ્ચે ઊભેલી ધર્મની દીવાલનો હતો! એ ઊંચી દીવાલને ઓળંગીને તારા સુધી પહોંચવાની મારી હિંમત જ નહોતી

- ઓહ ગૉડ! શું વાત કરે છે?

- તને જાણીને આશ્ચર્ય થયું ને? પણ આ જ સાચું હતું. બાળપણમાં જે ઘટનાઓથી આપણે રૂબરૂ થઈએ છીએ, તેની આપણા બાળમાનસ પર ઊંડી અસર પડે છે. તે જ આપણા સંસ્કાર બનીને ઉભરી આવે છે.

- બિલકુલ સાચું કહ્યું તેં. આપણા જમાનામાં પ્રેમ જેવા વિષય પર ઘર-પરિવારમાં ચર્ચા કરવાનું શક્ય જ નહોતું.

- મારું બાળપણ તો ખરા અર્થમાં સોનેરી હતું અશ્વિન, બિલકુલ સુમિત્રાનંદન પંતજીના ‘સ્વર્ણોદય’ની પંક્તિઓ જેવું :

‘ઉડતે પત્તે બનતે થે તબ ઉડતી ચિડિયાઁ,

ઓને કોને મેં છિપકર રહતી થી પરિયાઁ!

આસપાસ કે ઝુરમુટ, ઠૂંઠ સભી થે હૌવા,

નિત્ય ડાકિયા બન આતા આંગન કા કૌવા.’

 

પરંતુ ચૌદ વર્ષની ઉંમરે, બધું બદલાવાનું શરૂ થયું. 

- કેવી રીતે?

- શાળા જીવનની એક ઘટનાએ મારા નાજુક હૃદય પર ઊંડી છાપ છોડી. 

- કઈ ઘટના?

- વર્ષ ૧૯૭૦માં મારા પપ્પાની બદલી સમલાયા રેલવે સ્ટેશનથી બારેજડી રેલવે સ્ટેશન પર થઈ. રેલવેનું ક્વાર્ટર ન મળી શકવાથી, ત્યાંની પેપરમિલના માલિક અશોકભાઇએ અમને તેમના સ્ટાફ માટે બનાવેલા ક્વાર્ટર્સમાં રહેવાની વ્યવસ્થા કરી આપી. ચાર-પાંચ મકાનો છોડીને એક સરદારજી રહેતા હતા, તેમનો દીકરો બલવિંદર અમદાવાદની કોઈ સારી સ્કૂલમાં અગિયારમા ધોરણમાં ભણતો હતો. હું બારેજડી ગામની સરકારી સ્કૂલ ‘સરસ્વતી સાર્વજનિક વિદ્યાલય’ માં દસમા ધોરણની વિદ્યાર્થિની હતી. 

- ક્યાંક એની જોડે તો પ્રેમ નહોતો થઈ ગયો ને?

- નહીં રે, એના ઘરની સામેથી જ સ્કૂલ જવા માટે નીકળવું પડતું. એકવાર હું સ્કૂલ જવા માટે નીકળી કે તેણે મને ધીરેથી બોલાવી. મારું હૃદય જાણે એક ધબકારો ચૂકી ગયું! પાછા વળીને જોયું તો તેના આંગણે ઊભો રહી મને ઈશારાથી બોલાવી રહ્યો હતો. તેની સાથે બીજો એક છોકરો પણ ઊભો હતો.

- પછી?

- મેં થોડી ક્ષણો માટે વિચાર્યું, પછી આમતેમ જોતા જોતા તેની તરફ આગળ વધી. બીજો છોકરો નરમાશથી હસ્યો અને મને ગડી વાળેલો એક કાગળ આપતા વિનંતી કરી કે હું તે મારી જ ખાસ સહેલી અને સહાધ્યાયી પ્રભાને પહોંચાડી દઉં. મેં જલ્દીથી તેના હાથમાંથી તે કાગળ લીધો અને તેને મારી સ્કૂલબેગમાં મૂકીને ચાલવા લાગી.

- આટલી હિંમત!

- ખાક હિંમત! મારું હૃદય ડરના માર્યા જોરજોરથી ધબકી રહ્યું હતું. સ્કૂલ પહોંચીને પ્રભાને છાનામાના પેલો કાગળ આપતાં મેં હળવેથી કહ્યું, ‘એક છોકરાએ તારા માટે મોકલ્યો છે.’ તે કાગળ લઈ એક ખૂણામાં જતી રહી.

- પછી શું થયું?

- તે એક પત્ર હતો. બીજા દિવસે પ્રભાએ મને એક પત્ર આપ્યો અને કહ્યું કે અનુજને આપી દેજે. ત્યારે ખબર પડી કે તેનું નામ અનુજ હતું. મેં ડરતાં ડરતાં પૂછ્યું, ‘આપી તો દઈશ,પણ તેણે તને પત્ર કેમ લખ્યો? તેનો જવાબ હતો, ‘તે મને પ્રેમ કરે છે, પણ મેં તેને કહી દીધું છે કે આગળ કશું જ થઈ શકે તેમ નથી. મારી અને તેની જાતિ અલગ છે.’

- ઓહ! અહીં મામલો જાતિનો હતો.

- હા, મેં પ્રભાને પૂછ્યું, ‘તોય તે તને પત્ર લખે છે?’

- શું કહ્યું તેણે?

- પ્રભાએ કહ્યું, ‘તે લખે છે અને હું જવાબ આપું છું. મારાથી બે વર્ષ સિનિયર છે. આ જ સ્કૂલમાં ભણતો હતો ત્યારે સ્કૂલના જ મિત્રની સાથે પત્ર મોકલતો. હવે તેનું સ્કૂલનું શિક્ષણ પૂરું થયું છે, તેથી તે સ્કૂલમાં આવી શકતો નથી. તેને ખબર છે કે તુ મારી ખાસ મિત્ર છે. તારા ઘરની નજીક રહેતો બલવિંદર તેનો મિત્ર છે એટલે તેણે આ ઉપાય શોધ્યો હોય તેવું લાગે છે.’ પ્રભાએ એક જ શ્વાસમાં આટલું બધું કહી દીધું.

- પછી?

- મેં પૂછ્યું, ‘તને ડર નથી લાગતો?’ તેણે કહ્યું, ‘લાગે છે, પણ જો જવાબ ન આપું તો તે માયૂસ થઈ જાય છે.’

- ઓહ! પછી શું થયું?

- પત્રોની આપલે થોડા દિવસો સુધી ચાલી, પછી એક દિવસ અનુજે મને પ્રભાને પહોંચાડવા માટે મોટા રૂમાલની એક પોટલી આપી. તેમાં ઘણા બધા પત્રો હોવાનું જણાતું હતું. મને કશું સમજાયું નહીં. બહુ ડર લાગી રહ્યો હતો. સ્કૂલે પહોંચતાંની સાથે જ મેં તે પોટલી પ્રભાને આપી દીધી.

- પ્રભાએ કંઈ કહ્યું?

- બીજા દિવસે પ્રભાએ કહ્યુ્ કે પરિવારમા તેના લગ્નની વાત ચાલી રહી છે એટલે અનુજે તેણીએ લખેલા બધા પત્રો પરત કરી દીધા છે. હું અવાક્ રહી ગઈ! લાગ્યું તેની આંખો હમણાં છલકાઈ જશે. મેં તેનો હાથ પકડ્યો, મારી આંખો પણ છલકાઈ ગઈ. શું બોલવું તે સમજાતું નહોતું. 

- તે જમાનામાં ગામડાઓમાં છોકરી પંદર વર્ષની થતાં જ તેના લગ્નની ચર્ચા શરૂ થઈ જતી.

- સાચું કહ્યું તેં.

- અને જે પત્રો અનુજે પ્રભાને લખ્યા હતા, તે?

- મને લાગ્યું હતું કે બીજા દિવસે તે પણ આવી એક પોટલી આપશે, પણ એવું કશુ થયું નહીં. જયારે મેં પૂછ્યું ત્યારે તેણીએ કહ્યું, ‘અનુજે પોતાના છેલ્લા પત્રમાં લખ્યું છે કે તે તેના પત્રો પાછા નહીં લઈ શકે. હું જ તે પત્રોનો નાશ કરી દઉં.’

- અને તેણીએ બધાં પત્રો ફાડી નાખ્યા. બરાબર ને?

- અશ્વિન, છોકરી બીજું કરી પણ શું શકે? જાતિભેદની દીવાલ સામે પ્રભાના પ્રેમે પત્રોમાં જ ઊછરીને પત્રોમાં જ દમ તોડી દીધો. જેની હું સાક્ષી બની.

- પ્રેમ કોઈ જાતિ કે ધર્મનો મોહતાજ નથી હોતો.

- આપણા માનવાથી કંઈ નથી થતું. બીજી ઘટના પાડોશી ગામમાં બની હતી.

- કઈ?

- એક હિન્દુ છોકરી તેના જ ગામના એક મુસ્લિમ છોકરા સાથે પ્રેમમાં હતી અને તે નિષ્ફળ જતાં તેના પ્રેમીએ આત્મહત્યા કરી લીધી.

- ઓહ! અહીં ધર્મ દીવાલ બની ગયો.

- ચૌદ વર્ષની નાદાન વયે, પ્રેમના આ બે કિસ્સાઓએ મારું હૃદય હચમચાવી નાખ્યું. મેં જાણી લીધું હતું કે છોકરા અને છોકરી વચ્ચે જાતિ કે ધર્મનું અંતર હશે તો પ્રેમ ટકી શકશે નહીં.

- હવે શું કહું?

- માય ડિયર અશ્વિન, તારી તરફ આગળ ન વધવા માટેનું આ પણ એક મુખ્ય કારણ હતું. હું હિન્દુ અને તું ઈસાઈ! તને જોતી ને મનમાં એક કશ્મકશ થવા લાગતી. લાખ પ્રયત્નો કર્યા કે તને એટલું તો કહી શકું કે તું મને ગમે છે. દરેક વખતે ધર્મની દીવાલે મને આટલું કહેતા પણ રોકી રાખી!

- શું એટલે જ હું તારી સ્મૃતિમાં સચવાઈને રહી ગયો? શું કોઈ વ્યક્તિ, બીજી વ્યક્તિ માટેની ફીલિંગ્સને પિસ્તાળીસ વર્ષ સુધી તેના હૃદયમાં સિક્યોરલી પ્રોટેક્ટેડ રાખી શકે? મને અશક્ય લાગે છે. 

- ફરીથી, એક દિવસ તે જ વ્યક્તિ, બીજી વ્યક્તિ માટેની ફીલિંગ્સને તેની સમક્ષ વ્યક્ત કરી શકે, શું તે વધુ અશક્ય નથી લાગતું?

- સંપૂર્ણપણે લાગે છે.

- મારા વિચારોમાંથી તને મિટાવવાની કોશિશમાં, મેં મારી વિરુદ્ધ જ એક અઘરી લડાઈ લડી અશ્વિન!

- ફીલ કરી રહ્યો છું. શું કહું?

- રાત ઘણી વીતી. અહીં જ વાર્તાલાપ પૂરો કરીએ, બાય.

- બાય.

 

 

 

 

20 જુલાઈ 2018, શુક્રવાર સવારના 9.00

--------------------------------------------------- 

- કાલે તારી વાતો પર વિચારતો રહ્યો કવિ મિત્ર, કેટલી સરળ અને સહજ ભાષા છે તારી! સીધી દિલને સ્પર્શે છે. પહેલાં આપણે એકબીજાને ઓળખી તો લેત! જો મુશ્કેલી ઊભી થાત તો આપણા રસ્તા અલગ કરી લેત. તું એક સ્ત્રી છે અને કવિહૃદય ધરાવે છે એટલે દૂરનું વિચારી શકી! ખેર, તારો અલગ ધર્મનો ડર મારા જીવનમાં હકીકત બનીને આવ્યો.

- કેવી રીતે?

- જીવનમાં એવું ઘણું બધું બની જાય છે મલ્લિકા કે જેના પર આપણો કાબૂ નથી હોતો. એવું જ મારા પ્રણય સંબંધમાં બન્યું.

- અરે વાહ! તેં પ્રમલગ્ન કરેલાં છે?

- સ્મૃતિ સાથે મારો પરિચય ‘ગુજરાત આર્ટસ એન્ડ કૉમર્સ કૉલેજ’ના ડ્રામા વિભાગમાં થયો હતો. તે ગુજરાત કૉલેજની જ વિદ્યાર્થીની હતી. અમારા ડાયરેક્ટર, બાદલ સરકારના ત્રિઅંકી નાટક “એવમ્ ઈન્દ્રજીત” ના મંચન ની તૈયારી કરી રહ્યા હતા. નાટકમાં બે સ્ત્રી પાત્રો હતા, જ્યારે અમારી ટીમમાં એક જ અભિનેત્રી હતી. ડાયરેક્ટરે કૉલેજના નોટિસ બોર્ડ પર લખાવ્યું કે નાટક માટે એક સ્ત્રી પાત્રની જરૂર છે. બે વિદ્યાર્થીનીઓની અરજી મળી જેમાંથી એક સ્મૃતિ હતી. તેને પસંદ કરવામાં આવી. હું નાટકમાં લેખકનું મુખ્ય પાત્ર નિભાવી રહ્યો હતો અને સ્મૃતિ મારાં માસીનું પાત્ર.

- વાહ, આ તો સુનિલ દત્ત અને નરગીસની વાર્તા જેવું બન્યું! ફિલ્મ ‘મધર ઇન્ડિયા’ માં નરગીસે સુનિલ દત્તની માતા ની ભૂમિકા ભજવી હતી ને? પ્રેમ કહાની કેવી રીતે આગળ વધી?

- નાટકના રિહર્સલ બાદ બધા કલાકારો નજીકની ઉડીપી કાફેમાં ચા-નાસ્તો કરવા જતાં. મારા સાથી કલાકારો નાટકના સ્ત્રી પાત્રો વિશે જે રીતે વાત કરતાં, તે મને જરા પણ યોગ્ય ન લાગતું. અમે બધા તો ખેર યુવાન હતા, પણ એક કલાકાર સિનિયર હતા. પરિણિત હતા અને શિક્ષક પણ. સ્ત્રી કલાકારો વિષેની એમની ટિપ્પણીઓ મને ઠેસ પહોંચાડતી. એમને ટોકતાં-ટોકતાં હું પોતે સ્મૃતિ માટે પ્રોટેક્ટિવ બનવા લાગ્યો. તેના પ્રત્યે ક્યારે આકર્ષાયો અને પ્રેમમાં પડી ગયો, તે ખબર જ ન પડી! 

- જોયું? છેવટે, એ જ શરમાળ યુવક કે જેને છોકરીઓ તરફ જોવાની યે હિંમત નહોતી થતી, નાટકના રિહર્સલ કરતાં કરતાં પ્રેમમાં પડી ગયો!

- નિકટતા મળીને! સ્મૃતિ એક મોટા ઘરની દીકરી હતી. ગુજરાતી બ્રાહ્મણ પરિવાર હતો. તે જ્યારે સાવ નાની હતી ત્યારે જ માતાનું મૃત્યુ થયું હતું. તેના ભાઈઓ અને પિતાજી અમેરિકા ચાલ્યા ગયા. અને એક છોકરી હોવાને કારણે તેને સિદ્ધપુર ગામમાં નાના-નાની સાથે રહેવું પડ્યું. ત્યાં જ તેનો ઉછેર થયો.

- ઓહ!

- સ્કૂલનું ભણતર પૂરું કર્યા પછી તેણીએ અમદાવાદની ગુજરાત કૉલેજમાં એડ્મિશન લીધું. સિદ્ધપુર અમદાવાદથી દૂર હતું તેથી તેણી અમદાવાદની ગવર્નમેન્ટ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી હતી. પરિચય પ્રેમમાં પરિણમ્યો. અમે કદી બગીચામાં કે કદી રેસ્ટોરન્ટમાં મળતાં. બધું સારી રીતે ચાલી રહ્યું હતું પણ સ્મૃતિના પરિવારે તેને અમેરિકા મોકલવાનું નક્કી કર્યું.

- તમે લોકોએ શું કર્યું?

- અમે લોકોએ છૂપા કોર્ટમેરેજ કરી લીધાં. આ કાર્યમાં મારા એક મિત્ર રામચંદ્ર દેસાઈએ મદદ કરી. સ્મૃતિ થોડા દિવસ માટે તેના મામાના ઘરે મુંબઈ જતી રહી. પછી પાછી સિદ્ધપુર પોતાના ઘરે આવી ગઈ. મારા પરિવારમાં પણ નારાજગી તો હતી જ પણ મેં ભારપૂર્વક કહી દીધું કે તે હવે મારી પત્ની છે.

- ઓહ! પછી?

- મજેદાર વાત તો એ છે કે એક જ છોકરી સાથે મેં ત્રણ વાર લગ્ન કર્યા, છતાં એકવાર પણ મારા મિત્રોને ન બોલાવી શક્યો.

- અરે! ત્રણ વાર કેમ?

- પહેલી વાર કોર્ટમાં, પછી ખ્રિસ્તી ધર્મની શાખા પ્રોટેસ્ટેંટ ધર્મ પ્રમાણે અને છેલ્લે રોમન કેથોલિક ધર્મ પ્રમાણે કે જેના અમે અનુયાયી છીએ.

- એટલે ધાર્મિક પરંપરાઓ પણ નિભાવવી પડી.

- શું કરું? હું મારા માતાપિતાને નારાજ નહોતો કરવા માંગતો અને ધર્મગુરૂઓને પણ નહીં!

- ચલો, કંઈ વાંધો નહીં. અંત તો સારો થયો.

- અંત સારો હોત તો શું વાત હતી? પત્ની પક્ષના લોકોએ મારો સ્વીકાર જ ન કર્યો.

- અશ્વિન, જાતિવાદ અને ધર્મવાદનો આ સળગતો પ્રશ્ન સદીઓથી આપણા ઇતિહાસના પાના પર કાળા ધબ્બાની જેમ ચોંટેલો રહ્યો છે.

- આ આપણા સંકુચિત સમાજની લાક્ષણિકતા છે! અમારું પહેલું સંતાન એક દીકરો હતો જે આ દુનિયામાં આવી જ ન શક્યો. ત્રીજા મહિને જ સ્મૃતિને મિસકેરેજ થઇ ગયું. અમને ઘણું દુખ થયું. પછી દીકરી હીરવાનો જન્મ થયો. વર્ષ ૧૯૮૦માં સવા વર્ષની હીરવા સાથે સ્મૃતિ તેના ભાઈ અને પિતા પાસે અમેરિકા પહોંચી.

- અચ્છા, તો પહેલાં સ્મૃતિ પહોંચી ત્યાં?

- મલ્લિકા, તું તો જાણે જ છે કે ગીત, સંગીત અને અભિનય મારી રગોમાં વહેતું હતું. મારી ખુશીઓ અમદાવાદમાં જ હતી. હું ઇસરોમાં જોબ કરતો હતો, સાથે નાટકોમાં, દૂરદર્શનની સિરિયલોમાં અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય પણ કરી રહ્યો હતો. અમેરિકા જવાની મારી જરા પણ ઇચ્છા નહોતી. આ મૂંઝવણમાં જ આશરે ચાર વર્ષ વીતી ગયા. એક તરફ ઇસરોમાં સ્ટેટ એજ્યુકેશન ટીવીમાં ડેપ્યુટેશન પર સારો ચાન્સ મળ્યો અને બીજી તરફ અમેરિકા જવાના વિઝા.

- અશ્વિન, દરેકના જીવનમાં આ પ્રકારની અનપેક્ષિત ઘટનાઓ બનતી રહે છે. કદાચ પ્રમાણ ઓછું-વત્તું હોય. ચલો, છેવટે તો સારું જ થયું ને?

- અહીંથી જ મુશ્કેલીઓનો દોર શરૂ થયો. મારું જીવન જ એવી રીતે વીત્યું છે કે સુખ મને હંમેશાં હાથતાળી દઈ ભાગતું રહ્યું અને દુખ મારી સામે જ આવતું રહ્યું.

- પ્રેમ માટે થઈને તો તેં તારું જીવન દાવ પર લગાવ્યું.

- મલ્લિકા, મારા માતાપિતાએ તો મારી ઇચ્છાઓનું સન્માન કર્યું, પણ સ્મૃતિના પરિવારજનોએ નારાજગી ન છોડી. અમે બંને મક્કમ હતા એટલે વાંધો ન આવ્યો.

- એક ગુજરાતી કહેવત છે કે, ‘મન હોય તો માળવે જવાય.’ દ્રઢ ઇચ્છાશક્તિ હોય તો મંઝિલ સુધી પહોંચી શકાય છે. તારા કેસમાં આ વાત સાચી પડી.

- સાચી તો પડી, પણ દૂરગામી પરિબળોની અસરો બહુ ભારે પડી.

- મારો ઇરાદો તને દુખ પહોંચાડવાનો નહોતો, અશ્વિન!

- મેં એવું ક્યારે કહ્યું? હું તો ગુલઝારની આ પંક્તિઓમાં મારી વાત કહેવા માંગુ છું.

જિંદગી યૂં હુઈ બસર તન્હા,

કાફિલા સાથ ઔર સફર તન્હા...

- તું તો કલાકાર છે, શેરો-શાયરીના માધ્યમથી તારી વાત રજૂ કરી શકે છે.

- આપણો સમાજ બહુ જ કોમ્પલેક્સ છે મલ્લિકા. જો અહીં કોઈ વ્યક્તિ પોતાના જીવનનો નિર્ણય જાતે લે તો ચારે બાજુથી વિરોધ ઊઠે છે. ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો અમારે. તેની વાત ફરી ક્યારેક.

- જી, રાહ જોઈશ. બાય.

- બાય.

Share

NEW REALESED