Tari Sangathe - 11 in Gujarati Love Stories by Mallika Mukherjee books and stories PDF | તારી સંગાથે - ભાગ 11

Featured Books
Categories
Share

તારી સંગાથે - ભાગ 11

ભાગ 11

 

02 ઓગસ્ટ 2018, ગુરુવાર રાતના 10.25

----------------------------------------------------

- અશ્વિન, તારે ત્યાં સવાર થઈ ગઈ. ચા-નાસ્તો કર્યો?

- હા જી, કરી લીધો. કહો.

- આજની સાંજ ખૂબ જ સુંદર હતી. ભાઈને ઘરે ખૂબ મજા આવી. મારા ભાઈના પરિવારના બધા સભ્યો ફોટોગ્રાફીનો ખૂબ શોખ ધરાવે છે અને હું પણ. ફેસબુક પર ફોટા મૂકીશ, તું જોજે.

- ચોક્કસ જોઈશ.

- હવે તારી વાત કર.

- મારી જાત ઉપર ગુસ્સો આવે છે. 

- કેમ?

- અરે ભાઈ, મારા મોંમાં તો મગ ભર્યા હતા, છોકરી સામે બોલવાની પણ હિંમત નહોતી! હવે લાગે છે, ઘણી ભૂલ કરી.

- ભૂલ તો થઈ જ છે, હીરો! કોણે કરી, એનો જવાબ શોધવાનો છે.

- એક છોકરીની આન્સર શીટ ચોરીને કૉપી કરી. તેને 'થૈંક યૂ' પણ કહી શક્યો નહિ. મને મારી જાત પર શરમ આવે છે. જો એક વાર તારી આંખોમાં જોયું હોત, તો તને રોજ સાયક્લ પર સ્ટેશને મૂકવા ન આવત, બોલ?

- નૉટી બોય! મારું સ્ટેશન જવાનું ભાડું પણ બચી ગયું હોત. તે પૈસાથી આપણે અમદાવાદ રેલ્વે સ્ટેશનની પહેલા માળની કેન્ટીનમાં ઇડલી કે ઢોસા ખાધાં હોત.

- ચોક્કસ ખાધાં હોત! પછી તો હું તને બારેજડી સુધી મૂકવા આવ્યો હોત. 

- અહા! હું તારી હિંમતને બિરદાવું છું, ડ્યૂડ. મને એ જમાનો પણ યાદ આવી ગયો, હું અને મારી બારેજડીવાળી સખી શીલા ચક્રવર્તી જયારે સાડા અગિયાર વાગ્યાની ટ્રેન મિસ કરતાં, ત્યારે અમે સ્ટેશનના પહેલા માળે આવેલી રેલ્વે-કેન્ટીનમાં જઈને ચાલીસ પૈસાની ઇડલી કે નેવું પૈસાનો ઢોસો ખાતાં. સ્પેશિયલ મસાલા ઢોસો એક રૂપિયો વીસ પૈસામાં મળતો, જે મોટાભાગે અમે અફોર્ડ કરી શકતા નહિ.

- મેં પણ ઇડલી કે ઢોસા જ ખાધા હોત જી, સ્પેશિયલ મસાલા ઢોસો ન માંગ્યો હોત.

- હું ખવડાવત પણ નહિ. પછી તારા કારણે, ક્યારેક સાડા બાર વાગ્યાની બીજી ટ્રેન પણ મિસ થવા લાગી હતી.

- કેવી રીતે?

- જે દિવસે તું કૉલેજ ન આવતો, હું કૉલેજ છૂટવા સુધી તારી રાહ જોયા કરતી. કદાચ તું આવે! પછી બસ સ્ટેન્ડ તરફ ચાલી નીકળતી. શીલા મારે માટે રોકાતી નહીં. એકલી સ્ટેશને પહોંચીને, હું દોઢ વાગ્યાની ટ્રેનની રાહ જોતા વેઇટિંગ રૂમમાં બેસી રહેતી. કકડીને ભૂખ લાગતી પણ કેન્ટીનમાં એકલા જતાં ડર લાગતો હતો. પપ્પાને, ઘેર મોડેથી પહોંચવાનું ખોટું કારણ આપતી કે આજે એક્સ્ટ્રા ક્લાસિસ હતા. 

- તું આ શું કહી રહી છે?

- સાચું કહું છું. ક્યારેય જૂઠું ન બોલનારી આ છોકરી તારે માટે કેટલી વાર જૂઠું બોલી!

- ઓહ! પ્રેમમાં બધું માન્ય છે, એટલે જ કહેવાતું હશે?

- કદાચ. ઘેર પહોંચીને થોડું જમ્યા પછી, મુખ્ય રૂમમાં જ્યાં સોફા સાથે એક ડબલ બેડ પણ હતો, તે બેડ નીચેની ખાલી જગ્યામાં એક પાતળી ચાદર પાથરીને, ઓશિકામાં મોં છુપાવીને રડતી. ક્યારેક મોં પર હથેળી રાખીને રડતી, જેથી કોઈ સાંભળી ન લે.

- ઓહ પ્રીતિ! બાલી ઉંમરના જે નિર્દોષ પ્રેમને તેં આજ સુધી પોતાના દિલમાં સાચવી રાખ્યો છે, તે આ ઉંમરે પણ મારા દિલને દીવાનું બનાવે છે, અને હું કૉલેજના પેલા અલ્લડ છોકરાની જેમ ફીલ કરવા લાગું છું.

- કદાચ, પ્રેમ વ્યક્ત કરવાની કોઈ ઉંમર નથી.

- મારા પ્રેમના કિસ્સામાં સ્મૃતિએ પહેલી શરૂઆત કરી હતી. 'એવમ્ ઇન્દ્રજીત' નાટકના રિહર્સલ દરમિયાન, બીજા છોકરાઓ સાથે થોડું કોમ્પિટિશન જેવું પણ થઈ ગયું હતું. રેસ્ટોરન્ટ અને બગીચામાં જવાનો આઈડિયા પણ તેનો હતો. રોજ સાંજે લૉ ગાર્ડનથી ગર્લ્સ હોસ્ટેલ સુધી સાયકલ પર તેને મૂકવા જતો. આમ તો ઘણાં પાપડ વણ્યા છે મેં.

- એટલે કે, જો મેં શરૂઆત કરવાની હિંમત કરી હોત, તો તારા જીવનમાં સ્મૃતિ કરતાં પહેલાં મારી એન્ટ્રી થઈ ગઈ હોત, એમ જ ને 

- હા, એમ જ.

- ઓ પાપડ બેલુ, સ્મૃતિને મળ્યા પહેલાં જો તું મને મળ્યો હોત, તો આપણે કેન્ટિનમાં ન ગયાં હોત, અને લૉ ગાર્ડનમાં પણ ન ગયાં હોત. કૉલેજની બાજુમાં આવેલી સાબરમતી નદીના કાંઠે રેતીમાં જઈને બેસત. કેટલા વિદ્યાર્થીઓ ત્યાં પોતપોતાના ગ્રુપમાં બેસીને કેન્ટિનમાંથી દાળવડાં મંગાવીને ખાતા! આપણે કંઈ ન મંગાવત, બસ વાતો કરત.

- આહ, હું કેટલા પૈસા અને સમય બચાવી શક્યો હોત!

- અને પાપડ પણ ના વણવા પડ્યા હોત, ડિયર.

- પછી, કદાચ તારા રસોડામાં રોટલીઓ વણતો હોત! 

- ધત! સ્મૃતિના બહાને તેં ફરીથી એ જ કહ્યું ને કે તું કંઈ ન કરત, જે કરવાનું હતું તે તારી સામેની વ્યક્તિએ જ કરવાનું હતું ! સાચે જ, તું તારા મોંમાં મગ ભરીને ફરતો હતો, શૈતાન! હવે તારે ડબલ કરીને પાછું આપવું પડશે. 

- હવે શું કહું ? ફિલ્મ ‘દુલ્હા-દુલ્હન’નું આ ગીત વાંચ, થોડા શબ્દફેર સાથે –

જો પ્યાર તૂને મુઝકો દિયા થા,

વો પ્યાર તેરા મૈં લૌટા રહા હૂં ( દુગુના કરકે),

અબ કોઈ મુઝસે શિકવા ના કીજે,

તેરે ફેસબુક પે ચલા આ રહા હૂં!

- મજાક કરવાની પણ એક હદ હોય છે, યાર!

- શરૂઆત કોણે કરી?

- તેં જ કરી. આમ તો ફેસબુક પરના સંબંધો ખૂબ આભાસી હોય છે. બહુ દૂર સુધી જઈ શકતા નથી. આપણી વાત જુદી છે, ફેસબુક દ્વારા જ આપણે ફરી મળી શક્યાં. 

- એ જ ને, નહિ તો તું મને ક્યાંથી શોધી શકત?

- એક બીજી પણ વાત કહેવા માંગુ છું.

- કહે, બાલિકે..

- કવિ, દાર્શનિક અને ચિત્રકાર ખલીલ જિબ્રાને કહ્યું છે કે, ‘જો તમે કોઈને પ્રેમ કરો છો, તો તેને જવા દો કારણ કે જો તે પાછો આવે તો તે હંમેશા તમારો હતો અને જો તે પાછો ન આવે તો તે ક્યારેય તમારો ન હતો.’

- સાચું કહે, તેં મને જવા જ ક્યારે દીધો? તારા દિલ અને દિમાગમાં બાંધીને રાખ્યો હતો.

- એ સાચું છે, પણ તું મારી પાસે આવ્યો પણ ક્યાં!

- આટલી ભણેલી અને ઇમોશનલ છોકરીને કેવી રીતે સાચવી શક્યો હોત?

- જે રીતે તેં સ્મૃતિને સાચવી છે એ જ રીતે. તે પણ ભણેલી-ગણેલી અને ઇમોશનલ છે. તેં એને હૃદયનાં ઉંડાણથી ચાહી અશ્વિન, ઘણી મુશ્કેલીઓ વેઠી, તેમ છતાં એનાથી દૂર જવાનો વિચાર તને ક્યારેય ન આવ્યો.

- તારી વાત સાચી છે. કોઈએ મને સલાહ પણ આપી હતી કે અમેરિકા જવાનો વિચાર માંડી વાળું અને અમદાવાદમાં જ કોઈ છોકરી સાથે લગ્ન કરી લઉં, પરંતુ મારા દિલે મંજૂરી ન આપી. સ્મૃતિ, દીકરી હીરવા સાથે અહીં ખૂબ જ સ્ટ્રગલ કરી રહી હતી, હું કેવી રીતે ફરીથી લગ્ન કરવાનું વિચારી શકું?

- તું ખરેખર પ્રેમનો સાગર છે, અશ્વિન.

- અમારા લગ્ન જીવનની શરૂઆતમાં, જ્યારે અમે જમવા બેસતા ત્યારે સ્મૃતિ પહેલો કોળિયો બનાવીને છાનીમાની મારી થાળીમાં મૂકી દેતી. અમે સંયુક્ત કુટુંબમાં રહેતા હોવાથી તેણી બધાની સામે મને ખવડાવી શકતી નહોતી. હું પણ તેની થાળીમાં મારો પહેલો કોળિયો મૂકી દેતો. સમયની સાથે આ ફીલિંગ્સ ન જાણે ક્યાં ચાલી ગઈ, મલ્લિકા!

- ક્યાંય નથી ગઈ, ઐશ. પ્રેમ એ મનુષ્યની મનની એવી કોમળ લાગણી છે જે હંમેશાં અંકુરિત થવા માટે મનની ધરતી પર પથરાયેલી હોય છે. સંઘર્ષના દુષ્કાળની ઝપટમાં આવી ભલે તારા સપનાં સ્વાહા થઈ ગયાં, પણ સ્મૃતિ પ્રત્યેનો તારો પ્રેમ હજી પણ તારા હૃદયમાં સલામત છે, નહીં તો તું તેના વિશે આટલું બધું કેવી રીતે લખી શકે?

- કદાચ તું સાચી છે. સાકી ફારુકીનો આ શેર વાંચ. 

મુઝે ખબર થી મેરા ઈન્તિઝાર ઘર મેં રહા,

યે હાદસા થા કિ મૈં ઉમ્ર ભર સફર મેં રહા!

- એ કારણ પણ હોઈ શકે, દોસ્ત.

- પેલો સોળ વર્ષની ઉંમરનો પ્રેમ પત્ર તેં લખ્યો કે નહીં?

 

- લખ્યો, સોળ વર્ષની ઉંમરે જેવું લખી શકત, તેવો. હું પોતે જ હસી રહી છું.

- મને તે પત્ર મોકલ. હું પણ વાંચું કે તેમાં કેવું પાગલપન ભરેલું છે?

- ઐશ, પ્રથમ પત્રમાં પાગલપન ના હોય. તે તો ધીમે ધીમે થવાય. જો આ પહેલો પત્ર યોગ્ય સમયે તારા સુધી પહોંચ્યો હોત, તો કદાચ થોડી પાગલ બની શકી હોત. 

- થોડી? મને તો હજી પણ તું સંપૂર્ણ પાગલ લાગે છે.

- ક્રેડિટ ગોઝ ટુ યુ!

- સારું. સમય મળે ત્યારે પત્ર મોકલજે. હવે ઊંઘી જા. આમ લાંબા સમય સુધી જાગવાની જરૂર નથી. 

- આજે ઊંઘવાનો ઈરાદો નથી. પત્ર મોકલી રહી છું.

- મોકલ.

-  અશ્વિન,

કદાચ આ જ તમારું નામ છે. તમે ત્રિવેદી સરનો ક્લાસ જ કેમ એટેન્ડ કરો છો? મને તે બિલકુલ પસંદ નથી. કેટલું બોરિંગ ભણાવે છે! હું તો મારી નોટના છેલ્લા પાના પર તમને આ પત્ર લખી રહી છું. આજ પહેલાં કોઈને આવો પત્ર લખ્યો નથી. બહુ બીક લાગે છે. હું ગામડેથી પહેલી વાર શહેરમાં આવી છું. માતા-પિતા પાસે જીદ કરીને આ કૉલેજમાં એડમિશન લીધું છે. મમ્મી બી.ડી. મહિલા કૉલેજમાં મને ભણાવવા માંગતા હતાં. તેમને ડર છે કે હું કોઈ છોકરા સાથે દોસ્તી ન કરી લઉં. તેઓ કહે છે, ‘તું હજી ઘણી નાની છે. શહેરના પરિવેશની તને ખબર નથી.’ તમે મને કહો, આ 23 મી ઓક્ટોબરે હું સોળ વર્ષની થઈ જઈશ. એટલી પણ નાની ન કહેવાઉં ને?

આમ તો હું જિદ્દી છું. મેં મારા માતા-પિતા સાથે દલીલ કરીને અહીં એડમિશન લીધું છે કે હું કોઈ છોકરા સાથે દોસ્તી નહીં કરું. પણ બધી ગરબડ થઈ ગઈ. તમે આ કૉલેજમાં કેમ આવ્યા? તમે મને કેમ આટલા ગમો છો? મને ખૂબ ગુસ્સો આવે છે પોતાના ઉપર. હું તમારી પાછળની સીટ પર બેઠી છું, મને એવું થાય છે કે આ નોટબુક જ તમારે માથે મારું, પરંતુ હિંમત કરી શકતી નથી. તમને કંઈક કહું, મારામાં તે હિંમત પણ નથી.

મને ખબર નથી કે આ પત્ર તમારા સુધી પહોંચશે કે નહીં. મારી એક બહેનપણી છે, નીલા શાહ. હું તેને કહીશ કે તમને પહોંચાડી દે. જો તમને તે મળે તો વાંચીને ફાડી નાંખજો, કોઈને કહેતા નહીં. હું ડરપોક પણ છું. માતાનો ડર, મારો ડર બની રહ્યો છે. મારા ઉપર ગુસ્સે ન થતા. તમે મને ખૂબ ગમો છો, પણ મને ત્રિવેદી સર નો ક્લાસ જરાય ગમતો નથી.

મલ્લિકા      23 જુલાઈ 1972      

સમાપ્ત. બસ આટલું જ લખી શકી હોત, કદાચ.

- -----------------------

- -----------------------

- વાહ, નન્હી પરી! સોલહ બરસ કી બાલી ઉમર કો સલામ, અય પ્યાર તેરી પહલી નઝર કો સલામ! લખ્યો

તો લખ્યો મારી તેવીસમી વર્ષગાંઠના દિવસે જ લખ્યો! 

- જો, ત્યારેય મને સોળ વર્ષ પૂરાં નથી થયા. 

- હા એટલે બાલી ઉમરથી પણ નાની! પરંતુ તને ખબર છે ને કે છોકરાઓની આંખો પણ ચહેરાના આગળના ભાગ પર હોય છે, પાછળની બાજુ નહીં. હું તને કેવી રીતે જોઈ શકત? જો તું ક્લાસમાં મારી આગળની બેંચ પર બેસતી હોત, તો હું કંઈ તોફાન કરી શક્યો હોત, કારણ કે તું તો પાછળ વળી-વળીને મને જોયા કરત!

- ધત! તું તો ક્લાસ શરૂ થયા પછી રેસના ઘોડાની જેમ દોડતો આવતો, લેટ લતીફ! પછી આગળની બેંચ જ્યાં જગ્યા દેખાય ત્યાં જ બેસી જતો. શું મારે સરને એમ કહેવાનું કે મને આગળની બેંચ પર બેસવા દો, મારે આ બંદાને પાછા વળી-વળીને જોવો છે?

- ગુસ્સો સારો નહિ, મેરી જાન. તેં ખૂબ જ સુંદર પત્ર લખ્યો છે, પરંતુ પિસ્તાળીસ વર્ષ પછી હાથ લાગ્યો છે. પહેલાં આપ્યો હોત તો આપણી હિસ્ટ્રી જ જુદી હોત. હું અત્યારે ઇન્ડિયામાં જ હોત, તારી સાથે!

- અને મારા મગજ ની ભુર્જી બનાવી રહ્યો હોત!

- ના રે, આપણાં પાંચ બાળકો હોત. મેં પણ એમ.એ. કરી લીધું હોત. આપણી એક નાટ્ય સંસ્થા હોત. ઘણાં નાટકનાં શો કરત. આપણે ઝઘડો કરત તો પણ ક્યારેક ગુજરાતીમાં તો ક્યારેક બંગાળીમાં, મેં બંગાળી પણ શીખી લીધી હોત!

- વાહ, શું કલ્પનાનાં ઘોડા દોડાવ્યા છે! પાંચ બાળકોને ઉછેરત કે એમ.એ. કર્યું હોત? ભૂલી ગયો, સ્મૃતિ અને તેની બહેનપણી જ્યોતિએ નોટ બનાવી આપી, એ વાંચીને તો તેં બી.એ. કર્યું? હું તો કોઈ નોટ ન બનાવી આપત. 

- તને ચીડવવાની ખુબ મઝા આવે છે, સાહિબા.

- ઇતિહાસમાં આવી પ્રેમકથા જોવા નહીં મળે, સાહેબ! છેવટે, પંકજ ઉધાસે ગાયેલી ગઝલની બે પંક્તિઓ વાંચ. 

    યાદોં કા ઇક ઝોંકા આયા,

    હમ સે મિલને બરસોં બાદ,

    પહલે ઇતના રોયે નહીં થે,

    જિતના રોયે બરસોં બાદ!

- તો તો પછીની બે પંક્તિઓ મારે માટે -

    લમ્હા લમ્હા ઘર ઉજડા હૈ,

    મુશ્કિલ સે અહસાસ હુઆ.

    પત્થર આયે બરસોં પહલે,

    શીશે ટૂટે બરસોં બાદ!

તું ન મળી, પણ હું તારા પ્રેમને મારા હૃદયમાં સુરક્ષિત રાખવા માંગું છું. થૅન્ક્સ ફૉર એવરીથિંગ. સદા ખુશ રહે. રાત ઘણી વીતી ગઈ છે. ગુડ નાઇટ.

- તારો દિવસ શુભ રહે, ડિયર.

03 ઓગસ્ટ 2018, શુક્રવાર સવારના 10.15 

----------------------------------------------------- 

- આજનો દિવસ કેવો વીત્યો? ડિનર લીધું ?

- લીધું. દિવસભર વિચારતો રહ્યો. ભલે અજાણતાં જ, પણ મેં તને ખૂબ પરેશાન કરી. બોયઝ સ્કૂલમાં અભ્યાસ કરવાને કારણે મને છોકરીઓ સાથે વાત કરવાની રીત જ ન આવડી.

- કંઈ વાંધો નહીં, ઐશ. જે થઈ ગયું તે થઈ ગયું.

- એક ખટકો રહી ગયો ને દિલમાં! કૉલેજમાં, જ્યારે પણ હું કોઈ છોકરાને પ્રેમથી કોઈ છોકરી સાથે વાત કરતા જોતો, તો મનમાં ને મનમાં બળી ઉઠતો. મને લાગતું કે કોઈ છોકરી મને પ્રેમ કરી શકે નહીં, તેથી હું છોકરીઓથી અંતર રાખ્યા કરતો. આ જ કારણ હોઈ શકે, તારી સાથે ક્યારેય વધુ વાતચીત ન કરી શકયો.

- તારી વિચારવાની રીત ખોટી હતી. સાચું તો એ હતું કે કૉલેજની ઘણી બધી છોકરીઓ તારી પર ફિદા હતી, તારા પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિત્વની સામે જ બિચારી તારી સામે આવતા ડરતી હતી, મારી જેમ જ તો!

- કોણ જાણે! આ સંદર્ભે એક વધુ પ્રસંગ યાદ આવે છે.

- લખી નાંખ.

- યૂથ ફેસ્ટિવલ માટે મધુ રાય દ્વારા લિખિત 'ઝેરવું' નાટકમાં હું લીડ રોલ કરી રહ્યો હતો. નાયિકા કાશ્મીરા ઝવેરી નામની છોકરી હતી. કમલ ત્રિવેદી સરે મને તેની ખૂબ નજીક બેસાડ્યો અને કહ્યું, ‘આ છોકરીની આંખોમાં આંખો મેળવીને, પ્રેમથી ભરેલા આ સંવાદો બોલવાના છે.’ તું માનીશ, હું તેની આંખોમાં ખોવાઈ ગયો, મિનિટો સુધી! કાંઈ જ ના બોલી શક્યો! બધા હસવા લાગ્યા, ત્યારે સરે હિંમત આપી, ‘આવું થાય, શરૂઆતમાં આવું જ થાય.’ પછી નાટકમાં તો બોલતા શીખી ગયો, પણ જીવનમાં ક્યારેય ન બોલી શક્યો. તારી જેમ જ ડરતો હતો!

- તું મારાથી થોડું ઓછું ડરતો હતો, તેથી જ તેં મારી સાથે ક્યારેક વાત કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. હું તો કાંઈ જ ન બોલી શકી!

- મલ્લિકા, હું એક પુરુષ છું, પણ મારું હૃદય અડધું મહિલાનું છે. કાશ, તારી પાસે એક પુરુષ જેવું દિલ હોત! છોકરીઓ લગ્ન પછી તો ઘરમાં સિંહણ બની જાય છે, તો લગ્ન પહેલાં કેમ નહિ? આપણા સમાજમાં મહિલાઓને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે. તું ખુદ દુર્ગાની પૂજા કરતી હશે, તો થોડી હિંમત મા દુર્ગા પાસે માંગી લીધી હોત અને આ શૈતાનની કતલ કરી દીધી હોત. આજે હું તારા કદમોમાં હોત!

- આહા, કેટલું લખીશ! જોકે સવાર-સવારમાં ચા સાથે તારી પોસ્ટ વાંચવી એ પણ એક ચટપટો સ્વાદ છે. મેં જે "આકાર" પત્રિકાવાળો ફોટો તને મોકલ્યો છે, તેમાં તારી આગળની હરોળમાં કાશ્મીરા ઝવેરી ઉભી છે. તે કૉલેજની લેડી રિપ્રેઝન્ટેટિવ પણ હતી.

- હા, એ જ કાશ્મીરા ઝવેરી. મારા મનમાં તેને માટે કદાચ કોઈ સોફ્ટ કોર્નર પણ બની ગયો હતો, પણ દોસ્તી સુધી પણ વાત ન પહોંચી. કોઈ છોકરી સાથે વાત કરવાની મારી હિંમત જ નહોતી. ઉલટું, યુથ ફેસ્ટિવલમાં જવા માટે અન્નપૂર્ણા જાની સાથે, ઝઘડો કરી બેઠો. કમલ ત્રિવેદી સર નક્કી નહોતા કરી શકતા કે મોનો એકટિંગના પ્રેઝન્ટેશન માટે અમારા બેમાંથી કોને મોકલે, કારણ કે કૉલેજ તરફથી ફક્ત એક જ એક્ટર આ કોમ્પિટિશનમાં જઈ શકે તેમ હતું. છેવટે કોઇન ટોસમાં તે જીતી ગઈ અને હું જોતો રહી ગયો! 

- અશ્વિન, મેં પણ અમારી કાર્યાલયની સાહિત્યિક અને મનોરંજન ક્લબ વતી વર્ષ 1982 થી 2014 સુધી સતત નાટકોમાં કામ કર્યું. અમે એકાંકી અથવા દ્વિઅંકી નાટકો જ કરતા. અખિલ ભારતીય સ્પર્ધાઓમાં પણ ખૂબ ભાગ લીધો. અમારી ટીમ મુંબઈ, દિલ્હી, ત્રિચુર, નાગપુર, કોલકાતા જેવા શહેરોમાં ગઈ હતી. એવોર્ડ પણ જીત્યા હતા.

- અરે વાહ!

- આખી ઓફિસમાં હું એક જ અભિનેત્રી હતી. પછી રીના આવી.

- વો ફોટો તો ભેજિયે જનાબ. લાગે છે કે તું મારી પાસેથી જ અભિનય શીખી છે.

- તું મને બોલવાનું પણ ન શીખવી શક્યો, અભિનય શું ખાક શીખવી શક્યો હોત?

- મારી પાસે આવી હોત તો શીખવાડત ને? 1982 માં તો હું અમદાવાદમાં જ હતો અને ટીવી સિરિયલ્સમાં કામ કરતો હતો. જો તું તે સમયે મળી હોત, તો હું તને અભિનય શીખવી દેત.

- પછી ઝઘડો પણ કર્યો હોત ને, જેવો અન્નપૂર્ણા સાથે કર્યો હતો ?

- ખબર નથી, પણ તું તો નજર ઝુકાવીને જ મારી સામે ઊભી હોત, તો ઝગડો કેવી રીતે કરત?

- બોલતાં તો શીખવી શકત ને? અન્નપૂર્ણાને મેં થોડા સમય પહેલાં જ અમદાવાદનાં એક નાટકનાં શોમાં દર્શકગણ માં જોયા હતાં. મારા નાટકના જ મિત્ર, એક્ટર અને ડાયરેક્ટર શ્રી કુમુદ રાવલ આજે પણ કોઈ શો હોય ત્યારે મને ઇન્વાઇટ કરે છે. રાજુ બારોટનું એક નાટક પણ જોયું, નામ યાદ નથી આવતું.

- મેં રાજુ બારોટ સાથે ભરત દવેના નાટકમાં કામ કર્યું છે. પછી જોબને કારણે વધારે નાટક કરી શક્યો નહિ. અન્નપૂર્ણા ઘણી ટીવી સિરિયલોમાં અભિનય કરતાં. મારા સારા મિત્ર છે. આજે પણ તેઓ ફેસબુકથી કનેકટેડ છે. તેમના દીકરાએ અમિતાભ સાથે ફિલ્મમાં કામ કર્યું છે.

- હા, મકરંદ નામ છે. નાટકનો એક અનુભવ યાદ આવ્યો.

- જણાવો.

- દૂરદર્શન માટે અમારા એક ગુજરાતી એકાંકી નાટક 'સંઘર્ષ' નું શૂટિંગ ઇસરોના સ્ટુડિયોમાં થયું હતું. એ જ દિવસે મેં નક્કી કર્યું હતું કે અભિનયને પ્રોફેશન બનાવવો એ મારું કામ નથી. ઓફિસના કાર્યક્રમ સુધી જ ઠીક છે.

- કેમ ભલા?

- મારામાં એટલી ધીરજ નથી, ઐશ. મારો ઇસરોના પ્રોડ્યૂસર/ડાયરેક્ટર સાથે જ તકરાર થઈ ગઈ. નાટકમાં મારો લીડ રોલ હતો. લેડી ન્યૂઝ રીડરનો એક નાનકડો રોલ મારી મિત્ર દેવિકા ભટ્ટને આપવામાં આવ્યો હતો, તે ભાઈએ દેવિકાના દ્રશ્યથી શૂટિંગ શરૂ કર્યું. ઓછામાં ઓછા દસ રીટેક થયા, અડધો દિવસ વીતી ગયો. નાટકનું શૂટિંગ એક જ દિવસમાં પૂરું કરવાનું હતું. મને ફુલ એ.સી.માં એટલી ઠંડી લાગવા માંડી કે હું મેક-અપ રૂમમાં ચાલી ગઈ. 

- સ્ટુડિયોમાં એ.સી.નું ટેમ્પરેચર ખુબ ઓછું રાખવામાં આવે છે. ટેલિવિઝન, કેમેરા અને કમ્પ્યુટર માટે ઓછું રાખવું પડે છે. મને યાદ છે કે 1984 માં મારી ઓફિસ, સ્ટુડિયોની પાછળ જ હતી. કેટલીકવાર ઠંડીને લીધે માથાનો દુખાવો થતો અને અમે ચા પીવા માટે ભાગતા.

- સાચી વાત, સાંજે સાત વાગ્યે છેલ્લા દ્રશ્યનું શૂટિંગ હતું જેમાં એક ફેક્ટરીના કામદાર નેતાની હત્યા કરવામાં આવે છે, તેની પત્ની, એટલે કે હું ત્યાં પહોંચું છું અને તેની લાશ ઉપર માથું ઢાળીને ખૂબ રડું છું, પછી કામદારોના ટોળાને સંબોઘીને ખૂબ સંભળાવું છું કે તમારા માટે લડતા તેમણે પોતાનો જીવ ગુમાવ્યો. કામદારો સાથે પણ કેટલાક સંવાદો હતા.

- પછી?

- પછી કોણ જાણે શું થયું, ડાયરેક્ટરે કહ્યું, ‘આપણે આખું દ્રશ્ય ફરીથી લેવું પડશે.’ મેં કહ્યું કે કાલ પર રાખીએ. આટલા લાંબા સંવાદ અને ઇમોશનલ દ્રશ્ય તે જ સમયે ફરીથી ભજવવું મારે માટે શક્ય નહોતું. 

- ડાયરેક્ટરે શું કહ્યું?

- તેઓ શું કહે ? મેં જ તેમને કહ્યું, ‘તમે એક મિનિટના દ્રશ્ય માટે અડધો દિવસ બગાડ્યો.’ તો તેમનો જવાબ હતો, 'સો વ્હોટ?'

- મેં કહ્યું, ‘જવા દો, મારે કામ નથી કરવું." તેમને મારી પાસેથી આ જવાબની અપેક્ષા નહોતી. બહાર ધોધમાર વરસાદ પડી રહ્યો હતો. અંતે, તેમણે મારી વાત માનવી પડી. એટલો સખત વરસાદ પડ્યો હતો કે રસ્તાઓ પાણીથી છલકાઈ ગયા હતા. ત્યાં કોઈ બસ કે રિક્ષા નહોતી. હું ઘરે પહોંચી શકી નહીં. કુમુદ રાવલ સાથે તેમના ઘરે પહોંચી.

- તેમના પત્ની ભારતી રાવલ, જેઓ ખૂબ જ સારા એક્ટર છે અને મારા મિત્ર પણ. તેમને મને રોકી લીધી. ત્યારે અમે મણિનગરમાં રહેતા હતા. તે વખતે કોઈ મોબાઇલ પણ ન હતા. મેં પાર્થોને લેન્ડલાઇન પરથી ફોન કર્યો. બીજે દિવસે મિશન ઇમ્પોસિબલ પૂરું થયું. મેં હાથ જોડ્યા.

- મલ્લિકા, તારા નાટકનું નામ જ 'સંઘર્ષ' હતું, તેથી તારે સંઘર્ષમાં ઊતરવું પડ્યું. 

- બની શકે. 

- ત્યાં બે પ્રકારનાં શૂટિંગ થતાં હતા. એક, જે તમે લોકોએ કર્યું, એમાં ભૂલ હોય તો પૂરેપૂરો રિટેક થતો હતો. બીજું ફિલ્મોની જેમ શોટ બાય શોટ કરવામાં આવતું, જે ફક્ત દીપક બાવસ્કર કરતા હતા. માત્ર એક્ટિંગમાં જ નહીં, પરંતુ સાઉન્ડ સિસ્ટમમાં, કેમેરામાં અથવા સાઉન્ડ રેકોર્ડિસ્ટની ભૂલથી પણ દ્રશ્ય ફરીથી કરવું પડતું હોય છે. ફિલ્મોમાં તો અમારે ઘણીવાર એક શોટ માટે આખો દિવસ ચાલ્યો જતો. અમે લોકો દાંડીમાર્ચ લગાવીને તડકામાં સડતા રહેતા.

- મારો પહેલો અનુભવ એટલો કડવો હતો કે મેં ત્યાં જ રિટાયરમેન્ટ લઈ લીધું. તે દિવસે મને ખ્યાલ આવી ગયો કે કલાકાર અને આખી ટીમ કોઈ ફિલ્મ/ટેલિવિઝન સિરિયલ બનાવવા માટે, એક દ્રશ્ય પાછળ કેટલી મહેનત કરે છે! આપણે જેને જોઈને એક મિનિટમાં જ આપણો મત વ્યક્ત કરી દઈએ છીએ!

- મલ્લિકા, આ ગ્લેમર વર્લ્ડ એટલું સુંદર નથી જેટલું સુંદર તે સ્ક્રીન પર દેખાય છે. નાટક ટેલિકાસ્ટ થયું હતું?

- થયું હતું ઐશ, દૂરદર્શન પીજ પરથી અને વખણાયું પણ હતું. 

- આ કયારની વાત છે? વર્ષ યાદ છે?

- વર્ષ યાદ નથી. કદાચ 1986 અથવા 1987 હશે.

- નાટકને રેકોર્ડ કરી લીધું હોત તો સારું થાત. 

- તે સમયે આટલી સુવિધા ક્યાં હતી? બીજું, મને ઓફિસની બહાર ભાગ્યે જ સમય મળતો હતો. રિહર્સલ પણ અમે ઓફિસ અવર્સ પછી કરી શકતાં હતાં. તને ક્યાં ખબર છે કે કૉલેજમાં પણ હું નાટકોમાં ભાગ લેવા માંગતી હતી, પણ તારે કારણે મારી હિંમત જ ન થઈ!

- હું કયાં વાઘ કે સિંહ હતો? હકીકતમાં, હવે હું તારાથી ડરું છું.

- મારાથી ડરવાની કોઈ જરૂર નથી, સર. હું તો નાદાન હતી, નાની શી ગુડિયા એટલે ડરતી હતી. આમ તો મેં મૉનો એક્ટિંગ પણ ઘણી કરી અને એવોર્ડ્સ પણ જીત્યા, જેમાં 'અનારકલી' યાદગાર રહી. 

- શું વાત કરે છે ? મારા જેવા સલીમ તરફ આંખ ઉઠાવીને ન જોયું અને અનારકલીનો રોલ ભજવ્યો? વીડિયો છે?

- ના. જો ફોટા હશે તો મોકલીશ.

- કાશ! કૉલેજમાં તેં નાટકમાં આવવાની થોડી હિંમત કરી હોત!

- કાશ!

- 'સંઘર્ષ' ગુજરાતી નાટક હતું?

- હા, અમે મુખ્યત્વે ગુજરાતી નાટકો જ કર્યા. હિન્દીમાં ફક્ત બે નાટકો રજૂ થયાં. એક હતું 'તેરી ભી ચૂપ, મેરી ભી ચૂપ' અને બીજું મહાશ્વેતા દેવીની બાંગ્લા નવલકથા 'હજાર ચૌરાસીર મા' નું, શાંતિ ચટ્ટોપાધ્યાયે કરેલું બાંગ્લા નાટ્ય રૂપાંતર, જેનું મેં હિન્દીમાં ભાષાંતર કર્યું. 2014માં કાર્યાલયના વાર્ષિક મહોત્સવમાં આ નાટકમાં મારો છેલ્લો અભિનય હતો, જેમાં મેં સુજાતાની મુખ્ય ભૂમિકા ભજવી હતી.

- નાટકનાં ફોટા તો બતાવ.

- ફેસબુક પર મૂકીશ. જોઈને કહેજે, કેવા છે.

- ચોક્કસ જોઈશ.

- એક વધુ રસપ્રદ પ્રસંગ સંભળાવું છું.

- સ્વાગત. 

- એક વાર અમારા દિગ્દર્શકે લિયો ટોલ્સટોયની ટૂંકી વાર્તા 'ટૂ ડિયર' નું ભરત દવે દ્વારા કરેલું ગુજરાતી નાટ્ય રૂપાંતર 'ગિલોટીન નો ગોટો' ને મંચસ્થ કરવાનું નક્કી કર્યું, પરંતુ બે મુખ્ય પાત્રો રાજા અને પ્રધાન માટે અભિનેતા મળતા ન હતા. મારી મિત્ર અને એક્ટર રીનાએ કહ્યું કે આપણે બંને જ આ પાત્રો ભજવીએ તો?

- પછી?

- આશ્ચર્ય! અમે સંમત થયા ત્યાં સુધી તે ઠીક હતું, ડાયરેક્ટર પણ સંમત થયા! રીના રાજા અને હું પ્રધાન. મેં અને રીનાએ પુરુષની ભૂમિકા ભજવી અને આ મ્યુઝિકલ કોમેડી ડ્રામા પ્રેક્ષકોને ખૂબ પસંદ પડ્યો. 

- શું વાત છે! પુરુષ અભિનેતાઓએ સ્ત્રીની ભૂમિકા ભજવી છે જેમ કે જયશંકર ‘સુંદરી’ અને જશવંત ઠાકર સર, પણ તમે બંનેએ પુરુષની ભૂમિકા ભજવી!

- અરે, એકવાર તો મેં મદારીની મૉનો એકટિંગ પણ કરી હતી, જેને માટે મને પહેલું ઇનામ મળ્યું હતું.

- વાહ! બુદ્ધુ છોકરીનું નવું રૂપ. હજુય કંઈક વિશેષ હોય તો કહે, તારી નાટ્ય યાત્રા વિશે.

- જરૂર. ગુજરાતી કોમેડી નાટક ‘નહિ ભજવયેલું નાટક' ની એક યાદગાર સ્મૃતિ છે. નાયક નવો-નવો જ આ વિસ્તારમાં રહેવા આવ્યો છે. તે એક સાધારણ પરિવેશવાળી જગ્યા છે. નાયકની પત્ની પિયર ગઈ છે. અચાનક કૉલેજના સમયની મિત્ર કામિની, પોતાની નાની દીકરી સાથે મળવા આવે છે. કાર ખરાબ થઈ જવાને કારણે નજીકના ગેરેજમાં મૂકીને આવી છે. નાની દીકરી ઊંઘમાં છે, તેથી બેડરૂમમાં જઈને તેને સુવાડી દે છે.

- પછી?

- અચાનક એક પાડોશી આવે છે. નાયક ગભરાટમાં કામિની તરફ ઈશારો કરીને તેની પોતાની પત્ની તરીકે ઓળખાણ આપે છે. એક પછી એક પાડોશીઓ આવે છે, કૉમેડી આગળ વધે છે. અંતમાં સાચી પત્ની પણ આવે છે. પત્ની સમજુ છે, ગેરસમજ દૂર થાય છે. તેણી બધાને દાળવડાં સાથે ચા પીરસે છે. કામિની કહે છે, ‘હવે કાર લેવા જવાનો સમય થઈ ગયો છે, હું જાઉં છું.’

- પછી?

- અહીં સુધી તો બધું બરાબર હતું, ઐશ. હવે કામિનીની ભૂમિકા ભજવતી હું, જયારે બેડરૂમ એટલે કે બૈક સ્ટેજ પહોંચી, ત્યારે જોયું તો મારી નાની દીકરી બનેલી નાની બાળકી જ ગાયબ! તે બાળકી રીનાની પુત્રી હતી. તે રડતી હતી, તો એક અદાકાર તેને બૈક સ્ટેજ પરથી લઈને હૉલ ની બહાર જતા રહ્યા હતા.

- ઓહ, પછી ?

- પછી શું? મારું મગજ બ્લેન્ક થઈ ગયું. હું થોડીક ક્ષણો રોકાઈ, કોઈ બાળકીને શોધવા દોડ્યું, પણ મળી નહીં. સ્ટેજ પર બધાનો નાસ્તો પણ પૂરો થવા આવ્યો. મેં ભગવાનને યાદ કર્યા અને સીધી સ્ટેજ પર આવી ગઈ. હું શું બોલીશ તેની મને ખબર નહોતી. અચાનક મેં નાયકની પત્નીને કહ્યું, 'મારી દીકરી હજી ઊંઘી રહી છે. હું પહેલા તપાસ કરું છું કે કાર ઠીક થઈ કે નહિ. ત્યાં સુધી તમે તેનું ધ્યાન રાખજો.’ હું બહાર નીકળી ગઈ. આ છેલ્લું દ્રશ્ય હતું. પડદો પડ્યો, પછી પડદા પાછળ મહાભારત રચાયું.

- હા...હા...હા...મલ્લિકા, ઘણી વાર આવું થાય છે. કેટલીકવાર સામેનું પાત્ર તેના સંવાદને જુદી રીતે બોલે, તો અન્ય પાત્ર પોતાનો સંવાદ ભૂલી જાય છે. આવા અનેક ગોટાળાઓ થતા હોય છે, તે સમયે આપણે ત્વરિત નિર્ણય લેવો પડતો હોય છે.

- ઐશ, આજની ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી.

- આપણી પસંદગીમાં ઘણી સામ્યતાઓ હતી, તેમ છતાં આવું કેમ થયું મલ્લિકા?

- આટલો ડેશિંગ એક્ટર આટલો શરમાળ હોઈ શકે? કાંટ બિલીવ!

- બિલીવ મી.

- ચાલો માની લઉં છું, પરંતુ શા માટે તારું આકર્ષક વ્યક્તિત્વ તારા માનસિક વ્યક્તિત્વ સાથે મેળ ખાતું નહોતું તે બાબતમાં સર્ચ કરીશ.

- ચોક્કસ કરજે અને પછી મને કહેજે. આમ પણ તું ગૂગલ માસ્ટર છે!

- ઐશ, તારો ઊંઘવાનો સમય થયો છે. બાકી વાતો કાલે થશે. શુભ રાત્રિ. 

- આવજો, કામિની ડાર્લિંગ.