Tari Sangathe - 14 in Gujarati Love Stories by Mallika Mukherjee books and stories PDF | તારી સંગાથે - ભાગ 14

Featured Books
Categories
Share

તારી સંગાથે - ભાગ 14

ભાગ 14

 

06 ઓગસ્ટ 2018, સોમવાર રાતના 9.30

---------------------------------------------------

- ગુડ ઇવનિંગ ડિયર.

- તને ગુડ મૉર્નિંગ, વૉક પરથી આવી ગયો ?

- હા, આજે ખૂબ તડકો હતો. આખે રસ્તે વિચારોમાં ખોવાયેલો રહ્યો.

- કયા વિચારોમાં?

- કેટલીકવાર મને આશ્ચર્ય થાય છે કે હું તારી સાથે આટલા ખુલ્લા દિલથી વાત કેવી રીતે કરી શકું છું? 

- મેં પણ આજ સુધી કોઈ પર પુરુષ સાથે આવી રીતે વાત નથી કરી.

- તારી વાત જુદી છે, હું તારો પહેલો પ્રેમ હતો.

- હોઈ શકે.

- મલ્લિકા, જ્યારે પણ હું તારી સાથે વાત કરું છું, પેલી એક ભોળી કિશોરી નજર સામે તાદૃશ થાય છે, જેને અજાણતાં મેં ખૂબ અન્યાય કર્યો અને બહુ રડાવી. દિલમાં એક અપરાધની લાગણી અનુભવું છું. 

- તેં કોઈ જ ગુનો નથી કર્યો, અશ્વિન. તારી સાથે વાત કરતી વખતે હું પણ ભવન્સ કૉલેજના પ્રાંગણમાં પહોંચી જાઉં છું. તે સમયે, આપણે જે મજાક-મસ્તી કરી શક્યા હોત, આજે વાતોમાં જ થોડી ઘણી કરી લઈએ છીએ.

- વાતો કરીને તને ખુશ થતી અનુભવું છું ત્યારે મને પણ આનંદ થાય છે. જો ન ગમે તો કહી દેજે. તારી ખુશી, એ મારી ખુશી.

- અશ્વિન, મારું જીવન સમાધાનની સીડીઓને પાર કરીને અહીં સુધી પહોંચ્યું છે. સમાજ અને કુટુંબ પ્રત્યેની મારી જવાબદારીઓથી હું ક્યારેય પાછી હઠી નથી. જવાબદારીઓને પૂર્ણ કરવામાં મારી બધી અંગત ખુશીઓ નીલામ થઈ ગઈ. ક્યારેય તો ઇચ્છા થાય ને કે મારી મરજીથી જીવું!

- તું અલગ જ માટીની બનેલી છે.

- એક સ્ત્રી જ છે, જે પ્રેમમાં ડૂબેલી હોવા છતાં પણ તેની ફરજ કેવી રીતે નિભાવવી તે જાણે છે. મારી પીડા ઈશ્વરે અનુભવી અને તું મળ્યો. 

- મલ્લિકા, કોઈની સાથે મારા વિશે વાતો કરવાની ઇચ્છા મરી રહી હતી, એવામાં તું મારી જિંદગીમાં આવી. અહીં આવ્યા પછી જીવન એવું સંઘર્ષપૂર્ણ વીત્યું કે હું મારા પરિવારથી જ દૂર થઈ ગયો. મારા અને સ્મૃતિના જોબનો સમય અલગ હતો તેથી સંવાદના સંજોગો ઓછા થતા ગયા. હોસ્પિટલમાં હું મોટે ભાગે નાઈટ ડ્યૂટી કરતો અને ત્યાં વાત કરવા માટે કોઈ નહોતું. મેં મારું જીવન મૌનના આગોશમાં જ વિતાવ્યું. મને તારી સાથે વાત કરવી અને તારી મીઠી વાતો સાંભળવી ગમે છે, ડિયર. તું મનની દરેક ભાવનાઓને કેટલી ગહનતાથી વ્યક્ત કરી શકે છે! 

- મને ખબર નથી, કેમ હું તારી સાથે આટલી આત્મીયતાથી વાતો કરી શકું છું. એક વાત યાદ આવી.

- કઈ?

- મેં તને કહ્યું હતું ને કે, તારા શારીરિક વ્યક્તિત્વ અને માનસિક વ્યક્તિત્વ વચ્ચે સુસંગતતા કેમ નથી, મારે તેના કારણો શોધવા પડશે.

- શોધ્યાં? તું તો ગુગલ માસ્ટર છે.

- શોધ્યા. આમ તો આ વાત આપણને બંનેને લાગુ પડે છે. આપણે સમાજના એકમ છીએ. તેથી સમાજનું બંધારણ અને સમાજના લોકો આપણા વ્યક્તિત્વને ખૂબ પ્રભાવિત કરે છે. આપણી સાથે પણ કંઈક આવું જ થયું છે.

- થોડું ડિટેલમાં કહે.

- બધા મનોવૈજ્ઞાનિકો માને છે કે ઘરના વાતાવરણનો વ્યક્તિત્વના વિકાસમાં મોટો પ્રભાવ હોય છે. જેમ કે માતાપિતાનો પ્રભાવ, ઘરના અન્ય સભ્યોનો પ્રભાવ, જન્મ ક્રમનો પ્રભાવ, વગેરે.

- તે સાચું છે, કેમ કે હું કુટુંબમાં સૌથી નાનો હતો, તેથી ઘરનાં ઘણાં કામો મને એમ કહીને સોંપાતાં હતાં કે તું સૌથી નાનો છે, તારે આ કામ કરવું પડશે. મારે માતા-પિતાની બધી વાતો માનવી પડતી. મારી પસંદ અને નાપસંદને વધારે મહત્વ આપવામાં આવ્યું ન હતું.

- અને હું સૌથી મોટી હતી, એટલે દર વખતે મને કહેવામાં આવતું હતું કે તું મોટી છે, જવા દે. બાળકના વ્યક્તિત્વના વિકાસ પર સાથી બાળકો, ટીચર, સ્કૂલ, સ્કૂલના વાતાવરણની અસર પણ થાય છે.

- ખરી વાત છે, મલ્લિકા. બોયઝ સ્કૂલમાં ભણવાને કારણે છોકરીઓ સાથે કેવી રીતે વાત કરવી તે મને ખબર નહોતી. મારા અંતર્મુખી સ્વભાવને કારણે, હું હંમેશાં મારી લાગણીઓને અન્ય લોકો સમક્ષ મારી લાગણીઓને વ્યક્ત કરવામાં અચકાતો હતો.

- અને મેં કોએજ્યુકેશનમાં શિક્ષણ લીધું હોવા છતાં, મારી સ્થિતિ તારા કરતાં અલગ ન હતી. મારા શરમાળ સ્વભાવને કારણે મેં તને એકપક્ષી પ્રેમ કર્યો! મારા પ્રેમ વિશે કોઈને ખબર નહોતી.

- એવું કહેવાય છે કે પ્રેમમાં બંને પક્ષોની સમાન લાગણી હોવી જોઈએ. 

- શું કહું? માત્ર અભ્યાસમાં ધ્યાન આપવાની શરતે જ કૉલેજમાં એડમિશન લીધું હતું. પપ્પા મારી સાથે હતા, પણ મમ્મી અસંમત હતાં. મમ્મીનું મન કુટુંબ, સામાજિક દરજ્જો, રીત-રિવાજો અને સામાજિક ધારાધોરણથી ભારે પ્રભાવિત હતું. તેઓ માનતાં હતાં કે દીકરીઓને ઉચ્ચ શિક્ષણની જરૂર નથી. એસ.એસ.સી. થઈ ગયું, હવે લગ્ન કરી નાખવાં જોઈએ.

- અને હવે જો! તારા હૃદયમાં દબાયેલી લાગણીઓ જાણે લાવા બનીને ફૂટી પડી.

- ઐશ, હવે ડર નથી લાગતો ને! મેં ક્યાંક વાંચ્યું હતું કે બે સંપૂર્ણપણે વિરોધાભાસી મુદ્દાઓ બાહ્યરૂપે સમાન લાગે છે. જેમ કે કંજૂસાઈ અને કરકસરતા, ઉદારતા અને ઉડાઉપણું, સરળતા અને નિર્લજ્જતા. આ પરસ્પર વિરોધાભાસી વસ્તુઓ છે, તેમ છતાં દેખીતી રૂપે સમાન છે. આ શબ્દોમાં એક સૂક્ષ્મ તફાવત છે.

- મલ્લિકા, જો આપણે આપણા વિશે વાત કરીએ તો આપણે બંને આ સમાજનો ભાગ છીએ. આપણા બંનેના અલગ પરિવાર છે. આપણે પ્રેમ જેવા વિષય પર એક બીજા સાથે જે રીતે વાત કરી રહ્યા છીએ, તે બાહ્યરૂપે નિર્લજ્જતા કહેવાય. કદાચ આપણી પ્રતિષ્ઠાને પણ નુકસાન પહોંચે.

- ચોક્કસ પહોંચી શકે, પરંતુ આપણે આપણા અંતર્મનમાં રહેલી લાગણીઓ વ્યક્ત કરી રહ્યા છીએ. આપણે જે કંઈ કરી રહ્યાં છીએ, તે આપણા આત્માના ભલા માટે કરી રહ્યાં છીએ. તે આપણી સરળતા છે કે આપણે આપણી નબળાઇને સ્વીકારી પણ રહ્યાં છીએ.

- ચોક્કસ મલ્લિકા, સરળતા અને નિર્લજ્જતા વચ્ચે આ જ એક માઇક્રો લાઇન ઓફ ડિમાર્કેશન છે, કદાચ.

- હોઈ શકે.

- એક સત્ય એ પણ છે કે તારો પ્રિય હીરો હવે તે આકર્ષક યુવાન નથી રહ્યો. હવે જો તું મને જોઈશ તો ઓળખી પણ નહિ શકે.

- તું ઘરડો થયો તો શું હું જુવાન થઈ? અશ્વિન, મારો પ્રેમ આત્મિક છે. હું તો તને કોઈપણ સંજોગોમાં ઓળખી શકું છું.

- આ તારું ભોળું મન બોલી રહ્યું છે. તારા મનમાં મારા માટે કોઈ દ્વેષ કે વેરભાવના નથી તે સ્પષ્ટ દેખાઈ આવે છે. તો પણ હું આ નિર્દોષ છોકરી સાથે કરેલા અન્યાયને, તેને દુઃખ પહોંચાડયાની વાતને કેવી રીતે ભૂલી શકું?

- એવું ન વિચાર. કેટલીકવાર નિયતિ મજાક પણ કરતી હોય છે. હવે તારા જમવાનો સમય થઈ ગયો છે. તું શું ખાઈશ?

- હું સવારે થોડી ચા અને નાસ્તો જ લઉં છું. સાંજે સ્મૃતિ ભારતીય સ્ટાઇલની રસોઈ બનાવે છે. અહીંની લાઇફ સ્ટાઇલ જુદી છે. દીકરીઓ અને સ્મૃતિ બધાં વહેલી સવારથી નીકળી જાય છે, હું ઘરે હોઉં છું, તેથી બપોરે થોડો ઘણો નાસ્તો કરું છું. મારે તો ખોરાકમાં ઘણું બધું સંભાળવું પડે છે. સુગર વધી જાય છે.

- તને ડાયાબિટીઝ છે? 

- હા, તેની પણ એક વાર્તા છે.

- કહે.

- મને લાંબા સમયથી આ તકલીફ હતી. કંઈ યાદ ન રહે, ગુસ્સો પણ બહુ આવે. ઘણીવાર કોઈ પાર્ટીમાંથી ડિનર પછી મોડી રાત્રે પાછા આવતાં ઘણી તકલીફ થતી હતી. હું ફ્રીવે પર ડ્રાઈવ કરતાં-કરતાં અચાનક કોઈ અલગ ટ્રેક પર, ક્યારેક એક્ઝિટમાં જતો રહેતો. મોટી દીકરી હીરવા મારી બાજુની સીટ પર બેસતી. સ્મૃતિ અને નાની દીકરી પ્રિયા પાછળ બેસતાં. જો હીરવા ઊંઘવા માંડે તો હું તેને કંઈ વાત કરવા માટે કહેતો કારણ કે મને બહુ ઊંઘ આવવા લાગતી. સાચું કારણ મારી હેલ્થ સાથે સંકળાયેલું હતું, જેની જાણ મને પછીથી થઈ. 

- ઓહ! ડાયાબિટીઝનું નિદાન કેવી રીતે થયું?

- 1992 માં હોસ્પિટલની જોબ છોડ્યા પછી, 1996 માં જયારે મેં લાઈફ ઇન્સ્યોરન્સ મેળવવાના આશયથી મેડિકલ ચેકઅપ કરાવ્યું, ત્યારે મને ખબર પડી કે મને હાઈ સુગર છે. ફોર્ટી સિક્સ યર્સની ઉંમરે મને આ બીમારી લાગી ગઈ. આમ તો મને હાઈ બ્લડ પ્રેશરની તકલીફ પણ છે.

- હાઈ બ્લડ પ્રેશરની જાણ કેવી રીતે થઈ?

- હાઈ બ્લડ પ્રેશરની જાણ તો એથીય પહેલા થઈ હતી. હું મારી પસંદગીથી તદ્દન વિપરીત જીવન જીવી રહ્યો હતો, ખૂબ તણાવમાં રહેતો. વર્ષ 1991 માં, જ્યારે હું એક હોસ્પિટલમાં કામ કરતો હતો, ત્યારે એક નર્સ દર્દીનું બ્લડ પ્રેશર માપવા આવી. મેં તેને અમસ્તી જ રિકવેસ્ટ કરી કે તેમનું કામ પૂરું કર્યા પછી, તે મારું બ્લડ પ્રેશર પણ ચેક કરી આપે. તેણે ચેક કર્યું અને કહ્યું, 'યુ નીડ હોસ્પિટલાઇજેશન ઈમીડિયેટલી.'

- શું વાત કરે છે ?

- હું અવાક હતો. મારું બ્લડ પ્રેશર ખૂબ હાઈ હતું. જ્યાં સુધી હોસ્પિટલમાં જોબ હતી ત્યાં સુધી મેડિકલ ઇન્સ્યોરન્સ લેવું કમ્પલસરી હતું. સિક્સ્ટી ડોલર્સ મારે ભરવા પડતા અને સિક્સ્ટી ડોલર્સ હોસ્પિટલ ભરતી હતી. તે સમયે મેં ક્યારેય કોઈ ક્લેમ કર્યો નહોતો, પણ જ્યારે મારે દવાઓની જરૂર પડી ત્યારે મારો મેડિકલ ઇન્સ્યોરન્સ જ નહોતો!

- ઉફ્ફ! પછી તેં ક્યારે લીધો ?

- વર્ષ 2015 માં જ્યારે ગવર્મેન્ટે મેડિકલ ઇન્સ્યોરન્સ કમ્પલસરી કર્યો ત્યારે લીધો. ઈશ્વરકૃપાથી જ હું આજ સુધી જીવતો છું

- ઓહ માય ગૉડ! અશ્વિન, મારી પાસે કોઈ શબ્દ નથી. શું કહું? વર્ષ 2000 માં પાર્થોને માત્ર 46 વર્ષની વયે સીવિયર હાર્ટ એટેક આવ્યો હતો. તેમનું સુગર લેવલ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટરોલ ત્રણેય ખૂબ હાઈ હતા અને તેમને આ વાતની ખબર સુદ્ધાં નહોતી. તેમના બિહેવિયર માં પણ કોઈ ફરક નહોતો દેખાયો. કોઈ શારીરિક સમસ્યા હોવી જ જોઈએ, પરંતુ તેમણે ક્યારેય કહ્યું નહીં.

- કેટલીકવાર આપણે લક્ષણોને ગંભીરતાથી લેતા નથી.

- સાચી વાત. સદભાગ્યે અમારા પાડોશી ડૉ. દિનેશ ચંદાણા એ વખતે વી.એસ. હોસ્પિટલના આર.એમ.ઓ. હતા. તેમની સહાયથી તરત જ ટ્રીટમેન્ટ મળી અને તેઓ સ્વસ્થ થઈ ગયા.

- થેન્ક ગૉડ, મલ્લિકા, તું મારી તંદુરસ્તી માટે પણ ભગવાનને પ્રાર્થના કરજે.

- હું હંમેશાં તારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરું છું.

- થૈંક યુ. તારો પથારીમાં જવાનો અને મીઠાં સપનાં જોવાનો ટાઇમ થઈ ગયો છે, ગુડ નાઇટ.

- ગુડ નાઇટ, બન્ધુ.

 

07 ઓગસ્ટ 2018, મંગળવાર પ્રાતઃ 5.30

---------------------------------------------------

 

- યહાઁ કી સુનહરી શામ, ડિયર. અહીં સૂર્ય ધીમે ધીમે આથમી રહ્યો છે. તારા દેશમાં થોડી વારમાં સૂર્યોદય થશે. હજી તું ઊંઘમાં હોઈશ. થોડી દિલની વાત લખી દઉં છું, સવારે વાંચી શકીશ.

ગઈકાલે તેં ખૂબ જ સુંદર રીતે પોતાની વાત રજૂ કરી. મારી પાસે પ્રશંસાના શબ્દો નથી. તું ઉચ્ચ શિક્ષિત છે. પોતાની વાતને કાવ્યાત્મક શૈલીમાં કહી શકે છે, જે દિલને સ્પર્શી જાય છે. જીવનમાં જે મુશ્કેલીઓ કે દુઃખ સહન કર્યાં તે ચહેરા ઉપર, આખા શરીર ઉપર કરચલીઓ બનીને ઊપસી આવ્યા છે. જીવનમાં કંઈક મેળવવા માટે આ નિર્મમ સમાજ સાથે જે સંઘર્ષ કરવો પડ્યો, તેના ઘા હજી રુઝાયા નથી. એક દિલ છે જે હજી સુધી નથી હાર્યું. જે ઇચ્છ્યું તે ન મળ્યું. ન મળવાનું દુ: ખ પણ છે, પરંતુ આ હૃદય હજી લડવાની શક્તિ ધરાવે છે. તે ક્યારેય હાર્યું નથી અને હારશે પણ નહીં. મારી વાર્તા હજારો-લાખો લોકોની પણ હશે, જેઓ જીવનભર સંકુચિત સમાજ સામે લડતા રહ્યા, અંતિમ શ્વાસ સુધી લડશે.

આજે મને ' મારી નજરમાં તારી વાર્તા' લખવાનું મન થાય છે.

વર્ષો પહેલાંની વાત છે. અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે આવેલી ભવન્સ કૉલેજમાં નજીકના નાના ગામમાં રહેતી એક ભોળી, નાજુક, નિર્દોષ કિશોરીએ પ્રવેશ મેળવ્યો. આ કિશોરીની આંખોમાં સુંદર સપનાં હતાં. એક દિવસ તેની નજર કૉલેજના ગેટમાં પ્રવેશતા એક સુદર્શન યુવક પર પડી. આંખો દ્વારા તે સીધો હૃદયમાં ઉતરી ગયો, આ જ તો હતો તેના સપનાંનો રાજકુમાર!

તેના વિચારોથી અજાણ તે યુવક તેની પોતાની ધૂનમાં મસ્ત રહેતો. તે એક કલાકાર હતો. નાટકો, ટેલીફિલ્મોમાં અભિનય કરતો. ક્યારેક ક્લાસમાં આવતો, ક્યારેક ન આવતો. ભણવામાં તેનું ધ્યાન ન હતું. પ્રથમ ટર્મિનલ એક્ઝામ સમયે તે યુવક દોડતો આવીને આ છોકરીની બાજુમાં જ બેસી ગયો, તેનો બેઠક નંબર તે જ બેંચ પર હતો. છોકરીનો ચહેરો શરમથી લાલ થઈ ગયો, તે ચુપચાપ જવાબ લખવામાં વ્યસ્ત થઈ ગઈ. યુવક થોડી વાર બેસી રહ્યો અને પછી તેની તરફ જોતાં ધીમેથી બોલ્યો, 'તારો હાથ થોડો પેલી બાજુ મૂક, જેથી હું લખી શકું.' કિશોરીએ સુપરવાઇઝર તરફ જોયું, જે પરીક્ષાર્થીઓ પર નજર રાખી રહ્યા હતા. તેનું દિલ જોરથી ધડકતું હતું, પકડાઈ ગઈ તો? છતાં પણ તેણીએ યુવકને તેની આન્સર શીટમાંથી કૉપી કરવા દીધી.

એક્ઝામ પૂરી થતાં જ તે યુવક, કિશોરીને ‘થૈંક્સ’ કહ્યા વિના આન્સર પેપર આપીને ઝડપથી ચાલ્યો ગયો. શું શહેરના લોકો આટલા નિષ્ઠુર હોય છે? પરંતુ તેને તો આ પથ્થરદિલ જ ગમી ગયો હતો! તે દરરોજ તેની રાહ જોતી, પરંતુ આ યુવાનની દુનિયા જુદી હતી. તે રોજ ક્લાસ પણ એટેન્ડ કરતો ન હતો. ક્યારેક કૉલેજની બહાર, મિત્રો સાથે કેન્ટીનની સામે ગપસપ કરતો જોવા મળતો. તેની એક ઝલક જોવા માટે તે કિશોરી કૉલેજના કોરિડોરમાં ઊભી રહેતી અને ક્યારેક ગામ જવાની ટ્રેન પણ ચૂકી જતી. જે દિવસે તે યુવક ના દેખાય, તેણી ઘરે પહોંચ્યા પછી છાનીમાની રડ્યા કરતી.

તેણીએ તે યુવક સાથે ક્યારેય વાત કરવાની હિંમત કરી નહીં. તેને બે બાબતોનો ડર હતો. એક, જો તે યુવક તેના પ્રત્યેનો પોતાનો પ્રેમ ઠુકરાવી દે તો? બીજો અને મોટો ભય એ યુવકના ઈસાઈ ધર્મ વિષે હતો. જો તેનો પ્રેમ સ્વીકારાય તો પણ તેણી સમાજ સામે કેવી રીતે લડશે? ડરપોક છોકરી! કશમકશમાં જ વીતી ગયા કૉલેજનાં ચાર વર્ષ. કાશ, તે પાગલ બુદ્ધુ છોકરાએ તેની આંખોમાં એકવાર જોયું હોત! 

પછી આ દુનિયામાં ક્યાંક ખોવાઈ ગયો તે. કિશોરીનો અભ્યાસ આગળ પણ ચાલુ રહ્યો. હવે તે થોડી મેચ્યોર થઈ ગઈ હતી. તેને સારી જૉબ મળી, લગ્ન પણ કરી લીધાં. ઘર વસાવ્યું, પણ પ્રથમ પ્રેમ તેના દિલના તહખાનામાં અકબંધ રહ્યો! સમય વીતતો ગયો અને જીવનની ઢળતી સાંજે, એક દિવસ તેણીએ એ યુવકને શોધી કાઢ્યો; જે હવે તેના સપનાનો રાજકુમાર પણ નહોતો રહ્યો! છતાં તેણીએ સંસારિક સંબંધોની મર્યાદાને વટાવી તેના હૃદયની વાત કરી! આશ્ચર્યની વાત એ છે કે તેણે પિસ્તાળીસ વર્ષ પાછા જઈને તેણીનો પ્રેમ સ્વીકાર્યો! તે ત્યારેય પાગલ હતો અને અત્યારે પણ પાગલ છે! 

આ કિશોરી હવે એક ધીરગંભીર મહિલા છે જે તેની દુનિયામાં વ્યસ્ત છે. સાત સમન્દર પાર તે પુરુષે પણ તેની દુનિયા વસાવી છે. તેમની આ મૈત્રી હવે કોઈ નામની મોહતાજ ક્યાં છે?

'મારી નજરમાં તારી વાર્તા' અહીં સમાપ્ત થઈ. આજે, તારી વાર્તા લખવાથી મારા દિલને રાહત મળી છે.