Chhappar Pagi - 76 books and stories free download online pdf in Gujarati

છપ્પર પગી - 76

છપ્પર પગી - ૭૬
————————————-
જોકે આવી કલાક સુધી વાતો ચાલી હતી..હવે સૌ કોઈ સુવા માટે જતા રહે છે.
પણ વિશ્વાસરાવજી પોતાનાં રૂમમાં સૂવા માટે જવા ને બદલે એ સ્વામીજીના રૂમમાં જવાનો વિકલ્પ પસંદ કરે છે. સ્વામીજીનો સુવાનો સમય થઈ જ ગયો હોય છે તેમ છતાં વિશ્વાસરાવજીએ સ્વામીજીને મળવા જાય છે. દરવાજો ખટખટાવ્યો અને કહ્યું , ‘સ્વામીજી.. મળવું જરૂરી છે. આવું અંદર..?’
સ્વામીજી જાણતા જ હોય છે કે અનિવાર્ય કારણસર વિશ્વાસરાવજી ક્યારેય આવો સમય પસંદ ન કરે.. એટલે સ્વાભાવિક રીતે જે એ દરવાજો ખોલીને આવકારે છે.
વિશ્વાસરાવજીએ સ્વામીજી સાથે જરૂરી કેટલીક વાતો કરવાની હતી, તે જણાવી પોતાનાં રૂમમાં જતા રહે છે.
સ્વામીજી આવી બધી પરિસ્થિતિ માટે ક્યારેય ઉદ્વેગ ન અનુભવે એવી સ્થિતપ્રજ્ઞતા હતી.. પણ થોડો વિચાર કરીને એ પણ હવે સુવા જતા રહે છે.
બીજા દિવસે વહેલી સવારે નિયત કાર્યક્રમ મુજબ બધા જ લોકો પંડાલમાં એકત્ર થવાનાં હતા. મંચ પર એક કલાક જેટલો સમય દિપ પ્રાગટ્ય, સ્વાગત, પૂર્વભૂમિકા, પ્રવચનો વિગેરે રહેવાનું હતું , ત્યાર પછી લોકાર્પણ , ભોજન અને બાળકોનો શાળા પ્રવેશ એવું આયોજન હતું.
બલવંતસિંહ, સરપંચ અને સ્થાનિક આગેવાનોએ બહુ મહેનતથી સમગ્ર આયોજન કર્યુ હતું અને હવે થોડીવારમાં આ સમગ્ર કાર્યક્રમ સંપન્ન થવા જઈ રહ્યો હતો.
બલવંતસિંહ અને સરપંચનું આ બધી ગતિવિધી પર બહુ બારીકાઈથી નિયંત્રણ હતું એટલે એમણે સૌ મહેમાનોને સવારે સાડાઆઠ વાગે પધારવા જણાવ્યું હતું …
જેની સૌ મહેમાનો અને બહુ મોટી સંખ્યામાં લોકો રાહ જોઈ રહ્યા હતા.. એ દિવસ અને ઘડી આવી પહોંચી છે.
સૌ મહેમાનો બલવંતસિંહના ફાર્મહાઉસથી નીકળી હવે કાર્યક્રમના સ્થળે પ્રસ્થાન કરી રહ્યા છે.. થોડીવારમા તો સૌ મહાનુભાવો સ્થળ નજીક પહોંચે છે. સૌ મહેમાનો પોતાની કારમાંથી જેવાં ઉતરે છે કે તરત જ ઢોલ, નગારા અને શરણાઈના મધૂર સંગીત સાથે સ્વાગત થાય છે.. સ્થાનિક આયોજકોની એક ટીમ એમને સભામંડપ તરફ લઈ જવા કુંવારિકા બાળાઓની કળશયાત્રા સાથે આગળ આગળ વધી રહ્યા છે.. બન્ને બાજુથી ગામલોકો આ બધા મહેમાનો પર પુષ્પવર્ષા કરી રહ્યા છે. ખૂબ આનંદ, ઉત્સાહ અને લાગણીસભર આવકાર સાથે સૌ મહેમાનો મંચ પર હવે પોતાનું સ્થાન શોભાવી રહ્યા છે…
નવનિયુક્ત આચાર્યા બહેન પોતે જ સમગ્ર કાર્યક્રમનું યશસ્વી સંચાલન કરી રહ્યા હતા.
મંચ પર ઉપસ્થિત સ્વામીજીના વરદ્ હસ્તે દિપપ્રાગટ્ય કરાઈ રહ્યું છે સાથે સાથે બાળાઓ મધૂર સ્વરે..
शुभं करोति कल्याणम आरोग्यं धनसंपदा ।
शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोsस्तुते ।
दीपज्योति: परब्रह्म दीपज्योति: जनार्दन ।
दीपो हरतु मे पापं संध्यादीप नमोsस्तुते….શ્લોકનું પઠન કરે છે.
ત્યાર બાદ સરસ રીતે એક સરખી ચોલીમાં સુસજ્જ બાળાઓ ખૂબ સુંદર અને ભાવવાહી શૈલીમાં … મનુષ્ય તું બડા મહાન હૈ… એ ગીત પર નૃત્ય કરી મહેમાનોનું મન મોહી લે છે.. સરપંચ આવીને સૌનુ શાબ્દિક સ્વાગત કરે છે.. પહેલાં ઘોરણમાં પ્રવેશ લીધેલી નાનકડી દિકરીઓ દ્વારા ઉપસ્થિત સૌ મહેમાનોનું ‘શ્રીમદ્ ભગવદ્ ગીતા’ પુસ્તક અર્પણ કરી સ્વાગત કરવામાં આવે છે.
સરપંચે સૌને શબ્દોથી આવકાર્યા, બાદ લક્ષ્મીને થોડી વાત કરવા કહેવામાં આવે છે.. સંપૂર્ણ ભારતીય પરિધાનમાં સજ્જ… લાઈટ આઈવરી , સોનેરી કોર વાળી સાડી, લાલ બ્લાઉઝ, ખૂબ લાંબા સરસ હેર સ્ટાઈલથી ગૂંથેલ વાળ, કપાળે મોટો ચાંદલો, ગળામાં લાંબુ મંગળસૂત્ર, તેજસ્વી મુખમુદ્રા અને જાજરમાન વ્યક્તિત્વ ધરાવતી લક્ષ્મી સૌને વંદન કરી પોડીયમ તરફ બોલવાં આગળ વધી રહી છે ત્યારે લક્ષ્મી સાક્ષાત સરસ્વતી સમી ભાસી રહી છે…લક્ષ્મીએ બહુ સૌજન્યશીલ ભાવે, પ્રવાહી શૈલીમાં પ્રવિણના આ સ્કૂલના સ્વપ્ન હતું અને આજે સૌના સહયોગથી પૂર્ણ થઈ રહ્યુ છે તે વાત કરી, ત્યાર બાદ જણાવે છે કે જ્યારથી આપણાં સમાજમાં ગુરુઓ, શિક્ષકો પ્રત્યે પ્રેમ, લાગણી , આદર અને સન્માન ઘટ્યું છે ત્યારથી જોડે જોડે શિક્ષણની અધોગતિ પણ શરૂ થઈ જ ગઈ છે. આપણાં સૌનો વ્યવસાય એક સરખો જ મહત્વનો અને જરૂરી છે… ખેતી હોય કે મિલમાલિક, કડિયો હોય કે કલેક્ટર, મોચી હોય કે મંત્રી હોય, સ્વીપર હોય કે સોલિસીટર હોય, દાતણ વેચનાર હોય કે ડોક્ટર હોય.. સૌનો વ્યવસાય અને ભૂમિકા સમાજ માટે મહત્વ ની છે પરંતુ આ સૌ વ્યવસાયની જનેતા તો શિક્ષણ જ છે ને … પછી શિક્ષકનું મહત્વ બતાવવા થોડી વાત કરે છે.. બાળકના જીવનમાં માતા-પિતા પછી બીજા ક્રમે સૌથી મહત્વની વ્યક્તિ એ શિક્ષક છે, શિક્ષકને માતાનું સ્થાન અપાયું છે કેમ કે તે આખુ જીવન બાળકોને શિક્ષણ આપવામાં વિતાવે છે. વિશ્વના તમામ ગુરૂને કોટી કોટી વંદન છે. શિક્ષકના માર્ગદર્શનથી શીખનારનો માર્ગ આનંદમય અને સફળ બને છે. શિક્ષકના ત્રણ શબ્દના અર્થ જોઇએ તો શિસ્ત, ક્ષમા અને કરૂણા છે… પછી જણાવે છે કે મારે સ્વામીજીની ઉપસ્થિમાં બહુ કહેવાનું ન હોય પણ એટલું તો ચોક્કસ કહીશ કે,
એક શિક્ષક તેના પ્રત્યેક વિદ્યાર્થીની પાર્શ્વભૂમિકા જાણે છે અને ધીરે ધીરે તેને કઈ રીતે માર્ગદર્શન આપીને આગળ લઇ જવો તે એક શિક્ષકને બરાબર ખબર છે. જેમ શ્રીકૃષ્ણ અર્જુનને ધીરે ધીરે ગંતવ્ય તરફ દોરી જાય છે! કૃષ્ણ એક અદ્ભુત શિક્ષક છે. જયારે એક શિષ્ય/વિદ્યાર્થી પ્રગતિ કરે છે ત્યારે તે ખુબ મૂંઝવણમાંથી પસાર થાય છે. તેની પૂર્વધારણાઓ, વિભાવનાઓનું ખંડન થાય છે. જેમ કે એક વિદ્યાર્થી પ્રથમ શીખે છે કે સૂર્ય પૂર્વમાં ઉગે છે. ત્યાર પછી તે ગ્રહો, ગ્રહોની ગતિ અને ખગોળશાસ્ત્ર સમજે છે. અને ત્યારે આગળની પૂર્વધારણા: સૂર્ય ઉગે છે, તેનું ખંડન થાય છે. આ આખી પ્રક્રિયામાં એક શિક્ષક, પ્રત્યેક પગલે અત્યંત કુશળતાપૂર્વક વિદ્યાર્થીને માર્ગદર્શન પૂરું પાડે છે. ક્યારેક શિક્ષક ખુદ વિદ્યાર્થીની પ્રગતિ માટે ગૂંચવણો ઉભી કરે છે. તો એક શિક્ષક, જ્ઞાનના પથ ઉપર વિદ્યાર્થીને શનૈ: શનૈ: આગળ લઇ જવાની કલામાં પ્રવીણ હોય છે.
સાચો શિક્ષક પ્રેમલતા અને કઠોરતાનું અનુપમ સંયોજન છે. સામાન્યત: અમુક શિક્ષકો માત્ર પ્રેમાળ હોય છે જયારે અમુક શિક્ષકો માત્ર કઠોર! પરંતુ અહી દ્રઢતા અને પ્રેમનું નાજુક સંતુલન હોવું આવશ્યક છે. કેટલાંક બાળકો વિદ્રોહી સ્વભાવ ધરાવતાં હોય છે, તેમને વધુ પ્રેમ, પ્રશંસા અને પ્રોત્સાહનની જરૂર હોય છે. જયારે કેટલાંક બાળકો શરમાળ હોય છે, તેમની સાથે થોડો કઠોર વ્યવહાર કરીને તેમને બહિર્મુખ કરવાની જરૂર રહે છે. પરંતુ શાળાઓમાં આનાથી બિલકુલ ઉલટું થતું હોય છે. વિદ્રોહી બાળકોની સાથે કઠોર વ્યવહાર અને શરમાળ પ્રકૃતિના બાળકો સાથે મૃદુ વ્યવહાર થતો હોય છે. અને એટલે જ તેમની વર્તણુંકમાં સકારાત્મક પરિવર્તન આવતું નથી. એક કુશળ શિક્ષક ઋજુતા અને કઠોરતાનાં સુંદર મિશ્રણ દ્વારા વિદ્યાર્થીઓને પ્રગતિના પંથે દોરી જાય છે. માટે મારી આપ સૌને કરબદ્ધ પ્રાર્થના છે કે આપ સૌ આપણાં શિક્ષકોને પુરતું માન અને સન્માન આપજો.. આ શાળાનો મહત્તમ લાભ આપણાં બાળકો લે , પોતાનું , પરીવારનું અને રાષ્ટ્રનું કલ્યાણ કરે એવી ભાવના વ્યક્ત કરું છું… આપ લોકોએ મને ધેર્યપૂર્વક સાંભળી.. ગામ માટે આ સેવા કરવાની તક આપી તે બદલ મારી દિકરી પલ અને મારા પતિ, અમારા માતા-પિતા તુલ્ય શેઠ, શેઠાણી એમનો પરીવાર અને અમારો મોટો બિઝનેશ પરીવાર છે એ સૌ વતીથી આપ સૌને શુભકામનાઓ પાઠવી મારી વાણીને વિરામ આપું છું, અમારા ગુરુ અને આ સર્વ કાર્યો પાછળ જેમની સતત પ્રેરણા છે તેવા સ્વામી રાધાવલ્લભજી અત્રે પધાર્યા છે તે આપણાં સૌનુ સદ્ભાગ્ય છે..એમને સાંભળવા એ જ ખરો લ્હાવો છે…
સભામંડપમાં ઉપસ્થિત સૌ કોઈની લક્ષ્મીની આ ખૂબ લાગણીસભર મીઠી મધુરી વાણી સ્પર્શી ગઈ , લક્ષ્મી પોતાની જગ્યા પર બેસી ગઈ ત્યાં સુધી ખૂબ તાળીઓનાં ગડગડાટ થયા અને હવે જેની આતુરતાપૂર્વક સૌ રાહ જોઈ રહ્યા હતા…તે સ્વામીજીને પ્રવચન માટે નિમંત્રણ અપાય છે…

ક્રમશઃ
લેખકઃ રાજેશ કારિયા