ધારાવાહિક:- મારા અનુભવો
ભાગ:- 61
શિર્ષક:- ગુરુ કરાવો
લેખક:- શ્રી સ્વામી સચ્ચિદાનંદ
રજૂ કરનાર:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
🤷 મારા અનુભવો…
🙏 સ્વામી શ્રીસચ્ચિદાનંદજી
📚 પ્રકરણઃ 61."ગુરુ કરાવો"
હિન્દુ પ્રજા માત્ર ધર્મ, સંપ્રદાય, પંથ કે જાતિથી જ વિભાજિત નથી પણ તે કેટલીક વાર આદર્શોથી પણ વિભાજિત થાય છે. વિશ્વના બીજા ધર્મોમાં ભાગ્યે જ જોવા મળે તેવી એક પ્રથા હિન્દુ પ્રજામાં છે. તે છે ગુરુ કરવાની પ્રથા, ખ્રિસ્તીઓ પાદરીઓ વગેરે ધર્માધિકારીઓ માને છે. કારણ કે તે નિશ્ચિત ધર્મ તથા શાસ્ત્રને માને છે. પણ કોઈ પણ પાદરી ઈશુની જગ્યાએ ઈશુની સાથે પોતાની પૂજા નથી કરાવતો. તે એક પેઢીના મુનીમ જેવું કામ કરે છે. પેઢીની મહત્તા વધે એમાં જ તેની શક્તિ લાગે છે.
મુસ્લિમો પાસે કોઈ પોપ, કાર્ડિનલ, આર્ચબિશપ કે બિશપ જેવી શાસકીય વ્યવસ્થા નથી. છતાં પૂરી પ્રજા સૌથી વધુ સંગઠિત થઈને રહે છે, કારણ કે પ્રત્યેક મુસ્લિમ, ઇસ્લામ નામના સિદ્ધાંતને સમર્પિત છે, કોઈ વ્યક્તિને નહિ, હજારો વ્યક્તિઓ આવી ને ગઈ. તેમનું જ્ઞાન તથા જીવનના આદર્શો પ્રેરણા આપતા થાય તે જરૂરી છે. પણ પ્રજા તો સિદ્ધાંતોને પ્રેરિત થઈ હોવાથી વ્યક્તિના જવાથી વ્યક્તિમાં ખાલીપણું નથી આવી જતું. સિદ્ધાંતોના સહારે સંગઠન સુરક્ષિત રહી શકે છે. સિદ્ધાંતોને સમર્પિત પ્રજા અને વ્યક્તિને સમર્પિત પ્રજામાં આ મુદ્દાનો ભેદ રહે છે.
હિન્દુ પ્રજા મુખ્યતઃ વ્યક્તિ-સમર્પિત પ્રજા હોવાથી, વ્યક્તિઓની પ્રતિભાના માધ્યમથી તે અસંખ્ય સંપ્રદાયો, પંથો, મંડળો વગેરેમાં વિભાજિત થઈ છે તથા થતી રહે છે. ધાર્મિક ક્ષેત્રમાં પ્રજાને અનુયાયી બનાવવા માટે બહુ સરસ માર્ગ ગુરુ થવાનો છે. પ્રથમ તમે ગુરુ થાઓ. તમારો પ્રભાવ, પ્રતાપ અને ક્ષમતા બધું પોતાની ગુરુતાને ચમકાવવામાં ખર્ચો. તમારી પોતાની નવાઈ વચ્ચે હજારો લોકો તમારા અનુયાયી થશે. ટોળું ટોળાને વધારે તે નિયમ પ્રમાણે તમારું ટોળું બીજા માણસોને પોતાના તરફ ખેંચીને તમારા અનુયાયીઓની સંખ્યા વધારતું રહેશે. સંખ્યાનો વધારો, સૌને નોંધ લેવા વિવશ કરશે. વૉટ લેનારથી માંડીને સૌને થશે કે આ વ્યક્તિના સહયોગથી લાભ થઈ શકે તેમ છે. એટલે તમારી ચારે તરફ રાજકીય નેતાઓ, વેપારીઓ વગેરે સૌ કોઈ ઊભરાવા લાગશે. એક વ્યક્તિને કેન્દ્રમાં રાખીને એક વાતાવરણ ઊભું થશે, જે અનુકૂળ માણસોને તો પ્રભાવિત કરશે જ, પ્રતિકૂળ માણસોને પણ તેની નોંધ લેવા ફરજ પાડશે. આવી કેન્દ્રીય વ્યક્તિ પોતાની જયન્તી, ષષ્ટિપૂર્તિ વગેરે અનેક પ્રસંગોને ધામધૂમથી ઊજવતી હોય છે. તેનો બાહ્ય પ્રભાવ તેના ટોળાંને વધારવામાં તથા વિરોધીઓને દબાવવામાં ભાગ ભજવતો હોય છે. સૌથી વધુ મજાની વાત તો તે થતી હોય છે કે આવું પ્રત્યેક ટોળું ધર્મની રક્ષા તથા સંસ્કૃતિની રક્ષાની ગગનભેદી બૂમો પાડતું હોય છે.
ધર્મ તથા સંસ્કૃતિની રક્ષાની આ રીતે વાતો કરનારા ખરેખર તો પ્રજાને વિભાજિત જ કરતા હોય છે. આવા વિભાજનથી ધર્મ તથા સંસ્કૃતિ બંને દુર્બળ થતાં હોય છે. પણ મૂળ પ્રશ્ન એ થાય છે કે આવાં વિભાજન કેમ થાય છેવ? કારણ કે પ્રજા વ્યક્તિને સમર્પિત થાય છે, સિદ્ધાન્તોને નહિ. કેન્દ્રીય વ્યક્તિઓ આવા વ્યક્તિ-સમર્પણને ધર્મ તથા સંસ્કૃતિનું પ્રથમ અને મહત્ત્વનું અંગ બનાવી દેતી હોય છે. ધર્મ તથા સંસ્કૃતિના જયજયકાર કરતાં પણ કેન્દ્રીય વ્યક્તિનો જયજયકાર થયા કરતો હોય છે. આવી વ્યક્તિ સમર્પિત પ્રજા, સિદ્ધાન્તસમર્પિત પ્રજાની તુલનામાં વધુ વિભાજિત તથા વધુ અવ્યવસ્થિત રહેવાની જ. આ મૂળ દુર્બળતાને દૂર કરવાની જગ્યાએ તેને પોષણ આપવાનું કામ કેન્દ્રીય વ્યક્તિ તરફથી થતું હોય છે. જેમ કે પોતાના અનુયાયીઓને પોતાના વંશ- વારસદારોની મિલકત સમજીને વહેંચી દેવી. આવી રીતે પ્રજા ફરી ફરીને વિભાજિત થતી રહે છે. જો પ્રજાને સિદ્ધાંતસમર્પિત બનાવી હોત તો વ્યક્તિ દ્વારા થનારાં વિભાજનોથી તે બચી શકી હોત, તો તે વધુ શક્તિશાળી તથા વિભાજિત રહી શકી હોત. પણ એવું નથી થઈ શક્યું, હજી પણ નથી થઈ શકતું કારણ કે આપણે વ્યક્તિને ભગવાન કે ભગવાન તુલ્ય માની લેવાની બીમારીથી પીડાઈએ છીએ.
હું કાશીમાં રહેતો ત્યારે મને ઘણી વાર યુ.પી. તથા બિહારનાં ગામડાં જોવાની ઇચ્છા થતી. એક વાર મહન્તજી પોતાની જમાત લઈને પોતાના બે લાખ ગૃહસ્થ શિષ્યોમાં વિચરણ કરવા નીકળતા હતા. હું તેમની સાથે થઈ ગયો, મારે ગામડાં જોવાં હતાં. મહત્તજી પાલખીમાં ચાલે. પાલખીને ભોઈલોકો ઉપાડે. એક ગામથી બીજા ગામે વિચરણ થાય. અમે બધાં પગપાળા ચાલીએ. ગામની ભાગોળે તંબૂ નંખાય. મંદિર આરતી, પૂજા વગેરે થાય. મારું તથા કોઈ કોઈ વાર મહન્તજીનું પ્રવચન થાય. અનુયાયી વર્ગ એકત્ર થાય. ગાદી પરંપરાના અનુયાયીઓ હોવાથી કેટલાકને ખૂબ શ્રદ્ધા હોય. કેટલાકને ઓછી થાય. પણ બધા ભેગા થાય. દર ત્રીજા વર્ષે એ ગામનો વારો આવે, એટલે નવાં બાળકો તથા નવા અનુયાયીને મહત્તજી ગુરુમંત્ર આપે, શિષ્યોની સંખ્યામાં વધારો થાય. આવકમાં પણ વધારો થાય. આવા વિશાળ શિષ્યસમુદાય આગળ પોતાની મહત્તા વધારવા સીધી અથવા આડકતરી રીતે ચમત્કારોની હવા તો બાંધવી જ પડે. લોકો જ્ઞાન-ગુણથી એટલા પ્રભાવિત નથી થતા, જેટલા ચમત્કારોથી પ્રભાવિત થાય છે. અમે એક પછી એક અનેક ગામડાંઓમાં વિચરતા રહ્યા.
મેં જોયુ કે પ્રત્યેક ગામમાં ઓછામાં ઓછા ચાર-પાંચ પંથો તો હોય જ છે. પ્રત્યેક પંથના ગુરુલોકો પ્રથમ તકેદારી એ રાખતા હોય છે કે પોતાના અનુયાયી કોઈ બીજા પંથમાં કે ગુરુમાં રસ તો નથી ધરાવતા ને ? જો કોઈ વ્યક્તિમાં આવી વૃત્તિ જોવા મળે તો તેને તેમ કરતાં અટકાવવામાં આવે, તે પ્રજા પ્રજા વચ્ચે એક દીવાલ ઊભી થઈ જાય. આવી દીવાલ કેટલીક વાર પાડોશીની નિંદા કે અસહિષ્ણુતાનું કામ પણ કરે. પોતાના પંથની શ્રેષ્ઠતા તથા બીજાની હીનતા બતાવવાની પ્રેરણા આ વિભાજનમાંથી મળે.
અમારા મહન્તજીના અનુયાયી વર્ગને માંસાહાર ન કરવાની કડક મનાઈ ન રહેતી. એટલે સામાન્ય રીતે એવો રિવાજ પડી ગયો હતો કે જેણે માંસાહાર ચાલુ રાખીને પણ ગુરુ કરાવવા હોય તે અમારા મહન્તજીનો મંત્ર લેતા. બીજા મહંતજી કડક રીતે માંસાહાર છોડાવી દેતા, એટલે તેમના અનુયાયી કરતાં અમારા મહન્તજીના અનુયાયીઓની સંખ્યા વધારે રહેતી.
મેં એક વાર એકાન્તમાં મહત્તજીને સમજાવવા પ્રયત્ન કર્યો કે તમે પણ શિષ્યોને કડક રીતે માંસાહાર છોડાવવાનો પ્રયત્ન કરો ને.
તેમણે બહુ જ ડહાપણભર્યો જવાબ આપ્યો. ‘આપણું ધ્યેય મઠની આવક વધારવાનું છે. મારા અઢી લાખ શિષ્યો મને માત્ર બબ્બે રૂપિયા દક્ષિણા આપે તો તોપણ માને પાંચ લાખ રૂપિયાની આવક થાય હવે જો આપણે તેમને માટે કડક નિયમો બનાવીએ તો શિષ્યોની સંખ્યા ઘટી જાય અને અંતે આવક ઓછી થઈ જાય. એટલે જે કરે તે ભરે. આપણે તો આપણા મઠની ચિંતા કરવાની.” મહંતની આ વ્યાવહારિક વાત મારા ગળે ન ઊતરી. થોડા દિવસ સાથે રહીને વચ્ચેથી હું જમાત છોડીને કાશી પાછો આવતો રહ્યો.
ગામડાંની ધાર્મિક સ્થિતિ જાણવી હતી તે જાણી લીધી. બસ, ગુરુ કરાવો જ ગુરુ કરાવો' નું પ્રબળ વાતાવરણ. જેને ઘેટાં ભેગાં કરવાની કળા આવડી હોય તે બાથ ભરી ભરીને ઘેટાં ભેગાં કરે. બસ ગુરુ થઈ ગયા. ગુરુ ભગવાનની જગ્યાએ ગોઠવાઈ જાય. શિષ્યો ગુરુની આરતી-પૂજા કરે, પગ ધોઈને પીએ, કેટલીક વાર તો એંઠવાડ પણ ખાય. ગુરુનાં પ્રવચન તથા પુસ્તકોનો મોટો સૂર હોય કે ‘ગુરુ એ જ ભગવાન” એટલે આખો અનુયાયી વર્ગ ગુરુ નામની વ્યક્તિને વળગ્યો હોય. તે જ તારણહાર છે તેવાં ગીતો ગવાતાં હોય. ગુરુ મહિમાની આગળ ઈશ્વર-મહિમા લુપ્ત થઈ ગયો હોય. આવી રીતે ગુરુ દ્વારા પદ્ધતિસર ઈશ્વરવિમુખતા ફેલાવાતી હોય. તન, મન, અને ધન સર્વસ્વ ગુરુને અર્પણ કરી દેવાની કથાઓ, ગીતો, ભજનો ગવાતાં હોય. અનુયાયીમાં વ્યક્તિપૂજાનો અફીણિયો નશો ચડ્યો હોય. બીજા ગુરુઓ કરતાં અમારા ગુરુ શ્રેષ્ઠ છે તેવા દાવા-પ્રતિદાવા થતા હોય, સ્વયં ગુરુઓ પરસ્પરમાં ઈર્ષા, દ્વેષ અને માનમાં ડોળા કાઢતા હોય. આવા વાતાવરણનું નામ ધર્મ તથા સંસ્કૃતિ કહેવાતું હોય તો પ્રજાનું કલ્યાણ થાય કે અકલ્યાણ તે કહેવાની જરૂર નથી.
ખરેખર શું હોવું જોઈએ?
પ્રજાને સિદ્ધાન્તો પ્રત્યે સમર્પિત કરનારા ધર્મપ્રચારકો હોવા જોઈએ. વ્યક્તિપૂજાથી બચનારા તથા બચાવનારા ધર્મપ્રચારકો હોવા જોઈએ. ઈશ્વરનો મહિમા તથા સિદ્ધાન્તોની નિષ્ઠા દૃઢ કરાવનારા ધર્મપ્રચારકો હોવા જોઈએ.
ગુરુ કરાવવાના નામે પ્રજાને વધુ ને વધુ વિભાજિત કરનારા તથા અવ્યવસ્થા ફેલાવનારા ગુરુઓથી છુટકારો મળે તો જ આ સંભવ છે. ગુરુ કરાવ્યા વિના પણ કલ્યાણ થઈ શકે છે તે સરળ વાત પણ જો પ્રજા ને સમજી શકે તો તેમના માટે –
"ગુરુ લોભી શિષ્ય લાલચી,
દોનોં ખેલે દાવ,દોનોં બૂડે
બાપુડે બેઠ પથ્થરકી નાવ."
કબીરનો આ દોહરો યોગ્ય જ ગણાય.
આભાર
સ્નેહલ જાની