part - 44 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 44

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 44

લાલિમાભરેલી કોમળ કાયા પર લીલાછમ અંગવસ્ત્રો એવી રીતે લહેરાઈ રહ્યા હતા જાણે વસંતે પોતે પૃથ્વીના રૂપને ઓઢણી ઓઢાડી હોય. મોતી, હીરા અને અસંખ્ય કિંમતી રત્નોથી સજ્જ આભૂષણો તેના દરેક અંગ પર ચમકી રહ્યા હતા, પરંતુ એ ઝગમગાટ પણ તેની આંખોમાં છલકાતા પ્રેમ સામે ફિક્કો લાગતો હતો. સુગંધિત ફૂલોની વેણીઓથી શોભતી પૃથ્વી આજે માત્ર એક નારી નહોતી, એ તો સ્વયં સૃષ્ટિનું દિવ્ય સ્વરૂપ બની ઉભી હતી.

આસપાસ પવન ધીમે ધીમે વહેતો હતો. ફૂલોની પાંખડીઓ આકાશમાંથી વરસી રહી હતી અને સમગ્ર પ્રકૃતિ જાણે આ મિલનનો ઉત્સવ ઉજવી રહી હતી. પક્ષીઓના મધુર કલરવ ગુંજી રહ્યો હતો.

પૃથ્વીના હાથમાં રહેલી વિજયમાળા માત્ર ફૂલોની માળા નહોતી; એ તેના હૃદયની સ્વીકૃતિ હતી, એની આત્માનો સમર્પણ હતો। ધીમે ધીમે કંપતા હાથે તેણે એ માળા સમુદ્રકના ગળામાં પહેરાવી, તે ક્ષણે સમુદ્રકની આંખોમાં અજોડ તેજ પ્રગટ થયું, કોઈ જય વિજય નહીં, પરંતુ પ્રેમમાં સંપૂર્ણપણે સમાઈ જવાનો આનંદ..!

જ્યારે માળા સમુદ્રકના ગળે સ્પર્શી, ત્યારે બંનેના અંતરમાં લાગણીઓનો એવો પ્રચંડ પ્રવાહ ઉઠ્યો કે જાણે સમુદ્રે પોતાની તમામ મર્યાદાઓ તોડી દીધી હોય. પૃથ્વીના હૃદયમાં વર્ષોથી ધબકતું મૌન પ્રેમ આજે શબ્દોથી પર થઈ પ્રગટ થઈ ગયું. સમુદ્રક માટે આ ક્ષણ માત્ર પ્રિયતમાને મેળવવાની નહોતી; એ તો પોતાના અસ્તિત્વને પૂર્ણતા મળવાની ક્ષણ હતી.

સમય જાણે થંભી ગયો હતો. બંનેની નજરો એકબીજામાં એવી રીતે બંધાઈ ગઈ કે આસપાસનું સમગ્ર વિશ્વ ઓગળી ગયું. હવે ત્યાં માત્ર બે આત્માઓ હતી, એક પૃથ્વી, બીજી સમુદ્ર જેવી ઊંડી લાગણીઓ ધરાવતો સમુદ્રક. અને એ પવિત્ર ક્ષણે પ્રકૃતિએ પણ જાણે સ્વીકારી લીધું કે પ્રેમ જ્યારે સત્ય હોય, ત્યારે દેવતાઓ પણ એની સામે નમન કરે છે.

માળાના તે પવિત્ર સ્પર્શ સાથે જ આકાશમાં શંખનાદ ગુંજી ઉઠ્યો.‌પવન સુગંધિત બની ધીમે ધીમે વહેવા લાગ્યો. ચારે તરફ ફૂલોની વર્ષા થવા લાગી અને દેવતાઓ પણ આ અલૌકિક મિલનને નિહાળી મંત્રમુગ્ધ બની ગયા. પૃથ્વી શરમથી નમેલી આંખો સાથે સમુદ્રક સામે ઊભી હતી. એના કપાળ પર ચંદ્ર જેવી શીતળ કાંતિ ઝળહળી રહી હતી. સમુદ્રકની ઉંડી નીલિમાભરી આંખોમાં આજે અનંત પ્રેમ તરંગિત થઈ રહ્યો હતો. 

ત્યાં ઉપસ્થિત નારદ મુનિએ મંત્રોચ્ચાર વચ્ચે ધીમે ધીમે પૃથ્વીના કોમળ હાથમાં સમુદ્રકનો વિશાળ અને શક્તિશાળી હાથ સોંપ્યો. એ ક્ષણે જાણે સમગ્ર સૃષ્ટિ થંભી ગઈ હોય. પવનની ગતિ મંદ બની ગઈ, આકાશના વાદળો સ્થિર થઈ ગયા અને દેવલોક સુધી એક અજાણી શાંતિ પ્રસરી ગઈ.

પૃથ્વીના હાથમાં જ્યારે સમુદ્રકનો સ્પર્શ આવ્યો, ત્યારે એની આંગળીઓમાં વીજળી સમો કંપન દોડી ગયો.
સમુદ્રકના ઠંડા, જળમય સ્પર્શે પૃથ્વીના અંતરમાં વર્ષોથી ધગધગતી વિરહની આગને શાંત કરવી શરૂ કરી. પૃથ્વીના નયનો અડધા મીંચાઈ ગયા; એ શરમથી ઝૂકી ગઈ, પરંતુ એની ધડકનોમાં પ્રેમનો મહાસાગર ઉછળી રહ્યો હતો.

સમુદ્રક પણ એ સ્પર્શથી મંત્રમુગ્ધ બની ગયો. જેણે અસંખ્ય નદીઓને પોતાની અંદર સમાવી હતી, એ આજે પ્રથમવાર એક નારીના સ્પર્શમાં પોતાનું અસ્તિત્વ ઓગળતું અનુભવી રહ્યો હતો. એના પ્રચંડ હૃદયમાં કોમળ લાગણીઓના મોજાં ઉઠવા લાગ્યા. પર્વતોને તોડી નાખવાની શક્તિ ધરાવતા સમુદ્રના હાથ આજે પૃથ્વીના હાથને પકડીને ધ્રૂજી રહ્યા હતાં.

ત્યાં ઉપસ્થિત ઋષીમુનિઓના હોઠેથી વૈદિક મંત્રો ગુંજી રહ્યા હતાં. આ દરેક મંત્ર સાથે બંનેના હાથનો મેળાપ વધુ પવિત્ર બનતો જતો હતો. પૃથ્વીએ ધીમેથી પોતાની આંગળીઓ સમુદ્રકની આંગળીઓમાં પરોવી દીધી. આ માત્ર હસ્તમેળાપ નહોતો, સૃષ્ટિના આરંભથી એકબીજાને શોધતા બે અધૂરા અસ્તિત્વનો નું આજ સન્માન હતું.

સમુદ્રકની આંખોમાં અદભૂત નમ્રતા ઉતરી આવી. એણે પૃથ્વીના હાથને થોડો વધુ મજબૂતીથી પકડી લીધો, જાણે સમગ્ર બ્રહ્માંડ સામે એ વચન આપી રહ્યો હોય કે,
“હવે આ હાથ ક્યારેય છૂટશે નહીં।”

પૃથ્વી અને સમુદ્રકનો હસ્તમેળાપ આખી સૃષ્ટિ માટે એક દિવ્ય ઉત્સવ બની ગયો. જાણે પંચતત્વ પોતે આ મિલનના સાક્ષી બની ગયા હોય એમ જે અગ્નિ પ્રગટાવવામાં આવી! તે અગ્નિ સામાન્ય નહોતી, સૂર્યના તેજથી પ્રગટેલી અને ચંદ્રની શીતળતાથી પવિત્ર બનેલી દિવ્ય જ્વાળા હતી. ઋષિમુનિઓએ વૈદિક મંત્રોચ્ચાર શરૂ કર્યો. દરેક મંત્ર સાથે આકાશ વધુ પવિત્ર બનતું ગયું. સમુદ્રક ધીમે ધીમે પૃથ્વીનો હાથ પકડી અગ્નિ સમક્ષ ઊભો રહ્યો. પૃથ્વીના સ્પર્શથી એના અંદરના પ્રચંડ મોજાં પણ આજે શાંત થઈ ગયા હતાં. પ્રેમની આ ક્ષણમાં શક્તિ અને શાંતિ બંને એક થઈ ગયાં હતાં.

પ્રથમ મંગળફેરે બંને અગ્નિની આસપાસ ફરવા લાગ્યાં.
પ્રથમ ફેરામાં સમુદ્રકે વચન આપ્યું,
“હે પૃથ્વી! તારા દરેક ઘાવ પર હું શીતળતા બની વરસીશ. તારા દુઃખને મારી અંદર સમાવી લઈશ.”

પૃથ્વીએ નમ્ર સ્વરે કહ્યું,
“હે સમુદ્રક! હું મારા દરેક અંકુરમાં તારું જીવન વહાવીશ. મારી ધરતી પર જન્મતી દરેક સૃષ્ટિમાં તારો અંશ રહેશે.”

બીજો મંગળફેરો શરૂ થતાં પવન વધુ મધુર બન્યો,
પર્વતો નમન કરવા લાગ્યા.

બીજે ફેરે સમુદ્રકે કહ્યું,
“તારી રક્ષા માટે હું પ્રલય બની ઊભો રહીશ, પણ તારી ખુશી માટે શાંત સરિતા પણ બની જઈશ.”

પૃથ્વી સ્મિત કરી બોલી,
“હું તારી ઊંડાઈને હંમેશા હૃદયમાં સ્થાન આપીશ. દુનિયા તને ભલે ખારો મહાસાગર કહે, પણ મારા માટે તું પ્રેમનું ઘર રહીશ.”

ત્રીજો મંગળફેરો શરૂ થતાં છુપી રીતે આકાશમાંથી 
દેવતાઓએ ફૂલવર્ષા શરૂ કરી. એ સાથે આકાશમાંથી વીજળીઓ પણ આનંદથી ઝળહળી ઉઠી.

સમુદ્રકે પૃથ્વીની આંખોમાં જોઈ કહ્યું,
“સમયના અંત સુધી હું તારા ચરણોને સ્પર્શતો રહીશ. મારા દરેક મોજાં તારા પ્રેમનો સંદેશ લાવશે.”

પૃથ્વીના હોઠ ધીમેથી કંપ્યા,
“અને હું દરેક કિનારે તારી રાહ જોતી રહીશ. જ્યાં જ્યાં મારી સીમા હશે, ત્યાં ત્યાં તારો અહેસાસ રહેશે.”

 ચોથો મંગળફેરો શરૂ થતાં બંનેના ચહેરા પર દિવ્ય તેજ છવાઈ ગયું હતું. પ્રેમ આજે બ્રહ્માંડનો સૌથી પવિત્ર મંત્ર બની ગયો હતો.

સમુદ્રક બોલ્યો,
“હું મારી તમામ શક્તિ તારા અસ્તિત્વને અર્પણ કરું છું.”

પૃથ્વીએ આંખો મીંચી ધીમેથી ઉત્તર આપ્યો,
“અને હું મારું સમગ્ર હૃદય તને સમર્પિત કરું છું.”

મંગળફેરા પૂર્ણ થતાં જ સમગ્ર સૃષ્ટિ આનંદમાં ઝૂમી ઉઠી. સમુદ્રનાં મોજાં ઉલ્લાસથી ઊછળવા લાગ્યાં. ધરતી પર ફૂલો ખીલવા લાગ્યાં. વરસાદની શીતળ બુંદોએ બંને પર ખુબ આશીર્વાદ વરસાવ્યા.

પર્વતની ઊંચાઈઓ વચ્ચે, જ્યાં આકાશ પોતાના નીલિમા ભરેલા આંચલથી ધરાને ઢાંકી રહ્યું હતું, ત્યાં પૃથ્વી અને સમુદ્રકનું એ અલૌકિક મિલન સર્જાઈ રહ્યું હતું. ચારે તરફ પવનમાં ભીની માટીની સુગંધ પ્રસરી રહી હતી. વાદળો જાણે થંભી ગયા હતાં, કારણ કે પ્રકૃતિ પોતે આ પ્રેમની ક્ષણને નિહાળી રહી હતી.

સમુદ્રનું પાણી ધીમે ધીમે પર્વતોની ઢાળ ચડીને પૃથ્વીના ચરણોને સ્પર્શતું હતું. દરેક લહેરમાં એક અનોખી તીવ્રતા હતી! ક્યાંક તરસ, ક્યાંક પ્રેમ અને ક્યાંક સદીઓથી અધૂરી રહેલી લાગણીનો ઉછાળો...!

પૃથ્વીએ જ્યારે પોતાની આંખો મીંચી, ત્યારે એણે અનુભવ્યું કે સમુદ્રની દરેક ઠંડી લહેર એના શરીરના દરેક કણમાં પ્રવેશી રહી છે. એ ઠંડક માત્ર જળની નહોતી, એ તો સમુદ્રકના હૃદયનો સ્પર્શ હતો.

પૃથ્વીના લાંબા વાળ પવનમાં લહેરાઈ રહ્યા હતાં. એની કાયા પર પાણીનાં ટીપાં મોતીની જેમ ઝળહળતા હતાં. સમુદ્રક એને નિહાળતો રહ્યો! એવી તૃપ્તિથી, જાણે હજારો વર્ષ પછી પોતાનો અસ્તિત્વ પૂર્ણ થયું હોય. એણે ધીમેથી પોતાના કરકમળ પૃથ્વીના કપાળ પર ફેરવ્યાં. એ સ્પર્શમાં કોઈ ઉતાવળ નહોતી; એમાં ગાઢ સ્નેહ હતો, સ્વીકાર હતો, અને અનંતકાળ સુધી સાથે રહેવાની નિશબ્દ પ્રતિજ્ઞા હતી.

પર્વતો પરથી ગર્જતા ઝરણાંઓ નીચે ઉતરતાં હતાં, જાણે દેવતાઓ આ મિલન પર પુષ્પવર્ષા કરી રહ્યાં હોય. પૃથ્વીએ બંને હાથ ફેલાવ્યાં અને સમુદ્રની મોજાંઓને પોતાના હૃદય સુધી આવવા દીધી. દરેક લહેર એના અંગેઅંગમાં ધબકતી હતી. એ ધીમે ધીમે પાણીમાં તણાતી ગઈ, પણ ડૂબી નહોતી રહી; એ તો સમુદ્રકના પ્રેમમાં વિલીન થઈ રહી હતી.

સમુદ્રકની આંખોમાં એક અજાણી શાંતિ હતી. એણે પૃથ્વીને પોતાની નજીક ખેંચી. બન્ને વચ્ચે કોઈ શબ્દો નહોતાં, કારણ કે એ ક્ષણે શબ્દોની જરૂર જ નહોતી. માત્ર શ્વાસોની આહટ હતી. ધડકનોનું સંગીત હતું. અઢળક પ્રેમ હતો.

પૃથ્વીએ સમુદ્રનાં પાણીને પોતાના હોઠોથી, પોતાના હૃદયથી, પોતાની આત્માથી સ્વીકાર્યું. લહેરો એની કાયામાં દોડતી હતી અને એ મસ્તીમાં ઝૂમી રહી હતી. એવું લાગતું હતું કે સમગ્ર સૃષ્ટિનો જન્મ ફરીથી થઈ રહ્યો છે, જળ અને ધરાના આ દિવ્ય સંગમમાંથી.

સમય જાણે અટકી ગયો હતો.કલાકો પસાર થયા, પણ બન્નેને એનો અહેસાસ નહોતો. પૃથ્વી સમુદ્રકના વક્ષ પર માથું મૂકી શાંતિથી આંખો મીંચીને પડી રહી. સમુદ્રક ધીમેથી એના માથા પર હાથ ફેરવતો રહ્યો, જાણે કોઈ અમૂલ્ય સર્જનને સ્નેહથી સાચવી રહ્યો હોય.

ચંદ્ર આકાશમાં ધીમે ધીમે ઊગ્યો. એની ચાંદની પાણી પર પડતાં ચાંદી જેવો પ્રકાશ ફેલાયો. એ પ્રકાશમાં પૃથ્વી અને સમુદ્રકનું મિલન માત્ર બે અસ્તિત્વોનું નહોતું, એ તો પ્રકૃતિ અને પ્રેમનું મહાસંગમ હતું. એક એવો સંગમ, જ્યાં તરસ પૂર્ણ થઈ હતી. અને જ્યાંથી નવી સૃષ્ટિના સ્પંદનો જન્મ લેવા લાગ્યા હતાં.

આ માત્ર પૃથ્વી અને સમુદ્રકનું લગ્ન નહોતું, આ તો પ્રકૃતિ અને પ્રેમનું એ અનંત મિલન હતું, જ્યાંથી સર્જનનો નવો અધ્યાય શરૂ થવાનો હતો.

- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️