lohi tarashya lok - 3 in Gujarati Drama by Ashoksinh jadeja books and stories PDF | લોહી તરસ્યા લોક - પ્રકરણ 3

Featured Books
Categories
Share

લોહી તરસ્યા લોક - પ્રકરણ 3

 શહેરની દિવાલો અને પથ્થરનું હૈયું*

     શહેરના એ આલિશાન, ચળકતા બહુમાળી મકાનના બારમા માળે રઘુભાઈ અને શાંતિબા માટે એક નાનકડો ખૂણો ફાળવવામાં આવ્યો હતો. આ એ જ ઘર હતું જે રઘુભાઈની જિંદગીની છેલ્લી મૂડી—એમનું હૈયા વગડું અને ગામનું ખોરડું—વેચીને લેવાયું હતું.પણ અફસોસ, એ વૈભવી ઘરમાં આ વડીલો માટે જે ખૂણો મળ્યો, એ પ્રેમનો નહીં પણ એક ભારે અણગમાનો હતો.

ગામડાની ખુલ્લી હવા, પાડોશીઓ સાથે ઓટલે બેસીને કરાતી સુખ-દુઃખની વાતો પાછળ છૂટી ગઈ હતી. હવે એમની જિંદગી બારીમાંથી દેખાતા સિમેન્ટના જંગલ અને પાકા રંગની ચાર દીવાલો વચ્ચે કેદ થઈ ગઈ હતી.સમય વહેતો ગયો તેમ તેમ રઘુભાઈ અને શાંતિબાના શરીર વધુ ઘસાતા ગયા.

ઘડપણની અસરો વર્તાવા લાગી હતી. દાંત પડી ગયા હોવાથી અને પાચન નબળું હોવાને કારણે શાંતિબા રોજ રાત્રે રઘુભાઈ માટે એકદમ નરમ, ઢીલી ખીચડી અને દૂધ બનાવતા. બીજી તરફ, જગાની પત્ની પાયલને અવનવી વાનગીઓ અને આધુનિક રહેણીકરણીનો મોહ હતો. એને આ ગામઠી ખાણીપીણી અને રસોડામાં થતી રોજની માથાકૂટ જરાય પસંદ નહોતી. વળી, રઘુભાઈને ફેફસાની જૂની તકલીફ હોવાથી રાત્રે અવારનવાર ખાંસીના ગળફા ઉપડતા. એ શાંત વાતાવરણમાં રઘુભાઈની ખાંસીનો અવાજ પાયલના કાનમાં સીસાની જેમ ઓગળતો.

"જગા! આ જુઓ ને, રોજ-રોજની આ ખીચડીની વાસ અને આખો દિવસ એમની આ ખાંસી... મારાથી આ હવે સહન નથી થતું," એક રાત્રે પાયલે રૂમનો દરવાજો બંધ કરીને જગાના કાન ભંભેરવાનું શરૂ કર્યું.

જગાએ થાકેલા અવાજે કહ્યું, "પાયલ, એ ઘરડા છે. બીમાર છે, થોડું સાંખી લે ને!""શા માટે સાંખી લઉં?" પાયલનો અવાજ તીણો થયો, "આપણું ઉઠવું-બેસવું કેવા મોટા લોકો સાથે છે! કાલે મારા મિત્રો ઘરે આવવાના છે. એ લોકો ડાઈનિંગ ટેબલ પર મોંઘું ખાતા હશે અને તમારા મમ્મી-પપ્પા બાજુમાં બેસીને આવી થાળીઓ ચપોચપ ચાવશે? મને શરમ આવે છે આ બધું જોઈને. વળી, આખો દિવસ ઘરમાં બીમારી અને કાળસનું વાતાવરણ રહે છે.મારે પણ મારી જિંદગી માણવી છે, પણ આ 'ગામડાના ડોસા-ડોસી' મને દરેક વાતમાં નડતરરૂપ લાગે છે."

જગો ચૂપ રહ્યો.એના મનમાં એક તરફ પત્નીનો મોહ હતો અને બીજી તરફ મા-બાપના અગણિત ઉપકારો. પણ ધીમે-ધીમે પાયલના રોજિંદા મહેણાં-ટોણાંની અસર જગા પર થવા લાગી. તે પણ હવે પાયલના જ રંગે રંગાવા લાગ્યો હતો. એને લાગવા માંડ્યું કે પત્ની કદાચ સાચું કહી રહી છે; મા-બાપના કારણે એમની અંગત જિંદગી ખરેખર બગડી રહી છે.

આધુનિક દેખાવાની હોડમાં તે એ ભૂલી ગયો કે આ એ જ મા-બાપ છે જેમણે પોતાના મોંનો કોળિયો આપીને એને આ લાયક બનાવ્યો હતો.

વાત ત્યારે વધુ બગડી જ્યારે ચોમાસાની ઋતુમાં શાંતિબા ભારે બીમાર પડ્યા. તેમને અસહ્ય તાવ હતો અને ઊભા થવાની પણ શક્તિ નહોતી. રઘુભાઈ ધ્રૂજતા હાથે શાંતિબાના માથે પાણીના પોતા મૂકતા અને પાયલને વિનંતી કરતા, "બેટા, શાંતિને થોડી ગરમ ચા કે ઉકાળો આપીશ? મારાથી ચૂલો ચાલુ નથી થતો."પાયલે મોઢું બગાડીને રસોડામાં વાસણો પછાડ્યા, "મારે કંઈ આખી જિંદગી તમારી વેઠ જ કરવાની છે? હું કોઈ ચાકરડી નથી! મારે પણ મારું સામાજિક વર્તુળ છે, મારે બહાર જવાનું હોય છે. આ રોજની બીમારીના નાટક મારાથી નહીં વેઠાય."

પાયલના આ આકરા શબ્દો હોલમાંથી પસાર થઈને સીધા શાંતિબાના કાનમાં વાગ્યા. એમના રડતા ડોળામાંથી આંસુની ધાર વહી નીકળી, પણ દીકરાના ઘરમાં કળશ ન થાય એટલે તેમણે મોઢા પર પાલવ ઢાંકી દીધો.

એ જ સાંજે પાયલે ઘરની આરપાર થઈ જાય એવું છેલ્લું શસ્ત્ર ઉગામ્યું. જગાના ઘરે આવતા જ એણે પોતાનો સામાન પેક કરવાનું શરૂ કરી દીધું. જગો ગભરાઈ ગયો, "પાયલ, આ શું કરે છે?""આ ઘરમાં હવે કાં તો હું રહીશ, કાં તો તારા આ મા-બાપ!" પાયલે આખરી ચેતવણી આપતા કહ્યું, "જો તારે મારી સાથે સંસાર ચલાવવો હોય, તો આમને ક્યાંય પણ બીજે મૂકી આવો. કોઈ આશ્રમમાં કે ગમે ત્યાં. મને મારી શાંતિ પાછી જોઈએ. નક્કી તારે કરવાનું છે—હું કે તારા મા-બાપ?"

જગો અંદરથી હલી ગયો, પણ એનું હૈયું હવે પથ્થર બની ચૂક્યું હતું. એને પાયલ વગરની જિંદગી શૂન્ય લાગતી હતી. એ સાવ ભૂલી ગયો કે જે પાયલ સાથે તે આજે મોજ કરી રહ્યો છે, એના પાયામાં મા-બાપના લોહી-પરસેવાથી સીંચેલી જમીન અને સોનાની ચેઈનનું બલિદાન હતું. પત્નીને ગુમાવવાના ડર આગળ મા-બાપની મમતા હારી ગઈ.

જગાએ માથું નીચું કરીને પાયલની શરત સ્વીકારી લીધી.બીજા દિવસે સવારે ઘરમાં એક અજીબ, ભયાનક શાંતિ હતી. જગો વહેલી સવારે ઉઠ્યો, એની આંખોમાં મા-બાપ સામે જોવાની હિંમત નહોતી. એણે રઘુભાઈની ઓરડીમાં જઈને કીધું, "બાપુજી, ચાલો... આજે આપણે બહાર થોડો આંટો મારવા જઈએ. એક સારી જગ્યા જોઈ છે, ત્યાં તમને ગમશે."રઘુભાઈ વર્ષોથી દુનિયા વેઠીને બેઠા હતા. દીકરાના ચહેરાની રેખાઓ અને એના અવાજની ધ્રુજારી જોઈને તેઓ બધું જ સમજી ગયા હતા કે આ આંટો ક્યાં જઈને પૂરો થવાનો છે. તેમણે દીકરાને કોઈ સવાલ ન કર્યો, કોઈ ઠપકો ન આપ્યો. તેમણે શાંતિબા તરફ જોયું, જેમના હાથમાં હજી પણ તાવની ધ્રુજારી હતી.

રઘુભાઈએ શાંતિબાનો હાથ પકડીને ઊભા કર્યા અને મજબૂતીથી એ હથેળીને દબાવી, જાણે કહેતા હોય કે 'હું બેઠો છું ને, ચિંતા ન કર.'ત્રણેય જણા ગાડીમાં બેઠા. આખી મુસાફરી દરમિયાન કોઈ કશું જ બોલ્યું નહીં.

ગાડી જ્યારે શહેરના છેવાડે આવેલા એક અજાણ્યા 'વૃદ્ધાશ્રમ' ના દરવાજા પાસે આવીને ઉભી રહી, ત્યારે શાંતિબાના હૈયામાંથી એક ડૂસકું નીકળી ગયું. જગાએ અંદર જઈને કચેરીમાં પૈસા ચૂકવ્યા, જરૂરી કાગળો પર સહીઓ કરી અને મા-બાપને એક સાંકડા, અજાણ્યા ઓરડાની અંદર મૂક્યા.

"બાપુજી, હું નીકળું..." જગાના અવાજમાં સહેજ કંપન હતું.રઘુભાઈએ ફક્ત એટલું જ કહ્યું, "જા બેટા, તારું ઘર સંભાળજે."જગો પાછળ વળ્યો અને ઝડપથી ગાડી તરફ દોડી ગયો. પાછળ વળીને જોવાની પણ એનામાં હિંમત નહોતી, કારણ કે જો એ પાછળ જોત, તો કદાચ એને પોતાના જ પથ્થર થઈ ગયેલા હૈયા પર ધિક્કાર છૂટત.