Rejection Letter in Gujarati Short Stories by Navneet Marvaniya books and stories PDF | રીજેકશન લેટર

Featured Books
Categories
Share

રીજેકશન લેટર

સરકારી કચેરીઓની બહાર લાંબી લાઈનોમાં ઊભેલા લોકોના ચહેરા લગભગ સરખા જ હોય છે —
થાકેલા, આશાવિહોણા અને ક્યાંક અંદરથી જીવન સામે હારી ગયેલા.

એ જ લાઈનમાં એક ચહેરો હતો — મિહિર.
ઉંમર લગભગ ત્રીસની આસપાસ.
ભણેલો-ગણેલો, સમજદાર… પણ નોકરી વગરનો.

સરકારની નવી યોજના મુજબ બેરોજગાર યુવાનોને દર મહિને ભથ્થું મળવાનું હતું.
પરંતુ એક શરત હતી —
તમે નોકરી શોધવાનો પ્રયાસ કર્યો હોવો જોઈએ અને અલગ અલગ જગ્યાએથી રીજેક્ટ થયા હોવાના પુરાવા આપવાના.

મિહિર માટે આ શરત આશીર્વાદ જેવી હતી.
કારણ કે તેને કામ નહોતું કરવું…
માત્ર “કામ શોધવાનો દેખાવ” કરવો હતો.

તે રોજ નવી નવી કંપનીઓમાં ઈન્ટરવ્યૂ આપવા જતો.
રિઝ્યૂમે આપતો, હસતો, આડા-અવળા જવાબ આપતો…
પણ અંદરથી પ્રાર્થના કરતો —
“ભગવાન, અહીંથી પણ રીજેક્ટ કરજે.”

તેને રીજેકશન લેટર જોઈતો હતો, નોકરી નહીં.

પણ ક્યારેક જીવન માણસની સૌથી મોટી ગણતરી પર હસે છે.

એક અઠવાડિયામાં જ મિહિર ચાર જગ્યાએ સિલેક્ટ થઈ ગયો.

ત્રણ નોકરીઓ તેણે તરત જ ઠુકરાવી દીધી.
પરંતુ ચોથી નોકરી થોડી અલગ હતી.

એક અતિશય પૈસાદાર વૃદ્ધ વ્યક્તિની દેખરેખ રાખવાની.

મિહિરે મનમાં વિચાર્યું —
“આ તો બે મહિનાનો ખેલ છે.
આ ડોસાને એવો કંટાળો અપાવીસ કે તે પોતે જ મને કાઢી મૂકે.
પછી રીજેકશન લેટર લઈને સીધો સરકારી દફતરમાં પહોંચી જઈશ”

આવું વિચારીને મિહિરે આ નોકરી સ્વીકારી લીધી.

વૃદ્ધનું નામ હતું — વિરેન શેઠ.

વિશાળ બંગલો, મોંઘી કારો, નોકરોની લાઈન…
પણ આ બધાની વચ્ચે વિરેન શેઠ પોતે જ જાણે ખાલી પડી ગયેલા મહેલ જેવા હતા.

શરીર અર્ધું નિષ્ક્રિય.
ચાલી શકતા નહીં.
બોલી શકતા નહીં.
માત્ર આંખો જીવતી હતી.

મિહિર રોજ સવારે તેમને વ્હીલચેરમાં બેસાડતો.
દવા આપતો.
જમાડતો.

શરૂઆતમાં તે જાણી જોઈને તેમને તકલીફ આપતો.
ના ભાવતું જમવાનું મૂકી દેતો.
ટીવીનો અવાજ મોટો રાખતો.
વ્હીલચેર ઝડપથી દોડાવતો.

પણ વિરેન શેઠ ક્યારેય ગુસ્સે થયા નહીં.

ના કોઈ ફરિયાદ.
ના કોઈ સજા.
માત્ર… શાંત આંખો.

એ આંખોમાં અજાણી કરુણા હતી.

મિહિરના દરેક વર્તનનો જવાબ તેને એક મીઠી સ્માઈલથી જ મળતો.

ધીમે ધીમે મિહિર અકળાવા લાગ્યો.
“આ માણસ ગુસ્સે કેમ નથી થતો?”

એક દિવસ તેણે ઈરાદાપૂર્વક ચા ઢોળી દીધી.
ગરમ ચાના ટીપાં વિરેન શેઠના હાથ પર પડ્યા.

મિહિર પહેલી વાર ગભરાઈ ગયો.
પરંતુ વિરેન શેઠે માત્ર તેની તરફ જોયું…
અને આંખોથી હળવું સ્મિત આપ્યું.

એ સ્મિત મિહિરની અંદર ક્યાંક ઊંડે જઈને અથડાયું.

તે દિવસે પહેલી વાર તેને પોતાની જાત પ્રત્યે શરમ આવી.

પછી બધું ધીમે ધીમે બદલાતું ગયું.

હવે તે વિરેન શેઠને સમયસર દવા આપતો.
તેમને બહાર બગીચામાં ફેરવવા લઈ જતો.
તેમની આંખોની ભાષા સમજવા લાગ્યો.

બે અજાણ્યા માણસો વચ્ચે
એક અજબનો સંબંધ જન્મી રહ્યો હતો.

એવો સંબંધ
જેમાં શબ્દો નહોતા,
પણ લાગણીઓ ખૂબ હતી.

હવે મિહિરને રીજેકશન લેટર યાદ પણ આવતો નહોતો.
સરકારી ભથ્થાની લાલચ જાણે સાવ ભુલાઈ જ ગઈ હતી.

અને પછી…

એક સવારે વિરેન શેઠ ઊંઘમાં જ શાંતિથી મૃત્યુ પામ્યા.

આખો બંગલો નિઃશબ્દ થઈ ગયો.

વકીલ આવ્યા.
વસીયત ખોલવામાં આવી.

અને તેમાં લખેલું હતું —

“મારી બધી સંપત્તિ મિહિરના નામે કરવામાં આવે છે.
કારણ કે છેલ્લા દિવસોમાં તેણે મને માત્ર સેવા નથી આપી…
તેણે મને ફરી એકવાર માણસ હોવાનો અહેસાસ કરાવ્યો છે.”

મિહિરની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા.

જીવનમાં પહેલી વાર
તેને સમજાયું —

તે રીજેકશન લેટર શોધવા નીકળ્યો હતો…
પણ જિંદગીએ તેને સ્વીકારનો સૌથી મોટો પુરાવો આપી દીધો હતો.

- નવનીત મારવણીયા