part 47 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 47

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 47

પૃથ્વીએ અનેક વાર કરગરી ને કહેવા છતાં, મહાદેવ પોતાના નિર્ણય પર અડગ રહ્યા. તેમના વચન અને શ્રાપનું બંધન એવું હતું કે તેમાં કોઈ ફેરફાર શક્ય નહોતો. અંતે નિરાશ હૃદયે પૃથ્વીએ પાતાળલોકનો માર્ગ સ્વીકારી લીધો. પોતાની સંતાનસમાન વનસ્પતિ, વૃક્ષો, નદીઓ, પર્વતો અને અસંખ્ય જીવસૃષ્ટિને પાછળ છોડી, તે હંમેશ માટે વિદાય લેવા નીકળી પડી.

પરંતુ માતૃત્વની કરુણા તો દેવતાઓના નિયમોથી પણ વિશાળ હોય છે. મા પાર્વતી માટે પૃથ્વી માત્ર એક સૃષ્ટિ નહોતી; તે તો તેમની પુત્રી સમાન હતી. પૃથ્વીને તેના સંતાનોથી, તેના પ્રેમથી અને તેની સર્જનશક્તિથી સદાકાળ માટે દૂર કરવી એ દેવાનો વિચાર પાર્વતીજીના હૃદયને સ્વીકાર્ય ન હતો. જ્યારે પૃથ્વી સ્વર્ગના અંતિમ પગથિયાં ઉતરી રહી હતી, ત્યારે પાર્વતીજીએ એક અદભૂત કાર્ય કર્યું. તેમણે પૃથ્વીના દેહમાંથી તેનું હૃદય બહાર કાઢ્યું.

ત્યારે માતાએ જોયું કે, આ હૃદય એ માત્ર ધબકાર નથી! તેમાં અનંત પ્રેમ, કરુણા, મમતા અને સમગ્ર સૃષ્ટિ માટેની અખૂટ લાગણીઓ વસતી હતી. એ હૃદયમાં વસંતની હરિયાળી હતી, વરસાદની ભીની સુગંધ હતી, પક્ષીઓના કલરવનો આનંદ હતો અને સંતાન માટે તડપતી માતાની વેદના હતી. પાર્વતીજીએ એ હૃદયને પોતાના એક દિવ્ય સંદૂકમાં અત્યંત સુરક્ષિત રીતે સાચવી રાખ્યું. પાતાળલોકમાં જતાં પહેલાં પૃથ્વીની એક અંતિમ ઇચ્છા હતી. તે છેલ્લી વાર પોતાના સર્જનને જોવા માંગતી હતી.

જ્યાંથી તેણે પ્રકૃતિની શરૂઆત કરી હતી. જ્યાં તેના સ્પર્શથી પ્રથમ કૂંપળો ફૂટી હતી. જ્યાં પ્રથમ ફૂલ ખીલ્યાં હતાં. ત્યાં તે ફરી એકવાર પહોંચી. એણે પોતાના હાથે વાવેલા વૃક્ષોને પ્રેમથી સ્પર્શ્યાં. ડાળીઓ પર ઝૂલતાં પુષ્પોને મમતાભરી નજરે જોયાં. પવનની લહેર સાથે રમતાં પાંદડાઓને જાણે આશીર્વાદ આપ્યાં. વહેતી નદીઓના કલકલ નાદને પોતાના હૃદયમાં સમાવી લીધો.

તે ક્ષણે પૃથ્વી કોઈ દેવી નહોતી. તે માત્ર એક મા હતી. એણે પોતાના સંતાનોને અંતિમ વચન આપ્યું,

"હું ભલે તમારી નજરોથી દૂર જાઉં, પરંતુ મારા આશીર્વાદ ક્યારેય તમારાથી દૂર નહીં થાય. પવનમાં હું તમારો સ્પર્શ બનીને આવીશ, વરસાદમાં હું તમારો સ્નેહ બની વરસીશ, અને માટીની દરેક સુગંધમાં હું જીવંત રહીશ."

આ શબ્દો સાથે પૃથ્વી પાતાળલોક તરફ પ્રસ્થાન કરી ગઈ.

પાર્વતીજી જાણતાં હતાં કે મહાદેવના શ્રાપનું કોઈ નિવારણ નથી. પરંતુ એક માતાનું હૃદય નિયમો કરતાં પ્રેમને વધારે મહત્વ આપે છે. તેથી તેમણે એક એવી યોજના રચી, જેની જાણ મહાદેવને પણ ન હતી. યુગો વીતી ગયા. સત્યયુગ, ત્રેતાયુગ,‌ દ્વાપરયુગ અને પછી કલિયુગ. આમ, સમયની અસંખ્ય નદીઓ વહેતી રહી. સંસ્કૃતિઓ જન્મી અને લુપ્ત થઈ ગઈ, પરંતુ પાર્વતીજીએ સાચવી રાખેલું પૃથ્વીનું હૃદય હજુ પણ એ જ પ્રેમથી ધબકતું રહ્યું. આખરે એક દિવસ પાર્વતીજીએ પોતાની યોજના અમલમાં મૂકી. તેમણે પૃથ્વીને મનુષ્ય સ્વરૂપે ફરી જન્મ આપ્યો.

એ નવા જન્મનું નામ રાખવામાં આવ્યું હતું, ધરા.

હા, એ જ ધરા જે આપણી વાર્તાની શરૂઆતથી આપણી સાથે છે. વર્ષો સુધી સંભાળીને રાખેલું પૃથ્વીનું હૃદય પાર્વતીજીએ ધરાના જીવનમાં પોરવી દીધું હતું. તેથી ધરાના અંતરમાં અજાણતાં જ પ્રકૃતિ પ્રત્યેનો અદભૂત પ્રેમ, કરુણા અને સંવેદના વસેલી હતી. પરંતુ તેને પોતાનો પૂર્વજન્મ યાદ નહોતો. તે જાણતી નહોતી કે તે ક્યારેક સમગ્ર સૃષ્ટિની જનની રહી ચૂકી હતી. તે જાણતી નહોતી કે વૃક્ષોને જોઈને તેની આંખો કેમ ભીની થઈ જાય છે. તે જાણતી નહોતી કે વરસાદની પ્રથમ સુગંધ તેને એટલી પોતાની કેમ લાગે છે. ને તે જાણતી નહોતી કે તેના હૃદયની ઊંડાઈમાં કોઈ નીલવર્ણ સ્મૃતિ હજુ પણ જીવંત હતી.

આપણે અગાઉ જોયું હતું કે અગ્નિ મહોત્સવમાંથી પરત ફરતી વખતે સમુદ્રકે પોતાના ક્રોધ, અહંકાર અને રાક્ષસી વૃત્તિના વશ થઈને રેતમહેલના નિર્દોષ પ્રાણીઓ પર કેવી રીતે ભયંકર હુમલો કર્યો હતો. તે ક્ષણે જાણે તેની અંદરનો માનવ મરી ગયો હતો અને માત્ર વિનાશનું જ રૂપ બાકી રહ્યું હતું. તેની આંખોમાં દયાનો કોઈ અણસાર નહોતો, હૃદયમાં કરુણાનો કોઈ સ્પંદન નહોતો અને મનમાં કોઈ પસ્તાવો પણ નહોતો. પોતાની શક્તિના નશામાં ચૂર બનેલો સમુદ્રક એ ભૂલી ગયો હતો કે શક્તિનું સાચું સૌંદર્ય રક્ષણમાં હોય છે, વિનાશમાં નહીં.

પરંતુ જીવનમાં કેટલીક ક્ષણો એવી આવે છે, જે માણસને પોતાની જ અંદર ઊતરીને પોતાનું સાચું પ્રતિબિંબ જોવા મજબૂર કરી દે છે. ધરા સાથે થયેલી મુલાકાત સમુદ્રક માટે એવી જ એક ક્ષણ બની. જ્યારે ધરાની નિર્મળ આંખોએ તેને જોયો, ત્યારે જાણે તેના ચહેરા પર ચડાવેલો ખોટો નકાબ એક પછી એક ઉતરવા લાગ્યો. જે ક્રૂરતા અને અંધકારને તે પોતાની ઓળખ માની બેઠો હતો, તે માત્ર તેના દુઃખ, એકલતા અને ભટકાવાનું આવરણ હતું—આ સત્ય તેને સમજાવા લાગ્યું.

ધરાના નિઃસ્વાર્થ પ્રેમ, સહાનુભૂતિ અને વિશ્વાસે સમુદ્રકના અંતરમાં દટાયેલી માનવતાને ફરીથી જાગૃત કરી. વર્ષોથી જે આત્મા પોતાના જ બનાવેલા અંધકારમાં કેદ હતો, તેને જાણે પ્રકાશની એક કિરણ મળી ગઈ. તેના હૃદયમાં પ્રથમ વખત પસ્તાવાની લાગણી જન્મી. તેને પોતાના કરેલા અન્યાય, પોતાની નિર્દયતા અને પોતાના કારણે થયેલા દુઃખનો અહેસાસ થવા લાગ્યો.

એક સમય એવો હતો કે સમુદ્રકે પોતાની જિંદગીને નર્ક બનાવી દીધી હતી. ક્રોધ, દ્વેષ અને બદલો તેની દુનિયાના આધાર બની ગયા હતા. પરંતુ હવે ધીમે ધીમે એ જ જિંદગીમાં પરિવર્તનની હવા વહેવા લાગી. જે હૃદય ક્યારેય કોઈના આંસુથી પીગળતું નહોતું, તે હવે બીજા લોકોના દુઃખને અનુભવવા લાગ્યું. જે હાથ પહેલાં વિનાશ સર્જતા હતા, તે હવે રક્ષણ માટે આગળ વધવા લાગ્યા. જે આત્મા નિર્દય બની ગયો હતો, તે ફરી દયાવાન બનવા લાગ્યો.

આ પરિવર્તન એક જ દિવસમાં આવ્યું નહોતું, પરંતુ ધરાના પ્રેમ અને સત્યના સ્પર્શે સમુદ્રકના અંતરમાં એક નવી યાત્રાનો પ્રારંભ કરી દીધો હતો. પોતાની જ બનાવેલી નર્કસમાન જિંદગીને તેણે ધીમે ધીમે સ્વર્ગમાં પરિવર્તિત કરવાની શરૂઆત કરી. હવે તેના માર્ગ પર અંધકાર નહીં, પરંતુ પ્રકાશ હતો; ક્રૂરતા નહીં, પરંતુ કરુણા હતી; અને વિનાશ નહીં, પરંતુ સર્જનની ભાવના હતી. સમુદ્રકના જીવનમાં આ પરિવર્તન માત્ર એક વ્યક્તિ જ લાવી શકે એ હતી પૃથ્વી! આ વાતથી સાબિતી થાય છે કે, પ્રેમ અને વિશ્વાસમાં એટલી શક્તિ હોય છે કે તે સૌથી કઠોર હૃદયને પણ ફરી માનવ બનાવી શકે છે.


પવનમહેલની અંધારી કોટડીમાં ધરા એકલી બેઠી હતી. પાંચ હજાર વર્ષ પહેલાં વિખૂટા પડેલા સમુદ્રકની યાદો આજે ફરી તેના હૃદયમાં જાગી ઊઠી હતી. સમયના અસંખ્ય પડાવો વીતી ગયા હતા, યુગો બદલાઈ ગયા હતા, પરંતુ તેના પ્રેમની જ્યોત ક્યારેય ઝાંખી પડી નહોતી.

વૃજાના આદેશથી સમુદ્રકને બંદી બનાવી પવનમહેલમાં લાવવામાં આવ્યો હતો. વાવ્ય તેને અહીં સુધી લઈ આવ્યો અને એ જ કોટડીમાં બંધ કરી દીધો, જ્યાં ધરા પહેલેથી જ કેદ હતી. વૃજા રાક્ષસીને એ વાતનો જરાય ખ્યાલ નહોતો કે આ બંને એકબીજાના જીવન સાથે કેટલી ઊંડી રીતે જોડાયેલા હતા.

બધા દૈત્યો સમુદ્રકની એક જ પ્રેમિકાને ઓળખતા હતાપૃથ્વી. પરંતુ ધરા અને સમુદ્રક વચ્ચેનો સંબંધ શું હતો, તેમની આત્માઓને જોડતો પ્રેમ કેટલો પ્રાચીન હતો, એ કોઈ સમજી શક્યું નહોતું.

ધરા પોતાના હૃદયમાં પ્રભુભક્તિનો દિપ પ્રગટાવી વિરહના ઘેરા વાદળોને દૂર કરતી રહેતી હતી. કદાચ એ જ કારણ હતું કે વર્ષો વધતા ગયા છતાં તેના સૌંદર્યમાં સતત વધારો થતો ગયો હતો. સૂર્યમુખીની જેમ તેજસ્વી અને નિર્મળ દેખાતી ધરા આ સૂકી ધરતી પર પણ જાણે વસંત બની ખીલી હોય એવી લાગતી હતી.

તેના પ્રેમની પરાકાષ્ઠા અદ્ભુત હતી. ઝંખનાના ઝરૂખે ઊભી રહી જે આત્મા વર્ષોથી પોતાના પ્રિયતમની રાહ જોતી હતી, તે પ્રેમની શુદ્ધ અને નિર્મળ ધારા બની ગઈ હતી.

ચાલીસ વર્ષની ઉંમરે પહોંચેલી ધરાએ જીવનમાં અસંખ્ય ઉતાર-ચઢાવ જોયા હતા. સંઘર્ષ, વિરહ, પીડા અને એકલતાના અગણિત પ્રહારો સહન કર્યા હતા. છતાં તેની એકવડી કાયા આજે પણ તેજસ્વી હતી. જાણે સમયની પાનખર તેના દ્વારે આવીને પણ તેને સ્પર્શી શકી ન હોય. તેના વ્યક્તિત્વમાં આજે પણ યુવાનીની તાજગી અને પ્રેમની ભીની સુગંધ વસતી હતી.

કોટડીની ચાર દિવાલો વચ્ચે ધરા ઝઝૂમી રહી હતી. આગળનો કોઈ માર્ગ તેને દેખાતો નહોતો. આખું આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું હતું. સૂર્યાસ્ત થતાં જ તે દેવોના દેવ મહાદેવની આરાધનામાં લીન થઈ જતી હતી. પ્રાર્થના જ હવે તેની સૌથી મોટી શક્તિ હતી.


 વિચારોમાં ડૂબેલો સમુદ્રક ધીમે ધીમે પવનમહેલની કોટડીના દરવાજા સુધી આવી પહોંચ્યો. તેના પગલાંનો આછો અવાજ સાંભળતાં જ ધરાનું હૃદય ધબકવા લાગ્યું.

"ધરા... ધરા...!"

આ અવાજ કાનમાં પડતાં જ ધરાની આંખો અચાનક મીંચાઈ ગઈ. પાંપણો બંધ થતાં જ વર્ષોથી રોકાયેલા આંસુ ગાલ પર સરકી પડ્યા.

સમુદ્રક દરવાજા પાસે ઊભો રહી પોતાની જિંદગીને મનભરીને જોતો રહ્યો. તેની આંખોમાં વર્ષોની વેદના, પસ્તાવો અને અપરંપાર પ્રેમ છલકાઈ રહ્યો હતો.

"તું અહીં આ રીતે કેદ કેવી રીતે રહી શકી, ધરા?

હું આ પહેલાં પણ પવનમહેલમાં આવ્યો હતો. તને આ અંધારી કોટડીમાં ઊભેલી જોઈ હતી. પરંતુ એ દૃશ્ય જોઈને મારાથી એક શબ્દ પણ બોલી શકાયો નહોતો. આ દિવાલોની પાછળથી જ પાછો વળી ગયો હતો. તને આવી સ્થિતિમાં જોવાની હિંમત મારી અંદર નહોતી.

આ વખતે અહીં આવવા માટે જ મેં વૃજાના સિપાહીઓને મગરમચ્છનો શિકાર કરવા દીધો નહોતો. એ કારણે તેમણે મને બંદી બનાવી અહીં લાવ્યો. પરંતુ સત્ય એ છે કે આ બધું મારી જ યોજના હતી. હું તારા સુધી પહોંચવા માંગતો હતો.

મન મારું તને આમ જોઈને થંભી જાય છે. તારી આ સ્થિતિ માટે કોને દોષ આપું? જ્યારે હું જ તને છોડીને ચાલ્યો ગયો હતો.

મારી ઇચ્છા તો હંમેશાં તને દુઃખોથી દૂર રાખવાની હતી, પરંતુ અજાણતાં મેં જ તને દુઃખોના દરિયામાં ધકેલી દીધી. ધરા, તું મારી જિંદગી હતી, છે અને હંમેશાં રહેશે.
તને વચન આપું છું, તું જ મારું સર્વસ્વ હતી અને હંમેશાં રહેશે."

સમુદ્રકના શબ્દોમાં વર્ષોનો સંચિત સ્નેહ વહેતો હતો. બંનેની આંખો એકબીજામાં ખોવાઈ ગઈ હતી. આસપાસનું બધું જાણે સ્થિર થઈ ગયું હતું.

થોડી ક્ષણો પછી સમુદ્રકે ફરી કહ્યું,

"ધરા, તારાં પ્રેમના બદલામાં પ્રેમ આપી શકું એવો હું નથી. જો આપી શક્યો હોત, તો તને છોડીને ક્યારેય ન ગયો હોત. તારા જન્મોજન્મના પ્રેમનું ઋણ હું ક્યારેય ચૂકવી શકીશ નહીં. આપણું મિલન હંમેશાં નિર્મળ અને નિર્દોષ રહ્યું છે. પરંતુ તારા ત્યાગ અને સમર્પણનો બદલો હું અનંત કાળ સુધી પણ ચૂકવી શકું એમ નથી. હું તારો ઋણી છું. તું ભલે મને ઋણમુક્ત કરી દે, પરંતુ હું જન્મોજન્મ સુધી તારો ઋણી જ રહીશ."

સમુદ્રક થોડો થંભ્યો. આંખોમાં ભૂતકાળની સ્મૃતિઓ તરબોળ થઈ ઊઠી.

"હું આપણાં પુત્રોને લઈને તારી પાસેથી ભાગી ગયો નહોતો, ધરા...! 
હું ક્યારેય તને દુઃખ આપવા માંગતો નહોતો."

 પરંતુ તું એ વાતથી સાવ અજાણ હતી કે, આ દૂષ્ટ અસુરોનું એક ષડ્યંત્ર હતું. વૃજા આપણા પુત્રોનાં જન્મ થતાં, આપણાં બાળકોને ગુપ્ત રીતે અસુરોને સોંપી રહી હતી. એ વાતની મને જાણ થતાં મેં તરત જ એનો પીછો કર્યો. વૃજા રાક્ષસીએ મારા ભૂતકાળને પોતાના વશમાં કરવા માટે વારંવાર મારા પર પ્રહાર કર્યા. તેણે પવનની એવી પ્રચંડ લહેરો ચલાવી કે તે પોતે જ એમાં ગૂંથાઈ ગઈ, અને મારા શીશમહેલમાં પોતાનું પ્રતિબિંબ જોવા લાગી. વૃજા સામેનું યુદ્ધ હું એકલો લડી શકતો હતો, પરંતુ આપણા પુત્રોને સાથે રાખું તો તેઓ પણ તેના ક્રોધનો ભોગ બનતાં. 

એ સમયે મને શિવભક્ત સમુદ્રી રાક્ષસી હેત્શિવા મળી. મેં આપણા બંને પુત્રોને તેની સુરક્ષામાં સોંપી દીધા હતા.
ત્યારબાદ તેઓ ત્રણેય શીશમહેલમાં રહેવા લાગ્યા. હું તક મળતાં ગુપ્ત રીતે તેમને મળવા જતો હતો. પરંતુ વૃજા સાથેનું યુદ્ધ! વર્ષો નહીં, યુગો સુધી ચાલતું રહ્યું."

અને એ શબ્દો સાથે સમુદ્રકની આંખોમાં વર્ષોની વેદના ફરી એકવાર ઝળહળી ઊઠી.

- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️