part 54 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 54

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 54

સમુદ્રના ત્યાંથી નિકળી ગયા બાદ, બાબા આર્દ સમાધિમાંથી ધીમે ધીમે બહાર આવ્યા. તેમની આંખોમાં એક અલૌકિક તેજ ઝળહળતું હતું. સામે ઊભેલી ધરાને જોતા જ તેઓ તરત જ પોતાના આસન પરથી ઊભા થઈ ગયા. તેમના ચહેરા પર અદભુત ભાવવિભોરતા છવાઈ ગઈ.

તેમણે બંને હાથ જોડ્યા અને ભક્તિપૂર્વક મસ્તક નમાવ્યું.

"વંદન છે, હે પૃથ્વી માતા...!"

ધરા આશ્ચર્યથી તેમને જોઈ રહી.

બાબા આર્દના નેત્રોમાં આંસુઓ ઝબૂકી ઊઠ્યાં.

"તું મહાન છે, મા...! અનંત યુગોથી સમગ્ર સૃષ્ટિનો ભાર પોતાના હૃદયમાં સમાવીને જીવતી આવી છે. દરેક જીવનું સુખ અને દુઃખ તારા અંતરમાં ધબકે છે. છતાં આજે તારે જ પાતાળમાં જઈને વસવું પડ્યું. આ વિચાર માત્રથી જ મારું હૃદય દ્રવી ઊઠે છે."

ધરા થોડી ક્ષણ મૌન રહી. પછી ધીમે સ્વરે બોલી,

"બાબા...! તમે મારી સચ્ચાઈ જાણો છો?"

બાબા આર્દે સ્મિત કર્યું.

"હા દેવી. હવે સમયના પડદા મારી સામે ઊઘડી ચૂક્યા છે. હું જાણી ગયો છું કે તું કોઈ સામાન્ય નારી નથી. તું સ્વયં પૃથ્વીનું સ્વરૂપ છે. અને નિલક્રિષ્ના... તે તારી જ પુત્રી છે."

આ સાંભળીને ધરાના નેત્રો ભીના થઈ ગયા. તે આકાશ તરફ જોતાં બોલી,

"સમુદ્રક અને મેં બહુ મોટી ભૂલ કરી હતી, બાબા.
 અમે ઈશ્વરે આપેલા પોતાના દિવ્ય સ્વરૂપને ભૂલી ગયા હતા. અવધૂતોની જેમ નિર્લેપ રહેવાને બદલે અમે પણ આ જડ જગતની માયામાં ફસાઈ ગયા. શૈતાની વિચારોને અમે પોતાના મનમાં પ્રવેશવા દીધા. પરિણામે હજારો વર્ષોથી કરેલું અમારું તપ, અમારું સંચિત પુણ્ય અને અમારું આધ્યાત્મિક તેજ ક્ષીણ થવા લાગ્યું. અમે જ એ માયાને આમંત્રણ આપ્યું, જેણે આખી સૃષ્ટિમાં વિનાશના બીજ વાવી દીધા."

તેનો અવાજ કંપી ઊઠ્યો.

"મારું કાર્ય તો સમગ્ર જગતનો ભાર વહન કરવાનો હતો.
મનુષ્યોને સાચા માર્ગે દોરવાનું હતું. પણ હું જ પાતાળમાં જઈને બેસી ગઈ. અને જ્યારે હું દૂર હતી ત્યારે પૃથ્વી પર શું થઈ રહ્યું હતું તેની મને ખબર જ ન રહી."

થોડી ક્ષણ મૌન છવાઈ ગયું.

પછી ધરાએ પોતાની છાતી પર હાથ મૂક્યો.

"હવે આ ધરાના સ્વરૂપમાં મારું હૃદય ફરી ધબકવા લાગ્યું છે. હું મારા સંતાનોને જોઈ શકું છું. હું જોઈ રહી છું કે માનવજાત ધીમે ધીમે પોતાના માર્ગથી ભટકી રહી છે. નશો, ગુનાખોરી, લોભ, લાલચ, અધર્મ, અહંકાર આ બધું દિવસે દિવસે વધતું જાય છે. માણસ પોતાનું સાચું સ્વરૂપ જ ભૂલી ગયો છે. તે શા માટે જન્મ્યો છે, તેનું જીવન શું છે, તેનું લક્ષ્ય શું છે, એ બધું ભૂલી ગયો છે."

ધરાના નેત્રોમાં વેદના છલકાઈ ઊઠી.

"બાબા...!

સોમનાથ જેવા પવિત્ર મંદિરો પર વારંવાર આક્રમણો થયા. રાજાઓએ એકબીજાના અહંકાર માટે યુદ્ધો કર્યા.
ધર્મના નામે ભેદભાવ ઊભો થયો. અને હજારો નિર્દોષ લોકો મરતા રહ્યા. હું મા છું, હું મારા સંતાનોને આમ મરતા જોઈ કેવી રીતે શાંત રહી શકું? મારું હૃદય તો દરેક મૃત્યુ સાથે તૂટી જાય છે."

બાબા આર્દે ઊંડો શ્વાસ લીધો.

તેમની નજર દૂર ક્ષિતિજ તરફ સ્થિર થઈ ગઈ.

"મા! મનુષ્યો આજે આગિયાના નાના તેજને સૂર્ય સમજી બેઠા છે. સ્વયંપ્રકાશિત સૂર્યને ભૂલી ગયા છે. સાચા જ્ઞાનને છોડીને ક્ષણિક ચમક પાછળ દોડી રહ્યા છે."

તેઓ આગળ બોલ્યા,

"આ અસુરોનો પ્રવેશ ગૂપ્ત રીતે થઈ ગયો છે, અહીં બે પ્રકારની વૃત્તિઓ રહે છે. એક દેવવૃત્તિ, અને બીજી દાનવવૃત્તિ...! દેવવૃત્તિ સર્જન કરે છે,દાનવવૃત્તિ વિનાશ કરે છે. આગ લગાડવી સહેલી છે, પરંતુ પ્રેમનું વૃક્ષ ઉછેરવું અત્યંત કઠિન છે."

બાબાનો સ્વર ગંભીર બન્યો.

"શૈતાની વૃત્તિએ એટલું પ્રભુત્વ જમાવી લીધું છે કે હવે લોકો સાચું અને ખોટું વચ્ચેનો ભેદ પણ ભૂલી ગયા છે.
આજે જો કોઈ પ્રેમની વાત કરે તો તેને મૂર્ખ માનવામાં આવે છે. જો કોઈ સત્યની વાત કરે તો તેને નબળો ગણવામાં આવે છે. અને જો કોઈ ભક્તિની વાત કરે તો તેની મજાક ઉડાવવામાં આવે છે."

ધરા મૌન બનીને સાંભળતી રહી.

બાબા આગળ બોલ્યા,

"આ સમાજ દેવવૃત્તિ ધરાવતા લોકોને સ્વીકારતો નથી.
અંતે સારા માણસોને પણ ક્યારેક કઠોર બનવું પડે છે.
આ જ કળિયુગનું સૌથી મોટું દુઃખ છે."

ધરાએ ધીમેથી કહ્યું,

"મને ખબર નહોતી કે ધર્મના નામે આટલી વિષમતા ફેલાશે. આમ જ ચાલતું રહેશે તો માણસ ધર્મથી સંપૂર્ણપણે વિમુખ થઈ જશે.

બાબા, કોઈ ઉપાય બતાવો."

બાબા આર્દના ચહેરા પર માતૃત્વ પ્રત્યેનો વિશ્વાસ ઝળકી ઊઠ્યો.

"મા! સૌપ્રથમ તારે પોતાના સંતાનોને ફરી યાદ કરાવવું પડશે કે તેઓ કોણ છે. માતા જ સંતાનને સાચી દિશા બતાવી શકે. દુનિયામાં સૌથી મોટો સલાહકાર ગુરુ નથી, રાજા નથી, વિદ્વાન નથી, પરંતુ મા છે." 

ધરા શાંતિથી સાંભળતી રહી.

"તું પૃથ્વી છે. તારામાં સહનશીલતા છે, પ્રેમ છે, કરુણા છે. અને આ બધાની આજે દુનિયાને સૌથી વધારે જરૂર છે."

બાબા થોડા ભાવુક બની ગયા.

"જ્યારે સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે ચારેબાજુ અંધકાર જ હતો. આજે વિજ્ઞાન અને ટેકનોલોજીએ બહારનો અંધકાર દૂર કરી દીધો છે. પરંતુ મનુષ્યના અંતરનો અંધકાર હજુ યથાવત છે. પ્રકાશ ઘરમાં પહોંચ્યો છે, પણ હૃદયમાં પહોંચ્યો નથી."

ધરાએ ગંભીર સ્વરે કહ્યું,

"મનુષ્ય જન્મ સમયે રડીને આવે છે. પણ પછી આખું જીવન સુખ શોધવામાં વીતાવી દે છે. તે ધન ભેગું કરે છે.
સંપત્તિ ભેગી કરે છે. પરંતુ અંતે ખાલી હાથ જ જાય છે.
એટલા માટે જ તે લાખો જન્મોના ચક્રમાં ભટકતો રહે છે."

બાબા સહમતિમાં માથું હલાવતાં બોલ્યા,

"સાચું કહ્યું, મા.

મોહ અને ભોગની દુનિયાએ માણસને એટલો વ્યસ્ત બનાવી દીધો છે કે હવે તે એકાગ્ર થઈ શકતો નથી.
 હજુ પણ બધું સમાપ્ત થયું નથી."

તેમની આંખોમાં આશાની ઝાંખી દેખાઈ.

"મને તારો સાથ જોઈએ છે.‌ ઈશ્વરે તારો જન્મ વ્યર્થ નથી કર્યો. તારા પ્રેમ, તારી હૂંફ અને તારી કરુણાની આજે સમગ્ર પૃથ્વીને જરૂર છે."

પવનની એક ઠંડી લહેર બંનેને સ્પર્શી ગઈ.

બાબાનો અવાજ વધુ ગંભીર બન્યો.

"જો માણસના મનમાં પ્રવેશેલી દાનવી વૃત્તિને રોકી શકાય! તો હજુ પણ આ ધરતી બચી શકે. નહીં તો સમય દૂર નથી જ્યારે મહાદેવ પોતે જ આ જગતમાંથી આશા ગુમાવી બેસશે."

ધરા ઊંડા વિચારમાં ડૂબી ગઈ. પછી તેણે આકાશ તરફ જોતાં કહ્યું,

"હા બાબા!

આજે માણસ એકબીજાનું લોહી પીવા તૈયાર છે. તેને પ્રેમની ભાષા ભૂલી ગઈ છે. અહંકાર તેની નવી પ્રાર્થના બની ગયો છે."

તેની આંખોમાં ફરી કરુણા છલકાઈ.

"પ્રશ્ન એ નથી કે કળિયુગ કેમ આવ્યો? પ્રશ્ન એ છે કે આ કળિયુગમાંથી ફરી સુવર્ણયુગ કેવી રીતે લાવવો."

બાબા આર્દે ધીમેથી સ્મિત કર્યું.

"સુવર્ણયુગ કોઈ યુદ્ધથી નહીં આવે, મા! તે પ્રેમથી આવશે. એક માણસના હૃદયમાં જાગેલી કરુણા હજારો ઉપદેશોથી વધારે શક્તિશાળી હોય છે. જે દિવસે માણસ પોતાના અંદરના 'હું'ને હરાવી દેશે, તે દિવસે જ કળિયુગનો અંત શરૂ થઈ જશે."

સાંજનો સૂર્ય ધીમે ધીમે ક્ષિતિજમાં વિલીન થઈ રહ્યો હતો. સમુદ્રના મોજાંઓનો ઘૂઘવાટ જાણે તેમના આ સંવાદનો સાક્ષી બની રહ્યો હતો.

અને એ ક્ષણે પૃથ્વી માતા અને બાબા આર્દ વચ્ચે માત્ર વાતચીત જ નહોતી ચાલી રહી, પરંતુ સમગ્ર માનવજાતના ભવિષ્ય માટે એક નવી આશાનું બીજ રોપાઈ રહ્યું હતું.

- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા'✍️