અવનિલે પહેલી વાર જ્યારે એ અજાણ્યા પુરુષને જોયો, ત્યારે એને લાગ્યું કે જાણે આ માયાવી જંગલના અંધકારમાંથી કોઈ પ્રાચીન રહસ્ય સાકાર થઈને એની સામે ઊભું રહ્યું હોય.
તેનું નામ નરવીર હતું.
માયાવી ભાષામાં "નરવીર" શબ્દનો અર્થ માત્ર શૂરવીર મનુષ્ય નહોતો થતો, પરંતુ એવો આત્મા જે માયાના હજારો બંધનોમાં જીવતો હોવા છતાં સત્યનો માર્ગ છોડતો નથી. માયાવી લોકો તેને "નરવીહ્ર" કહેતા, જેનો અર્થ હતો, "માયાના દરિયામાં ડૂબીને પણ પોતાની ચેતનાને અખંડ રાખનાર યોદ્ધા."
એની ઉંમરનો અંદાજ લગાવવો અશક્ય હતો. એના ચહેરા પર વૃદ્ધાવસ્થાની કરચલીઓ હતી, પરંતુ આંખોમાં યુવાન યોદ્ધા જેવું તેજ પ્રગટતું હતું. જાણે હજારો વર્ષોના અનુભવ અને બાળક જેવી નિર્મળતા એકસાથે વસતા હોય.
એના લાંબા ધોળા વાળ પવન સાથે ધીમે ધીમે લહેરાતા હતા. માથા પર વેલીઓ અને સૂકાયેલા પુષ્પોથી બનેલો એક અદભૂત મુકુટ શોભતો હતો. એ મુકુટ કોઈ રાજાની સત્તાનું પ્રતીક નહોતું, પરંતુ જંગલ દ્વારા સ્વીકારાયેલા રક્ષકનું ચિહ્ન હતું.
એણે શરીર પર વૃક્ષોની છાલ અને દુર્લભ જંગલી તંતુઓમાંથી બનાવેલું વસ્ત્ર ધારણ કર્યું હતું. એ વસ્ત્રો દેખાવમાં સાદા લાગતા હતા, પરંતુ માયાવી ભાષાના પ્રાચીન ચિહ્નો તેમાં અંકિત હતાં. એ ચિહ્નો ચાંદની પડતાં ઝાંખા પ્રકાશથી ઝગમગી ઊઠતા હતા.
એના હાથમાં એક લાંબી દંડિકા હતી.
એ દંડિકા કોઈ શસ્ત્ર નહોતી, પરંતુ જ્ઞાનનું પ્રતીક હતી. કહેવાતું હતું કે આ દંડિકામાં અમર વૃક્ષના મૂળનો અંશ સમાયેલો હતો. તેથી જ નરવીર જંગલના માર્ગોને જોઈ શકતો હતો, જે સામાન્ય મનુષ્યો માટે અદૃશ્ય રહેતા.
પરંતુ નરવીરની સૌથી વિશેષ વાત એની આંખો હતી.
એની આંખોમાં અદ્ભુત શાંતિ હતી. એવી શાંતિ કે જે ઉગ્ર તોફાનને પણ સ્થિર કરી શકે. એવી કરુણા કે જે ભટકેલા આત્માને માર્ગ બતાવી શકે. અને એવું જ્ઞાન કે જે અસંખ્ય રહસ્યો ઉકેલી શકે. અવનિલને એવું લાગ્યું કે એ આંખોમાં આખું માયાવી જંગલ જીવતું હતું. હજારો વૃક્ષોની સ્મૃતિઓ, લાખો જીવોનાં રહસ્યો અને અનેક યુગોની વાર્તાઓ ત્યાં સંચિત હતી.
નરવીર ક્યારેય ઊંચા અવાજે બોલતો નહોતો. તેમ છતાં એની વાણીમાં એવો પ્રભાવ હતો કે જંગલનાં પાંદડાં પણ જાણે એને સાંભળવા સ્થિર થઈ જતા. જ્યારે તે બોલતો, ત્યારે એના શબ્દો માત્ર કાન સુધી પહોંચતા નહોતા; સીધા હૃદય સુધી ઉતરી જતા.
માયાવી જંગલમાં એવી માન્યતા હતી કે જે કોઈ બાર વર્ષ સુધી માયાના તમામ પરીક્ષાઓ પાર કરે અને પોતાની અંદરની લાલસા, ભય, ક્રોધ અને અહંકારને જીતી લે, તેને જ નરવીરનો દરજ્જો પ્રાપ્ત થાય.
પરંતુ નરવીર વિશે એક રહસ્ય એવું પણ હતું કે તે ક્યારેય પોતાનો ભૂતકાળ કોઈને કહેતો નહોતો.
કેટલાક કહેતા કે તે એક રાજકુમાર હતો. કેટલાક કહેતા કે તે કોઈ મહાન ઋષિ હતો. અને કેટલાક તો એમ પણ માનતા કે તે માયાવી જંગલ દ્વારા જ સર્જાયેલો રક્ષક હતો. પરંતુ સત્ય શું હતું, તે માત્ર અમર વૃક્ષ જ જાણતું હતું. નરવીર માટે સૌથી મોટો ધર્મ હતો માર્ગ ભૂલેલા મુસાફરને માર્ગ બતાવવો. તે કોઈ રાજા નહોતો. કોઈ દેવતા પણ નહોતો. પરંતુ માયાના અંધકારમાં તે દીપક સમાન હતો. એટલા માટે જ માયાવી જંગલમાં કહેવામાં આવતું હતું "જ્યાં માયા સૌથી ઘેરી બને, ત્યાં નરવીરનો પ્રકાશ જન્મે છે."
અને એ રાત્રે, જ્યારે અવનિલ પોતાની સખી નિલક્રિષ્નાની શોધમાં ભટકી રહ્યો હતો, ત્યારે નરવીર પણ એ જ પ્રકાશ બનીને એની સામે પ્રગટ થયો હતો.
અવનિલ હજુ પણ સાવચેત હતો. અજાણ્યા માણસ પર વિશ્વાસ કરવો સહેલો નહોતો.
નરવીરે એની તરફ જોઈને ધીમા, પરંતુ ગુંજતા સ્વરે કહ્યું,
"પુત્ર, આ જંગલની આ સીમા સુધી આજ સુધી કોઈ જીવતો મનુષ્ય પહોંચી શક્યો નથી."
પછી એણે પૂછ્યું,
"હે નવજવાન! શું તું આ માયાવી જંગલમાં ભૂલો પડી ગયો છે?"
અવનિલે ટૂંકો જવાબ આપ્યો.
"ના."
એ વધુ વાત કરવા માંગતો નહોતો. એણે પોતાની નજર બીજી તરફ ફેરવી લીધી.
નરવીર સ્મિત કરીને બોલ્યો,
"તું ભૂલો પડ્યો હોય એવું મને લાગતું નથી. કારણ કે આ જંગલમાં માયાના સ્પર્શ વિના કોઈ પ્રવેશી શકે જ નહીં. છતાં પણ તારામાં મને માયાની કોઈ અસર દેખાતી નથી. શું તું કોઈ વિશેષ કાર્ય માટે અહીં આવ્યો છે?"
અવનિલે થોડો વિચાર કરીને જવાબ આપ્યો,
"હું મારી સખી નિલક્રિષ્નાની શોધમાં આવ્યો છું. અહીં આગળ એક વિશાળ ખાડો દેખાય છે. એના પાર જવાનો કોઈ માર્ગ નથી. શું શક્ય છે કે નિલક્રિષ્ના એમાં પડી ગઈ હોય?"
નરવીરે માથું હલાવ્યું.
"ના. હજુ સુધી અહીં કોઈ આવ્યું જ નથી. આ સ્થાન સુધી પહોંચનાર તું પહેલો જીવતો મનુષ્ય છે. આ માર્ગ પાર કરવો અશક્ય માનવામાં આવે છે. તારામાં કોઈ અસાધારણ શક્તિ છુપાયેલી છે, જેનો તને હજુ સુધી ખ્યાલ નથી."
અવનિલને નવાઈ લાગી.
"લોકો કહે છે કે આ જંગલમાં પ્રવેશનાર કોઈ જીવતો પાછો ફરતો નથી. છતાં તમે તો અહીં સુરક્ષિત ઊભા છો. એ કેવી રીતે શક્ય છે?"
નરવીરે ઊંડો શ્વાસ લીધો.
"કારણ કે આ જંગલ માત્ર વૃક્ષોનો સમૂહ નથી. આ એક જીવંત માયા છે. એની ભાષા અલગ છે, એના નિયમો અલગ છે, એના વિચાર અલગ છે. અહીંની દરેક વસ્તુને સમજવા માટે વર્ષો નહીં, દાયકાઓ લાગી જાય છે."
થોડી ક્ષણ રોકાઈને એ આગળ બોલ્યો,
"નાના બાળકને જેમ દુનિયાની સમજ આવતાં સમય લાગે છે, એમ જ અહીં પ્રવેશનારને આ જંગલ સમજતાં આખું જીવન વીતી જાય છે. મેં આ બધું મારા અનુભવથી શીખ્યું છે."
અવનિલે વિનમ્રતાથી કહ્યું,
"મારી પાસે એટલો સમય નથી. હું નિલક્રિષ્નાને શોધવા આવ્યો છું અને સાથે અમર વૃક્ષ સુધી પણ પહોંચવું છે. જો તમે આ જંગલને જાણો છો, તો મને માર્ગ બતાવો."
નરવીરની આંખોમાં પ્રસન્નતા છવાઈ ગઈ.
"માનવતાને બચાવવાનો વિચાર લઈને તું અહીં આવ્યો છે, એ જાણીને મને આનંદ થાય છે."
પછી એ ગંભીર બન્યો.
"જો તારે આગળ વધવું હોય તો તારે એક અજીબ નિયમનું પાલન કરવું પડશે. આ માયાવી જાળ સીધી નથી, ઊંધી છે."
અવનિલ આશ્ચર્યથી એને જોતો રહ્યો.
નરવીર બોલ્યો,
"તું આગળ વધવા માટે પાછળ પગે ચાલ. પાછળ વળીને જોવાનું નહીં. માત્ર ઊંધું ચાલવાનું શરૂ કરી દે. તું જેટલો ઊંધો ચાલશે, તેટલા આ જંગલના રહસ્યો ખુલી જશે."
અવનિલને આ વાત અશક્ય લાગી.
"આ કેવી રીતે શક્ય બને? તમે આટલા વિશ્વાસથી કેવી રીતે કહી શકો?"
નરવીર હળવેથી હસ્યો.
"કારણ કે અહીંનું સૌથી મોટું રહસ્ય કોઈ સમજી શક્યું નથી. આ માયાવી જંગલ છે. માયા દરેકને ભ્રમમાં મૂકે છે. જો તું એની દિશામાં ચાલશે તો એ તને પકડી લેશે. પરંતુ જો તું ઊંધું ચાલશે, તો માયા તને સ્પર્શી પણ નહીં શકે."
અવનિલે અંતે નરવીર પર વિશ્વાસ મૂક્યો.માયાના રહસ્યો ખુલવા લાગ્યા. અવનિલ ખાડાની ધાર પરથી પાછળ પગે ચાલવા લાગ્યો. શરૂઆતમાં એને લાગ્યું કે કદાચ એ ફરી એ જ રસ્તાઓ જોઈ શકશે, જ્યાંથી એ આવ્યો હતો. પરંતુ એવું બન્યું નહીં. દરેક પગલાં સાથે જંગલનું સ્વરૂપ બદલાવા લાગ્યું. જે પહાડો પહેલાં અદૃશ્ય લાગતા હતા, તે હવે દેખાવા લાગ્યા. પહાડોની વચ્ચેથી જાણે કાતરની જેમ એક સાંકડી જગ્યા ધીમે ધીમે ખુલવા લાગી. એ માર્ગ અવનિલના શરીરના સ્પર્શથી જ સર્જાતો હતો.
આસપાસ ઘોર અંધકાર હતો. જંગલી વૃક્ષોની ડાળીઓ જાણે જીવંત બનીને એનો માર્ગ રોકવાનો પ્રયાસ કરી રહી હતી. આકાશ પણ ભયાનક લાગતું હતું.
અવનિલને એવું લાગ્યું કે,
"માયાએ ટમટમતા તારાઓ જેવી હજારો આંખો ધારણ કરી છે અને કાળા વસ્ત્રો પહેરીને આખા આકાશમાં ફેલાઈ ગઈ છે."
જેટલા તારા દેખાતા હતા, એટલી જ માયાની નજરો એને જોતી હોય એવું લાગતું હતું. પરંતુ એ અટક્યો નહીં. ઘણું અંતર ઊંધું ચાલ્યા પછી અચાનક અંધકાર વચ્ચે એક અજવાળું દેખાયું. એ પ્રકાશ વિશાળ મશરૂમ જેવો લાગતો હતો. રોશની એટલી તેજસ્વી હતી કે એની નીચે ઊભેલી વ્યક્તિ સ્પષ્ટ દેખાતી નહોતી.
નિલક્રિષ્ના અજાણતાં માયાના બંધનમાં ફસાઈ ગઈ હતી. પરંતુ એને પોતાના કપાળમાં રહેલી નિલમણિની અસલી શક્તિનો અંદાજ નહોતો. માયાના બંધનમાંથી મુક્ત થવા માટે એણે નિલમણિનું તેજ પ્રગટ કર્યું. એ પ્રકાશ એટલો પ્રચંડ હતો કે માયાની હજારો આંખો અંજાઈ ગઈ. જ્યાં પ્રકાશ પહોંચ્યો ત્યાં માયાનું સામ્રાજ્ય અંધકારમાં ડૂબી ગયું.
નિલક્રિષ્નાને શોધતા શોધતા અવનિલ એ દેખાતા પ્રકાશ તરફ આગળ વધ્યો. જેમ જેમ તે નજીક પહોંચતો ગયો, તેમ તેમ એ પ્રકાશ વધુ પ્રચંડ બનતો ગયો. આખરે જ્યારે તે પ્રકાશના કેન્દ્ર સુધી પહોંચ્યો, ત્યારે તેની આંખોમાં આનંદ અને રાહત છલકાઈ ઊઠ્યાં. કારણ કે ત્યાં નિલક્રિષ્ના સહીસલામત ઊભી હતી. પરંતુ એ ક્ષણ સુધી પહોંચવાનો રસ્તો સહેલો નહોતો.
નિલક્રિષ્ના અજાણતાં જ માયાના ભયંકર બંધનમાં ફસાઈ ગઈ હતી. માયાએ પોતાના હજારો ભ્રમો, મૃગજળો અને ભયાનક દૃશ્યો સર્જીને નિલક્રિષ્નાના મનને કેદ કરી લીધું હતું. એને લાગતું હતું કે તે અનંત અંધકારમાં ખોવાઈ ગઈ છે. જ્યાં નજર ફેરવે ત્યાં અજાણ્યા ચહેરા, ભયંકર પડછાયા અને રહસ્યમય અવાજો સંભળાતા હતા. પરંતુ માયા એક વાત જાણતી નહોતી. નિલક્રિષ્નાના કપાળમાં રહેલી નિલમણિ કોઈ સામાન્ય રત્ન નહોતી.
એ નિલમણિ હજારો વર્ષ પહેલાં આકાશ અને સમુદ્રના સંગમમાંથી જન્મેલી એક દિવ્ય શક્તિ હતી. એવું કહેવાતું હતું કે જ્યારે બ્રહ્માંડમાં પ્રથમ વખત પ્રકાશ અને અંધકાર વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારે પ્રકાશના એક અંશે પોતાનું અસ્તિત્વ બચાવવા માટે એક દિવ્ય મણિનું સ્વરૂપ ધારણ કર્યું હતું. એ જ શક્તિ આગળ જઈને નિલમણિ તરીકે ઓળખાઈ.
નિલમણિની વિશેષતા એ હતી કે તે પોતાના ધારકને માત્ર શક્તિ આપતી નહોતી, પરંતુ યોગ્ય સમય આવતાં એને માર્ગદર્શન પણ આપતી હતી. પરંતુ તેની શક્તિ કોઈના આદેશથી જાગતી નહોતી. ધારકના હૃદયમાં વિશ્વાસ, પ્રેમ અને સત્ય માટેની તીવ્ર તરસ જાગે ત્યારે જ નિલમણિ પોતાનું રહસ્ય પ્રગટ કરતી હતી.
માયાના બંધનમાં સંઘર્ષ કરતી નિલક્રિષ્ના જ્યારે સંપૂર્ણ નિરાશ થઈ ગઈ, ત્યારે એને અચાનક પોતાના કપાળમાં એક અજાણી ગરમી અનુભવાઈ. એની આંખો બંધ થઈ ગઈ. અને એ જ ક્ષણે એની અંદર એક દિવ્ય અવાજ ગુંજ્યો.
"તું અંધકાર સામે લડી રહી છે, જ્યારે અંધકારને હરાવવાનો પ્રકાશ તારી અંદર જ છે."
આ અવાજ કોઈ બીજાનો નહોતો. તે નિલમણિની ચેતના હતી, જે હજારો વર્ષોથી યોગ્ય ક્ષણની રાહ જોઈ રહી હતી. એ ક્ષણે નિલક્રિષ્નાને પોતાના ભૂતકાળના ઝાંખા દૃશ્યો દેખાવા લાગ્યા. તેને સમજાયું કે નિલમણિ માત્ર એક રત્ન નહીં, પરંતુ તેની આત્મા સાથે જોડાયેલી દિવ્ય વારસાગત શક્તિ હતી. તેને અચાનક એ પણ સમજાઈ ગયું કે એની શક્તિનો ઉપયોગ કેવી રીતે કરવો.
એણે ધીમે ધીમે પોતાની બંને આંખો બંધ કરી.
પછી પોતાના મનને એકાગ્ર કર્યું. અને પોતાના હૃદયમાં રહેલા પ્રકાશને નિલમણિ સાથે જોડ્યો. પળવારમાં નિલમણિ ધગધગતા સૂર્યની જેમ ઝળહળી ઊઠી.
એક નીલવર્ણ પ્રકાશનું વાવાઝોડું ચારે તરફ ફેલાઈ ગયું.
એ પ્રકાશ એટલો પ્રચંડ હતો કે માયાની હજારો આંખો અંજાઈ ગઈ. ભ્રમોના મહેલો તૂટી પડવા લાગ્યા. અંધકારના પડછાયા ધુમાડાની જેમ ઓગળવા લાગ્યા. જ્યાં જ્યાં નિલમણિનું તેજ પહોંચતું ગયું, ત્યાં ત્યાં માયાનું સામ્રાજ્ય નષ્ટ થવા લાગ્યું.
કારણ કે માયા ભલે કેટલીય શક્તિશાળી હોય, પરંતુ સત્યના પ્રકાશ સામે તેનું અસ્તિત્વ ટકી શકતું નહોતું.
અને એ જ દિવ્ય પ્રકાશના કેન્દ્રમાં નિલક્રિષ્ના અડગ ઊભી હતી, જાણે અંધકારને પડકારતી પ્રકાશની દેવી.
એ જ પ્રકાશને અનુસરીને અવનિલ ત્યાં પહોંચ્યો હતો.
અને હવે, ઘણા સંઘર્ષો પછી, બંને ફરી એકબીજાની સામે ઊભા હતાં. પરંતુ તેઓ જાણતા નહોતા કે નિલમણિની આ જાગૃત શક્તિએ સમગ્ર માયાવી જંગલમાં એક એવી હલચલ મચાવી દીધી હતી, જેનાથી હવે એક નવું અને વધુ ભયંકર રહસ્ય જાગૃત થવાનું હતું. અને સાથે સાથે અમર વૃક્ષનું રહસ્ય શું છે એ પણ...!
- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા' ✍️