part 62 in Gujarati Spiritual Stories by કૃષ્ણપ્રિયા books and stories PDF | નિલક્રિષ્ના - ભાગ 62

Featured Books
Categories
Share

નિલક્રિષ્ના - ભાગ 62

સમુદ્રક અને એની સેના વિરમન્યુને ઉભો થતો અટકાવવા‌ માટે ઘણી મહાકાય કોશિશ કરી રહ્યા હતાં. વિરમન્યુનું હાડપિંજર જેવું ભયંકર શરીર વિશાળ પથ્થરોમાં બંધાયેલું હતું. એની ખોપરીમાં બે અગ્નિ જેવી આંખો, વિશાળ કાન, તૂટી ગયેલું નાક અને ભયંકર મોઢું સ્પષ્ટ દેખાતું હતું. સમુદ્રક અને એની સેનાએ પ્રથમ વખત એ અડધા સમુદ્ર જેટલું વિશાળ પહાડી શરીર જોયું હતું. એ દૃશ્ય જોઈને સમુદ્રના મહાકાય યોદ્ધાઓ સુધીના હૃદય ધ્રુજી ઉઠ્યા હતાં. કારણ કે એ માત્ર દૈત્ય ન હતો. પરંતુ વિનાશનું જીવંત પ્રતિક હતો.

નિલક્રિષ્ના જાણતી હતી કે વિરમન્યુના વિનાશને રોકવા માટે સામાન્ય શક્તિ પૂરતી નથી. સમુદ્રના ગર્ભમાં, વિરમન્યુના વિશાળ શરીરની નીચે એક દિવ્ય અમીનો કુવો હતો. સર્જનની આદિશક્તિથી ભરેલો. એ અમી સામાન્ય જળ ન હતું. એમાં નવા જીવનનું સર્જન કરવાની શક્તિ હતી, મૃત ધરતીને ફરી હરિયાળી બનાવવાની શક્તિ હતી અને દૈત્યવિષને પણ અમૃતમાં ફેરવવાની તાકાત હતી.

એ જે અમી સુધી પહોંચવા માગતી હતી એ અમીનો કુવો કોઈ સામાન્ય ઝરણો કે સરોવર જેવો નહોતો. વિરમન્યુના વિશાળ શરીરની નીચે, સમુદ્રના સૌથી અગાધ અને રહસ્યમય ગર્ભમાં એ સ્થિત હતો. આસપાસ કાળો અંધકાર હતો, પરંતુ કુવામાંથી નીકળતો નીલસ્વર્ણ પ્રકાશ આખા સમુદ્રને અજવાળતો હતો. કુવાના જળમાં અસંખ્ય આકાશગંગાઓ ફરતી હોય એવું લાગતું હતું. દરેક ટીપામાં સર્જનની ધડકન સંભળાતી હતી.

એવું કહેવાતું હતું કે જ્યારે સૃષ્ટિની રચના થઈ ત્યારે બ્રહ્માંડના પ્રથમ અમૃતના ટીપાં અહીં પડ્યા હતા.
સમય, મૃત્યુ અને વિનાશ પણ આ કુવાના જળને સ્પર્શી શકતા નહોતા. એના જળમાં એવી દિવ્ય ઊર્જા હતી કે સુકાઈ ગયેલી ધરતી ફરી હરિયાળી બની જાય, મૃત સમુદ્રોમાં ફરી જીવન તરવા લાગે અને ઝેર પણ પોતાની વિનાશક શક્તિ ગુમાવી દે. પરંતુ એ અમી સુધી પહોંચવું સહેલું ન હતું.

વિરમન્યુનું શરીર ધીમે ધીમે પડખું ફરી રહ્યું હતું. એના ભારથી સમુદ્રની અંદર ભયંકર દબાણ અને વાવાઝોડાં સર્જાઈ રહ્યા હતાં. એક ક્ષણની પણ ભૂલ નીલક્રિષ્નાને સદાકાળ માટે સમુદ્રના અંધકારમાં સમાવી લે તેવી હતી.

વિરમન્યુના સહેજ ખસતા જ મોકો જોઈ નીલક્રિષ્ના નિર્ભય બની સમુદ્રના અગાધ ગર્ભમાં ઉતરી ગઈ. જેમ જેમ તે ઊંડે જતી હતી તેમ સમુદ્રનો અંધકાર વધતો જતો હતો. આસપાસ વિરમન્યુના શરીરમાંથી નીકળતી ભયાનક ગરમી અને ઝેરી ઊર્જા ફેલાઈ રહી હતી. પરંતુ નીલક્રિષ્નાના તેજથી સમુદ્રનો અંધકાર પણ ધીમે ધીમે નીલવર્ણ પ્રકાશમાં ફેરવાતો ગયો.

અંતે તે વિરમન્યુના વિશાળ શરીરની નીચે પહોંચી. ત્યાં, અનંત અંધકારની વચ્ચે, એક દિવ્ય તેજસ્વી કુવો પ્રગટ થઈ રહ્યો હતો. એ અમીનો કુવો હતો.

એમાંથી નીકળતો પ્રકાશ જાણે સર્જનના પ્રથમ સૂર્ય જેવો દિવ્ય લાગતો હતો. કુવાના જળમાંથી નીકળતી શીતળ ઊર્જા સમુદ્રના ભયંકર તોફાનોને પણ શાંત કરી રહી હતી. એના દરેક તરંગમાં નવી સૃષ્ટિ જન્મ લેવાની શક્તિ ધબકી રહી હતી. નીલક્રિષ્નાએ પોતાના કમંડળને બંને હાથથી પકડી ધીમે ધીમે એ અમી ભરવાનું શરૂ કર્યું.

જેમજ અમી કમંડળમાં ભરાવા લાગ્યું, તેમ સમગ્ર સમુદ્રમાં એક અજાણી શાંતિ પ્રસરી ગઈ. વિનાશની વચ્ચે સર્જનની શક્તિ ફરી જાગવા લાગી.

એનાં મૃત્યુ પછીથી લઈને આજથી પાંચ હજાર વર્ષ સુધી વિરમન્યુ નિષ્ક્રિય પડ્યો રહ્યો હતો. પરંતુ હવે એમાં ફરી જીવ પ્રવેશ્યો હતો. છતાં પણ એ સંપૂર્ણ જાગી શક્યો નહોતો. સમુદ્રક અને એની સેનાએ એને રોકી દીધો હતો.

અહીં સુધી શૈતાન હજુ સુધી પહોંચ્યા ન હતાં. કેમ કે, શૈતાનો પણ જાણતાં ન હતાં કે, વિરમન્યુ સમુદ્રમાં ક્યાં ઊંડાઈમાં પડેલો હશે. એ બસ, એટલું જાણતા હતાં કે, "વિરમન્યુનો નાશ કોઈ કાળે નહીં થાય."

આમ પણ દૈત્યોના તાર વિરમન્યુ સુધી જોડાવા માટે અસમર્થ હતાં. એટલે એનું અહીં પહોંચવું અશક્ય હતું.
પરંતુ હવે નિલક્રિષ્નાને પરત વળતા રસ્તે દૈત્યો મળશે એ નક્કી હતું. આ અદ્શ્ય અમીનો પ્યાલો લઈને નિલક્રિષ્ના નિલભૂમિ પર આવી રહી હતી ત્યાં, રસ્તામાં
નિલક્રિષ્નાનાં કપાળ પર રહેલા મણિનુ તેજ જોઈ
તેઓ નિલ મણી પ્રાપ્ત કરવા માટે દરીયાઇ રસ્તે તેની પાછળ પડ્યાં. આ દૈત્યો નિલક્રિષ્ના પર દબાવ કરી એનાં કપાળમાંથી આ મણિ કાઢવાની કોશિશ કરી રહ્યા હતાં. પરંતુ નિલક્રિષ્નાની શક્તિઓ પાસે એની કોશિશ વ્યર્થ જતી હતી.

નિલમણિ કોઈ સામાન્ય રત્ન નહોતું. એ તો દેવતાઓની સંકલ્પશક્તિ, બ્રહ્માંડની ચેતના અને અગ્નિ સમાન દિવ્ય ઉર્જાનું જીવતું કેન્દ્ર હતું. હજારો વર્ષ પહેલાં જ્યારે પ્રથમ વખત અંધકારએ સૃષ્ટિના સંતુલનને ભંગ કરવાનો પ્રયાસ કર્યો હતો, ત્યારે દેવોએ પોતાની શક્તિઓનો એક અંશ ભેગો કરીને આ નિલમણિનું સર્જન કર્યું હતું.

એ મણિ માત્ર પ્રકાશ આપતું નહોતું. એ પોતાના ધારકના મન, આત્મા અને પ્રાણ સાથે જોડાઈ જતું હતું. એટલા માટે જ નિલમણિ કોઈના હાથમાં રહેતું નહીં. એ પોતે જ પોતાના ધારકને પસંદ કરતું.

અને હવે એ નિલમણિ નિલક્રિષ્નાના કપાળમાં સ્થિર થઈ ગઈ હતી.‌ જાણે જન્મથી જ એનું સ્થાન ત્યાં નક્કી કરાયેલું હોય. પરંતુ એમાં એક દિવ્ય નિયમ બંધાયેલો હતો.

કેમ કે, એ નિલમણિ ત્યારે જ પોતાનું સ્થાન છોડી શકે, જ્યારે નિલક્રિષ્ના સંપૂર્ણ હોશમાં, સંપૂર્ણ એકાગ્રતાથી પોતાના કપાળ પર ધ્યાન કેન્દ્રિત કરે. જો એની અંદર ભય હોય, ક્રોધ હોય, શંકા હોય અથવા મન અસ્થિર હોય, તો નિલમણિ એક ક્ષણ માટે પણ બહાર આવતી નહોતી.

કારણ કે નિલમણિ માત્ર શક્તિથી નહીં, પરંતુ ચેતનાથી કાર્ય કરતી હતી. નિલક્રિષ્ના જ્યારે આંખો બંધ કરતી, ત્યારે એની આસપાસની દુનિયા ધીમે ધીમે શાંત થવા લાગતી. પવન થંભી જતો. આસપાસનો અવાજ ગાયબ થઈ જતો. જાણે સમય પોતે જ થોડા ક્ષણ માટે રોકાઈ ગયો હોય.

એ પછી એ પોતાના અંદરના પ્રકાશમાં પ્રવેશ કરતી.
એને પોતાના કપાળની વચ્ચે ધીમે ધીમે નીલવર્ણ જ્યોતિ પ્રગટ થતી અનુભવાતી.

એ જ ક્ષણે એ પ્રાચીન મંત્રનો ઉચ્ચાર કરતી.

“ॐ नीलज्योतिषे दिव्यमणये स्वाहा…”.

મંત્રના દરેક શબ્દ સાથે નિલમણિની અંદર રહેલી ઉર્જા ધીમે ધીમે જાગવા લાગતી. એના કપાળમાંથી વાદળી પ્રકાશના વર્તુળો બહાર ફેલાતા. ધરતી કંપવા લાગતી. હવામાં વીજળી જેવો કરકસરાટ ગુંજવા લાગતો.

ધીમે ધીમે નિલમણિ એના કપાળમાંથી અલગ થવા લાગતી. જાણે કોઈ તારાને આકાશમાંથી ખેંચવામાં આવી રહ્યો હોય.

એ ક્ષણે નિલક્રિષ્નાના શરીર પર અસહ્ય દબાણ અનુભવાતું. કારણ કે નિલમણિ માત્ર રત્ન નહોતું.
એ એની આત્માનો એક અંશ બની ચૂક્યું હતું.

મણિ બહાર આવતાં જ આસપાસનો અંધકાર પાછળ ખસી જતો. દૈત્યોની શક્તિ નબળી પડી જતી. અને જે કોઈ એ દિવ્ય પ્રકાશને સીધું જોઈ લેતો, એની અંદરની દુષ્ટતા જળવા લાગતી.

પરંતુ નિલમણિનો ઉપયોગ સહેલો નહોતો. દરેક વખત જ્યારે નિલક્રિષ્ના એને પોતાના કપાળેથી બહાર કાઢતી, ત્યારે એની જીવનશક્તિનો એક ભાગ ક્ષીણ થતો. એટલા માટે જ એ મણિનો ઉપયોગ માત્ર અત્યંત ભયંકર સંજોગોમાં જ કરવામાં આવતો.

ક્યારેક એ મણિથી દેવિય દ્વાર ખોલી શકાય. ક્યારેક એથી મૃત્યુ પામેલી પવિત્ર શક્તિઓને જાગૃત કરી શકાય. અને ક્યારેક, એ આખા શહેરને વિનાશથી બચાવવા માટે અગ્નિ સમાન દિવ્ય કવચ પણ બનાવી શકતી હતી. પરંતુ એક ભયંકર રહસ્ય હજુ પણ છુપાયેલું હતું.

જો ક્યારેય નિલક્રિષ્ના ક્રોધમાં આવીને મંત્રનો ઉચ્ચાર કરે,‌ તો નિલમણિ પોતાની સંપૂર્ણ વિનાશક શક્તિ મુક્ત કરી શકે. આમ થાય તો એ દિવસ સમગ્ર સૃષ્ટિ માટે પ્રલય સમાન સાબિત થઈ શકે.

વિરમન્યુના સાથી બનેલા શૈતાનોએ જ્યારે નિલ મણિને જોયી, ત્યારે તેમની આંખોમાં લાલચ ઝબકી ઊઠી.
"જો સ્યામંતક મણિ આટલી શક્તિશાળી છે, તો આ નિલ મણિ પણ કોઈ સામાન્ય વસ્તુ નહીં હોય," એક શૈતાને કહ્યું.

બીજો બોલ્યો,

"પહેલા આ મણિ મેળવી લઈએ, પછી આખી સૃષ્ટિ આપણા પગ નીચે હશે."

તેઓ ધીમે ધીમે નિલ મણિ તરફ આગળ વધવા લાગ્યા.
પરંતુ જેમ જ પ્રથમ શૈતાને પોતાનો હાથ નિલ મણિ તરફ લંબાવ્યો, તેમ જ મણિમાંથી વાદળી પ્રકાશનું એક પ્રચંડ વર્તુળ બહાર નીકળ્યું.

"આઆહ...!"

એક કરુણ ચીસ સાથે શૈતાન ઘણા દૂર ફંગોળાઈ ગયો.
તેના હાથ પર અગ્નિ જેવાં નિશાન પડી ગયા. બાકીના શૈતાનો પણ ચોંકી ઊઠ્યા. તેમણે ફરી પ્રયાસ કર્યો.
પણ દરેક વખતે નિલ મણિમાંથી નીકળતું દિવ્ય તેજ તેમને નજીક આવતાં પહેલાં જ દૂર ધકેલી દેતું.
જાણે મણિ સ્વયં પોતાની રક્ષા કરી રહી હોય.

એ શૈતાનો નિલ મણિને સ્પર્શી પણ ન શક્યા, ને નિલક્રિષ્ના સરળતાથી નિલભૂમિ તરફ આગળ વધી ગઈ.

- હેતલ ઘેટીયા 'કૃષ્ણપ્રિયા'