ભાગ ૧૬: પ્રેમ અને લેબ
આરવના હાથમાં રહેલો એ લાલ લેસરવાળો ફોટો જાણે ધગધગતા અંગારા જેવો થઈ ગયો હતો. કાલે સાંજે કોઈ સ્નાઈપર આધ્યાના માથા પર નિશાન લગાવીને બેઠો હતો અને આરવને ખબર પણ નહોતી પડી! એક બાહોશ RAW એજન્ટ તરીકે આ એની બહુ મોટી નિષ્ફળતા હતી. આરવે એ ફોટો ધીમેથી લાઈટરથી સળગાવી દીધો. એના ચહેરા પર કોઈ ગભરામણ નહોતી, પણ એની આંખોમાં એક ભયાનક, શાંત જ્વાળામુખી સળગી રહ્યો હતો.
'શેડો' એ આરવની નબળાઈ પર હાથ મૂકવાની ભૂલ કરી હતી. હવે આ શિકાર અને શિકારીની રમત બહુ જલ્દી રક્તરંજિત થવાની હતી.
બીજા દિવસની સવાર. હોસ્ટેલ રૂમ નંબર ૪૦૪.
રૂમમાં સવારના સાડા આઠ વાગ્યાનો સામાન્ય અને રમૂજી માહોલ હતો. કેતનની ઇસ્ત્રી બગડી ગઈ હોવાથી, એણે ઇન્ડક્શન સ્ટવ પર પાણીનો સ્ટીલનો લોટો ગરમ કર્યો હતો અને એ ગરમ લોટાથી પોતાના સફેદ એપ્રોન પર ઇસ્ત્રી કરી રહ્યો હતો!
"અલા ભાઈ જીગા, આને કહેવાય મેક-ઇન-ઇન્ડિયા જુગાડ! જો કેવી કડક ઇસ્ત્રી થાય છે!" કેતને ગર્વથી છાતી કાઢતા કહ્યું.
બાજુમાં ઊભેલો જિગ્નેશ માથું કૂટી રહ્યો હતો. "અલા ડફોળ, લોટાનું તળિયું કાળું છે! તારા સફેદ એપ્રોન પર ડાઘ પડી ગયો છે. મેડિકલ કોલેજમાં ભણે છે કે કોઈ ગેરેજમાં?"
કેતને એપ્રોન જોયું અને મોં વકાસી ગયો.
આ બંનેની નોકઝોક જોઈને આરવના કઠોર ચહેરા પર એક સહજ સ્મિત આવી ગયું. રાતના અંધારા અને ષડયંત્રો વચ્ચે, આ બંને મિત્રોની નિર્દોષતા આરવ માટે કોઈ ઓક્સિજન સિલિન્ડર જેવી હતી. એણે હસતા હસતા પોતાનું એપ્રોન કેતનને આપી દીધું, "ચાલ, તું મારું પહેરી લે. મારી પાસે બીજું છે."
બપોરનો સમય. ફાર્માકોલોજી લેબ.
લેબમાં ફોર્મેલિન અને વિવિધ કેમિકલ્સની એક તીવ્ર, જાણીતી ગંધ ફેલાયેલી હતી. કાચની બ્યુરેટ (Burette), પીપેટ અને બીકર્સના ધીમા અવાજો વચ્ચે વિદ્યાર્થીઓ પોતપોતાના પ્રયોગોમાં વ્યસ્ત હતા. લેબના છેવાડાના ટેબલ પર આરવ અને આધ્યા સાથે ઊભા હતા.
ડૉ. વ્યાસ લેબમાં એક બાજની જેમ આંટા મારી રહ્યા હતા, પણ એમણે જાણીજોઈને આરવ તરફ જોવાનું ટાળ્યું હતું.
આધ્યાના ચહેરા પર આજે એક અલગ જ નૂર હતું. કાલની કોફી ડેટ પછી એને જાણે આખી દુનિયા જીતી લીધી હોય એવી અનુભૂતિ થતી હતી. એણે ધીમેથી પીપેટમાંથી ગુલાબી રંગનું કેમિકલ બીકરમાં ડ્રોપ-બાય-ડ્રોપ નાખવાનું શરૂ કર્યું.
આરવ બિલકુલ એની બાજુમાં ઊભો હતો. એની નજર લેબના દરવાજા, બારીઓ અને આસપાસના દરેક વિદ્યાર્થી પર હતી. એની હાઈ-એલર્ટ ઇન્દ્રિયો કોઈ પણ સંભવિત ખતરાને સ્કેન કરી રહી હતી.
"આરવ..." આધ્યાએ બિલકુલ ધીમા, માત્ર આરવ સાંભળી શકે એવા અવાજે કહ્યું, "જો તું બારીની બહાર અને દરવાજા તરફ જ જોયા કરીશ, તો આ પ્રયોગ કોણ પૂરો કરશે? તારું ધ્યાન બીકરમાં કેમ નથી?"
આરવે ધીમેથી આધ્યા તરફ જોયું. એની આંખોની કઠોરતા અચાનક ઓગળી ગઈ. એણે અત્યંત ઋજુ અને સ્નેહસભર સ્વરે કહ્યું, "કારણ કે... આ લેબની સૌથી કિંમતી અને સુંદર વસ્તુ આ બીકરમાં નથી."
આધ્યાના હાથમાંથી પીપેટ સહેજ સરકી ગઈ અને એનો હાથ અનાયાસે જ આરવના હાથ સાથે ટકરાયો. એક ઇલેક્ટ્રિક સ્પાર્ક જેવી ધ્રૂજારી બંનેના શરીરમાંથી પસાર થઈ ગઈ. આધ્યાના ગાલ શરમથી લાલ થઈ ગયા. એણે નજર નીચી ઢાળીને ધીમેથી સ્મિત કર્યું.
"તું વાતો બહુ સરસ કરે છે, આરવ. પણ મને ખબર છે, તારી આંખોમાં કોઈ વાતની ઊંડી ચિંતા છે." આધ્યાએ પ્રયોગ ચાલુ રાખતા જ ધીમેથી કહ્યું. એની સેન્સિટીવ નજરોથી આરવનો તણાવ છૂપો નહોતો રહ્યો.
આરવે આધ્યાના હાથ પર પોતાનો હાથ હળવેથી મૂક્યો. "જ્યાં સુધી હું તારી સાથે ઊભો છું, ત્યાં સુધી આ દુનિયાની કોઈ તાકાત તને સ્પર્શી પણ નહીં શકે. આ મારૂ પ્રોમિસ છે."
આધ્યાએ આરવની આંખોમાં જોયું. એ આંખોમાં પ્રેમની સાથે એક અદભુત રક્ષણાત્મક કવચ હતું. આ નાનકડી, ધીમા પગલે પાંગરતી રોમેન્ટિક ક્ષણ બંને માટે આસપાસના તમામ ભયને ભૂલાવી દેવા માટે પૂરતી હતી.
ત્યાં જ અચાનક... કોઈના બૂટનો કઠોર અવાજ એમની પાછળ આવીને અટક્યો.
ડૉ. શશાંક વ્યાસ.
એમણે બંનેના ટેબલ પાસે આવીને પ્રયોગનું નિરીક્ષણ કરવાનું નાટક કર્યું. પછી બિલકુલ આરવના કાન પાસે ઝૂકીને, અત્યંત ધીમા, ઝેરીલા સાપના ફૂંફાડા જેવા અવાજે કહ્યું:
"કેમિકલ્સનું રિએક્શન બહુ અણધાર્યું હોય છે, આરવ. અમુક રિએક્શનને રિવર્સ કરવા માટે તમારી પાસે બહુ ઓછો સમય હોય છે... માની લો કે, માત્ર ૪૮ કલાક! એ પછી... બધું જ રાખ થઈ જાય છે. સંભાળીને પ્રયોગ કરજે."
ડૉ. વ્યાસ ધીમું, ક્રૂર સ્મિત આપીને આગળ વધી ગયા.
આરવની કરોડરજ્જુમાં એક સનસનાટી મચી ગઈ. ૪૮ કલાક! ડૉ. વ્યાસે ખુદ પોતાના મોઢેથી એ જ શબ્દો કહ્યા જે પેલી ધમકીભરી ચિઠ્ઠીમાં લખેલા હતા. મતલબ, વ્યાસ અને 'શેડો' સીધા સંપર્કમાં હતા.
લેબ પૂરી થઈ. આધ્યા હાથ ધોવા માટે ગઈ. આરવની નજર ડૉ. વ્યાસના મેઈન ડેસ્ક પર ગઈ, જ્યાં લેબનું 'કેમિકલ ઇશ્યુ રજિસ્ટર' ખુલ્લું પડ્યું હતું.
કોઈનું ધ્યાન નહોતું. આરવે પોતાની સ્માર્ટવોચના કેમેરાથી એ રજિસ્ટરના છેલ્લા પાનાનો ફોટો પાડી લીધો અને તરત જ વોચ પર ડબલ ટેપ કર્યું.
"ફેલ્કન, મેં હમણાં જ એક રજિસ્ટરનો ફોટો ટ્રાન્સમિટ કર્યો છે. ડૉ. વ્યાસે હમણાં જ કોઈ મોટા કન્સાઇનમેન્ટ પર સાઈન કરી છે. ડીકોડ ઈટ, ફાસ્ટ!"
બે મિનિટ પછી આરવ કોરિડોરમાં આધ્યાની રાહ જોતો ઊભો હતો, ત્યાં જ ઇયરપીસમાં ફેલ્કનનો અવાજ ગુંજ્યો.
"કેપ્ટન! એ રજિસ્ટરમાં કોઈ સામાન્ય મેડિકલ કેમિકલ નથી. એમાં 'ઇયોસીન-વાય' અને 'ફેન્ટાનાઇલ' ના રો-મટિરિયલની એન્ટ્રી છે. અને સૌથી ચોંકાવનારી વાત... આ કન્સાઇનમેન્ટ લોકલ કિંગપિન ભીમા ભાઉરાવની શેલ કંપનીના નામે જઈ રહ્યું છે!"
આરવની આંખો સાંકડી થઈ ગઈ. "ડિલિવરી ક્યાં અને ક્યારે છે?"
"આવતીકાલે મધરાતે... કેમ્પસના પાછળના ભાગે આવેલા જૂના, બંધ પડેલા એનાટોમી હોલમાં. અને કેપ્ટન..." ફેલ્કનનો અવાજ અચાનક ભારે થઈ ગયો. "આવતીકાલ રાત એટલે... પેલા ૪૮ કલાકના કાઉન્ટડાઉનનો અંતિમ સમય! મને લાગે છે કે આધ્યાની હત્યાની ધમકી તો માત્ર તમારું ધ્યાન ભટકાવવા માટે હતી. એમનો અસલી ખેલ તો આવતીકાલે રાત્રે એનાટોમી હોલમાં થવાનો છે!"
આરવનું મગજ વીજળીની ઝડપે દોડવા લાગ્યું.
જો ૪૮ કલાકનું કાઉન્ટડાઉન ડ્રગ્સની ડિલિવરી માટે હતું, તો આધ્યાના ફોટા પર લેસર પોઇન્ટર કેમ?
ત્યાં જ આધ્યા બહાર આવી. "ચાલ આરવ, મારી આવતીકાલની ડ્યુટીનું રોસ્ટર આવી ગયું છે. મારા સિનિયર ને બદલે મારે કાલે રાત્રે વોર્ડ નંબર ૭ માં નાઈટ ડ્યુટી કરવાની છે. હવે સિનિયરને કોણ ના પાડવા જાય ? "
આરવના પગ જમીન સાથે જકડાઈ ગયા. વોર્ડ નંબર ૭... જે બિલકુલ પેલા જૂના, બંધ પડેલા એનાટોમી હોલની દીવાલને અડીને આવેલો હતો!
ધમકી કોઈ ધ્યાન ભટકાવવાનો ખેલ નહોતી. ૪૮ કલાક પછી, આધ્યા અને ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ, બંને એક જ જગ્યાએ હોવાના હતા. એક ભયાનક, લોહીયાળ જાળ આચ્છાદિત થઈ ચૂકી હતી.
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર