ભાગ ૨૦: આરવનો ક્રોધ
રૂમ નંબર ૪૦૪ માં મોતનો સન્નાટો આચ્છાદિત થઈ ગયો હતો. ભાઉરાવના ફોનની સ્ક્રીન પર દેખાઈ રહેલી સળગતા લાઈટરની પેલી ભૂરી જ્યોત, આરવની આંખોમાં એક ભયાનક લાચારી બનીને પ્રતિબિંબિત થઈ રહી હતી.
એક બાજુ જમીન પર લોહીલુહાણ પડેલા એના બે નિર્દોષ મિત્રો કેતન અને જિગ્નેશ હતા, અને બીજી બાજુ, હોસ્ટેલની નીચે પાર્ક કરેલી કારમાં ફસાયેલી આધ્યા! કારની ચારે તરફ પેટ્રોલ છંટાઈ ચૂક્યું હતું.
ભાઉરાવના ચહેરા પર એક વિકૃત, વિજયી હાસ્ય પથરાઈ ગયું. "તારી એક ગોળી મારા મગજને વીંધી નાખશે કેપ્ટન, એ મને ખબર છે... પણ ગોળી છૂટતા પહેલાં જ મારા માણસના હાથમાંથી આ લાઈટર કાર પર પડશે. તારો પહેલો પ્રેમ તો છીનવાઈ ગયો હતો, હવે આ નવો પ્રેમ પણ તારી નજર સામે કોલસો બની જશે! ફેંકી દે બંદૂક!"
આરવના જડબાં ભીંસાઈ ગયા. એની નસોમાં વહેતું લોહી ઉકળી રહ્યું હતું. એક ખૂંખાર RAW કમાન્ડો, જેણે મોટા મોટા આતંકવાદીઓને ધૂળ ચટાડી હતી, એ આજે પોતાના પ્રેમ અને મિત્રો ખાતર એક લોકલ ગુંડા સામે લાચાર ઊભો હતો. આરવે અત્યંત ધીમેથી, પોતાની નજર ભાઉરાવની આંખોમાં જ ખોડી રાખીને, ગ્લોક પિસ્તોલ જમીન પર મૂકી દીધી અને એને પગથી દૂર સરકાવી દીધી.
"મેં બંદૂક મૂકી દીધી છે ભાઉરાવ. મારા મિત્રોને જવા દે," આરવનો અવાજ એકદમ શાંત પણ બર્ફીલો હતો.
બંદૂક દૂર થતાં જ ભાઉરાવનો ડર સાવ ખતમ થઈ ગયો. એણે પોતાના માણસોને ઈશારો કર્યો. "આ કમાન્ડો બહુ ઊડતો હતો ને? આના પગ જ ભાંગી નાખો!"
બે ખડતલ ગુંડાઓ લોખંડના જાડા સળિયા લઈને આરવ પર તૂટી પડ્યા. પહેલો ફટકો આરવના જમણા ઘૂંટણ પર પડ્યો.
ખટાક્ક!
આરવ જમીન પર ઘૂંટણભેર બેસી ગયો, પણ એના મોંમાંથી એક સિસ્કારો પણ ના નીકળ્યો. બીજો સળિયો એની પીઠ અને ખભા પર ખાબક્યો.
"આરવ... ના! પ્લીઝ એને છોડી દો!" ખૂણામાં પડેલો કેતન પોતાના લોહીવાળા હાથે જમીન પર ઘસડાઈને આગળ આવવાનો પ્રયાસ કરવા લાગ્યો. જિગ્નેશ પણ ધ્રૂજતા અવાજે રડી રહ્યો હતો. જે મિત્રએ સવારે એમને પોતાનું એપ્રોન આપ્યું હતું, એ મિત્ર આજે એમની નજર સામે માર ખાઈ રહ્યો હતો.
ભાઉરાવે આગળ આવીને કેતનની છાતી પર ફરી એક લાત ફટકારી. "ચૂપ બેસ ભિખારી! તારો આ હીરો હમણાં કૂતરાના મોતે મરશે."
ગુંડાઓએ આરવ પર લાતો અને સળિયાનો વરસાદ ચાલુ રાખ્યો. આરવનો શર્ટ ફાટી ગયો અને એના હોઠના ખૂણેથી લોહીની ધાર વહેવા લાગી. એક કમાન્ડોના લોખંડી શરીર માટે આ શારીરિક ઘા સહન કરવા મોટી વાત નહોતી, પણ પોતાના નિર્દોષ મિત્રો પર થતો આ અત્યાચાર અને નીચે કારમાં ફસાયેલી આધ્યાની લાચારી એના હ્રદયને કરવતની જેમ ચીરી રહી હતી.
આરવ જમીન પર ઢળી પડ્યો હતો, પણ એનું દિમાગ અત્યારે કોઈ સુપર-કોમ્પ્યુટરની જેમ ચાલી રહ્યું હતું. એ માર ખાતો ખાતો પણ માત્ર સમય પસાર કરી રહ્યો હતો!
જમીન પર પડેલા આરવે ધીમેથી, કોઈની નજર ના પડે એ રીતે પોતાના ડાબા કાંડા પર રહેલી સ્માર્ટવોચના ડાયલ પર ત્રણ વાર આંગળી ઘસી. આ એક ગુપ્ત ડિસ્ટ્રેસ સિગ્નલ (Distress Signal) હતું.
"ફેલ્કન... એક્ટિવેટ કાર એન્ટી-હાઇજેક પ્રોટોકોલ... નાઉ!" આરવે બિલકુલ મૌન રહીને માત્ર હોઠ ફફડાવીને કમાન્ડ આપ્યો.
ભાઉરાવે આરવના વાળ પકડીને એનો લોહીવાળો ચહેરો ઊંચો કર્યો. "ડૉ. વ્યાસ સાચું જ કહેતા હતા. પ્રેમ બહુ ખરાબ બીમારી છે કમાન્ડો, જે સારા સારા યોદ્ધાઓને રસ્તા પર લાવી દે છે. હવે આ ખેલ ખતમ કરવાનો સમય આવી ગયો છે."
ભાઉરાવે ફોનમાં નીચે ઊભેલા પોતાના ગુંડાને આદેશ આપ્યો, "એ કાર સળગાવી દે! અને આ બંને વિદ્યાર્થીઓને પણ પતાવી દો!"
જેવો આ આદેશ અપાયો, રૂમમાં રહેલા ગુંડાઓએ કેતન અને જિગ્નેશ તરફ સળિયા ઉગામ્યા.
બરાબર એ જ સેકન્ડે...
હોસ્ટેલની નીચે પાર્ક કરેલી કારમાંથી અચાનક એક ભયાનક, કાનના પડદા ફાડી નાખે એવું ઇલેક્ટ્રિક સાઇરન વાગવા લાગ્યું! કારની હેડલાઈટ્સ હાઈ-બીમ પર સતત ફ્લેશ થવા લાગી, જેનાથી અંધારામાં ઊભેલા ચારેય ગુંડાઓની આંખો અંજાઈ ગઈ. ફેલ્કને કારની એડવાન્સ્ડ ડીફેન્સ સિસ્ટમ એક્ટિવેટ કરી દીધી હતી. નીચે ઊભેલા ગુંડાઓ ગભરાઈને બે ડગલાં પાછળ હટી ગયા.
અને ઉપર રૂમ નંબર ૪૦૪ માં...
કારનું સાઇરન વાગતાં જ ભાઉરાવનું ધ્યાન એક સેકન્ડ માટે ભટક્યું.
બસ, શિકારીને એ જ એક સેકન્ડ જોઈતી હતી.
આરવની અડધી બંધ, લોહીવાળી આંખો અચાનક પૂરી ખૂલી ગઈ. એમાં હવે લાચારી નહોતી, એમાં મોતનું તાંડવ હતું! આરવનો અત્યાર સુધી દબાવી રાખેલો ક્રોધ જ્વાળામુખીની જેમ ફાટ્યો.
એણે જમીન પર પડેલા જ વીજળીની ઝડપે ભાઉરાવનો પગ પકડ્યો અને એને એવો તો જોરદાર ઝાટકો આપ્યો કે ૬ ફૂટ ૨ ઇંચનો ભાઉરાવ હવામાં અધ્ધર થઈને સીધો જમીન પર પટકાયો! એના હાથમાંથી ફોન છટકી ગયો.
બાજુમાં ઊભેલો ગુંડો સળિયો લઈને આરવ પર ત્રાટકવા જતો હતો, પણ આરવ એક ઘાયલ વાઘની જેમ ઊભો થયો. એણે હવામાં જ ગુંડાનો હાથ પકડી લીધો. ગુંડાના હાથના કાંડાનું હાડકું એવું કડકડાટ બોલ્યું કે એના મોંમાંથી ભયાનક ચીસ નીકળી ગઈ.
"મારી માતૃભૂમિ... અને મારા પ્રેમ પર હાથ નાખવાની ભૂલ..." આરવે એ ગુંડાના હાથમાંથી સળિયો છીનવીને સીધો બીજા ગુંડાના જડબા પર ઝીંકી દેતા, અત્યંત ભયાનક અવાજે ગર્જના કરી, "આ તારી જિંદગીની છેલ્લી ભૂલ હતી, ભાઉરાવ!"
રૂમની લાઈટ ઝબૂકી રહી હતી. કેતન અને જિગ્નેશ ફાટી આંખે જોઈ રહ્યા હતા. એમની નજર સામે ઊભેલો માણસ હવે એમનો મિત્ર આરવ શર્મા નહોતો... એ સાક્ષાત કાળનું સ્વરૂપ, કેપ્ટન આરવ સિંહ હતો. અને હવે રૂમમાં અંધકાર છવાઈ રહ્યો હતો.
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર