ભાગ ૨૩: ડૉક્ટર્સ આશ્ચર્યમાં: "આ જીવ કોણે બચાવ્યો?"
ઇમરજન્સી વોર્ડની બહાર ફિનાઈલ અને દવાની તીવ્ર ગંધ હવામાં તરતી હતી. કોરિડોરની ઠંડી, સફેદ ટ્યુબલાઈટના પ્રકાશમાં એક ભયાનક શાંતિ છવાયેલી હતી. કેતન હજુ પણ પોતાના લોહીવાળા કપડે ભોંયતળિયે બેસીને એકીટસે ઓપરેશન થિયેટરની લાલ લાઈટ સામે તાકી રહ્યો હતો.
આરવ એક થાંભલા પાસે દીવાલને અડીને ઊભો હતો. એની નજર પોતાના ખિસ્સામાં પડેલી પેલી નીલમ જડેલી ચાંદીની વીંટી પર હતી. આધ્યા ધીમા પગલે આરવની પાસે આવી અને કોઈ પણ શબ્દ બોલ્યા વગર એણે પોતાનું માથું આરવના ખભા પર ટેકવી દીધું. આ એક એવી રાત હતી જેણે એમને ઉંમર કરતા વધુ મેચ્યોર બનાવી દીધા હતા.
લગભગ દોઢ કલાક પછી...
ઓપરેશન થિયેટરની લાલ લાઈટ બંધ થઈ અને દરવાજો ખૂલ્યો. કોલેજના સિનિયર થોરાસિક સર્જન (Thoracic Surgeon) ડૉ. કામદાર બહાર આવ્યા. એમના ચહેરા પર થાક હતો, પણ આંખોમાં એક અજીબ પ્રકારનું આશ્ચર્ય પણ હતું. એમણે પોતાના મોં પરથી સર્જિકલ માસ્ક નીચે કર્યું.
કેતન સ્પ્રિંગની જેમ કૂદીને ઊભો થઈ ગયો. આધ્યા અને આરવ પણ નજીક આવ્યા.
"સર... મારો ભાઈ... જીગો ઠીક તો છે ને?" કેતને રડમસ અવાજે પૂછ્યું.
ડૉ. કામદારે ઊંડો શ્વાસ લીધો. "જિગ્નેશ હવે સંપૂર્ણપણે આઉટ ઓફ ડેન્જર છે. છરો એના ફેફસાની બિલકુલ કિનારીને અડીને નીકળી ગયો હતો. અમે બ્લીડિંગ કંટ્રોલ કરી લીધું છે."
બધાના જીવમાં જીવ આવ્યો. આધ્યાએ રાહતનો મોટો શ્વાસ લીધો.
પણ ડૉ. કામદાર ત્યાં જ અટક્યા નહિ. એમણે એકદમ ગંભીરતાથી આસપાસ ઊભેલા ત્રણેય જણાની સામે જોયું.
"પણ મારે એ જાણવું છે... કે જિગ્નેશ જ્યારે અહીં લાવવામાં આવ્યો, ત્યારે એની છાતીમાં પેલી ૧૪-ગેજ ની જાડી સોય (IV Cannula) કોણે મારી હતી? આ જીવ કોણે બચાવ્યો?"
કોરિડોરમાં એક પળ માટે સન્નાટો છવાઈ ગયો. આધ્યાની નજર અનાયાસે જ આરવ તરફ ગઈ.
આરવ બિલકુલ શાંતિથી એક ડગલું આગળ આવ્યો. એના ફાટેલા શર્ટ અને રફ-ટફ લુક વચ્ચે પણ એક અદભુત આત્મવિશ્વાસ હતો.
"મેં મારી હતી સર," આરવે અત્યંત ધીમા, નમ્ર અવાજે કહ્યું. "જિગ્નેશ શ્વાસ નહોતો લઈ શકતો. એની છાતી ફૂલી ગઈ હતી અને ગળાની નસો ખેંચાઈ રહી હતી. મને લાગ્યું કે અંદર હવા ભરાઈ ગઈ છે."
ડૉ. કામદાર ફાટી આંખે આરવને જોઈ રહ્યા! એમની આંખોમાં આરવ માટે એક જબરદસ્ત સન્માન છલકાઈ ગયું.
"માય ગોડ! તમે મેડિકલના સ્ટુડન્ટ પણ નથી, છતાંય તમે 'નીડલ થોરાકોસ્ટોમી' (Needle Thoracostomy) જેવું અત્યંત જટિલ અને રિસ્કી પ્રોસિજર બિલકુલ પરફેક્ટ જગ્યાએ કર્યું! બીજી અને ત્રીજી પાંસળીની વચ્ચે... એક મિલીમીટર પણ આઘું-પાછું હોત તો સોય સીધી હાર્ટમાં ઘૂસી જાત અને પેશન્ટ ઓન ધ સ્પોટ મરી જાત. છોકરા... તેં આજે માત્ર એક જીવ નથી બચાવ્યો, તેં મેડિકલ સાયન્સનો એક ચમત્કાર કર્યો છે!"
આરવે બસ ધીમેથી માથું ઝુકાવીને સ્મિત કર્યું. "આર્મી બેકગ્રાઉન્ડમાંથી આવું છું સર. મારા પિતા પાસે ફર્સ્ટ-એડની કેટલીક જૂની મિલિટરી મેન્યુઅલ હતી, એમાં વાંચ્યું હતું." (આરવે બહુ જ સફાઈથી એક જૂઠું કારણ આપી દીધું).
ડૉ. કામદાર આરવની પીઠ થાબડીને ત્યાંથી ગયા.
આધ્યા આરવ સામે એક અદભુત ગર્વથી જોઈ રહી હતી. એના મનમાં આરવની છબી હવે કોઈ સુપરહીરોથી કમ નહોતી. પણ આરવનું દિમાગ અત્યારે આ પ્રશંસા પચાવવામાં નહિ, પણ ખિસ્સામાં પડેલી પેલી વીંટીના રહસ્યને ઉકેલવામાં વ્યસ્ત હતું.
આરવ ધીમેથી બાજુના ખાલી કોરિડોરમાં ગયો અને એણે ખિસ્સામાંથી એ વીંટી કાઢી.
બ્લુ સેફાયર. (નીલમ).
આરવના મગજમાં ગઈકાલ સવારનું એ દ્રશ્ય કોઈ મુવીની જેમ રિવાઇન્ડ થવા લાગ્યું.
આધ્યા કોલેજના બાંકડા પર બેઠી હતી. એના હાથમાં રોસ્ટર ડ્યુટીનું કાગળ હતું. આરવે પૂછ્યું હતું કે એને વોર્ડ ૭ ની ડ્યુટી કેમ મળી? અને આધ્યાએ જવાબ આપ્યો હતો: "મારા સિનિયરને બદલે મારે કાલે રાત્રે વોર્ડ ૭ માં નાઈટ ડ્યુટી કરવાની છે. સિનિયરને કોણ ના પાડવા જાય?"
એ વખતે આધ્યાને ડ્યુટીનું કાગળ આપનાર હાથ...
આરવને એ હાથ બરાબર યાદ હતો. એ હાથમાં આ જ નીલમવાળી ચાંદીની વીંટી હતી!
એ હાથ હતો... કોલેજના સૌથી પોપ્યુલર અને પ્રેમાળ સિનિયર રેસિડેન્ટ ડૉક્ટર, ડૉ. મિહિર!
ડૉ. મિહિર, જે હંમેશા જુનિયર્સ સાથે મોટા ભાઈ જેવો વ્યવહાર કરતો હતો. જેણે આધ્યાને કોલેજના પહેલા જ દિવસથી ગાઈડ કરી હતી. એ માણસ... ડૉ. વ્યાસનો ખતરનાક જાસૂસ 'શેડો' હતો!
આરવના પગ નીચેથી જમીન ખસી ગઈ. ડૉ. વ્યાસે કેવી ભયાનક ચાલ ચાલી હતી! મિહિરે જ જાણીજોઈને પોતાની ડ્યુટી આધ્યા પર ઢોળી હતી, જેથી આધ્યા સાયનાઇડ ગેસવાળા વોર્ડમાં ફસાઈ જાય. મિહિરે જ આરવના પાણીમાં ઝેર ભેળવ્યું હતું, અને આજે અંધારામાં મિહિરે જ જિગ્નેશને છરો માર્યો હતો!
આરવની આંખોમાં લોહી ઉતરી આવ્યું. એણે પોતાની સ્માર્ટવોચ પર ડબલ ટેપ કર્યું.
"ફેલ્કન... ઈટ્સ કન્ફર્મ. 'શેડો' નું અસલી નામ ડૉ. મિહિર છે. એણે જ મારા મિત્ર પર હુમલો કર્યો છે."
બરાબર એ જ સેકન્ડે... કોરિડોરના બીજા છેડેથી કોઈના ઝડપથી દોડીને આવવાનો અવાજ આવ્યો.
"આધ્યા! આરવ! તમે લોકો ઠીક છો?" એક અત્યંત ચિંતાતુર, ગભરાયેલો અવાજ ગુંજ્યો.
આરવે પાછળ ફરીને જોયું.
સામે ડૉ. મિહિર દોડતો આવી રહ્યો હતો. એના ચહેરા પર પરસેવો હતો અને શ્વાસ ફૂલેલા હતા. એ બિલકુલ એવો અભિનય કરી રહ્યો હતો જાણે એને હમણાં જ કોઈએ જિગ્નેશ પર હુમલાની ખબર આપી હોય!
"હે ભગવાન! મને વોર્ડમાં ખબર પડી કે જિગ્નેશ પર કોઇએ હોસ્ટેલમાં હુમલો કર્યો છે! એ કેવો છે હવે?" ડૉ. મિહિરે આધ્યા પાસે આવીને અત્યંત હમદર્દીથી પૂછ્યું.
આધ્યાને તો કોઈ જ શંકા નહોતી. એણે રડમસ અવાજે કહ્યું, "મિહિર સર... જીગાને બહુ વાગ્યું છે, પણ હવે એ આઉટ ઓફ ડેન્જર છે."
ડૉ. મિહિરે રાહતનો શ્વાસ લેવાનું નાટક કર્યું અને પછી આરવ પાસે આવીને એના ખભા પર હાથ મૂક્યો. "થેન્ક ગોડ, તું પણ ઠીક છે આરવ. તેં બહુ મોટી હિંમતનું કામ કર્યું."
આરવનું લોહી ઉકળી રહ્યું હતું. એનું મન થતું હતું કે હમણાં જ મિહિરનું ગળું દબાવી દે, પણ એક RAW એજન્ટ ક્યારેય દુશ્મનને એની ભૂલનો અહેસાસ વહેલો નથી કરાવતો. આરવની બાજ જેવી તીક્ષ્ણ નજર મિહિરના જમણા હાથ પર ગઈ.
મિહિરના હાથમાં પેલી નીલમવાળી વીંટી ગાયબ હતી! અને એના કાંડા પાસે, સફેદ પટ્ટી (Bandage) બાંધેલી હતી... બરાબર એ જ જગ્યાએ જ્યાં જિગ્નેશે બચવા માટે પોતાના દાંતથી બચકું ભર્યું હતું!
આરવે અત્યંત ધીમેથી, પોતાના ખભા પર મુકાયેલા મિહિરના હાથ પર પોતાનો લોખંડી હાથ મૂક્યો. એણે મિહિરની આંખોમાં સીધું જોયું.
"હા સર..." આરવના હોઠ પર એક બર્ફીલું, મોત જેવું કાતિલ સ્મિત આવી ગયું. "હિંમતનું કામ તો કોઇકે અંધારામાં છરો મારીને પણ કર્યું હતું. પણ અફસોસ... એ શિકારી પોતાનું 'નિશાન' ત્યાં જ મૂકીને ભાગી ગયો. અને હવે... મારો વારો છે."
મિહિરના ચહેરાનો રંગ સેકન્ડના હજારમા ભાગમાં સફેદ થઈ ગયો! આરવનો આ ડબલ-મિનિંગ ડાયલોગ સીધો મિહિરની છાતીમાં ગોળીની જેમ વાગ્યો હતો. મિહિર સમજી ગયો કે આરવ બધું જ જાણી ચૂક્યો છે.
હોસ્પિટલના એ શાંત કોરિડોરમાં બે ખતરનાક શિકારીઓ એકબીજાની સામે આંખોમાં આંખો નાખીને ઊભા હતા. કોઈ હથિયાર નહોતું, કોઈ અવાજ નહોતો... પણ મોતનું કાઉન્ટડાઉન ફરીથી શરૂ થઈ ચૂક્યું હતું.
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર