Part 31 in Gujarati Thriller by Dr. Nilesh Thakor books and stories PDF | કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 31

Featured Books
Categories
Share

કેપ્ટન આરવ - ધ RAW એજન્ટ - ભાગ 31

ભાગ ૩૧: સાડીમાં સજ્જ આધ્યા 

કેમ્પસના એ અર્ધ-અંધારા ખૂણામાં, જૂના વડલાના ઝાડ નીચે ઊભેલો આરવ એકીટસે આધ્યાને આવતી જોઈ રહ્યો હતો.

એક એવો માણસ જેણે ગોળીઓના અવાજ અને બર્ફીલી સરહદો વચ્ચે જિંદગી વિતાવી હતી, જેણે ભલભલા આતંકવાદીઓની આંખોમાં આંખો નાખીને એમને ડરાવ્યા હતા... એ શહીદ મેજર રઘુવીરસિંહનો ખડતલ દીકરો આજે આ ઘેરા લાલ રંગની સાડીમાં સજ્જ આધ્યાને જોઈને ખરેખર અંજાઈ ગયો હતો.

આરવની ટ્રેઈન્ડ નજરો, જે હંમેશા આસપાસના ખતરાઓ અને દુશ્મનના હથિયારો શોધવા માટે ટેવાયેલી હતી, એ આજે આધ્યાના ચહેરા પરના નૂર, એના કપાળના કાળા ચાંદલા અને પવનમાં ઊડતા એના ખુલ્લા રેશમી વાળમાં અટવાઈ ગઈ હતી.

આધ્યા ધીમા પગલે આરવની બિલકુલ નજીક આવીને ઊભી રહી. એના પરફ્યુમની આછી અને માદક સુગંધે આરવના મગજ પર કબજો કરી લીધો.

"શું જુએ છે આમ એકીટસે? શ્વાસ તો લે!" આધ્યાએ પોતાના હોઠ પર એક અત્યંત મીઠું, મધ્યમવર્ગીય સ્મિત લાવીને, આંખો નચાવતા પૂછ્યું.

આરવે ખરેખર એક ઊંડો શ્વાસ લીધો. એણે પોતાનો જમણો હાથ ધીમેથી આગળ વધાર્યો અને આધ્યાના ખભા પરથી સરકી રહેલા સાડીના પાલવને અત્યંત નરમાશથી પકડીને પાછો સરખો કર્યો.

"મેં મોતને બહુ નજીકથી જોયું છે આધ્યા..." આરવનો અવાજ આજે કોઈ કઠોર યોદ્ધાનો નહોતો, પણ એક સંપૂર્ણપણે શરણાગત થઈ ગયેલા પ્રેમીનો હતો. "પણ જિંદગી આટલી સુંદર હોઈ શકે, એનો અહેસાસ મને આજે પહેલીવાર થઈ રહ્યો છે. તું કોઈ અપ્સરાથી કમ નથી લાગતી."

આધ્યાની આંખો શરમથી નીચી ઢળી ગઈ. એણે પોતાના બંને કોમળ હાથોથી આરવનો ખરબચડો હાથ પકડી લીધો.

"આ શણગાર, આ સાડી... બધું જ માત્ર તારા માટે છે આરવ. કારણ કે આજે મને એવું લાગે છે કે તેં માત્ર મારો જીવ નથી બચાવ્યો, તેં મારું હ્રદય પણ જીતી લીધું છે."

બંને વચ્ચે એક એવી નીરવ અને પવિત્ર શાંતિ છવાઈ ગઈ, જે પાછળ વાગી રહેલા ફેસ્ટિવલના ઘોંઘાટથી બિલકુલ અલગ હતી.

પણ બરાબર એ જ ક્ષણે... આરવના મગજમાં ડૉ. વ્યાસની તિજોરીમાં પડેલી પેલી ડાયરીનું લાલ શાહીથી લખેલું પાનું ફ્લેશ થયું:

Target Locked. Date: Youth Festival Night.

(ટાર્ગેટ ફિક્સ. તારીખ: યુથ ફેસ્ટિવલની રાત).

આરવના હ્રદયમાં એક ભયાનક ધ્રુજારી પસાર થઈ ગઈ. આ એની સૌથી 'નબળી ક્ષણ' હતી.

એક યોદ્ધા ત્યારે જ નબળો પડે છે, જ્યારે એની પાસે ગુમાવવા માટે કંઈક અત્યંત કિંમતી હોય છે. આધ્યાનો આ હસતો, ખીલતો ચહેરો આરવની સૌથી મોટી તાકાત હતો, પણ આજે રાત્રે એ જ એની સૌથી મોટી નબળાઈ બનવા જઈ રહ્યો હતો. ડૉ. વ્યાસના શિકારી શ્વાન આ જ ભીડમાં ક્યાંક છુપાઈને આધ્યા પર નિશાન તાકીને બેઠા હશે!

આરવે અચાનક આધ્યાનો હાથ સહેજ વધારે કસીને પકડ્યો. એના ચહેરા પર ફરીથી પેલી ગંભીરતા અને રક્ષણાત્મક (Protective) ભાવ આવી ગયો.

"શું થયું આરવ? તારો હાથ કેમ આટલો ઠંડો પડી ગયો?" આધ્યાએ આરવની આંખોમાં આવેલો આ અચાનક બદલાવ પારખી લીધો.

"આધ્યા..." આરવે આસપાસ અંધારામાં નજર ફેરવતા, અત્યંત ધીમા પણ મક્કમ અવાજે કહ્યું, "આ ફેસ્ટિવલની ભીડમાં તારે મારાથી એક સેકન્ડ માટે પણ દૂર નથી જવાનું. તું મારી નજર સામે જ રહીશ."

"કેમ? કોઈ ખતરો છે?" આધ્યાના અવાજમાં ચિંતા ભળી ગઈ.

"ખતરો છે... અને એ બહુ મોટો છે." આરવે પોતાની સ્માર્ટવોચના ડાયલ પર હળવો સ્પર્શ કર્યો, જે ફેલ્કન સર માટે 'સ્ટેન્ડ-બાય' સિગ્નલ હતું. "આજની રાત કોલેજના ઇતિહાસની સૌથી લાંબી રાત હશે. પણ હું વચન આપું છું કે તારા આ લાલ પાલવ પર લોહીનો એક છાંટો પણ નહિ પડવા દઉં."

સંગીતનો અવાજ અચાનક વધી ગયો. સ્ટેજ પરથી એનાઉન્સમેન્ટ થવા લાગ્યું. આરવ અને આધ્યાએ એકબીજાનો હાથ પકડીને મેઈન ગ્રાઉન્ડ તરફ પ્રયાણ કર્યું. એક તરફ પ્રેમનો શણગાર હતો, અને બીજી તરફ મોતનો અદ્રશ્ય જમાવડો!

(ક્રમશ:)

“નીલ”

ડૉ. નિલેષ ઠાકોર