ભાગ ૪૮: લગ્નની શરણાઈઓ
મેડિકલ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયાને બે મહિના વીતી ચૂક્યા હતા. પીડિયાટ્રિક રેસિડેન્સી શરૂ થવામાં હજુ થોડો સમય બાકી હતો, અને આ સમયગાળાને બંને પરિવારોએ એક પવિત્ર બંધનમાં ફેરવી નાખવાનો નિર્ણય લીધો હતો.
આધ્યાના પિતા, શ્રી દુષ્યંત દેસાઈના આલીશાન બંગલાને આજે નવવધૂની જેમ શણગારવામાં આવ્યો હતો. આખા ઘરમાં ગલગોટાના પીળા ફૂલોની મહેક અને ઝગમગતી સિરીઝની રોશની પથરાયેલી હતી. ઘરમાં સગા-સંબંધીઓની ચહલ-પહલ, સ્ત્રીઓના મધુર અવાજમાં ગવાતા લગ્નગીતો અને શરણાઈના ધીમા સૂરોએ વાતાવરણને એક અદભુત દિવ્યતા અર્પી દીધી હતી.
આજે આધ્યાની મેંદીની રસમ હતી.
ડ્રોઇંગ રૂમમાં, આછા લીલા રંગના લહેંગામાં સજ્જ આધ્યા સોફા પર બેઠી હતી. એના હાથ અને પગમાં ઘેરા લાલ રંગની મેંદી મુકાઈ રહી હતી. આધ્યાના મનમાં ખુશીઓનો મહાસાગર હિલોળા લઈ રહ્યો હતો. આધ્યા ના ગાલ પર ની લાલીમા ને લીધે એનો ચહેરો ખીલી ઉઠ્યો હતો.
"આધ્યાબેન, તમારા વરરાજાનું નામ ક્યાં છુપાવું?" મેંદી મૂકનાર યુવતીએ હસીને પૂછ્યું.
આધ્યાના ગાલ પર શરમની રતાશ છવાઈ ગઈ. "મારા ડાબા હાથની હથેળીમાં, જ્યાં હ્રદયની રેખા પૂરી થાય છે ને, ત્યાં બિલકુલ ઝીણા અક્ષરે 'આરવ' લખી દે. એ બહુ હોશિયાર છે, જોઉં છું કે એ મારું નામ કેવી રીતે શોધી કાઢે છે!"
બરાબર એ જ વખતે, બંગલાના દરવાજે એક હોન્ડા સિટી કાર આવીને ઊભી રહી.
અંદરથી આરવ, જિગ્નેશ અને કેતન બહાર આવ્યા. આરવે આજે આછો ક્રીમ કલરનો કુર્તો અને પાયજામો પહેર્યો હતો. કોઈ પણ હાઈ-ટેક ગેજેટ્સ કે બંદૂકો વગર, આજે એ માત્ર એક અત્યંત હેન્ડસમ અને જવાબદાર જમાઈ લાગી રહ્યો હતો.
"અલા આરવ!" જિગ્નેશે કારમાંથી ભેટ-સોગાદોના બોક્સ કાઢતા કહ્યું. "આજે મેંદીમાં મારો ડાન્સ જોજે તું! મેં આખું અઠવાડિયું પ્રેક્ટિસ કરી છે. સાલી આધ્યાની બહેનપણીઓ જોતી રહી જશે કે જીગામાં કેટલો કરંટ છે!"
કેતને જિગ્નેશના માથા પર ટપલી મારી. "કરંટના વાયર... તું તારો ડાન્સ સાચવજે, નહીંતર પેન્ટ ફાટી જશે તો ડૉક્ટર તરીકેની બધી આબરૂના ધજાગરા થઈ જશે!"
બંને મિત્રોની મસ્તી જોઈને આરવ ખડખડાટ હસી પડ્યો. એને આ સામાન્ય જિંદગી બહુ ગમી રહી હતી. મોત અને ષડયંત્રો વચ્ચે જીવતા એક માણસ માટે, આ હાસ્ય અને આ પારિવારિક હૂંફ કોઈ સંજીવની જડીબુટ્ટી સમાન હતા.
આરવ જેવો ડ્રોઇંગ રૂમમાં પ્રવેશ્યો, કે તરત જ આધ્યાની નજર એના પર પડી. બંનેની આંખો મળી, અને આસપાસનો બધો ઘોંઘાટ જાણે શાંત થઈ ગયો. આરવની આંખોમાં આધ્યાના આ રૂપ માટે અનહદ પ્રશંસા હતી.
દુષ્યંતભાઈએ આરવને જોયો અને તરત જ પાસે આવીને એને પ્રેમથી ગળે લગાવ્યો.
"આવ દીકરા. બધી તૈયારીઓ કેવી ચાલી રહી છે? તારા પક્ષેથી કોઈ સગા-સંબંધીઓની વ્યવસ્થામાં કમી તો નથી રહી ને?" દુષ્યંતભાઈને ખબર હતી કે આરવના પિતા શહીદ થઈ ચૂક્યા છે અને એની પાછળ કોઈ બહુ મોટો પરિવાર નથી, એટલે એમણે આરવને પોતાના સગા દીકરાની જેમ જ સાચવ્યો હતો.
"બધું જ પરફેક્ટ છે, પપ્પા." આરવે પહેલીવાર દુષ્યંતભાઈને 'અંકલ' ની જગ્યાએ 'પપ્પા' કહીને સંબોધ્યા. દુષ્યંતભાઈની આંખોમાં હરખના આંસુ આવી ગયા.
સાંજે, મેંદી અને સંગીતનો કાર્યક્રમ પૂરા જોશમાં ચાલી રહ્યો હતો. જિગ્નેશ અને કેતને સ્ટેજ પર એવો ધમાકેદાર ડાન્સ કર્યો કે બધા હસી હસીને બેવડ વળી ગયા.
આધ્યાના બંને હાથમાં મેંદી સુકાઈ ગઈ હતી. એ ધીમેથી ભીડમાંથી સરકીને બંગલાની પાછળના શાંત બગીચામાં આવી. આરવ ત્યાં જ એની રાહ જોતો ઊભો હતો.
ચાંદની રાત હતી.
આરવે ધીમેથી આધ્યાના બંને હાથ પોતાના હાથમાં લીધા. મેંદીનો ઘેરો લાલ રંગ અને એની સુગંધ આરવને મંત્રમુગ્ધ કરી રહ્યા હતા.
"જોઈ લે મિસ્ટર ડૉક્ટર... મેં તારું નામ બહુ જ કાળજીથી છુપાવ્યું છે. તું કોઈ દી નહિ શોધી શકે!" આધ્યાએ આંખો નચાવતા એક મીઠો પડકાર ફેંક્યો.
આરવ, જેની નજર એક શાર્પ-શૂટર જેવી હતી, એના માટે આ કોઈ મોટું કામ નહોતું. પણ એણે જાણીજોઈને થોડીવાર શોધવાનું નાટક કર્યું.
પછી અચાનક, એણે આધ્યાની ડાબી હથેળીમાં બિલકુલ હ્રદય-રેખાના છેડે પોતાની આંગળી મૂકી.
"અહીંયા... આ રહ્યો હું."
આધ્યા આશ્ચર્યથી એની સામે જોઈ રહી. "તને આટલી જલ્દી કેવી રીતે મળી ગયું?"
આરવે એકદમ નરમાશથી આધ્યાના કપાળ પર એક હળવું ચુંબન કર્યું.
"કારણ કે તું મને માત્ર હાથમાં નહિ, પણ હ્રદયમાં છુપાવીને રાખે છે. અને મારાથી તારું હ્રદય ક્યારેય છૂપું રહી શકે ખરું?"
આધ્યા શરમાઈને આરવની છાતીમાં છુપાઈ ગઈ.
આવનારી કાલે આ બંનેના 'સાત ફેરા' ફરવાના હતા. એક એવું બંધન જે એમને જિંદગીભર માટે એક કરવા જઈ રહ્યું હતું. આરવનું મન સંપૂર્ણપણે આધ્યાના પ્રેમમાં રંગાયેલું હતું, પણ ક્યાંક અંદરખાને, એક યોદ્ધા તરીકે એની ઇન્દ્રિયો સતત સક્રિય હતી. એ જાણતો હતો કે ખુશીઓની આ પળો વચ્ચે એણે પોતાની ઢાલ સહેજ પણ નીચી નથી કરવાની.
કાલે લગ્નનો મંડપ સજાવાશે, અને બે જીવો એક થશે!
(ક્રમશ:)
“નીલ”
ડૉ. નિલેષ ઠાકોર