Dukh te money kahevay? in Gujarati Spiritual Stories by Dada Bhagwan books and stories PDF | દુઃખ તે કોને કહેવાય?

Featured Books
Categories
Share

દુઃખ તે કોને કહેવાય?

જીવનમાં મોટું દુઃખ કોને કહેવાય? પેટ ભરવા ખાવાનું ન મળે, પહેરવા માટે કપડાં ન મળે કે સૂવાનું ન મળે તો તે ખરેખર દુઃખ છે. ટૂંકમાં, જીવનની મૂળભૂત જરૂરિયાતો રોટી, કપડાં અને મકાનનો અભાવ હોય તેને ખરું દુઃખ કહેવાય.
દુઃખો ત્રણ પ્રકારના હોય છે. દેહના દુઃખ, વાણીના દુઃખ અને મનના દુઃખ. દેહના દુઃખોને ‘કષ્ટ’ પણ કહીએ છીએ. દાઢમાં દુઃખાવો થતો હોય, આંખો દુઃખતી હોય, પેરાલિસીસ થાય તો એ બધા દુઃખોને દેહના દુઃખો કહે છે. પણ કોઈએ અપમાન કર્યું હોય, હૃદય પર ઘા પડે એવા શબ્દો કહ્યા હોય જે પછી ઘણો સમય સુધી ભૂલાય નહીં, તો એ વાણીના દુઃખો કહેવાય છે. જ્યારે ત્રીજા પ્રકારના દુઃખો એ મનના ઊભા કરેલાં દુઃખો છે, જેમાં મનુષ્ય વિચારોના વમળમાં અટવાય છે, અને “આમ થશે તો શું થશે?” એમ વિચારીને દુઃખી દુઃખી થઈ જાય છે, એ મનના દુઃખો છે. આમાંથી જે દુઃખ દેહને સ્પર્શે તેને દુઃખ કહેવાય. પણ મનના અને વાણીના દુઃખો તો પોતે આમંત્રેલાં છે, જે ખરેખર દુઃખ જ નથી!
ધારો કે, કોઈ વ્યક્તિને કેટલાય ટંક જમવાનું ન મળે, તો ભૂખનું દુઃખ હોય. કોઈને કાનમાં દુઃખતું હોય કે દાઢમાં સણકા વાગતા હોય તો તેને પણ દુઃખ માની લેવાય. પણ કોઈ વ્યક્તિ જો એવી ફરિયાદ કરે કે, “મારી ખીચડીમાં ઘી કેમ નથી નાખ્યું?” અથવા “આજે આ જમવાનું ભાવતું નથી” તો એ દુઃખ ગણાય જ નહીં. કારણ કે એમાં દેહને ખરેખર કોઈ ફરિયાદ નથી. આ તો મનની બૂમો છે. વધેલા વાળ કાપી નાખીએ એ દુઃખ ન ગણાય, પણ જો વાળંદ પાસે વાળ કપાવતાં કાતર કાનને અડી જાય ને વાગે, તો એ વેદના દુઃખ છે. તેવી જ રીતે, ઘરમાં કંઈક નુકસાન થઈ ગયું હોય, અને આપણે આખું ઘર માથે લઈને બૂમાબૂમ કરી મૂકીએ તો એ ખરેખર દુઃખ નથી. ધંધામાં પૈસાની ખોટ ગઈ હોય, પૈસાનું નુકસાન થયું હોય, પણ જો ખાવા-પીવા અને રહેવાનું મળી રહે તો એ સાચું દુઃખ નથી.
એ જ પ્રમાણે, ઓફિસમાં બોસ બધાની વચ્ચે અપમાન કરે, ગમેતેમ વઢી મૂકે, તો તે પણ દુઃખ ના કહેવાય. “આણે મને આમ કહ્યું ને તેમ કહ્યું,” એ દેહને સ્પર્શતું નથી માટે દુઃખ નથી. “એ કાયમ આવું જ કરે છે, આવા છે ને તેવા છે” એવા વિચારો ચાલે અને એનાથી મન બગડે. પછી ના હોય ત્યાંથી દુઃખોને આમંત્રણ મળે. આ રીતે મનુષ્યોને અજંપો રહ્યા કરે. ત્યારે ઊલટું મનને વાળી લઈએ કે, “ભાઈ પગાર તો મળે છે, ને ઘર તો ચાલે છે ને!” તો દુઃખ જતું રહે.
તેવી જ રીતે કેટલાક સામાજિક દુઃખો હોય કે, “આટલો વ્યવહાર ન કરીએ તો સમાજમાં ખરાબ દેખાશે.” એ પણ માન્યતાનું દુઃખ છે, સાચું દુઃખ નથી. અરે! પાડોશીને હાર્ટ એટેક આવ્યો હોય અને આપણા ખ્યાલમાં આવે કે એમને છાતીમાં દુઃખતું હતું, તો જેવો આપણને છાતીમાં દુઃખાવો થાય કે વિચાર આવે, “મને હાર્ટ એટેક આવશે તો?”, “એમને આવું થયું હતું, માટે મને આમ થશે તો?” આ બધા મનના દુઃખો છે. દુષમ મન એને જ દુઃખ માને, પછી એના એ જ વિચાર કર કર કરે તો એની અસર થાય, ને વળી એમ ના બનવાનું હોય તો પણ બની જાય. આ મનના ચક્કરનો સ્વીકાર કરીએ તો તે આપણને દુઃખદાયી થઈ પડે.
છેવટે, માનસિક દુઃખો સહન ન થાય, તો મનુષ્ય જીવન ટૂંકાવી દેવાનું પગલું ભરે છે, જેના પરિણામ બહુ વસમાં આવે છે. માટે એવો તો વિચાર જ ન કરવો જોઈએ, અને ધીરજ રાખીને સમય કાઢી નાખવો જોઈએ.
જીવનમાં જે કોઈ પરિસ્થિતિ આવી પડે એમાં તપાસ કરવી કે એનો ઉપાય છે? જો છે તો ઉપાય કરવો અને જો કોઈ ઉપાય જ નથી તો પરિસ્થિતિ સ્વીકારી લેવી. ટૂંકમાં, કોઈપણ રસ્તે દુઃખી ના થવું.