Everest circumambulation in Gujarati Travel stories by SUNIL ANJARIA books and stories PDF | એવરેસ્ટ પ્રદક્ષિણા

Featured Books
Categories
Share

એવરેસ્ટ પ્રદક્ષિણા

એવરેસ્ટ પ્રદક્ષિણા

હું એવરેસ્ટ આરોહણ કરી શકું એમ નથી. એ ઘણી તૈયારી, કુશળતા અને હિંમત માગી લે. એમાં ખાસ સત્તાવાળાઓની મંજરી પણ લેવી પડે. છતાં  દુનિયાભર માંથી દરેક ઉંમરના લોકો એવરેસ્ટ આરોહણ અત્યંત જોખમી હોવા છતાં સફળતાપૂર્વક કરે છે જ.

મારા પુત્રે એવરેસ્ટ જોવા તે નેપાળ યાત્રાએ હતો ત્યારે નક્કી કર્યું. તપાસ કરતાં બે એરલાઇન્સ મળી જે એવરેસ્ટ ફરતે ફેરવે છે.  યેતિ અને તારા. એ પણ ફૂલ જાય છે.

પુત્રે યેતિ  એરલાઇન્સમાં બુક કરાવ્યું. સદભાગ્યે એવરેસ્ટ બારીમાંથી દેખાય તેવી જમણી બાજુની વિંડો સીટ મળી.

બેય એરલાઈન્સ લગભગ એક જ સમયે, સવારે પાંચ વાગે  કાઠમંડુ એરપોર્ટ પરથી ઉપડે છે. નાનું પ્લેન હતું, ખૂબ જૂનું. છતાં બધી સીટો ફુલ હતી.

અર્ધા કલાકની ફ્લાઇટ હતી. પ્લેન  ઉપડ્યું પછી પીપરમેન્ટ  અને હળવો કોરો નાસ્તો પણ આપવામાં આવ્યો.

પંદરેક મિનિટમાં પાયલોટે  એનાઉન્સ કર્યું કે પેસેન્જર્સ પ્લેનની જમણી બાજુની બારીમાંથી જુએ. પ્લેન એવરેસ્ટની ટોચથી હવે માંડ ચારસો પાંચસો મીટર ઊંચે હતું. નીચે એકદમ સફેદ, બરફાચ્છાદિત એવરેસ્ટની અણીદાર ટોચ દેખાતી હતી. એવરેસ્ટ સંપૂર્ણ પિરામિડ જેવો હતો. ઉપરની ટોચ લગભગ અણીદાર હતી. સવારનાં પહેલાં કિરણો પૂર્વ તરફ પડતાં એ ભાગ જે  ગુલાબી, સોનેરી રંગનો હતો, ખરેખર એ રંગો જેવો અલગ જ રંગ જેનું વર્ણન જુઓ તો જ મન કરી શકે.

પ્લેને આસપાસ  ચકરાવા માર્યા. શિખરો જાણે સોનાનાં બન્યાં હોય એવાં ચમકતાં હતાં. થોડે નીચે ગુલાબી રંગ ગુલાબની પાંદડીઓનો રસ ઢોળ્યો હોય એવી લાગતી હતી. કંકુ જેવી  ઘેરી નહીં કે એકદમ આછી નહીં . 

આસપાસનાં K 2, કાંચનજંઘા વગેરે જાણીતાં શિખરો પણ લાઇનબંધ દેખાતાં હતાં.

પાયલોટે  જાહેર કર્યું કે જેઓ જમણી વિન્ડો સીટ પર છે તે બહાર તરફ આવી પોતાની બાજુના અને ડાબી બાજુના એક પછી એક પેસેન્જરને એ બારીઓ પાસે આવવા દે અને દરેક નિરાંતે નીચે જોઈ, ફોટાઓ પાડી દોઢ બે મિનિટમાં બીજાને ચાન્સ  આપે. જરાય ધક્કામુક્કી કે અવ્યવસ્થા વિના શિસ્તબદ્ધ રીતે આ થયું. દરેકે થોડી વાર  થોડે જ નીચે એવરેસ્ટ જોયો. વાદળો પણ એને કંઠે માળા પહેરાવી હોય કે એનાં વસ્ત્રનો કોલર હોય એમ એની નીચે, ફરતે હતાં!

બહાર આવી બીજાઓને જગ્યા આપતા પેસેન્જરો છેક કોકપિટમાં પાયલોટ ની પાછળ કે બાજુમાં જઈ સાવ આગળથી એકદમ નજીકથી એવરેસ્ટ અને અન્ય શિખરોની આખી લાઇન જોઈ શકતા હતા. વિશાળ લાઇન જાણે આભની કરોડરજ્જુ!

આજુબાજુ અફાટ આભ, કશું જ સામે  કે બેય બાજુ ફક્ત આકાશ સિવાય ન દેખાય. આકાશ ત્યારે સ્વચ્છ હતું. નીચે બરફ જ બરફ છવાયેલા પહાડો. સીધી લીટીમાં જાણે પૃથ્વીની કરોડરજ્જુ હોય તેવું લાગતું હતું.

બધા જ પર્વતો એકદમ સફેદ હતા. સ્નો કેપ બધાં જ શિખરો ને માથે મુગટ જેવી દેખાતી હતી. બધું જ બરફથી શ્વેત, એકદમ શ્વેત.

આસપાસ આકાશ પણ એવું જ હતું.

પાયલોટ કેબિનમાં આવનાર સાથે હાથ પણ મિલાવતો  હતો અને એક સર્ટિફિકેટ  કે આ અમુક યાત્રીએ યેતિ એરલાઇન્સ માં એવરેસ્ટ મુસાફરી કરી છે એ પર પોતાની સહી કરતો હતો. લોકો એની સાથે કોકપિટમાંથી એવરેસ્ટ અને પાયલોટ સાથે પોતાની સેલ્ફી પણ લઈ શકતા હતા. એ બધું કેબીનની અંદરનું પણ યાત્રી દીઠ દોઢેક મિનિટમાં પતતું  હતું. પાયલોટ મુસાફરોનું  નામ લખેલાં સર્ટિફિકેટ કે તમે આ એરલાઇન્સમાં એવરેસ્ટ પ્રદક્ષિણા કરી છે તેમાં સહી કરી સહુને આપતો હતો. પાયલોટ સાથે તમારા ફોટા પણ પછી અમને મોકલવામાં આવ્યા.

બહાર ઓક્સિજનની સાવ કમી અને કલ્પના બહારનું ઠંડું વાતાવરણ હશે પણ આ ટચૂકડાં પ્લેનમાં ટેમ્પ્રેચર અને પ્રેશર મેન્ટેઇન હતું.

આશરે ચાલીસેક મિનિટની યાત્રા પુત્રને યાદગાર રહી. જીવનનું એક અમૂલ્ય સંભારણું બની રહ્યું.