શ્યામ સ્તબ્ધ થઈને ઓસ્ટ્રોમેટના શરીર પર વસેલા એ નાનકડા જીવોને જોવા લાગ્યો.
પહેલી નજરે તો તેઓ સામાન્ય કીડીઓ જેવા લાગતા હતા… પરંતુ ધ્યાનથી જોતા સમજાયું કે તેઓ ખરેખર મનુષ્યો જેવા જ હતા.
તેમના નાનકડા હાથ… પગ… ચહેરા… અને કપડાં પણ માનવજાત જેવા જ લાગતા હતા.
કેટલાકના હાથમાં સૂક્ષ્મ ભાલા હતા… તો કેટલાક પાસે અતિ નાનાં ધનુષ્ય.
અમુક લોકો તો ઓસ્ટ્રોમેટના વિશાળ કાંટાઓ પર ચડીને ભગવાન શ્રી કૃષ્ણ અને શ્યામ તરફ ક્રોધભરી નજરે જોઈ રહ્યા હતા.
તેમની ચીસો અત્યંત જીણી હતી… પરંતુ હજારો અવાજો એકસાથે ગુંજતા હોવાથી આખું વાતાવરણ અજીબ પ્રકારના કોલાહલથી ભરાઈ ગયું હતું.
એવું લાગતું હતું જાણે કોઈ સૂક્ષ્મ રાજ્ય યુદ્ધ માટે તૈયાર થઈ ગયું હોય.
“પ્રભુ… આ આખરે શું છે?”
શ્યામે ધીમેથી પૂછ્યું.
ભગવાન શ્રી કૃષ્ણ હળવું સ્મિત કરીને બોલ્યા —
“આ છે બ્રહ્માંડની સૌથી નાની અને બુદ્ધિશાળી પ્રજાતિ.”
“પણ તેઓ આટલા આક્રમક કેમ છે?”
ભગવાને ઓસ્ટ્રોમેટના વિશાળ શરીર તરફ નજર કરી.
“કારણ કે તેઓ પોતાના ઘરને બચાવવા માંગે છે.”
શ્યામ હજુ પણ કંઈ સમજી શક્યો નહિ.
“ઘર…?”
ભગવાન ધીમેથી બોલ્યા —
“અરે મારા લાલભાઈ…!
ઓસ્ટ્રોમેટ માત્ર એક પ્રાણી નથી.”
“આ સમગ્ર ગ્રહ પર આ પ્રજાતિ માટે જીવવાનું એ એકમાત્ર સ્થાન છે.”
“તેઓ તેના શરીર પર જ જન્મે છે… ત્યાં જ પોતાના ઘર બનાવે છે… અને ત્યાં જ મૃત્યુ પામે છે.”
“તેમના માટે ઓસ્ટ્રોમેટ કોઈ જાનવર નહિ… પરંતુ જીવંત દુનિયા છે. તેમનો એક ગ્રહ છે..તેમનું ઘર છે..”
શ્યામ હવે ધ્યાનથી ઓસ્ટ્રોમેટના શરીર તરફ જોવા લાગ્યો.
અને પછી…
તેને એવી ઘણી વસ્તુઓ દેખાવા લાગી જે પહેલાં નજરમાં આવી નહોતી.
નાનકડાં ઘર… સૂક્ષ્મ રસ્તાઓ… અને કાંટાઓ વચ્ચે બાંધેલા પુલ.
કેટલાક લોકો તો દોરડાં બાંધીને એક કાંટાથી બીજા કાંટા સુધી મુસાફરી કરી રહ્યા હતા.
“પણ તેઓ આપણાથી ડરે છે કેમ?” શ્યામે પૂછ્યું.
આ વખતે ભગવાન શ્રી કૃષ્ણ થોડા ગંભીર થઈ ગયા.
“કારણ કે ઘણા વર્ષો પહેલાં કેટલાક અંતરિક્ષ યોદ્ધાઓ અહીં આવ્યા હતા.”
“તેઓએ ઓસ્ટ્રોમેટને પકડી તેના શરીર પર ઉગતા દુર્લભ ખનિજો અને વનસ્પતિઓ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો.”
ભગવાનનો અવાજ હવે ધીમો થઈ ગયો.
“એ યુદ્ધમાં તેમના હજારો લોકો મરી ગયા હતા.”
ભગવાનના શબ્દો સાંભળીને શ્યામનું હૃદય ભારે થઈ ગયું.
શ્યામે ભગવાન શ્રી કૃષ્ણ તરફ જોયું.
તેઓ ઓસ્ટ્રોમેટની વિશાળ આંખોમાં શાંતિથી જોઈ રહ્યા હતા.
જાણે બંને વચ્ચે કોઈ મૌન ભાષામાં વાતચીત ચાલી રહી હોય.
ભગવાનના ચહેરા પર હળવું સ્મિત હતું… અને ઓસ્ટ્રોમેટની આંખોમાં પણ હવે અજીબ શાંતિ દેખાઈ રહી હતી.
થોડા સમય પછી તેઓ ત્યાં જ આરામ કરવા માટે બેસી ગયા.
ઓસ્ટ્રોમેટ પણ તેમની બાજુમાં શાંતિથી બેઠો રહ્યો.
શ્યામ અને ભગવાન શ્રી કૃષ્ણ તો મૌન હતા…
પરંતુ..
ઓસ્ટ્રોમેટના શરીર પર વસેલા એ નાનકડા લોકો હજુ પણ ક્યારેક ચીસો પાડી તેમને ત્યાંથી જવા માટે કહી રહ્યા હતા.
આખરે શ્યામે ધીમેથી પૂછ્યું —
“પ્રભુ… એક સવાલ મનમાં છે.
જો તમે કહો તો પૂછું?”
ભગવાન શ્રી કૃષ્ણ હળવેથી મલકાયા.
“અવશ્ય પૂછ, મારા લાલભાઈ.”
શ્યામ થોડો ગંભીર બન્યો.
“તમે કહ્યું કે આ એક જડપી ગ્રહ છે… જ્યાં બીજું કોઈ સજીવ રહી શકતું નથી.”
“પણ તેનો સાચો અર્થ શું?”
“અને જો અહીં બીજું કંઈ જીવી જ ના શકે… તો પછી ઓસ્ટ્રોમેટ કેવી રીતે જીવતું રહ્યું?”
“અને તેના શરીર પર રહેલા આ લોકોનું શું?”
“હું કંઈ સમજી નથી શકતો.”
ભગવાન શ્રી કૃષ્ણ થોડું હસ્યા.
“અરે મારા ભાઈ… અહીં દરેક સજીવ વસ્તુનો વિકાસ અત્યંત ઝડપથી થાય છે.”
તેમણે આસપાસની હરિયાળી તરફ ઈશારો કર્યો.
“અહીંના વૃક્ષો… વનસ્પતિઓ… અને સજીવો સામાન્ય ગ્રહોની સરખામણીએ અનેકગણા ઝડપથી વિકસે છે.”
પછી તેમણે ઓસ્ટ્રોમેટ તરફ જોયું.
“ઓસ્ટ્રોમેટ પણ સતત વધતો જ રહે છે.”
“તેની ઉંમર આશરે ઓગણીસ હજાર વર્ષ છે… છતાં તે હજી પણ વધે જ છે.”
શ્યામ આશ્ચર્યથી ઓસ્ટ્રોમેટ તરફ જોવા લાગ્યો.
ભગવાન આગળ બોલ્યા —
“અને રહી વાત તેના શરીર પર વસતા આ લોકોની…”
“તો તેમના માટે આ ગ્રહના નિયમો લાગુ પડતા જ નથી.”
“કારણ કે તેમના માટે ઓસ્ટ્રોમેટ જ તેમનો આખો ગ્રહ છે.”
શ્યામ હવે ધીમે ધીમે બધું સમજી રહ્યો હતો.
તેણે ભગવાન શ્રી કૃષ્ણ સામે જોઈને શાંતિથી હકારમાં માથું ધુણાવ્યું.
અચાનક ભગવાન શ્રી કૃષ્ણ ઉત્સાહથી શ્યામ તરફ વળ્યા.
“લાલા… તને ખબર છે આ ઓસ્ટ્રોમેટ ખરેખર કોણ છે?”
શ્યામ તરત જ માથું ના માં હલાવવા લાગ્યો.
“ના પ્રભુ… મને ક્યાંથી ખબર હોય?”
તેણે ઓસ્ટ્રોમેટ તરફ જોઈને કહ્યું —
“મેં તો પહેલીવાર જ આ અદભૂત પ્રાણીને જોયું છે.”
ભગવાન શ્રી કૃષ્ણ હળવેથી મલકાયા.
“તો સાંભળ…
તને આજથી કરોડો વર્ષ પહેલાંની એક વાત કહું.”
એટલું કહીને તેઓ ધીમે ધીમે વાર્તા કહેવા લાગ્યા… અને શ્યામ સંપૂર્ણ ધ્યાનથી સાંભળવા લાગ્યો.
—
“તારા ગ્રહ પૃથ્વીની જેમ જ ‘વેમન’ નામનો એક ગ્રહ બ્રહ્માંડમાં અહીંથી કરોડો પ્રકાશવર્ષ દૂર આવેલો છે.”
“અને ત્યાં પણ પૃથ્વીની જેમ જ જીવન વસે છે.”
“અલગ અલગ પ્રકારના જીવ… સંસ્કૃતિઓ… અને રાજ્યઓ.”
ભગવાન શ્રી કૃષ્ણની આંખોમાં હવે જાણે જૂની યાદો તરવરી રહી હતી.
“એ જ ગ્રહના દક્ષિણ ભાગમાં ‘અમીનારણ્ય’ નામનું એક અત્યંત ગીચ અને વિશાળ જંગલ આવેલું હતું.”
“અને એ જંગલની સરહદ પાસે ‘અમીનગર’ નામનું એક અદ્ભુત સુંદર નગર વસેલું હતું.”
“એ રાજ્યની સૌથી વિશેષ વાત શું હતી ખબર છે?”
શ્યામ ઉત્સુકતાથી ભગવાન તરફ જોવા લાગ્યો.
“ત્યાંના લોકોના મનમાં એકબીજા પ્રત્યે દ્વેષ નહોતો.”
“ન ઈર્ષા… ન લોભ… ન શત્રુતા.”
“એમ લાગતું હતું જાણે નગરના નામની જેમ જ લોકોની આંખોમાંથી અમી વરસતું હોય.”
શ્યામના ચહેરા પર ધીમે ધીમે સ્મિત આવી ગયું.
ભગવાન આગળ બોલ્યા —
“એ રાજ્યના રાજા હતા — મહારાજ અમીરાજ.”
“તેમને કોઈ વાતનું દુઃખ નહોતું.
કારણ કે તેમની પ્રજા સુખી હતી… અને રાજ્ય સમૃદ્ધ.”
“નગરના દરેક ખૂણે સ્વચ્છતા, શાંતિ અને સમૃદ્ધિ દેખાતી હતી.”
“અલગ અલગ વિસ્તારોમાં ભગવાન મહાદેવ, ભગવાન વિષ્ણુ, ભગવાન બ્રહ્મા અને ભગવાન ઇન્દ્રના ભવ્ય મંદિરો આવેલા હતા.”
“અને રાજ્યમાં દરેક જાતિ અને વર્ણના લોકો પ્રેમથી સાથે રહેતા હતા.”
“તેમના રાજમંત્રી સુખદેવજી અત્યંત બુદ્ધિશાળી હતા… અને હંમેશાં રાજ્યને યોગ્ય માર્ગ બતાવતા.”
“જ્યારે પણ રાજ્ય ઉપર કોઈ મોટી મુશ્કેલી આવતી… ત્યારે તેઓ રાજ્યની બાજુમાં આવેલા આશ્રમમાં રહેતા રાજગુરુ મહર્ષિ વેદભટ્ટાચાર્યની સલાહ લેવા જતા.”
“કારણ કે આખા વેમન ગ્રહ પર તેમનાથી વધુ જ્ઞાનવાન ઋષિ કોઈ નહોતા.”
એક દિવસની વાત છે…
સાંજ પડી ગઈ હતી.
છતાં જંગલમાં ગાયો ચરાવવા ગયેલા ગોવાળ પાછા ફર્યા નહોતા.
માત્ર ગોવાળ જ નહિ… એક પણ ગાય રાજ્યમાં પાછી આવી નહોતી.
શરૂઆતમાં લોકોને લાગ્યું કે કદાચ તેઓ જંગલમાં ક્યાંક રોકાઈ ગયા હશે.
પરંતુ એક દિવસ… પછી બીજો દિવસ પણ વીતી ગયો.
છતાં ન ગોવાળ આવ્યા… ન ગાયો.
ધીમે ધીમે આખા રાજ્યમાં ચિંતા ફેલાવા લાગી.
બે દિવસ સુધી રાજ્યમાં દૂધ, છાસ કે માખણ આવ્યું નહિ.
આખરે મહારાજ અમીરાજે ગાયોના રખેવાળ ગોવાળોને દરબારમાં હાજર થવા માટે કહેણ મોકલ્યું.
પરંતુ…
ગોવાળ તો ના આવ્યા.
તેના બદલે ગોવાલણો રડતી-કકળતી હાલતમાં દરબારમાં હાજર થઈ.
તેમણે મહારાજ સમક્ષ વિનંતી કરતાં કહ્યું —
“મહારાજ… અમારા પતિઓ અને ગાયો બે દિવસથી જંગલમાંથી પાછા ફર્યા નથી.”
“અમને ભય છે કે તેમની સાથે કંઈ અનિષ્ટ થયું છે.”
આ સાંભળતા જ મહારાજ અમીરાજ ગંભીર ચિંતામાં મુકાઈ ગયા.
તેમણે તરત જ પોતાના મંત્રી સુખદેવજીને બોલાવ્યા.
અને સૈનિકોની એક વિશાળ ટુકડીને જંગલમાં શોધખોળ માટે મોકલી.
પરંતુ…
બે દિવસ વીતી ગયા છતાં એ સૈનિકો પણ પાછા ફર્યા નહિ.
હવે રાજ્યમાં ભયનું વાતાવરણ ફેલાવા લાગ્યું.
અંતે મહારાજ અમીરાજે સ્વયં જંગલમાં જઈ પોતાના લોકો અને રાજ્યની ધરોહર એવી ગાયોને શોધવાનું નક્કી કર્યું.
ક્રમશઃ
Dr Dipak kamejaliya
"શિલ્પી"