LALO 2 in Gujarati Spiritual Stories by Kamejaliya Dipak books and stories PDF | લાલો 2 - પ્રકરણ 3

Featured Books
Categories
Share

લાલો 2 - પ્રકરણ 3





શ્યામ હજુ પણ ભગવાન શ્રી કૃષ્ણ સામે એક નાના બાળકની જેમ આંખોમાં આંસુ લઈને હસતા મુખે ઊભો હતો.

પરંતુ અચાનક… તેના ચહેરા પરનું સ્મિત ધીમે ધીમે અટકી ગયું.

કારણ કે પહેલીવાર તેને કંઈક અજુગતું દેખાયું હતું.
ભગવાન શ્રી કૃષ્ણ હસતા તો હતા…
તેમના ચહેરા પર એ જ મનમોહક શાંતિ પણ હતી…

પરંતુ તેમ છતાં… તેમની આંખોની અંદર ક્યાંક એક અજાણી ચિંતા છુપાયેલી હતી.
એવી ચિંતા… જાણે તેઓ આખી દુનિયાથી છુપાવી રહ્યા હોય.

શ્યામ થોડીવાર શાંતિથી તેમને જોતો રહ્યો.

પછી ધીમેથી બોલ્યો —
“પ્રભુ…?”
“હું?”
“તમે મારી સામે ખોટું હસી રહ્યા છો.”
ભગવાન શ્રી કૃષ્ણ થોડા આશ્ચર્યથી મલકાયા.
“અરે… તું પણ એકદમ તારા પિતા જેવો જ નિર્દોષ છે, શ્યામ.
પરંતુ એ મૂર્ખે તો ક્યારેય મારો ચહેરો વાંચવાનો પ્રયત્ન જ નહોતો કર્યો… અને તું તો હવે મારી આંખો પણ વાંચવા લાગ્યો?”
“હા.”
શ્યામ તરત બોલી પડ્યો.
“કારણ કે ભલે મેં તમને ગુસ્સામાં યાદ કર્યા હોય… પરંતુ કર્યા તો સાચા મનથી જ હતા.”

આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ થોડા સમય માટે એકદમ શાંત થઈ ગયા.

પવન ધીમે ધીમે વહેતો હતો.

આસપાસ દ્વારિકાની ગલીઓમાં લોકોની અવરજવર ચાલુ હતી… પરંતુ એ બંનેની વચ્ચે જાણે સમય થંભી ગયો હતો.

શ્યામ હવે ગંભીર થઈ ગયો.
“શું થયું છે પ્રભુ…?”
“કંઈ નહિ મિત્ર…”
“ના.”
શ્યામે ધીમેથી માથું હલાવ્યું.
“તમારી આંખો કહે છે કે કંઈક તો છે.”
ભગવાન શ્રી કૃષ્ણની આંખોમાં પહેલીવાર થોડી ઉદાસી દેખાઈ.

શ્યામનું હૃદય જોરથી ધબકવા લાગ્યું.
“શાની ચિંતા છે તમને…?
શું કોઈ દુઃખ છે…?
કોઈ મુશ્કેલી આવી છે…?”

થોડી ક્ષણ માટે ભગવાન શ્રી કૃષ્ણે આકાશ તરફ જોયું.
તેમના ચહેરા પરનું સ્મિત હવે ઘણું ધીમું પડી ગયું હતું.

અને પછી… તેઓ ખૂબ જ શાંત અવાજમાં બોલ્યા —
“શ્યામ… મારા લાલા… મારા લાલભાઈ…
ક્યારેક ભગવાન પણ એવી પરિસ્થિતિમાં ફસાઈ જાય છે… જ્યાં તેમને સમજાતું નથી કે સાચું શું છે… અને ખોટું શું.”

શ્યામ એકદમ સ્તબ્ધ થઈ ગયો.
કારણ કે… આ પહેલીવાર હતું…
જ્યારે તેણે સ્વયં પરમાત્મા, સ્વયં ભગવાન શ્રી કૃષ્ણના અવાજમાં લાચારી અનુભવી હતી.

ભગવાન શ્રી કૃષ્ણના શબ્દો સાંભળીને શ્યામ હજુ પણ સ્તબ્ધ ઊભો હતો.

તેને વિશ્વાસ જ નહોતો આવી રહ્યો કે આખી દુનિયાને માર્ગ બતાવનાર ભગવાન આજે પોતે કોઈ રસ્તો શોધી રહ્યા હતા.

શ્યામે ધીમેથી પૂછ્યું —
“પ્રભુ… આખરે એવી કઈ વસ્તુ છે જે તમને પણ પરેશાન કરી રહી છે…?”

ભગવાન શ્રી કૃષ્ણ થોડા સમય સુધી મૌન રહ્યા.
તેમની નજર દૂર સમુદ્રના મોજાં પર સ્થિર થઈ ગઈ.
પછી ખૂબ ધીમા અવાજમાં બોલ્યા —
“મારે સ્વર્ગ જવું છે, મિત્ર…”
શ્યામ પહેલા તો હળવેથી હસી પડ્યો.
“અરે પ્રભુ…! આમાં ચિંતા શાની? સ્વર્ગનો રસ્તો તો તમને ખબર જ હોય ને!”

પરંતુ ભગવાન શ્રી કૃષ્ણના ચહેરા પર હાસ્ય પાછું આવ્યું નહિ.

એ જોઈને શ્યામ ધીમે ધીમે ગંભીર બનતો ગયો.
“શું… તમને ખરેખર રસ્તો નથી મળી રહ્યો…?”

ભગવાન શ્રી કૃષ્ણે ધીમેથી માથું હલાવ્યું.
“ઘણા સમયથી હું એ માર્ગ શોધી રહ્યો છું… પરંતુ સ્વર્ગના દ્વાર સુધી પહોંચતો રસ્તો જાણે અદૃશ્ય થઈ ગયો છે.”

શ્યામની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ.
“પણ આવું કેવી રીતે શક્ય છે પ્રભુ? સ્વર્ગનો રસ્તો ગાયબ કેવી રીતે થઈ શકે?”

ભગવાન શ્રી કૃષ્ણ થોડું મલકાયા… પરંતુ આ વખતે એ સ્મિતમાં થાક હતો.
“જ્યારે માનવલોકમાં પાપ, લોભ અને અંધકાર વધવા લાગે… ત્યારે કેટલાક દિવ્ય માર્ગો પોતે જ બંધ થઈ જતા હોય છે.”
“પરંતુ આ વખતે…”
તેમણે ધીમેથી ઊંડો શ્વાસ લીધો.
“માત્ર રસ્તો જ ખોવાયો નથી, શ્યામ…
કોઈકએ એ માર્ગને ઇચ્છાપૂર્વક છુપાવી દીધો છે.”

આ સાંભળતા જ શ્યામના શરીરમાં ઠંડી લહેર ફરી વળી.
“કોણે…?”
ભગવાન શ્રી કૃષ્ણની આંખોમાં પહેલીવાર ઊંડી ગંભીરતા દેખાઈ.
“એ જ તો હું નથી જાણતો…”

થોડા સમય માટે શાંતિ છવાઈ ગઈ.

પછી ભગવાન શ્રી કૃષ્ણ ધીમેથી શ્યામની નજીક આવ્યા.
“પરંતુ હવે મારે એ માર્ગ શોધવો જ પડશે.”
તેમણે શ્યામના ખભા પર હાથ મૂક્યો.
“અને એ માટે… મારે તારી મદદ જોઈએ છે, મિત્ર.”
શ્યામ આશ્ચર્યથી તેમની સામે જોવા લાગ્યો.
ભગવાન શ્રી કૃષ્ણ હળવેથી મલકાયા —
“શું તું આ ધર્મના કાર્યમાં મારી મદદ કરીશ… મારા લાલા?”

શ્યામ થોડીવાર શાંત ચહેરે કંઈક વિચારતો રહ્યો.
પછી અચાનક તેની આંખોમાં બાળક જેવી ઉત્સુકતા ચમકી ઊઠી.
“એટલે… સ્વર્ગની શોધમાં હું તમારી સાથે આવવાનો છું?”
તે ઉત્સાહથી બોલી પડ્યો —
“તો પછી તો બહુ મજા આવશે! આપણે બીજા દેવોને પણ મળી શકીશું ને, પ્રભુ?”
“શક્ય છે…”
ભગવાન શ્રી કૃષ્ણે રહસ્યમય સ્મિત સાથે જવાબ આપ્યો.

પછી તેમણે ધીમેથી પૂછ્યું —
“શું તું ઘરે જઈ પોતાની માતા અને બહેનની રજા લઈને આવશે?”
શ્યામ તરત જ હસી પડ્યો.
“અરે ના પ્રભુ… એમાં એમને શું કહેવાનું હોય?
આમેય જો હું એમને કહીશ કે હું ભગવાન શ્રી કૃષ્ણ સાથે સ્વર્ગ શોધવા જઈ રહ્યો છું… તો તેઓ મારી વાત થોડા જ માનવાના છે?”

ભગવાન શ્રી કૃષ્ણ પણ હળવેથી મલકાયા.
“એ પણ સાચું છે, મિત્ર…”

એટલું કહીને તેમણે ધીમેથી પોતાનો હાથ આકાશ તરફ ઊંચો કર્યો.
અચાનક…
આખા આકાશમાં સોનેરી પ્રકાશ ફેલાઈ ગયો.
વાદળો ગર્જવા લાગ્યા.
અને થોડી જ ક્ષણોમાં…
તેમની સામે એક વિશાળ દૈવી રથ પ્રગટ થયો.
તેના પૈડાં જમીનને અડતા જ નહોતા.
આખા રથમાંથી દિવ્ય તેજ નીકળી રહ્યું હતું.

શ્યામ આશ્ચર્યથી એ દૃશ્ય જોતો રહ્યો.
તેનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું.
ભગવાન શ્રી કૃષ્ણ ધીમેથી રથમાં ચડી ગયા.
પછી તેમણે શ્યામ તરફ હાથ લંબાવ્યો.
અને હળવું સ્મિત કરીને બોલ્યા —
“તો… એક અદભુત સફર માટે તૈયાર છો, મારા મિત્ર લાલા?”

શ્યામની આંખોમાં ઉત્સાહ અને અજાણ્યો રોમાંચ ચમકી ઊઠ્યો.

તેણે ભગવાનનો હાથ પકડી લીધો.
“હા… હું તૈયાર છું, પ્રભુ.”

શ્યામ થોડા સમય સુધી શાંતિથી એ દૈવી રથને જોતો રહ્યો.
તેના મનમાં ડર, આશ્ચર્ય, ગુસ્સો અને ઉત્સુકતા — બધી લાગણીઓ એકસાથે દોડી રહી હતી.
એક તરફ તેને લાગતું હતું કે કદાચ આ બધું કોઈ સ્વપ્ન છે…

પરંતુ બીજી તરફ… તેના દિલની અંદર ક્યાંક એક અવાજ સતત કહી રહ્યો હતો —
“આ જ સત્ય છે.”

શ્યામ રિક્ષા ચલાવતો હોવાથી ઘણીવાર બહાર રોકાવાનું થતું. એટલે તેની એક નાની બેગ હંમેશાં તેની સાથે રહેતી.

તેણે ઝડપથી એ બેગ ઉઠાવી લીધી.
અંદર તેની રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ હતી — કપડાં, ટોર્ચ, એક લાંબી રસ્સી, નાનું ચાકુ, મોબાઈલ અને થોડી બીજી સામાન્ય વસ્તુઓ.

પછી ધીમે ધીમે તે ભગવાન શ્રી કૃષ્ણની નજીક આવ્યો… અને તેમનો હાથ પકડી લીધો.
એ ક્ષણે… રથની આસપાસનો સોનેરી પ્રકાશ વધુ તેજ બની ગયો.

ભગવાન શ્રી કૃષ્ણ હળવેથી મલકાયા.
“હવે બરાબર લાગ્યો… એકદમ તારા પિતા જેવો.”

શ્યામ હજુ પણ આશ્ચર્યથી આસપાસ જોઈ રહ્યો હતો.
પછી ધીમે ધીમે રથમાં ચડી ગયો.
અને અંદર પ્રવેશતા જ… તે સ્તબ્ધ થઈ ગયો.
બહારથી સામાન્ય દેખાતો એ રથ અંદરથી જાણે આખું બ્રહ્માંડ હતો.

દીવાલોની જગ્યાએ ચમકતા તારાઓ દેખાતા હતા.
રથની અંદર હવા નહોતી… છતાં શ્વાસ લેવામાં કોઈ તકલીફ નહોતી.
અને સૌથી અજુગતી વાત — રથની આગળ કોઈ ઘોડા જ નહોતા.

શ્યામ આશ્ચર્યથી બોલી પડ્યો —
“જો તમને સ્વર્ગ ક્યાં છે એ જ ખબર નથી… તો હું તો એક સામાન્ય માણસ છું. પરંતુ અમે પૃથ્વીવાસીઓ એવું માનીએ છીએ કે સ્વર્ગ આકાશમાં હોય છે… એટલે કદાચ આપણે પહેલાં ત્યાં જવું જોઈએ.”

ભગવાન શ્રી કૃષ્ણ તેની સામે જોઈને હળવેથી મલકાયા.

“આ ચાલે કેવી રીતે છે…?”
શ્યામે રથ તરફ જોઈને પૂછ્યું.
ભગવાન શ્રી કૃષ્ણ હળવેથી હસ્યા.
“વિશ્વાસથી.”
એમ કહીને તેમણે રથના આગળના ભાગ પર હાથ મૂક્યો.

અને અચાનક…

ધડામ્મ્મ…!!

આખો રથ વીજળીની ઝડપે આકાશમાં ઊડી ગયો.
થોડી જ ક્ષણોમાં દ્વારિકા નીચે નાની દેખાવા લાગી.
વાદળો પાછળ છૂટી ગયા.
અને ધીમે ધીમે… પૃથ્વી દૂર જતી રહી.

શ્યામ પહેલીવાર પોતાના જીવનમાં પૃથ્વીને અવકાશમાંથી જોઈ રહ્યો હતો.

તેની આંખોમાં અદ્ભુત ચમક આવી ગઈ.
“વાહ…”

ભગવાન શ્રી કૃષ્ણ શાંતિથી તેને જોતાં રહ્યા.


ક્રમશઃ

Dr Dipak kamejaliya 
"શિલ્પી"