કરુણા હોટેલમાં પેલી જેમ રમવા ગયેલા મિત્રોના એક ગૃપમાંથી અચાનક જ ત્યાં રહસ્યમય રીતે અમુક મિત્રોના મૃત્યુ થવા લાગે છે.
પોતાની આંખોની સામે જ પોતાના મિત્રોને મરતા જોઇને બાકીના બધા ખુબ જ ડરી ગયા હતા. અચાનક જ દરવાજે કોઈએ નોક કર્યું.
ટક ટક ટક..
ત્યાં ઉપસ્થિત મિત્રોમાંથી કોઈપણ ની હિંમત નહોતી કે કોઈ દરવાજો ખોલવા માટે બારણાં સુધી પણ જઈ શકે.
હજી થોડીક ક્ષણો પહેલા જ તેમના ગ્રુપના ચાર મિત્રોને મરતા જોયાં હતાં.
પોતાની આંખોની સામે મોતને જોયા પછી દરવાજા સુધી પણ જવાની કોઈના માં હિંમત નહોતી.
અચાનક જ ધડામ કરતો દરવાજો ખુલ્યો.
બધા ફાટી આંખો સાથે દરવાજા તરફ જોઈ રહ્યા હતા.
બધાની ધડકન એકદમ વધી ગઈ.
અમુકના મોઢેથી તો ડરના લીધે ચીસ પણ નીકળી ગઈ.
છોકરીઓએ તો પોતાની આંખો જ બંધ કરી દીધી, જેથી કરીને તેઓ સામે ઊભેલી મોતથી બે ઘડી દૂર થઈ શકે.
પણ મોતથી કોઈ કેવી રીતે દૂર જઈ શકે.
દરવાજો ખૂલ્યો પછી પણ તેનો એ કર્કશ અવાજ બધાના ડરમાં વધારો કરી રહ્યો હતો.
બધાએ ધીમે ધીમે દરવાજા તરફ જોયું, પણ ત્યાં જોયા પછી તેમના ચેહરા ઉપર ડર ની જગ્યાએ ખુશી દેખાઈ.
તેમની સામે દરવાજાની બહાર મોત નહિ પરંતુ એક ઓળખીતો ચેહરો હતો.
પોતાની આંખોની સામે એક વેઇટર ઊભો હતો. આ એ જ વેઇટર હતો કે જેણે હજી થોડીવાર પહેલા જ તેમને અહી ગેમના નિયમો બતાવતા ચેતવ્યા હતા.
મગનદાદાને પોતાની સામે જીવતા જોઈને બધાના ચહેરા પર થોડીવાર માટે રાહત ફરી વળી.
જાણે ડૂબતા માણસને અચાનક કોઈ સહારો મળી ગયો હોય તેમ બધા તરત જ દરવાજા તરફ દોડ્યા. કોઈ રડી રહ્યું હતું, કોઈ ભગવાનને યાદ કરી રહ્યું હતું તો કોઈ ગભરાટમાં એકબીજાને ધક્કા મારીને આગળ નીકળવાની કોશિશ કરી રહ્યું હતું.
મગનદાદા વારંવાર તેમને રોકીને કંઈક કહેવા માગતા હતા, પરંતુ ત્યાં હાજર કોઈપણ વ્યક્તિ તેમની વાત સાંભળવા તૈયાર નહોતું.
બધાને માત્ર એક જ વસ્તુ દેખાઈ રહી હતી — ખુલ્લો દરવાજો અને બહાર નીકળવાની આશા.
પરંતુ અજીબ વાત એ હતી કે દરવાજો પાર કર્યા પછી પણ તેઓ બહાર પહોંચી જ નહોતા શકતા. તેઓ દોડતા દોડતા ફરી પાછા એ જ હોલમાં આવી જતા.
કોઈ દિવાલ સાથે અથડાતું, કોઈ ચક્કર ખાઈને જમીન પર પડી જતું, તો કોઈ ડરના કારણે પાગલની જેમ ચીસો પાડવા લાગતું.
જાણે હોલની બહાર કોઈ રસ્તો જ નહોતો બચ્યો. હૉલની બહાર નીકળતા જ તેઓ કોઈ અંધારા ઓરડામાં આવી જતા..અને એ અંધારો ઓરડો વળી પાછો એ ના એ જ હોલમાં પાછો ખૂલતો..
આ બધું જોઈ મગનદાદાના ચહેરા પર ગંભીરતા છવાઈ ગઈ.
તેમણે ધીમા પણ ભારે અવાજમાં બધાને શાંત રહેવા કહ્યું.
ધીમે ધીમે બધા તેમની આસપાસ ભેગા થયા.
મગનદાદાએ ઊંડો શ્વાસ લઈને કહ્યું, “આ હવે સામાન્ય વાત નથી રહી છોકરાવ…"
"તમે લોકો અહીંથી એમ જ બહાર નથી નીકળી શકતા. આ હોટલમાં રહેલી આત્મા હવે જાગી ગઈ છે… અને તે તમને જીવતા બહાર જવા નહીં દે.”
બધાના ચહેરા પર ફરી ડર ઉતરી આવ્યો. મગનદાદા આગળ બોલ્યા,
“મેં તમને નિયમોનું પાલન કરવા કહ્યું હતું. પણ તમે એ જ ભૂલ કરી… જે અહીં પહેલાં આવેલા ઘણા લોકો કરી ચૂક્યા છે."
"આ ગેમ દરમિયાન મેકઅપ રૂમમાં રોમાન્સ કરવો સૌથી મોટો નિયમભંગ છે. આ આત્માને પ્રેમ અને દગાથી નફરત છે."
"એકવાર તે કોઈને પોતાનો ગુનેગાર માની લે… પછી તેને આ હોલમાં કેદ કરી દે છે.”
મગનદાદા બધાને શાંત રહીને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
હોલમાં અત્યારે એવી શાંતિ છવાઈ ગઈ હતી કે દરેક વ્યક્તિનો ધબકારો પણ જાણે સંભળાઈ રહ્યો હતો.
કોઈ ડરના કારણે રડી રહ્યું હતું, તો કોઈ ગભરાઈને વારંવાર આસપાસ જોઈ રહ્યું હતું.
મગનદાદા ગંભીર અવાજમાં આગળ બોલ્યા, “ધ્યાનથી સાંભળજો… હવે અહીં જે કંઈ થશે એ સામાન્ય નથી. જો જીવતા બચવું હોય તો ગભરાશો નહિ અને એકબીજાથી અલગ પણ નહિ પડતા…”
એ જ સમયે—
કચ… કચ… કચચચ…
અચાનક તેમની ઉપર રહેલી મોટી કાચની બારીમાંથી અજીબ અવાજ આવવા લાગ્યો.
બધાના ચહેરા એકસાથે ઉપર ફરી ગયા.
એવું લાગી રહ્યું હતું જાણે બારીનો કાચ અંદરથી કોઈ જોરથી દબાવી રહ્યું હોય.
કાચ પર ધીમે ધીમે તિરાડો પડવા લાગી.
કચચચ… તડાક…!
તિરાડો વધતી જતી હતી.
કોઈ અદ્રશ્ય વસ્તુ જાણે બહારથી બારી તોડવાની કોશિશ કરી રહી હોય તેમ આખી બારી ધ્રુજવા લાગી.
છોકરીઓ ડરીને ચીસો પાડવા લાગી અને તરત જ એકબીજાને ચીપકી ગઈ.
જય ધીમે અવાજે બોલ્યો, “આ… આ શું છે…?”
મગનદાદાનો ચહેરો અચાનક ફિક્કો પડી ગયો.
તેમણે ડરભરી નજરે ઉપર જોયું અને ધીમે બોલ્યા,
“એ… આવી ગઈ…”
એના પહેલાં કે ત્યાં હાજર કોઈ કંઈ સમજી શકે કે આગળ શું થવાનું છે—
ધડામ્મ્મ…!!!
એક ભયંકર ધડાકા સાથે તેમની ઉપર રહેલી બારીનો કાચ તૂટી પડ્યો.
કાચના ટુકડા આખા હોલમાં ચોતરફ વરસી પડ્યા.
બધા ડરીને પાછળ હટવા લાગ્યા.
તૂટેલી બારીમાંથી ધીમે ધીમે એક ભયાનક પડછાયો અંદર ઉતર્યો.
તેનું સ્વરૂપ જોઈને બધાના શરીરમાંથી ડરની એક ઠંડી લહેર ફરી વળી.
કારણ કે…
તે કોઈ સામાન્ય આત્મા નહોતો.
એ એક મસ્તક વિનાનો ધડ હતો.
સફેદ અને લોહીથી ખરડાયેલા કપડાંમાં ઢંકાયેલો એ પડછાયો હવામાં તરતો હતો.
તેના કપાયેલા ગળામાંથી કાળું લોહી ધીમે ધીમે ટપકી રહ્યું હતું.
તેના લાંબા અને અપ્રાકૃતિક હાથ હવામાં અજીબ રીતે હલી રહ્યા હતા.
આખા હોલમાં સડેલી લાશ જેવી ભયંકર દુર્ગંધ ફેલાઈ ગઈ.
બધા ચીસો પાડતા પાછળ ખસવા લાગ્યા.
પણ એ પડછાયો સીધો જે દિશામાં વિજય ઊભો હતો તેના તરફ ફર્યો.
તે ધીમે ધીમે આગળ વધ્યો..
અચાનક—
તે પડછાયાએ પોતાનો એક હાથ જોરથી વિજય તરફ લંબાવ્યો.
તેના હાથમાંથી કાળા ધુમાડા અને હવાના વંટોળથી બનેલો એક ગોળો ભયંકર ઝડપથી બહાર નીકળ્યો અને સીધો વિજયના ચહેરા સાથે અથડાયો.
વિજય જોરથી ચીસ પાડી ઊઠ્યો.
પેલો કાળો ગોળો હવે તેના મસ્તકની આસપાસ ફરવા લાગ્યો.
ધીમે ધીમે એ વંટોળ ની ઘૂમવાની સ્પીડ વધી ગઈ.
વિજય પોતાના માથાને પકડીને તડપવા લાગ્યો. તેણે પોતાના હાથ વડે તેનાથી દૂર થવાની ઘણી કોશિશ કરી, પરંતુ નાકામ રહ્યો..
“બચાવો…! બચાવો મને…!”
તેની ચીસો આખા હોલમાં ગૂંજી ઉઠી.
પણ કોઈ તેની નજીક જવાની હિંમત કરી શકતું નહોતું.
અચાનક—
ચરરરર…!!!
એક ભયાનક અવાજ સાથે વિજયનું મસ્તક તેના ધડથી અલગ થઈ ગયું.
લોહીનો ફવારો હવામાં ઉછળ્યો.
છોકરીઓ ભયંકર ચીસો પાડીને જમીન પર બેસી ગઈ.
વિજયનું કપાયેલું મસ્તક હવામાં જ અટકી ગયું.
અને પછી…
ધીમે ધીમે તે મસ્તક પેલા મસ્તક વિનાના પડછાયા તરફ આગળ વધવા લાગ્યું.
બધા ડરથી જડ થઈને આ દૃશ્ય જોઈ રહ્યા હતા.
વિજયનું મસ્તક જઈને સીધું એ ધડના કપાયેલા ગળા સાથે જોડાઈ ગયું.
એક ક્ષણ માટે આખા હોલમાં અજીબ શાંતિ છવાઈ ગઈ.
હવે…
તેમની સામે ઉભેલો પડછાયો વિજયના ચહેરાવાળો બની ગયો હતો.
તેના હોઠ પર એક ભયંકર અને વિકૃત સ્મિત ફેલાઈ ગયું.
અને બીજી જ ક્ષણે—
એ આખો પડછાયો ધુમાડામાં ફેરવાઈને અચાનક ગાયબ થઈ ગયો.
પોતાની આંખોની સામે જ વિજયનું મસ્તક કપાતું જોઈને આરતીનો આત્મા સુધી ધ્રૂજી ઉઠ્યો.
તેની આંખો ફાટી ગઈ.
હોઠ કંપવા લાગ્યા.
તે કંઈક બોલવાનો પ્રયત્ન કરી રહી હતી, પરંતુ તેના ગળામાંથી અવાજ જ નીકળી રહ્યો નહોતો.
આગળ પડેલું વિજયનું મસ્તક વિનાનું શરીર હજુ પણ જમીન પર ધીમે ધીમે ધ્રુજી રહ્યું હતું.
તેના કપાયેલા ગળામાંથી લોહી વહેતું હતું અને આખા ફ્લોર પર ફેલાઈ રહ્યું હતું.
આ દૃશ્ય આરતી સહન ના કરી શકી.
એક ભયંકર ચીસ સાથે તે બેભાન થઈને સીધી જમીન પર ઢળી પડી.
હોલમાં અત્યારે અફરાતફરી મચી ગઈ હતી.
કોઈ રડી રહ્યું હતું…
કોઈ ડરના કારણે એક ખૂણામાં સીમટાઈ ગયું હતું…
તો કોઈ ભગવાનનું નામ જપતા જપતા કંપી રહ્યું હતું.
બધાને સમજાતું નહોતું કે પહેલા આરતીને સંભાળે કે પોતાની જાતને બચાવવાનો વિચાર કરે.
એક બાજુ વિજયનું મસ્તક વિનાનું નિર્જીવ ધડ પડ્યું હતું…
અને તેની બાજુમાં જ આરતી બેભાન હાલતમાં પડી હતી.
જય અને વિરાટે હિંમત ભેગી કરી.
તેઓ ધીમે ધીમે આગળ વધ્યા.
બંનેના પગ ડરના કારણે કંપી રહ્યા હતા, છતાં તેઓ આરતીને ત્યાં એકલી છોડવા તૈયાર નહોતા.
વિરાટે આરતીનો હાથ પકડી લીધો અને જયે તેના ખભા તરફથી તેને ઊંચકવાનો પ્રયત્ન કર્યો.
“જલ્દી… એને અહીંથી દૂર લઈ જઈએ…” વિરાટ ધીમા પણ ગભરાયેલા અવાજે બોલ્યો.
બંને મળીને આરતીને પાછળ ખેંચવા લાગ્યા.
પરંતુ…
માત્ર બે જ પગલાં પાછળ ખેંચતા અચાનક બંને અટકી ગયા.
તેમના ચહેરા પર ફરી ડર છવાઈ ગયો.
કારણ કે…
આરતીનું શરીર જાણે જમીન સાથે ચોંટી ગયું હોય તેમ ભારે લાગી રહ્યું હતું.
જયે ફરી જોર લગાવ્યું.
પણ આરતીનું શરીર એક ઇંચ પણ આગળ ખસ્યું નહિ.
એવું લાગી રહ્યું હતું જાણે કોઈ અદ્રશ્ય શક્તિ આરતીને પાછળથી પકડીને બેઠી હોય.
વિરાટનો શ્વાસ ઝડપથી ચાલવા લાગ્યો.
ધીમે ધીમે બંનેની નજર આરતીના પગ તરફ ગઈ.
અને એ જ ક્ષણે…
જયના મોઢામાંથી ડરના કારણે ધીમો ચિત્કાર નીકળી ગયો.
કારણ કે આરતીના લાંબા ખુલ્લા વાળની નીચે…
કોઈ કાળો, સડેલો હાથ તેના પગને મજબૂતીથી પકડીને બેઠો હતો…
ક્રમશઃ
Dr Dipak Kamejaliya
"શિલ્પી"