સમય જતાં કોલેજમાં બનતી આ રહસ્યમય ઘટનાઓ આખા શહેર માટે માથાનો દુખાવો બની ગઈ હતી.
પોલીસ, ફોરેન્સિક નિષ્ણાતો, સરકારી અધિકારીઓ અને ખાનગી તપાસકર્તાઓ—બધાએ પોતાની રીતે તપાસ કરી, પરંતુ કોઈને કોઈપણ પ્રકારનો નક્કર જવાબ મળ્યો નહીં.
દરેક તપાસ એક જ જગ્યાએ આવીને અટકી જતી.
પુરાવા હતા, પરંતુ આરોપી નહોતો.
મૃત્યુ હતું, પરંતુ હત્યારો નહોતો.
ડર હતો, પરંતુ તેનું મૂળ કોઈ શોધી શકતું નહોતું.
આખરે કોલેજના ટ્રસ્ટીઓ આ બાબતે થતી અઢળક કંપ્લેઈન્ટ્સ થી કંટાળ્યા. કોલેજની પ્રતિષ્ઠા દિવસે દિવસે ખરાબ થતી જઈ રહી હતી.
નવા વિદ્યાર્થીઓ પ્રવેશ લેતાં ડરતા હતા. વાલીઓ પોતાના સંતાનોને ત્યાં ભણાવવા માટે તૈયાર નહોતા. આખી સંસ્થા જાણે કોઈ અદૃશ્ય અભિશાપ હેઠળ આવી ગઈ હોય એવું લાગતું હતું.
એવા જ એક દિવસની વાત હતી.
ટ્રસ્ટીઓની બેઠક ચાલી રહી હતી. પ્રોફેસરો અને અમુક વાલીઓ પણ આ મિટિંગમાં હાજર રહ્યા હતા..
બધા લોકો ગંભીર ચહેરા સાથે બેઠા હતા અને કોલેજને આ મુશ્કેલીમાંથી બહાર કેવી રીતે કાઢવી તેની ચર્ચા કરી રહ્યા હતા.
ત્યારે એક વૃદ્ધ વ્યક્તિ ધીમેથી ઊભા થયા. તેઓ એક વિદ્યાર્થીના પિતા હતા..
તેમણે થોડું અચકાઈને કહ્યું,
"એક માણસ છે... કદાચ તે મદદ કરી શકે."
રૂમમાં બેઠેલા બધા લોકો તેમની તરફ જોવા લાગ્યા.
"કોણ?" એક ટ્રસ્ટીએ પૂછ્યું.
વૃદ્ધે થોડું પાણી પીધું અને ધીમા અવાજે જવાબ આપ્યો,
"અવધનગરના સ્મશાનમાં રહે છે. લોકો તેને પાગલ ભસ્મિદાસ કહે છે."
આ નામ સાંભળતા જ રૂમમાં બેઠેલા કેટલાક લોકો એકબીજા સામે જોવા લાગ્યા.
તેઓએ આ નામ પહેલાં પણ સાંભળ્યું હતું.
ભસ્મિદાસ...
એક એવું નામ જે શહેરમાં અનેક અફવાઓ અને રહસ્યો સાથે જોડાયેલું હતું.
કહેવાતું હતું કે વર્ષો પહેલાં તે એક સામાન્ય માણસ હતો. પરંતુ પછી તેની સાથે કંઈક એવું બન્યું કે તેણે દુનિયાથી પોતાનો સંબંધ લગભગ તોડી નાખ્યો.
તે શહેર છોડીને અવધનગરના જૂના સ્મશાનમાં રહેવા ચાલ્યો ગયો.
ત્યારથી તેનું જીવન મૃતદેહો, ચિતાની રાખ અને એકાંત વચ્ચે જ પસાર થવા લાગ્યું.
લોકો કહેતા કે તે આખો દિવસ પોતાની જાત સાથે વાતો કરતો રહેતો.
ક્યારેક કોઈને દેખાતું કે તે સ્મશાનના એક ખૂણામાં બેઠો છે અને સામે કોઈ ન હોય છતાં વાતો કરી રહ્યો છે.
ક્યારેક મધરાતે તેની ચીસો સંભળાતી.
તો ક્યારેક એવું લાગતું કે તે કોઈ અદૃશ્ય વ્યક્તિ સાથે ઝઘડો કરી રહ્યો છે.
શહેરના લોકો ધીમે ધીમે તેને પાગલ માનવા લાગ્યા.
બાળકો તેને જોઈને ભાગી જતા.
મોટા લોકો તેને અપશુકન સમજતા.
અને ઘણા લોકો તો તેની નજીક જવાનું પણ ટાળતા.
પરંતુ તેની વિશે બીજી પણ ઘણી વાતો પ્રચલિત હતી.
કેટલાક લોકો દાવો કરતા કે ભસ્મિદાસ આત્માઓને જોઈ શકતો હતો.
કેટલાક કહેતા કે તે મૃત આત્માઓ સાથે વાતચીત કરતો હતો.
અને અમુક લોકો તો એટલી હદે કહેતા કે તે દુષ્ટ આત્માઓને કેદ પણ કરી શકતો હતો.
આ વાતો કેટલી સાચી હતી અને કેટલી ખોટી, એ કોઈ જાણતું નહોતું.
પરંતુ એક વાત ચોક્કસ હતી.
શહેરમાં જ્યારે પણ કોઈ એવી ઘટના બનતી જેનો જવાબ કોઈ પાસે ન હોય, ત્યારે લોકોના હોઠ પર એક જ નામ આવતું—
પાગલ ભસ્મિદાસ.
બેઠકમાં થોડી ક્ષણો માટે મૌન છવાઈ ગયું.
કેટલાક ટ્રસ્ટીઓએ તરત જ આ વાતને હાસ્યાસ્પદ ગણાવી.
"એક પાગલ માણસ આપણને મદદ કરશે?"
"અમે પોલીસને બોલાવી, અધિકારીઓને બોલાવ્યા, નિષ્ણાતોને બોલાવ્યા..."
"તો શું કોઈ ઉકેલ મળ્યો..?" પેલા વૃદ્ધ દાદાએ તોન માર્યો...
"પણ તોયે, સ્મશાનમાં રહેતા એક પાગલ પાસે જઈએ?"
"જ્યારે કોઈ નોર્મલ માણસ પાસે કોઈ મુશ્કેલીનો ઉકેલ ન મળે ત્યારે પાગલ પાસે પણ જવું જોઈએ, સાહેબ.."
તે વૃદ્ધ દાદાના ચહેરાના હાવભાવ જોઈને લાગ્યું, તેઓ તેમની વાત ઉપર મક્કમ હતા..
અમુક લોકો એની વાત ઉપર હસ્યા પરંતુ બીજા ઘણાબધા લોકો ગંભીર હતા.
કારણ કે અત્યાર સુધી વિજ્ઞાન અને કાયદો કોઈ જવાબ આપી શક્યા નહોતા.
કદાચ હવે તેઓને એવી વ્યક્તિની જરૂર હતી, જે આ ઘટનાને અલગ નજરથી જોઈ શકે.
અંતે ઘણા સમય સુધી ચર્ચા કર્યા પછી નિર્ણય લેવામાં આવ્યો.
તેઓ અવધનગરના સ્મશાનમાં જશે.
અને તે રહસ્યમય માણસને મળશે.
એ માણસને...
જેને આખું શહેર પાગલ કહે છે.
પણ જેના વિશે એવું પણ કહેવાય છે કે તે જીવતા માણસો કરતાં મૃત આત્માઓને વધારે સારી રીતે ઓળખે છે.
અને એ નિર્ણય સાથે જ એક એવી સફરની શરૂઆત થઈ, જે તેમને વર્ષો જૂના અંધકારમય રહસ્યની નજીક લઈ જવાની હતી.
માયાના મૃત્યુ પછી શરૂ થયેલી ભયાનક ઘટનાઓ વર્ષો સુધી અટકવાનું નામ જ લેતી નહોતી.
એક પછી એક કપલના રહસ્યમય મૃત્યુ, પોલીસની નિષ્ફળ તપાસ અને કોલેજમાં ફેલાયેલો ભય—આ બધાએ આખા શહેરને હચમચાવી નાખ્યું હતું.
અંતે, કોલેજના ટ્રસ્ટીઓ અને માયાના માતા-પિતા એક એવા નિર્ણય પર પહોંચ્યા, જે સામાન્ય માણસ માટે કદાચ અવિશ્વસનીય હતો.
તેઓએ અવધનગરના સ્મશાનમાં રહેતા ભસ્મિદાસનો સંપર્ક કર્યો.
લોકો તેને પાગલ કહેતા હતા, પરંતુ હવે તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ નહોતો.
કહેવાય છે કે શરૂઆતમાં ભસ્મિદાસે આ કામ કરવાની ના પાડી હતી.
તેનું કહેવું હતું કે કેટલીક આત્માઓ માત્ર મૃત આત્માઓ નથી હોતી, પરંતુ વર્ષો સુધી સચવાયેલા ક્રોધ, પીડા અને અધૂરી ઇચ્છાઓનું જીવંત સ્વરૂપ બની જાય છે.
અને એવી આત્માઓને કાબૂમાં લેવી ખૂબ જ જોખમી હોય છે.
પરંતુ ઘણી વિનંતીઓ, સમજાવટ અને અનુરોધ પછી તે આખરે તૈયાર થયો.
ત્યારબાદ ઘણા દિવસો સુધી કોલેજમાં કંઈક એવું બન્યું, જેના વિશે આજે પણ ચોક્કસ માહિતી કોઈને નથી.
કેટલાક લોકો કહેતા કે ભસ્મિદાસ રાત્રે એકલો આખી કોલેજમાં ફરતો હતો.
કેટલાકનો દાવો હતો કે મધરાતે કોલેજના કોરિડોરમાંથી મંત્રોચ્ચારના અવાજો સંભળાતા હતા.
તો કેટલાક લોકો કહેતા કે ઘણી રાતો સુધી આખી બિલ્ડિંગમાંથી સ્ત્રીની ભયાનક ચીસો આવતી હતી.
જાણે કોઈ અદૃશ્ય શક્તિ ભસ્મિદાસ સામે સંઘર્ષ કરી રહી હોય.
આ સંઘર્ષ કેટલા દિવસ ચાલ્યો, એ વિશે કોઈને ચોક્કસ ખબર નહોતી.
પરંતુ એક રાત્રે...
બધું અચાનક શાંત થઈ ગયું.
બીજા દિવસે ભસ્મિદાસ કોલેજના ટ્રસ્ટીઓ અને માયાના માતા-પિતા સામે આવ્યો.
તેનો ચહેરો અત્યંત થાકેલો હતો.
આંખો લાલ હતી.
અને તેના શરીર પર જાણે અનેક દિવસોથી ઊંઘ ન કરી હોય એવો થાક દેખાતો હતો.
થોડા સમય સુધી તે ચૂપ રહ્યો.
પછી ધીમા અવાજે માત્ર એટલું જ બોલ્યો,
"હાલ માટે... તે કેદ થઈ ગઈ છે."
આ શબ્દો સાંભળતા જ બધાએ રાહતનો શ્વાસ લીધો.
ભસ્મિદાસે જણાવ્યું કે માયાની આત્માને તેણે એ જ રૂમમાં કેદ કરી છે, જ્યાં તે પોતાના શૈક્ષણિક કાળમાં સૌથી વધુ સમય પસાર કરતી હતી.
કહેવાય છે કે તેણે કોઈ વિશેષ વિધિ દ્વારા આત્માને એક કાચની બોટલમાં બંધ કરી હતી.
પછી એ બોટલને રૂમની એક જાડી દીવાલની અંદર ચણી દેવામાં આવી.
દીવાલ ફરીથી પ્લાસ્ટર કરવામાં આવી.
એમ કે જાણે ત્યાં ક્યારેય કંઈ હતું જ નહીં.
ત્યારબાદ રૂમને કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યો.
મોટું લોખંડનું તાળું લગાવવામાં આવ્યું.
અને રૂમની ચાવી પણ અલગ અલગ જગ્યાએ સુરક્ષિત રાખવામાં આવી.
પરંતુ ભસ્મિદાસે જતા પહેલા એક ચેતવણી આપી હતી.
તેની આંખોમાં એક અજીબ ગંભીરતા હતી.
તે બોલ્યો,
"દીવાલો આત્માને કેદ કરી શકે છે... પરંતુ વેરને નહીં."
"જો ક્યારેય કોઈએ અજાણતાં કે લાલચમાં આવીને આ બંધન તોડ્યું... તો જે આજે કેદ છે, તે ફરીથી મુક્ત થશે."
"ત્યારે જે મુક્ત થશે એની આટલા વરસોની છુપાયેલી શક્તિને કેદ કરવી અશક્ય બની જશે.."
આ શબ્દો સાંભળીને ત્યાં હાજર દરેકના શરીરમાં ડરની એક લહેર ફરી વળી.
ઘટનાઓ બંધ થઈ ગઈ.
મૃત્યુઓ અટકી ગયા.
અને ધીમે ધીમે લોકોનું જીવન ફરી સામાન્ય બનવા લાગ્યું.
પરંતુ ડર પૂરો થયો નહોતો.
કોલેજની ઓળખ હવે ભણતરની સંસ્થા કરતાં વધુ એક અભિશપ્ત સ્થળ તરીકે થઈ ગઈ હતી.
વાલીઓ પોતાના સંતાનોને ત્યાં મોકલવા તૈયાર નહોતા.
વિદ્યાર્થીઓનું પ્રમાણ ઘટતું ગયું.
અને અંતે એક દિવસ...
કોલેજના દરવાજા સદાકાળ માટે બંધ કરી દેવામાં આવ્યા.
સમય આગળ વધતો રહ્યો.
મહિના વર્ષોમાં બદલાયા.
વર્ષો દાયકાઓમાં ફેરવાઈ ગયા.
કોલેજ ધીમે ધીમે ખંડેર બનવા લાગી.
દીવાલો પર કાઈ જામી ગઈ.
બારીઓ તૂટી ગઈ.
કોરિડોરમાં ધૂળ ભરાઈ ગઈ.
અને લોકો પણ ધીમે ધીમે એ જગ્યાને ભૂલવા લાગ્યા.
પરંતુ શહેરના કેટલાક વૃદ્ધ લોકો આજે પણ એક વાત કહેતા હતા—
કે કેટલીક રાત્રિઓમાં, જ્યારે નદીના કાંઠે પવન અસામાન્ય રીતે ગર્જતો હોય...
ત્યારે એ બંધ પડેલી ઇમારતના કોઈ એક રૂમમાંથી ધીમો અવાજ સંભળાય છે.
જાણે કોઈ દીવાલની પાછળથી ખખડાવી રહ્યું હોય.
ટક...
ટક...
ટક...
અને જાણે વર્ષો પછી પણ કોઈ રાહ જોઈ રહ્યું હોય...
કોઈ એવી ભૂલની...
જે તેને ફરી એકવાર મુક્ત કરી દે.
ક્રમશઃ
Dr Dipak Kamejaliya
"શિલ્પી"