મારા બહુ શરૂઆતના લેખો પૈકી એક. એ અમુક સામયિકોમાં આવી પણ ગયેલો. 2017 ઓક્ટોબર આસપાસ લખેલો હાસ્યલેખ. વાંચીને કહો, કેવો લાગ્યો?
મગજને બંધ રાખીને
દુનિયાનું સૌથી મોંઘું સુપર કોમ્પ્યુટર માણસના માથામાં ફિટ કરેલું આવે છે. દુર્ભાગ્યે તેની સાથે યુઝર મેન્યુઅલ નથી આવતું. હા, એના કેટલા ટકા આપણે વાપરીએ છીએ એ પણ સવાલ છે. મગજ પાંચ ટકાથી તો ઓછું જ વાપરી પેટીપેક બનાવનારને પાછું આપીએ છીએ. એને તો સેકન્ડહેન્ડ વેચવા મુકાય નહીં કે ન તો ગિફ્ટ અપાય! નહીં તો એના પણ બ્લેક બોલાતા હોત. ઓનલાઈન એની અદભુત કરામતો બતાવતા વિડિઓ પ્રદર્શિત થતા હોત.
કાવ્યપંક્તિ ‘નયનને બંધ રાખીને..’ માં આંખો બંધ કરી મગજથી જોવાની વાત છે. પણ મગજને જ બંધ રાખીને જોવું, સાંભળવું, સુંઘવું, ચાટવું- કોઈ પણ ઇન્દ્રિય માટે મગજનાં દ્વાર બંધ કરવાની વાત થઈ. નયનને બંધ રાખીને છે એના કરતાં વધારે જરૂર જોવાય. ઉઘાડી આંખોએ તો ડોળા ફાડીને જોવું પડે કે હાથનું નેજવું કરી, આંખો ચુંચી કરી જોવું પડે. મગજથી જોવા પહેલાં તો મગજ જોઈએ અને એની બેટરી ફૂલ ચાર્જ જોઈએ. પસ્તીવાળા કે મીઠાઈવાળાની જેમ બહારનો અને અંદરનો ડ્યુઅલ ડિસ્પ્લે તૈયાર કરવો પડે. તો જ જે જોવું છે તે 'રસ ગળે ને કટકા પડે' તેમ પૂર્ણ લિજ્જતથી જોઈ શકાય.
બંધ મગજે એકવાર જોઈ લો, અંદર રેકોર્ડ કરી લો. પછી જોવું બંધ કરી મગજ ખોલો. અદભુત દેખાશે. ઘણું મગજ ખુદ કહેશે.
તો મગજને બંધ રાખીને શું કરવું? શું થઈ શકે? મગજ બંધ ક્યારે કરવું? એ જ તો આપણે અહીં જોશું.
જાહેર સ્થળ નજીક “દેવોને પણ દુર્લભ” સુગંધ મળતાં જ નાક બંધ કરી, શ્વાસ રોકી ઝડપથી પસાર થઈ જઈએ છીએ, એટલી ક્ષણો મગજ બંધ.નહીં તો ગંધ નાક છોડીને સીધી યાદશક્તિમાં કાયમી પ્લોટ ખરીદી લે.
કોઈ વરઘોડામાં કે રસ્તે મોટા કર્કશ અવાજે વાગતું મ્યુઝિક, કોઈ કંટાળાભર્યું ભાષણ, ફોન પર બોસનું ખખડાવવું- આવે વખતે કાન ચાલુ રાખો, મગજ બંધ રાખો. ફોન પૂરો થયા પછી મગજ પૂછશે, "શું કહ્યું?" કાન જવાબ આપશે, "મને શું ખબર! હું તો માત્ર સાઉન્ડ સિસ્ટમ હતો."
આવા બધા વખતે કાનને તો ચાલુ રહેવું પડે, ”હે કાન ક્યાં રમી આવ્યા?” મગજ કાનને પુછશે, કાન જ્યાં રમવા જેવું લાગે ત્યાં રમીને પરત આવી જશે.
ભીડમાં થતો પરસેવાયુક્ત અણગમતો સ્પર્શ કે કાંઈક અપ્રિય જોવા, સાંભળવા, સ્પર્શવા ઇન્દ્રિયોએ તો ના છૂટકે ચાલુ રહેવું પડે, મગજ બંધ હોય તો અંદર કંઈ વાગતું હોય, ઉબકા આવતા હોય કે જોતાં જ બીજે મોં ફેરવવું પડે એવી અસર નહીં થાય. જોવા માટે તો કહેવત છે જ, “દેખવું નહીં ને દાઝવું નહીં.”
મગજ બંધ રાખીને છે તેના કરતાં વધારે જોવાથી કંઈક વધુ માણી પણ શકાય છે. મનમોહન દેસાઈની ફિલ્મો માટે એ લોકોએ જ કહેલું કે મગજ બહાર મૂકીને જશો તો જ અંદર માણશો. અર્ધા ગીતમાં લાલ અને અર્ધામાં પીળું ફ્રોક કેમ? મારે તેમાં ઢીસ્સુમ અવાજ એટલો મોટો કેમ? માણસ રબરનો છે કે આટલો જમ્પ મારે કંઈ થતું નથી- એવું વિચારો તો માણી ન શકો. એમાં લોજિક શોધવા જશો તો ઇન્ટરવલ પહેલાં જ ફિલ્મ પૂરી થઈ જશે.
ગાંધીજીના ત્રણ વાંદરા ખરેખર મગજ મેનેજમેન્ટના પહેલા કોચ હતા. ખરાબ જોવું નહીં, સાંભળવું નહીં, બોલવું નહીં. આજના જમાનામાં તેમાં ચોથો વાંદરો ઉમેરવો પડે—વોટ્સએપ ફોરવર્ડ વિચાર્યા વગર મોકલવો નહીં.
ખોટું સામે આવે તો પણ મગજમાં જાય નહીં ને મગજમાંથી ખોટું તોપની જેમ બહાર ફેંકાય નહીં. વાંદરાઓ ત્રણેય ઇન્દ્રિયો બંધ કરીને બેઠા છે એમ.
જો કે એની સામે નવીમુંબઈમાં એક પ્રતિ સ્ટેચ્યુ મૂક્યું છે, માઇક્રોફોનમાં બોલતો વાંદરો, દૂરબીન લઈ જોતો અને ત્રીજો ભૂંગળાં લગાવી સાંભળતો વાંદરો. ક્યારેક ઇન્દ્રિયો આ રીતે ખુલ્લી ફાટ હોય તો મગજ બંધ જેવું જ હોય.
મગજ અને હૃદયનું ટ્યુનીંગ જોઈએ. એકવાર બંધ મગજે જોઈ લો, પછી નિરાંતે રિપ્લે થશે જ. એકલાએકલા પણ હસવા જેવું હોય તો હસવું આવશે, યાદ કરી મમળાવવા જેવું હોય તો ફરીફરી મગજથી જોવાશે.
કોઈ સુંદરતાની પ્રતિમા દ્રષ્ટિ સમક્ષ જોઈએ તો તેવા સંજોગોમાં આંખથી જોવાય, પણ અનુભવાય તો મગજથી જ. જોતાં જ માંહ્યલો કીક મારે, ચાર ફૂટ ઉછળે.
“આજ મહારાજ જલ પર ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે” જેવું તો જ લખાય જો પહેલાં બંધ મગજે આસપાસનાં દ્રશ્યોનાં સ્પંદનો આત્મસાત્ કર્યાં હોય. કન્યાકુમારીના અફાટ સાગરમાં ઉગતો સૂર્ય અને ત્રણ રંગના સમુદ્રોનું મિલન, સરદાર સરોવર ડેમનો ગર્જતો વિપુલ જલરાશિ, બારી બહારથી સ્મિત કરતો પુર્ણ ચંદ્ર કે કોઈનું માદક સૌંદર્ય- આ બધું સાથે આવતા કોઈ વિચાર વગર જ માણી શકાય. નયનો બંધ હોય તો બીજી ઇન્દ્રિયો એને ખીજવે- “અમે લઇ ગયા ને તમે રહી ગયા.” તેથી નયનો તો ખુલ્લાં જ હોય પરંતુ મગજ તો ધરાર બંધ જ જોઈએ.
ઘણી વસ્તુઓ ‘નજરઅંદાજ’ કરીએ છીએ તો જ વધારે સુખી થઈએ છીએ એ તો સહુનો અનુભવ છે. એમાં ખરેખર તો મગજને જ બંધ રાખીને જોવું પડે છે. માણવાની, અનુભવવાની ઘણી વસ્તુઓમાં તો બંધ મગજે જ માઈક્રોસેકન્ડમાં પ્રોસેસિંગ થઈ જાય છે. 'છે તેના કરતાં વધારે' દેખાય છે.
ક્યારેક હિમ્મતથી કરવાનાં કામ થોડીવાર માટે બંધ મગજે જ કરવાં પડે. ટ્રાફિક સિગ્નલ 8-7-6 બતાવે છે. અર્જુનની જેમ શરસંધાન કરતો હવાલદાર શિકાર કરવા તત્પર ઉભો છે. તમે 'રાખણહારો રામ છે' કરતા બંધ મગજે ભગાવો- 190-189.. માંથી બચી જાઓ. કદાચ દંડમાંથી પણ
કોઈ યુવાન પુરુષ સુંદર યુવતીને જોતાં જ “તન, મન, ધન સબ હૈ તેરા“ કહેવાનું વિચારે, પણ તે દરમ્યાન જ 'આ મારે માટે કેવી?' એમ થોડુંક વિચારે તો લાભમાં રહે પણ લાં..બા વિચારમાં તો પુષ્પધન્વાનું બાણ નિષ્ફળ થઇ જાય. આમ તો વિશ્વની ગાડીનાં પૈડાં થંભી જાય.
લાંબી લાઈન અને ધક્કામુક્કી બાદ થતાં ઈશ્વરનાં દર્શન વખતે પ્રાર્થના કરો કે હે મગજ, તું થોડી સેકન્ડ બંધ થઈ જજે. ઈશ્વરની મૂર્તિ જોતાં જ આપોઆપ મગજ રેકોર્ડ કરી લેશે. એ વખતે 'બહાર ચંપલનું શું થશે', 'આ ગામમાં બીજું શું જોવા જેવું છે',
પાર્કિંગમાં સ્કૂટર હશે કે નહીં, પ્રસાદમાં શું મળશે, દર્શન બર્શન તો થશે, લાઇનમાં ઊભેલીપેલી સુંદર સ્ત્રી તરફ એક નજર કરી લઈએ..' - આવા વિચારો જ બંધ થઈ જાય.
અને એ બંધ થાય તો જ મગજનાં દ્વાર વગર ધક્કે ખોલી ઈશ્વર પોતાનું સ્થાન ત્યાં જમાવી દેશે.
નળમાં પાણી આવતાં નીચે ડોલ ખાલી હોય તો ભરાય પરંતું બંધ ડ્રમનાં ઢાંકણાં પરથી પાણી વહી જાય તેમ ખાલી કરેલાં મગજમાં સારું સારું ધડધડાટ ભરાય. કશું પણ નવું પામવાની ઈચ્છા હોય તો કુડાકચરા જેવું મગજમાંથી ખાલી કરી નાખો. પછી બહારનું દ્વાર ખોલી અંદરનું દ્વાર થોડીવાર બંધ કરો તો મગજ લેવા જેવું ગ્રહણ કરી લેશે.
એટલે જીવનમાં બધે મગજ ચલાવવું જરૂરી નથી. ક્યાંક ક્યાંક મગજને રજા આપવી પડે. સુંદર દૃશ્ય હોય, સંગીત હોય, પ્રેમ હોય, ભગવાન હોય કે ગરમાગરમ ભજિયાં - પહેલા માણો. વિશ્લેષણ પછી કરજો. નહીં તો ભજિયા ઠંડા થઈ જશે અને જીવન પણ!
જેમ સાત ફેરામાં પાછલા ત્રણ ફેરામાં સ્ત્રી આગળ થઈ પુરુષને ઢસડે છે પછી આખી જિંદગી ઢસડે છે તેમ મગજને જાતે આગળ જવા દો. એ પોતે જ જોઈતું લઇ લેશે. સમસ્યાનો ઉકેલ અકલ્પિત રીતે મળી જશે.
જ્યારે તમને લાગે કે તમે મૂંઝવણમાં છો, થોડી ક્ષણો મગજ બંધ કરી જુઓ. છે તેના કરતાં વધારે જ દેખાશે, અનુભવાશે, આત્મસાત થશે. ઉકેલ પણ આર્કીમીડીઝના ‘યુરેકા યુરેકા’ ની જેમ ‘ન માગે દોડતો’ આવશે. સમસ્યાનો હલ તુરત મળશે.
ઘૂંઘટ કા પટ બંધ કર રે તોસે પિયા મિલેંગે.
-સુનીલ અંજારીયા