aanand nagar in Gujarati Comedy stories by Rupen Patel books and stories PDF | આનંદનગર : પ્રકરણ ૧૦

Featured Books
Categories
Share

આનંદનગર : પ્રકરણ ૧૦

પ્રકરણ ૧૦

  છત્રીનો કાગડો

દૈનિક ચબરાકિયાં:
વરસાદથી બચવા છત્રી જોઈએ અને નેતાઓના વાયદાથી બચવા બુદ્ધિ જોઈએ... પણ પવન જો જોરથી ફૂંકાય, તો છત્રી અને વાયદા—બંને કાગડો થઈ જાય!

જુલાઈની મસ્ત વરસાદી સવાર...

આનંદનગરમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હતો.

ગેટ પાસે ધીરુભાઈ શાકવાળા અને રામજીભાઈ દૂધવાળા છત્રી લઈને ઊભા હતા.

રામજીભાઈ બોલ્યા,

"આજે તો દૂધ કરતાં વરસાદ વધારે વહે છે."

ધીરુભાઈ હસ્યા.

"અને ગ્રાહકો કરતાં છત્રીઓ વધારે દેખાય છે."

એટલામાં હિતેશ પટેલે સોસાયટીના વોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કર્યો.

"આજે સવારે ૯ વાગ્યે ગાર્ડનમાં 'બેસ્ટ છત્રી ડિસ્પ્લે' સ્પર્ધા રાખવામાં આવી છે. જેની છત્રી સૌથી અનોખી હશે તેને આનંદનગર પરિવાર તરફથી જૉરદાર ઇનામ આપવામાં આવશે."

મેસેજ વાંચીને આખી સોસાયટી ઉત્સાહમાં આવી ગઈ.

બરાબર નવ વાગ્યે...

આનંદ નગર નું ગાર્ડન રંગબેરંગી છત્રીઓથી ભરાઈ ગયું.

જાગૃતિ પટેલ પારદર્શક ફૂલવાળી છત્રી લઈને આવી ગયા .

સિમરન ગિલ પોતાની બુટીકમાં તૈયાર કરેલી ગોલ્ડન લેસવાળી ડિઝાઇનર છત્રી લઈને આવી ગયા .

રેણુ શર્મા ગુલાબી રંગની છત્રી સાથે સેલ્ફી લેવામાં વ્યસ્ત હતી.

સુચરિતા મુખર્જીએ પોતાની જાતે જ પેઇન્ટ કરેલી આર્ટિસ્ટિક છત્રી લાવી હતી.

મીનાક્ષી અય્યરની છત્રી પર સરસ દક્ષિણ ભારતીય પરંપરાગત ડિઝાઇન હતી.

મારિયા ફર્નાન્ડિસ રંગબેરંગી રેઇનબો છત્રી લઈને આવી હતી.

પરિઝાદ દારૂવાલા હળવા સ્મિત સાથે જૂની પારસી સ્ટાઇલની છત્રી પકડીને ઊભાં હતાં.

એક ખૂણામાં...

વસંતીબા પોતાની વર્ષો જૂની કાળી લાકડાના હાથાવાળી છત્રી લઈને બેઠાં હતાં.

માણેકલાલ બોલ્યા,

"વસંતી, આ છત્રી કેટલી જૂની હશે?"

વસંતીબા હસ્યાં.

"આ છત્રી કરતાં તો હર્ષિલ પણ નાનો હશે."

આખું ગાર્ડન હસી પડ્યું.

એટલામાં...

ઇમરાન ખાન હાથમાં ચમકતી નવી ઓટોમેટિક છત્રી લઈને આવ્યા.

અયાન બોલ્યો,

"વાહ પપ્પા... કેટલી સરસ છે."

ઇમરાનભાઈ ગર્વથી બોલ્યા,

"આ સામાન્ય છત્રી નથી... ઓટોમેટિક, વિન્ડપ્રૂફ અને સ્પેશિયલ ડિઝાઇન છે."

રુદ્ર ધીમેથી વિવાનને બોલ્યો,

"હવે કંઈક થવાનું છે."

વિવાન હસ્યો.

"તારો અનુભવ બોલે છે."

આરવ, શૌર્ય, ગુરનૂર અને ઓમ છત્રીનું બટન દબાવી દબાવીને જોતા હતા.

ઇમરાનભાઈ બોલ્યા,

"અરે... ધીમે... આ મોંઘી છે."

બરાબર સાડા નવ વાગ્યે...

અચાનક આકાશમાં ગાજવીજ શરૂ થઈ.

જોરદાર પવન ફૂંકાવા લાગ્યો.

ગાર્ડનના ઝાડ ઝૂકવા લાગ્યા.

બાળકો દોડીને ક્લબ હાઉસ તરફ ભાગ્યા.

જાગૃતિની પારદર્શક છત્રી ઊંધી થઈ ગઈ.

સિમરનની ડિઝાઇનર છત્રી હલવા લાગી.

રેણુ શર્માની છત્રી ગાર્ડનમાં ગોળ ગોળ ફરવા લાગી.

પણ...

ઇમરાનભાઈ આત્મવિશ્વાસથી ગાર્ડનની વચ્ચે ઊભા રહ્યા.

"ચિંતા નહીં... આ છત્રીને કંઈ નહીં થાય."

હજુ વાક્ય પૂરું પણ નહોતું થયું...

એટલામાં પવનનો જોરદાર ઝાપટો આવ્યો.

ધડામ...ને....

ફડફડફડ...

છત્રી એકાએક ઊંધી થઈ ગઈ.

ઇમરાનભાઈએ છત્રી છોડવાની ના પાડી.

પવન એમને બે પગલાં આગળ ખેંચી ગયો.

અયાન બૂમ પાડ્યો,

"પપ્પા... છોડી દો."

પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું.

છત્રીના સળિયા તૂટી ગયા.

કાપડ ફાટી ગયું.

અને છત્રીનો કાગડો બનીને સીધો ગાર્ડનના સામેના ઝાડ પર જઈ અટક્યો.

ઇમરાનભાઈ ધબ્બ દઈને ભીના ઘાસ પર બેસી ગયા.

બે સેકન્ડ માટે આખી સોસાયટી ચૂપ થઈ ગઈ.

પછી...

રુદ્ર સૌથી પહેલાં હસવા લાગ્યો.

પછી આરવ...

પછી મનપ્રીત ગિલ...

અને પછી તો આખું આનંદનગર હાસ્યથી ગુંજી ઊઠ્યું.

મનપ્રીત ગિલ હસતાં હસતાં બોલ્યા,

"ઓય ઇમરાન પાજી... છત્રી ઉડી ગઈ કે પેરાશૂટ બની ગયું?"

ઇમરાનભાઈ પણ હસવા લાગ્યા ને...

એટલામાં બાબુલાલ પોતાની જૂની કાળી છત્રી લઈને આવ્યા.

"લો સાહેબ... આ દેશી છત્રી પકડી લો."

માણેકલાલ બોલ્યા,

"બાબુલાલની છત્રી પર GST પણ લાગતો નહીં હોય."

રૂસ્તમ દારૂવાલા ઉમેર્યા,

"અને વોરંટી જીવનભરની."

હર્ષિલ મહેતાએ જાહેરાત કરી,

"આજની બેસ્ટ છત્રીનો એવોર્ડ જાય છે..."

બધા શાંત થઈ ગયા.

"...બાબુલાલની દેશી કાળી છત્રીને."

તાળીઓનો ગડગડાટ થયો.

"અને..."

હર્ષિલ ફરી બોલ્યા.

"'છત્રીનો સૌથી મોટો કાગડો' સ્પેશિયલ એવોર્ડ..."

બધા એકસાથે બોલ્યા,

"ઇમરાન ખાન!"

ઇમરાનભાઈ ઊભા થઈને નાટકીય અંદાજમાં બોલ્યા,

"હું આ પવન સામે અપીલ કરું છું."

રુદ્ર બોલ્યો,

"પહેલા ઝાડ પરથી તમારી છત્રી તો ઉતારાવો."

ફરી એકવાર આખું આનંદનગર હાસ્યથી ગુંજી ઊઠ્યું.

વરસાદ હજુ પણ વરસી રહ્યો હતો...

પણ આનંદનગરમાં આજે વરસાદ કરતાં વધુ હાસ્ય વરસ્યું હતું.

📝 **માણેકલાલની ડાયરી**

> **"છત્રી હોય કે સંબંધ... બંનેમાં દેખાડા કરતાં મજબૂત આધાર વધારે જરૂરી હોય છે. વાવાઝોડું આવે ત્યારે બ્રાન્ડ નહીં, મજબૂતી કામ આવે છે."**