Panchika in Gujarati Moral Stories by joshi jigna s. books and stories PDF | પાંચીકા

Featured Books
Categories
Share

પાંચીકા

                          પાંચીકા

          શાળામાં વિશ્રાંતિનો સમય પૂર્ણ થતા ઘંટ રણક્યો. સૌ પોતપોતાના વર્ગખંડમાં ગોઠવાતા ગયા. આશરે પાંચ સાત મિનિટ થઈ હશે ત્યાં તો નીતા રડતી રડતી વર્ગખંડમાં પ્રવેશી અને તેની સાથે અમારા વર્ગ શિક્ષિકા શ્રી અન્નપૂર્ણાબેન પ્રવેશ્યા. તેમની દરરોજની ટેવ મુજબ તેમને ચશ્માંનાં કાચની ઉપરની બાજુએથી આખા વર્ગમાં નજર ફેરવી  કડક અવાજમાં સૂચના આપી “નીતા ના ₹50 ગુમ થયા છે જેને મળ્યા હોય અથવા જેણે લીધા હોય તે આપી દયો નહીંતર તમારે સૌની સ્કૂલ બેગ તપાસવામાં આવશે. ” આખા વર્ગમાં થોડીવાર શાંતિ થઈ ગઈ કોઈ કશું જ ના બોલ્યું એટલે નિર્ણય લેવામાં આવ્યો કે બંને વર્ગ પ્રતિનિધિ તમામ વિદ્યાર્થીનીઓના સ્કૂલ બેગ તપાશે.

       થોડીવારમાં તમામ સ્કૂલબેગ તપાસાઈ ગઈ નીતા ના ₹50 તો ના મળ્યા પરંતુ સ્કૂલબેગમાંથી નીકળેલી નકામી વસ્તુઓનો ( અભ્યાસમાં મદદરૂપ ન હોય તેવી ) ઢગલો થઈ ગયો. જેની સ્કુલ બેગમાંથી નકામી વસ્તુઓ નીકળી હતી તેનાં નામ લખવામાં આવ્યા. આ નકામી વસ્તુઓમાં ચૂંઈગ ગમ, ખાટી આમલી, કચુકા, ખાલી માચીસ બોક્સ,વર્તુળ દોરવા માટે પ્લાસ્ટિકની બંગડી વગેરે........ ઘણું હતું. આ નકામી વસ્તુ સાથે મારા શરતમાં જીતેલા પાંચીકા પણ જપ્ત થઈ ગયા હતા.

       વર્ગ શિક્ષિકા જેની સ્કૂલબેગમાંથી નકામી વસ્તુઓ નીકળી હતી તેમના નામ બોલતા ગયા અને તેમની વસ્તુઓ પરત કરી ઠપકો આપતા ગયા કે હવેથી સ્કૂલબેગમાં આવી વસ્તુઓ નહીં રાખવાની. મારું નામ ક્યારે બોલાઈ ગયું એનું મને ધ્યાન જ ન રહ્યું કેમ કે પાંચીકા જપ્ત થતા જ વર્ગની ટેબલ પર મૂકવામાં આવ્યા હતા. મારી નજર પાંચીકા પર અને દિમાગ પાંચીકા પાછા નહીં મળે તો તેની ચિંતા માં તંગ હતું.

            દરરોજ વિશ્રાંતિ સમયમાં અમારે આઠ બહેનપણીઓ નું ગ્રુપ પાંચીકા  રમતું હું આ રમતમાં નબળી પુરવાર થતી. બહેનપણીઓ મને ચીડવતી. એક દિવસ મનમાં  દ્રઢ નિશ્ચય કર્યો કે આજે તો ગમે તે થાય હું પાંચીકા જીતીને જ રહીશ. મગજમાં વિશ્રાંતિના સમય થી 30 મિનિટ અગાઉ જ ગેમ પ્લાનિંગ શરૂ થઈ ગયું હતું. અંતે નક્કી થયું કે વિશ્રાંતિમાં નાસ્તો કરી લીધા બાદ રમવા માટે સમય ઓછો મળે એટલે દરરોજ બે જણને રમવાનું જે જીતે એ પાંચીકા પોતાની પાસે રાખે અને બીજા દિવસે જેની પાસે પાંચીકા હોય એ બીજા હરિફ સાથે રમે. આમ ને આમ જે બધાને હરાવે  પાંચીકા કાયમ  માટે એની માલિકીનાં.

              દરરોજ એક હરિફ....... હું એક દિવસ જીતી....... બીજા દિવસે જીતી..... આમ મને જીત ની આદત પડવાં  લાગી...... મૂળ તો  પાંચીકા જીતી તેને કાયમ માટે મારી પાસે જ રહે તેવો મારો નિશ્ચય હતો અને મારું સ્વપ્ન. આમ પણ આ શાળામાં મારો છેલ્લો વર્ષ હતો અને પછી બધી જ બહેનપણીઓ છૂટી પડી જવાની  કેમકે શાળામાં ધોરણ 10 સુધીનાં જ અભ્યાસના વર્ગ હતા. ખરેખર હું મારી  સાત બેનપણીઓને હરાવી પાંચીકા જીતીને જ રહી. જીતેલા ( જપ્ત થયેલા ) પાંચીકા મારા માટે વિશ્વ કપની ટ્રોફીથી કમ ન હતા.

            હું દરરોજ સવારે સ્કૂલબેગ ઉપાડું  એટલે પાંચીકા ને વ્હાલથી હાથમાં ફેરવું. સાંજે ગૃહ કાર્ય પૂર્ણ થયા બાદ બીજા દિવસ માટે સ્કૂલ બેગ ગોઠવતી વખતે પણ પાચિકાને વહાલથી હાથમાં લઇ સ્કૂલ બેગમાં એની નક્કી કરેલી જગ્યાએ મૂકી દઉં.

            દરેકને ઠપકો આપી વર્ગ શિક્ષકે તેમની વસ્તુઓ પાછી આપતા આપતા સૌથી છેલ્લે મારું નામ બોલ્યા. ટેબલ પર હવે માત્ર મારાજ પાંચીકા  બાકી રહ્યા હતા  બાકીની જપ્ત થયેલ બધી જ વસ્તુ પરત અપાઈ ગઈ હતી. વર્ગ શિક્ષકે મને બોલાવી પાંચીકા પાછા આપી ઠપકો આપ્યો ત્યારે મને એમ થયું કે જાણે મારી અમૂલ્ય જણસ ચોર ચોરી ગયો ને પાછા મારા ઘરે જ મૂકી ગયો. મેં ઝડપથી પાંચીકા લઈ મારી સ્કૂલ બેગ નો એક મોટો ખિસ્સો જેનો અસ્તર અંદરથી ફાટી ગયેલો હતો તેના કાંણા માંથી પાંચીકા સ્કૂલ બેગમાં ઝડપથી સાચવીને સંતાડીને મૂકીbદીધા. મારા માટે એ મારે જાણસ  સાચવવાનું ચોરખાનું સાબિત થયું જેથી પાંચીકા બીજી વાર કોઈના પણ હાથમાં ન આવે.

             જો બીજી વાર કોઈ મારી સ્કૂલ બેગમાં હાથ નાખે અથવા તપાસે  તો તેને મારા પાંચીકા મળે જ નહીં. આ ઘટના બાદ હું વિશ્રાંતિમાં પણ મારી સ્કૂલ બેગ મારી સાથે જ રાખતી થઈ ગઈ. આજે મારી જૂની ફાટેલી સ્કુલ બેગ મને મારા બેંકના લોકર જેવી  લાગતી હતી જેમાં મારા પાંચીકા ફાટેલા અસ્તરના બાકોરા માં બિલકુલ સુરક્ષિત હતા.

         ધોરણ નવ માં સારા ટકા સાથે એ ગ્રેડ મેળવી પાસ થઈ  ધોરણ 10 માં પ્રવેશ કર્યો ત્યારથી હું દરરોજ ઘરે નવી  સ્કૂલ બેગ લેવાની જીદ કરતી પરંતુ સમગ્ર ઘરની જવાબદારી એક પિતાજીના જ ખભે હોવાથી મારી નવી સ્કૂલબેગ લેવાનું મુહુર્ત ઠેલાતું જ ગયું અને એ જ જૂની  ફાટેલા અસ્તર વાળી સ્કુલ બેગ આખું શૈક્ષણિક વર્ષ વાપરી લેવાનું એવું પિતાજીએ મને લાગણીવશ અને આંખોમાં મજબૂરી સાથે ફરમાન કરેલું. એજ જૂની સ્કુલ બેગ ના ખિસ્સાનો ફાટેલો અસ્તર મારા માટે તિજોરી સાબિત થયો. આજે પણ મારી જૂની સ્કુલ બેગ અને એનાં લોકરમાં સાચવેલા મારા પાંચીકા મેં મારી જણશ ની જેમ સાચવી રાખેલાછે. એ પાંચીકા અને  સ્કુલ બેગ મને મારી શાળા અને મારી બહેનપણીઓનો સહવાસ યાદ અપાવે છે......... મારી ઝળહળથી જીતની અમુલ્ય ટ્રોફી....... મારાં પાંચીકા.....