Friendship in Gujarati Motivational Stories by Sanjay Sheth books and stories PDF | મિત્રતા

Featured Books
Categories
Share

મિત્રતા

મિત્રતા: જીવનને સમૃદ્ધ બનાવતો સૌથી અમૂલ્ય સંબંધ

જીવનમાં માણસ અનેક સંબંધો સાથે જન્મે છે. માતા-પિતા, ભાઈ-બહેન, દાદા-દાદી જેવા સંબંધો તેને કુદરત તરફથી ભેટ સ્વરૂપે મળે છે. ત્યારબાદ જીવન આગળ વધે છે અને લગ્ન પછી જીવનસાથી જેવા નવા સંબંધો જોડાય છે. પરંતુ આ બધા સંબંધોની વચ્ચે એક એવો સંબંધ છે, જે ન તો જન્મથી મળે છે, ન તો કોઈ કાયદાકીય કરારથી બંધાય છે અને ન તો સમાજ તેને ફરજ તરીકે સ્વીકારે છે. તે સંબંધ છે મિત્રતાનો.

મિત્રતા માત્ર બે વ્યક્તિઓ વચ્ચેનો પરિચય નથી. તે બે હૃદય વચ્ચેનું એવું બંધન છે, જે વિશ્વાસ, લાગણી અને નિઃસ્વાર્થ પ્રેમના પાયા પર ઊભું રહે છે. સાચી મિત્રતા ત્યાં શરૂ થાય છે જ્યાં સ્વાર્થનો અંત આવે છે. જ્યાં કોઈ અપેક્ષા વગર એકબીજાના સુખમાં ખુશ થવાની અને દુઃખમાં ખભે ખભો મિલાવી ઊભા રહેવાની ભાવના હોય છે.

આજના યુગમાં સોશિયલ મીડિયા પર હજારો "ફ્રેન્ડ્સ" હોય છે, પરંતુ સાચા અર્થમાં મિત્ર કેટલા હોય છે? જન્મદિવસ પર હજારો શુભેચ્છાઓ મળી શકે, પરંતુ જ્યારે જીવનની સૌથી મુશ્કેલ ઘડી આવે ત્યારે દરવાજો ખખડાવીને પૂછે કે, "બોલ, હું શું કરી શકું?" એવી વ્યક્તિઓ બહુ ઓછી હોય છે. એ જ લોકો સાચા મિત્રો હોય છે.

મિત્રતાની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ ઔપચારિકતા હોતી નથી. મિત્ર સામે આપણે જે છીએ તેવા જ રહી શકીએ છીએ. પોતાની કમજોરીઓ છુપાવવાની જરૂર પડતી નથી. આંખોમાં આંસુ હોય તો પણ શબ્દો વગર મિત્ર સમજી જાય છે કે કંઈક ખોટું છે. ઘણી વખત મિત્રતામાં મૌન પણ લાંબી વાતચીત કરતાં વધારે બોલી જાય છે.

ભારતીય સંસ્કૃતિમાં મિત્રતાનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ ભગવાન શ્રીકૃષ્ણ અને સુદામાની મિત્રતા છે. એક તરફ દ્વારકાના રાજા અને બીજી તરફ ગરીબ બ્રાહ્મણ. સંપત્તિ, હોદ્દો અને જીવનશૈલીમાં ખૂબ મોટો તફાવત હોવા છતાં મિત્રતામાં ક્યારેય અંતર આવ્યું નહીં. જ્યારે સુદામા કૃષ્ણને મળવા ગયા ત્યારે તેમણે કંઈ માગ્યું નહોતું, છતાં કૃષ્ણે તેમના પગ ધોઈને આખી દુનિયાને શીખવ્યું કે મિત્રની કિંમત તેના કપડાં કે સંપત્તિથી નહીં, પરંતુ તેના હૃદયથી થાય છે. આ પ્રસંગ આજે પણ આપણને શીખવે છે કે સાચા સંબંધો પૈસાથી નહીં, પ્રેમથી જીવંત રહે છે.

સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, લોકોના હોદ્દા બદલાય છે, પરંતુ સાચી મિત્રતા બદલાતી નથી. ઘણા મિત્રો એવા હોય છે કે વર્ષો સુધી મુલાકાત ન થાય, છતાં જ્યારે ફરી મળે ત્યારે એવું લાગે કે જાણે ગઈકાલે જ વિદાય લીધી હોય. કારણ કે અંતર શરીરો વચ્ચે આવે છે, હૃદયો વચ્ચે નહીં.

આધુનિક જીવનમાં એક બીજી સુંદર વાત સમજવાની જરૂર છે. લગ્ન પછી જો પતિ અને પત્ની માત્ર જીવનસાથી નહીં, પરંતુ એકબીજાના શ્રેષ્ઠ મિત્ર બની જાય તો જીવનની અડધી સમસ્યાઓ આપમેળે દૂર થઈ જાય. જ્યાં મિત્રતા હોય ત્યાં અહંકાર રહેતો નથી. મતભેદ થાય તો પણ મનભેદ થતા નથી. કારણ કે બંનેને ખબર હોય છે કે દલીલ જીતવા કરતાં સંબંધ બચાવવો વધારે મહત્વનો છે. જીવનસાથી જ્યારે મિત્ર બની જાય છે ત્યારે ઘર માત્ર રહેવાની જગ્યા નહીં રહે, પરંતુ મનને શાંતિ આપતું આશ્રયસ્થાન બની જાય છે.

આજની સૌથી મોટી સમસ્યા એ છે કે લોકો સંબંધો કરતાં સફળતા પાછળ વધારે દોડે છે. આખી જિંદગી પૈસા કમાવવામાં પસાર કરી દે છે, પરંતુ અંતે સમજાય છે કે પૈસા હોસ્પિટલમાં સાથ આપી શકે, પરંતુ માથા પર પ્રેમથી હાથ ફેરવવા માટે તો કોઈ પોતાનું જ જોઈએ. જીવનના છેલ્લા પડાવ પર માણસને પોતાની સંપત્તિ યાદ નથી આવતી, પરંતુ તેને યાદ આવે છે તે લોકો, જેમણે નિઃસ્વાર્થ પ્રેમ આપ્યો હતો અને દરેક પરિસ્થિતિમાં તેની સાથે ઊભા રહ્યા હતા.

ઘણા સુંદર સંબંધો માત્ર એક જ કારણથી તૂટી જાય છે કારણ એક માત્ર અહંકાર. "પહેલા તે ફોન કરે", "હું કેમ માફી માંગુ?", "ભૂલ તો તેની હતી." આવા વિચારો ધીમે ધીમે સંબંધોને ખોખલા બનાવી દે છે. યાદ રાખવું જોઈએ કે સાચા સંબંધોમાં જીતવાનું મહત્વનું નથી, સંબંધ ટકાવી રાખવો મહત્વનો છે. ક્યારેક સાચા હોવા છતાં ચૂપ રહી જવું પણ મિત્રતાની જીત હોય છે.

મિત્રતા માત્ર સુખના દિવસોમાં સાથે હસવાનું નામ નથી. સાચી મિત્રતા ત્યારે ઓળખાય છે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે. જ્યારે નોકરી જતી રહે, વ્યવસાયમાં નુકસાન થાય, બીમારી ઘેરી લે અથવા આખી દુનિયા પીઠ ફેરવી લે, ત્યારે જે વ્યક્તિ તમારી બાજુમાં ઊભી રહે, તે જ સાચો મિત્ર કહેવાય. મુશ્કેલ સમય મિત્રોની સંખ્યા નહીં, પરંતુ તેમની સાચી ઓળખ કરાવે છે.

આપણે જીવનમાં એક સંકલ્પ કરવો જોઈએ કે સંપત્તિ સાથે સંબંધો પણ કમાવવા. વર્ષમાં એક દિવસ નહીં, પરંતુ સમયાંતરે પોતાના મિત્રોને મળવું, તેમની ખબર પૂછવી, તેમની ખુશીમાં સામેલ થવું અને તેમના દુઃખમાં સહભાગી બનવું. કારણ કે સમય એકવાર પસાર થઈ જાય પછી પાછો આવતો નથી, પરંતુ તે સમય દરમિયાન બનાવેલા સંબંધો આખી જિંદગી યાદ રહે છે.

મિત્રતા એ જીવનનું એવું વૃક્ષ છે, જે વિશ્વાસના પાણીથી ઉગે છે, લાગણીના ખાતરથી લીલુંછમ રહે છે અને સમયની આંધીઓમાં પણ અડીખમ ઊભું રહે છે. જો તમારા જીવનમાં એક પણ એવો મિત્ર છે, જે તમારી સફળતા જોઈને દિલથી ખુશ થાય અને તમારા દુઃખમાં તમારી આંખો પહેલાં ભીની થઈ જાય, તો સમજી લેજો કે તમે દુનિયાની સૌથી મોટી સંપત્તિના માલિક છો.

આવતીકાલે જ્યારે તમે "હેપ્પી ફ્રેન્ડશિપ ડે" કહો, ત્યારે માત્ર શુભેચ્છા મોકલીને ફરજ પૂરી ન કરો. એક મિત્રને ફોન કરો, તેને મળો, તેની સાથે થોડો સમય વિતાવો અને તેને એટલું જરૂર કહો કે, "તું મારા જીવનમાં છે, એટલે મારી સફર વધુ સુંદર બની છે."

કારણ કે અંતે જીવનમાં યાદ રહે છે તે સફળતા નહીં, સંપત્તિ નહીં, પરંતુ એવા લોકો, જેમણે નિઃસ્વાર્થ રીતે આપણો હાથ પકડીને જીવનની સફર સરળ બનાવી હતી.

મિત્રતા એ જીવનની સૌથી મોટી મૂડી છે. તેને સાચવો, તેને સમય આપો અને તેને ક્યારેય અહંકારની ભેટ ચઢવા ન દો. કારણ કે પૈસા ફરીથી કમાઈ શકાય છે, પરંતુ સાચો મિત્ર ફરીથી મળવો ખૂબ મુશ્કેલ છે.

– સંજય શેઠ
મિત્રતા