#નિર્ભયા
ભાગ 6 ફાસ્ટ ટ્રેક કોર્ટ અને રામ સિંહનું રહસ્યમય મોત
જાન્યુઆરી ૨૦૧૩ની શરૂઆત સાથે જ દેશનો આક્રોશ હજી શમ્યો નહોતો. લોકો રસ્તા પરથી હટ્યા હતા પણ તેમની નજર હવે કોર્ટના દરવાજા પર સ્થિર હતી. સામાન્ય રીતે ભારતમાં બળાત્કાર અને હત્યાના કેસો વર્ષો સુધી ચાલતા હોય છે, પણ આ કેસ સામાન્ય નહોતો. પ્રજાના ભારે દબાણ અને કાયદાકીય કટોકટીને ધ્યાનમાં રાખીને દિલ્હીના સાકેત કોર્ટ કોમ્પ્લેક્સમાં એક વિશેષ ફાસ્ટ ટ્રેક કોર્ટ (Fast Track Court) ની સ્થાપના કરવામાં આવી. ન્યાયમૂર્તિ યોગેશ ખન્નાની અદાલતમાં આ ઐતિહાસિક મુકદ્દમો શરૂ થયો.૩ જાન્યુઆરી ૨૦૧૩ના રોજ દિલ્હી પોલીસે કોર્ટમાં હજારો પાનાની એક અત્યંત મજબૂત અને વૉટર-ટાઇટ ચાર્જશીટ (Charge sheet) દાખલ કરી. આ કેસમાં ૬ આરોપીઓ સામે સામૂહિક બળાત્કાર, અપહરણ, પુરાવાનો નાશ અને નિર્ભયાની હત્યા (IPC સેક્શન ૩૦૨) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. આખા દેશના વકીલોએ એક અનોખો અને ઐતિહાસિક નિર્ણય લીધો કે, "માનવતાના નાતે આ નરાધમો તરફથી કોઈ પણ વકીલ કેસ નહીં લડે." જો કે, કાનૂની જોગવાઈ મુજબ આરોપીઓને પોતાનો પક્ષ રાખવાની તક આપવી ફરજિયાત હોવાથી, કોર્ટે તેમને સરકારી ખર્ચે વકીલ (Amicus Curiae) ફાળવ્યા. કોર્ટરૂમની અંદર વાતાવરણ એટલું ગંભીર અને તણાવપૂર્ણ રહેતું કે સામાન્ય લોકોને અંદર જવાની પરવાનગી નહોતી, કેસની સુનાવણી ગુપ્ત રીતે (In-camera proceedings) દરરોજ ચાલવા લાગી.
આરોપીઓની ધરપકડ બાદ તેમને એશિયાની સૌથી મોટી અને કડક ગણાતી દિલ્હીની તિહાર જેલ (Tihar Jail) માં મોકલવામાં આવ્યા હતા. આખા કેસનો મુખ્ય સૂત્રધાર, કાવતરાખોર અને બસનો ડ્રાઈવર હતો રામ સિંહ. તે એટલો ઘાતકી અને નરપિશાચ જેવો માણસ હતો કે જેલના અન્ય કેદીઓ પણ તેને જોઈને નફરતથી થૂંકતા હતા. જેલ પ્રશાસનને ડર હતો કે અન્ય કેદીઓ જેલની અંદર જ આ નરાધમોની હત્યા કરી નાખશે, એટલે છએય જણાને હાઈ-સિક્યોરિટી સેલમાં અલગ-અલગ રાખવામાં આવ્યા હતા.રામ સિંહને જેલ નંબર-૩ ના વોર્ડ નંબર-૭ ના એક સ્પેશિયલ સેલમાં રાખવામાં આવ્યો હતો. આ સેલની બહાર ૨૪ કલાક જેલ ગાર્ડ્સ તૈનાત રહેતા અને સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવતી હતી. રામ સિંહ કોર્ટની સુનાવણી દરમિયાન ખૂબ જ ડરેલો રહેતો હતો, કારણ કે કાયદાકીય પુરાવાઓ એટલા મજબૂત હતા કે તેને સમજાઈ ગયું હતું કે ફાંસીના માચડા સિવાય તેનો કોઈ અંત નથી. જેલના સત્તાવાળાઓના જણાવ્યા મુજબ, તે જેલમાં અવારનવાર એકલો-એકલો બબડતો, રડતો અને માનસિક સંતુલન ગુમાવી રહ્યો હતો.
જ્યારે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહ્યો હતો, ત્યારે ૧૧ માર્ચ ૨૦૧૩ની વહેલી સવારે તિહાર જેલની અંદર એક એવી ઘટના ઘટી જેણે આખા દેશના ન્યાયતંત્ર અને જેલ પ્રશાસનની ઊંઘ ઉડાડી દીધી.વહેલી સવારે લગભગ ૫:૪૫ વાગ્યે જ્યારે જેલ ગાર્ડે રામ સિંહના સેલનો દરવાજો ખોલ્યો, ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને તેના હોશ ઉડી ગયા. રામ સિંહ સેલની અંદર લોખંડની ગ્રીલ સાથે પોતાની જ લૂંગી (અથવા દોરડા જેવી વસ્તુ) ના ફાંસા પર લટકેલો હતો. તેનું શરીર એકદમ ઠંડું પડી ગયું હતું. ડૉક્ટરોએ તેને તપાસીને મૃત જાહેર કર્યો. હાઈ-સિક્યોરિટી જેલમાં, જ્યાં ૨૪ કલાક સુરક્ષા હોય, ત્યાં આખા કેસનો મુખ્ય આરોપી ફાંસી લગાવી લે, એ એક બહુ મોટો સવાલ હતો.આ સમાચાર વાયુવેગે દેશભરમાં ફેલાઈ ગયા. મીડિયા અને કાનૂની વર્તુળોમાં હોબાળો મચી ગયો. રામ સિંહના પરિવારે અને તેના વકીલે તુરંત આક્ષેપ કર્યો કે આ આત્મહત્યા નથી, પણ જેલની અંદર સુનિયોજિત રીતે કરાયેલી "રહસ્યમય હત્યા" છે. તેમના મતે, રામ સિંહના એક હાથમાં કાયમી ઈજા (રોડ બેઠેલો) હોવાથી તે એક હાથે ક્યારેય એટલી ઊંચી ગ્રીલ પર ફાંસો ખાઈ શકે જ નહીં. વળી, તે જે સેલમાં હતો ત્યાં તેની સાથે અન્ય ૩ કેદીઓ પણ સૂતા હતા, તો કોઈને ખબર કેમ ન પડી?
રામ સિંહના આ રહસ્યમય મોતના કારણે ન્યાયિક મેજિસ્ટ્રેટ દ્વારા જેલની અંદર મોટી તપાસ (Judicial Inquiry) બેસાડવામાં આવી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સત્તાવાર રીતે મૃત્યુનું કારણ 'ગૂંગળામણ' (Asphyxia due to hanging) એટલે કે આત્મહત્યા જ દર્શાવવામાં આવ્યું. પણ આ ઘટનાએ નિર્ભયાના માતા-પિતાને ભારે આઘાત આપ્યો. નિર્ભયાના માતા આશા દેવીએ મીડિયા સમક્ષ રડતા વદને આક્રોશ ઠાલવ્યો કે, "રામ સિંહ જેલની અંદર આ રીતે મરીને કાયદાની સજાથી બચી ગયો. હું ઈચ્છતી હતી કે તેને કોર્ટ સત્તાવાર રીતે ફાંસીના માચડે લટકાવે અને તે ન્યાય આખો દેશ જુએ. આ જેલ પ્રશાસનની ઘોર બેદરકારી છે."કાનૂની દ્રષ્ટિએ રામ સિંહના મોત બાદ તેની સામેનો મુકદ્દમો (Abated) બંધ કરવામાં આવ્યો. હવે કોર્ટ સામે બાકીના પાંચ આરોપીઓનો કેસ ચલાવવાનો પડકાર હતો. રામ સિંહ ભલે કાયદાકીય ફાંસીથી બચી ગયો, પણ તેના મોતે જેલની અંદર બંધ બાકીના દોષિતોના મનમાં મોતનો એવો ખોફ પેદા કરી દીધો કે તેઓ ધ્રૂજી ઉઠ્યા. આખા દેશને સમજાઈ ગયું કે પાપનો રસ્તો ગમે તેટલો મોટો હોય, તેનો અંત કાયમ ભયાનક અને કાળો જ હોય છે.
નિર્ભયા (સામાજિક અને કાનૂની જાગૃતિ માટે વિશેષ પ્રકરણ). આ આલેખન દિલ્હી પોલીસની સત્તાવાર તપાસ અને ઇતિહાસની સત્યઘટના પર આધારિત છે."
#કૃષ્ણસખી
#ગુજરાતીસાહિત્ય
#MansiDesaiShastriNiVartao