My life experiences in English Motivational Stories by પરમાર ક્રિપાલ સિંહ books and stories PDF | મૃત્યુ

Featured Books
Categories
Share

મૃત્યુ

અંતિમ અભિનય... 

 
મૃત્યુ... આ શબ્દ સાંભળતાં જ મનમાં એક અજાણી શાંતિ અને સાથે એક ઊંડો ભય ઉતરી આવે છે. પરંતુ જો જીવનને થોડું નજીકથી જોઈએ તો સમજાય છે કે મૃત્યુ અંત નથી, પરંતુ આ ધરતી પરના આપણા પર્ફોમન્સનો અંતિમ પડાવ છે. આપણે જન્મથી જ એક મંચ પર આવી જઈએ છીએ. કોઈને પુત્રની ભૂમિકા મળે છે, કોઈને પુત્રીની, કોઈ પતિ બને છે, કોઈ પત્ની, કોઈ મિત્ર, કોઈ શત્રુ અને કોઈ અજાણ્યો બનીને પણ આપણા જીવનની વાર્તામાં એક નાનું પાત્ર ભજવી જાય છે.
 
આ મંચ પર આપણે આખી જિંદગી કંઈક મેળવવા દોડીએ છીએ. પૈસા, ઘર, પ્રતિષ્ઠા, સંબંધો, સત્તા, સફળતા અને લોકોની સ્વીકૃતિ... ક્યારેક એવું લાગે છે કે આ બધું જ જીવન છે. પરંતુ એક દિવસ અચાનક પડદો પડવાનો સમય આવી જાય છે. ત્યારે આપણું બેંક બેલેન્સ કોઈ અર્થ રાખતું નથી, મોટું ઘર આપણું રહેતું નથી, હોદ્દો કોઈ કામ આવતો નથી અને જે લોકો માટે આપણે આખી જિંદગી પોતાની જાતને થકવી નાખી હતી, તેઓ પણ માત્ર એક યાદ બની જાય છે.
 
મૃત્યુની સૌથી મોટી સચ્ચાઈ કદાચ એ છે કે તે આપણને બધું છોડવાનું શીખવે છે. સુખ અહીં જ રહી જાય છે, દુઃખ પણ અહીં જ રહી જાય છે. જેને આપણે દિલથી પ્રેમ કર્યો હતો, તેનો સ્પર્શ યાદ બની જાય છે. જેને તિરસ્કાર કર્યો હતો, તેની સાથેના કડવા શબ્દો પણ પાછળ રહી જાય છે. વર્ષો સુધી મનમાં રાખેલી ફરિયાદો, અહંકાર, ઈર્ષ્યા અને બદલો લેવાની ઇચ્છા બધું જ એક ક્ષણમાં નિરર્થક બની જાય છે.
 
કેટલી અજબ વાત છે ને? જીવતા હોઈએ ત્યારે માણસ કહે છે, “મારું ઘર”, “મારા પૈસા”, “મારા લોકો”, “મારી સફળતા”. પરંતુ મૃત્યુ પછી એ જ વસ્તુઓ કોઈ બીજા માટે “મારું” બની જાય છે. જે ખુરશી પર બેસીને આપણે નિર્ણયો લીધા હતા, ત્યાં કોઈ બીજું બેસે છે. જે ઘરને આપણે પોતાનું માન્યું હતું, ત્યાં કોઈ બીજાની હાસ્યધ્વનિ સંભળાય છે. અને જે શરીરને આપણે આખી જિંદગી સજાવ્યું, સાચવ્યું અને ઓળખાણ બનાવી એ જ શરીર એક દિવસ પાંચ તત્વોમાં વિલીન થઈ જાય છે.
 
તો પછી જીવનનો અર્થ શું છે?
 
કદાચ જીવનનો અર્થ વધુ મેળવવામાં નથી, પરંતુ જે મળ્યું છે તેને અનુભવવામાં છે. કદાચ જીવનનો અર્થ દુનિયાને જીતવામાં નથી, પરંતુ પોતાના અંદરના અહંકારને હરાવવામાં છે. કદાચ સાચી સફળતા એ નથી કે કેટલા લોકો તમને ઓળખે છે, પરંતુ તમે કેટલા લોકોના હૃદયમાં માનવતા બનીને જીવ્યા છો.
 
આપણે ઘણીવાર નાની નાની બાબતોને લઈને સંબંધો તોડી નાખીએ છીએ. કોઈના એક શબ્દથી વર્ષોનો સંબંધ ભૂલી જઈએ છીએ. કોઈની ભૂલને માફ કરતા નથી. કોઈને ફોન કરવાનો અહંકાર રાખીએ છીએ. “પહેલા એ વાત કરે પછી હું કરીશ” એવી રાહ જોતા રહીએ છીએ. પરંતુ મૃત્યુ કોઈને સમય આપતું નથી કે અધૂરી વાત પૂરી કરી શકે.
 
ક્યારેક કોઈ વ્યક્તિ આપણાથી માત્ર થોડા શબ્દો દૂર હોય છે અને આપણે એ શબ્દો બોલતા નથી. “માફ કરજે”, “હું તને પ્રેમ કરું છું”, “તું મારા માટે મહત્વનો છે”, “ચાલ, ફરીથી શરૂઆત કરીએ...” આવા શબ્દો આપણે રોકી રાખીએ છીએ. પછી એક દિવસ ખબર પડે છે કે સામેનો માણસ હવે સાંભળવા માટે હાજર જ નથી. એ ક્ષણે સમજાય છે કે જીવનમાં સૌથી મોટું નુકસાન પૈસાનું નથી હોતું... અધૂરી રહી ગયેલી લાગણીઓનું હોય છે.
 
મૃત્યુ આપણને એક અદ્ભુત પ્રશ્ન પૂછે છે જો આજે રાત્રે આ જીવનનું અંતિમ પાનું હોય, તો શું આપણે આજનો દિવસ આ જ રીતે જીવવા માંગીએ છીએ? શું આજે પણ એ જ ગુસ્સો રાખીશું? શું આજે પણ કોઈ પ્રિયજન સાથે વાત નહીં કરીએ? શું આજે પણ નાની નાની બાબતો માટે દુઃખી રહીશું? કે પછી જીવનને એક છેલ્લી તક સમજીને દિલથી જીવી લઈશું?
 
જીવન ખરેખર એક પર્ફોમન્સ છે. અહીં કોઈ રિહર્સલ નથી. જે દૃશ્ય આજે ચાલી રહ્યું છે, તે ફરી ક્યારેય પાછું નહીં આવે. બાળપણનું દૃશ્ય ગયું, યુવાનીનું દૃશ્ય ગયું, કેટલાક લોકો ગયા, કેટલીક જગ્યાઓ ગઈ, કેટલાક સંબંધો ગયા... અને આપણે સતત આગળ વધી રહ્યા છીએ, અંતિમ દૃશ્ય તરફ.
 
એટલે કદાચ જીવનને થોડું સરળ બનાવવું જોઈએ. જે પ્રેમ કરે છે તેને કહી દેવું જોઈએ. જે દુઃખ આપે છે તેને માફ કરી દેવું જોઈએ. જે આપણાથી દૂર થઈ ગયા છે તેમને દિલમાંથી શુભેચ્છા આપવી જોઈએ. અને જે લોકો આજે આપણી બાજુમાં છે, તેમની હાજરીની કદર કરવી જોઈએ.
 
કારણ કે અંતે જ્યારે પડદો પડશે, ત્યારે કોઈ પૂછશે નહીં કે તમે કેટલી સંપત્તિ ભેગી કરી હતી. કોઈ પૂછશે નહીં કે તમારો હોદ્દો કેટલો મોટો હતો. કદાચ એક જ પ્રશ્ન રહી જશે, “તમે જ્યારે અહીં હતા, ત્યારે કેટલા દિલોને સ્પર્શ્યા હતા?”
 
મૃત્યુ એટલે અંતિમ અભિનય ... પરંતુ કદાચ માણસનું સાચું અમરત્વ તેના શરીરમાં નથી હોતું. તે તો તેની યાદોમાં હોય છે. કોઈના આંસુમાં, કોઈની પ્રાર્થનામાં, કોઈની સ્મિતભરી યાદમાં અને કોઈના હૃદયમાં જીવતા રહેવામાં હોય છે. અંતે આપણે બધાએ જવું છે. કોઈ વહેલું જશે, કોઈ મોડું. કોઈની વિદાય શાંતિથી થશે, કોઈની અચાનક. પરંતુ પડદો એક દિવસ સૌ માટે પડશે.
 
એટલે જ્યાં સુધી પ્રકાશ છે, ત્યાં સુધી મંચ પર પ્રેમથી ઊભા રહો. દિલ ન દુભાવશો. સંબંધોને સાચવશો. માફ કરવામાં મોડું ન કરશો. પ્રેમ વ્યક્ત કરવામાં સંકોચશો નહીં. કારણ કે જીવનની સૌથી મોટી કરુણતા મૃત્યુ નથી...પરંતુ જીવતા હોવા છતાં જીવનને જીવી ન શકવું છે અને જ્યારે અંતિમ પર્ફોમન્સનો સમય આવશે, ત્યારે પાછળ ફરીને જોતા એટલું કહી શકીએ, “હા... જીવન સંપૂર્ણ તો નહોતું, પરંતુ મેં તેને દિલથી જીવ્યું હતું.”
#કેકે પરમાર