Kutchhi Bhunga in Gujarati Moral Stories by joshi jigna s. books and stories PDF | કચ્છી ભૂંગા

Featured Books
Categories
Share

કચ્છી ભૂંગા

આજે આપણે કચ્છની ખાસિયત અને કચ્છી સંસ્કૃતિની વાત કરીશું. ઈ. સ. 1819 માં કચ્છમાં ભયાનક ભૂકંપ આવ્યો હતો ત્યારે 1500 થી વધુ માણસોના મૃત્યુ થયા હતાં. ભૂકંપ 3 મિનિટ સુધી ચાલ્યો અને આખા ગુજરાત તેના આફ્ટર શોક અનુભવ્યા હતાં. આવી કુદરતી આફતમાં બચાવ માટે કચ્છી લોકો એ ગોળાકાર માટીના મકાન ડિઝાઇન કર્યા જે ધરતીકંપનો સામનો કરી શકે છે અને આ મકાનનું નામ રાખ્યું “ભૂંગા” જે 200 વર્ષથી ઉપયોગમાં લેવાય છે. કચ્છમાં હડપ્પીય સંસ્કૃતિનો પ્રખ્યાત નગર ધોરાવીરામાં ખોદકામ કરવામાં આવ્યું ત્યારે ગોળાકાર બાંધકામના ઘરનાં અવશેષ મળી આવ્યા હતાં. ઇસ્વીશન પૂર્વે 1900 પછી હડપ્પામેં ગોળાકાર ઘર બનાવવાની શરૂઆત થઇ જે આજના કચ્છી ભૂંગા જેવાજ હતાં, આ બધા પુરાવા પરથી સાબિત થાય છે કે પ્રખ્યાત કચ્છનાં ભૂંગા હમણાંની આધુનિક શોધ નથી પણ એનો ઇતિહાસ તો 4500 વર્ષથી પણ વધુ જૂનો છે.
            “ ભૂંગો” શબ્દ ભ્રુંગ એટલે કે પ્રાણી કે જીવજંતુને જમીનમાં રહેવા માટેનો દર. ભૂકંપમાં થયેલા નુકશાન પરથી શીખ મેળવી કચ્છ અને સિંધનાં કડિયા ભેગા થઇ ભૂંગાની શોધ કરી.
          ભૂંગાના બાંધકામમાં વિજ્ઞાન અને પ્રકૃતિનો અદભુત સમનવ્ય છે. ભૂંગાનો પાયો ગોળાકાર હોય છે જે સ્થાનિક પથ્થરને માટીના ગારાથી બને છે. પાયો ગોળાકાર હોવાથી બધી બાજુથી દબાણ સરખો લાગે છે. સ્થાનિકે મળતી કાળી માટીમાં નદીની રેતી ને ગાય કે ભેંશનો છાણ ભેળવી તેને સૂર્યના તડકામાં સુકવી કાચી ઈટો બનાવવામાં આવે છે અને આ ઈટો ને જોડવા માટે પાણી અને સૂકા ઘાસ માંથી બનાવેલો ગારો વપરાય છે. દીવાલમાં કોઈ ખૂણો ન હોવાથી ભૂકંપની ધ્રુજારીનાં તરંગો આખી ગોળાકાર દીવાલમાં વહેંચાઈ જાય છે અને ભૂંગામાં કાંઈજ નુકશાન થતું નથી.
           ભૂંગાની છત સુકાયલા શણ, દેશી ઘાસથી બનાવવામાં આવે છે જે વજનમાં હલકી હોય છે. ભૂંગાની બરાબર વચ્ચે એક મજબૂત લાકડાનો થાંભલો રાખવામાં આવે છે. જેનાં પર છતનો વજન હોય છે. દીવાલ તૈયાર થઇ જાય પછી તેના પર માટી અને છાણનું લિપણ કરવામાં આવે છે. આ લિપણ ઘર ને ઉનાળામાં ઠંડુ રાખે છે. અંદરની દીવાલ પર ચીકણી માટી અને ઊંટનાં છાણનાં મિશ્રણથી ઊપસેલી ભાત બનાવવામાં આવે છે જેમાં નાના નાના અરીસા જડવામાં આવે છે જે રાત્રે ભૂંગામાં દીવો કે બલ્બ પ્રગટાવતા પ્રકાશનું પરાવર્તન કરી ભૂંગાને પ્રકાશિત કરે છે.
                 ભૂંગામાં હવા ઉજાસ માટે નાની નાની બે બારી સામસામે રાખવામાં આવે છે અને એક દરવાજો હોય છે.બહારથી આવતો ગરમ પવન ગોળ દીવાલનાં કારણે ફન્ટાઈ જાય છે અને ઘરમાં પવનનું દબાણ વધતું નથી. કચ્છ રેતાળ પ્રદેશ હોવાથી અહીં રેતીના તોફાન સામે પણ ભૂંગા રક્ષણ આપે છે.
              2001 માં ભુજમાં આવેલા ભૂકંપ માં પણ પાક્કા મકાનોની સરખામણીમાં ભૂંગા ને ઓછો નુકશાન થયો હતો. પાક્કા મકાનોમાં થયેલા નુકશાન ને કારણે ગણાજ લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ ભૂકંપ પછી ગુજરાત સરકાર પણ ભૂંગાના બાંધકામ ને પ્રોત્સાહન આપે છે. ભૂંગાની દીવાલ જાડી રાખવામાં આવે છે જેથી તે તાપમાનનાં ફેરફાર થી રક્ષણ આપે છે. એટલેકે ગરમીની ઋતુમાં ભૂંગામાં ઠંડક અને શિયાળાની ઋતુમાં અંદર ગરમાવો રાખે છે. છત બનાવવા વપરાતો ઘાસ દર વર્ષે બદલાવવામાં આવે છે.
          કચ્છમાં ખાવડા, હોડકો, બન્ની આ વિસ્તારમાં હજુ પણ ગણાજ ભૂંગા જોવા મળે છે. રણોત્સવમાં હજારો પ્રવાસી સફેદ રણ જોવા આવે છે ત્યારે નજીકના ગામડામાં ભૂંગામાં હોમસ્ટે કરે છે. 
           ભૂંગા પર્યાવરણના મિત્ર છે તેના બાંધકામમાં વપરાતી તમામ સામગ્રી સ્થાનિક મળે છે અને તમામ સામગ્રી કુદરતી છે, બનાવવામાં ઉર્જા ઓછી વપરાય છે. જુદી જુદી ઋતુ મુજબ અંદર તાપમાન જળવાય છે, કાર્બન ઉત્સર્જન ઓછું થાય છે. ગ્રીન બિલ્ડીંગ ની જે કલ્પના કરવામાં આવી છે તે આપણા પૂર્વજો વર્ષો પહેલા સાકાર કરી ગયા છે. કચ્છનાં અમુક ગામડામાં 100 વર્ષથી પણ જુના ભૂંગા છે.
          ભૂંગો કચ્છની સંસ્કૃતિની ઓળખ અને અમૂલ્ય વારસો છે. ભૂંગો માત્ર ઘર નથી પણ સ્થાનિક બુદ્ધિમતા, પર્યાવરણ પ્રેમ અને ટકાઉ જીવનશૈલીનો પ્રતીક છે, કારીગરોની સર્જનાત્મકતા અને કૌશલ્યનો પ્રતિબિંબ છે. ભૂંગો બનાવવાની કળામાં કચ્છની ધરતીની સુગંધ, કારીગરોની મહેનત, સંસ્કૃતિ, પરમપરા સમાયેલી છે.