જીવન તો દરેક વ્યક્તિ જીવી જાય છે, પણ જીવનની પ્રત્યેક અવસ્થાને જુદી જોઈ, જાણી અને મુક્ત રહે એવા વિરલ જ્ઞાની કો’ક જ હોય!
પૂર્વે જ્ઞાની પુરુષ કુંદકુદાચાર્ય થઈ ગયા. તેમનું જીવન ચરિત્ર આપણને બહુ જાણવા મળતું નથી. જ્યારે પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્ર થઈ ગયા, તેમનું આપણને જીવન થોડુંઘણું જાણવા મળ્યું છે. તે સિવાય પહેલાંના વખતમાં ઘણાંય મહાન પુરુષો, જે આત્મજ્ઞાની થઈ ગયા, તેમની અમુક જ્ઞાનદશાની વાતો જાણવા મળતી હોય છે, પણ તેઓ અજ્ઞાન દશામાં કઈ ખોજ માટે, કયા ધ્યેયપૂર્વક પોતે રહેલા, તે રહસ્ય બહુ જાણવા મળતું નથી.
આ કાળનું અદ્ભુત આશ્ચર્ય જ્ઞાની પુરુષ દાદા ભગવાન કે જેમના પ્રાગટ્યે એક અકલ્પનીય આધ્યાત્મિક ક્રાંતિ સર્જાઈ. આ કળિકાળમાં ધાર્મિક શાસ્ત્રોના સ્થૂળ અર્થ જ જ્યાં યથાર્થપણે સમજવા અઘરા હોય ત્યાં તેમાં સમાયેલા ગૂઢાર્થ ને તત્ત્વાર્થ તો કેવી રીતે સમજી શકાય? અને એ જો ના સમજાય તો પછી ખરા અર્થમાં અધ્યાત્મને પામી પણ કેવી રીતે શકાય?
પણ કુદરતની બલિહારી તો જુઓ! કળિકાળમાં એવા પ્રખર જ્ઞાની પુરુષનો આવિષ્કાર થયો કે જેમના થકી સામાન્ય માણસ પણ સહેલાઈથી અધ્યાત્મને સમજી તો શકે જ છે, એટલું જ નહીં યથાર્થપણે સ્વાનુભૂત પણ કરી શકે છે. માત્ર એક કલાકના ભેદજ્ઞાન પ્રયોગે સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવી આપવી એ શું કાંઈ જેવીતેવી સિદ્ધિ કહેવાય? એવા સિદ્ધિવાન વ્યક્તિનું વ્યક્તિત્વ કેવું નિરાળું હશે, ને એ સિદ્ધિ પ્રાપ્ત થવા પાછળ શું ભાવના કે પુરુષાર્થ હશે, એ જાણવાની ઉત્કંઠા આપણને થયા વગર રહે તો નહીં ને?
‘દાદા ભગવાન’ એ વર્તમાન યુગના અજોડ આત્મજ્ઞાની પુરુષ હતા. જૂન ૧૯૫૮ની સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતા સુરતના સ્ટેશન પર બેઠેલા એ.એમ.પટેલ રૂપી દેહમંદિરમાં ‘દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા અને કુદરતે સર્જ્યું અધ્યાત્મનું અદ્ભુત આશ્ચર્ય! એક કલાકમાં એમને વિશ્વદર્શન લાધ્યું! ‘હું કોણ? ભગવાન કોણ? જગત કોણ ચલાવે છે? કર્મ શું? મુક્તિ શું?’ ઈત્યાદિ જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના સંપૂર્ણ ફોડ પડ્યા.
એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, મુમુક્ષુઓને પણ જ્ઞાનપ્રાપ્તિ કરાવી આપતા, એમના અદ્ભુત જ્ઞાનપ્રયોગથી! એને ‘અક્રમ માર્ગ’ કહ્યો છે. ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનું. અક્રમ એટલે ક્રમ વિનાનો, લિફ્ટ માર્ગ! શોર્ટકટ!
તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ?’નો ફોડ પાડતા કહેતા કે, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન’ ન્હોય, અમે તો જ્ઞાની પુરુષ છીએ અને મહીં પ્રગટ થયેલા છે તે દાદા ભગવાન છે, જે ચૌદ લોકના નાથ છે. એ તમારામાંય છે, બધામાંય છે. તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ અમારી મહીં સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે. હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું પણ નમસ્કાર કરું છું.”
આવા હળહળતા કળિયુગમાં આવું અલૌકિક વ્યક્તિત્વ આપણને જોવા મળ્યું. એમના જીવનની હકીકતો જાણવા મળી અને જ્ઞાની કેવા હોય, તે જાણવા મળ્યું.
જ્ઞાની પુરુષ દાદા ભગવાનને ૧૯૫૮માં એકાએક આત્મજ્ઞાન તો થયું, પણ એ પહેલા જન્મથી તે ત્યાં સુધીની એમની જર્ની (યાત્રા) કેવી રીતે થઈ? શું મુસીબત આવી? કેવી રીતે સફળતા પ્રાપ્ત કરી વિગેરે રહસ્યો જાણવાની આપણને પણ જિજ્ઞાસા ઊભી થાય એ સ્વાભાવિક છે. એ જ હેતુસર પરમ પૂજ્ય દાદાશ્રીને લોકોએ એમના જીવન વિશે અનેક પ્રશ્નો પૂછ્યા છે અને દાદાશ્રીએ તે સર્વેના જવાબ તેમના દર્શનમાં જોઈ યથાર્થપણે આપ્યા છે.
એમને બાળપણથી જ આત્માને ઓળખવાની, પરમ તત્ત્વને પ્રાપ્ત કરવાની લગની હતી. રોજિંદા જીવનમાં બનતા દરેક પ્રસંગનું તેઓ વૈજ્ઞાનિક રીતે પૃથ્થકરણ કરતા, પ્રસંગ જાણે ગઈકાલે બન્યો હોય, તેમાં પોતાને શું વિચાર આવ્યા, કયું જ્ઞાન હાજર થઈને આવું અવળું ચલાયું, એના કેવા માર પડ્યા, પછી કઈ સમજણ મહીં પ્રગટી ને સૉલ્યુશન (ઉકેલ) લાવ્યા. તેની પાછળની ભ્રામક લૌકિક માન્યતાઓથી દૂર રહી સાચી સમજણ અપનાવતા. એ રીતે એમણે પોતાનું જીવન તદ્દન નિરાળી ઢબે જ કંડાર્યું હતું. બાળપણ તથા યુવાનીના તેમના જીવનના કેટલાય પ્રેરણાદાયી પ્રસંગો તેમના આવા ‘સંશોધક’ હૃદયને વાચા આપે છે.
એમણે ભવોભવ ભાવેલી જગત કલ્યાણની ભાવના અને તે સામાન્ય માણસ પણ જીવનમાં દુઃખ વગર અને આત્મિક આનંદ સાથે જીવન જીવે, તે રૂપકમાં આવી. સામાન્ય માણસને જીવનમાં પડતી તકલીફો પોતે અનુભવી અને કંઈક સાચી સમજણથી તે દુઃખોમાંથી બહાર નીકળી શકાય અને મુક્તિનો આસ્વાદ માણી શકાય, એવું કંઈક વિજ્ઞાન જગતના લોકોને આપવું હતું, તે છેવટે આપી શક્યા. મોક્ષે જતા સંસાર નડતો નથી, માત્ર અણસમજણ-અજ્ઞાન નડે છે. એ જ્ઞાન ગૃહસ્થજીવનમાં રહીને પોતે અનુભવ્યું અને બધા સંસારીઓને એ જ અનુભવજ્ઞાન આપી શક્યા.
એક વસ્તુ ચોક્કસ સમજાય છે કે એક સામાન્ય માણસ જેવું એમનું જીવન હતું, પણ અંદર સમજણ અસામાન્ય માણસ જેવી હતી. પ્રસંગો આપણા જેવા જ જીવનમાં એમને બનતા હતા, પણ એક જ પ્રસંગમાં તો કેટલું બધું વિચારી લેતા અને તેના તારણમાં કંઈક અદ્ભુત આધ્યાત્મિક ફોડ આપી શક્યા!
જેમ કે, સ્કૂલમાં લઘુતમ શિખવાડવામાં આવતા. આ બધી રકમોમાંથી નાનામાં નાની અવિભાજ્ય રકમ દરેકમાં સમાયેલી હોય તે શોધી કાઢો. દાદાજી કહેતા કે એ જમાનામાં હું લોકોને, માણસોને ‘રકમ’ કહેતો હતો. ‘આ રકમ સારી છે, આ રકમ સારી નથી.’ તે ચૌદ વર્ષની ઉંમરે પણ એમને વિચાર આવ્યો કે આ ભગવાન જ એવી નાનામાં નાની ચીજ છે, જે અવિભાજ્ય રૂપે દરેકમાં રહેલી છે. ત્યારથી ભગવાન લઘુતમ છે, ને લઘુતમનું ફળ ભગવાન પદ આવે એવી સમજણ પડી ગઈ.
એમનું નાનપણથી થિંકિંગ (વિચારસરણી) દરેક બાબતમાં પરિણામના બધા જ વિચાર કરી નાખે એવું હતું. દરેક બાબતમાં તેઓ ભણતા નહોતા, પણ સ્ટડી કરતા હતા. એટલું બધું વિચારી નાખે કે એના અંતિમ પરિણામ સમજમાં આવી જતા. લઘુતમની વાત જડી ત્યારથી લઘુતમ તરફ પોતે ઢળતા ગયા ને છેવટે લઘુતમ પદ પામીને રહ્યા.
ફટાકડા ફોડવામાંય એમણે તારણ કાઢેલું. રાજા પોતે ફટાકડા ફોડે કે નોકર પાસે ફટાકડા ફોડાવડાવે? કોઈ રાજાએ દારૂખાનું ફોડેલું નહીં, નોકરો પાસે જ ફોડાવે. એ પોતે ફોડે નહીં ફટાકડા પણ પોતે ખુરશીમાં બેસીને જુએ. શેમાં લાભ છે, એ એમની વિચક્ષણ બુદ્ધિમાં તાળો બેસી જ જતો.
બાળક રિસાય એમ પોતે નાનપણમાં એક-બે વખત રિસાયેલા, મધર પાસે. પણ રિસાયાનું પરિણામ દેખ્યું કે બે ખોટ ગઈ. ખાવાનુંયે ના મળ્યું અને કોઈએ ભાવેય ના પૂછયો. એમનું ખાવાનું બીજાને ભાગે જતું રહ્યું. પોતે વિચક્ષણ એટલે દરેક અનુભવની નોંધ કરીને પોતાની ભૂલ સમજાય કે આ રિસાવું એ ભયંકર ખોટ જ છે. હવે જિંદગીમાં ક્યારેય રિસાવું નથી. ફરી એવી ભૂલ થવા દીધી નહીં.
પોતાને ભેગા થતા દરેક સંજોગોનું ચોગરદમથી એનાલિસીસ કરી (તારણ કાઢી), એમાંથી કુદરતના ગૂઢ સિદ્ધાંતો શોધી કાઢવાનો શોખ પણ એમને નાનપણથી જ હતો. કોઈ પણ સંજોગોમાં અંદર દુઃખ ના રહે એના માટે કોઈ તો સૉલ્યુશન (ઉપાય) જોઈએ ને! દરેક વસ્તુઓ સાથે વાતચીત કરી ચિંતામુક્ત રહેવાનો જબરજસ્ત પ્રયોગ એમણે જગતને આપ્યો.
એક દિવસ દાદાશ્રી સફેદ લાંબો કોટ પહેરીને લગ્નમાં જતા હતા. લગ્નનો ટાઈમ થઈ જવાના કારણે ઉતાવળમાં હતા અને મામાની પોળમાંથી બહાર નીકળી ઘોડાગાડી ખોળતા હતા ત્યારે જ ઉપરથી કો’ક પાનવાળું થૂંક્યું. લગ્નમાં જવાનું ને સફેદ કોટ પર લાલ ડાઘ. કેવું લાગે! એટલે આ વિચારથી ક્ષણવાર તો દાદાજીનો મિજાજ ગયો પણ પછી તરત વિચારણા શરૂ થઈ… “આ માણસ જાણીજોઈને થૂંક્યો છે કે અજાણતાથી?”, “જાણીજોઈને થૂંક્યો હોય તો મારા ઉપર જોતાની સાથે એ ભડકીને અંદર ભાગી ના જાય. એ ભડક્યો હતો અને એને અરર થઈ ગયું એટલે અજાણતાથી જ થૂંક્યો છે. માટે એનો દોષ નથી. કોટની ઈચ્છા નહોતી કે મારા પર પડે. ત્યારે શું આપણી ભૂલ છે?”, “આપણે જાણીજોઈને નીચેથી પસાર થયા હતા, એને થૂંકવું હતું ત્યારે જ?”, “ના, આપણીયે ભૂલ નથી. તો પછી દોષ કોનો?”, “એનું થૂંકવું ને મારું ત્યાંથી જવું, એક મિનિટ આઘીપાછી નહીં, એ એડજસ્ટમેન્ટ કોણે કરી આપ્યું?”, “એ એડજસ્ટમેન્ટ કરનારને ખોળવો જોઈએ.”
આમ વિચાર કરતા કરતા જડ્યું કે આ ભૂલ આજની નથી, પહેલાના ચોપડાનો હિસાબ લાગે છે. એને ચૂકવી દીધો આજે. એ માણસના ગાફેલ ભાવના બીજ પડેલા, તેથી થૂંક બે ઈંચ આગળ-પાછળ પડવાને બદલે સીધું કોટ પર જ પડ્યું. માટે સમજાઈ ગયું કે આ બધો હિસાબ જ છે. કોટનો નહીં, પણ કોટના પહેરનારનો હિસાબ. જે સૂક્ષ્મમાં નક્કી થઈ ગયેલો હોય છે. માટે ચૂકવવો જ પડે. એમાં કોઈનું ચાલે નહીં. એમ કરતા કરતા ‘વ્યવસ્થિત’ જડેલું.
માટે દાદાશ્રીએ કોઈ ઝઘડો કર્યો નહીં. ઝઘડો કરત તો ચોપડો પાછો વધત. દાદાશ્રી કહેતા, કે ડુંગર ઉપરથી ઢેખાળો પડે એને જેમ આપણે ક્ષમા આપીએ છીએ એમ જો બધા મારનાર ડુંગરના ઢેખાળા જ દેખાય તો સહેજે ક્ષમા અપાઈ જાય.
આમ દાદાશ્રીને જ્ઞાન થતા પહેલા પણ એ બધા જ જ્ઞેયો દેખાતા હતા. ઘણા જ્ઞેયો દેખાય એટલે કોઈ એકનો દોષ ના દેખાય. કોઈ પઝલ ઊભું જ ના થાય. તેથી એમને સહજ ક્ષમા વર્તે.
પણ હવે લાલ ડાઘાવાળો કોટ પહેરીને લગ્નમાં શી રીતે જવાય? આબરૂનો સવાલ હતો. કોટ બગડવાનું દુઃખ નહોતું પણ આબરૂ જશે એનું દુઃખ હતું. તેથી દાદાશ્રી ઘરે જઈને હાફ કોટ પહેરીને લગ્નમાં ગયા. દાદાશ્રી કહે છે, ‘જુઓ ને, જ્ઞાન નહોતું તેથી આબરૂની કેટલી બધી સાચવણી!’
દાદાશ્રી પોતાના અનુભવ પરથી લોકોનું નિરીક્ષણ કરતા કે લોક તો નવા કપડાં પહેર્યા હોય તો દેખાડો કરે ને કપડાં ફાટ્યા હોય તો આબરૂ સાચવવા ઢાંક ઢાંક કરે. દાદાશ્રી સમજાવતા, કે કોઈ તારું જોવા નવરું જ નથી. બધા પોતપોતાની ચિંતામાં છે. ખરો આબરૂદાર તો કોને કહેવાય? જેને કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ આપવાની ઈચ્છા નથી એને. માટે સહજ થવા જેવું છે. સભ્યતા હોવી જોઈએ પણ એટિકેટના ભૂતા ના હોવા જોઈએ. એટિકેટના ભૂતા દિવસે જંપવા ના દે ને રાત્રે ઊંઘવા ના દે. દાદાશ્રી હિન્દુસ્તાનમાંથી આ એટિકેટના ભૂતા કાઢવા આવ્યા છે.
આમ તો જ્ઞાન થતા પહેલાથી જ દાદાશ્રીનું જીવન મહદ્ અંશે આજ્ઞામય જ હતું. વ્યવસ્થિતનું જ્ઞાન તેઓ લઈને જ આવેલા. પહેલેથી જ વ્યક્તિઓ સાથેના હિસાબ સમતાભાવે પૂરા કરતા ગયેલા. જ્ઞાન થતા સાથે એમને રિયલ-રિલેટિવનું સ્વરૂપ સ્પષ્ટ અનુભવમાં આવ્યું અને ત્યારથી જ શુદ્ધાત્માનો ચોપડો ખૂલ્યોય ખરો અને આત્માના સ્પષ્ટ અનુભવે એ ત્યારે જ પૂરોય થઈ ગયો. અને આ જ સમજણ એમણે મહાત્માઓને પાંચ આજ્ઞારૂપે આપી. દાદાશ્રી પોતે જે ક્રમિકમાંથી કમાયેલા એ આપણને અક્રમરૂપે આપ્યું.
આમ, જીવનમાં નાના-મોટા પ્રસંગો જાણ્યા બાદ પ્રશ્ન તો ઊભો થાય ને કે કયા આધારે આવું અદ્ભુત જ્ઞાન પ્રગટ થયું? દાદાશ્રી કહે છે કે અમને આ ‘બટ નેચરલ’, કુદરતી રીતે જ જ્ઞાન પ્રગટ થયું છે! તેઓ દિલના સાચા હતા, સિન્સિયર હતા અને છૂટવાની કામના હતી, તેથી સમકિત જેવું કંઈક થશે, એવો ભાવ રહેતો. પણ આ તો પૂર્ણ અજવાળું થઈ ગયું! લોકોનીયે પુણ્યૈ હશે, વિશ્વનું કલ્યાણ થવાનું હશે, તે આવા અજાયબ જ્ઞાની પ્રગટ્યા અને આવું અદ્ભુત અક્રમ વિજ્ઞાન પ્રગટ્યું!
એમણે એમના જીવનમાં ભેગી થયેલી વ્યક્તિઓની પ્રકૃતિ ઓળખી, એ લોકોને એમની પ્રાકૃતિક નબળાઈઓમાંથી, કુટેવોમાંથી કેવી રીતે છોડાવ્યા, આખું ગામ, કુટુંબના લોકો જેના વિશે નેગેટિવ બોલે, તે વ્યક્તિમાં કંઈ પૉઝિટિવ ગુણ હશે જ, છેવટે પોતે ટાઈમનો, પૈસાનો ભોગ આપીને એ વ્યક્તિના સારા ગુણો શોધી કાઢી એન્કરેજ (પ્રોત્સાહિત) કરી ઊંચો લાવી દેતા. એ એમની આગવી વિશેષતા આપણને જોવા મળે છે. એમને આ સંસારમાં કંઈ જોઈતું નહોતું. જાણે પોતે જગતનું ઑબ્ઝર્વેશન કરવા આવ્યા હોય અને ‘મને જે ભેગો થયો એને સુખીયો બનાવું’ એવી ભાવનાથી જીવન જીવ્યા, તે ખુલ્લેઆમ જણાય છે.
સૌ કોઈને માટે દાદા ભગવાનની વાતો ખૂબ સુંદર દિશાસૂચન કરશે, તેમજ જીવનનું ધ્યેય સમજવાની પ્રેરણા આપશે. એમના જીવનના પ્રેરણાદાયી પ્રસંગોનો હૃદયસ્પર્શી પરિચય આ સીરિઝ કરાવે છે. ‘દાદા ભગવાન’ના જીવન પ્રસંગોને એમના જ શ્રીમુખે નીકળેલી વાણીમાંથી તે જ રૂપે સંકલિત કરવાનો અત્રે પ્રયત્ન કર્યો છે.