Serious - 3 in Gujarati Motivational Stories by Falguni Dost books and stories PDF | ધીરગંભીર - ૩

Featured Books
Categories
Share

ધીરગંભીર - ૩

મોહિત પોતાની કેબિનમાં એન્ટર થયો. ટેબલ પર લખેલ એના નામની તકતી પર એની નજર સ્થિર થઈ!  ' મોહિત ચેતનાબેન પરમાર ' વાંચી ખુદ પર અને તેની માતા પર તેને ખૂબ ગર્વ થયો. આ સ્થાન સુધી પહોચતા એણે જે સંઘર્ષ કર્યો એ એની આંખ સામે બધું જ ચિત્રપટલ થોડી જ સેકન્ડમાં પસાર થઈ ગયું. પોતાની ચેર પર બેસી પપ્પાને યાદ કરી નમન કર્યા.  અને પપ્પા સાથે વિતાવેલ છેલ્લી યાદમાં એ સરી પડ્યો! 



******************************


પપ્પા સાથે શાળાએથી ઘરે આવતી વખતે એ બંન્ને વાતો કરી રહ્યા હતા. મોહિતને શેરડીનો રસ ખૂબ પસંદ એટલે બંન્ને ત્યાં રસ પીવા ઊભા રહ્યા હતા. મોહિતના ચહેરા પર શેરડીના રસના ફીણની આછી નાની મૂછ બની ગઈ હતી, સાયકલના અરીસામાં મોહિતને એના પપ્પાએ તેડીને એ મૂછ દેખાડી. મોહિતના ચહેરા પર અત્યંત ખુશી આવી ગઈ, એણે જીભ વડે એ મૂછને ચાટી અને ભુંસી નાખી, પછી એ મસ્તી ભર્યા નેણ ઉચકી બોલ્યો હવે ક્યાં ? બતાવો બતાવો...

બાપ દીકરા બંને મજાક કરતા ઘર તરફ પહોંચી રહ્યા હતા! શેરી સુધી પહોંચતાની સાથે જ એમણે ઘરની બહારનું વાતાવરણ એકદમ તંગ જોયું.  ચેતના ઘરની અંદર હોય એવું લાગ્યું, અને આડોશપાડોશના લોકો દરવાજા પર હાથ પછાડી પોતાનો રોષ દેખાડી જોરજોરથી બૂમો પાડી રહ્યા હતા. એમના સમૂહમાં સાંભળતા શબ્દો કંઈક આવા હતા, "ચેતના બહાર આવ! બહુ થયું હો હવે! હદ હોય દરેક બાબતની, અમે શું બધા બુદ્ધિવગરના છીએ?? તું જેમ ઈચ્છે એમ અમને હેરાન કરે, અમારા ઘરમાં કઈ પણ મૂકી જાય અને અમે ચૂપ રહીએ??? થોડા દિવસો પહેલા કૂતરાની પુછડી કાપી, આજ તો તે શેરીની ગાયના કાન કાપ્યા  એ નજરે ઘણાએ જોયું છે. આજ સુધી તારી પર શંકા હતી પણ હવે અમને ખાતરી છે તું જ બધું કરે છે! રાત્રે સફેદ સાડી પહેરી માથે ત્રણ અગરબતી મૂકી ચાર રસ્તા પર કઈક મૂકી આવનાર પણ તું જ છે એ અમે જાણી ગયા છીએ!! આજ તો તને મુકીશું જ નહી! આજ તને પાઠ ભણાવવો જ છે, બિચારી બિચારી કરી દર વખતે બધા દયા ખાઈ અને તને જવા દે છે પણ આજનું તારું કામ માફીને લાયક તો નથી જ."

મોહિત એકદમ ગભરાય ગયો, એ વિવશતાથી પપ્પા સામું જોઈ રહ્યો. પપ્પાએ સાયકલને બ્રેક મારી અને સહેજ વિચાર્યું પછી ફરી ઘર પાસે રહેલ મેદની તરફ આગળ વધ્યા. 

મોહિત અને એના પપ્પા ઘરે પહોંચ્યા એ જાણ એ લોકોને થતા તેઓ ઊંધા ફર્યા અને મોહિતના પપ્પા અશોકભાઈને ઉદ્દેશીને ભીડમાંથી એક સજ્જન ભાઈ બોલ્યા, " જો અશોકભાઈ હવે પાણી માથા પરથી પસાર થઈ ગયું છે. તમારી શર્મ રાખી અમે ચૂપ રહેતા હતા પણ હવે બસ. તમે ચેતનાને સમજાવો એની એને કહો એ બધું કબૂલ કરી માફી માંગે નહીતો અમે પોલીસચોકી જઈએ છીએ. તમારી જેમ અમને પણ અમારો પરિવાર અને પરિવારની ખુશી મહત્વની છે. કાઢો બહાર એને.. અને કહો માફી માંગે અને ફરીથી આવું કૃત્ય નહી કરે!" બધા લોકો એ ભાઈની સાથે સહમત થઈ પોતાનો રોષ દેખાડી રહ્યા હતા.


"હું આપની બધી વાત સમજું છું. આપ શું કહેવા ઇચ્છો છો એ પણ સમજી શકું છું. આપ આમ રોષ રાખી મને ધમકાવો અને આ મારો માસૂમ દીકરો આપના આવા વલણથી ડરે એ પણ ઠીક નથી ને! હું આજે જ આ બાબતનું કંઈક નિવારણ લાવીશ. આપ બધા નિશ્ચિંત રહી ઘરે જાવ! પણ મહેરબાની કરી અત્યારે મને થોડો સમય આપો. હું ખરેખર આ બધી જ વાતથી અજાણ છું, છતાં આપ કહો એ વાત માન્ય રાખી હકીકત તો મને જાણવા દો! હું આપ બધાની માફી માંગુ છું અને વિનંતી કરું છું કે અત્યારે આપ સહુ આપના ઘરે જાવ અને મને થોડો સમય આપો.

એક પછી એક બધા શાંત થયા અને એકબીજાની સામે જોઈ રહ્યા. એક ભલા બહેન બોલ્યા, "અશોકભાઈ આજનો દિવસ એ છેલ્લો દિવસ જો આજ રાત્રે ચેતના ફરી સફેદસાડી અને માથા પર અગરબતી લઈને નીકળશે તો અમે એના હાડકેહાકડા નોખા કરી નાખશું. પછી કહેતા નહી કે મારી ચેતનાને કેમ મારી?" 

"મારા પર વિશ્વાસ રાખો અને મને સમય આપો, આજે એ એવું કઈ કરતી હશે તો નહી કરે એ વાતનો તમે મારા પર વિશ્વાસ રાખો."

પાડોશી બધા વાત મંજૂર રાખી જતા રહ્યા. અશોક ઘરના ફળિયામાં પ્રવેશ્યો, મોહિત એના પપ્પાનો મજબૂત હાથ પકડી સાથે જ હતો, અશોકભાઈ એ ચેતનાને બુમ પાડી અને કહ્યું કે, "બારણું ખોલ અમે આવી ગયા છીએ."

ચેતનાએ તો પણ દરવાજો ખોલ્યો નહી. એક બે એમ કરતાં પંદર મિનિટ બંન્ને બૂમો પાડતા રહ્યા છતાં ચેતનાએ ખોલ્યું જ નહી, અંતે અશોકભાઈ બોલ્યા, "સારું હવે ખોલતી જ નહી હું મોહિતને લઈને તારા જીવનમાંથી દૂર જતો રહું છું. હું પણ તારાથી થાક્યો છું. રે એકલી..."

અધૂરા શબ્દો હતા ત્યાં જ ચેતનાએ ધડામ અવાજ સાથે દરવાજો ખોલ્યો, " ખબરદાર જો મારા દીકરાને તમે મારાથી અલગ કર્યો છે તો... સમજો છો શું તમે તમારી જાત ને??? " લાલઘૂમ આંખ સાથે વિફરેલી ચેતના નજર આવી.

અશોકભાઈ પણ આજ ગુસ્સામાં હતા અને ચેતના એના પર રોષ દેખાડી રહી હતી, એ આજ એમનાથી સહન ન જ થયું! એમનો હાથ આજ ચેતના પર ઊપડી જ ગયો, ચેતના પણ પોતાને બચાવવા સામે મારપીટ કરવા લાગી, છ વર્ષનો મોહિત મમ્મી પપ્પાને ઝઘડતા જોઈ રડું રડું થવા લાગ્યો. ચેતના હવે પોતાના અંકુશમાં બિલકુલ ન્હોતી એણે મોહિતને તેડયો અને સડસડાટ ઘરની બહાર નીકળી ગઈ... મોહિતના ગળે 'પપ્પા' શબ્દનો સાદ  રૂંધાય ગયો અને આંખ પપ્પા પર સ્થિર રહી. પપ્પા પણ એમને રોકવાના હેતુથી બહાર ધસી આવ્યા. મમ્મી દોડતી રહી અને પપ્પા એમની પાછળ ચેતના સાંભળ તો ખરા.. એમ કહેતા દોડી રહ્યા હતા. શેરીના લોકો આ બંનેની સ્થિતિ જોઈ કોઈક હસી રહ્યું હતું તો કોઈક નિઃસાસો નાખી રહ્યું હતું, જે પણ બીના ઘડી એ સામાન્ય તો નહોતી જ આથી એનું ગંભીર પરિણામ શું આવે એની ચર્ચા લોકો કરવા લાગ્યા.

ચેતના દોડતી સીધી રેલ્વેસ્ટેશને પહોંચી, પોતાને પિયર જતી ટ્રેન ઊપડવાની તૈયારીમાં જ  ચેતના એ જોઈ!  ક્ષણભરનો પણ વિલંબ કર્યા વગર એ મોહિત સાથે ચડી અને ટ્રેન ઉપડી ગઈ, અશોકભાઈ ટ્રેનમાં ચડવા ઘણું મથ્યા પણ એ ચડી શક્યા નહી. મોહિતના ચહેરે અનેક પ્રશ્ન અને આંસુ સારતી આંખ એમને ખૂબ પજવી રહી, તેઓ લાચાર બની જમીન પર બેસી રહ્યા અને હવે એ રીતસર ભાંગી પડ્યા હતા. મોહિતની અને એના પપ્પાની બંન્નેની નજર હજુ એકબીજા પર જ સ્થિર હતી. બંને એકબીજાની સાથે જ છીએ એવી સહાનુભૂતિ જાણે જતાવતા જોઈ રહ્યા!



******************************



"સર! તમને મેનેજર સાહેબ બોલાવી રહ્યા છે" સ્ટાફબોયના શબ્દો મોહિતને એના ભૂતકાળમાંથી બહાર લાવ્યા.

"હા. હું હમણાં જ એમની કેબિનમાં જાઉં છું." સહસ્મિત મોહિત બોલ્યો.

"ગુડમોર્નિગ સર. આપે મને યાદ કર્યો?"

"હા, મોહિત . એક પ્રોજેક્ટ માટે ડિસ્કસ કરવાનું હતું. સુહાની આવે એટલે પ્રોજેક્ટની બધી જ માહિતી હું આપ બંન્નેને આપું."

"આ સુહાની કોણ છે?"

"સુહાની અહીંની એક અનુભવી એપ્લોય જ છે, આ પ્રોજેક્ટ તમારે બંન્નેએ ભેગા મળી કરવાનું છે."

કેબીનનો દરવાજો ખૂલ્યો. કર્ણપ્રિય શબ્દો આવનાર વ્યક્તિના સ્વરે નીકળ્યા, "ગુડમોર્નિગ સર."

નમસ્તે વાચકમિત્રો. મારી ધારાવાહિક "ધીરગંભીર" ને વાંચી આપના અમૂલ્ય પ્રતિભાવ અવશ્ય આપજો. મોહિતના સફરમાં જોડાવવા માટે હું આપ સર્વનો દિલથી આભાર માનું છું. ફરી મળશું નવા પ્રકરણ સાથે. જય શ્રી રાધે કૃષ્ણ