દીકરીની જાસૂસી
-રાકેશ ઠક્કર
પ્રકરણ ૬
રામુકાકાના આ ખુલાસાએ નવનીતલાલના મગજમાં ચક્રવાત સર્જી દીધો. જે ભાણેજ પર ગુસ્સાનો બોજ ઠાલવવાની તૈયારી હતી, તે તો છેલ્લા પાંચ દિવસથી ગામડે હતો! જો એ છોકરો શહેરમાં જ નહોતો તો પછી રાત્રે સ્નેહાના બેડરૂમની બારીમાંથી અંદર આવનારી પેલી રહસ્યમય વ્યક્તિ કોણ હતી?
નવનીતલાલના પગ ધ્રૂજવા લાગ્યા. એમણે તાત્કાલિક રામુકાકાને મોકલી દીધા અને સીધા દોડીને પહેલા માળે સ્નેહાના બેડરૂમ તરફ ગયા. બારણું બહારથી બંધ હતું. એમણે ચાવી વડે લોક ખોલીને અંદર પ્રવેશ કર્યો. ઓરડાની એ જ શાંતિ, એ જ બારી અને એ જ કબાટ સામે ઊભાં હતાં.
નવનીતલાલનું મગજ હવે બે દિશામાં દોડવા લાગ્યું: એક તરફ જ્ઞાનેશકુમારના પાકા પુરાવાઓ— ડસ્ટબિનમાંથી મળેલી વસ્તુઓ, કબાટના ચોરખાનામાંથી મળેલી પિલ્સ અને સંતાડેલી થાળી અને બીજી તરફ રામુકાકાનું એ સત્ય કે ભાણેજ તો ગામડે હતો!
આનો અર્થ સાફ હતો: સ્નેહાના રૂમમાં રાત્રે આવનાર વ્યક્તિ પેલો કોલેજિયન ભાણેજ નહોતો, પણ કોઈક બીજું જ હતું! કોઈ એવું પાત્ર, જેના વિશે ન કે જ્ઞાનેશકુમાર જાણતા હતા કે ન તો ખુદ નવનીતલાલ!
સાંજ પડતા સુધીમાં નવનીતલાલની બેચેની પરાકાષ્ઠાએ પહોંચી ગઈ. સાંજે સ્નેહા કોલેજથી પાછી ફરી. એના ચહેરા પર કોઈ અપરાધભાવ નહોતો, બલકે એક સ્વાભાવિક થાક અને થોડી ઉદાસી હતી. હંમેશાંની જેમ એણે બપોરે જમી લીધું હતું અને સાંજે ડાઇનિંગ ટેબલ પર માંડ બે કોળિયા ભરીને એણે મમ્મીને કહ્યું, ‘મમ્મી, મને આજે થોડું માથું દુખે છે, એટલે હું મારું ડિનર ઉપર રૂમમાં લઈ જાઉં છું.’
આ વખતે નવનીતલાલથી ન રહેવાયું. એમણે પિતા તરીકેનો સાવચેત અવાજ રાખીને પૂછ્યું, ‘બેટા સ્નેહા, તું રોજ રોજ રાત્રે એકાંતમાં જમવા માટે થાળી ઉપર કેમ લઈ જાય છે? તારી તબિયત તો સારી છે ને?’
સ્નેહાના ચહેરાના હાવભાવ એક સેકન્ડ માટે બદલાઈ ગયા. એની આંખોમાં ચમકારો થયો, પણ એણે તરત જ વાત સંભાળતા હસીને કહ્યું, ‘પપ્પા, તમને ખબર છે ને કે મને મોડે સુધી ઓનલાઈન સ્ટડીઝ અને પ્રોજેક્ટ્સ કરવાના હોય છે. રાત્રે શાંતિથી કામ કરતાં કરતાં જમવાની મને ટેવ પડી ગઈ છે. તમે ચિંતા ન કરો.’
‘તું સાથે જમીશ તો અમને વધારે આનંદ થશે.’ નવનીતલાલે આગ્રહ કર્યો.’
‘મમ્મી, આજે આખો દિવસ એવો ગયો છે કે સાંજના સમયે માથામાં અસહ્ય દુખાવો ઉપડ્યો છે. નીચે આ બધા કોલાહલમાં જમવાની મારી સ્થિતિ નથી. હું ડિનર પ્લેટમાં લઈને મારા રૂમમાં શાંતિથી બેસીને બે કોળિયા ખાઈ લઉં છું, જેથી થોડી વાર એકાંતમાં આરામ મળી શકે. જમીને તરત સુઈ જાવ છું, જેથી સવારે સારું લાગે.’
એટલું કહીને સ્નેહા થાળી લઈને ઉપર પોતાના બેડરૂમમાં ચાલી ગઈ.
રાત્રિના બાર વાગી ગયા. આખો બંગલો ગાઢ નિદ્રામાં પોઢ્યો હતો પણ નવનીતલાલ જાગતા હતા. એમણે પોતાના રૂમની લાઈટ બંધ રાખી હતી અને અંધારામાં ડ્રોઈંગ રૂમની બારીમાંથી નજર રાખીને બેઠા હતા. એ જોવા માંગતા હતા કે આજના રાત્રિના આ સસ્પેન્સ નાટકમાં નવો કયો પડદો ખૂલે છે!
બરાબર રાત્રે દોઢ વાગ્યાનો સમય થયો હશે. ગાર્ડન તરફથી આછો અવાજ આવ્યો— કોઈના હળવા પગલાંનો અવાજ! નવનીતલાલનો શ્વાસ રોકાઈ ગયો. એમણે ધીમેથી પોતાની જગ્યા છોડી અને વરંડાની આડશમાંથી પાછળના ગાર્ડન તરફ નજર નાખી.
અંધારામાં એક આકૃતિ લાકડાની સીડી તરફ આગળ વધી રહી હતી! એ આકૃતિ રામુકાકાના ભાણેજની હાઈટ કે બાંધાની નહોતી. એ કોઈ જુદી જ વ્યક્તિ હતી, જેણે મોં પર રૂમાલ બાંધેલો હતો અને હાથમાં કશુંક ઓજાર પકડેલું હતું! એ શખ્સ સીડી ચડીને સીધો સ્નેહાની પાછલી બારી પાસે પહોંચ્યો.
નવનીતલાલનું લોહી ઊકળી ઉઠ્યું. એમણે હાથમાં એક મજબૂત લાકડી લીધી અને ધીમે પગલે પાછલા દરવાજેથી સીધા ગાર્ડન તરફ દોટ મૂકી, જેથી આ રહસ્યમય મહેમાનને રંગે હાથે પકડી શકાય!
ક્રમશ: