Ane... off the Record - Part 21 books and stories free download online pdf in Gujarati

અને... ઓફ ધી રેકોર્ડ - ૨૧

પ્રકરણ ૨૧

‘...અને..’

ઑફ ધી રેકર્ડ

...અને એ હોશમાં આવ્યો ત્યારે તેની મખમલી આરામદાયક પથારી સામે રાખેલા ફ્લેટ એલ.ઈ.ડી. ટીવી સ્ક્રીન પર તેની પ્રથમ માસિક પુણ્યતિથિનાં સમાચારો ફ્લેશ થતાં હતા.

મંદમંદ હાસ્ય સાથે તેણે એક પળમાં ટીવી સ્ક્રીન પરથી નજર હટાવી આંખો મીચી દીધી.

કેટલીક ઈચ્છા આપોઆપ આદેશ બની જાય છે. બે-ચાર વર્ષોથી એકાદ મહિનાના આરામ પર જવું હતું. લાંબી ઊંઘ જોઈતી હતી. જે આરામ અને ઊંઘ ડૉકટરની ગોળી ન આપી શક્યા એ આરામ અને ઊંઘ દુશ્મનોની ગોળીથી મળ્યા.

જિંદગીની ઠોકરો સિદ્ધિ અને પ્રસિદ્ધિ બંનેની ક્ષણભંગુરતાનો અહેસાસ કરાવી ચૂકી હતી. હવે શું બચ્યું હતું? રહી-રહીને શું બાકી જતું હોય છે તો ફરી-ફરી જન્મ અને મૃત્યુનાં ચક્રમાં કર્મનાં નામે પિસાતું રહેવું પડે છે? અધૂરી ઈચ્છા, આકાંક્ષા? કે પછી બદલાની ભાવના? ના. બદલો બરબાદી લાવે છે. પણ હવે બદલો જ અંતિમ ધ્યેય, લક્ષ્ય અને પડાવ છે.

તેની બંધ આંખો સમક્ષ એક હસમુખો ચહેરો તરી આવ્યો.

એ શરૂશરૂમાં કોલેજટાઇમમાં મળતી ત્યારે વાળમાં બાર્બી-બટરફલાય હેરક્લિપ નાંખતી. મેકઅપ વગરની ત્વચામાં પણ તે જાજરમાન લાગતી. એની ચમકદાર આંખોના અણીયાળા ખૂણાં, કપાળ પર કાળો મોટો લીટા જેવો ચાંલો, દિલધડક શારીરિક વળાંકવાળા શરીરનો સુરેખ અને સ્પષ્ટ આકાર, પાંચ ફૂટ સાત ઈંચની ઊંચાઈ. સ્કાય બ્લ્યૂ કલરની કુર્તી, ફોર્મલ ટ્રાઉઝર અને ઉપર બ્લેક કલરની ખાદીની કોટી.

સંગ અને સ્નેહ હોવા છતાં સૌજન્ય અને ઔપચારિકતા તેની સાથેના વ્યવહારની અંદર ક્ષણે-ક્ષણે આવી જતાં હતા. સંકોચ સ્વભાવનાં એક ભાગ જેવો લાગતો.

૧૯ નવેમ્બર તેનો જન્મદિવસ આવે છે અને મારો? ૧૧ ઓક્ટોબર.

પોલીસનાં ચોપડે તેનાં જન્મદિવસની સાથે મરણદિવસની તારીખ પણ લખાઈ ચૂકી છે.

એ અર્ધખુલી આંખે શબ્દો પર ભાર આપી બોલ્યો. ‘સત્યા...’ આસપાસ કોઈ ન દેખાતાં આંખો બંધ કરી.

નિર્વિવાદ દુશ્મન કોઈ જાણીતું અને પોતાનું જ હતું. આ કારણોસર સંબંધો એક તાંતણા પર રહી ગયા છે. જેમના માટે સામે ચાલી ફના થવાની તૈયારી બતાવી એમણે પાછળથી આવી પીઠમાં દગાખોરીનું ખંજર ભોકાવ્યું.

બંધ આંખો સામે ફરી એક નવો સ્થિરભાવ ચહેરો ઉપસી આવી ગયો.

બદામી આંખોમાં દેખાતો ખાલીપો અને ઉદાસી કાયમ તેની મન:સ્થિતિની ચાડી ખાતા હતા. કસાયેલા બદન પર રૂબીનાં દાગીના પહેરેલી. તાજમહાલનાં શિલ્પીનાં હાથે કોતરાયેલી હોય એવી એકપણ ડાઘ વગરની ચકચકતી લીસી ત્વચા, ભરાવદાર વક્ષ:સ્થળ સ્તનોનો ઊભાર, સુરાહીદાર ગરદન, લચક અને લયવાળી ચાલ, ગળામાં કલરફૂલ મોતીઓનું નેકલેસ, બંને હાથની બે-બે આંગળીઓમાં ગ્રહોના નંગની વીંટીઓ.

સેલ્ફ ડ્રાઈવિંગ, હોર્સ રાઈડીંગ અને યોગાની શોખીન.

જ્યારે તેને પહેલીવાર બુરખામાં ઢંકાયેલી જોઈ હતી ત્યારે આશ્ચર્યનો પાર રહ્યો ન હતો. નિર્વિકાર દૃષ્ટિએ પ્રશ્ન થયો હતો આ એ જ ઔરત છે? જે પોતાના સૌંદર્ય વડે ગમે તેના પુરુષત્વને સળગાવી નાંખવા સક્ષમ છે? કેટલી નિર્મળ... પવિત્ર...

પ્રત્યેક મુલાકાત પછી તે ઉષ્મામય અને લગાશીશીલ અજાણી ભાવના સાથે પ્રેમમાં ઊંડી ઊતરતી જતી હતી.

એણે બંધ આંખોને ધીરેથી ઝપકાવી સાદ પાડ્યો. ‘કૌશર.’

ભાનમાં આવ્યા બાદ આંખો બંધ થતાં જ કલ્પનાઓની ઉડાન મનોમસ્તિષ્કનો કબજો લઈ પરિચિતોની પહેચાન કરાવતી હતી.

બંધ આંખે મનમાં કેટલાય વિચારો અને દૃશ્યો આવીને પાછા વળી ગયા.

ગહેરી તંદ્રામાંથી જાગી ગયો હોય એમ એ સફાળો ભાનમાં આવ્યો અને બળપૂર્વક ઊભો થયો. પછી પલંગ પર જ બેસીને તેણે બિસ્તરની બાજુના ટેબલ પર રાખેલી દુનિયાની મોંઘીદાટ સિગારેટ ઈમ્પોર્ટેડ લાઇટરથી જગાવી. કાચના ગ્લાસમાં શરાબ રેડ્યો.

સિગારેટનાં કશ અને શરાબનાં ઘૂંટ પીવાથી શરીરમાં તાજગી ભરાઈ ગઈ.

‘માલિક...’ દરવાજો ખૂલ્યો.. એ એક હાથમાં સિગારેટ અને બીજા હાથમાં શરાબનો ગ્લાસ લઈ ઊભો થયો.

‘માલિક...’

‘વાસાંસિ જીર્ણાનિ યથા વિહાય

નવાની ગૃહ્નાતિ નરોડપરાણિ

તથા શરીરાણિ વિહાય જીર્ણા

ન્યન્યાનિ સંયાતિ નવાની દેહી

જે રીતે કોઈ વ્યક્તિ જૂનાં કપડાં ઉતારી નવા કપડાં પહેરે છે, તે રીતે આત્મા પહેરેલું જૂનું શરીર ત્યાગ કરીને નવું શરીર પ્રાપ્ત કરે છે. વિબોધ... વિબોધ જોષી. એ જ શરીર એ જ આત્મા અને એ જ વ્યક્તિત્વ. અસ્તિત્વ તો અમર હતું છે અને રહેશે.’ વિબોધનો અવાજ રૂમની અંદર પડઘાયો.

‘સમજ્યો મોહન...’

‘હવે હું મોહન નથી, મહમદ છું. કેટલી વાર કહેવું? ના ક્રિશ્ચન, ના હિન્દુ. હું એક નેક દિલ મુસલમાન છું મોહમદ.’

‘અરે... યાર... તું માઈકલ હોય, મોહન હોય કે મહમદ... મારા માટે તો મારો જીગરી છે. મારો હિતેચ્છુ. મારો હમદર્દ અને મારો હમનફસ...’ બોલતાં બોલતાં વિબોધ મહમદને ગળે ભેટ્યો.

‘સર્વ ધર્માંન પરિત્યજ્ય મામેકં શરણં વ્રજ

અહં ત્વા સર્વાપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ:

મારા પોતાનાઓની જગ્યા મારા ચરણમાં નહીં મારા શરણમાં છે. શરણ એટલે? મારા શીર પર...’

મહમદ ગુસ્સાથી બોલ્યો, ‘આપણે છોડીશું નહીં એ હરામજાદાઓને... ખુદા કસમ બસ એક આદેશ ભાઈજાન અને સર્વનો નાશ..’

‘ના. ના. ના. મહમદ. વીરત્વના નશામાં કંઈપણ કરી જવું એ નરી મૂર્ખાઈ છે. મૂરખાં અને મુરગા નહીં બનવાનું દોસ્ત. આપણા દુશ્મનો કોણ, કેટલા અને ક્યાં છે એ પહેલા પૂરી તપાસ કરવી પડશે. આવેશમાં આવી સત્યાનાં હાલ ઘણી વખત બેહાલ અને બત્તર થયા છે. અનુભવોને આધારે કંઈક શીખ લે. ક્યાં છે એ સત્યા સિંહણ?’

મહમદ ડૂસકું ભરી ગયો. નીચું જોઈને એ વિબોધની નજર સામેથી ફરી ગયો. તેણે વિબોધને પાછલા એક મહિનામાં બનેલા ઘટનાક્રમો ક્રમબદ્ધ રીતે કહ્યાં. ક્યા પ્રકારે તેણે સરકારી હૉસ્પિટલમાં ડૉક્ટરની હત્યા કરી ડૉક્ટરના કપડાં અને માસ્ક પહેરી આવ્યો. ત્યાંથી સલામત રીતે વિબોધને કાઢ્યો. સુદર્શન અખબારની ઈમારતની ખુફિયા જગ્યા પર તેને સંતાડીને સારવાર શરૂ કરાવી. અખબારની સુરખીઓ, સમાચારનાં ફૂટેજ, સરકારી રિપોર્ટ, દસ્તાવેજ... એક-એક ઘટનાક્રમ મહમદે વિબોધને બારીકાઈથી કહ્યાં.

‘…દુબઈ...’ આ એકાદ ક્ષણની પ્રકાશપુંજથી વિબોધને બધા પ્રશ્નોનો જવાબ મળી ગયા. દુશ્મનોના ચહેરા જાણે તેની નજર સમક્ષ તરવા લાગ્યા.

વિબોધની આંખમાં લાલાશ ઊભરી આવી. એણે શરાબનો ખાલી ગ્લાસ ટેબલ પર મૂકીને વ્હીસ્કીની બોટલ મોઢે માંડીને બોટમ્ઝ અપ સ્ટાઈલમાં શરાબ ગટગટાવી ગયો. વધેલી દાઢી અને મૂછોને હાથનાં પંજાથી આકાર આપતાં તે કબાટ તરફ ધસ્યો. કિચુડ અવાજ સાથે કબાટનું બારણું ખૂલ્યું. વિબોધે અદાથી બંદૂક અને કારતૂસ કાઢ્યાં, ‘આ તમામ ષડયંત્રો પાછળ કોઈ બહુ મોટું બુદ્ધિશાળી માથું બધા કામને અંજામ આપી રહ્યું લાગે છે. આપણે એ ચાર જાત અને બે બાપની માનાં લાલોને સુવરની મોત મારીશું, પણ પહેલાં તું ગાડી કાઢ. સત્યા પાસે જઈશું.’

સુદર્શન અખબારની ખુફિયા જગ્યાએથી જી.જે. ૩ એક્સ.એફ. ૩૬૯ નંબરવાળી વ્હાઈટ બી.એમ.ડબલ્યુ કારમાં સવાર થઈને વિબોધ અને મોહન મેન્ટલ હોસ્પિટલે જવા નીકળ્યા.

મેન્ટલ હૉસ્પિટલ પહોંચતાંની સાથે જ પોલીસકર્મીઓને જોઈને વિબોધને કંઈક ગડબડ હોવાનો અંદેશો આવી ગયો. તેણે કાર બીજી દિશામાં રેલવે ટ્રેક તરફ લેવા મહમદને સૂચવ્યું. કારમાંથી જોતાં વિબોધને લાગ્યું કે રેલવેના પાટા પર કોઈ સ્ત્રી આત્મહત્યા કરવા જઈ રહી હતી. વિબોધે ચપળતાથી ગાડી રોકાવી અને પાટા તરફ દોડ્યો. સામેની દિશા તરફથી સુપરફાસ્ટ ટ્રેન વ્હિસલ વગાડતી રફ્તારથી આવતી હતી. તેણે શક્ય એટલી જલદીથી રેલવે પાટા પર વચોવચ્ચ ઊભેલી સ્ત્રીને બાવડાથી પકડીને બાજુ પર ખેંચી લીધી. ગતિથી ટ્રેન પસાર થઈ ગઈ.

‘સૌની બહુમતિ પર એકમતિ હોય છે, સ્વયંની. જો મૃત્યુ એ જીવનની ઈતિ છે. તો સમજ આજે, અત્યારે, આ ક્ષણે મોત પછી આ તારો પુન:જન્મ અને હું તારો જન્મદાતા...’

‘વિબોધ...!’

‘સ...ત્યા.’

ટ્રેનનો પ્રચંડ અવાજ ભેદી એકબીજાનાં શબ્દો કર્ણપટ પર અથડાયા. વિબોધ અને સત્યા બંનેને મહાકાય આંચકો લાગ્યો.

સત્યા વિબોધના ચહેરા પર, માથા પર હાથ ફેરવવા લાગી. ‘સત્યા અને આત્મહત્યા!’ વિબોધ સત્યાને સ્થિર આશ્ચર્યચકિત નજરે જોતો ટટ્ટાર ઊભો રહ્યો.

‘એક તત્ત્વ એવું હતું જે કદાચ મારા અસ્તિત્વથી પણ વિશેષ પ્રબળ હતું અને એ તત્ત્વ, મારા મનોમસ્તિષ્કને જકડી રાખતી ભાવતા હતી તારા જીવતા હોવાની...’

...અને સત્યા જીવનમાં પ્રથમવાર રડી. વિબોધના મજબૂત ખભ્ભા પર માથું રાખી ધ્રૂસકે ધ્રૂસકે તેની સૂંકાયેલી આંખોમાંથી આંસુની ધારાઓ વહી ગઈ. ‘વિબોધ... ઓહ... વિબોધ... માય ગોડ...’

સત્યાનાં આંસુ લૂછતાં વિબોધે જુસ્સાભેર કહ્યું,

‘ત્વમેકં શરણ્યં ત્વમેકં વરેણ્યમ

તું જ મારો એકમાત્ર વિશ્રામ, તું જ મારી એકમાત્ર ઈચ્છા... અને..’

ક્રમશ: