Ane off the Record - Part-24 books and stories free download online pdf in Gujarati

અને... ઓફ ધી રેકોર્ડ - ૨૪

પ્રકરણ ૨૪

‘...અને...’

ઑફ ધી રેકર્ડ

...અને ફાઇલ તપાસતાં સત્યાએ કહ્યું, ‘આમાં નવ્વાણુ નહીં સો ગુનેગારોનાં નામનું લિસ્ટ છે. એક નામ તે જાણી જોઈને ભૂંસી નાંખ્યુ લાગે છે.’

વિબોધે સત્યા સામેથી નજર ફેરવી લીધી. વાતાવરણમાં નિ:શબ્દતાનું વજન આવી ગયું.

‘કોણ છે એ?’ વિબોધ ચૂપ રહ્યો.

‘વિબોધ તારો ઓલવેયસ આ પ્રોબ્લેમ રહ્યો છે. તું સત્ય તો જણાવે છે પણ અધૂરું, અધકચરું. આજે નજર ચૂકવી તું મારા સવાલોથી બચી નહીં શકે. શરૂથી લઈ અંત સુધીની બધી જ વાતો તારે અત્યારે ક્લિયર કરવી પડશે.’

‘શું સત્ય જાણવું છે? એ સો નામોમાંથી ભૂંસાયેલું એક નામ કોનું છે એ જ? તો સાંભળ... કાળા નાણાં અને કૃત્યો કરનારા એ સો પાપીઓના નામમાંથી એક નામ વિબોધ જોષીનું પણ છે.’

સજળ નયને આશ્ચર્યભાવ સાથે સત્યાએ પૂછ્યું, ‘વિબોધ તું આ શું બોલી રહ્યો છે?’

મહમદ સત્યાને કંઈક કહેવા જઈ રહ્યો હતો. વિબોધે તેને હાથથી ઈશારો કરી બોલતા રોક્યો.

‘બોલવા દે વિબોધ, તેને શું કામ રોકે છે? સંબંધો અને સત્તાને જોરથી કેટલાના મોઢા બંધ કરાવીશ?’

‘મે કોઈનાં મોઢા બંધ નથી કરાવ્યા એટલે જ આજ સુધી બીજા બધા બોલ્યા અને હું ચૂપ રહ્યો. આજે હું બોલીશ.’ વિબોધનો અવાજ નરમ પડતો ગયો. શાબ્દિક સ્વ બચાવ કરતો હોય એવા લહેકામાં તેણે બોલવાનું શરૂ કર્યું.

‘બાપ ન હતો, મા ન હતી. બહેન નહીં ભાઈ નહીં. સાચા-ખોટાની સમજ આપનાર કોઈ જ નહીં. જીવનમાં જેને-જેને પોતાના સમજ્યા એ પારકા જ બની રહ્યા. જે યુવતિઓને, સ્ત્રીઓને પ્રેમ કર્યો એ પ્રેમનાં નામે માત્ર જરૂરિયાત સંતોષવાના સંબંધો હતા. પૂરા થતાં સ્વાર્થની સાથે નિચોવાયેલા લીંબુની જેમ હું ફેકાયેલો છું. થકવીને ચૂર ચૂર કરી નાખતી બેકારી, થોડીક નોટોના ટુકડાઓના અભાવને લીધે થયેલા અપમાન, ભૂખ અને તરસની જલતી વિરાનીઓ... તે માત્ર આ બધુ જોયું છે, અનુભવ્યું નથી. બેચેન અને બેબસ હાલતમાંથી પેદા થયેલી વેદનાઓનો નિરાશારંગી અજંપો જ્યારે સુખેથી જીવવા નથી દેતો અને આરામથી મરવા પણ નથી દેતો ત્યારે સમજાય છે જિંદગીનાં હર દોરમાં કિસ્મત કામયાબી જ આપે તેવું બનતું નથી. ચૂપચાપ દેખ્યા કરવાનું અને સહ્યા કરવાનું ક્યાં સુધી? શરીરના ઘાવ કરતાં પણ મનના ઘાવ ઊંડા હોય છે. આત્માથી ઘવાયેલો માણસ છું. એક પરિસ્થિતિ ઉદભવી જ્યારે ધીમે ધીમે ખામોશી સ્તબ્ધતામાં પરિવર્તીત થઈ અને સ્તબ્ધતાએ આક્રોશનું સ્વરૂપ ધારણ કર્યું. અને આક્રોશની અગ્નિમાં સારા-નરસાનો ભેદ ચૂકાતો ગયો.’ વિબોધનો અવાજ ભાવુક બન્યો.

‘દુ:ખ વિષે જણાવવા કોઈપણ કલમ કે કાળ ચાલે પણ ગમે તે સમયે માથા પર તૂટી પડતાં દુ:ખને જીવવા-સહેવા કલેજા જોઈએ. એક તબક્કે આશ્ચર્ય કે અકસ્માતની તીક્ષ્ણતા બુઠ્ઠી બની જાય છે. આટલા વર્ષોની જિંદગીની સમજનો છેદ ઊડી શેષમાં બચ્યું છે માત્ર – કૌશર સાથેનો અનામી સંબંધ. તારી જોડેની ગેરસમજણો અને લોકોના સવાલો.

કૌશરને મળ્યાને દસ વર્ષ થયા. આ દસ વર્ષ દરમિયાન અમારી વચ્ચે સ્નેહ સિવાય ક્યારેય શારીરિક સંબંધ બંધાયેલો જ નથી. પ્રેમમા મજાક મશ્કરીનાં નામ પર સેક્સને જોડી દેવામાં આવે છે. પ્રેમ હોય એટલે સેક્સ જોડાયેલું જ હોય તેવું નથી. શરીર કરતાં પણ ઉચ્ચ જોડાણ આત્માનું હોય છે જે જોડાણ તારું મારી સાથે છે સત્યા.

અને તારા મારી જિંદગીમાં આવ્યાનાં આજ સુધી પ્રેમ હોવા છતાં ન તો મેં કૌશરનાં શરીરનો સ્પર્શ કર્યો ન તો ક્યારેય તારો કે કોઈ બીજી સ્ત્રીનો. શું કામ? કેમ કે, મારી ચાહનાને વાસના સમજી લેવામાં ન આવે.

અને તેમ છતાં લોકો સમજે છે વિબોધ જોષીના વિચારો અને વર્તન વચ્ચે અંતર નથી. સ્થળકાળ મુજબ મન અને તન એક રહેતા નથી પણ એવું નથી સત્યા. જીવનભર પત્રકારત્વનાં ક્ષેત્રે જે કઈપણ કર્યું એ પત્રકાર વિબોધ જોષી એ કર્યું. અને તારા અને કૌશર સાથ જે સંબંધ નિભાવ્યો એ માત્ર વિબોધ હતો.

શરમ આત્મામાં માથું ઊંચકીને પોકારી ઊઠે છે. ડર માણસને જકડીને જાતભાતનાં ચિત્રોની કલ્પનામાં બાળતો રહે છે. લોકો શું કહેશે? વિચારશે? પોતાના જ કરતુતો જો સમાજ સામે છતા થશે તો લોકો જીવનભર ખરાબ વાતો સંભળાવતા રહેશે. અજબગજબ ઉદાહરણ આપતા રહેશે. અપ્રિય ભાવ વ્યક્ત કરતાં ચહેરા, દુર્ભાવનાપૂર્ણ હાસ્ય કરતાં નકાબપોસ ફરેબીઓ..’

વિબોધ શબ્દો પર ભાર આપી આગળ બોલ્યો, ‘હું જે સત્તાસ્થાને આસિન હતો એ જવાબદારીઓ મને રમાડતી હતી અને જવાબદારીઓને વશ થઈ હા મે વિબોધ જોષીએ કેટલાક ગેરકાનૂની કામ કર્યા છે. હું ગુનેગાર છું. સાથોસાથ મે કરેલા પાપનાં પ્રાયશ્ચિત માટે તૈયાર છું. પણ મને કોઈ વ્યક્તિ સજા આપે એ મંજૂર નથી. હું ઈશ્વરનાં દરબારમાં ન્યાયના દેવી-દેવતાને હાથ મળેલી સજાને જ સ્વીકારીશ.’

‘ઈશ્વર? ઈશ્વરમાં તું ક્યારથી માનવા લાગ્યો?’

‘જ્યારથી ઈન્સાનો પરથી વિશ્વાસ ઉઠી ગયો. જે સમયથી શરાફતની સફેદ દુનિયા અને બદમાશોની કાળી દુનિયા વચ્ચે એક-એક પગ રાખી જીવનનો રંગ ગ્રે બની ગયો.’

‘આપણા કૃત્યોને આપણા સિવાયની આખી દુનિયા જાણી લે તો પણ ન્યાયની તોલે કોઈ ના આવે. માણસ કે ભગવાન શું ચીજ છે? કરેલા કર્મને ભોગવા જ રહ્યા.’ સત્યાનાં અવાજમાં સત્તાવાહી ધ્વનિ હતો.

‘હું જાણું છું કે, માફી માગવાથી ગુનાઓની સજા ભૂલ સમજી દોષીને નિર્દોષતાથી બાઈજ્જત બક્ષી દેવામાં આવતી નથી. જો મે તને જરા પણ અન્યાય કર્યો હોય એવું તું સમજતી, અનુભવતી હોય તો હું તારો ગુનેગાર છું. મને સજા આપ.’

‘ના વિબોધ મારે કોઈને સજા આપવી નથી. સજા આપનાર હું કોણ? અને હવે કેટલીક પડદાં પાછળની હકીકતો જાણ્યા બાદ કોઈપણથી બદલો લેવાની ઈચ્છા પણ મરી પરવાળી છે.’

‘જેમ તું કોઈને સજા આપવા હક્કદાર સમજતી નથી એમ ખુદ હું પણ કોઈને સજા આપવા હક્કદાર સમજતો નથી. આ કાળા કરનામાઓની ફાઇલનાં અજાણ્યા નામોને સજા આપનાર હું કોણ? મે તો માત્ર પત્રકારીત્વનો ધર્મ નિભાવવાનું વિચાર્યું હતું. સત્યના શોધક બની કાર્યના ભાગરૂપે અરીસો બનવા ઈચ્છયું. ગુનેગારોના નામની ફાઇલ મારી પાસે આવી અને મે સમાજ સમક્ષ રજૂ કરવાનું નક્કી કર્યું. આ સાથે પાપી લોકોના અન્યાય અને અપમાનનો બદલો પણ જોડાયેલો હતો. જો મારી પર ખૂની ષડયંત્ર ન ખેલાયા હોતા કે તારે આ બધુ સહન કરવાનું ન આવ્યું હોતું તો એ લોકોને દેશની કાનૂન સજા આપતી અને એ બચી પણ શકતા હતા.’ વિબોધના અવાજમાં ધારદાર રીતે સત્તાનું વજન આવ્યું. શરીરની એક એક નસ, તમામે તમામ શિરા, બધા જ રુંવા અને છિદ્ર યુદ્ધનો શંખનાદ પોકારતા હોય તેમ વિબોધ બોલ્યો, ‘પરંતુ તેમણે વિબોધ જોષીને પોતાનો ધર્મ બજાવતા રોક્યો છે એટલે આ યુદ્ધ ખેલાયું. વિબોધને મોતને ઘાટ ઉતારવાનું દુસાહસ ભારે પડશે. મારી મિત્ર સત્યાને એક મહિના સુધી ડરાવી, રિબાવી, ધમકાવી તેનો બદલો તેમણે પોતપોતાના જીવનદાન આપી ચૂકવવો પડશે. સરસ્વતીના મંદિર સમાન સુદર્શન અખબાર સળગ્યું, કોઈ જ લેણા-દેણી વગરના માસૂમો દંડાયા. બહુ થઈ ગયું મારી ગેરહાજરીમાં.

પરંતુ હવે ગંગાનું જળ ભલે તેમનું પાપ ધોઈ શકે કે મક્કા-મદીનાનું હજ તેને જન્નતની સહેર કરાવે. તેમની પનોતી ચાલતી હોય કે ના હોય. તેઓ કોઈપણ મહંત કે મૌલાને માનતા હોય.. તેમના ભાગ્યની રેખા ગમે તેટલી બળવાન કેમ ના હોય.. એ બધાનું મૃત્યુ અને મોક્ષ વિબોધ જોષીના હાથે લખાયેલું છે. આ અફર છે. યમરાજ પણ દુશમોને મૃત્યુના સકંજામાંથી બચાવી નહીં શકે. વિધ્વંસ નિશ્ચિત છે.’

સત્યાએ વિબોધ સામે વધુ પ્રશ્નો, પ્રતિ પ્રશ્નો કરવાની હિંમત ન બતાવી.

‘વિબોધ એટલે જ્ઞાન અને સત્યા એટલે સત્ય. શું જ્ઞાન અને સત્ય એક સાથે રહી શકે? ના, ક્યારેય નહીં. આ લડાઈ હું એકલા હાથે લડીશ. આમ પણ આ ખતરનાક ખેલમાં હું તને વધુ મુસીબતોમાં નાખવા નથી માગતો.’ વિબોધે મહમદ સામે જોયું. ‘મહમદ સત્યાનું ધ્યાન રાખવું તારી જવાબદારી છે. હું પાછો આવું ત્યાં સુધી કોઈ ચૂક થવી ન જોઈએ.’

સહજ અદમ્ય અને અચેતન સંકલ્પને દર્શાવતો વિબોધ ચાલ્યો ગયો અને...

ક્રમશ: