Adhyatmik Garba books and stories free download online pdf in Gujarati

આધ્યાત્મિક ગરબા

આધ્યાત્મિક ગરબા

(ક્રાંતિકારી તળપદી)

* રચયિતા : શ્રી યોગભિક્ષુ *

ઓમ્‌ગુરુ પ્રેમસમર્પણ ધ્યાનભિક્ષુ પરિવાર ટ્રસ્ટ

૩/બી, પલિયડનગર, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ રોડ,

નારાણપુરા, અમદાવાદ - ૩૮૦૦૧૩.

Website : www.aumparivar.com, www.yogabhikshu.org

Facebook : Yogabhikshu.AumpariVar


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


આધ્યાત્મિક ગરબા

(ક્રાંતિકારી તળપદી)

છછ ૐ છછ

છછ ન્િ;ર્ ાઙ્ઘ% બ્ર્.ા% છછ

રચયિતા : શ્રી યોગભિક્ષુ

ઓમ્‌ગુરુ પ્રેમસમર્પણ ધ્યાનભિક્ષુ પરિવાર ટ્રસ્ટ

૩/બી, પલિયડનગર, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ રોડ,

નારાણપુરા, અમદાવાદ - ૩૮૦૦૧૩.


અનુક્રમણિકા

૧.પહેલે નોરતે માં વીનવું હું તમને

૨.અંબા આવો રમવા જી...

૩.એવા તે ગઢથી ઉતર્યા

૪.સોહમ્‌ સોહમ્‌ ગાય

૫.આવ્યા છી આશા ભર્યા રે...

૬.ગુરુદેવા શરણે લેજો રે...

૭.માતા ઋતમ્ભરા

(૧) પહેલે નોરતે માં વીનવું હું તમને

(૧) પહેલે નોરતે માં વિનવું હું તમને

કામ-ક્રોધ ચપટીમાં ચોળો

રે... માં વિકાર-દૈત્યને રોળો.

(૨) બીજા નોરતે માં પાયે પડી કહું,

સત્કર્મોમાં જોડો રે... માં...

(૩) ત્રીજા નોરતે માં વંદન કરી કહું,

ચંદનનો થઈ જાઉં ગોળો રે... માં...

(૪) ચોથા નોરતે માં શરણમાં રાખજો,

અનિતિથી મુખ મોડો રે... માં...

(૫) પાંચમે નોરતે માં જાપ જપૂં છું,

ગાયત્રીમાં પ્રિત જોડો રે... માં...

(૬) છઠ્ઠે નોરતે માં માંગણી કરું છું,

સૌના સુખમાં મને જોડો રે... માં...

(૭) સાતમે મનમાં ઉભરો ચડ્યો છે,

ગુરુમહારાજની જય બોલો રે... માં...

(૮) આઠમે રાષ્ટ્ર કાજે કરું સમર્પણ,

ભારતમાતાની જય બોલો રે... માં...

(૯) નવમે નવદુર્ગા સંયમ સાચવું,

શરીર બને તોપ ગોળો રે... માં...

(૧૦) નવરાત્રી-લાભ જો આવો ન લઈએ તો,

“યોગભિક્ષુ” શીદ આંખ્યો ફોડો? રે... માં...

(૨) અંબા આવો રમવા જી...

(૧) “અંબા આવો રમવા જી,

રમવાની અમને હોંશ ઘણી”

“રમવા કેમ કરી આવું હું ?

દુર્ગુણથી છલોછલ ભરેલો તું !”... અંબા

(૨) “બહુચર આવો અમારા ગામ,

અમારું ગામ જાણે વૈકુંઠધામ !”

“તારા ગામ હું આવું શું કામ ?

ઘેરઘેર માંદગીનો છે મુકામ !”... અંબા

(૩) “અન્નપૂર્ણા માં જમાડું તમને,

જમાડવાની હોંશ બહુ અમને.”

“તારા પકવાન જમું ન હું,

એકલપેટો છે ખરેખર તું.”... અંબા

(૪) “ગાયત્રી માં મારી શાળાએ આવો,

બુદ્ધિની શુદ્ધિનો લઈએ લ્હાવો.”

“શુદ્ધિને તારે શું લેવાં-દેવા”

સૌને છેતરવાના તને છે હેવા !”... અંબા

(૫) “મહાકાળી માં પાડજો તાળી,

ભાત-ભાતની હું લાવ્યો સાડી”

“બક-બક બકવાસ શીદને કરે છે ?

પડોશમાં મા-બેટી ઉઘાડી ફરે છે !”... અંબા

(૬) “ઉમિયા માં તમે રાખો લાજ,

તમ વિણ સુધારે કોણ મારું કાજ ?”

“કાજ સુધારે તારું શ્રી ગુરુદેવ,

શરણ પકડ તું ઓમ્‌ ગુરુદેવ.”... અંબા

(૭) “ખોડીયાર તમારા ખખડાવું દ્વાર,

ખડખડ પાંચમનો કરો ઉદ્ધાર.”

ખોડીયાર હસીયા ખડખડાટ !

સુણી ‘યોગભિક્ષુ’નો બડબડાટં... અંબા

(૮) “મેલડી માં તમને સ્નાન કરાવું,

અત્તર ફુલેલ તેલ તમને ચડાવું.”

“બેસ બેસ બદનામ શીદને કરે છે ?

ન્હાયા-ધોયા વિના ભોજન કરે છે !”ં... અંબા

(૯) “મંદિર બનાવું શ્રી કોતર તમારું,

ધામધૂમથી હું આરતી ઉતારું”

નિવાસ છે કોતરમાં અમારો દીકરા,

શીદને ફોડે છે, મંદિરમાં ઠીકરાં... અંબા

(૧૦) માતાને તારું કાંઈ મંજૂર નથી

તારી સેવા તેમને લાગે કથીર,

“યોગભિક્ષુ” પ્રથમ લાયકાત કેળવ

પછી માતાજીની આશિષ મેળવ... અંબા

(૩) એવા તે ગઢથી ઉતર્યા

(૧) માં... એવા તે ગઢથી ઉતર્યા માં ગાયત્રી

જેનું વર્ણન કરી ન શકાય રે શુદ્ધિદાત્રી

(૨) અમને બુદ્ધિની શુદ્ધિ આપજો માં ગાયત્રી

જેથી સુખ-શાંતિ સ્થપાય રે શુદ્ધિદાત્રી

(૩) રે... કેવળ બુદ્ધિની શું કામની ? માં ગાયત્રી

શુદ્ધ-બુદ્ધિથી મોક્ષ પમાય રે શુદ્ધિદાત્રી

(૪) માં... તમારા મુખ છે પાંચ રે માં ગાયત્રી

ભજે તેને ન આવે આંચ રે શુદ્ધિદાત્રી

(પ) કેવો... અક્ષર ચોવીસનો છે મંત્ર રે માં ગાયત્રી

એ છોડાવે સર્વે ફંદ રે શુદ્ધિદાત્રી

(૬) ગાઓ ઓમ્‌ ભૂર્ભુવઃ સ્વઃ ઓમ્‌ માં ગાયત્રી

પામો તત્‌સવિતુર્‌ વરેણ્યં રે શુદ્ધિદાત્રી

(૭) રૂડું ભર્ગો દેવસ્ય ધી મહિ માં ગાયત્રી

ધિયો યો નઃ પ્રચોદયાત્‌ રે શુદ્ધિદાત્રી

(૮) જે શિખે, સુણે ને ગાય રે માં ગાયત્રી

તેની બુદ્ધિની શુદ્ધિ થાય રે શુદ્ધિદાત્રી

(૯) કરી ‘ઓમ્‌ પરિવારે’ પહેલ રે માં ગાયત્રી

‘યોગભિક્ષુ’ એ ગુણલા ગાએલ રે શુદ્ધિદાત્રી

(૪) સોહમ્‌ સોહમ્‌ ગાય

સોહમ્‌ સોહમ્‌ ગાય, માજી તારો ગરબો સોહમ્‌ ગાય;

શ્વાસે શ્વાસે જપાય, માજી તારો ગરબો સોહમ્‌ ગાય;

રમતો ઘુમતો સદાય, માજી તારો ગરબો સોહમ્‌ ગાય;

શરીર-ગરબામાં રૂડી, દશ-દશ ઇન્દ્રિયો,

અગીયારમું મન સોહાય, ... ... ... માજી

શરીર-ગરબામાં કેવા, નવ-દશ દ્વાર છે !

તોય કરે પ્રાણ મુકામ ! ... ... ... માજી

શરીર - ગરબામાં, કોટિ-કોટિ રોમકૂપ,

રોમે-રોમે જ્યોતો રેલાય. ... ... ... માજી

ઈડા, પિંગલા ને સુષુમ્ણા નાડીનો,

ભ્રકુટીમાં સંગમ થાય. ... ... ... માજી

એકવીસ હજાર ને છસો શ્વાસ લે,

બોંતેર નાડી ધબકાય. ... ... ... માજી

માટીનો ગરબો તો શરીરનું પ્રતિક છે,

શરીર પંચભૂતથી ગઠાય. ... ... ... માજી

નવ માસે ગર્ભમાં શરીર બંધાય છે,

નવરાત્રી સમજો નવ માસ, ... ... ... માજી

સત્‌ કર્મોથી, પુણ્ય ભેગું કરીએ તો,

જરૂરથી સુખી થવાય. ... ... ... માજી

ભૂખ્યા ભાંડુની, ભૂખ ભાંગીએ તો,

માતાજી બહુ રાજી થાય. ... ... ... માજી

દુઃખીયારા જીવો પર, દયા કરીએ તો,

નવરાત્રી સાચી ઉજવાય. ... ... ... માજી

ગરબામાં સંયમનું, તેલ પૂરીએ તો,

ગરબો ઝગમગ થાય. ... ... ... માજી

‘યોગભિક્ષુ’ સ્વચ્છંદી જીવન જીવીએ તો,

ગરબો વહેલો નંદવાય. ... ... ... માજી

(પ) આવ્યા છી આશા ભર્યા રે...

રાગ : શરદ પૂનમની રાતડી

શરદ પૂનમે કહું વાતડી, ચડ્યો ઉત્સાહ અપરંપાર રે...

આવ્યા છી આશા ભર્યા રે.

આશા ભર્યા તે અમે આવીયાને, પામિયા શાનમાં જ્ઞાન રે...

આવ્યા છી આશા ભર્યા રે.

સુખ-દુઃખ જીવનમાં જરૂર આવે, એ પુણ્ય-પાપનું પરિણામ રે...

આવ્યા છી આશા ભર્યા રે.

સુખને ભલે હોંશે-હોંશે ભોગવજો, દુઃખ પણ માનજો પ્રસાદ રે...

આવ્યા છી આશા ભર્યા રે.

પ્રસાદ માન્યે, દુઃખ, પણ સુખ આપે; સર્વોત્તમ આ છે ઉપાય રે...

આવ્યા છી આશા ભર્યા રે.

જન્મ્યા તે તો સર્વે જશે રે, નથી કોઈ કાયમ રહેનાર રે...

આવ્યા છી આશા ભર્યા રે.

ગર્ભવાસમાં વચન આપીયું રે, ભજીશ જન્મીને પ્રભુને ખાસ રે...

આવ્યા છી આશા ભર્યા રે.

શરદ ચંદ્ર ભલે આકાશે ચડ્યો, આપણો છે આપણી પાસ રે...

આવ્યા છી આશા ભર્યા રે.

ઈડા-પિંગલા છે, ચંદ્ર-સૂર્ય સમાન, ‘યોગભિક્ષુ’ રમતા રામ રે...

આવ્યા છી આશા ભર્યા રે.

(૬) ગુરુદેવા શરણે લેજો રે...

(રાગ : અંબેમાં મુજરો લેજો રે...)

ગુરુદેવા શરણે લેજો રે...

અમને સાચી સમજણ દેજો રે...

(૧) શરણે તે લેજો, કટુ સત્ય કહેજો,

લાત અને ગાળ, ને ડંડો પણ દેજો,

(અમને) પપલાવશો નહીં લગાર. શરણે...

(૨) આજ દિન સુધી, પપલાવ્યા અમને,

ખૂબ દુઃખી કર્યા, અમે સૌએ તમને,

(અમ પર) તોય કરી કરુણા અપાર. શરણે...

(૩) વરસો સુધી અમે, છેતર્યા તમને,

સત્સંગ-સભામાં, આવતા કમને,

(અમે) ઘેરાયા અગનની જવાળ. શરણે...

(૪) અનંત ઉપકાર આપના અમ પર,

થાબડી પીઠને ચઢાવ્યા શિર પર,

(અમને) આપ્યું અઢળક વ્હાલ. શરણે...

(પ) ગુરુ-ભાઈ બહેનને, વિકારે ભાળ્યા,

ભ્રાતા-ભગિનિના, સંબંધ ટાળ્યા,

(તોય) માફ કરી લ્યો છો સંભાળ. શરણે...

(૬) હૃદયમાં રહેજો, મસ્તકમાં કહેજો,

બુદ્ધિ બગડે ત્યારે હાજર રહેજો,

(તમને) વીનવે હઠીલો બાળ. શરણે...

(૭) ગામે ગામને, શહેરે ફર્યા,

જગમાં ભાળ્યા, દુઃખના દરિયા,

(હવે) ધીરજ ખૂટી છે દયાળ. શરણે...

(૮) “કૂતરું કરડે પણ, તેને ન કરડાય,

આપણે તો કરડ્યાનો ઉપચાર કરાય”

(અમને) શીખ આપી આવી સદાય. શરણે...

(૯) કરો ગુનો પહેલાં કે પછી કરો ભલે,

શિક્ષામાંથી તોય, મુક્તિ ન મળે,

(બાળ) “યોગભિક્ષુ” આવું ગાણું ગાય” શરણે...

(૭) માતા ઋતમ્ભરા

(૧) આકાશમાંથી ઉતર્યા, રે માતા ઋતમ્ભરા...

(૨) ઉપાસકોને તાર્યા, રે માતા ઋતમ્ભરા...

(૩) ઉતર્યા પ્રજ્ઞાના ઓરડે, રે માતા ઋતમ્ભરા...

(૪) ભ્રમણાને બાંધી દોરડે, રે માતા ઋતમ્ભરા...

(૫) પછી મેઘામાં વસ્યા, રે માતા ઋતમ્ભરા...

(૬) રોમ-રોમના દેવતા હસ્યા, રે માતા ઋતમ્ભરા...

(૭) ઋતે તો ભૂતને ભગાડયા, રે માતા ઋતમ્ભરા...

(૮) વહેમોના તૂતને નસાડયા, રે માતા ઋતમ્ભરા...

(૯) પ્રેમે જે ‘ઋત’ને ગાય છે, રે માતા ઋતમ્ભરા...

(૧૦) આવાગમન તેના જાય છે, રે માતા ઋતમ્ભરા...

(૧૧) “ભિક્ષુ” કહે ઋતને જો વરીએ, રે માતા ઋતમ્ભરા...

(૧૨) જડતા-નદી તો તરીએ, રે માતા ઋતમ્ભરા...

* રચયિતા : શ્રી યોગભિક્ષુ *

ઓમ્‌ગુરુ પ્રેમસમર્પણ ધ્યાનભિક્ષુ પરિવાર ટ્રસ્ટ

૩/બી, પલિયડનગર, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ રોડ, નારાણપુરા, અમદાવાદ - ૩૮૦૦૧૩.