Nirjar Jharyu ko Gebthi books and stories free download online pdf in Gujarati

Nirjar Jharyu ko Gebthi

નિર્ઝર ઝર્યું કો ગૅબથી

(શાંતિ-પ્રાપ્તિ માટેનાં અજાણ્યાં રહસ્યોનું ઉદ્‌ઘાટન)

જય નારાયણ ગ્રંથાવલી પુષ્પ-૮

- યોગભિક્ષુ

પ્રકાશક અને પ્રાપ્તિસ્થાન :

ઓમ્‌ગુરુ પ્રેમસમર્પણધ્યાનભિક્ષુ પરિવાર ટ્રસ્ટ વતી

ડૉ. સદ્‌ગુરુસમર્પણભિક્ષુ

૧/અ, પલિયડનગર સોસયટી,

સેંટ ઝેવિયર્સ સ્કૂલ રોડ,

નારાણપુરા, અમદાવાદ - ૩૮૦ ૦૧૩.

ફોન : ૨૭૯૧૧૧૯૫

ઉીહ્વઃ ુુુ.ર્રૂખ્તટ્ઠહ્વરૈાજરેર્.ખ્તિ

હ્લટ્ઠષ્ઠીર્હ્વરઃ ર્રૂખ્તટ્ઠહ્વરૈાજરે.છેદ્બટ્ઠિૈદૃટ્ઠિ

આવૃતિ :- દ્વિતીય - નવેમ્બર ૧૯૯૬

પ્રત :- ૫૦૦૦

(ઝ્ર) સર્વ હક્ક પ્રકાશકને સ્વાધીન

કિંમત :- રૂા.૧૫-૦૦

સંપાદક :- નૈષધરાય

મુખપૃષ્ઠ :- કિશોર મકવાણા

મુદ્રક :- કુણાલ ઓફસેટ, અમદાવાદ.

લેસર ટાઈપસેટીંગ :- જાનકી ગ્રાફીક્સ એન્ડ સ્ક્રીન પ્રિન્ટીંગ

૧૦, ત્રિવેણી પાર્ક સોસાયટી, રન્નાપાર્ક,

અમદાવાદ-૬૧. ફોનઃ-૭૪૫૪૬૬૯

પ્રાસંગિક

શાંતિપ્રાપ્તિ માટે સૌ ઝંખી રહ્યા છીએ, તેના માટે અનેક પ્રયોગો અને અનેક યોજનાઓની અજમાયેશ કરી રહ્યા છીએ. દરેક વ્યક્તિ, સમાજ, દેશ રાષ્ટ્ર પોતપોતાની રીતે, પોતાને સાચી લાગતી પદ્ધતિએ દીર્ઘકાળથી શાંતિ પ્રાપ્ત કરવા મથી રહ્યા છે. આ પુસ્તિકામાં પણ તે માટે અનેક નવિનતમ (કદાચ કોઈની દૃષ્ટિએ પ્રાચીનતમ) વિચારસરણી રજૂ કરવાનો નમ્ર પ્રયત્ન કર્યો છે. અનેક દૃષ્ટિકોણો અને અનેક વિચાર-પદ્ધતિઓ પ્રમાણેના અખતરા વિશ્વશાંતિ માટે થયા છે અને થઈ રહ્યા છે. તો આ પુસ્તિકામાંની પદ્ધતિને પણ એક વખત સ્વાનુભવની કસોટી પર શા માટે ન કસીએ? એક વખત આનો સ્વાનુભવ જરૂર લઈ અને સાચજૂઠની તારવણી કાઢીએ તેવી વિનંતી છે સૌ વિશ્વ-શાંતિ-પ્રમીઓને તથા સર્વ ધાર્મિક, સામાજિક તથા રાજનૈતિક લોકનાયકોને.

ભાવજગતને ભાષાજગતમાં સંપૂર્ણ અને યથાયોગ્ય રીતે ઉતારી જ ન શકાય. માટે, અતિ સૂક્ષ્મ અને દિવ્ય ભાવ-સમાધિ-સરિતામાંથી અતિ સ્થૂળ ભાષા-સરિતામાં સરી પડેલા આમાંના નિબંધ-નિર્ઝરને - કે જે અતિ લઘુ હોવા છતાં ઉપયોગિતાની દૃષ્ટિએ અતિ મહાન છે તેને - પૂર્ણ આત્મસાત કરવા માટે ભાવજગતનો આશ્રય લેવાવો જોઈએ. તો આમાં રજૂ થવા છતાં જે અધ્યાહાર રહ્યું છે (જે કાંઈ ભાષામાં રજૂ થઈ શકે છે તે બધું અધ્યાહારનો અમુક અંશ જ હોય છે, મોટો ભાગ તો અધ્યાહારમાં હોય છે) તે સ્વયંભૂ રીતે ક્રમે ક્રમે ખૂલતું જશે. અને જ્યારે આમ થવા લાગશે, અક્ષરો અને શબ્દો સાથે જ્યારે ગોઠડી બંધાશે ત્યારે જે સમજણ નીતરશે તે દિલો-દિમાગને અધ્યાહારી સમજણથી તરબતર કરી દેનારી નીવડશે. આ રીતે ભાવસમાધિસ્થ સાથે તેના નિદિધ્યાસીનું ક્રમે ક્રમે અદ્વૈત સધાતું જશે.

આમાંનો નિબંધ વાદવિવાદ કરીને ભાષાયુદ્ધે ચઢવા માટે નથી, કે નથી તે તર્ક, કુતર્ક કે દલીલબાજીના દોઝખમાં પડીને હારજીતની મનોકામનાને પોષવા માટે. નૂતન શાંતિપથના પથિકો, વાંછુઓ, શોધકો તથા જિજ્ઞાસુઓને આમાંથી જરૂર કાંઈક અનુકૂળ મળી રહેશે તેવી આશા છે.

શોધકો, જિજ્ઞાસુઓ વગેરેને પૂર્વગ્રહમાં પીડાવું કે સંકીર્ણતામાં સબડવું પાલવે નહીં. ભૂલોને જતી કરીને કેવળ મુખ્ય ધ્વનિને ગ્રહણ કરી લે છે તે હંસવૃત્તિની બલિહારી છે સદા સર્વદા.

‘યોગ’ - ભિક્ષા લાવીઓ, ‘ભિક્ષુ’ બની ગુરુદ્વાર;

મુમુક્ષુ જરૂર પામશે, સૌનો મુજમાં ભાગ.

સદા સર્વ શુભેચ્છક

-યોગભિક્ષુ

મેરા મુઝમેં કુછ નહીં;

જો કુછ હૈ સો તેરા;

તેરા તુઝકો સૌંપતે,

ક્યા લગેગા મેરા?

બીજી આવૃત્તિ સમયે

પ.પૂ. ગુરુદેવ શ્રી યોગભિક્ષુજી દ્વારા સમયે-સમયે પીરસાયેલી અતિ ઉપયોગી સામગ્રી કે જે આ પુસ્તિકાના વિષયને અનુરૂપ છે તેનો સમાવેશ આ બીજી આવૃત્તિમાં કરી લેવામાં આવ્યો છે.

-નૈષધરાય

નિર્ઝર ઝયઁુ કો ગૅબથી

શાંતિ કોને નથી જોઈતી? સૌને જોઈએ છે. અને છતાં સૌ જાણ્યેઅજાણ્યે અશાંતિ વ્યાપે એવા જ પ્રયત્નો કરતા રહે છે, સૌ દ્વારા એવાં જ આચરણો થતાં રહે છે. સાચી વાતની અજ્ઞાનતાના કારણે ચિરસ્થાયી શાંતિ માટેના સાચા પ્રયત્નો કોઈ નથી કરતું, કોઈ નથી કરી શકતું, આ પણ એક, વિધિની વિચિત્રતા જ કહેવાય ને!

વિશ્વશાંતિ માટે કેટલો મોટો બખાળો સાંભળવા મળે છે અત્યારે! જ્યાં સુધી સંપૂર્ણ શાંતિ લાવવા માટેની સાચી અને સંપૂર્ણ જાણકારી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી વિશ્વને શાંતિ પ્રાપ્ત થાય જ ક્યાંથી? અને ત્યાં સુધી શાંતિ માટેના બધા જ પ્રયત્નો અને પ્રવચનો; ઊહાપોહો અને ઉપદેશો માત્ર કોલાહલો અને બખાળાઓ જ રહેવાના.

સાચી સમજણ અને તે પ્રમાણેના પૂરા પ્રયત્ન વિના, લાખ યત્ને કે જન્મે પણ શાંતિ પ્રાપ્ત કરી શકાય નહીં. જો શાંતિ માટેની સાચી વાતો આપણે સમજવી જ ન હોય અને સમજ્યા પછી આચરવી જ ન હોય, કે આપણાથી આચરી શકાતી જ ન હોય તો એમ જ કહી શકાય ને કે આપણને શાંતિ જોઈતી જ નથી, માત્ર શાંતિ માટેની વાતો જ જોઈએ છે!

વ્યષ્ટિ અને સમષ્ટિને શાંતિ પ્રાપ્ત કરવા માટે જે જાણકારીની જરૂરત છે તે અતિ ગુપ્ત અને રહસ્યયુક્ત છે. તે જાણકારી અહીં રજૂ કરવાનો નમ્ર પ્રયત્ન થઈ રહ્યો છે, કે જે જવલ્લે જ રજૂ થતી હશે. કારણ કે તે ઝટપટ સાચી લાગે તેવી નથી. જો એમ ન હોત તો શાંતિ ક્યારનીયે પગમાં આળોટતી ન હોત?! “તરણા ઓથે ડુંગર રે, ડુંગર કોઈ દેખે નહીં.”

પ્રથમ તો એ વિચારવું ઘટે કે વેર, ઈર્ષા, દ્વેષ, બદલો વગેરેની ભાવના વૃત્તિમાં ઠલવાય છે ક્યાંથી? તેનું ઉદ્‌ભવસ્થાન ક્યાં છે? તેનું અસલ કારણ શું છે? તેનું બીજારોપણ ક્યાંથી થાય છે? જો બીજ જ વાવવામાં ન આવે તો? મૂલો નાસ્તિ કુતઃ શાખા? પરંતુ ભોગવિલાસમાં રચીપચી રહેલી સ્થૂળ બુદ્ધિ અશાંતિના બીજારોપણરૂપી મૂળ કારણને પકડી શક્તી નથી અને તેથી ઘાણીના બળદની જેમ ગોળગોળ ચક્કર મારીમારીને હતી ત્યાંની ત્યાં જ.

માત્ર - ભોગ માટે, વિલાસ માટે, સ્વાદ માટે, પ્રયોગ માટે, પ્રદર્શન માટે, મનોરંજન માટે અને એવા અનંત પ્રકારે, અનંત પ્રકારના, અનંત નિર્દોષ અને નિરપરાધ જીવોની હિંસા વિશ્વમાં આચરાઈ રહી છે એ બધા જિજીવિષાયુક્ત (જીવવાની ઇચ્છાવાળા) જીવોનો અકાળે સંહાર થઈ જાય ત્યારે તેમની જિજીવિષાનું શું થાય? તેમની જીવવાની લાલસા ક્યાં જાય? એ કેવી રીતે શાંત થાય? એ કઈ રીતે બદલો લે?

તુલસી હાય ગરીબકી, કબહુ ન ખાલી જાય;

મૂએ ઢોરકે ચામસે, લોહા ભસ્મ હોઈ જાય.

સંહાર કરાયેલ એ જીવોની તીવ્રતમ વિરાટ-વિશાળ લાલસા કલ્પનાતીત સૂક્ષ્મ રૂપ ધારણ કરીને સમષ્ટિ-વિરાટ આકાશમાં ઘૂમરાતી રહે છે. અમૂક સમય સુધી આ પ્રમાણે થયા પછી તે સમષ્ટિ-પ્રાણ-વિદ્યુતના સંપર્કમાં આવીને વધુ સૂક્ષ્મ થઈને પ્રાણ-વિદ્યુત સાથે ભળીને તેમાં મળી જાય છે; તેની સાથે એકરૂપ જેવી થઈ જાય છે. વ્યષ્ટિ, શ્વાસોચ્છ્‌વાસની ક્રિયા કરતી વખતે શ્વાસમાં સમષ્ટિ-પ્રાણ-વિદ્યુત ગ્રહણ કરે છે કે જેમાં અકાળે સંહાર કરાયેલ જીવોની લાલસા ભળેલી હોય છે. આ પ્રમાણેના ક્રમથી આ લાલસા રુધિરમાં પ્રવેશીને, વૃત્તિમાં પ્રસરીને અને પછી મગજને ઉશ્કેરીને વેર, ઈર્ષા, દ્વેષ, બદલાની ભાવના વગેરેને ઉત્પન્ન કરાવે છે. અને આ ભાવના દ્વારા પોતાના પૂર્વના સંહારકને સંહારીને જ, પ્રતિશોધ લઈને જ જંપે છે, લય પામે છે - શમે છે. આમ છતાં જે બચી રહે છે તેનો કાળાંતરે એટલો મોટો જથ્થો એકઠો થાય છે કે તે પ્રલય કરાવીને પછી જ શાંત થાય છે. વિશ્વમહાપ્રલયના પ્રેરક બળ તરીકે પણ તે અમુક અંશે કારણભૂત છે.

આ બધાં અતિ ગુપ્ત રહસ્યો વિશ્વના વિજ્ઞાનીઓ માટે એક આહ્‌વાન, એક કોયડો, એક નૂતનતમ વિચારસરણીના અને નૂતનતમ દિશાઓનાં ઉદ્‌ઘાટક બની રહે તો નવાઈ નહીં. જો કે સ્થૂળ વિજ્ઞાનની એક સીમા હોય છે. મનોવિજ્ઞાન વધુ સૂક્ષ્મ છે અને આત્મવિજ્ઞાન તેનાથી પણ વધુ સૂક્ષ્મ.

કોઈને ગાળ દઈએ કે થપ્પડ મારીએ તો તે આપણને સામી ગાળ દઈને કે થપ્પડ મારીને પછી જ શાંત થાય છે. પણ તે જો અસમર્થ હોય તો બદલો લેવા માટેની અનુકૂળતાની રાહ જુએ છે. અનુકૂળતા મળતાં જ તે બદલો લઈને પોતાની આગને શાંત કરે છે. કોઈપણ પ્રકારે પોતાના વૈરાગ્નિને શાંત કરવાની સગવડની બક્ષિશ, માત્ર મનુષ્યજીવને એકલાને જ નહીં પરંતુ દરેક જીવને પ્રાપ્ત થયેલી છે. જો એવી સગવડ સર્વ જીવોને ન મળી હોય તો બ્રહ્માંડનું સમતોલન ડામાડોળ થઈ જાય. અસમતોલનમાં સમતોલન એનું જ નામ વિશ્વ.

ઓચિંતાં જ મહાયુદ્ધો, મહામારીઓ કે ભયંકર બળવાઓ ફાટી નીકળે છે તેનું પ્રેરક બળ પણ ઉપર કહ્યું તે જ છે. જે ક્રમથી જીવહિંસા થઈ હોય છે તે ક્રમથી જ ઉપરોક્ત દુઃખો-ત્રાસો જગત ઉપર ત્રાટકે છે અને આ રીતે જમા-ઉધારનાં બંને પાસાં સરખાં થયે જાય છે.

જેનો કદી વિચાર નથી થતો તેવી અતિ મહત્વની બીજી પણ એક વિચારવા જેવી વાત છેઃ-

ભોજન માટે આમંત્રિત વ્યક્તિનો મોઢા સુધી પહોંચેલો કોળિયો ઝાપટ મારીને ઉડાડી દઈએ, કે ચવાઈને તૈયાર થઈને ગળા નીચે ઊતરવાની તૈયારીમાં હોય તેવા તેના કોળિયાને તેના મોઢામાં ચમચો ઘાલીને પાછો કાઢી લઈએ તે તેની કેવી અમર્યાદ ક્રુર મશ્કરી છે! આપણને મળતા થોડા આનંદના બદલામાં આમંત્રિતની કેવી કરુણતા સર્જીએ છીએ? આમંત્રિત અસમર્થ છે તેથી તે આપણું બઘું કઠોરપણું અને નઠોરપણું સહન કરીને મૂંગો મૂંગો ચાલ્યો તો ગયો પણ આપણા માટે તે પોતાના મનમાં કેવી ભયંકર બદલાની ભાવના ભરતો ગયો તેની લેશ પણ પરવા કર્યા વિના આપણે તો પાછા બીજાની ક્રૂર મશ્કરી કરીને આનંદ લેવાની તૈયારીમાં પડી ગયા! જેને જમાડવા જ નથી તેને ભોજન માટે આમંત્રણ જ શા માટે આપવું જોઈએ? જેને જન્મવા દેવા નથી તે જન્મવા ઉન્મુખ થાય તેવું વર્તન જ - તેવું આચરણ જ શા માટે કરવું જોઈએ? આ બધું જાતે સમજાય તેવું હોવા છતાં પણ સમજાવવું પડે છે તેથી એ ખ્યાલ આવે છે કે આપણે અત્યારે કેવી વિકૃત પરિસ્થિતિમાં જીવી રહ્યા છીએ.

ભોગ ભોગવવા રૂપી આમંત્રણ તો આપણે બીજા જીવને આપીએ છીએ પણ એ જ્યાં જન્મવા તૈયાર થાય છે કે એ વખતે આપણે એવું કાંઈક કરીએ છીએ કે એ જન્મી જ ન શકે. આ તેમની મહા ક્રૂર મશ્કરી છે. આપણે જન્મ્યા અને હવે કદી ન મરીએ તેવું ઇચ્છીએ છીએ. તો પછી બીજાને જન્મતા શા માટે રોકીએ છીએ? જેને જન્મતા રોકીએ છીએ તેમાં કોણ કોણ હશે તેની પણ આપણને ખબર નથી. જેને આપણે અત્યંત ચાહતા હતા અને જેઓ આપણને અત્યંત ચાહતા હતા તેઓ પણ તેમાં કેમ ન હોઈ શકે? જેને બચાવવા માટે આપણે બધું જ બલિદાન આપવા તૈયાર હતા છતાં જેમને ન બચાવી શક્યા તેઓને આપણામાં અતિ મોહમમતા રહી ગઈ, જેથી તેઓ આપણે ત્યાં અથવા આપણા કુટુંબમાં આવવા-જન્મવા માંગે છે તેમની પણ આપણે નિર્દય મશ્કરી કરી રહ્યા છીએ. આપણા વહાલામાં વહાલા પ્રેમી આત્મીયજન આપણે ત્યાં જન્મવા માટે કરુણ પોકાર કરે છે ત્યારે આપણે તેને ગટરગંગામાં વહાવી દઈને આનંદ માણીએ છીએ! આવું બધું કેમ કરીએ છીએ? કેવળ આપણી અજ્ઞાનતાના કારણે. જેમને બાથમાં લઈને ભેટવા માંગતા હોઈએ, જેમનો ચરણસ્પર્શ કરીને પુષ્પો ચડાવવા માંગતા હોઈએ તથા જેમના માટે પોતાની ચામડીના જોડા બનાવવા જેટલી ત્યાગભાવના રાખતા હોઈએ તે બધાને, મૂર્ખતા અને અજ્ઞાનતાના કારણે પગ તળે કચડીને છાણમાટીમાં રખડતા અને રઝળતા મૂકી દઈએ છીએ. એ બધામાં રામ-કૃષ્ણાદિ સમાન અવતારી વિભૂતિ પણ કેમ ન હોય!? આ બધાં રહસ્યો સમજ્યા પછી તો ચેતીએ!

ભોગ ભોગવતા રહીએ છતાં કોઈને જન્મવા ન દઈએ ત્યારે સ્ખલિત-સ્ખરિત થયેલા રજ-વીર્ય-બીજાણુંઓનું શું થાય? તેનો સમાવેશ ક્યાં થાય? તે કેવું સ્વરૂપ ધારણ કરે?

અનુભવીઓ કહે છે કે જેઓ જન્મી ચૂક્યા છે તેમને બીજાને જન્મતા રોકવાનો અધીકાર નથી. ખરેખર તો ભોગ ભોગવતા છતાં, ભોગ દ્વારા જે જન્મવાના છે તેમને રોકી રાખવા જેટલું કોઈનામાં સામર્થ્ય નથી- તે કોઈના કાબૂમાં નથી. તત્પૂરતું ભલે લાગે કે કોઈ જન્મ્યું નથી. પથ્થરમાં પડેલું વૃક્ષબીજ પણ અતિ ધીમી ગતિએ છતાંય પૂર્ણ મક્કમતાથી યથાકાળે પથ્થર તોડી-ફોડીને બહાર ડોકિયું કરે જ છે. મનુષ્યની અધમ અને વિકૃત વૃત્તિનો ભોગ બનેલાં વીર્ય-બીજો - કે જે એક એક સંપૂર્ણ શરીર છે તે - અનંત રૂપે અને અનંત સ્થળે વેરાય છે, વીખરાય છે. પછી તે બીજાણુંઓ પોતાને જે કાંઈ અનુકૂળ સામગ્રી અને અનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત થાય છે તેનો સહારો લઈને અનંત સૂક્ષ્માતિસૂક્ષ્મ દેહધારી જીવજંતુ સ્વરૂપે અને કીટાણુઓ વગેરે રૂપે પોતાને અભિવ્યત કરે છે અને પછી વિકૃત માનસધારી પોતાના જનક પાસેથી પોતપોતાની રીતે બદલો લે છે. જેને પછી કમળો, કોલેરા, ટાઈફોઈડ કે મેલેરિયા ઇત્યાદિ અનેક ભિન્નભિન્ન નામો દેશકાળ પ્રમાણે અપાય છે.

મર્યાદિત સુસંતતિ હોય તો જ સુખશાંતિ રહે એ વાતમાં કાંઈ શંકા નથી પરંતુ સંતતિની વ્યાપક વ્યાખ્યા પણ સમજવી જરૂરી છે. આપણે તો માત્ર પુત્રપુત્રી રૂપે સંતતિ થાય તેને જ સંતતિ કહીએ છીએ. સ્ત્રીપુરુષનું સત્ત્વ કે જે વિકૃત થઈને અનંત રૂપે વાતાવરણમાં વ્યાપે છે તે પણ તેમની સંતતિ જ છે. આટલી અસંખ્ય અને વિકૃત સંતતિનાં માતાપિતાને સુખશાંતિ ક્યાંથી હોય? મર્યાદિત સુસંતતિના માતાપિતા જ્યારે સાચા અર્થમાં થઈશું ત્યારે જ સુખશાંતિના અધિકારી થઈશું. આવા ભાગ્યશાળી અધિકારી થવા માટે સંયમી જીવન જીવવું પડશે. જો સંપ્રદાયો, સમાજો અને રાજસત્તા તરફથી સંયમી જીવનનો પ્રચાર અને પ્રસાર થાય, જો તેને ઉત્તેજન, પ્રતિષ્ઠા અને મોભો મળે તો સામાન્યજનો માટે પણ સંયમી જીવન અઘરું નથી જ. સંયમી જીવનમાં ખોવાનું કશું જ નથી અને પ્રાપ્તિ અમૂલ્ય છે. જે આચરણ કરવાથી અને જે વિચારો રજૂ કરવાથી પૂર્વકાળમાં સમાજમાં ઉલ્કાપાત મચી જતો હતો અને જેને મહાપાપ ગણવામાં આવતું હતું તેને દીર્ધકાલીન રાજ્યાશ્ર્રય મળવાથી હાલમાં તે સાવ સ્વાભાવિક લાગે છે અને ઈનામને પાત્ર ગણાય છે તો બધી બાજુની અને બધા તરફથી હૂંફ મળતાં સંયમધર્મ સ્વાભાવિક અને સરળ કેમ નહીં લાગે?

અસંયમી જીવનનો અખતરો જો હવે પૂરો થયો હોય તો સંયમધર્મને અપનાવીએ અને આચરીએ. મરજીવાઓ જ આવી પહેલ કરી શકશે અને કરાવી શકશે.

જે પુરાતનકાળનું ગણાતું હતું અને તેથી કપોળકલ્પિત મનાતું હતું તે અર્વાચીનકાળમાં ભૌતિક વિજ્ઞાન દ્વારા પણ સાબિત થઈ ચૂક્યું છે કે ગર્ભસ્થશિશુ ઉપર તેનાં માતાપિતાનાં આહાર, વિહાર, વિચાર, વાણી, વર્તન ઇત્યાદિની અસર ખૂબ પડે છે અને તે ચિરસ્થાયી રહે છે. શોધકોએ તો સ્વાનુભવથી ત્યાં સુધી નક્કી કરી લીધું છે કે ગર્ભાવસ્થા દરમિયાન અમુક જ પ્રકારનો આહાર-વિહાર રાખવાથી અને આવશ્યક ચોકસાઈ રાખવાથી નવજાત શિશુના સ્થૂળ શરીરને પણ ધાર્યા મુજબ રૂપ અને રંગ આપી શકાય છે. તેથી જ તો ઋતુદાન અર્થાત્‌ બીજારોપણ પૂર્વે અને તે વખતે નિશ્ચિત વિધિ અનિવાર્યપણે આચરવાનો ઋષિમુનિઓનો મત હતો. એ મુજબ આચરણ કરવાથી ધાર્યા મુજબ સંતતિ પ્રાપ્ત કરી શકાતી હતી.

પ્રજા ઉત્પન્ન કરવાની ક્રિયાવિધિ માટે ‘ઋતુદાન’ શબ્દ પ્રયોજાયો છે તે ખૂબ ઉચિત છે. ‘ઋતુ’, ‘દાન’ અને ‘ઋતુદાન’ એ ત્રણ શબ્દોમાં ગંભીર અને અતિ ઉપયોગી અર્થો સમાવી દેવામાં આવ્યા છે. તે શબ્દોનુ ચિંતન-મનન કરવાથી ‘સુસંતતિવિજ્ઞાન’ વિષેની ઘણી જાણકારી મેળવી શકાય એમ છે. તેમાંનો ‘દાન’ શબ્દ ખૂબ સૂચક છે. “દાન કરી રહ્યા છીએ, સમાજ માટે ભોગ આપી રહ્યા છીએ” તેવી વૃત્તિ-ભાવના એ ક્ષણમાં હોવી જોઈએ તેવી સૂચના ‘દાન’ શબ્દમાં ગૂંથી દેવાઈ છે, મહાયત્ને ભેગી કરેલ મૂડીનું સમાજના કલ્યાણ માટે દાન કરી દેવાનું છે, માનવવંશતંતુ સતત ચાલુ રહે તે માટે પોતાના તરફથી પણ એક અંજલિ આપવાની છે. “ભોગ ભોગવીએ છીએ” એ ભાવનાથી નહીં પરંતુ “ભોગ આપીએ છીએ” એ ભાવનાપૂર્વક જ્યારે પ્રજોત્પત્તિ થશે ત્યારે જગત કાંઈ જુદું જ હશે.

પુરાણોમાં એક રહસ્યમય કથા છે કે દધીચિ ઋષિનાં હાડકાંમાંથી બનેલા શસ્ત્રથી દેવો અસુરો ઉપર વિજય મેળવે છે.

દેવો ભોગી છે. સંયમ વિના અસુરો ઉપર જીત મેળવી ન શકાય. તેથી દેવો સંયમના સ્વામી દધીચિ ઋષિ પાસે તેમનાં હાડકાંની માગણી કરે છે. ઋષિજી, સમાજના કલ્યાણ માટે ઘણી ખુશી સાથે પોતાના પ્રાણ સમાન પોતાના સંયમનિધિનું અધિકારીને દાન કરી દે છે.

‘હાડકાં’ એટલે શું તે રહસ્ય થોડા ધ્યાનસ્થ થઈને વિચારવાથી સમજાઈ જાય છે. આ કથાનું પ્રમાણ આપીને ધુતારાઓ પોતાની કામવાસનાની તૃપ્તિ કરવા માટે ભોળી પ્રજાને આકર્ષી શકે નહીં તે આશયથી આ કથામાં પુરાણકારે ‘હાડકાં’ શબ્દ વાપર્યો છે. આયુર્વેદની દૃષ્ટિએ શરીર સાત ધાતુ (તત્ત્વ) નું બનેલું છે. યથા - રસ, રક્ત, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને શુક્ર (વીર્ય). હાડકાં વીર્યની ઘણી નજીકની ધાતુ છે. આ પરથી પણ હાડકાં એટલે શું તે કલ્પી શકાય છે.

ભૂમિમાં વાવેલું બીજ જ પરિવર્તિત થઈને વૃક્ષ થાય છે. જે જાતનું બીજ હોય તે જાતનું જ વૃક્ષ થાય છે. બીજ અનેક છે, ભૂમિ એક છે. ભૂમિ તો માત્ર બીજને ઊગવામાં સહાયતા કરે છે. અનૂકૂળ-પ્રતિકૂળ ભૂમિની અસર બીજ પર જરૂર થાય છે. કોઈ ભૂમિ તો બીજ ઊગી જ ન શકે તેવી પણ હોય છે. ભૂમિ એક હોવા છતાં જુદાં જુદાં બીજોના કારણે જુદાં જુદાં વૃક્ષો અને જુદા જુદા સ્વાદવાળાં તેમનાં ફળો થાય છે.

સ્ત્રીતત્ત્વ ભૂમિ છે અને પુરુષતત્ત્વ બીજ છે. પરંતુ જીવની તુલનાએ પુરુષતત્ત્વ પણ ભૂમિ જ છે. વત્તા-ઓછા વિકાસ, વત્તા-ઓછા સ્વાદનો આધાર ભૂમિ પર જરૂર રહે છે.

બ્રહ્મગર્ભમાં સ્થિત સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવ પોતાની સૂક્ષ્મતાને ક્રમપૂર્વક છોડતો-છોડતો પૃથ્વી સુધી પહોંચે છે. ત્યાં સુધી તેના અનેક જન્મો થઈ જાય છે. પુરુષના અર્થાત્‌ પિતાના શરીરમાં પ્રવેશ એ તેનો પ્રથમ સ્થૂળ જન્મ છે. ત્યાંથી વીર્યના માધ્યમથી તેનો બીજો સ્થૂળ જન્મ સ્ત્રીમાં અર્થાત્‌ માતાના શરીરમાં ગર્ભાશયમાં થાય છે. શરીર ધારણ કરીને તે પૃથ્વી ઉપર પ્રગટે છે તે તેનો ત્રીજો સ્થૂળ જન્મ છે અને યોગ્ય વયે તેના યોગ્ય સંસ્કાર થાય છે તે તેનો “સંસ્કાર જન્મ” કહેવાય છે જેને લોકોમાં બીજો જન્મ ગણવામાં આવે છે, તેથી તેને દ્વિજ પણ કહે છે.

વર્તમાનકાલીન વાયુમંડળના કારણે સ્ત્રી-પરુષના મનમાં-વૃત્તિમાં સતત રટણ ચાલતું હોય છે કે બાળક નથી જોઈતું. “બાળક નથી જોઈતું, નથી જોઈતું” આવા રટણ દરમ્યાન જ બીજારોપણ થઈ જાય છે અને પછી બાળકનો જન્મ થાય છે.

મનજીભાઈના મનમાં સતત એમ હોય કે મુળજીભાઈ નથી જોઈતા, તે મારા ઘરે ન આવે. તો પછી મુળજીભાઈને મનજીભાઈ ક્યાંથી જોઈતા હોય? તો મુળજીભાઈને મનજીભાઈ તરફ પ્રેમભાવના-સ્નેહભાવના હોય જ ક્યાંથી?

નથી જોઈતું અને તોય આવી ગયું છે તેવાં બાળકને પોતાનાં માતાપિતા તરફ સ્નેહ-પ્રેમ હોવાનો જ ક્યાંથી? વાવતી વખતે જ જે બીમાં ઝેર ભળી ગયું હોય તેના ઝાડ પાસેથી કેવા ફળની આશા રાખી શકાય? ગર્ભાધાનકાળે જ જેનામાં નિષ્ઠુરતા-નિર્મમતાના સંસ્કાર પડયા હોય, જેના સૂક્ષ્મ-સ્થૂળ શરીરનું ગઠન જ સ્નેહ-પ્રેમ વિના થયું હોય તેના તરફથી તેનાં માતાપિતા સ્નેહ-પ્રેમ, મમતા પામે જ ક્યાંથી? અને તો કુટુંબમાં સહકાર-સંગઠન રહે જ ક્યાંથી? સંગઠન અને સહકાર વિનાના પરિવારો વધતા જાય પછી સુખશાંતિ ક્યાંથી રહે? પરિવારોથી સમાજો બનેલા છે અને સમાજોથી જગત.

પવિત્ર સંસ્કાર પડે એ માટે તુરત જન્મેલા બાળકને ગળથૂથી (જન્મ પછી બાળકને પિવડાવવામાં આવતું ગળ્યું પ્રવાહી) પણ કોઈ પવિત્ર વ્યક્તિના હાથે પિવડાવવાનો આગ્રહ રખાતો. આ વિધિ ખૂબ સૂચક છે. જેના હાથે ગળથૂથી પાવામાં આવતી હોય તેના સંસ્કાર બાળક ઉપર જન્મ થયા પછી પણ જો પડી શક્તા હોય તો “નથી જોઈતું” ના સંસ્કારો કેવા ખતરનાક પડે તે સહજ સમજી શકાય તેવું છે.

પાછળ પડેલા શિકારી કૂતરાથી બચવા માટે સસલું ખૂબ ભાગે છે. પણ જ્યારે તેને એમ લાગે છે કે કૂતરાઓ હવે પોતાને પકડી લેશે ત્યારે તે પોતાના લાંબા કાન પોતાની આંખો ઉપર ઢાંકીને એક જગ્યાએ બેસી જાય છે અને એમ માનવા લાગે છે કે હું કૂતરાને જોઈ શકતું નથી તેથી કૂતરા પણ મને જોઈ શકતા નહીં હોય! પણ તેથી કાંઈ કૂતરા તેને છોડી દેતા નથી. તેમ-ઇન્દ્રિયાધીન ભોગી મનુષ્ય પણ ભોગો છોડવાની વાત સાંભળે છે ત્યારે વ્યાકુળ થઈ જાય છે અને બચાવ માટે એમ કહેવા લાગે છે કે “આ બધી વાતો તો પુરાણી સદીઓને વર્તમાનમાં લાવવા બરાબર છે.” આમ કહેવા માત્રથી કાંઈ આપત્તિઓમાથી બચી શકાશે?

અણુ-પરમાણુ અને રાસાયણિક યુદ્ધો ટાળી શકાયા પછી પણ ઉપરોક્ત સાચી જાણકારી પ્રાપ્ત કરી અને તે પ્રમાણેનું વર્તન કર્યા વિના શાશ્વત શાંતિ પ્રાપ્ત થાય નહીં. અનંત રોગો, વિકારો, ત્રાસો અને હિંસા વગેરેના જે કારણો છે તે કારણોથી જ વિનાશી શોધો કરવાની સ્ફુરણા થાય છે, વિનાશી શોધોનું પ્રેરક બળ પણ તે જ છે. એ કારણો, વિવેકનો એટલી હદે નાશ કરી નાખે છે કે ત્યારે એટલું ભાન પણ નથી રહેતું કે પોતાના-પારકા કોણ?

નિરાશ અને હતોત્સાહ કરવા માટે આ બધી વાતો પુનઃ પુનઃ નથી કહેવામાં આવી રહી પરંતુ સાચી અને પૂરી તૈયારી સાથે, અશાંતિનાં મૂળ કારણો સામે યુદ્ધે ચઢી શકાય એ માટે આ બધું કહેવામાં આવી રહ્યું છે.

હિંસાના ચાલતા ચક્રને થંભાવવાની પહેલ સાચી સમજણ વિના નથી થઈ શકતી. સાચી સમજણને આચરણમાં મૂકવા માટે સહનશક્તિની જરૂર પડે છે.

સાચી સમજણ અને સહનશક્તિ (ક્ષમાશક્તિ) જેનામાં છે તે જ ખરેખર શક્તિશાળી છે; પછી ભલે તે, વ્યક્તિ દેશ કે રાષ્ટ્ર હોય. ઉપરોક્ત દૃષ્ટિએ વિચાર કરતાં જણાય છે કે એક વ્યક્તિની હિંસા ઠેઠ વિશ્વયુદ્ધ સુધી પહોંચાડી દે છે અને એક વ્યક્તિની અહિંસા વિશ્વયુદ્ધને પણ મઠારી શકે છે. આવી છે અહિંસાની કમાલ! આવો છે અહિંસાનો ચમત્કાર! તેથી જ તો અહિંસા ‘પરમ ધર્મ’ છે. કોઈપણ પ્રકારના ભેદભાવ વિના પાલન કરનાર સૌ કોઈને પરમ શાંતિ આપે તે જ પરમ ધર્મ.

વેરથી વેર શમશે નહિ. જ્યારે પણ શમશે ત્યારે પ્રેમથી જ શમશે. ગમે ત્યારે પણ આ સત્ય સમજવું જ પડશે અને સમજીને આચરવું જ પડશે. તે સિવાય કદી શાંતિ પ્રાપ્ત નહીં થાય. તે સિવાયના પ્રયત્નો માત્ર ફાંફાં જ જોવામાં આવ્યા છે.

કદાચ ઉપરોક્ત સત્ય અપ્રિય લાગશે. મહાનુભાવોએ કહ્યું છે કે સત્ય પણ પ્રિય લાગે તેવું બોલવું. પરંતુ સત્ય પ્રિય હોય કે અપ્રિય તોય તે હંમેશા કલ્યાણપ્રદ જ છે. પાણીથી જ તરસ છિપાવાની છે, મૃગજળથી કદી નહીં.

આ હિંસા ઇત્યાદિના પ્રકરણમાં આવા પણ વિચારો આવી શકે છે કેઃ-

“આપણે તો ક્ષમા અને ઉદારતાની પહેલ કરીએ પરંતુ સામો પક્ષ તેને આપણી કમજોરી સમજીને આપણને ત્રાસ આપતો રહે તો તેથી તો તેની હિંસાવૃત્તિને જ ઉત્તેજન મળશે!” વગેરે.

આવા વિચારો આવે એવો મનનો સ્વાભાવ છે, આવા તર્કો થાય એવું મગજનું ઘડતર છે. પરંતુ આ બંને મન અને મગજ હૃદયથી ઊતરતાં છે. હૃદય કાંઈક બીજું જ કહે છે. સામા પક્ષનું જ્યાં સુધી આપણી પાસે લેણું નીકળતું હશે ત્યાં સુધી જ તે આપણી ઉદારતા અને ક્ષમાનો પ્રતિભાવ નહીં આપે. તેનું લેણું પૂરું થતાં જ યોગ્ય અનુકૂળ પ્રત્યુત્તર મળવાનો. હિંસાથી હિંસા જ ફાટી નીકળતી હોય તો અહિંસાથી અહિંસા કેમ ન સધાય? કેમ ન પમાય? આવી વાતો કરનારા અમારા જેવા ઘણા બધા ભલે આનું પાલન-આચરણ ન કરી શકે તેથી કાંઈ વાસ્તવિકતા, અવાસ્તવિકતા નથી થઈ જતી.

વહેલા કે મોડા ‘અપ્રિય સત્ય’ કોઈકે તો કહેવું જ પડશે. તેથી, જેટલું વહેલું કહેવાય તેટલું વહેલું શ્રેય.

વૈવિધ્યપૂર્ણ શોધો દ્વારા શોધયેલી અનંત પ્રકારની હિંસોત્પાદિત દવાઓથી મારક રોગોને દબાવવાનો પ્રયત્ન દીર્ઘકાળથી થઈ રહ્યો છે; છતાં એક પણ રોગ પૂર્ણપણે દબાયો હોય કે કાબૂમાં આવ્યો હોય એવું દેખાતું નથી. કોઈ દવાથી કોઈ રોગ થોડા સમય માટે કાબૂમાં આવતો જણાય છે પરંતુ થોડા સમય પછી જ્યારે બીજો ઉગ્ર અને અસાધ્ય રોગ માથું કાઢે છે ત્યારે ખબર પડે છે કે આગળનો રોગ કાબૂમાં આવ્યો નથી પરંતુ માત્ર રૂપાંતરિત થયો છે - બીજા નામે પ્રગટ થયો છે. મેલેરિયામાંથી ટાઈફોઈડ અને તેમાંથી કમળો, અને કમળામાંથી કોલેરા અને તેમાંથી ક્ષય, અને ક્ષયમાંથી કેન્સર અને તેમાંથી બીજું, ત્રીજું અને ચોથું અને રોગોની અનંત વણઝાર.

રોગો કાબુમાં આવે કઈ રીતે? દવાઓ બનાવવા માટે અને સુખી થવાના તથા કાયમ યુવાન અને કામવાસનાભરપૂર રહેવા માટેના અખતરાઓ પાછળ જીવસંહાર કરવામાં ક્યાં પાછું વાળીને જોવાય છે! હિંસા દ્વારા ઉત્પન્ન થતી વર્તમાનકાલીન દવાઓ જે કાળમાં નહોતી ત્યારે સૌ શું કરતા હતા? ત્યારે શું રોગ મટતા જ નહોતા? તે કાળમાં પણ કોઈ અજરઅમર નહોતું અને આટઆટલી શોધો અને પારાવાર જીવસંહાર પછી હાલમાં પણ કેઈ અજરઅમર થતું નથી. તો પછી શા માટે આવો નિર્દય જીવસંહાર?

સૌના જીવન માટે અતિ અનિવાર્ય એવી ખેતી પાછળ પણ નાછૂટકાની જે જીવહિંસા થતી તેમાંથી મુક્ત થવા માટે ઉત્પાદનના અમુક ટકા દાન, ધર્મ, પુણ્યમાં વાપરી નાખવાનું વિધાન પૂર્વકાળમાં હતું. આખા દિવસની દિનચર્યામાં જાણ્યેઅજાણ્યે જે હિંસા થતી તેમાંથી મુક્ત થવા માટે પણ બ્રહ્મયજ્ઞ, દેવયજ્ઞ, પિતૃયજ્ઞ, અતિથિયજ્ઞ અને ભૂતયજ્ઞ વગેરે પાંચ મહાયજ્ઞોનું વિધાન પહેલાંના કાળમાં હતું. આ બધી વાતોથી એ જાણી શકાય છે કે જીવવા માટે અનિવાર્યપણે કરાતાં કાર્યોમાં પણ જે હિંસા થતી તે માટે પણ લોકોના મનમાં કેટલી બધી પસ્તાવાની લાગણી હતી. જ્યાં સુધી અશાંતિના મૂળમાં પાણી રેડતા રહીએ અને માત્ર ડાળાંપાંખડાં જ કાપતા રહીએ ત્યાં સુધી અશાંતિ જાય ક્યાંથી?

આવી બધી વાતો કદાચ ઘડિયાળના કાંટાને ઊલટી દિશામાં ફેરવવા જેવી લાગતી હશે! અરે ભાઈ, પરંતુ પહેલાં ઘડિયાળ હતી જ ક્યાં? સૂર્યના ઉદય-અસ્તથી જ સમયનિર્ધારનું કામ સૌનું મજેથી ચાલતું. ઘડિયાળ આવી અને વિકૃતિ લાવી! ઘડિયાળનું સાંનિધ્ય સ્વીકારી લીધું અને સૂર્યનારાયણનું સાંનિધ્ય ગુમાવી દીધું! સૂર્યોદયના સમયથી કામકાજ કરવાનો પ્રારંભ કરવાની વ્યવસ્થા હતી ત્યારે સૂર્યના પ્રાણપ્રદ કુમળાં કિરણોનો ભરપૂર લાભ અનાયસે મળી જતો હતો. જુદી જુદી ઋતુઓમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય બદલાતો રહે છે. તેથી ઘડિયાળના સમય સાથે કાર્ય કરતા રહેવાથી સૂર્યામૃતના લાભથી વંચિત રહેવાય છે.

અનેક અખતરાઓ પછી એ વાત બહાર આવી છે કે જે જંતુઓ સૌમ્ય દવાઓથી પણ નાશ પામતા હતા તેઓ હવે ઉગ્ર દવાઓને પણ ગાંઠતા નથી. જેમ જેમ ઉગ્ર દવાઓનો ઉપયોગ થતો જાય છે તેમ તેમ જીવજંતુઓ પણ વધુ સહનશીલ બનતા જાય છે! એમ જ થાય. જિજીવિષાનો નાશ કોઈથી કદાપિ થવાનો જ નહીં. જિજીવિષાના નાશનો સંકલ્પ કરનાર સ્વયં પોતાના નાશને નોતરશે.

પોતાના પગ પર કુહાડો મારનારને કોણ રોકી શકશે? કારણ કે રોકનારને કદાચ કુહાડાનો ઘા ખાવો પડે! ઘા ખાવાની મૂર્ખામી કોણ કરશે? કોઈએ તો કરવી પડશે.

આટઆટલા પ્રયત્નો છતાં જો ભૌતિક શાંતિ પણ હાથમાં ન આવતી હોય તો સાચી તાત્ત્વિક-આધ્યાત્મિક શાંતિની તો આશા જ ક્યાંથી રાખી શકાય? યોગજિજ્ઞાસુ, યોગસાધનાનો પ્રારંભ કરતાંની સાથે જ ભૌતિક શાંતિનો અનુભવ કરવા લાગે છે. કારણ કે યોગસાધનાનાં અંગઉપાંગોનું પાલન જ, પાલન કરનારને શાંતિજલથી નવડાવી દે છે. યમ-નિયમના પાલન વિના આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિમાં પ્રવેશી શકાતું નથી. અહિંસા, સત્ય, અચૌર્ય, બ્ર્રહ્મચર્ય અને અસંગ્રહને ‘યમ’ કહે છે તથા પવિત્રતા, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-શરણાગતિને ‘નિયમ’ કહે છે.

સત્સંપત્તિ અને સદ્‌ગુણોના આચરણ વિના સુખી થઈ શકાતું નથી. પૂર્ણ સુખી થવા માટે જેટલા સદ્‌ગુણો અને સત્સંપત્તિની જરૂરત છે તેટલા બધાનો સમાવેશ ‘યમ’ અને ‘નિયમ’માં કરી દેવાયો છે. બીજાઓ જ્યારે આપણને કહે છે કે “તમે સુખી છો” ત્યારે જ આપણને આપણે સુખી લાગીએ એ કાંઈ જેવી તેવી કમનસીબી છે! અને જો ત્યારેય આપણને આપણા સુખની ખબર જ ન પડે તો...?! તો...?! તો, તેના વર્ણન માટે શબ્દો નથી.

યોગપ્રચાર અને યોગાભ્યાસ દ્વારા વિશ્વશાંતિના સમર્થકોએ ઘણું બધું કરવાનું અને સમજવાનું છે. જો તેઓ યમ-નિયમ વિષે એટલી અને એવી સમજણ વિશ્વને આપી શકે કે જેથી વિશ્વને એ મુજબ વર્તન કરવામાં રસ જાગે, તો વિશ્વશાંતિ હસ્તામલકવત્‌ છે તેમ કહેવું અતિશયોક્તિ નથી. ઉપરોક્ત યોગનાં ઉપાંગોના પાલન દ્વારા મળતી શાંતિને પ્રાપ્ત કરીને પછી જ, તે શાંતિ દ્વારા, ધ્યાન, ધારણા અને સમાધિ દ્વારા મળતી આત્યંતિક શાંતિને પ્રાપ્ત કરવાની છે.

પર ઉપદેશ કુશલ બહુતેરે,

આચર હી તો નર ન ઘનેરે.

માત્ર ઉપદેશ જ નહીં પરંતુ તે પ્રમાણે આચરણ કરનારાઓની વર્તમાનકાળમાં સખ્ત જરૂર છે. “આચારો પ્રથમો ધર્મઃ” સદ્‌આચરણ અને સદ્‌વર્તન કરવું તે પ્રથમ અને મુખ્ય ધર્મ છે. પોતાના સદ્‌ઉપદેશ પ્રમાણે પોતાનું વર્તન રાખનારાઓને આકસ્મિક ઘણી મોટી તથા કુદરતી સહાયો મળ્યે જતી હોય છે. ફુલ પોતાની સુગંધનો પ્રચાર કદી નથી કરતું. તે તો માત્ર સુંગંધીદાર થવાનો જ પ્રયત્ન કરે છે. તેની સુગંધને ફેલાવવાના કાર્યની જવાબદારી તો ભગવાને પોતાના દુત વાયુને સોંપી દીધી છે. અર્થાત્‌ વાયુ દ્વારા પુષ્પસુગંધ ચોદિશ ફેલાતી રહે છે.

ઉપદેશ પ્રમાણેનું આચરણ રાખવું તે યોગ દ્વારા વિશ્વકલ્યાણ કરવા માટેનું એક અતિ પ્રભાવશાળી અને અમોઘ સાધન છે એ વાત અચૂક યાદ રાખવા જેવી છે.

વિશ્વશાંતિના પ્રયત્નો કરવા છતાં પણ જો નિષ્ફળ જવાશે તો સર્વનો સંહાર નિશ્ચિત જ છે. પરંતુ વિશ્વશાંતિનો પ્રયત્ન કરનારાઓને એટલો તો સંતોષ, એટલી તો તૃપ્તિ જરૂર હશે કે “અમે પ્રયત્ન તો કર્યો હતો.”

સત્યનું આચરણ ભલે કઠિન હશે પણ સફળતા તો સત્યાચરણને જ વરેલી છે. જે પદ્ધતિ સફળતા આપી શકે છે તે ભલે ગમે તેટલી કઠિન હોય તો પણ તેને સફળતાની તુલનામાં કઠિન ન કહી શકાય. સાચી પદ્ધતિને આચરણમાં મુકવા જેટલા આપણે સમર્થ ન હોઈએ તેથી કાંઈ સાચી પદ્ધતિને વખોડી કઢાય નહીં કે તેના તરફ દુર્લક્ષ સેવાય નહીં. સાચી પદ્ધતિનું પ્રાપ્ત થવું તે સફળતાનું પ્રથમ ચરણ છે અને તેનો પોતાના મનમાં “સત્ય તરીકે સ્વીકાર થવો” તે સફળતાનું બીજું ચરણ છે.

જે કાંઈ ‘સત્ય’ તરીકે આપણા અંતરમાં, આપણા વિચારોમાં સ્થિર થયું હશે, ઠર્યું હશે તે જ વહેલું કે મોડું આચારભૂમિકાએ ઊભરી આવવાનું, ઊપસી આવવાનું. કારણ કે વિચારની બીજી ભૂમિકા આચાર છે. જે સાચી પદ્ધતિ શાંતિ પ્રદાન કરી શકે છે તે પદ્ધતિનું દર્શન કરનાર તથા તેમના દ્વારા જેમને દર્શન થાય તેમણે સૌએ તે પદ્ધતિને અતિ ચૂસ્તપણે વળગી રહેવું અતિ અગત્યનું છે. તો જ અનુકૂળતા પ્રાપ્ત થાય ત્યારે તેના અમલીકરણ માટે તત્પર હોઈએ.

જ્યાં વિજ્ઞાનીના વિજ્ઞાનક્ષેત્રની સીમા સમાપ્ત થાય છે ત્યાંથી ઋષિના ઋષિક્ષેત્રની સીમાનો પ્રારંભ થાય છે. વિજ્ઞાની એટલે જ્ઞાન વિનાનો-અજ્ઞાની. સંતોષ પ્રાપ્ત થાય એવું અને એટલું સુખ વિજ્ઞાનીને પોતાની શોધો દ્વારા મળતું જ નથી. તેથી તેને નવી નવી શોધો સદાકાળ કરતા જ રહેવું પડે છે. તેથી અહીં વિજ્ઞાનીનો અર્થ ‘અજ્ઞાની’ કર્યો છે. એડી-ચોટીનો પરસેવો એક કરીને પણ જે, સુખ-સંતોષ પ્રાપ્ત નથી કરી શકતો એને ‘જ્ઞાની’ કઈ રીતે કહી શકાય? તેને વિજ્ઞાની કે વિશિષ્ટ જ્ઞાની ભલે કોઈ કહે પણ તેને જ્ઞાની કહેવો એ તો મશ્કરી જેવું લાગે છે. ઋષિ અર્થાત્‌ ઋતવાળો અર્થાત્‌ સત્યને જોવાવાળો, જાણવાવાળો, આચરવાવાળો.

વિજ્ઞાની અથાગ પરિશ્રમ કરીને અનંત શોધો કરે છે. શોધો દ્વારા તેની ઇચ્છા સુખી થવાની છે. “ભૌતિક શોધો અને સિદ્ધિઓ દ્વારા સુખી નહીં થઈ શકાય” તેનું જ્ઞાન - તેટલું જ્ઞાન તેને નથી. પોતાની શોધમાં, કોઈ અજાણ્યા અને અપ્રચલિત નિયમની જાણ થતાં વિજ્ઞાની ત્યાં અટકી જાય છે, તેને માણવા અને જાણવા તે ત્યાં થોભી જાય છે, તેની એકાગ્રતા ત્યાં તૂટી જાય છે. તેથી તેની એકાગ્રતા છેલ્લા પરિણામ સુધી નથી પહોંચી શકતી. “બધાં જ સુખ-સગવડોની પ્રતિક્રિયા દુઃખ-અગવડો જ છે, પરમ સુખ-સગવડ તો કૈવલ્યપ્રાપ્તિમાં જ છે” તે રહસ્યની જાણકારીથી વિજ્ઞાની સદા અજાણ રહે છે. આવાં-આટલાં તત્ત્વ-રહસ્યોનું દર્શન કરી શકે તેટલું એકાગ્રતા-સામર્થ્ય વિજ્ઞાનીમાં નથી. તેથી અધૂરી એકાગ્રતાએ શોધાયેલા સુખમાં - સુખની લાલસામાં તે પુનઃ પુનઃ દુઃખી થાય છે અને દુઃખી કરે છે. તેના આ કમનસીબ ક્રમનો કદી અંત જ નથી આવતો.

અધૂરી શોધે સુખી થવા માટે એકાગ્રતાની જે ભૂમિકાએ વિજ્ઞાની થોભે છે, ઋષિ ત્યાં થોભતા નથી, તેમની એકાગ્રતા ત્યાં ભંગ થતી નથી. ઋષિની એકાગ્રતા છેવટના પરિણામને આંબી જાય છે. અધૂરી એકાગ્રતાએ હાથમાં આવેલા રહસ્યોને-સુખોને ઋષિ જગત સમક્ષ મૂકતા નથી. ઉપલક દૃષ્ટિએ સુખ લાગતા બાબતો, પ્રકરણો અને રહસ્યોના છેક છેડા સુધી પહોંચીને ઋષિ જાણી-સમજી લે છે કે “આ સુખો પરિણામે દુઃખદાતા જ છે.” આ ઋતને, આ સત્યને ઋષિ પોતાની સામર્થ્યયુક્ત એકાગ્રતાથી જાણી લે છે. ઋષિ અને વિજ્ઞાનીમાં ફક્ત આટલો જ ફરક છે. થોડું દિશાપરિવર્તન કરવાથી વિજ્ઞાનીને ઋષિ બનતાં વાર નથી લાગતી. અધૂરો ઋષિ વિજ્ઞાની કહેવાય છે ને પૂરો વિજ્ઞાની ઋષિ કહેવાય છે. અર્થાત્‌ અધૂરો શોધક, વિજ્ઞાની અને પૂરો શોધક, ઋષિ.

અહિંસાને પરમ ધર્મ શા માટે કહ્યો છે?

અહિંસાને પરમ ધર્મ કહ્યો છે. અહિંસા જ ‘પરમ ધર્મ’ શા માટે? એમાં કઈ ખૂબી અને વિશેષતા છે? તેનો ‘પરમ’ શબ્દ કઈ રીતે સાર્થક થાય છે?

અહિંસા સર્વધર્મ છે અર્થાત્‌ અહિંસામાં બધા જ ધર્મોનો સમાવેશ થઈ જાય છે. અહિંસા સર્વ કોઈનો ધર્મ છે કારણ કે સૌ સુખ ઇચ્છે છે; અને સુખ અહિંસાનું પાલન કરવાથી જ પ્રાપ્ત થાય છે. યોગપ્રાચાર્ય પતંજલિ મુનિએ કહ્યું છે ક્ેઃ

ાા અહિંસા પ્રતિષ્ઠાયાં તત્સન્નિધૌ વૈરત્યાગ : ાા

અર્થાત્‌ અહિંસાની જ્યાં અને જેમાં પ્રતિષ્ઠા થાય છે, ત્યાં અને તેમાં વેરનો અભાવ-ત્યાગ થઈ જાય છે.

હિંસા જ સર્વ ત્રાસો, તાપો, દુઃખો અને અશાંતિનું મૂળ શા માટે કહેવાય છે? કારણ કે એક વ્યક્તિએ આચરેલી હિંસાથી ઉત્પન્ન થતી અશાંતિ ક્રમે ક્રમે વધતી વધતી ગામ, દેશ, રાષ્ટ્ર અને વિશ્વ સુધી - વિશ્વઅશાંતિ સુધી પહોંચી જાય છે. અને એક વ્યક્તિનું અહિંસાનું પાલન વિશ્વને અશાંતિમાંથી અનાયાસે જ ઉગારી લે છે. તેથી જ અહિંસા પરમ ધર્મ છે. આ વાતને નીચેના દૃષ્ટાંતોથી સમજીએ.

સુખીલાલે દુઃખીરામનું અપમાન કર્યું, તેથી દુઃખીરામને પણ સુખીરામનું અપમાન કરવાનું મન થયું. પરંતુ પોતે અસમર્થ હોવાથી પોતાને લાચારીથી અપમાનનો કડવો ઘુંટડો ગળી જવો પડયો. તેથી તેના મનમાં બદલાની અને વેરની ભાવના બંધાણી અને તે ભાવના અંતરના એક અગોચર ખૂણામાં સ્થિર થઈ - સંગ્રહાણી. જેમ જેમ સમય વ્યતીત થતો ગયો તેમ તેમ તે વેરભાવના - તે બદલાની ભાવના પુષ્ટ અને વિશાળ થતી ગઈ અને અનુકૂળતા મળતાં જ, જેમ દબાયેલી સ્પ્રિંગ છટકે તેમ છટકીને સુખીલાલ ઉપર વ્યાજ સાથે ત્રાટકી. દુઃખીરામે સુખીરામનું અપમાન પણ કર્યું અને તેને શારીરિક ઈજા પણ પહોંચાડી. આથી સુખીલાલના આખા પરિવારનું મન દુભાયું અને તે સૌ હિંસાનો બદલો હિંસાથી લેવા સમયની અનુકૂળતાની રાહ જોવા લાગ્યા. અનુકૂળતા મળતા જ તે સૌએ મળીને દુઃખીરામનો હાથ કાપી નાખ્યો. આથી દુઃખીરામનો પરિવાર અને તેના ઘણા સગાઓ અને મિત્રોના મનમાં સુખીલાલના આખા કુટુંબ પ્રત્યે વેરવૃત્તિ બંધાણી. અનુકૂળતા મળતા જ તે સૌએ મળી પ્રતિપક્ષી કુટુંબને ઘણું નુકસાન પહોંચાડયું. આથી એ ગામમાં બે મોટા પરસ્પર વિરોધી પક્ષ પડી ગયા. બંને પક્ષમાંથી કોઈ સમાધાન ન કરી શક્યો, કે વેરને જતું કરવાની પહેલ ન કરી શક્યો, કે ક્ષમા કરવાની શૂરવીરતા ન દાખવી શક્યો. તેથી તે વ્યક્તિયુદ્ધ ક્રમે ક્રમે વધતું વધતું ગામ, દેશ, રાષ્ટ્ર અને વિશ્વયુદ્ધ સુધી પહોંચી ગયું અને તેથી હિંસા, ત્રાસ, દુઃખ અને અશાંતિનું સંહારતાંડવ ખેલાયું.

કોઈપણ પ્રકારની હિંસાથી સામા પક્ષે વેરની-બદલાની ભાવના ઊઠે છે. તુરત બદલો લેવાની અનુકૂળતા ના હોય તો તે ભાવના દબાઈને પડી રહે છે અને મોકો મળતાં જ તે દબાયેલી સ્પ્રિંંગની જેમ છટકીને પ્રહાર કરે છે. ઉપરોક્ત દૃષ્ટાંતમાં કહ્યું તેમ હિંસા અને પ્રતિહિંસાનું એક ચક્ર ચાલે છે અને તેનો કદી અંત જ નથી આવતો. વળી આમાં કોણ કોણ સંડોવાશે - ઝડપાશે તેનો કાંઈ અંદાજ કરી શકાતો નથી. હિંસાની પહેલ તો કરી દીધી, પરંતુ હવે એ હિંસાચક્રને થોભાવવાની પહેલ કોણ કરે? અહિંસાની પહેલ કર્યા સિવાય તો આ ચક્ર થંભવાનું જ નથી. હિંસામાંથી છૂટવા અને સુખશાંતિની પ્રાપ્તિ માટે કોઈકે તો પહેલ કરવી જ રહી. અહિંસાની પહેલ તે જ કરી શકે કે જે હિંસા-અહિંસાથી ઉત્પન્ન થતી ક્રિયા-પ્રક્રિયા અને તેનાથી પેદા થતા સુખદુઃખની તાત્ત્વિક સમજણ ધરાવતો હોય. હિંસાપ્રેરિત પાગલને તો પોતાના સુખનું પણ ભાન નથી, પોતે સુખી છે કે દુઃખી એ વિચારવા માટે પણ તેનું મગજ સમતોલ નથી. તેની પાસેથી શી આશા રાખી શકાય? પરંતુ વૈરાગ્નિના ભીષણ ભડકાએ જેના મગજને પૂર્ણ અસમતોલ નથી બનાવ્યું અને જે એમ સમજે છે કે મારા સુખ માટે પણ મારે જ હિંસાનિવારણની પહેલ કરવી પડશે અને આમ સમજે છે તે જ થોડો સમતોલ રહ્યો હોય છે. તેથી તેની પાસેથી જ કાંઈક આશા રાખી શકાય. પહેલનો આવો પ્રશંસનીય પ્રયત્ન કરનાર પોતે તો સુખી થશે જ, પરંતુ સામા પક્ષને પણ સુખી થવાનો મોકો આપશે. આ માટે પુનઃ પુનઃ પ્રયત્ન કરવામાં તે કંટાળશે નહીં. આવી તાત્ત્વિક જાણકારીના કારણે તેનામાં આટલી ઉદારતા તો જરૂર આવવાની-હોવાની.

હિંસાની પહેલ કરનારમાં પહેલ કરવાની સ્ફુરણા કેમ થઈ, ક્યાંથી થઈ તેનું કારણ મળે તો ઠીક નહીં તો ત્યાં સુધી હાથ જોડી બેસી રહેવાય નહીં. બાલની છાલ તો પછી પણ ઉતારી શકાશે, પગમાં ભભૂકેલી આગનું કારણ પછી પણ ગોતી શકાશે અને પછીય કદાચ તે ના મળે - પરંતુ પ્રથમ કર્તવ્ય છે પગની આગને ઠારવાનું; નહીં કે ઝાડ પ્રથમ કે બી તે ગોતવાનું.

“અહિંસાની પ્રતિષ્ઠા જેનામાં થઈ છે અને જે અહિંસામાં પ્રતિષ્ઠિત થયો છે, તેની સન્મુખ-સમીપ આવનાર, સ્વભાવથી પરસ્પર વેરભાવવાળા - જેમ કે ઉંદર-બિલાડી વગેરે - પોતાનો વેરભાવ વીસરી જાય છે.” એ અતિ સૂક્ષ્મ વાત કદાચ આપણા સ્થૂળ મગજમાં ન ઊતરે, તો પણ આટલી રોકડી વાત આપણી સમજમાં જરૂર આવશે કે અહિંસાની પહેલ-પ્રતિષ્ઠા કરનાર તુરત સુખી થાય છે અને સુખી કરે છે, જેથી આશાંતિનો નાનો એવો તરંગ વિશ્વ-અશાંતિનો મહા તોફાની સમુદ્ર બનતો અટકી જાય છે. આથી આપણું ઘણું બધું સહીસલામત બચી જાય છે તે તેનો રોકડો ફયદો છે.

અહિંસા સ્વધર્મ પણ છે

અહિંસા ‘સ્વ’ માં સ્થિર થવાનો, ‘સ્વ’ માં પ્રતિષ્ઠિત થવાનો ધર્મ છે. ‘સ્વ’માં સ્થિર થવું એટલે કે સ્વરૂપમાં સ્થિર થવું. સ્વરૂપમાં સ્થિર થવાને અનુભવીઓ મોટામાં મોટું સુખ, મોટામાં મોટી પ્રાપ્તિ કહે છે. સ્વરૂપમાં સુસ્થિર થવા માટે ઇન્દ્રિયોથી ઉપર ઊઠવું પડે, ઇન્દ્રિયો વ્યથિત અને આતંકિત ન હોવી જોઈએ. હિંસામય ભાવનાયુક્ત વ્યક્તિ વ્યથિત, આકુળવ્યાકુળ અને બેકાબુ હોય છે. તેથી તે સુસ્થિર અને સુધીર રહીને ‘સ્વ’ માં સુસ્થિર થવાના અનુભવનો આનંદ-નિજાનંદ માણવામાં અસમર્થ રહે છે. મનુષ્યજન્મ પ્રાપ્ત કરીને નિજાનંદની અનુભૂતિનો અભાવ હોવો તે મોટામાં મોટું નુકસાન છે.

“હિંસા-પ્રતિહિંસાનો ચેપી રોગ અટકશે તો જ સુખ મળશે, અને આપણા સુખ માટે તેની પહેલ આપણે જ કરવી જોઈએ” એવા જ્ઞાનનો પ્રચાર સમાજમાં ખૂબ થવો ઘટે, જેથી આવા જ્ઞાનયુક્ત મનુષ્યોની સમાજમાં ખૂબ વૃદ્ધિ થતી જાય. તેથી હિંસા ફાટી નીકળવાની સંભાવનાઓ ખૂબ ઓછી થઈ જાય. અને જ્યારે પણ હિંસા ફાટી નીકળવાના પ્રસંગો ઉપસ્થિત થાય ત્યારે ઉપરોક્ત સમજણવાળા માણસો શીઘ્ર સમાધાન કરવા-કરાવવા તત્પર હોય. આ પ્રકારની સમજણને શિક્ષણમાં જ જોડી દેવાઈ હોય તો વ્યક્તિનો ઉછેર જ એ પ્રકારનો થશે અને તેથી ધીમે ધીમે આખો સમાજ એ પ્રકારનો બનતો જશે.

તો મૃત્યુલોક દિવ્યલોક બને!

જો આમ બની જશે તો જેલખાનાં, પાગલખાનાં અને દવાખાનાં પણ ધીરે ધીરે ઘટતા જશે. શાંતિના વાતાવરણમાં ગુનાઓ ઓછા બને અને જેલખાનાંની જરૂર ઓછી થતી જાય. અહિંસક સમાજ શાકાહારી ભોજનનો જ ઉપયોગ કરતો હોય તેથી તેના આરોગ્યનું સ્તર પણ ઘણું ઊચું રહે, જેથી દવાખાનાં અને પાગલખાનાંની જરૂર પણ ઓછી થતી જાય. આમ વિશ્વ ઉપર જેમ જેમ દિવ્યગુણસંપન્ન પેઢીઓનું અવતરણ થતું જાય અને તેનો વિકાસ થતો જાય તેમ તેમ મૃત્યુલોક દિવ્યલોક થતો જાય તેમ કહેવું અતિશયોક્તિ નથી. અત્યારે આવી વાતો શેખચલ્લીના તરંગો જેવી જ લાગવાની. નૂતનતમ કલ્યાણકારી વિચારોને શીઘ્ર કોઈએ અપનાવ્યા નથી, ઈતિહાસ તેની સાક્ષી પૂરે છે પણ એથી કાંઈ ભેખધારીઓ ડગી જતા નથી.

હિંસાનિવારણના પથિકને -

હિંસાનિવારણના ક્ષેત્રમાં પડેલા ભેખધારીઓએ સહકારની ભાવના ખૂબ કેળવવી પડશે. જ્યાંથી અને જે રીતે સહકાર મળે ત્યાંથી અને તે રીતે નમ્રપણે સહકાર મેળવવો જોઈએ. સહકારથી પોતાની હિંસાનિવારણની રહસ્યમય ને લાભદાયક વાતો બીજાઓને ગળે ઉતારી શકવાની ભૂમિકા સર્જાય છે અને આત્મીયતાની પીઠીકા બંધાય છે. આત્મીયતા ચમત્કાર જેવાં પરિણામો બક્ષી શકે છે.

અષ્ટાંગયોગનું પ્રથમ અંગ ‘યમ’ છે. યમના પાંચ ઉપાંગો છે - અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ રીતે અહિંસાનો યમમાં જ સમાવેશ કરી લેવાયો છે.

અહિંસારૂપી યમના પાલનથી મૃત્યુના દેવ યમ ઉપર કાબૂ મેળવી શકાય છે. હિંસાનિવારણથી કમોતે મરવાનું પ્રમાણ ખૂબ ઘટી જાય છે. આ રીતે યમને-જમને દૂર રાખી શકાય છે.

યોગદર્શનનું સૂત્ર છે કે -

વિતર્કા હિંસાદયઃ કૃતકારિતાનુમોદિતા

લોભક્રોધમોહપૂર્વકા મૃદુમધ્યાધિમાત્રા

દુખાજ્ઞાનાનંતફલા ઇતિ પ્રતિપક્ષભાવનમ્‌

હિંસા આદિની વિરોધી ભાવનાઓ જ્યારે આપણા ઉપર આક્રમણ કરે ત્યારે તેનાથી બચવા, તેને દૂર હટાવવા આવા વિચારો કરવા જોઈએ કે -

પોતે કરેલી, બીજા પાસે કરાવેલી અને બીજાએ કરી હોય ત્યારે તેને અનુમોદન આપેલી હિંસા; લોભ, મોહ કે ક્રોધપૂર્વક કરેલી હિંસા; તથા મૃદુ, મધ્ય કે અતિ વેગપૂર્વક કરેલી હિંસા; આ નવમાંથી કોઈપણ રીતે આચરેલી હિંસા અજ્ઞાનના અંધકારમાં હડસેલી દઈને દુઃખના અનંત ચકરાવામાં ચડાવી દેશે.

હિંસાના ઉપરોક્ત સૂક્ષ્મ ભેદો અને બીજા પણ અન્ય ઉપભેદો હિંસાનિવારણના પથિકે જાણી લેવા જરૂરી છે. તેની ઘણી અગત્યતા છે. તેથી તે પોતે સાવધાન રહી શકશે અને અન્યોને પણ સાવધાન કરી શકશે.

અંતઃસ્ફુરણા પરમાત્માની છે

જીવની અને શિવની, એટલે કે આત્મા અને પરમાત્માની અર્થાત્‌ લઘુ (મર્યાદિત) અને ગુરુ (અમાર્યાદિત)ની ક્ષમતા એકસરખી નથી તે સાચું, પરંતુ તેથી એમ સમજીને કે ‘આપણી શક્તિ કેટલી? આપણે શું કરી શકીએ? ભગવાને ધાર્યું હશે તેમ જ થશે.’ એમ વિચારીને બેસી રહેવાય નહીં. દરેક વ્યકિતએ પોતાની બુદ્ધિ-શક્તિ મુજબ અહિંસાના, સદાચારના પાલનમાં મચ્યા જ રહેવું જોઈએ.

આપણી અંતઃસ્ફુરણાના માધ્યમથી ભગવાન જ કાર્ય કરી રહ્યા છે એમ કેમ ના માનીએ? બીજાને દુઃખી કરે તે દુષ્ટાત્મા, પોતે જ સુખી થાય તે આત્મા અને બીજાને સુખી કરવામાં જ પોતાનું સર્વસ્વ ન્યોચ્છાવર કરી દે તે પરમ આત્મા - પરમાત્મા. ‘પરમધર્મ અહિંસાનું પાલન કરે તે પરમાત્મા’ એમ કહેવું તે શું અતિશયોક્તિ ભરેલું છે? જે પરમનું પાલન કરે તે પરમ.

વિરોધી તર્કો-દલીલોથી જળકમળવત્‌ રહીને આવી સમજણમાં પુર્ણ નિષ્ટા રાખવી જોઈએ કે હિંસાથી જો હિંસા ફેલાઈ શકતી હોય તો અહિંસા અને સદાચારથી અહિંસા, સદાચાર કેમ નહીં પ્રસરે? વિચાર, આચાર, પ્રચાર અને પ્રસારની ક્રમિક ગતિએ સદાચારની આગેકૂચ થવાની જ. અસ્તુ.

.....તો કૂતરામાં અને આપણામાં ફરક શું?

કૂતરું આપણને કરડે તો તેના કરડેલા ઘા ઉપર ઉપચાર કરીને તુરત ઘા કેમ રુઝાય તેવો પ્રયત્ન કરવો તે આપણી ફરજ છે, તે આપણા લાભમાં છે; નહીં કે કૂતરાને સામે કરડવું! જો કૂતરું આપણને કરડે અને આપણે તેને કરડીએ તો તેનામાં અને આપણામાં ફરક શું? ફરક માત્ર એટલો જ કે તે પ્રથમ કરડયું અને આપણે પછી, તેણે પ્રથમ ગુનો કર્યો અને આપણે પછી, તેને પહેલાં સજા થવી જોઈએ અને આપણને પછી. છતાંય જો આપણે તેને સામેથી કરડીએ તો આપણા મોઢામાં તેનું રોગિષ્ટ માંસ જ આવે અને આપણા ઘા ઉપર ઉપચાર કરવામાં વિલંબ થાય તે વધારાનો. આવી ઊંડી સમજણનું નામ મનુષ્યપણું.

કૂતરું પોતાને ન કરડે તેનો પ્રયત્ન મનુષ્યે અવશ્ય નક્કરપણે કરવો જ ઘટે પરંતુ મનુષ્યે કૂતરાને તો કોઈપણ સંજોગો ના કરડાય. કૂતરું મનુષ્યને કરડે અને મનુષ્ય તેને કરડે તો તો ‘કરડે’ નું ચક્કર ચાલે. પછી તેને થંભાવે કોણ? કૂતરું તો કૂતરું છે, તે ક્યાથી થંભાવી શકવાનું હતું?

કૂતરું આપણને કરડે અને આપણે કૂતરાને ન કરડીએ એવી સાવધાનીનો પ્રયત્ન તો મનુષ્યથી જ થઈ શકવાનો. કારણ કે કૂતરાને કર્મના સૂક્ષ્મ નિયમની ખબર નથી. હિંસામાંથી હિંસા અને અહિંસામાથી અહિંસા, આતંકમાથી આતંક અને શાંતિમાથી શાંતિ જ ઉગે છે તે નિયમની કૂતરાને ખબર નથી. મનુષ્ય જ આવો નિયમ જાણે છે - જાણી શકે છે. જો આવો નિયમ મનુષ્ય ન જાણે, જાણવાનો પ્રયત્ન ન કરે તો તે પૂંછડા વિનાનું કૂતરું જ છે. કર્મના સૂક્ષ્મ અટલ-અફર નિયમોને ના જાણવાના કારણે મૂંગા પશુ-પક્ષીઓને એટલું દુઃખ ભોગવવું પડતું નથી જેટલું તે નિયમ ન જાણવાના-આચરવાના કારણે મનુષ્યને ભોગવવું પડે છે. જીવ-જગતની શ્રેષ્ઠતમ કૃતિ મનુષ્યમાં પણ જો કર્મના ગહન નિયમોને જાણવા-આચરવાની ક્ષમતા ના હોય તો મનુષ્યથી નિમ્ન કોટીનાં પશુ-પક્ષીઓમાં તો તેવી ક્ષમતાની આશા જ ક્યાંથી રાખી શકાય?

પશુ-પક્ષી કરતાં મનુષ્ય વધુુ બુદ્ધિશાળી છે તે સત્ય વાંચવા-સાંભળવામાં આવે છે કેવળ તેથી જ સત્ય માની લેવાનું નથી. પરંતુ તે તો પ્રત્યક્ષ પ્રમાણ છે, રોજના આપણા અનુભવની વાત છે. જેમ કે પશુ પોતે જ્યાં ખાધું હોય છે ત્યાં જ ઝાડો-પેશાબ કરે છે અને તેના પર બેસે પણ છે. આમ કરવાથી આવી પડનારા દુઃખનું તેને ભાન નથી. જ્યારે મનુષ્યે જાજરૂ અને બાથરૂમ બંને સ્થાનો બિલકુલ જુદાં બનાવ્યાં. આમ, પશુ-પક્ષીને પોતે કઈ રીતે સુખી થઈ શકશે તેનું ભાન નથી, જ્ઞાન નથી અને મનુષ્યને છે એનાં અનેક પ્રમાણો આપી શકાય તેમ છે.

જે કૂતરાને સુખી કઈ રીતે થઈ શકાય તેની ખબર નથી તે બિચારું તો મનુષ્યને કરડીને તેની શિક્ષા (સજા)નો ભોગ બને જ છે પરંતુ જેને - મનુષ્યને વધુ સુખી કઈ રીતે થઈ શકાય તેની ખબર છે તેણે તો પોતાને કરડેલા કૂતરાને શિક્ષા કરીને કર્મના અફર નિયમની શિક્ષા શા માટે વહોરી લેવી જોઈએ? સુખી થવા માટે જે બુદ્ધિ મળી છે તેનો ઉપયોગ ન કરીને કે અવળો ઉપયોગ કરીને દુઃખી જ થવું હોય તો મનુષ્યને કોણ રોકી શકે?

આવું આવું લખવું અને વાંચવું એ પણ પશુ-પક્ષી કરતાં મનુષ્યમાં બુદ્ધિ વધુ છે તેનું જ પ્રત્યક્ષ પ્રમાણ છે. ક્ષુધા,નિદ્રા, ભય અને પ્રજોત્પત્તિની પ્રવૃત્તિ પશુ-પક્ષી અને મનુષ્યમાં સરખી જ છે. પરંતુ વધુમાં વધુ સુખ પ્રાપ્ત કરવા માટેનું ચિંતન-મનન કરીને તેને આત્યંતિક સુખ સુધીની ચરમ સીમા સુધી પહોંચાડી દેવું તે મનુષ્યબુદ્ધિની પરમ સીમા છે; જેની પશુ-પક્ષીમાં હોવાની કલ્પના પણ કેમ કરી શકાય?

જ્યાં જે બી વાવીએ છીએ ત્યાંથી જ તે ઊગી નીકળે છે તે સ્થૂળ નિયમ છે. તેથી તેની ખબર સરળતાથી પડે છે. પણ પાપ-પુષ્ય જ્યાં થયું હોય તે સ્થળેથી જ તેનું દુઃખ-સુખરૂપી ફળ પ્રાપ્ત થતું નથી. તે તો બીજા સ્થળેથી પણ પ્રાપ્ત થાય છે. કર્મનો આ સૂક્ષ્મ નિયમ જલદી સમજમાં આવતો નથી તેથી ગફલતમાં રહી જવાય છે.

કોઈ વ્યક્તિને લાકડી મારીશું તો તે સામેથી પાંચ ફટકારશે તેવી ખાતરી છે તેથી મન ઉપર કાબૂ રાખીએ છીએ. પણ કૂતરા-બિલાડાને લૂલૂં-લંગડું કરતાં જરાય અચકાતા નથી. તેના ફળરૂપે અમુક સમયે કેળાની છાલ ઉપર પગ પડવાથી પડીએ અને પગ ભાંગે ત્યારે એ સમજાતું નથી કે આ ફળ અમુક સમય પહેલાં કૂતરાનો પગ ભાંગ્યો હતો તેનું છે. અસ્તુ.

ટીકાભયે ડરાય નહીં

સદાચાર વિષેનું ચિંતન-મનન કરનારે અને તેનો પ્રચાર-પ્રસાર કરનારે તેનું જેટલું પાલન કરી શકે તેટલું આગ્રહપૂર્વક કરવું જ જોઈએ. પરંતુ એનો અર્થ એવો નથી થતો કે ઓછું અથવા બીલકુલ પાલન ન કરી શકનારે લોકટીકા-ભયે ચિંતન-મનન કે પ્રચાર-પ્રસારનો પ્રયત્ન જ ન કરવો. તેવો પ્રયત્ન કરવો તે પણ એક પ્રકારનું તેનું પાલન જ ગણાય. સદાચારનું ચિંતન-મનન કરનાર વહેલો કે મોડો તેનું પાલન-આચરણ કરનાર જરૂર બને છે; અને સદાચારનું આચરણ કરનારને તેનું ચિંતન-મનન જરૂર સ્ફુરે છે. આમ બંને પરસ્પર પુષ્ટિકર્તા છે.

સભાનપણે દુરાચાર અને પાખંડ આચરવા માટે જ જો સદ્‌ચિંતન-મનન અને તેના પ્રચાર-પ્રસારનું ઓઠું લેવાતું હોય તો તે જરૂર ખોટું છે. તેથી તેને જ નુકસાન થવાનું. આવા દૃષ્ટાંતો જોઈને સાચાને હિંમત હારીને નિરાશ થઈને પોતાનો યથાશક્તિ-યથામતિ પ્રયત્ન છોડી ના દેવાય. સદ્‌ભદ્ર પુરુષોનું તો એ પરમ કર્તવ્ય છે, કે તમામે તમામ સદાચારીઓના ઉત્સાહમાં વૃદ્ધિ થાય એવા જ પ્રયત્નો કરે. આવા પ્રયત્નો અનેક રીતે થઈ શકે છે. જેમ કે લેખો, સ્મૃતિગ્રંથો, આકાશવાણી, પાઠયપુસ્તકો, ઈનામી હરીફાઈ, જાહેર-ખાનગી સન્માન, પુસ્તક-પ્રકાશનમાં તન-મન-ધનથી મદદ, વિચાર-વાણી-વર્તન વગેરે દ્વારા.

અહિંસા સર્વધર્મ છે અને તેથી -

અહિંસા સર્વનો ધર્મ છે અને તે કારણે -

અહિંસા સ્વધર્મ પણ છે.

આ રીતે અને બીજી અનેક રીતે અહિંસાધર્મ જીવનધર્મ સાથે અને જીવન જીવવાની કળા-પદ્ધતિ સાથે સંકળાયેલો છે - ઓતપ્રોત છે. તેથી તે પરમ ધર્મ છે.

ાા સ્વધર્મે નિધનં શ્રેયઃ પરધર્મો ભયાવય ાા

અર્થાત્‌ અહિંસા સ્વધર્મ છે તેથી તેનું આચરણ કરતાં મરવું પડે તો પણ તેમાં શ્રેય છે. અને હિંસા પરધર્મ છે તેથી તે ભયયુક્ત છે. તે પ્રારંભે કદાચ લાભકર્તા જણાય પણ સરવાળે વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રને ન ભરપાઈ થઈ શકે તેવું નુકસાન કરનાર છે. અભય આપ્યા વિના અભય ક્યાંથી મળે? કડવું વાવીને ગળ્યાની આશા રાખવી તે કેવળ ઘેલછા, મૂર્ખતા અને મૃગતૃષ્ણા છે; તેવી આશા અવૈજ્ઞાનિક છે.

સંતાન દુઃખી તો પિતા દુઃખી

કોઈ આવીને વાત્સલ્યચંદને એ સમાચાર આપે કે તમારો અમૂક દીકરો તો ભારે શક્તિશાળી, ભારે હોંશિયાર; એણે તો તેના બીજા ભાઈને મરણતોલ ફટકો માર્યો. તો પિતા વાત્સલ્યચંદ કાંઈ ખુશ ન થાય, ખૂબ દુઃખી થાય. પિતાને પોતાના બધા પુત્રો સંપીને રહે એમાં જ સુખ મળતું હોય છે. પોતાના ગમે તે સંતાન પર પડતો ઘા તેને પોતાના કાળજા પર પડતો લાગે છે. આ વાતની ખબર સમજુ સંતાનોને જ હોય છે. તેથી તેઓ માતાપિતા બને છે ત્યારે તેમને આવી સમજ ખૂબ ઉપયોગી નીવડે છે. અણસમજમાં પણ અગ્નિમાં હાથ નાખવાથી દઝાય છે તેમ અણસમજમાં પણ પોતાના અન્ય ભાંડુને દુઃખી કરીને પિતાને દુઃખી કરવાથી તે દુઃખનો પડઘો પોતાને દુઃખી કરે જ છે.

અતિ સૂક્ષ્મથી માંડીને અતિ વિશાળ તમામે તમામ જીવોના પરમપિતા પોતાના વિશ્વ-પરિવારને સુખી જોવા જ ઇચ્છતા હોય તે સ્વાભાવિક છે. એક જીવ બીજા જીવને કોઈ પણ પ્રકારે દુઃખી કરે છે ત્યારે પરમપિતા દુઃખી થાય છે અને તેથી તે દુઃખનો પડઘો તે દુઃખી કરનારને જ દુઃખી કરે છે. એ પરમપિતાને અનંત નામે સંબોધાય છે. નામભેદથી સમજભેદ ન થવો ઘટે. નામ અનંત હોવા છતાં એ પરમસત્તા એક જ છે.

હિંસા અને પ્રતિહિંસાથી પાગલ બનેલ અણસમજુ સંતાનોને તો વધુમાં વધુ હિંસા આચરવાથી અને સામા પક્ષને વધુમાં વધુ નુકસાન પહોંચાડવાથી જ વધુમાં વધુ આનંદ અને વિજય અનુભવાય છે. પરંતુ હિંંસાનિવારણની ભાવનાયુક્ત ભદ્રજનોને, મહાજનોને તો તેનું મહાદુઃખ હોય છે. કારણ કે તેમનું હૃદય પિતાસમાન ભાવનાયુક્ત હોય છે. તેથી તેઓ સૌ પોતાના સંપર્કમાં આવનાર અણસમજુ બાળકોને સન્માર્ગે ચડાવવાનો પ્રયત્ન કરે છે. આવો પ્રયત્ન કરવો તેને જ તેઓ પોતાનાં સુખ, પ્રાપ્તિ અને ફળ સમજતા હોય છે. આ સિવાયના બીજા બદલાની તેમને અપેક્ષા નથી હોતી.

દૈવી શક્તિની અનિવાર્યતા

કલ્યાણકારી પ્રયત્ન કરનારાઓને ક્યારેક એવું પણ સાંભળવા મળતું હોય છે કે હિંસા, વેર, દ્વેષ, ઈર્ષા વગેરે તો પુરાતનકાળથી ચાલ્યાં જ આવે છે, તે કાયમ રહેવાના જ, માટે તે નિવારવાનો પ્રયત્ન કરવો વ્યર્થ છે વગેરે વગેરે. પણ આવી માન્યતાના સમાધાન માટે એમ કહી શકાય, એમ વિચારી શકાય કે જો એ બધું પુરાતનકાળથી ચાલ્યું આવે છે તો તેનું નિવારણ કરવાના પ્રયત્નો કરવાનું પણ પુરાતનકાળથી જ ચાલ્યું આવે છે અને તેથી તે પણ કાયમ રહેવાનું જ; અને તેથી તેવા પ્રયત્નો પણ થતા જ રહેવાના. આસુરી શક્તિની ઉપસ્થિતિ હોય ત્યાં સુધી દૈવીશક્તિની હાજરી તો અનિવાર્યપણે આવશ્યક છે.

શુભાશુભ કર્મોનાં ફળો સુખદુઃખરૂપે મળે જ છે. સુખી થવાની ઇચ્છાવાળાએ આવી સૂક્ષ્મ વાતો જાણવી અતિ આવશ્યક છે. આ વાતને નીચેના દૃષ્ટાંતથી સમજવાથી સરળપણે સમજાશે.

ઉંદરડીએ આસન કાપ્યું

પૂજારૂમ ખોલતાં જ જણાયું કે ઉંદરડીએ પૂજાનું મૂલ્યવાન આસન કાપ્યું છે. શિષ્ય આ જોઈને ગુસ્સામાં કહેવા લાગ્યો કે આ ઉંદરડીને તો મારી જ નાખવી જોઈએ ને?

ગુરુદેવ નમ્રતાથી જવાબ આપે છે કે -

ઉંદરડીને શા માટે મારવી જોઈએ? આટલા મામુલી નુકસાનમાં તેને પ્રાણદંડ આપવો? આ કેવો ન્યાય? આટલા મામુલી નુકસાન માટે આપણને કોઈ મોતની સજા કરે તો આપણને કેવું લાગે? બારણામાં ફસાવાથી આપણું કીંમતી વસ્ત્ર ફાટે છે તો આપણે શું કરીએ છીએ? બારણું તોડી નાખીએ છીએ? પોળમાં દડે રમતા છોકરાઓ દ્વારા ફેંકાયેલો દડો આપણાં કપ-રકાબીને ફોડી નાખે છે, આપણી બારીનો કાચ ફોડી નાખે છે તો આપણે તેમને શું કરીએ છીએ? તેમને એક થપ્પડ પણ મારી શકીએ છીએ? ફક્ત થોડો બડબડાટ કરીને રહી જઈએ છીએ. કેમ? કારણ કે છોકરાઓ પ્રતિકાર કરશે તેનો ડર છે.

આપણે તો આસન ન ફાટે એટલું જ જોવાનું છે ને? ઉંદરડીને પીંજરામાં પક્ડીને બહાર મૂકી દઈએ તો પણ તે કામ થઈ શકે છે. પરંતુ આપણે તે ઉપાય પસંદ કરતા નથી. આપણે તો ઉંદરડીને મારી નાખવાનો જ ઉપાય પસંદ કરીએ છીએ! કારણ કે ઉંદરડીનો પક્ષ કરીને આપણું માથું ફોડવા માટે તુરત જ કોઈ મેદાને પડતું નથી તેથી. પરંતુ સાવધાન! ચાલુ વહેવારમાં પણ જોઈએ છીએ કે જેનો કેસ લડવા કોઈ નથી હોતું તેના તરફથી સરકારી વકીલ કામ કરે છે. કુદરતમાં પણ તેવું જ છે. કુદરત પોતાનાં બાળકોની સંભાળ પૂર્ણ નિપુણતાથી લે છે. જેમ જમીનમાં વાવેલું એક બી અનંત બી થઈને અનંત ફળ આપે છે તેમ કુદરતનાં બાળકોને દુઃખી કરનારને કુદરત અનંત ગણા દુઃખી કરે છે. કર્મફળપરિપાક કાળે દુઃખ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વરસી પડે છે.

આસન ફાટવાથી આટલો બધો નિર્દય ગુસ્સો આપણામાં ફાટી નીકળે છે કારણ કે આપણે આસનના માલિક છીએ. તો, ઉંદરડીનો સર્વનાશ કરનાર ઉપર તેનો માલિક - તેના સર્જક પરમાત્માનો કેટલો ગુસ્સો ફાટી નીકળશે તેનો આપણે કદી વિચાર કર્યો છે?

પોતાને પૂર્ણ બુદ્ધિશાળી માનતો મનુષ્ય ખરેખર સંપૂર્ણ બુદ્ધિહીન છે! કર્મના સિદ્ધાંતની એક ને એક બે જેવી વાતને પણ તે સમજી શકતો નથી! આસન કાપવારૂપ અતિ મામુલી નુકસાનનું ફળ પણ જો ઉંદરડીને પ્રાણદંડરૂપી ભયાનક દુઃખરૂપે ભોગવવું પડતું હોય તો ઉંદરડીને પ્રાણદંડરૂપી મહા નુકસાન કરનારને કેટલાં અને કેવાં મહાભયાનક દુઃખો ભોગવવા પડતાં હશે? કર્મફળો ભોગવવામાંથી કોઈ છટકી શકતું નથી.

કર્મની ગતિ ગહન છે, જે સાંગોપાંગ સમજાતી નથી અને સમજાશે પણ નહીં. પરંતુ જેટલી પણ સમજાય તેટલીનું જો પાલન કરી શકાય તો ઘણાં બધાં દુઃખોમાંથી સહેજે બચી શકાય.

લક્ષ ટોચનું રાખીશું ત્યારે મધ્યે પહોંચાશે.

કવિઓએ ગાયું છે કે -

વહી મનુષ્ય હૈ કિ જો મનુષ્ય કે લિએ મરે.

અનુભવીઓએ ઉચ્ચાર્યું છે કે -

ગુણ ઉપર ગુણ કરે, એ તો વહેવારા વટ;

અવગુણ ઉપર ગુણ કરે, તેને હિંડોળા ખટ.

જે મનુષ્ય બીજા મનુષ્યોને સુખી કરવાના પ્રયત્નમાં પોતાનું બલિદાન આપી દે છે તે જ મુનષ્ય કહેવડાવવાને યોગ્ય છે.

ઉપકારના બદલે ઉપકાર કરે એ તો વહેવાર છે. એ તો ઉછીનું લીધેલું પાછું આપવાનું છે પરંતુ જે ‘અવગુણ ઉપર ગુણ કરે’ એટલે કે અપકારને બદલે સામેથી ઉપકાર કરે તેને ‘હિંડોળા ખટ’ એટલે કે તે જ ખરો સુખી છે, તે જ મનુષ્યજન્મનો પૂરો લાભ લે છે.

‘જીવો અને જીવવા દો’ એ સુત્રનું પાલન કરવું એ તો માત્ર એક લોકવહેવાર છે. ઉછીનું લીધેલું પાછું આપીએ એ તો સામાન્ય નિયમ છે, જખ મારીને કરવો પડતો વહેવાર છે; ગુણ ઉપર અવગુણ થતો હોય, ઉપકાર ઉપર અપકાર થતો હોય, જિવાડનારને જ મારી નંખાતો હોય એવી પરિસ્થિતિમાં, એવે ટાણે, એવા યુુગમાં એટલું કહેવાની હિંમત ચાલે કે ‘જીવો અને જીવવા દો’; તો તે બરાબર છે. તેટલું થાય તો પણ આનંદ અને પ્રશંસાની વાત કહેવાય. પરંતુ સાચો આદર્શ તો ‘પોતે મરીને પણ બીજાને જિવાડો’ તે છે. સાચા આદર્શે અર્થાત્‌ ટોચે પહોંચવાનું લક્ષ રાખીશું, ધ્યેય રાખીશું ત્યારે માંડ માંડ વહેવારે અર્થાત્‌ મધ્યે પહોંચાશે. મધ્યે પહોંચી ગયા પછી ટોચે પહોંચવાનો પ્રયત્ન મનુષ્યે કરવો જ જોઈએ. કેમકે -

મનુષ્ય, મનુષ્ય છે; મનુષ્ય કુદરતનો ઉત્તમ આવિષ્કાર છે. મનુષ્ય સૃષ્ટિકર્તાની સૃષ્ટિરચનાના પ્રયત્નનો ઉમદા નિચોડ છે, મનુષ્ય જીવસૃષ્ટિનો લાજવબ નમૂનો છે.

પશુ, પક્ષી અને મનુષ્ય - આ ત્રણ મુખ્ય જીવયોનીમાં મનુષ્યને શ્રેષ્ઠ કહ્યો છે. ઉપરછલ્લી રીતે જોઈએ તો ઘણી બધી બાબતોમાં મનુષ્ય કરતાં પશુપક્ષી શ્રેષ્ઠ સિદ્ધ થાય છે. મનુષ્યનું કાંઈ જ કામમાં નથી આવતું જ્યારે પશુપક્ષીઓનાં હાડ-રક્ત, મળમૂત્ર વગેરે ખૂબ કામમાં આવે છે. તો પછી પશુપક્ષીઓ કરતાં મનુષ્યની શ્રેષ્ઠતા કઈ રીતે સાબિત કરીશું? આ જ રીતે કે - તે પોતે મરીને પણ સર્વ જીવોને જિવાડવાનો પ્રયત્ન કરે છે, પોતે દુઃખી થઈને પણ બીજાને સુખી કરવામાં આનંદ માને-માણે છે. આમ ન કરે તે મનુષ્ય શિંગડા-પૂંછડા વિનાના પશુ સમાન છે.

વિકાસવાદની દૃષ્ટિએ પણ મનુષ્યને વધુ વિકસિત ગણવામાં આવેલ છે. આ વિકાસનો ઉપયોગ પોતાનાથી ઓછાં વિકસિતો (પશુપક્ષીઓ વગેરે) નું રક્ષણ કરવામાં અને એ રીતે તેમને વિકસિત થવાની તક આપવામાં થાય તો જ ‘વિકાસ’ શબ્દ સાર્થક થાય, તો જ વિકસિત જન્મની અર્થાત્‌ મનુષ્યજન્મની સાર્થકતા થઈ કહેવાય, અન્યથા એ એળે ગયો કહેવાય. આપણને એક રૂપિયાનું નુકસાન પણ પરવડતું નથી તો પોતાનો અમૂલ્ય જન્મ એળે જાય તે આપણને કેમ પરવડતું હશે?! એટલે જ કે આવું એક ને એક બે જેવું ગણિત નથી આવડતું માટે. ગમે તેવા મોટા વિશ્વગણિતજ્ઞ થઈ જઈએ પણ પોતાના વિકાસની સાર્થકતા શામાં છે તેની ગણતરી ના આવડે ત્યાં સુધી બીજું બધું સ્થૂળ ગણિત વ્યર્થ છે. નદીમાં નાવ ડુબવા લાગે ત્યારે તો તેમાં બેઠેલામાંથી જેને તરવાની વિદ્યા આવડતી હોય તે જ બચી શકે છે; નહીં કે બીજી ગમે તે અને ગમે તેટલી વિદ્યાઓ જાણતા હોય તે.

મહાજનોએ તો દુઃખ દેનારને પણ સુખ દેવાનો દિવ્ય વહેવાર કરવો ઘટે. આ વાક્યને આ રીતે કહીએ તો વધુ સાચું લાગશે કે - આવો દિવ્ય વહેવાર કરનારાઓ જ સંતો, મહંતો, ભક્તો, ભદ્રો કે સજ્જનો વગેરે શ્રદ્ધેય નામે સંબોધાવા જોઈએ.

વૃક્ષો પોતાના ફળો પોતે નથી ખાતા; નદી પોતાનું જલ પોતે નથી પીતી; વરસાદની ધારાઓ પોતાના માટે નથી વરસતી. તો શું મનુષ્ય આ બધાથી પણ ઊતરતો છે? ના, કદી નહીં, તેને ફક્ત યોગ્ય પ્રેરકની જરૂરત છે. તો તે પરોપકાર અર્થે બધું જ કરી છૂટવા તૈયાર છે. અનુભૂતિનું અમૃત પીને વિભૂતિ બનવા જ તે સર્જાયો છે.

જય, જીવ-જિવાડકોના,

વિજય, હિંસા-નિવારકોનો;

ભય સમસ્ત જીવનો જાજો,

નિર્ભય જીવ સમસ્ત થાજો.

ચાલો ઊજવીએ : સર્વ જીવ શુભેચ્છા દિવસ

આજના શુભ દિવસે આપ જગતના સર્વ જીવો માટે શું ત્યાગી શકો છો?

આપ આજના દિવસે સર્વ જીવો માટે ફક્ત શુભેચ્છાઓનું-શુભકામનઓનું દાન કરો એવી આપને આગ્રહભરી વિનંતી છે.

આપણી પાસે બીજું કાંઈ ભલે ન હોય પરંતુ “સૌ સુખી થજો” એટલો શુભ-સંકલ્પ જરૂર છે. માટે “વિશ્વના સર્વ જીવો, સુખી થજો” એવી ભાવનામાં આપણે વધુમાં વધુ રહીને આજના દિવસને ઊજવીએ.

કોઈપણ પ્રકારનું આચરણ કરતાં પહેલાં વિચાર કરવો પડે છે; આચરણથી પણ પહેલું સ્થાન વિચાર-સંકલ્પનું છે. શુભ સંકલ્પ જબરદસ્ત શક્તિશાળી હોય છે. તે, વર્તુુળ પૂરું કરીને (સરકીટ કમ્પલીટ કરીને) જ્યાંથી ઉત્પન્ન થયો હોય છે ત્યાં પાછો આવીને સમાય છે તેથી શુભ સંકલ્પ કરનાર પોતે પણ સુખી થાય છે.

લાકડામાં રહેલો અગ્નિ પ્રગટે છે ત્યારે તે, તે લાકડાને પ્રથમ બાળે છે કે જેમાં તે રહ્યો છે. તેમ ઈર્ષા-અગ્નિ પણ જે હૃદયમાં પ્રગટે છે તે હૃદયને પહેલાં બાળે છે. શુભેચ્છા પણ જેમાં પ્રગટે છે તેને પ્રથમ સુખ આપે છે.

જો શાંતિને આપીએ, તો શાંતિને પામીએ.

બાવળમાંથી કાંટા જ મળે છે, આંબામાંથી કેરીઓ જ મળે છે. તેમ અશાંતિમાંથી અશાંતિ જ અને શાંતિમાંથી શાંતિ જ મળે છે. સારાં કર્મો કરવાથી સુખ અને ખરાબ કર્મો કરવાથી દુઃખ જ મળે છે.

બાવળ, આંબો વગેરે જે જગ્યાએ વાવ્યા હોય તે જ જગ્યાએ ઊગે છે અને ફળ આપે છે તેથી તેની ફળ પ્રાપ્તિની આપણને ખબર પડે છે. પરંતુ સૂક્ષ્મ સત્‌-અસત્‌ કર્મો જ્યાં કર્યાં હોય ત્યાંથી તુરત જ ફળ આપતા નથી તેથી તેની ફળપ્રાપ્તિની આપણને શીઘ્ર સમજણ પડતી નથી. સારું કે ખોટું કાર્ય અમદાવાદમાં કર્યું હોય તો તેનું સુખ કે દુઃખરૂપી ફળ મુંબઈ કે અન્ય સ્થળેથી પણ મળી શકે છે. સૂક્ષ્મ કર્મનો સૂક્ષ્મ નિયમ જલ્દી સમજમાં ઊતરે તેવો નથી તેથી મનુષ્ય ગફલતમાં રહી જાય છે અને ખોટાં કાર્યો કરીને દુઃખી થાય છે.

કોઈ બળવાન મનુષ્ય જતો હોય તેને લાફો મારવાનું આપણને મન થાય તો આપણે મન ઉપર કાબૂ રાખીએ છીએ. કેમકે એ ખબર છે કે તેને આપણે એક લાફો મારીશું તો તે સામેથી આપણને દસ લાફા ફટકારશે. પરંતુ નિર્બળને હેરાન કરતાં આપણે થોડા પણ અચકાતા નથી. કારણ કે આપણે એમ માનીએ છીએ કે તે ક્યાં કાંઈ કરી શકવાનો હતો? પરંતુ સાવધાન! તે કર્મનું ફળ દુઃખ પણ કર્મના સૂક્ષ્મ નિયમ પ્રમાણે યથાસમયે જરૂર ભોગવવું જ પડે છે. માટે આટલું જરૂર યાદ રાખીએ કે - (૧) બીજા જીવોને સુખી કરવાથી સુખી થવાય છે. (૨) બીજા જીવોને દુઃખી કરવાથી દુઃખી થવાય છે. (૩) બીજાઓને સન્માન આપવાથી સન્માન પમાય છે. (૪) બીજાઓ તરફ ઈર્ષા કરવાથી ઈર્ષા મળે છે. (૫) બીજાઓ ઉપર ક્રોધ કરવાથી ક્રોધ મળે છે. (૬) બીજાઓનો તિરસ્કાર કરવાથી તિરસ્કાર મળે છે. (૭) બીજાઓ માટે શુભેચ્છા રાખવાથી શુભેચ્છા મળે છે.

મૃત્યુલોકને દિવ્યલોક કેવી રીતે બનાવીશું?

અહિંંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહને ‘યમ’ કહેવામાં આવે છે કે જે અષ્ટાંગયોગનું પ્રથમ અંગ છે. આ પાંચેનું જે પાલન કરે છે તે મૃત્યુના દેવ યમને દૂર રાખી શકે છે એટલે કે ઇચ્છા-મૃત્યુ થઈ શકે છે. તેથી તેનું યમ નામ સાર્થક છે. યમના ઉપરોક્ત પાંચ અંગોનું પાલન જેને કેવળ થોડી સાધના કરવી છે તેને માટે તો ઉપયોગી છે જ પરંતુ જેને મનુષ્યજન્મની સાર્થકતા કરી જીવનમાં વધુમાં વધુ સુખશાંતિ પ્રાપ્ત કરવાં છે તે સર્વ માટે ઉપયોગી છે. જો બચપણથી જ બાળકોને બાલમંદિરોથી જ શરૂઆત કરાવીને શાળાઓ અને મહાશાળાઓ સુધી યમનાં અંગોનું અતિ આત્મીયતા અને યુક્તિ-પ્રયુક્તિપૂર્વક શિક્ષણ આપવામાં આવે તો ઉન્નતિ અને કલ્યાણનું એક જબરજસ્ત કાર્ય સહેજમાં સંપન્ન થઈ જાય અને તો વિશ્વ ઉપર જેલખાનાં, દવાખાનાં અને પાગલખાનાં ક્યાંય જોવા ન જ મળે. જો કે હાલમાં તો આ વાતો શેખચલ્લીના તરંગો જેવી લાગશે! પણ જો ઉપરોક્ત રીતે તૈયાર થયેલ દિવ્ય-ગુણ-સંપન્ન પેઢીઓ વિશ્વ ઉપર અસ્તિત્વમાં આવતી જાય તો એક દિવસ મૃત્યુલોક દિવ્યલોક થઈ જાય તેમાં કોઈ શંકા નથી.

આતંકવાદ નાથવો છે?

વરસાદ પડવાથી જેમ બિલાડીના ટોપ ફૂટી નીકળે છે તેમ આતંકવાદ ફૂટી નીકળતો નથી પણ તેને અસહનશીલતા અને અજ્ઞાનતા દ્વારા આમંત્રણ આપવામાં આવે છે.

આતંકવાદ નાથવા માટે પ્રથમ એ રહસ્ય જાણવું પડશે કે આતંકવાદના બીજ મનુષ્યમાં હૃદયમાં કઈ રીતે રોપાય છે?

ઠેઠ હૃદયભૂમિમાં પડેલા બીજને જ્યાં સુધી નષ્ટ કરવામાં નહીં આવે ત્યાં સુધી આતંકવાદ જડમૂળથી નાશ પામશે નહીં અને ગમે તે રૂપે, રંગે અને પ્રકારે ડોકિયું કરશે જ.

સ્થૂલાતિસ્થૂલથી માંડીને સૂક્ષ્માતિસૂક્ષ્મ હિંંસાનો એક વખત પ્રારંભ થઈ જાય છે પછી બદલાની ભાવનાથી પ્રેરાઈને તેનું ચક્કર ચાલવું પ્રારંભ થઈ જાય છે; સામે પક્ષેથી યોગ્ય પ્રતિભાવ ન સાંપડવા છતાં “બદલો નથી લેવો, હિંંસાનો જવાબ હિંસાથી નથી આપવો” એવી પહેલ તે વખતે જે કરી શકે છે તે પક્ષ જ હિંસાના ચાલતા ચક્રને થંભાવી શકે છે. હિંસાચક્રને પ્રારંભ કરવાની પહેલ ભલે ગમે તેના દ્રારા થઈ હોય પણ શકિતશાળી પક્ષ તો તે જ છે કે જે તેને થંભાવવાની પહેલ કરે છે.

હિંસા ખોટી એટલા માટે છે કે તેથી વેર બંધાય છે અને પછી વેર-બદલો લેવાની સાંકળ એવી તો ગંઠાય છે કે પછી અનંત નિર્દોષ અને નિરપરાધ માણસોને તેમાં સંડોવાવું પડે છે અને એ રીતે અનેક પેઢીઓ અને રાષ્ટ્રો તેમાં ગારદ થઈ જાય છે.

બાળમંદિરમાં, શાળાઓમાં અને મહાશાળાઓમાં આધુનિક વિજ્ઞાનયુક્ત ઘણું બધું શીખવવામાં આવે છે તે સારું જ છે, પણ જ્યાં સુધી ઉપર કહેલી પાયાની બાબતો નહીં શીખવાય ત્યાં સુધી આધુનિક ભણતર પાયા વિનાની ઈમારત જેવું સાબિત થશે - થયું છે.

‘વેરથી વેર શમશે નહીં’ એ વાત ઉપદેશવાની અને છાપાઓમાં આપવાની માત્ર ન રહેતાં એ શિક્ષણના પાયાનો વિષય બને તે સમય હવે ઘણો વીતી ચૂક્યો હોવા છતાંય થોડો બાકી જરૂર છે. માનવરક્ષાના મહારથીઓ અને વિશ્વકલ્યાણના ચિંતકોએ મળીને એવું કાંઈક કરવાની સખ્ત જરૂર છે કે જેથી “વેરથી વેર શમશે નહીં” તે રહસ્ય યુક્તિપ્રયુક્તિ અને મનોવૈજ્ઞાનિક ઢંગથી બાળકોને ગળથૂથીમાંથી પાન કરાવી શકાય. વહેલો કે મોડો, તો જ આતંકવાદ નાથી શકાશે. આ સિવાયના ઘણા ઉપાયો વિશ્વ ઉપર અજમાવાઈ ચૂકાયા છે તો આ પણ એક વખત આચરી જોવાય.

જો કે આતંકવાદનું અસ્તિત્વ જગત ઉપર દેવ-દાનવનાં યુદ્ધ રૂપે કે દૈવી-આસુરી શક્તિના ઘર્ષણ રૂપે વત્તાઓછા પ્રમાણમાં હરહંમેશ રહ્યું જ છે - રહેવાનું જ છે. તેને સંપૂણપણે અટકાવી નહીં શકાય. પરંતુ તેને વધુમાં વધુ શાંત કરવા માટે ગળથૂથીમાંથી જ - શિક્ષણના પાયામાંથી જ એ શીખવવું પડશે કે “(૧) વેરથી વેર શમશે નહીં (૨) બદલો ન લેવાની જે પહેલ કરે છે તે જ શક્તિશાળી છે. (૩) પોતાના મસ્તકની આહુતિ આપવા કરતાં પણ ઉપરોક્ત આહુતિ વધુ પુણ્યદાયી છે. (૪) હિંસાના ચાલતા ચક્રને થંભાવવામાં જે કાંઈ સહન કરવું પડે તે હસતા હસતા સહન કરવું તે કાયરતા નથી પણ તે જ સાચી શૂરવીરતા છે.” વગેરે વગેરે.

આ સિવાય તો હું તારાને મારું અને તું મારાને કાપ્ય, પછી મારવા-કાપવાના ચક્રને થંભાવે કોણ? આ ચક્રને થંભાવનાર સામા ઉપર તો ઉપકાર કરે જ છે પણ પોતા ઉપર પણ ઘણો મોટો ઉપકાર કરે છે. હિંસાના ચક્રને થંભવવાની પહેલ કરીને તે પોતાની પછીની આખી પેઢીને મારો-કાપોમાંથી બચાવી લે છે.

આવતી પેઢીમાં જડમૂળથી આવી કલ્યાણપ્રદ વિચાર-રોપણીનું ફળ ભલે બે-ચાર પેઢી પછી મળે પણ આ સિવાય તો કદી મળવાનું નથી તે આજ સુધીના અખતરાઓથી સાબિત થઈ ચૂક્યું છે.

“સ્વધર્મે નિધનં શ્રેયઃ” ઉપરોક્ત સ્વધર્મના વિચાર, આચાર, પ્રચાર અને પ્રસારમાં જે કાંઈ આપત્તિઓ આવે તેમાં અંતે શ્રેય જ છે. સ્વધર્મ એટલે પોતાનો ધર્મ અર્થાત્‌ આત્માનો ધર્મ. સર્વ આત્માને - તમામ જીવોને સુખશાંતિ મળે તેવા પ્રયત્નો કરવામાં મૃત્યુ આવે તોય તેને શ્રેયસ્કર ગણ્યું છે અને “પરધર્મો ભયાવહ”. પરધર્મ એટલે કે પારકો ધર્મ અર્થાત્‌ આત્મા સિવાયનો ધર્મ. કોઈપણ જીવને દુઃખ-અશાંતિ થાય તેવું વર્તન કરવું તે ભયકારક છે. આ વાતને સાબિત કરવાની જરૂર નથી, સૌને સ્વાનુભવ છે જ. અસ્તુ.

હિંસાને નાથવા માટેના મૃતસંજીવની મહાસૂત્રો

(૧)હિંસાની પ્રતિક્રિયા હિંસા છે અને અહિંસાની પ્રતિક્રિયા અહિંસા છે.

(૨)હિંસાથી હિંસા ફાટી નીકળે તો અહિંસાથી અહિંસા ફળી શકે.

(૩)હિંસાથી હિંસક તરફ વેરવૃત્તિ બંધાય છે, વેરવૃત્તિથી બદલાની ભાવના બંધાય છે, બદલાની ભાવનાથી હિંસા આચરાય છે અને હિંસાથી પાછી બદલાની ભાવના. આમ હિંસા અને પ્રતિહિંસાના રહેંટનો અનંત ચક્રાવો ચક્રે ચડે છે.

(૪)પોતે કાયરમાં ગણાવાની પરવા કર્યા સિવાય, જે, બદલો લેવાની ભાવના પડતી મૂકીને હિંસા-પ્રતિહિંસાના ચક્રને થંભાવવાની પહેલ કરી શકે છે તે વીર-શૂરવીર-મહાવીર સમાન છે. કારણ કે તેના દ્વારા સમાજમાં સુખશાંતિનું સામ્રાજ્ય પુનઃ સ્થપાય છે.

(૫)મરીને પણ જીવવા દઈશું, એ આદર્શને વળગી રહીશું.

(૬)વ્યક્તિ વામનશરીર છે અને વિશ્વશરીરો વિરાટ શરીર છે. વ્યક્તિ-શરીરના કોઈપણ એક અંગમાં થતું સુખદુઃખ જેમ આખું શરીર અનુભવે છે તેમ કોઈપણ શરીરના સુખ-દુઃખની અસર વિશ્વના બધાં શરીરોમાં પહોંચે છે. માટે સુખી કરીએ અને સુખી થઈએ.