Putravadhu books and stories free download online pdf in Gujarati

પુત્રવધુ

રોજ રાતના આઠનાં ટકોરે આવતી નયના આજે સાડા આઠે પણ ઘરે પહોંચી નહી, એટલે પતિ રાજ અને સાસુ હંસાબહેન ચિંતા કરતા હતા. નયનાનો મોબાઇલ પણ બંધ આવતો હતો. રાજે ઓફીસમાં ફોન કર્યો તો જાણવા મળ્યુ કે નયના નીકળી ચુકી છે, હવે શું કરવુ એમ રાજ વિચારતો હતો. ત્યાં જ હંસાબહેન બોલ્યા, “વહુને નોકરીએ ન જવા દે આટલી સ્વતંત્રતા ન આપ બે રોટલી ઓછી ખાઇશુ તારા થોડા પગારમાં પણ ઘર ચાલતું જ હતું ને લગ્ન પહેલા.” રાજે કંઇ ધ્યાન જ ન આપ્યું માની વાત પર અને ચુપ રહેવામાં ઉચિત માન્યુ. હંસાબહેન આગળ વધતા બોલ્યા, “ધીરે ધીરે તુ જો જે તો ખરો કેવી પાંખો ફેલાવશે કે ખબર જ નહીં પડે એનો રોંફ પણ સહેવો પડશે એ આ ઘરની વહુ છે કંઇ દીકરી નથી સમજયો.” ત્યાં જ નયના ઘરમાં પ્રવેશી શ્ર્વાસ ચડી ગયો હતો. બસમાથી ઉતરી હાંફળી ફાંફળી થઇ ઘર તરફ દોટ મુકી એને ઘરની સ્થિતિનો ખ્યાલ તો હતો જ જેવી નયના ઘરમાં પ્રવેશી કે તરત જ હંસાબહેન મોં ફુલાવી માળા ફેરવવા મંદીર સામે બેસી ગયા રાજે પાણીનો ગ્લાસ આપ્યો કેમ આજે મોડું થયુ ફોન પણ બંધ છે. “હા આજે બસ બે પળ માટે ચુકી ગઇ અને બીજી આવતા ઘણી વાર થઇ આજે એટલું કામ હતુ ઓફીસમાં કે કયારે છુટવાનો સમય થઇ ગયો એ ખબરજ ન પડી ફોન ચાર્જ કરવાનું પણ એમા જ રહી ગયુ.” નયનાએ થેલીમાથી રીંગણા કાઢયાં અને કહયુ, “મમ્મી જુઓને આ રીંગણા બરાબર છે કે કાલે તમારો મનમતો તીખો તીખો ઓળોને ભાખરી બનાવાની છું.” રીંગણા ચકાસ્યા વગર જ હંસાબહેને હા કહી દીધી અને ફરી માળા ફેરવવામાં મગ્ન થઇ ગયા. નયના ફેશ થઇ રસોડામાં લાગી ગઇ ઝટપટ રસોઇ બનાવી જમવા પણ બેસી ગયા. હંસાબહેન જમતા જમતા વિચારમાં પડી ગયા રાજે પુછયુ પણ ખરુ કે શું થયુ પણ જવાબ ન મળ્યો. સવારે હંમેશ મુજબ બન્ને જણાં ઓફીસ જવા નીકળી પડયા.

રાજ બાપ વગરનો છોકરો હતો. નાનપણમાં જ એના પિતાનું મરણ થઇ ગયુ હતું. હંસાબહેને ખુબ મહેનત કરીને રાજને મોટો કર્યો હતો. પણ પૈસાની કમીને કારણે વધુ ભણાવી ન શકયાં, જેને કારણે રાજે બહુ ઓછા પગારની નોકરી કરવી પડતી હતી. અનેં આ જ કારણસર એને છોકરી શોધવામાં મુશ્કેલી થઇ હતી. રાજ દેખાવે અને સ્વભાવે બહુ જ સારો હતો. એના વિચાર પણ સારા હતા. નાનુ એવું પરંતુ પોતાનું કહી શકાય એવું ઘર હતુ. ઘરમાં બે જણા જ હોઇ ખર્ચો નીકળી જતો. પણ એમા કોઇ પોતાની દીકરી પરણાવવાં તૈયાર થતુ નહોતુ. રાજ ઘણી છોકરી જોવા ગયો હતો, થોડી પસંદ પણ આવી પરંતુ પોતાના ટુંકા પગારને કારણે ના સાંભળવા મળતી તો કયારેક પોતાનુ નાનુ ઘર કારણરુપ રહેતું. હંસાબહેન પણ થોડા ઉદાસ થઇ ગયા. પોતાના રુડાં, રુપાળા, સુશીલ દીકરા માટે એક યોગ્ય કન્યા જોઇતી હતી જે મળતી નહોતી. હવે તો રાજની ઉદાસી એના ચહેરા પર પણ દેખાઇ આવતી હતી, જયારે પણ છોકરી જોવા જવાનું થાય એટલે રાજ બહાના આગળ ધરી ના પાડી દેતો. પણ હંસાબહેન કંઇ આટલા જલ્દી હારી જાય એમ નહોતા. એકલપંડે દીકરાને ઉછેર્યો હતો એટલે પરણાવવાની હામ તો હોય જ ને...!!!!! આખરે નયનાને જોવા ગયા અને બન્નેએ એકબીજાને પસંદ કરી લીધા. નયના મધ્યમવર્ગ કહી શકાય એવા પરિવારથી હતી. બીકોમ પછી પરિવારને મદદ કરવા નોકરી કરતી હતી. નયનાએ પણ ઘણાને ના પાડીને રાજ પર પસંદની મહોર મારી હતી, કારણ કે તેનુ માનવુ હતુ કે છોકરો ગુણીયલ હોય તો બીજી વાતો ગૌણ છે. જેવી નયનાની હા આવી કે રાજ વિચારતો રહી ગયો. રાજ બહુ જ ખુશ હતો કેમ કે બન્ને પરિવારની આર્થિક સ્થિતિ સરખી કહી શકાય એમ હતું. જેથી વ્યવહારમા અગવડ ન પડે. લગ્ન નકકી કરતાં પહેલા રાજે નયના સાથે થોડી વાતચીત કરવા નકકી કર્યુ. મમ્મી પપ્પાનાં જણાવ્યા પ્રમાણે એકલા બગીચામા મળ્યા, બન્નેએ ઔપચારીક વાતો કરી પછી મહત્વના મુદ્દા પર આવ્યા. રાજે પુછયુ મે ઘણી છોકરી જોઇ દરેકે ના પાડી સાચુ કહે જોઇ તે શું જોઇ મને હા પાડી શું ગમ્યુ મારા મા નયના નીચુ જોઇ ગઇ થોડુ શરમાઇને બોલી મને તમે ગમ્યા રાજ રાજ અને નયના એકબીજા સામે જોતા રહયા અને મોહક સ્મિતની આપ લે કરી રહયા. તમારો ચહેરો સચ્ચાઇ દશાર્વે છે, તમારી આંખોમા મને પોતીકો ભાવ દેખાય છે, શું હુ સાચી છુ રાજ ? મનમા ને મનમા હરખાઇ ઉઠયો તેણે નયનાની આંખોમા ભવિષ્ય માટે ડર જોયો અને પોતાના માટે વિશ્ર્વાસ પણ. નયનાનો હાથ પોતાના હાથમા લીધોઅને હળવુ સ્મિત આપ્યુ બસ નયનાને પોતાનો જવાબ મળી ગયો. રાજને સપનાની રાણી મળી ગઇ જે પોતાને ચાહે છે નહી કે ઘર કે પૈસાને. તેણે પોતાના ઘરની પરિસ્થિતિ અને મા એ કરેલા જીવનનાં સંઘર્ષ પણ જણાવી દીધા હતા. નયનાએ સ્વેચ્છાએ જ લગ્ન પછી નોકરી ચાલુ રાખી સાસુની જેમ મહેનત કરી ઘર ચલાવવા તૈયાર થઇ ગઇ. દરેક છોકરો પત્નિમા માતાના ગુણો શોધતો હોય છે. રાજ નયના સાથે જીવન ગાળવા તૈયાર થઇ ગયા. હંસાબહેનના હર્ષનો કોઇ પાર ન રહયો એના આંગણે સારો પ્રસંગ ઉજવાય રહયો હતો. દીકરી તો હતી નહી પરંતુ દીકરી અને વહુ બન્ને સાથે મળી ગઇ એમ સમજી હરખાઇ ઉઠયા. નયના પણ નોકરી કરી મદદ કરવા માંગે છે જાણીને અનહદ આનંદ ઉપજયો, કેમ કે પોતે જાણતા હતા કે મહેનત કરી ઘર ચલાવવુ કેટલું કપરુ કામ છે.

રંગેચંગે લગ્ન થઇ ગયા હંસાબહેન ખુબ મહાલ્યા પણ એની પાડોશી અને સહેલી મંગળા વગર થોડું અધુરુ લાગ્યુ. લગ્નનાં એક અઠવાડીયા પછી મંગળા આવી હતી. બે મહીના જાત્રાએ ગઇ હતી. ઘરે આવી નાહી ધોઇને મંગળા હંસાબહેના ઘરે ગઇ. હંસાબહેને તો મંગળાને ખુશી ખુશી આવકારી અને બોલી, “લે મંગુ હવે તો હુંય તારી જેમ સાસુ બની ગઇ હો.... જો મારી દીકરી નયના જેવી રુપાળી છે એટલી જ સંસ્કારી અને સમજુ છે.” નયનાએ સાડીનો છેડો માથે ઓઢયો અને મંગળાને પગે પડી “સૌભાગ્યવતી ભવ: જા તો વહુ ચા બનાવ”. જલ્દીથી કહીને મંગળાએ આદેશ આપ્યો. “હા હો હમણાં બનાવી આપુ છુ”. કહેતી નયના ઝાંઝર છમકાવતી રસોડામા ચાલી ગઇ. “હંસા આમ હરખપદુડી થા મા....!! વહુને “હુ” જ રહેવા દે, દીકરી કહી માથે ન ચડાવ નહી, તો માથે હાથ દઇ રોવાનો વારો આવશે. આ મારી વહુ જો દીકરી દીકરી કરતી રહીને મારો દીકરો પોતાનો કરી લીધો!!! મને ઘરમાં રહેવા દેતી જ નથી મારે દર દર ભટકવાનો વખત આવી ગયો છે. કયારેક જાત્રાના બહાને, કયારેક ફરવા જવાના બહાને, તો કયારેક સંબંધીનાં પ્રસંગ સાચવવાને બહાને ઘરની બહાર ધકેલી દે છે. આ ઉમરે હવે કેટલુ રખડવાનું ? હું તો થાકી ગઇ છુ મારી વહુ ભમરાળી કયા જન્મનો બદલો વાળતી હશે ? પણ હંસા તુ આમ ફોસલાઇ ન જતી!!!” “મંગુ મારી સખી મંગુ બંધ થા તુ તો ચાલુ જ થઇ ગઇ તારુ દુખ હુ સમજી શકુ પરંતુ મારી નયના હીરો છે હીરો” મંગળા છંછેડાઇ ગઇ, ચા પીને જતી રહી.

થોડા દીવસ પછી નયનાએ ઓફીસ જવાનું ચાલુ કર્યુ, એટલે હંસાબહેન પાછા પહેલાની જેમ આખો દીવસ ઘરમા પસાર કરી લેતા, બપોરના જમ્યા પછી મંગળા હંસાના ઘરે જતી અને અહીંતહીની વાતો કર્યા કરતા.
સવારે નયના રસોઇ બનાવીને જતી, સાંજની રસોઇ હંસાબહેન બનાવતા. દીવસભરના નાના મોટા કામ પણ તેઓ જ કરી લેતા. આજે તેમણે સાંજના જમવામાં ખીર રોટલી બનાવી પરંતુ નયનાની ઓફીસમા પાંચ વાગ્યે એક સહકર્મચારીએ પુત્રજન્મ નિમિતે ભારે નાસ્તો કરાવ્યો હતો, એટલે ઘરે જમી શકી નહી. રાજને જમાડવા બેસી ત્યાં જ પિયરથી ફોન આવ્યો, પછી રસોડું હંસાબહેને સંભાળી લીધુ વાત પતાવી નયના રસોડામા આવી પણ ત્યાં સુધીમા રસોડું ઉકેલાય ગયુ હતુ. આખા દીવસની થાકેલી નયના પથારીમાંપડયા ભેગી ઉંઘી ગઇ.
સવારના રાબેતા મુજબ કામ કરી નયના ચાલી ગઇ. રોજે વખાણ કરતા હંસાબહેન આજે ચુપ હતા. મંગળાએ ઘણુ પુછયુ પણ કંઇ સાભળવા ન મળ્યુ. સાંજે રસોઇ બનાવતી વખતે થોડી અગવડ થઇ, મીઠાની બરણી જડતી નહોતી, ફ્રીજમાં ઢોળાયેલું દુધ સાફ કયુ. બધા સાથે જમ્યા પણ હંસાબહેનને રોજ જેટલો આનંદ ન મળ્યો.

રોજ સવારે જલ્દી ઉઠતા હંસાબહેન ઉઠયા નહી, તેમને આજે સારુ લાગતુ નહોતુ. નયનાએ કહયુ પણ ખરુ કે ઓફીસથી રજા લઇ લે પણ હંસાબહેન ના પાડી. મંગળાને ખબર પડી એટલે તરત જ બરાડી ઉઠી. “આમ રોજ રોજ ઢસરડા કરીશ તો માંદી જ પડીશને તે તારા સમયમાં કામ કરી લીધુ હવે આરામ કર બેસીને ખા પણ તુ વહુને બહુ લાડ લડાવે છે”. સાંજે નયના હોટેલથી પાર્સલ લઇ આવી પણ હંસાબહેનને ભાવ્યુ નહી, બે કોળીયા ખાયને ઉઠી ગયા એમને એમકે પોતે બિમાર છે તો નયના કંઇક સારુ બનાવશે. હદ તો ત્યારે થઇ જયારે બીજી બે રાતે પણ હોટેલના જ પડીકા ખાવા પડયા. વાત એમ બની કે નયનાને આંગળીમાં વાગ્યુ જમણા હાથની બે આંગળી ઓફીસના ડ્રોઅરમા આવી ગઇ. એટલુ તો દુખ્યુ કે ચીસ પાડી ઉઠી, ડોકટર પાસે જઇ આવી એટલે વાધો નહતો પરંતુ રસોઇ બનાવી શકે એમ નહોતી. અહી હંસાબહેનનો તાવ વધ્યો ઉપરથી બહારનુ જમવાનુ ભાવે નહી. મંગળા પોતાના ઘરની બનાવેલી રોટલી શાક લઇ આવી ત્યારે પેટ ભરીને જમી. બીજા દીવસે રાજે નયનાને રજા લેવા કહયુ, પરંતુ અર્જન્ટ મિટીંગ હોવાથી રજા ન લઇ શકી. એક અઠવાડીયા પછી હંસાબહેન તાવમાથી બેઠા થયા, ત્યાર સુધી નયના માટેનો પ્રેમ ઉડી ગયો...... દીકરી લાગતી નયના વહુ તરીકે પણ અકારી લાગતી હતી!!!!!!!!!! રોજ રાતે નયનાને રસોડું સાફ કરવા ટોકે, મીઠાની બરણી જગા પર જ રાખજે, તેલનો ડબો વાપરતા આવડે છે કે નહી બધુ તેલ તેલ કરી નાખે છે. તારે તો ઓફીસ ચાલ્યુ જવાનુ છે મારે બધુ સાફ કરવુ પડે છે. મંદીર જેવા મારા ઘરને ઉકરડા જેવુ બનાવી દીધુ છે...

નયનાએ શરુઆતમાં હળવાશથી લીધુ પણ પછી થોડી દુ:ખી રહેવા લાગી. થોડા દીવસ પછી રાજે નયનાના પિયરમાં જમવાનું આમંત્રણ આપ્યુ. હંસાબહેનને કામ ન કરવુ પડેં એટલે ઓફીસમાં પુરા દીવસની રજા લઇ લીધી, પરંતુ હંસાબહેન ગર્જી ઉઠયા, “પિયર માટે રજા મળે છે અને જાતે રસોઇ પણ બનાવશે હું માદી હતી ત્યારે મને કેટલાક ભાવતા ભોજન બન્યા હતા?” ઘરમા ઘરનુ વાતાવરણ ડહોળાય ગયુ હતુ. રાજ પણ દુ:ખી રહેતો હતો. તેને પોતાની સાથે કામ કરતા એક વયસ્ક કર્મચારીની વાત યાદ આવી ગઇ હતી.
લગ્ન પછી સાસુ વહુના ઝગડા થવા તો સામાન્ય છે પરંતુ સગા દીકરાને પણ મા અકારી લાગે છે.... પોતાની હાલત એવી થઇ હતી કે નયના કે મા કોઇને પણ સમજાવી શકે તેમ નહતો. આખરે હંસાબહેનને કહી દીધુ, “મારાથી ઘરનુ કામ નથી થતુ નયનાને કહી દે નોકરી છોડી ઘર સંભાળે અને હવે પરિવાર વધારવા કંઇક વિચારો”. રાજ બોલ્યો, “મા તુ જાણે છે ને પરિવાર વધારવા આયોજન કરવું પડે છે હજી તો માં લગ્નમાં કરેલો ખર્ચ વાળ્યો છે હમણા નયના નોકરી છોડે એ બરાબર નથી”. નયના પણ પરિવાર વધારવા ઇચ્છતી હતી, પણ પહેલાં પૈસાની જોગવાઇ કરવા માગતી હતી.

બધુ મંગળા કહે એમ જ થતુ હતુ આજકાલની વહુને છોકરા જણતા જોર પડે છે, તુ જોજે તો ખરી તારી કમાતી વહુ તને કેવી પૌત્રસુખથી વંચિત રાખશે. પહેલા મા દીકરો કેવા પ્રેમથી રહેતા હતા, ભેગા મળીને જમતા, રાજના માથે હાથ ફેરવતા સુઇ જતા. પરંતુ નયનાના આવવાથી બધુય બદલાય ગયુ હતુ.

નયના હવે સવારે રસોઇની સાથે કપડા વાસણ ઝાડુ પોતા કરીને જતી, પરંતુ હંસાબેનનો પ્રેમ પ્રાપ્ત કરી શકી નહી. ઉપરથી કામનાં વાંધા વચકા સાભળવા મળતા. હવે મંગળા સાથે બેસીને સાસુ બનવાની સારી એવી તાલીમ લેતા. તેમણે કહયુ કે વહુ હોંશે સાંજે કામ કરે તો કહેવાનું પહેલા મારી માટે ચા બનાવ, ચા મા સાકર વધુ કેમ નાખી, રસોઇ જલ્દી બનાવ રોટલી ગરમ જ ખાવી છે ,મારા પગ દબાવ પછી બધી વાત કહીને ટોકયા કરવાની.

એક દીવસ રાજે ખુશખબર આપ્યા. હંસાબહેન રાજીના રેડ થઇ ગયા મંદીરમા દીવો કરી પ્રભુનો પાડ માન્યો. મંગળાને સહુ પ્રથમ ખુશખબર આપ્યા. એ બોલી ખબર સાચા છે કે ખોટા જો જે તને ફોસલાવીને ખુશ ન કરે, ઠીક છે પણ વરસી નહી પડતી વહુ પર જાતજાતના નખરાં બંધ કરાવ આ બધુ આ અવસ્થામા ન ચાલે કંઇ....... સવારે જલ્દી ઘરકામ કરતી હોય તો કહે આમ ભાગ દોડ ન કરીશ તુ કામ છોડી દે, અને શાતિથી કામ કર.

નયનાને બધુ અકારુ લાગતુ હતુ કામ સંભાળવાનુ, જાતને સંભાળવાની, ઓફીસ ટાઇમ સંભાળવાનો . અકળાઇ ઉઠી હતી રાજ સાથે વાત કરીને આઠમા મહીનેથી રજા પર ઉતરવાનુ નકકી કરેલુ. નયના બહુ જ ઘાંઘી થઇ ગઇ હતી. ભુલથી પણ એેક જગા પર બેસે તો પણ મન ભમ્યા જ કરે. શાક સમારવાનુ છે, દુધ ચુલા પર મુકયુ છે, પેલી ફાઇલ સબમિટ નથી, કરી મેઇલનો રીપ્લાઇ પેંડીગ છે. મનમા ને મનમા રડી ઉઠતી. મમ્મીને મળવાનુ મન થઇ ઉઠતુ, પણ જાતે જ મન મનાવતી કે થોડા સમયમાં જવાનુ જ છે ને.

આજે પણ ઝટપટ તૈયાર થઇને ઓફીસ જવા નીકળી. હંસાબહેને કહયુ, “ઉભી રહે મને ઉપરના ખાનામાથી રામાયણ કાઢી દે”. નયના ચોંકી ઉઠી પોતાને છઠ્ઠો મહીનો ચાલુ હતોને ઉપર ચડવા કહયુ હતુ!!!! તે બોલી, “હુ........ મને મોડુ થાય છે.. સાંજે રાજ કાઢી આપશે”. હંસાબહેને તાડુકયા, “અરીસા સામે ટાયલા ટપલા કરતી વખતે સમય મળે છે ? આવા સમયે ગીતો સાંભળે છે તે રામાયણ વાચીશ તો સારા સંસ્કાર પડશે બાળકમા. ઉભી છે શુ ઠોયાના જેમ કાઢી દે જલદી... નયના ડરતા ટેબલ પર ચડી રામાયણ કાઢી હળવેકથી નીચે ઉતરી. મનમા હાશકારો થયો પેટ પર વ્હાલથી હાથ ફેરવ્યો. પછી પર્સ ખભે પસ લગાડી ઊતાવળે પગ ઉપાડયો. “ઓ.........મા” નયના ઉંધી પડી ગઇ અને ચિલ્લાઇ ઉઠી. ઉંબરા પર ઠોકર લાગી અને ઉછળીને ઉંધે માથે પટકાય. આજુબાજુાળાને ભેગા કરી નયનાને હોસ્પિટલ લઇ ગયા. રાજ પણ ત્યાં આવી પહોચ્યો. તે ખુબ જ ઉકળાઇ ઉઠયો હતો. આખી ઘટના જાણી ગર્જી ઊઠયો, “મા શુ કરી રહી છે આ બધુ ? રામાયણ હુ તને રાતે આપત તો શુ ફરક પડતો હતો, આખો દીવસ ભુલ કાઢે છે નયના. ગામની વહુની જેમ પિયરમા પડી નથી, રહેતી એક પૈસો તારા હાથમા આપે છે, પહેલા તું કેવી હતી શું થઇ ગયુ છે તને?” ડોકટર આવીને કહી ગયા નયનાની તબીયત સારી છે, પરંતુ બચાવી શકયા નથી. બન્ને સુન્ન થઇ ગયા, બન્નેનાં હદય દ્રવી ઉઠયા. પણ આ જ તો હકીકત હતી. નયના આરામ કરવા ચાલી ગઇ પિયર, રાજ ઓફીસ ઉપડી ગયો, એકલા હંસાબહેન ઘરે આવ્યા. રોજે એકલાં રહેવા ટેવાયેલા પરંતુ આજે ઘર ખુબ જ ખાલીખમ અને સુનુ સુનુ લાગ્યુ. પોતાના શ્ર્વાસના પડઘા પણ સંભળાતા હતા!!! મંદીર સામે બેસી છુટા મને રોઇ પડયા.. થોડીવારે દરવાજે ટકોરા પડયા સામે મંગળાને જોઇ હસાબહેન બોલ્યા, “મારી તબીયત ઠીક નથી પછી મળીશુ”. કહીને તરત જ દરવાજો ધડામ્ કરતો બંધ કરી દીધો.........