Diwali Vacation books and stories free download online pdf in Gujarati

દિવાળી વેકેશન - ‘National Story Competition-Jan

દિવાળી વેકેશન

સુરેશ. એમ. પટેલ

દસેક વર્ષનો સંજુ ખુબ રમતીલો અને મજા નો છોકરો છે. પણ, હમણાં દિવાળી વેકેશનમાં ગયા પછી અને એની ફ્રેન્ડ ખુશી સાથે વેકેશન વિશેની વાતો કર્યાં પછી થોડો મુંજાયેલો રહે છે. ન જાણે કોઈ પ્રશ્ન એના મનમાં ગુંટાયા કરતો હોય તેમ ફર્યા કરે છે. આમ તો એ હસતો રમતો સ્કૂલે પણ જાય છે અને દોસ્તો સાથે રમે છે પણ મોજ થી. પણ, જયારે એ એકલો હોય ત્યારે જાણે એના મનમાં કંઇક વાતો ફર્યા કરે છે. અને હવે એના થી બહુ રેહવાતું નથી એટલે એ એના પપ્પા ઓફીસથી ઘરે આવે એની રાહ જોઈ રહ્યો છે. જેવા પપ્પા ઘરે આવશે કે હું પપ્પાને મારા બધા સવાલો કરી નાખીશ એવું વિચારીને શેરીમાં રમવા જતો રહયો.

રાત્રે જયારે ડાયનીંગ ટેબલ પર એ જમી રહ્યો હતો. એટલામાં એના પપ્પા ઓફીસથી આવ્યા કે તરત કુદીને પપ્પા પાસે પોહચી ગયો. પપ્પાને બેગ પણ મુકવા ન દીધી અને સીધો કુદકો મારીને ખભા પર ચડી ગયો.

‘અરે, બેટા ઉભો રહે મને આ બેગ તો મુકવા દે, ક્યાંક વાગી જશે તને..!’ પપ્પા એ જરા રોક્યો.

‘મને કંઈ નહિ વાગે, હું તમને નહિ જવા દઉં મારે તમને એક વાત કરવી છે’ સંજુ મોં માં કોળિયા સાથે બોલ્યો.

‘શેની વાત..?’ પપ્પાએ નીચે ઉતરતા કહ્યું.

‘જે વાત હોય એ બધી પછી કરજે, ચલ પેહલા તારું જમવાનું ફીનીશ કર, અને પપ્પા ને જવા દે હાથ મો

ધોવા’ મમ્મીએ રસોડા માંથી બુમ પાડી.

‘નહિ...નહિ...! મારે એક વાત પૂછવી છે પપ્પાને. હું નહિ જવા દઉં.!’ સંજુ જીદે ચડ્યો.

‘અરે, હા બેટા તારે જે પૂછવું હોય એ પૂછજે પણ મને હાથ-મો ધોઈને આવવા દે ઓકે.’ પપ્પા એ સમજાવ્યો.

સંજુ ધીરેથી પપ્પાના ખભે થી ઉતરી ડાયનીંગ ટેબલ તરફ અને એના પપ્પા શર્ટ સરખું કરી રૂમ તરફ વળ્યા.

સંજુ, એના પપ્પા અને મમ્મી બધા ડાયનીંગ ટેબલ પર જમી રહ્યા છે પણ સંજુ ના મનમાં હજુ એ વાત ગુમ્યા કરે છે જે એના પપ્પાને કહ્યા વગર રહે એમ નથી. વારંવાર એની મમ્મીની આંખો જોયા પછી પણ સંજુ થી રેહવાયું નહિ એટલે પપ્પા ને પૂછી જ નાખ્યું.

‘પપ્પા, ઓ પપ્પા મને એક વાત નથી સમજાતી કે આપણે જેટલા દિવસ દિવાળી વેકેશનમાં ગયા હતા એટલાજ દિવસ ખુશી લોકો પણ ગયા હતા. તોય આપણા કરતા એ કેમ ગણા બધા પ્લેસ જોઈ આવ્યા? આપણે તો બસ ત્રણ-ચાર પ્લેસ જ જોયા અને મારી ફ્રેન્ડ ખુશી લોકોએ તો આપણા જેટલા જ દિવસમાં પૂરી ૭-૮ જગ્યાઓ જોઈ આવ્યા. મને એના ફોટોગ્રાફ્સ પણ બતાવ્યા.! બોલો!’ સંજુ એ સંગ્રહી રાખેલી નાના મગજની બધી વાત કરી નાખી.

‘ઓ... તો એ વાત થી તું આટલો ટેન્સનમાં હતો એમને..?’ મમ્મીએ સંજુ ની બેચેની જાણે હવે જાણી.‘કેમ બેચેની એટલે..?’ પપ્પા એ અમસ્તું પૂછ્યું.

‘અરે હા, આપણે જયારે વેકેસન માંથી ફરીને આવ્યા છીએ એના બીજા દિવસ થી જ સંજુ બહુ ટેન્સનમાં રેહતો હતો મેં પૂછ્યું પણ કંઈ કહ્યું નહી, હવે ખબર પડી કે પેલી ખુશી આના કરતા વધારે જગ્યાઓએ ફરી આવી એનું ટેન્સન હતું!’

મમ્મીએ બધી ફોડ પાડી.

‘કેમ એમાં શું થયું ભલે ને એ વધુ જગ્યાએ ફરી આવી.!’ પપ્પા એ જમતા જમતા નોર્મલ જવાબ આપ્યો.

‘પણ, પપ્પા આપણે જેટલા દિવસ ગયા હતા એટલાજ દિવસ એ લોકો ગયા હતા તોય કેમ આપણા થી વધુ જગ્યાઓ જોઈ લીધી..?’ હજુ સંજુને જોઈતો જવાબ મળ્યો નથી.

‘હમમમ, વાત તો સાચી છે સંજુ ની!’ હવે સંજુ ની મમ્મીને પણ ઈર્ષ્યા થઇ અને કોળીયો ભરેલા મો એ માંથું હલાવીને ‘હમમમ..’ નીકળી ગયું.

‘શું હમમમ..?’ સંજુના પપ્પા થાળીમાં ચમચીથી ખીચડી એકઠી કરતા બોલ્યા.

‘મને પણ હવે એવું લાગે છે કે કેમ આવું થયું? દિવસો પણ આપણા જેટલા જગ્યાઓ પણ એજ. પાછું એ લોકો પણ ગાડી લઈને ગયા’તા અને આપણે પણ અને હા, રૂટ પણ એજ હતો તોય કેમ એ આપણા થી ડબલ જગ્યાઓએ ફરી આવ્યા.?’ હવે મોરચો સંજુની મમ્મીએ સંભાળ્યો.‘અરે એ લોકો રાત્રે પણ ડ્રાઈવ કરતા હશે અને આપણે લોકો બધી જગ્યાએ રાત્રે હોલ્ટ કર્યો તો તુય શું આવી નાની વાતે ટેન્સન લે છે..!’ પપ્પાએ મમ્મીની વાત ઉડાડવાની કોશિશ કરી. ‘ના..ના.. હવે કાલે જ મારી ખુશીની મમ્મી સાથે વાત થઇ એ લોકો આપણે જે હોટલોમાં રોકાયા હતા એ જ જગ્યાઓમાં રોકાયા હતા, અને આપણા જેટલીજ અને આપણા થી પણ વધારે શોપિંગ પણ કરી આવ્યા છે બોલો..!?’ મમ્મીએ કાઉન્ટર સવાલો કર્યાં.‘અને હા, પપ્પા કેટલા બધા ફોટા પણ પડ્યા છે બોલો..!’ સંજુએ પણ મમ્મીને ટેકો આપ્યો.‘અરે..અરે..! હવે લાગે છે મારે તમને બંનેને પૂરેપૂરી ડીટેઇલ થી સમજવું પડશે. તમે બંને જમી લ્યો અને લીવીંગરૂમમાં આવો હું લેપટોપ અને કેમેરો લઈને આવું જેમા આપણા વેકેશનના ફોટા છે.’ સંજુના પપ્પા હાથ સાફ કરીને ઉભા થયા.‘પપ્પા..પપ્પા મેં પણ જમી લીધું હું પણ આવું છું તમારી સાથે બધું લેવા..!’ સંજુ ઉતાવળો થયો.‘અરે શું જમી લીધુ આ પૂરું કર પેહલા’ મમ્મી એ હાથ પકડીને બેસાડ્યો.‘હા, બેટા તું આરામથી જમીને મમ્મી સાથે આવ ત્યાં સુધી હું બધું લઈને આવું છું ઓકે.’ પપ્પાએ જતા જતા કહ્યું.સંજુ ફટાફટ પોતાની થાળી ખતમ કરવા લાગ્યો. અને એની મમ્મી પણ બધા કામ પતાવવા ફટાફટ રસોડામાં ગઈ.થોડીવાર પછી સંજુ એની મમ્મી સાથે લીવીંગરૂમમાં આવી ગયો અને ઉત્સુકતાવસ કંઈક જાણવા છેક પપ્પાને અડીને બેઠો. ‘અરે, સંજુ આ બાજુ આવ પપ્પાને ચાલુ કરવા દે લેપટોપ. અહી આવ આપણે અહિયાં બેસીએ.’ મમ્મીએ મુખવાસની ડબ્બી સાઈડમાં મુકતા સંજુને પાસે બોલવ્યો.પપ્પાએ ચાર્જર લગાવીને લેપટોપ ઓન કર્યું કેમેરા માંથી એસ.ડી. કાર્ડ કાઢીને લગાવ્યું અને વેકેશનના ફોટા શોધવાના ચાલુ કર્યા.‘અમે એ બધા જ ફોટા જોયા છે. એમાં શું તમે નવું બતાવના છો..?’ મમ્મી થી રેહવાયું નહિ.‘હા, પપ્પા મેં પણ આ બધા ફોટા જોયા છે.’ સંજુ ધીમા અવાજે બોલ્યો.‘અરે..! એક મિનીટ એક મિનીટ કહું છું તમને બધુજ.’ પપ્પાએ લેપટોપ ખોળામાં લઈને સોફા પર બેસતા કહ્યું.‘ફોટા જોઈને શું કરવાનું..?’ મમ્મી બોલી પડી.‘અરે, હું એજ તો સમજાવું છું કે તમે લોકો બીજાના ફોટા જોઇને કેમ છેતરાઈ ગયા.?’ પપ્પાએ ખરી વાત શરું કરી.‘છેતરાઈ ગયા? અમે..? એ કેવી રીતે?’ સંજુ ઝબકયો.‘જો બેટા. આપણે જ્યાં પણ જઈએ છીએ ત્યાં એ જગ્યાને માણવા જઈએ છીએ નહિ કે એને ફક્ત કેમેરામાં કેદ કરવા.’‘એટલે તમે કેહવા શું માંગો છો..?’ સંજુની મમ્મી હવે શાંત થઇ.‘જો.. હું તને બહુ ઊંડાણથી સમજાવીશ તો તને થશે કે કોઈ બાબાનું પ્રવચન ચાલુ થયું અને સંજુને પણ એવું લાગશે જાણે સિલેબસ બહારનું એક્ઝામમાં આવ્યું. એટલે હું તમને બંનેને સમજાય એવું સિમ્પલ અને સરળ રીતે સમજાવું.’ પપ્પાએ બધું પેહલાજ સ્પષ્ટ કર્યું.જેટલી જગ્યાઓએ આપણે ગયા એ બધીજ જગ્યાઓએ એ લોકો પણ ગયા પણ તમે એ ભૂલી ગયા કે જેટલો સમય આપણે એ જગ્યાઓ પર માણ્યો એટલો સમય એમણે પણ માણ્યો હતો..?‘એટલે કે ક્વોલીટી ટાઇમ એમને..?’ સંજુની મમ્મી સોફા પર સરખી થઇ.‘એક્ઝેટલી, તમે ફક્ત એમની નંબર ઓફ પ્લેસિસ ની વાતમાં છેતરાઈ ગયા કાલે જઈને સંજુ તું ખુશીને પૂછજે કે તમે કેટલો સમય એ બધી જગ્યાઓ પર રહ્યા હતા તો એ ચોક્કસ કહેશે કે માંડ એકાદ કલાક કે એના થી થોડા વધુ, અને આપણે કેટલો સમય એક જગ્યા પર હતા એ તું આ ફોટા જોઇને જાણી લેજે.’‘ઓકે હું કાલે ખુશી ને પૂછી લાવીશ.’ સંજુ બિચારો જાણે પપ્પા એ હોમવર્ક આપ્યું હોય તેમ સમજ્યો.‘જો બેટા, આ ફોટા જો જ્યાં આપણે સનસેટ માટે રોકાયા હતા યાદ છે ને..?’‘હા..હા.. મને યાદ છે. મમ્મી પાછળ રહી ગઈ’તી અને હું પેહલા પોહચી ગ્યો’તો ત્યાં.’ સંજુએ બધું ફરી યાદ કર્યું.‘હા, હવે એ વેહલો એકલો પોહચી ગયો હતો અને તમે પણ જાણે એને કોઈ મેડલ મળવાનું હોય તેમ ખાલી એના એકલા ની જ ફોટો ક્લિક કરી’તી આ..!’ નાનકડા સંજુથી એ વખતે હારી ગયેલી મમ્મી એ ભડાશ કાઢી.‘હા, અને તમને બંનેને યાદ હશે કે લોકો સનસેટ ના ફોટા પાડવા કેવા પડાપડી કરતા હતા અને કેવા કેવા અદભૂત પોઝ આપતા હતા હેને..!!?’ સંજુનો ગાલ પકડતા પપ્પાએ યાદ કરાવ્યું.‘હા, પપ્પા અને પેલી છોકરીયો કેવું મોઢું કરીને સેલ્ફી લેતી’તી નઈ..!’ સંજુ થોડો મૂડમાં આવ્યો.‘હા, હવે એ બધું યાદ છે અમને પણ એનું અને આપણી આ વાતનું શું લેવા દેવા..?’ સંજુની મમ્મી લાઈન પર આવી.‘હમમ... તારી વાત સાચી એ ફોટા પાડવા ની પડાપડી અને આપણી આ વાત નું શું..? તો જો, હું એજ સમજાવું છું, તમને ખબર હશે કે મેં તને એક બે ફોટા પછી રોકી હતી અને છેક છેલ્લે સુધી બધા જતા રહ્યા તોય આપણે ત્યાં જ બેસીને એ ડૂબતા સુરજ ને જોયો અને માણ્યો હતો યાદ છે ને એ ઠંડી હવા, ક્ષિતિજ પરથી આવતું એ અંધારા નું લશ્કર, લાઈનસર જતા એ પક્ષીઓ, બાજુની ઝાડી માંથી આવતો તમ્મરાઓ નો મધુર અવાજ બધુંજ કેવું આહલાદક લાગતું હતું..!!? યાદ છે તને સંજુ?’ પપ્પાએ એક ચમક સાથે બંને તરફ જોતા કહ્યું.‘હા, પપ્પા મને એ બધું યાદ છે અને હમણાં પણ આ ફોટાને જોઇને મને એવું લાગે છે કે હું ત્યાંજ બેઠો છું.’‘હા...યાર સાચેજ તમે જે કહ્યું એ બધુજ મને ફિલ થવા લાગ્યું..હોં..!!’ સંજુ સાથે એની મમ્મી પણ જોડાઈ.‘એજ તો વાત છે.! જે હું તમને સમજાવવા માંગું છું.’ ચપટી સાથે પપ્પા બોલ્યા.‘એટલે..શું?!’ જાણે હજુ કંઇક રહી ગયું હોય તેમ સંજુ બોલ્યો. ‘એટલે એજ કે આપણે જે પણ જગ્યોએ ગયા છીએ એ બધીજ જગ્યાઓને આપણે ભરપુર તન-મન થી અને પુરેપુરી હયાતી થી માણી છે, ખાલી બસ, ફોટા પડાવવા કે જોવા ખાતર જોવાઈ ગયું એમ કરીને નહિ..!’‘હા, તમારી એક વાત તો સાચી કે આપણે જેટલી પણ જગ્યાઓએ જઈને આવ્યા એ બધી હજુ મારા મનમાં ભમ્યા કરે છે અને જયારે પણ આ ફોટાને જોવું છું ત્યારે એવું ફિલ થાય કે જાણે હું ત્યાંજ છું. ત્યાંની એજ ખુશ્બુ, એજ અવાજ, એજ શાંતિ..!’ મમ્મીને વાતમાં હવે મજા આવી.‘હા, હવે તું સમજી..!’ પપ્પા એ માંથું હલાવ્યુ.‘જો બેટા આપણે ફરવા ક્યારે જઈએ છીએ? અને શેના માટે જઈએ છીએ?’‘દિવાળીએ જઈએ છીએ. અને ફરવા ને મજા કરવા જઈએ. બીજું શેના માટે?’ સંજુએ વળતો જવાબ આપ્યો.‘હા, ફરવા, મજા કરવા અને મનની શાંતિ મેળવવા પણ. તો જો આપણે જયારે કોક’દિ ફરવા જઈએ અને એ પણ આપણી રોજીંદી જિંદગીની જેમ બસ ફટાફટ ખાલી ચક્કર મારીને કે એક બે ફોટા ક્લિક કરીને આવતા રહીએ તો શું કામનું?આપણે તો કુદરતને માણવા અને મનને રીલેક્સ કરવા ફરવા જઈએ છીએ અને જેના થી આપણું મન શાંત અને તન પણ તરોતાજા થઇ જાય છે, જેથી આપણને પાછા આવીને બીજા બધા કામો કરવામાં પણ મજા પડે છે. જો આપણે પણ એક દિવસમાં અનેક જગ્યાઓએ ફરી લેવું હોય અને ખાલી ફોટા પડાવવા ના હોય તો આપણે એવું કરી શકીએ પણ એમાં પછી એ જગ્યાઓની યાદો, એની મહેક, એની એકેએક પળ જે આપણે હમણાં આટલા દિવસો પછી પણ માણી રહ્યા છીએ એ શક્ય નહિ બને. તમને બંનેને આ ફોટા જોઇને ત્યાં જ હોવા નો જે એહસાસ થાય છે એવો એહસાસ કદાચ ખુશી અને એની મમ્મી ને નહિ થાય આ ફોટા કે એના ફોટા જોઇને એ તું પૂછી જોજે..! જુવો હું તમને આ બધા ફોટા બતાવું એ બધી જગ્યોને તમે હજુ પણ અહિયાં બેઠા બેઠા માણી શકશો. જો એ દિવસે પણ જો આપણે ફટાફટ ખાલી બે ચાર સારા ફોટા પાડીને આવી ગયા હોત તો એ ફોટા ભલે ગમે એટલા સારા હોત તો પણ એમાંથી તમને એ જગ્યાની આવી ફીલિંગ ના આવી હોત જેવી તમને આ ફોટાઓમાં આવે છે. જુવો, આ ફોટો ભલે એક નો એક છે એ જગ્યા નો પણ આ ફોટામાં એ જગ્યા જેટલી જ ફીલિંગસ અને મોહકતા છે એમાં જેને જોઇને તમે એ બધી યાદો ને તાજી કરી શકો છો, એક વખત ટ્રાય કરી જોજો..!’‘હા.. પપ્પા મને હજુ આ બધા ફોટા જોવું તો બહુ મજા આવે છે અને આંખો બંધ કરું તો જાણે હજુ ત્યાંજ હોઈએ એવું લાગે’ સંજુએ અનુભવ શેર કર્યો.‘સંજુ, હવે તો તને ખબર પડીને કે મેં તને કેમ કેમેરો બંધ કરીને બસ આ દરિયા કિનારે પણ એ રેતીમાં બેસાડી દીધો હતો થોડીવાર તને ખોટું લાગ્યું હતું પણ જેમ જેમ પાણી તારા પગ ને સ્પર્શતું તેમ તેમ તારા ચેહરાની ચમક વધતી જતી હતી પછી તો તું ત્યાંથી નીકળવાનું નામ પણ નહોતો લેતો યાદ છે! તારી મમ્મીએ તને ખેંચીને બહાર કાઢેલો. એ બધું ભલે આપણા કેમેરામાં કેદ નથી થયું પણ એ બધું આપણા મનમાં તો કાયમ ને માટે કેદ થઇ ગયું છે ને.!?તું કાલે જઈને ખુશીને પૂછજે કે તને કઈ કઈ જગ્યાઓ હજુ એવીને એવી મજા પડાવે એવી યાદ છે..?અને હા સંજુ ની વકીલ તું પણ ખુશીની મમ્મીને મળીને પૂછજે કે ‘એમને એવી કઈ જગ્યા યાદ છે જેની ફીલિંગ્સ હજુ એવીને એવી તાજી હોય..!!’અને એક વાત યાદ રાખજો ખાલી તનથી રખડવું અને થાકી જવું એ વેકેશન નહિ, પણ મનથી માણવું અને તનથી તાજા થઇ જઉં એટલે વેકેશન..!વેકેશન ખાલી કેમેરામાં ફોટો ભરવા માટે નહિ પણ મનમાં, હ્રદયમાં યાદો ભરવા માટે હોય છે..!સમજ્યા..!‘હવે હું બધું સમજી ગયો..!! વેકેશન ખાલી ફોટો ભેગા કરવા માટે નહિ પણ કંઇક નવી યાદો ભેગી કરવા માટે હોય છે.!’સંજુને હવે પુરેપુરો સંતોષ થયો.

સમાપ્ત