Jamo, Kamo ne Jetho - 3 books and stories free download online pdf in Gujarati

જામો, કામો ને જેઠો (મોજ ૩ - રિસેસ)

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

Work @Navajivan Trust

-: જામો, કામો ‘ને જેઠો :-

-કંદર્પ પટેલ


છેલ્લે એ મોજ કરી કે,

(ટ્યૂશન ક્લાસ એડમાં આપેલા બ્રોશરની અંદર લખેલી દરેક સગવડો હશે કે નહિ? – પહેલો ટ્યૂશનનો દિવસ – કનુભાઈ (બોકડો) વિષે ઉપરછલ્લી માહિતી – ‘સતાણી’ અને ‘ગોહિલ’ સર વિષે કેટલાક મજાના ફેકટ્સ – ટ્યૂશનના પહેલા દિવસે કલરફૂલ ડ્રેસ પહેરીને આવેલ અમે અને અમારા નજરમાં રહેલ કેટલીક ‘ગર્લ્સ’ – સતાણી સરની ઈમોશનલ બ્લેકમેઈલિંગ કરતી સ્પીચ – ડિમ્પલની કરેલી વાતો – મઢુલીનું વડાપાવ)

આગળની મોજ આગળ...

-: મોજ – ૩ : રિસેસ :-

એ મઢુલીનું વડાપાવ ખાઈને બધા છૂટા પડ્યા. આવતી કાલે રિસેસમાં ક્લાસમાં ડિમ્પલને જોવા માટે નિમંત્રણ દેવાઈ ગયું હતું. મોટા ઉપાડે વાતો બહુ મોટી કરી દીધેલી. પરંતુ, આ વસ્તુમાં પણ આંખનો ‘ટેસ્ટ’ અલગ હોય છે. આ ‘ટેસ્ટ’ એવો છે કે જે પેટ સિવાય શરીરના દરેક અંગોને સ્ટ્રેચ કરે અને તેના પરની રુવાંટીને ઉત્તેજિત કરે.

મનમાં એવું પણ હતું કે જો કોઈક એમ બોલી જાય કે, “આમાં શું લેવાનું છે? આના કરતા મારી સોસાયટી કે ઘરની સામેવાળી મસ્ત ‘ફટાકડી’ છે.” આ અઘરી વાત હતી.

આ વિચારીને હું સાઈકલ લઈને ઘરે પહોંચ્યો. પ્રતિકને સૌથી વધુ નજીક ઘર પડે એટલે એ ચાલીને ટ્યૂશન આવતો. બટર (નિર્મળ) અને હિરો આ બંને સાથે જ હોય. કમલેશને લીધે બધાને મોડું થતું. એક તો એનું ઘર સોસાયટીની અંદર છેલ્લે. ભરપૂર કંટાળો આવે ત્યાં સુધી જવાનો...! બધે એક તો આવો હોય જ ! એમાં અમારા ગ્રુપમાં આવા બે વ્યક્તિઓ હતા. કમલો માત્ર સ્કૂલે અને ટ્યૂશન માટે જ મોડું કરતો. જયારે, હિરો એ લગભગ બધી જ જગ્યાએ મોડો જ હોય. જો કે હિરો આઠમાં ધોરણમાં એક વાર ફેઈલ થઈને અમારી સાથે આવ્યો હતો. એટલે એ અમારા ગ્રુપમાં મોટો ભાઈ હતો. અને, અમારી ઘરવાળીઓ માટે સૌથી મોટો ‘જેઠ’.

“જો જો, જેઠ બાપા. સંભાળીને ! વહુ બટા પાસે બહુ ચા બનાવવાનું નહિ કહેતા...! અને, કદાચ એ બનાવીને આપે તો ભૂલથી એ ચા નો કપ તો નીચે ન જ મૂકતા.” આવી મજાક તેના પર બનતી.

રિસેસ પડે એટલે તરત જ સ્કૂલ નીચે રામકૃષ્ણ સ્ટેશનરીમાંથી પાંચ રૂપિયાના બે સમોસાનું ફાઈનલ જ હોય. અથવા તો ક્યારે પફ. એમાં, પણ નાનો અને મોટો એમ બે પ્રકારના પફ મળતા. મોટો પફ ચાર રૂપિયાનો આવતો. હા, આવું બધું ખાઈ-ખાઈને પેટને તકલીફ પડતી રહેતી હતી. બટ, વિ ઇગ્નોર ઈટ યુ નો...! જયારે ખિસ્સામાં વધુ પૈસા હોય ત્યારે નાગરાજમાં જઈને સેન્ડવિચ કે પફ ખાવાના...!

પસાર થઇ ચૂકેલા ચાર પિરીયડની વાતો આ રિસેસના પ્રેશિયસ સમયમાં થાય. કોણ કેવું લાગતું હતું? આજે શું મજાક થઇ? કોણે માર ખાધો? હોમવર્કમાં કોણે સર / ટિચરને રમાડ્યા? આજે કોની ક્લાસમાં મજાક ઉડી? કોણે જોરથી છીંક ખાધી અને આખો ક્લાસ જોરથી હસ્યો? આ બધું વાતનું વતેસર અહી થાય. આ રિસેસ એ અમારો વાતો કરવાનો ચોતરો હતો. ગઈ કાલે ટ્યૂશનમાંથી છૂટા પડ્યા પછીથી માંડીને આજના ચાર પિરીયડ સુધીની દરેક વાતો અહી થતી.

‘દિલ્લગી’ – ‘મજા’ જેવી મીઠી સોપારી સાથે ‘રોચક’ લઈને ક્લાસમાં ઉપર ચડતા. આ ‘રોચક’ની પણ રોચક કહાની છે. આમ તો એ હરડેની ગોળી જેવી, પરંતુ જરાયે એના ગુણ નહિ એવી રોચક મોં માં મૂકતાની સાથે જ પાણી છૂટે. આખા મોં ની બખોલ પાણીથી ભરાઈ જાય. જીભની ઉપર ટેરવે ચડાવીએ એટલે મોં બંધ કરવાની ચળ ઉપડે. જેવું મોઢું બંધ કરીએ અને જીભ સાથે પ્રક્રિયા થાય એટલે લાળરસ અને રોચકનો હસ્તમેળાપ પાક્કો જ...! ખાટું લાગે એટલે બંધ થતી એ આંખે ઘણી વાર કેટલીયે માનુનીઓને વહેમમાં મૂકી છે. ધીરે-ધીરે ઓગળતી જાય અને છેલ્લે વધતી નાની કટકીને જીભની કિનારીઓ પર ફેરવીને ‘થું-થું’ કરીને બહાર થૂંકવાની પણ મજા હતી.

સવારમાં સાડા નવ વાગ્યે ફટાફટ સ્કૂલ નીચે ઉતરીને ઠૂંસતા. આ બધું ખાઈને પેટ ભર્યા પછી પેટમાં બટેટાનો મસાલો ભરેલ સમોસા સાથે ક્લાસમાં ઉપર જતા. જે સવારે શૌચ-ક્રિયા પતાવીને ન આવ્યો હોય અથવા કબજિયાતથી પીડાઈ રહ્યો હોય છતાં જો તે આ બધું આરોગે તો તેની પાછળની બેંચ વાળાઓને તકલીફ પડતી. ગરમ-ગરમ હવાબાણના બે-શ્વાસ ટીયરગેસ જેવા લાગતા અપાન-વાયુને સતત હવામાં છોડીને તેને મહેકાવતા રહે. બટેટા તો વળી પાછા, ગેસિયા. રોજે-રોજ દાબતો હોય તો પછી સહનશક્તિ બીજાને જ વધારવી પડે ને...! એમાય જો બે-ત્રણ દિવસથી એકના એક કપડા પહેરીને આવતો હોય તો બાજુમાં પણ જવું ન ગમે. એટલા સખત ગંધાતા હોય એ બંડખોરો કે ન પૂછો વાત ! પ્યોરલી અ-સહનેબલ. છતાં, દોસ્તનું સહન ન કરીએ તો બીજા કોનું કરીએ? છેવટે, જરૂર પડે ત્યારે એ જ પૈસા કાઢવાનો હોય. થોડું બોલીએ, ‘કોણ હતું ભાઈ? કોણ લાલ થઇ ગયું છે? કોને પરસેવો વળ્યો છે? કોના કાનની બૂટ ગરમ થઇ ગઈ છે? પકડો બધા જોઈએ, આજુ-બાજુ વાળાની..! છેવટે, ગમે તેના પર ગાડી ઉભી રહે. તે ભાઈની આખો દિવસ પત્તર ઠોકાઈ જાય.

છતાં, આજે હું એ ડરથી ફફડતો હતો કે ક્યાંક પેલી ડિમ્પલ કોઈના મગજમાં ન બેઠી અને ઉપરથી મારે જ ગાળો સાંભળવી પડી તો? આટલા દિવસોમાં એ ખબર પડી ગયેલી કે એના પપ્પા બહુ ઉંચી અને ભારે માંયલી નોટ છે. પૈસાવાળાની છોકરી ! ‘પૈસાવાળા’ એવો શબ્દ આવે એટલે અમને એવું જ થાય છે આપણે પૈસાવાળા ન કહેવાઈએ. જેને બંગલો, ગાડી હોય એ પૈસાવાળા. અને, મહત્વની વાત એ કે જે એક્ટિવા કે બાઈક લઈને ટ્યૂશન પર આવે એ ‘પૈસાવાળા’ની ઔલાદ. આજે બધા રિસેસ પછી ડિમ્પલને જોવા માટે મારા ક્લાસમાં ભેગા થવાના હતા. એ છેલ્લી બેંચ પર અમુક બીજી ગર્લ્સ સાથે બેસીને નાસ્તો કરતી હતી. આજે એ સ્કૂલ ડ્રેસમાં હતી. શરીર સાથે આટલું ચપોચપ ફિટિંગમાં ટોપ-જીન્સ સાથે જોયા પછી જરાયે જોવી નહોતી ગમતી. પરંતુ, એ લૂકમાં તો મેં એકલા એ જ જોયેલી હતી. બાકીના બધા જ બીજા ક્લાસમાં હતા. તેથી તેમના માટે તો પહેલી વાર જ હતું. નાસ્તાનો ડબ્બો પણ હાઈ-ફાઈ હતો. હજુ આજેય બધાના પપ્પાઓ ઓફિસ-ધંધે જાય ત્યારે સ્ટીલના ટિફિન જ લઇ જતા હતા. એટલે આવું બધું બહુ જોયેલું નહિ. પ્રાથમિકમાં હતા ત્યારે અમારી પાસે પ્લાસ્ટિક અથવા વધુમાં વધુ સ્ટીલના ગોળ-લંબચોરસ ડબ્બાઓ રહેતા. એમાં પણ, જો કોઈ મેગી, સેન્ડવિચ કે અન્ય કોઈ આઇટેમ ડબ્બામાં ભરીને લાવે તો તેને પૂરું કરતા માત્ર ૧૦-૧૨ સેકંડનો સમય જ લાગે. તેમાં, ડિમ્પલના ડબ્બામાં અમે એલ્યુમિનિયમ ફોઈલની અંદર સેન્ડવિચ જોઈ.

“એની માં ને...! એલ્યુમિનિયમ ફોઈલમાં નાસ્તો. એ ય સેન્ડવિચ ! છે બાકી... જોરદાર.”

“પૈસાવાળા સવાર-સવારમાં પેલું લાલ કલરનું જામ હોય એ સેન્ડવિચ પર લગાડીને ખાય ને ! મોટી પાર્ટી હશે આનો બાપ ! એ તો નક્કી જ છે. ક્યાં રેય છે?”

બધા મિલન તરફ જોવા લાગ્યા. કારણ કે, મિલને કહેલું કે ‘આ તો અમારા સ્નેહ મિલનમાં હોય દર વખતે !’ એટલે અપેક્ષાઓની આંગળી તો તે તરફ જ જાય ને !

“આપણે રમવા જઈએ છીએ ને ઉગમનગરના પોપડાંમાં, એની પાછળ જ !”

“આંટો મારવો પડશે.”

“સાઈડ વ્યૂ તો જો યાર, ખતરનાક.” હું બોલ્યો.

બધાના મનમાં બેસી જાય કે ખરેખર મસ્ત છે એટલે હું બધું તેમને કહેતો હતો. આ ટેવ પહેલેથી જ ! દરેક છોકરો જે તરુણમાંથી કિશોર બન્યો હોય તેને સૌથી વધુ અને સૌથી પહેલું આકર્ષણ સ્ત્રીના સ્તનનું જ હોય છે. જેથી સૌથી પહેલી નજર બધાની ત્યાં જ પડે. પરંતુ, ગર્લ્સ માટે સ્કૂલ ડ્રેસ એવો ડિઝાઈન થયેલો હતો કે શર્ટની ઉપર ઘૂંટણ સુધીનું સ્કર્ટ જસ્ટ લાઈક પેટીકોટ. ઘરે જઈને કોઈ પણ છોકરીને યાદ આવે તો એ પેટીકોટમાં જ યાદ આવે. આ પેટીકોટમાં ઉભેલી ગર્લને સાઈડ પરથી જોવાની મજા અલગ જ હતી. વિ કોલ્ડ ઈટ ‘સાઈડ વ્યૂ’.

“બાપ્પુ. જોરદાર. ક્લાસિક.” આ સાંભળીને મને હાશકારો થયો.

અમે આગળની બેંચ પર ચડીને બેઠા હતા. આ પ્રકારની વાતો કરતા એનો મતલબ કે અમે ‘એબનોર્મલ’ તો નહોતા જ...! જે કોઈ લાગણીઓ હતી એ એક ફલો માં વહેતી હતી. અમારો છેડ્તીખોર નબીરાસંઘ નહોતો. આંખ ઉંચી કરીને જોવાની વાત જ દૂર હતી. અંદરોઅંદર બધું સમેટાઈ જતું. સ્કૂલમાં કોઈ ‘ગ્રુપ’ તરીકે ઓળખાતું હોય તો એ માત્ર ‘ને માત્ર અમારું જ. ડિમ્પલને જોયા પછી એના વિષે વાતો ઘણી થઇ.

પ્રપોઝ મારી દે.

પટ્ટાવી લે.

અમે અમારા ઘર અને ઘરની પરિસ્થિતિ વિષે ખૂબ સારી રીતે જાણતા હતા. ક્યાંથી આવ્યા છીએ અને શું કરવાનું છે? એ ખ્યાલ હતો. મહેનત કરીને માર્ક્સ અને પર્સન્ટેજ લાવવાના છે એ વાતની જે-તે ઘડીએ ખબર રહેતી જ. અમારા દરેકની પરિસ્થિતિ લગભગ એકસરખી જ હતી. દરેકના પપ્પા સૌરાષ્ટ્રના ગામમાંથી આવીને સુરતમાં મહેનત કરતા હતા અને આજે પણ કરે છે. ઘરનું ઘર રહેવા માટે કરી આપ્યું એ જ સૌથી મોટી વાત હતી. સામાન્ય રહેણીકરણી અને કરકસરપૂર્વકનું જીવન. ખેતીમાં કરેલી મહેનત કરતા જરા પણ ઓછી ન આંકી શકાય તેટલી મહેનત તેઓ કરતા હતા. મમ્મી પણ ઘરે કઈ ને કઈ સાડી-દુપટ્ટા કે ટિક્કા લગાવવા માટેનું નાનું કામ કરીને ઘરખર્ચ કાઢી આપતા હતા. જયારે સ્કૂલની ફી ભરવામાં બે-ત્રણ દિવસ મોડું થતું ત્યારે પપ્પાને એ ફફડાટ રહેતો કે મારા દીકરાને ક્યાંક આખા ક્લાસ વચ્ચે ઉભો કરીને ફી ન માંગે તો સારું. કારણ કે, તેમને આ અપમાન એ સીધું જ છોકરાના માં-બાપનું જ અપમાન જેવું લાગતું. પગાર મોડો થયો હોય કે ઘરમાં પાંચિયું પણ ન હોય છતાં દરેક મહેમાનની અત્યંત ભાવપૂર્વક મહેમાનગતિ થતી. જયારે ઘરમાં કોઈ મહિને આવક સામે જાવક વધુ થઇ હોય અને મહિનાના છેલ્લા દિવસો ચાલતા હોય ત્યારે મમ્મી જે કઠોળનું શાક કરતી એ અમારા મનમાં હતું. બર્થ ડે પર ગીફ્ટ લઇ આપવા માટે પણ અમારા ઘરે મહિનાઓ પહેલા વ્યવસ્થા ચાલતી હોય. અમારી એક પ્રકારની મજા હતી. જે અમે લૂંટી રહ્યા હતા. ઈર્ષ્યા કે ઝઘડા જેવી બદીઓ અમારાથી માઈલો દૂર રહેતી.

‘પોકેટમની’ વાળી સિસ્ટમ અમારા કોઈના ઘરે નહોતી. ખિસ્સામાં ખૂટી જાય એટલે પપ્પા કે મમ્મી પાસેથી પૈસા માંગી લેવાના. પપ્પા પાસે પૈસા માંગવાનું શરુ કર્યું ત્યારે તેઓ હિસાબ માંગતા. હવે, ૧૦ રૂપિયાના હિસાબમાં બધું ખોટું બોલવું પડે. સમોસા, દિલ્લગી, મજા, રોચક, રાજા-રાણી અને આઠ-આના નાં WWE સુપરસ્ટારના ઈનામોમાં રૂપિયા વાપરી નાખ્યા એમ કહીએ તો સીધા જ ઘરેથી કાઢી મૂકે એવો ડર રહેતો. લગભગ વધુમાં વધુ ૧૦ થી ૨૦ રૂપિયા મળતા થયા હતા. એ પણ ૨-૩ દિવસના અંતરે...! એ સમયે ‘હાઈજીન’ના પ્રશ્નો જ નહોતા. અમારા ‘જીન્સ’ જ એટલા ‘હાઈ’ હતા કે ગમે તે, ગમે ત્યાં અને ગમે તેવું લારી-ગલ્લા પર ખાઈએ છતાં કોઈ જ તકલીફ પડતી નહિ. રવિવારે અમે આખો દિવસ મેદાનમાં પડ્યા-પાથર્યા રહેતા. ટ્યૂશનથી છૂટીને પણ અમે ક્રિકેટ રમવા દોડી જતા. મહિને એક વખત ૫૦ રૂપિયા મળે તો એને બીજા મહિને કમને છૂટી કરાવતા. જીવ જ ન ચાલે...! પર્સમાં મોટી નોટ હોય તો રાખવાની યે મજા તો આવે !

એટલામાં જ બ્લંડર થયું. પહેલે દિવસે જે ડિમ્પલ પર રેખા મે’મ ગુસ્સે થયા હતા તેમણે જ તેને મોનિટર બનાવી.

મારા મને આ પરિસ્થિતિનો સખત વિરોધ કર્યો. આજ સુધી મોનિટર રહેલો છું સ્કૂલમાં ! આવું અચાનક કેમ? હવે જેટલું હોશિયારની કેટેગરીમાં નામ આવતું એટલું જ તોફાની – અવળચંડ – અળવીતરામાં નામ થવા લાગ્યું. એ નાદાન છોકરી, ડિમ્પલ સ્કૂલના ગ્રીન બોર્ડ પર નામ લખવા લાગી. દરેક શિક્ષકોનો માર ખાવાની શરૂઆત થઇ. લગભગ હું એવો છોકરો હતો કે અઠવાડિયે એક વાર મિનીમમ રેખા મે’મના સપાટા ગાલ પર ખાવાના. એક દિવસ તો એવો આવ્યો કે એ ડિમ્પલને લીધે રેખા મે’મ એ જોરદાર – ખતરનાક – દિલડાફાડ સજા ફટકારી. હું પ્રાર્થના પહેલા ડિમ્પલને પહેલી બેન્ચમાં બેસીને ચીડવતો હતો.

મેં તેને ઉક્સાવી, “લખ ને..! લખ ને. આજે નામ લખ.” એ હસતી હતી.

“વાતો નથી કરતો આજે તું, તો તારું કઈ રીતે નામ લખું?” એટલું ધીરેથી બોલી કે સીધું જ કોરાઈ ગયું.

“એ તો દર વખતે હું વાત નથી જ કરતો. તારા લીધે રોજ હું એક વાર તો માર ખાઉં જ છું. આજે એક વખત વધારે..!”

“અવાજ કરતા હોય તેના જ નામ લખવાના. બીજા કોઈના શા માટે લખું?”

“અચ્છા. એવું એમ?” સામેથી રેખા મે’મને આવતા જોઇને મેં ટાઈ બાંધવાની શરુ કરી. આજે ટાઈનું સેટિંગ જ નહોતું આવતું. આ જોઇને ડિમ્પલને થયું કે હું ખોટા ચાળા કરું છું.

“લખું નામ બોર્ડ પર? જો રેખા મે’મ આવે જ છે.”

“એ બાડી તો રોજ આવે છે.” હું ધીરેથી બોલ્યો.

“શું બોલ્યો? હવે તો લખવું જ પડશે.” એમ કરીને બોર્ડ પર નામ લખવાની એક્ટિંગ કરવા લાગી.

પરંતુ, એ દિવસે નસીબ એટલું નબળું કે બોર્ડ પર કોઈનું નામ નહોતું. અને, રેખા મે’મ તેને બોર્ડ પર કંઇક લખતા જોઈ ગયેલા. નજીક આવીને રેખા મે’મ એ ડિમ્પલને પૂછ્યું, “કોનું નામ ભૂંસી કાઢ્યું? લાવ એ ટોટા ને...! આટલો બઢો અવાજ અહી ઠી જ આવટો હતો. કોણ છે એ?”

ડિમ્પલ ડરતાં-ડરતાં બોલી, “બધા હતા મે’મ.”

“મને કોઈ એકનું નામ આપ.”

તેણે મારા સામે જોયું. રેખા મે’મ એ મારી તરફ જોયું. હજુ પેલી બોલવા જાય એ પહેલા જ,

“આટલો હોશિયાર છે. છતાં, તોફાને કેમ ચડે છે રોજ-રોજ? ટને કઈ ભાન-બાન મલે કે ની? આખો ડિવસ અવાજ કર્યા કરટો છે ટે...! નિકલ, બેંચની ભા’ર નિકલ જોઉં. પડફોર્ડમંસ ડાઉન ઠહે આ પડીક્સામાં એમ કેઈ દેમ છું.”

“હું નહોતો. કહ્યું ને હું નહોતો. ખોટો-ખોટો મારવાનો નહિ. વાંક હોય તો બરાબર છે.” જરાયે સહનશક્તિ નામની વસ્તુ હતી જ નહિ મારી અંદર. જો મારો વાંક ન હોય તો હું તરત જ શિક્ષકની સામે થઇ જતો. એમાં મને વધુ માર પડ્યો. છેવટે મેં રેખા મે’મનો હાથ પકડી પણ લીધો. એટલે, તો તેમનો મગજ છટક્યો.

“કોન-કોન હત્તું આ ઢમાલિયાની જોડે? ઉભા ઠઈ જાઉં. હું સામેથી બદ્ધું જોઈ રે’લી છું. જો ઉભા ઠઈ જામ ટો મેં ની મારું.” ઉભું કોણ થાય. તેવામાં મારી આજુબાજુ બેઠેલ બે ને પકડીને એમનેય માર્યા. ત્યાં જ પ્રાર્થના ચાલુ થઇ. એ દિવસે અમે પ્રાર્થનાનો સવિનયપૂર્વક આભાર માન્યો.

“નીકળો ક્લાસની ભા’ર. જ્યાં સુધી લેખિતમાં માફીપત્ર નહીઆપો ત્યાં સુધી અંદર નહિ લઉં.”

મારે સ્કૂલ તો રોજે જવાનું, પરંતુ ક્લાસમાં બેસવાનું નહિ. રોજ ક્લાસની બહાર બેસવાનું, આખો દિવસ. રિસેસમાં પણ અંદર આવવાનું નહિ. હવે મોટી તકલીફ ઉભી થઇ. મને કોઈ પ્રોબ્લેમ નહોતો બહાર બેસવામાં, પણ આવતા-જતા છોકરીઓની નજરમાં નીચા પડીએ એ વાંધો હતો.

છતાં, વળ એટલ અઘરો વળ. કઈ કર્યું જ નથી તો માફીપત્ર શાનું? ને માફી શાની? જ્યાં સુધી એ પોતે અંદર ન લે ત્યાં સુધી હું બહાર જ બેસીશ. આવું નક્કી કર્યું. બાકીના બંને તો એમ પણ ડફોળ હતા. એમને તો ક્લાસની બહાર મજા જ આવતી હતી. તેથી એ લોકો તો મહિનાઓ સુધી બહાર બેસી શકે તેમ જ હતા. વાત હવે આમને-સામને આવીને ઉભી રહી. ડિમ્પલ પર જોરદાર ગુસ્સો આવતો હતો. તેણે મારા તરફ જ કેમ જોયું? આવા અનેક સવાલો રિસેસમાં પૂછવા માટે હું અંદરથી સમસમી રહ્યો હતો. ગજબનો ગુસ્સો લઈને ક્લાસની બહાર નીકળ્યો. પણ, બહાર જઈને બાજુવાળા એ એક દિલ્લગી આપી અને મૂડ ફ્રેશ થઇ ગયો. હજુ, ડિમ્પલને છોડવાની તો નહોતી જ...!

Contact: +91 9687515557

E-mail: patel.kandarp555@gmail.com