Jamo, Kamo ne Jetho - 5 books and stories free download online pdf in Gujarati

જામો, કામો ને જેઠો (૫ - શકુંતલા)

કંદર્પ પટેલ

Twitter: @PKandarp

+91 9687515557

Work @Navajivan Trust

-: જામો, કામો ‘ને જેઠો :-

-કંદર્પ પટેલ


છેલ્લે એ મોજ કરી કે,

(દિવસભર ક્લાસની બહાર બેસવાની પનીશમેન્ટ – એ પનીશમેન્ટ માટેની આગળની રાત્રે કરેલી તૈયારીઓ – સજાના પહેલા દિવસે જ રેખા મે’મ નો પડેલ માર – ડિમ્પલનું ‘સોરી’ બોલવું - કૌશિકભાઈ (પ્રિન્સિપાલ)ની ઓફિસમાં જઈને કરેલી કમ્પ્લેઇન – ભૂપત (પટ્ટાવાળો) – પ્રિન્સિપાલ સામે રેખા મે’મની થયેલી સંપૂર્ણ હાર – ડિમ્પલ પર ઉગમનગરના મેદાનમાં ગુસ્સો ઉતારવાનો આવેલ વિચાર)

આગળ મોજ કરીએ ચાલો,


-: મોજ – ૫ : ઉગમનગર :-

ડિમ્પલનું ઘર કાલિદાસનગર સોસાયટીના રોડ પર આગળ આવતું હતું. બંગલા-ટાઈપ સોસાયટી હતી. જેમાં માંડ ૮-૧૦ મોટા-મોટા મકાનો હતા. માણસો ઓછા હતા. વૈભવ વધુ હતો. તેની બાજુમાં જ એક ફાર્મ મુકીને એક મોટું મકાન હતું. એ મકાન કરતા તેની પાછળનું મેદાન લગભગ ૩-૪ વિઘા જેટલું મોટું હતું. એ ઉગમનગર સોસાયટી કહેવાતી. સુરતમાં ક્યારે સોસાયટી બદલાઈ જાય એ ખ્યાલ ન જ પડે. આમ તો, અમારા માટે ‘શેરી’ જ હતી. સોસાયટી પણ હજુ થોડું અડવું – અડવું લાગતું. ‘શેરી’ બોલતાની સાથે જ મનમાં ઘરની ફીલિંગ આવે. ઉગમનગરમાં ડિમ્પલ સાથે ઝઘડો કરવાનું પણ એક કારણ હતું.

મારો સ્કૂલનો એક લંગોટિયો યાર હતો. તેનું નામ કિશોર. બાલમંદિરથી સાથે ‘ને સાથે. હું, મનજી પોળો (મિલન ઘેવરિયા) અને કિશોર ત્રણેય સાથે હતા. સ્કૂલની રિસેસમાં પફ ખાઈને પાણીના પાઉચના પૈસા ન બગડે એટલે કિશોરના ઘરે પાણી પીવા માટે જતા. એકદમ ઠંડુ પાણી એના ઘરે પીવા મળતું. હું અને મનજી તો ‘ભૂખની બારશ’ની જેમ ‘પીધેલી બારશ’ બની જતા.

“આરામથી પી, આપણું જ ઘર છે.” આવું રોજ કિશોરને બોલવું પડતું. કિશોર અમારી રામકૃષ્ણ સ્કૂલની પાછળ આંબાવાડી સોસાયટીમાં રહેતો. ‘મિડલ ક્લાસ’થી ઉપરના લોકો ત્યાં રહેતા. જો કે, માણસો તો અંદરથી કાઠિયાવાડી જ હતા. કિશોરની શેરીમાં હરિયાળી બહુ સારી હતી. એનાથી વધુ સારી લીલોતરી તેની બાજુની શેરીમાં હતી. અમે રોજ, રિસેસમાં કિશોરના ઘરે પાણી પી ને પાછળ થઈને બાજુની શેરીમાંથી સ્કૂલમાં પાછા જતા. આવી રીતે જવાનો ફાયદો એ હતો કે જે ગર્લ્સ એ શેરીમાં રહેતી હતી, એમના મમ્મી-પપ્પાને જોવાનો મોકો મળી જાય. વળી, એ પણ ઘરે આવી હોય રિસેસમાં તો તેને સોસાયટી વચ્ચે જોવાનો મોકો મળી જાય. એ ડેરિંગ લાગતું. મમ્મી કપડા સૂકવતી હોય અને તે ઘરના દરવાજે સ્કૂલ ડ્રેસમાં ઉભી હોય. અમે જોઈએ અને એ સામે હસે ત્યારે જો કપડા સૂકવી રહેલા મમ્મી જોઈ જાય ત્યારે નજરના ખેલ થઇ જતા. આ ખેલમાં કે.લાલ જેવા જાદુગરને પણ હાર માનવી જ પડે, એવું ગજબ ટેલેન્ટ બતાવતા.

મનજી પોળા (મિલન)ની મમ્મીનું નામ ધોળીબેન હતું. હવે, ટ્રેજેડી એ હતી કે મનજીનું ઘર કિશોરના ઘરની પહેલા બે મકાન આવતું. છતાં, એ પોતાના ઘરે પાણી ક્યારેય ન પીવડાવે અને એ પણ ન પીવે. મમ્મી એટલા ગુસ્સે થાય કે ન પૂછો વાત...! એ બદલ તેને ચીડવવાનું શરુ કર્યું. ‘ધોળી-ધોળી’ કહીને ચીડવતા. તેનો મગજ જાય એટલે મારવા દોડે. જલ્દીથી શાંત પણ થઇ જતો. તેના પરથી વિચાર્યું કે, ‘મમ્મી ધોળી તો પપ્પા?’ તરત જ નેવિગેટ થયું. મગજમાં પોપ-અપ થયું. ‘મમ્મી ધોળી તો પપ્પા ધોળો.’ સિમ્પલ. એ પછી, તેની મમ્મીથી જેટલી ફાટતી તેના પરથી મનજીનું નામ અમે ‘પોળો’ પાડી દીધું. મનજી તેના પપ્પાનું નામ અને ‘પોળો’ એની કેરેક્ટરિસ્ટિકસ.

કિશોર અને ડિમ્પલનું કનેક્શન હતું. જોરદાર કનેક્શન ! પણ માત્ર, કિશોર તરફથી જ. બંને ‘દર્શક કલાસિસ’ માં એકસાથે હતા. ત્યારથી આ ભાઈને એ ‘બૂન’ બહુ ગમે. અમને આ વાત ની મોડેથી ખબર પડી. એ દિવસે રિસેસમાં અમે કિશોરના ઘરે ગયા. પાણી પીતાં-પીતાં મેં વાત છેડી.

“યાર, કેકે..! આ એક ડિમ્પલ કરીને એક છોકરી આવી છે. હેરાન કરી મૂક્યો છે. જો ને, હું તને કહેતો હતો ને ! એના ચક્કરે તો મને છેક પ્રિન્સિપાલની ઓફિસ સુધી જવા મજબૂર કર્યો. કંઇક કરવું પડશે !” (કિશોરનું એની પહેલા ‘કે’ નામ વાળી એક છોકરી જોડે નામ જોડાયેલું હતું એટલે તેનું નામ ‘કે.કે.’ પાડ્યું હતું. જયારે કંટાળો આવે ત્યારે ‘કેકડો’ કહેતા.)

“ભાભી છે લ્યા તારી ! માપ માં હો !” હું અને મનજી પોળો વિચારતા હતા કે આનું હવે શું કરીએ? આટલા દિવસથી પાણી પીએ છીએ, તોયે ના કહ્યું? મેં તો કિશોરને વાંકો વળ્યો ‘ને પોળા એ ‘બમ પે લાત’ દીધી.

“પણ જો ભાઈ, એ જે હોય તે ! ભાઈને ભૂલી જવાનો? આવું તો ન ચાલે.”

“એક કામ કર, આજે મારી જોડે ઉગમનગરના પોપડાંમાં આવજે ક્રિકેટ રમવા !” કિશોરે કહ્યું. હજુ એ બોલવા જતો હતો ત્યાં જ હું બોલ્યો,

“ત્યાં શું છે? ક્રિકેટ રમવું હોય તો તું આવજે કુબેરના પોપડાંમાં ! હું ત્યાં છેક નહિ આવું. મારી સાઈકલ મૂકે છે બધા સ્ટમ્પ તરીકે ! કેરિયર મોટું છે એનો મતલબ એવો નથી કે દર વખતે મારી સાઈકલ જ હોય !”

“અરે ભાઈ ! ત્યાં સ્ટમ્પ છે. તારે સાઈકલ સાઈડ પર જ મૂકવાની છે. ટેન્શન ન લે !”

“પણ ત્યાં શા માટે?” અધીરા બનીને વળી પૂછ્યું.

“અબે ઠોકું ! સાંભળ તો ખરો. ત્યાં ડિમ્પલનો ભાઈ આવે છે. તેના જોડે તારે જે કરવું હોઈ એ કરજે. બદલો એના ભાઈ પર લઇ લેજે. એ બહાને મને હિરોગીરી કરવાનો મોકો પણ મળી જશે.” હું પાછો મૂંજાયો.

“એવું કેમ પણ? હું એના ભાઈને મારું તો તું કેમ હિરો બને?” આટલું બોલતા જ મારા મનમાં લાઈટ થઇ.

“અરે હા,.. બરાબર. હું તેને મારું અને તું એને બચાવીશ એમ જ ને?” હું આટલું બોલ્યો ત્યાં તો એ હસીને બોલ્યો, “હોશિયાર, બાપુ હોશિયાર.”

આઈડિયા તો મજાનો હતો. મેં તરત જ કન્ફર્મ કર્યું. મેં કહ્યું હું ટ્યુશનથી છૂટીને સાડા ચાર વાગ્યે પહોંચી જઈશ.

ઉગમનગરના મેદાનમાં હું પહોંચી ગયો. થોડા પાણીના પાઉચ અને દિલ્લગી લઇ ગયો. નવેસરથી ટીમ પડે ત્યાં સુધી હું બેઠો. મને સમજાતું નહોતું કે આમાં ડિમ્પલીનો ભાઈ કોણ છે?

છેલ્લે ૨-૩ ઓવર બાકી હતી. નવેસરથી ટીમ પડી. મેં કિશોરને પૂછ્યું, “ભાઈ, આમાં પેલીનો ભાઈ કયો છે?”

“જો સામે ‘સ્પાઈક’ કટ કરાવેલા છે એ જો ! ખૂણામાં ઉભો સ્કૂટી પેપ પાસે !”

“ભાઈ, આ ‘સ્પાઈક’ કટ એટલે શું? એ વળી કેવા આવે?” મેં તો બહુ નિખાલસતાથી પૂછ્યું.

“અબે @#%&*, કૂતરા જેવા વાળ જો હામ્મે દેખાઈ ઈં !” એક ગાળ પડી અને એની સાથે જ કિશોરને મેં ટીમમાં લીધો.

“કેટલામું ભણે છે?” મેં વળી પછ્યું. ખબર પડે કે ક્યારે રડવા માંડશે એમ !

“હજુ, છઠ્ઠું ભણે છે. અને, નજીકમાં જ છે એનું ઘર ! ધ્યાનમાં રાખજે. જો વધુ આમ-તેમ થશે તો કહી આવશે. ફોન રાખે છે, મોટા ઘરની ઓલાદ છે.” કિશોરે મને ચેતવ્યો.

“ભાઈ, તું ડરાવ નહિ. હું આજે મારવાનો મૂડ બનાવીને આવ્યો છું.”

“હા ભાઈ ! મારજે ને, મને શું વાંધો હોય?”

રમત ચાલુ થઇ. ફાયદો હતો કે, એ સામેની ટીમમાં હતો. સ્ટમ્પ હતા એનું કારણ ડિમ્પલનો ભાઈ હતો. ગઈ કાલે કિશોરે તેને કીધેલું કે, ‘અમારી જોડે સ્ટમ્પ નથી. તારા પાસે છે? જો હોય તો લેતો આવજે ને !’ આજે પપ્પા પાસેથી પૈસા લઈને નવા સ્ટમ્પ લઈને આવી ગયો. સાથે, સિઝનનું બેટ લઇ આવ્યો. અમે તો આજ સુધી લાકડાના પાટિયા લઈને જ રમ્યા હતા. આજે આ બધું નવું લાગતું હતું. અમારો દાવ પહેલો હતો. વન ડાઉન બેટિંગ કરવા માટે ઉતર્યો. હું ‘લેફટી’ હતો. લગભગ ટીમમાં મહત્તમ પ્લેયર્સ ‘રાઈટી’ હોય એટલે પીચ પણ થોડી ડાબી બાજુ રાખવામાં આવે જેથી તેઓ શોટ મારી શકે. વળી, ડાબેરી હોય એટલે એ લોકો ક્રિકેટ અને પોલિટિક્સમાં હેરાન કરવા જ જન્મ લેતા હોય છે. અંતે, હું જે વિચારતો હતો એ પોઈન્ટ આવી ગયો.

ડિમ્પલનો ભાઈ બોલિંગ કરવા માટે આવ્યો. દાંત કચકચાવી ને ‘આઉટ ઓફ ફિલ્ડ’ મારવાનું નક્કી કર્યું. મારે ફાયદો એ હતું કે પીચ જમણેરી પ્લેયર્સને ધ્યાનમાં રાખીને ડાબી બાજુ હતી. તેથી લેફ્ટિસ્ટ ને શોટ ફટકારવા માટે ઓછી જગ્યા મળતી હતી. બાજુમાં એક બીજું ફાર્મ હાઉસ હતું. તેનો ચોકીદાર બોલ લેવા માટે જવાની ચોખ્ખી જ ના કહી દેતો. મેં નક્કી કર્યું કે બોલ ત્યાં નાખી દઉં એટલે એને લેવા મોકલીશું. મેં તો બોલ ફટકારીને બાજુના ફાર્મ હાઉસમાં નાખ્યો.

“હવે નહિ જવા દે. કેમ કરીને લાવીશું?”

“એ તો તમારે જેમ લાવવો હોય. બોલ લાવો તો દાવ મળશે. બાકી અમારો તો આવી જ ગયો છે.” મેં દાટી મારી. જો કે હું ફિલ્ડિંગ ભરવામાં પહલેથી જ આળસુ હતો.

એ પેલો ડિમ્પલનો ભાઈ કહે, “હું લઈને આવું છું.”

“લાવવો તો પડશે જ ને ! બાકી દાવ લેવાની વાત ભૂલી જજો.”

ત્યાં કિશોર મારી બાજુમાં આવીને બોલ્યો, “હજુ આપણી ટીમનો દાવ પણ બાકી છે. માપમાં ભાઈ ! ગમે તેમ કરીને બોલ લાવવો જ પડશે. અને જો નહિ મળે તો જેણે બોલ ખોયો હોય તેને પૈસા કાઢવાના હોય એવો અહી નિયમ છે.”

આ વાત ખોટી કરી. આવું થોડું ચાલે? આખી ટીમને પૈસા ભેગા કરીને બોલ લાવવાનો હોય. મનમાં આવું ચાલતું હતું ત્યાં તો ડિમ્પલનો ભાઈ આવ્યો.

“લ્યો, રમો.” મેદાનની બહારથી બોલ અંદર ફેંક્યો.

મને થયું, થોડી વારમાં જ આ ક્યાંથી લઇ આવ્યો?

દીવાલ ઠેકીને તે અંદર આવ્યો. બધા પૂછવા લાગ્યા. “પેલા, જમાદારે જવા દીધો અંદર?”

“ના. હું તો નવો લઇ આવ્યો. એ બધું કોણ પૂછે?”

મનમાં થયું, “એની બેનને બે બાવા @#$%....!”

“જોર આઈટમ છે. બંને ભાઈ-બેન.” કિશોર મારી બાજુમાં આવીને હળવેથી બોલ્યો.

આ પ્લાન તો ફ્લોપ ગયો. હવે હું કંઇક બીજું વિચારું ત્યાં ગેટમાંથી એક બ્લેક એક્ટિવા આવી. દૂરથી જોયું તો એક્ટિવા પર કોઈક છોકરી દેખાઈ. ગાડીને સ્ટેન્ડ કરવા માટે નીચેની તરફ જોઈ રહી હતી. લાંબા, ઘટ્ટ કેશ-કાલા વાળ તેના ચહેરાને ઢાંકી રહ્યા હતા. અમે લગભગ ૭-૮ છોકરાઓ હતા. ત્યાં આ છોકરી શા માટે આવી હશે? હું તો એ વિચારીને થાકી રહ્યો હતો. એવામાં જ, એક્ટિવાની ડીકી માં ગોગલ્સ મૂક્યા. દુપટ્ટાને સરખો કરીને એક્ટિવાના સાઈડ-મિરર પર વાળીને બાંધ્યો.

બ્લેક સ્લિવલેસ ટોપ, બ્લુ જીન્સ કેપ્રી અને લાઈટ પિંક લિપ-ગ્લો. જોવાની તો મજા જ આવતી હતી. થોડી નજીક આવીને જોયું તો સમજાયું કે ભાઈની બહેન આવી પહોંચી છે. ત્યાં જ મારો મૂડ બગડ્યો.

“એય કિશોરીયા, આ ફટકો અહી ક્યાંથી?” મેં કિશોરને કહ્યું.

“શું?” મને પછી ખબર પડી કે આ તો આપણા ભાભી જેવું કંઇક છે.

“આ, અહી ક્યાંથી?” મેં વાક્ય ફેરવીને પૂછ્યું.

“મને પણ ખબર નથી. જે હોય તે મજા લે ને !” કિશોર બોલ્યો.

એ જેવી આવી અને તેનો ભાઈ ડિમ્પલને જોઈ ગયો એટલે તરત જ ભાગ્યો. ડિમ્પલને જોઇને તેનો ભાઈ કેમ ભાગ્યો એ ન સમજાયું.

“કેવિન, જલદી ઘરે ચલ તો ! પપ્પા બોલાવે છે. ટ્યૂશનમાં આજે નથી ગયો એમ સર નો કોલ આવેલો.”

“મારે નથી જવું. એક્ઝામ પૂરી થાય પછી તો રમવા દ્યો.”

બેટ પકડીને કેવિન પણ દોડે અને પાછળ ડિમ્પલ. પણ, જીવ મારો ઓબ્ઝર્વરનો !

એ જે રીતે તેના ભાઈની પાછળ દોડતી હતી તેને સ્ટેન્ડ-સ્ટિલ ફ્રેમ્સમાં મેં ફ્રિઝ કરીને જોઈ. ફ્રેમ્સ પર સેકંડ એકદમ સ્લો કરીને એ મોશનમાં નિહાળી. હરણી જેવી આંખો, સોનેરી કનક રૂપ શરીર, શંખ જેવા વળાંક ધરાવતી ગરદન, આકર્ષિત કરે તેવું સ્મિત, અમૃતસભર રસ ધરાવતા હોઠ, લજ્જાની લીલી આંખ ! એ અદભુત લાગતી હતી. નજીક આવીને ઉભી રહી. જાણે ભર્તુહરિનું શ્રુંગારશતક સ્વયં દેખાતું હોય.

વક્ષો જાવિભકું ભાવિભ્રમહરૌ ગુર્વી નિતંબસ્થલી, વાચાં હારિ ચ માર્દવં યુવતિષુ સ્વાભાવિક મંડનમ !

ચન્દ્ર જેવું પૂર્ણ તેજસ્વી મુખ, કમળને શરમાવે એવા નેત્રો, સુવર્ણના જેવો ગોરો વાન, ભમરા જેવા કાળા કેશ, હાથીના ગંડસ્થળ જેવા સ્તનો, ભારથી નમી જતા નિતંબો અને મધુર વાણી. અદભુત ! થોડી વાર માટે બધા ખોવાયા, મારી સાથે જ ! જો સફેદ સાડી અને ફૂલોથી સજાવી હોય તો શકુંતલાથી જરાયે ઉણી ન જ ઉતરે !

ગમે તેમ કરીને નજર ચૂકવીને સ્વસ્થ થયા. એ નજીક આવીને ઉભી રહી.

“હાઈ, કંદર્પ ! હેય, લિસન ! સોરી, ફોર ...” આટલું બોલીને અટકી ગઈ. મને એવું હતું કે ઇંગ્લિશ બોલવામાં કદાચ...પણ ના, એવું નહોતું. એ સ્કૂલમાં જ ૨ દિવસ બહાર બેસવું પડ્યું, તેમાં તેનો વાંક હોય એવું તેને લાગતું હતું. લાગવું જ જોઈએ. કેમ ન લાગે? પણ છતાં, મારી બોલતી બંધ હતી. મન થતું હતું કે જે થયું એ બધું ભૂલી જાઉં. છેવટે, હું ખોંખારો ખાઈને બોલ્યો.

“નો પ્રોબ્લેમ.” આટલું તો હું પણ ઇંગ્લિશમાં બોલ્યો. છેવટે, બીજું કઈ ના આવડ્યું એટલે માતૃભાષા અભિયાન શરુ કર્યું.

“થાય, થાય ! એવું તો થાય !” અને, એ હસી. પણ, બાજુમાં ઉભેલા કિશોર જોડે તેણે કોઈ વાત ન કરી. અને, કિશોરને અંદરથી જબરજસ્ત તીખું લાગતું હોય એવું લાગ્યું. સાક્ષાત મરચાંદેવ ફૂટી રહ્યા હતા.

અંતે, ગમે તેમ કેવિનને મનાવીને ડિમ્પલ ઘરે લઇ જવા તૈયાર થઇ. પરંતુ, ડર અમને એ વાતનો લાગ્યો કે જો બંને જતા રહેશે તો નવો બોલ, સ્ટમ્પ અને સિઝન બેટ જતા રહેશે. પછી રમીશું શાનાથી?

ત્યાં જ ડિમ્પલ બોલી.

“કંદર્પ, તમે લોકો રમો. અને, જયારે જાઓ ત્યારે બાજુની સોસાયટીમાં જ મારું ઘર છે. ત્યાં આપતા જજો.”

એ ગઈ. પછી મેં કિશોરને પૂછ્યું, “ભાભી જોડે ઝઘડો થયો છે કે શું?” ત્યાં આજુબાજુમાંથી બધા આવ્યા. જે કિશોર અને ડિમ્પલ સાથે દર્શક ટ્યૂશન કલાસિસમાં સાથે હતા. એ બધા અંદર-અંદર ગણગણવા લાગ્યા.

“ના ભાઈ ના ! કિશોરીયા ને કેટલી વાર કહ્યું, એ હાથમાં ની આવે. પણ એને એવું લાગે છે કે ડિમ્પલ આને ભાવ આપે છે.” બિચારો કિશોર ઝંખવાણો પડી ગયો. પણ જે હોય તે, મારા મનમાં તો કિશોર જોડે જ ડિમ્પલનું સેટિંગ થઇ ચુક્યું હતું.

છતાં, મન મેં લડ્ડુ ફૂટા ! ૧૪માં વર્ષે એમ પણ કેટલી ખબર હોય? હજુ તો હોર્મોન્સના કોંટા ફૂટી રહ્યા હોય. એમાં જો આવી મસ્ત સ્માઈલની ઝાકળ પથરાઈ જાય તો સોને પે સુહાગા ! રમવાનો મૂડ તો આવ્યો નહિ. તેના ઘરે સ્ટમ્પ – બેટ અને બોલ આપવા જવાની ઉતાવળ થતી હતી. બીજી ટીમનો દાવ આપ્યા વિના ભાગી ગયા. આવતી કાલે દાવ આપીશું એવું કહીને મનાવી લીધા. ખબર જ હતી કાલે કાલે કોઈ દાવ આપવાનું નથી !

ફટાફટ, સાઈકલો સોસાયટીની બહાર મૂકી. કેરિયરમાં ભરાવેલ સ્ટમ્પસ અને બેટ કાઢીને હું અને કિશોર તેના ઘર તરફ ગયા. એ ફર્સ્ટ ફ્લોર પર ઉભી હતી. તેણે અંદર આવવા કહ્યું. પણ, હિંમત છૂટી ગઈ. પાર્કિંગમાં જ બધો સામાન મુકીને અમે પાછા ચાલ્યા.

પાછળ ફરીને મેં જોયું. એ સામે જોઈ રહી. હા, ફરી આવતી કાલે સ્કૂલે મળવાની ઇચ્છાઓને મેં પ્રાધાન્ય આપ્યું. છતાં, એ ઉગમનગરમાં રમવાની મજા નહોતી આવતી. મને તો મારું કુબેરનગરનું મેદાન વધુ પસંદ હતું.

ક્રિકેટ રમવા માટે કુબેરનું પોપડું, મિનીબઝારમાં સરદાર સ્મૃતિભવનની પાછળનું આરસનું મેદાન, ઉગમનગરનું મેદાન, રેશમભવન એપાર્ટમેન્ટની દીવાલે આવેલ સરકારી સ્કૂલનું મેદાન અને પ્રતિકના ઘરની નીચેની જગ્યા. પરંતુ, અમે તો મોટા જ કુબેરનગરના મેદાનમાં થયા હતા. જે અમે રહેતા હતા ત્યાં બધાને નજીક પડતું હતું. લગભગ, આઠમાં ધોરણ સુધી તો મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલોના મોટા મેદાન અમારા માટે સરકારી ખજાનો હતો. થોડું બગડેલું હોય, એવું અમને વધુ ગમતું. જો વસ્તુ બહુ સારી દેખાઈ જાય તો તરત જ મનમાં ‘પૈસાવાળા’ જેવી ફીલિંગ આવતી. થોડી રેતી હોય, જે પગમાં વાગતી હોય – ક્યાંક પાણી ઢોળાયેલું હોય, જે પગ બગાડે – કોઈક જગ્યાએ દીવાલ પર કાચ લગાવેલા હોય, એ ઠેકતી વખતે પેન્ટ ફાટે એ વધુ ગમતું.

છતાં, આ કુબેરનગર અને સરકારી સ્કૂલના મેદાનોની વાત જ અલગ હતી. અમને જિંદાદિલ બનાવી રાખનાર આ મેદાનો જ હતા.

*****

(ક્રમશ:)

Contact: +91 9687515557

E-mail: