Nishti - 22 - Mane ek Khubsurat books and stories free download online pdf in Gujarati

નિષ્ટિ - ૨૨ - મને એક ખૂબસૂરત..

નિષ્ટિ

૨૨. મને એક ખૂબસૂરત

‘નિષ્ટિની રાહબરી હેઠળ સોપાન એડ એજન્સી ઉત્તરોત્તર નવા શિખરો સર કરતી રહી છે. મિષ્ટી પણ જબરદસ્ત સાથ નિભાવી રહી છે. નિષ્ટિ અને મિષ્ટીની કાર્યક્ષમ અને અભિપ્રેરિત ટીમ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદાન અર્પવા હરહંમેશ તત્પર રહે છે. નિશીથ હવે નિશ્ચિંત થઈને સમાજસેવા માટે પોતાનું યોગદાન આપવા સમય કાઢી શકે છે. તે સોશિયલ મીડિયામાં પણ કાર્યરત રહીને પોતાના વિચારો રજૂ કરે છે જેના થકી તે એક રીતે જનજાગૃતિ અભિયાન ચલાવી રહ્યો છે.

આજે ત્રિનાદ નિશીથના ફ્લેટ પર સૂવા માટે આવ્યો છે કેમ કે આવતી કાલે સવારે વહેલા ઊઠીને સોશિયલ મીડિયાના ફ્રેન્ડ્સનું ગેટ ટુ ગેધર એટેન્ડ કરવા માટે સુરત જવાનું છે. બંને જણા એવા દોસ્તોને મળવા આતૂર છે જેમની સાથે સોશિયલ મીડિયા પર તો ઘણા સમયથી પરિચય છે પણ પહેલી વાર રૂબરૂમાં મળવાના છે. દોસ્તો માટે મનમાં જે છબી છે શું એવા જ હશે એ કે કંઇક અલગ હશે? અને એવા પણ એક બે નહિ ઢગલાબંધ મિત્રો એક સાથે મળશે...ખૂબ મજા આવશે. આવતીકાલની રાહ જોતા અને તે અંગેની ઉત્સાહભેર વાતો કરતાં કરતાં બંને મિત્રો ઊંઘી ગયા.... ત્રિનાદ અનુભવી રહ્યો હતો કે મોટા ભાગે ગંભીર રહેતો નિશીથ સુરત જવાની વાતને લઈને કંઇક વધુ ઉત્સાહિત હતો...

આખરે સવાર પડી ગઈ... બંને મિત્રો હા..... વાસ્તવિક દુનિયા ઉપરાંત આભાસી દુનિયાના પણ મિત્રો.... બ્લેક જીન્સ અને વ્હાઈટ ટી શર્ટમાં સજ્જ થઇ ગોગલ્સ ચઢાવી તૈયાર થઇ ગયા. નિશીથે જાતે બનાવેલી કોફી અને ખારી બિસ્કીટથી પેટ પૂજા નિપટાવી કાર દ્વારા બંને જણા સુરત જવા માટે રવાના થયા. સફર દરમ્યાન ફોન પર મેસેજીસનો મારો ચાલુ હતો. બધા દોસ્તો એકબીજાને મળવા તત્પર હતા... આખરે સુરત આવી ગયું.. વરાછા વિસ્તારમાં આવેલી એક શાનદાર હોટલના બેન્કવેટ હોલમાં ગેટ ટુ ગેધરનો પ્રોગ્રામ રાખેલ હતો. નિશીથ અને ત્રિનાદ હોલમાં પ્રવેશ્યા ત્યારે મોટાભાગના મિત્રો આવી પહોચ્યા હતા. પ્રવેશદ્વાર પર નાની બાળકીઓ કુમકુમ તિલક કરી મહેમાનોનું સ્વાગત કરી રહી હતી. કર્ણરમ્ય સુમધુર હલકું હલકું સંગીત રેલાઈ રહ્યું હતું..ઉપસ્થિત બધા મિત્રોમાં અનેરો થનગાટ વર્તાઈ આવતો હતો જે વાતાવરણને નયનરમ્ય બનાવી રહ્યો હતો. કોઈ મિત્રો હસ્તધૂનન કરી રહ્યા હતો તો કોઈ ગળે મળી રહ્યા હતા..... કોઈ સીધા જ ઓળખાઈ જતા હતા તો કોઈના દિમાગની બત્તી એકાદ હિન્ટ આપ્યા પછી ઝળહળતી. સુરતમાં હોવ અને ખાવાની વાત ના હોય એ તો અશક્ય છે. ચીઝ આચ્છાદિત ગરમાગરમ લોચો, સેન્ડવીચ અને ચા-કોફી સૌનું સ્વાગત કરવા તૈયાર જ હતાં અને એને ન્યાય આપતાં આપતાં નવા નવા મિત્રોને મળવાનું પણ ચાલુ હતું. શક્ય એટલા લોકોને મળીને સૌએ હોલમાં રાખવામાં આવેલ ખુરશીઓ પર સ્થાન ગ્રહણ કર્યું. નિશીથ અને ત્રિનાદ આગલી હરોળમાં ગોઠવાયા.

સૌપ્રથમ ગણેશ સ્તુતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત થઇ. ત્યારબાદ ઉદ્ઘોષકે અલગ અલગ શહેરમાંથી પધારવા બદલ સૌનો આભાર માની દિવસભરના કાર્યક્રમની રૂપરેખા આપી. મનમોહક કાર્યક્રમોના રસથાળની રેસીપી સૌને અચંબિત કરી ગઈ..... શરૂઆત ગુજરાતના જાણીતા ગાયકના તન ડોલક ગીતથી થઇ. ધમાકેદાર શરૂઆત કહી શકાય. ઘણા હરખ પદુડાઓ તો પોત પોતાના સ્થાને ઊભા થઇ નાચવા લાગ્યા. ત્યારબાદ સુરતના વતની એવા ગુજરાતભરમાં જાણીતા હાસ્યકારનો વારો હતો. એમણે એક પછી એક જોકસ અને રમુજી પ્રસંગોની છણાવટભરી રજૂઆત થકી હાસ્યનું હુલ્લડ મચાવી દીધું. ત્યાર બાદ એક સન્નારી સ્ટેજ પર ઉપસ્થિત થયાં. એમણે સૌને એ સમજાવવાની કોશિશ કરી કે જીવનને મન ભરીને માનવું હોય તો હંમેશાં સકારાત્મક અભિગમ રાખવો જોઈએ. જીવનમાં આવતી મુસીબતો ચૂપચાપ સહન નહિ કરવાની પણ મક્કમતાથી મુકાબલો કરવો જોઈએ એમ એમનો કહેવાનો આશય હતો. તેમણે સ્ટેજના પૃષ્ઠ ભાગમાં રાખવામાં આવેલ સ્ક્રીન ઉપર દર્શાવાઈ રહેલા તેમના અમુક વર્ષ પહેલાંના ફોટા તરફ નિર્દેશ કરી જણાવ્યું કે પોતે પહેલાં કેટલા કદરૂપા દેખાતા હતા અને કેવી રીતે લોકોની મજાકનું સાધન બનીને રહેતા. પછી ઘરમાં જ ઉપલબ્ધ રહેતી હળદર, ચંદન વગેરે જેવી સામગ્રીનો યોગ્ય ઉપયોગ કરી પોતાની કદરૂપીમાંથી કદરરૂપી સુધીની સફરની કથા વર્ણવી. નિશીથને લાગ્યું કે બહેનનો કન્સેપ્ટ ભલે સારો હતો પણ ઉદાહરણમાં સ્વકેન્દ્રિતા હતી. સકારાત્મકતાની સાથે કોઈ લોકોપયોગી કાર્ય કર્યું હોત તો સાચે જ પ્રેરણાદાયક સાબિત થાત.

ત્યાર પછી બીજી એવી અમૂક રજુઆતો પછી મનભાવન લંચ શરુ થયું જે સુરતની શાખ મુજબ એકદમ અફલાતૂન હતું. ભોજન દરમ્યાન અને એ પછી અડધા કલાક સુધી એકમેકને મળવાનું અને ફોટો લેવાનું ચાલુ રહ્યું. જમ્યા પછી સૌ પ્રથમ નિશીથનું પ્રેરણાત્મક પ્રવચન હતું. નિશીથ પૂરી રીતે તૈયાર હતો. નિશીથને વક્તવ્ય માટે આમંત્રણ આપતાં પહેલાં ઉદ્ઘોષકે તેનો ટૂંકમાં પરિચય આપ્યો જેણે હોલમાં ઉપસ્થિત સૌની નજરોને નિશીથ પર કેન્દ્રિત કરવા વિવશ કરી દીધી. હા... નિશીથની નાની ઉંમરમાં મેળવેલ મસમોટી સિદ્ધિઓ વિષે જાણ્યા પછી તે સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યો હતો. આમંત્રણ મળતાં નિશીથે માઈક સંભાળ્યું.

‘મારા આભાસી દુનિયાના વાસ્તવિક મિત્રો, આજે પહેલી વાર તમને સૌને રૂબરૂ મળતાં ખૂબ જ રોમાંચ અનુભવી રહ્યો છું. આપ સૌ સોશિયલ મીડિયાના મંચ પર મારી ઉપર જે ધોધમાર પ્યાર વરસાવી રહ્યા છો એના માટે હું આપ સૌનો ખૂબ ખૂબ આભારી છું. હું આજે આપ સૌને સોશિયલ મીડિયાના લાભાલાભ વિષે થોડી વાત કરીશ... ચિંતા ના કરતા.. બહુ લાંબુ નહિ ખેંચું.. મને ખબર છે તમે અત્યાર સુધી માણ્યા એના કરતાં પણ વધુ ધમાકેદાર મનોરંજક કાર્યક્રમો માણવા આતૂર છો... પરંતુ જો સોશિયલ મીડિયાનું અસ્તિત્વ જ ના હોત તો આજે આપણે અહી આ રીતે ભેગા ના થઇ શકયા હોત. સોશીયલ મીડિયાના આગમનથી સમાજમાં એક નવી ક્રાંતિ આવી છે.. લોકોના મિત્રવર્ગનો વ્યાપ ઘણો બહોળો બન્યો છે. અને એ પણ રાજ્યના, દેશના કે કોઈ પણ સીમાના બંધનોને ગણકાર્યા વગર.. આપણે પહેલાં કરતાં વધુ અસરકારક રીતે એકબીજાના વિચારોની આપલે કરી શકીએ છીએ.. આપણી પડોશમાં જ રહેતા લોકો આપણાથી વૈચારિક દ્રષ્ટીએ જોજનો દૂર હોય છે જયારે દુનિયાના બીજા ખૂણે પડેલા લોકો સાવ ક્લીક્વગા હોય છે.. મોટાભાગના લોકો પોતાના કે ફેમીલી કે પછી મિત્રો સાથેના ફોટા પોસ્ટ કરશે નહિ તો પછી શુભ સવાર કે શુભ રાત્રિ અથવા તો વાર તહેવારની શુભેચ્છાઓ માત્ર મેસેજ કરતા હોય છે.. તો સર્જનાત્મક મિત્રોને પોતાના સર્જનો દુનિયા સમક્ષ મૂકવા માટેનું આ શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે. સોશિયલ મીડિયા થકી ઘણા અંતર્મુખી લોકો પોતાની અંદર રહેલ ડરને દૂર કરી સમાજની મુખ્ય ધારામાં પોતાની જાતને સ્થાપિત કરી શક્યા છે. આપણી અંદર રહેલી સુષુપ્ત પ્રતિભાઓ ખીલવવા માટેનું આ ઉચ્ચ કોટિનું માધ્યમ છે જે ઘણી વખત પોતાના શોખને વ્યવસાયમાં પરિવર્તિત કરવામાં પણ કામ લાગી શકે છે... પણ મિત્રો, કોઈ પણ વસ્તુનો અતિરેક કાતિલ ઝેર સમાન હોય છે. સોશિયલ મીડિયાનું પણ એવું જ છે .. જો એનો વિવેકબુદ્ધિ વાપરીને ઉપયોગ કરવામાં આવે તો ઘણું જ ફાયદાકારક સિદ્ધ થઇ શકે છે પણ પોતાના રોજીંદા કાર્યો છોડીને જો એની પાછળ મચ્યા રહીએ તો એ આપણા માટે ઘાતક સાબિત થઇ શકે છે........ અંતમાં એટલું જ કહીશ.. કે યાદ રાખજો મિત્રો.., મોબાઈલ અને કોમ્પ્યુટરની શોધ સમય બચાવવા માટે થઇ હતી...... જય હિન્દ.......’

ઉપસ્થિત બધા જ મિત્રોએ નિશીથના ઉમદા વક્તવ્યને તાળીઓના ગડગડાટથી વધાવી લીધું. હવે પછી સંગીત ખુરશી, હાઉસી, અંતાક્ષરી વગેરે જેવી રમતોનો દોર ચાલ્યો. એમાં પણ હાઉસીની રમત દરમ્યાન વચ્ચે વચ્ચે જોક્સ અને મિમિક્રીએ રંગ રાખ્યો. અને આ બધા દરમ્યાન નિશીથના અસ્ચાર્યની વચ્ચે ઘણા લોકો એની સાથે હસ્તધૂનન કરવા અને ઓટોગ્રાફ લેવા માટે આવતા રહ્યા. ત્રિનાદ પણ નિશીથની આ અંધારી લોકપ્રિયતાને માની રહ્યો હતો.. છેલ્લે ગુજરાતમાં યોજાતા મોટાભાગના પ્રસંગો જેના વગર અધૂરા રહેતા હોય છે એ ગરબાની રમઝટ બોલાવવામાં આવી.. ત્યારબાદ રીવાજ મુજબ અને મુખવાસ રૂપે ભાંગડા પર પણ બધાએ હાથ-પગ અજમાવી લીધા. છેલ્લે વળી પાછુ ફોટોસેશન ચાલ્યું. છૂટા પડતી વખતે નિશીથે આયોજકો પાસે જઈ સુંદર આયોજન બદલ અભિનંદન આપ્યા તેમ જ આમંત્રણ આપવા બદલ આભાર પણ માન્યો અને વિદાય લીધી.

ત્રિનાદ માનસિક રીતે મુંબઈ જવા તૈયાર હતો અને એ જ વિચારો સાથે એક આંગળી વડે ચાવી ઘૂમાવતો કાર તરફ વધી રહ્યો હતો ત્યાં એના આશ્ચર્યની વચ્ચે નિશીથે એની પાસેથી ચાવી ખૂંચવી લીધી અને પોતે ડ્રાઈવિંગ સીટ પર ગોઠવાઈ ગયો. ત્રિનાદે બાજુની સીટ પર ગોઠવાતાં બે હાથ પહોળા કરીને વિચિત્ર મુખભાવ સાથે નિશીથને પૂછ્યું.

‘વ્હોટ ઈઝ ધીસ?’

‘નથીંગ...... તું બસ જોતો જા.’

‘અરે પણ ક્યાં જઈએ છીએ આપણે?’

‘તને મજા આવશે... ચૂપચાપ બેસી રહે.... અવર ગ્રેટ જર્ની ઓફ સુરત સ્ટાર્ટસ નાઉ..’

‘ઓ. કે.... જોઈએ હવે...’

નિશીથે કાર હંકારી મૂકી અને સીધી અઠવા લાઈન્સ પર સ્થિત ચોપાટી ભણી લઇ લીધી... ચોપાટીમાં પ્રવેશ કરીને બંને એક બાંકડા પર ગોઠવાયા.... નિશીથ પંદરવીસ મિનીટ સુધી મૌન ધારણ કરીને બેસી રહ્યો. ત્રિનાદે જયારે અહી ચૂપચાપ બેસી રહેવાના પ્રયોજન વિષે પૂછીને તપોભંગ કર્યો તો નિશીથે ત્યાંથી ઊભા થઈને સામે આવેલી કોલેજના પ્રાંગણ તરફ પ્રયાણ કર્યું... ત્રિનાદને આ બધું ખૂબ વિચિત્ર લાગી રહ્યું હતું. નિશીથ એક લારી પાસે ઊભો રહ્યો અને એક પ્લેટ કોલેજીયન અને કચોરીનો ઓર્ડર આપ્યો. તે પોતે આરોગવા લાગ્યો અને ત્રિનાદને પણ ડીશ ધરી ખાવા માટે જણાવ્યું ... બંને આઈટમ થોડી થોડી ચાખ્યા પછી ત્રિનાદે રીતસર નિશીથના હાથમાંથી ડીશ ઝુંટવી લીધી અને પૂરી ડીશ ઝાપટી ગયો. વળી પાછા કારમાં ગોઠવાયા પછી નિશીથે કહ્યું..

‘મજા આવી ને?’

‘હા નિષ્ટિભાઈ.. ખૂબ જ મજા આવી... થેન્ક્સ અ લોટ ફોર ધ ટ્રીટ’

‘શાંતિ રાખ... આ તો હજુ શરૂઆત છે... જો મન ભરીને મજા માણવી હોય અને એ પણ ઘણી બધી વાનગીઓની.... તો હવે પછી માપમાં રહેજે... તૂટી ના પડતો.. શું સમજ્યો?’

‘ઓ. કે.. ‘

અને પછી તો બંને જણા આખું સરત ઘૂમી વળ્યા. જાનીનો લોચો...ભાગળના ખાજાં, જમનાદાસની ઘારી, એ વન નો કોલ્ડ કોકો, ડુમસના ટોમેટો ભજીયા, મઢીની સેવ ખમણી રાંદેરની સેવ પૂરી, પીપલોદના આલૂ પરાઠા, ગાંડાકાકાના ફાફડા, ગનગોરની માવાકુલ્ફી, ચોકના રસવાળા ખમણ, અને ના જાણે કેટલું બધું!!!!!! દરેક જગ્યાએ જેટલું ખાવાની ઈચ્છા થાય એટલું ખાઈ બાકીનું પેક કરાવીને જરૂરિયાતમંદોને આપી દેવામાં આવ્યું. આ દરમ્યાન ત્રિનાદે નોધ્યું કે નિશીથ દરેક જગ્યાએ માત્ર એકાદ કોળીયો ખાતો અને ખાતી વખતે આંખો બંધ કરીને કોઈ અલગ દુનિયામાં ખોવાઈ જતો. સૌથી આશ્ચર્યજનક બાબત તો એ હતી કે ખાવામાં હંમેશાં સાદગી જાળવતો નિશીથ આજે સુરતની પ્રખ્યાત વાનગીઓમાંથી એક પણ છૂટી ના જાય એ રીતે શહેરના ખૂણે ખાંચરે ફરી વળ્યો હતો..... ‘કુછ તો વજહ હૈ ઇસકે પીછે’ સુરતની બધી જ પ્રખ્યાત વાનગીઓ પેટમાં પધરાવી દીધી છે એટલે હવે મુંબઈ જવા રવાના થવાશે એમ ત્રિનાદ વિચારી રહ્યો હતો પણ નિશીથે અઠવાગેટ પાસે આવેલ તાપી નદી પરના પૂલ પર કાર લઇ લીધી. એના મુખ પરના ગંભીર હાવભાવ જોઇને ત્રિનાદને લાગ્યું કે હમણાં નિશીથને કંઇ પૂછવું યોગ્ય નથી. તે બોલ્યાચાલ્યા વગર નિશીથને ફોલો કરતો રહ્યો.

પૂલની રેલીંગ પર હાથ અઢેલીને નિશીથ ઘણી વાર સુધી એક જ સ્થળે અનિમેષ તાકીને ઊભો રહ્યો. એની લાલઘૂમ આંખોમાં હમણાં આંસુઓનો ધોધ વહી આવશે એમ લાગતું હતું.. થોડી વારે એ ખૂબ ધીમા અવાજે ગણગણી રહ્યો...

સુસ્તીના આલમમાં સ્ફૂર્તિ મળી ગઈ,

મને એક ખૂબસૂરત સુરતી મળી ગઈ....

પળ-પળ મારી યાદોમાં ઝૂરતી મળી ગઈ

મને એક ખૂબસૂરત સુરતી મળી ગઈ....

મધુર સૂરની તર્જ મારા સૂરથી મળી ગઈ..

મને એક ખૂબસૂરત સુરતી મળી ગઈ....

હતી જેની ખોજ.. પ્રેમની મૂર્તિ મળી ગઈ..

મને એક ખૂબસૂરત સુરતી મળી ગઈ....

મારી જનમકુંડળી કોઈ હૂરથી મળી ગઈ..

મને એક ખૂબસૂરત સુરતી મળી ગઈ....

દિલની નદી પ્રેમસાગરના ઉરથી મળી ગઈ..

મને એક ખૂબસૂરત સુરતી મળી ગઈ....

ગુંગળાતો હતો દુનિયાભરના પ્રદુષણો થકી..

ત્યાં થોડા વધુ શ્વાસ લેવા પૂરતી મળી ગઈ,,,

મને એક ખૂબસૂરત સુરતી મળી ગઈ....

ત્રિનાદ નિશીથને દિલથી જાણતો હતો... કઈ કહેવાયા વગર ઘણું બધું જાણી ચૂક્યો હતો એ. તે પોતે પણ ગમગીન થઇ ગયો. એણે એક હાથ વડે નિશીથને પોતાની તરફ ખેંચી એની જોડે બાથ ભીડી લીધી અને બીજો હાથ નિશીથના મસ્તક અને પીઠ પર પ્રસરવા લાગ્યો. નિશીથ હવે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. ત્રિનાદે એની આંખો લૂછી અને પછી કારમાં પડેલ પાણીની બોટલમાંથી તેને પાણી પીવડાવ્યું. નિશીથ થોડો સ્વસ્થ થતાં ત્રિનાદ તેને કાર તરફ દોરી ગયો. તેણે એક હાથ વડે નિશીથનો હાથ પકડી રાખ્યો હતો અને બીજો હાથ તેની કમર ફરતે વીંટાળી રાખ્યો હતો જે નિશીથને એટલો દિલાસો આપવા પૂરતું હતું કે તે નિશીથને ટેકો આપવા પૂરી રીતે સજ્જ છે.

હવે ત્રિનાદ ડ્રાઈવિંગ સીટ પર હતો. સુરતથી પચાસેક કિલોમીટર દૂર નીકળી ગયા છતાં બંને વચ્ચે કોઈ પણ પ્રકારની વાતચીત નહોતી થઇ. એક હાઈવે હોટેલ પર કાર થંભાવી નિશીથની ના હોવા છતાં ત્રિનાદ આગ્રહ પૂર્વક એને હોટલમાં લઇ ગયો અને બે કોફીનો ઓર્ડર આપ્યો. મૌનના દોરને તોડવા ત્રિનાદ બોલ્યો...

‘ઓહ... હવે સમજાયું કે સુરત આવવા માટે તમે કેમ આટલા લાગણીશીલ હતા...’

નિશીથ નિરુત્તર રહ્યો.. ત્રિનાદે પણ કોઈ આગ્રહ ના કર્યો... કોફી પીધા પછી નિશીથને પણ થોડી કળ વળી. કોફીના પૈસા ચૂકવી ફરી પાછા બંને કારમાં ગોઠવાયા અને કાર રસ્તા પર દોડવા લાગી. ત્રિનાદ વિચારી રહ્યો કે આજે નીશીથભાઈ આટલા વલોવાયા છે તો થોડા ઓર વલોવીને એમના દિલમાં ધરબાયેલા રહસ્ય રૂપી માખણને સપાટી પર લાવવાનો આ સરસ મોકો છે. ભલે ને થોડી તકલીફ પડશે... આજે તો આ તક ઝડપી જ લેવી છે.... એ કઈ રીતે વાત શરુ કરવી એનું મનોમંથન કરતો રહ્યો.

નિશીથ ત્ત્રિનાદના મનોભાવ પામી ગયો... અંતે તેણે જાતે જ શરુ કર્યું.....

‘એનું નામ ......ક્રિષા હતું........’

ક્રમશ:.......