Soumitra - 16 books and stories free download online pdf in Gujarati

સૌમિત્ર - કડી ૧૬

સૌમિત્ર

સિદ્ધાર્થ છાયા દ્વારા

-: પ્રકરણ ૧૬ : -


‘શુંઉંઉઉઉ?’ સૌમિત્રથી રીતસર રાડ પડાઈ ગઈ. ઘરે કોઈ નહોતું નહીં તો સૌમિત્રનો અવાજ સાંભળીને અંબાબેન તો જ્યાં હોત ત્યાંથી રીતસર દોડી જ આવ્યા હોત.

‘હા, મિત્ર...બસ મારે તને મળવું છે આજે જ.’ ભૂમિ ખૂબ રડી રહી હતી.

‘તો દસ દિવસ સુધી કેમ કોલ ન કર્યો તે? દસ દિવસ કોની રાહ જોઈ? આટલું બધું થઇ ગયું અને તે મને છેક આજે કોલ કર્યો?’ સૌમિત્ર હવે ગુસ્સામાં હતો.

જવાબમાં ભૂમિ માત્ર રડતી રહી. ભૂમિના રુદનનો કોઈજ જવાબ સૌમિત્ર પાસે નહોતો. અત્યારે તો જાણેકે ભૂમિના માથે આભ તૂટી પડ્યું હોય એવી એની હાલત હતી અથવાતો એની સગાઈ નક્કી થઇ ગઈ એ બાબતે એ પોતાને દોષી માની રહી હતી. સૌમિત્ર એના સોફાની ગાદી પર પોતાની મુઠ્ઠી પછાડી રહ્યો હતો. સૌમિત્ર અને ભૂમિને એમ હતું કે જ્યાંસુધી એ બંને ભણે છે ત્યાંસુધી એમને કોઈજ વાંધો નહીં આવે, પણ અચાનક જ ભૂમિના પપ્પા ભૂમિની સગાઈ નક્કી કરી લેશે એની તો એ બંનેમાંથી કોઈને પણ કલ્પના ન હતી.

‘રડવામાંથી ઉંચી આવું તો તને કોલ કરું ને? મારી હિંમત જ નહોતી થતી, આજે માંડમાંડ હિંમત ભેગી કરીને તને કોલ કર્યો અને તું મને લડ્યો....’ ભૂમિ ફરીથી રડવા લાગી.

‘શું કરું યાર? આઈ એમ સોરી, પણ એકતો દસ બાર દિવસથી તારા કોઈ જ ખબર નહીં, આજે અચાનક તારો ફોન આવ્યો અને કીધું કે તું આઠ દિવસથી ભારત આવી ગઈ છે અને પછી આ સગાઈ ના... તું એમ રડ નહીં, આપણે સાંજે શું કરવા અત્યારેજ મળીએ.’ સૌમિત્ર હવે ઉતાવળો થયો.

‘હા, હવે તો મારાથી પણ નહીં રહેવાય. કલાક પછી લો ગાર્ડન આપણી જગ્યાએ...’ આટલું કહીને ભૂમિએ કોલ કટ કરી દીધો.

સૌમિત્ર કપડા બદલ્યા વિના એનું પર્સ લઈને ઘરને તાળું મારીને ચાવી અંબાબેનના નિયમ પ્રમાણે દરવાજાની બાજુના એક નાનકડા ગોખલામાં મૂકી દીધી. સોસાયટીના દરવાજે રિક્ષા મળી એમાં બેસીને સીધો જ લો ગાર્ડન ઉપડી ગયો.

== : : ==

લો ગાર્ડનમાં સૌમિત્ર અને ભૂમિની ખાસ જગ્યા એટલેકે ખાસ ખૂણો નક્કી કરેલો હતો. અહીં તેઓ કલાકો સુધી કોઈ દ્વારા ડીસ્ટર્બ થયા વિના વાતો કરી શકતા. પોતાનું ઘર નજીક હોવાને લીધે સૌમિત્ર ભૂમિ કરતા વહેલો ત્યાં પહોંચી ગયો હતો. ભૂમિ હવે ક્યારે આવે અને એને બધીજ વાતો ડીટેઇલમાં કહે તેની સૌમિત્રને ઉતાવળ હતી આથી તે વારેવારે જ્યાંથી ભૂમિ આવવાની હતી એ દરવાજા તરફ જોયે રાખતો હતો અને આંટા મારતો હતો. આ ઉપરાંત ભૂમિ અને એ જો હવે નહીં મળી શકે તો શું થશે? એ વિચારે પણ તેને ઘેરી લીધો હતો અને આ વિચારને લીધે સૌમિત્રના હાથ પગ એક રીતે તો સાવ ઢીલા પડી ગયા હતા. સૌમિત્રને આ દરમ્યાન ભૂમિની બહેન નિલમ અને તેને જેની સાથે પ્રેમ હતો તે મયંક પણ યાદ આવી ગયો. ટૂંકમાં હાલમાં સૌમિત્રના વિચારો સંપૂર્ણપણે નેગેટિવ હતા.

થોડી જ વારમાં દૂરથી સૌમિત્રને ભૂમિ દેખાઈ, એ કદાચ રિક્ષાવાળાએ આપેલા છૂટ્ટા પૈસાને પોતાના પર્સમાં નાખતી નાખતી ચાલી આવી રહી હતી. ચાલતાં ચાલતાં ભૂમિનું ધ્યાન પણ સૌમિત્ર તરફ ગયું અને એને જોઇને એની ચાલવાની સ્પીડ ધીમેધીમે વધવા લાગી અને જેવો સૌમિત્ર નજીક દેખાયો કે એ રીતસર દોડીને સૌમિત્ર પાસે આવીને વળગી પડી અને અઢળક રડવા લાવી. એક તો બે મહિના પછી સૌમિત્ર તેને મળ્યો હતો એમાં પોતાની સગાઈ નક્કી થઇ જવાનું ટેન્શન પણ એમાં ભળ્યું હતું. સૌમિત્ર પાસે પણ બીજો કોઈ જ ઉપાય ન હતો સિવાય કે ભૂમિની પીઠ પર હાથ ફેરવીને એના આ રુદનનો અંત ક્યારે આવે તેની રાહ જોવાનો. જો કે ભૂમિના રડવાથી લાગતું ન હતું કે એ આજે રડવાનું બંધ કરે.

‘બસ ભૂમિ..બસ કર હવે. મને ખબર છે કે જેવું અત્યારે મને ફિલ થાય છે એવુંજ તને પણ ફિલ થઇ રહ્યું હશે. પણ આટલું બધું રડવું એ કોઈ ઉપાય તો નથી ને?’ ઘણી મીનીટો વીત્યા પછી સૌમિત્ર બોલ્યો. સૌમિત્રએ ભૂમિના માથા પર એક હળવું ચુંબન પણ કરી લીધું.

‘ખરેખર મિત્ર, હું સાચું કહું છું. મને બિલકુલ ખબર નહોતી જ્યારે હું લંડન ગઈ હતી.’ ડૂસકાં ભરતાં ભૂમિ બોલી.

‘મને ખ્યાલ છે ભૂમિ. અને હું શા માટે તારા પર ડાઉટ કરું? બીજું કે જો તને આમ થશે તો એવી ખબર હોત તો તું લંડન ગઈ જ ન હોત. તારા પપ્પાએ પણ આ બધું વિચારીને જ પ્લાન બનાવ્યો હતો.’ ભૂમિને બેન્ચ પર બેસાડતા સૌમિત્ર બોલ્યો અને પછી તે એની બાજુમાં બેઠો એના ખભા પર હાથ મૂકીને.

‘અહીં આવવાના લાસ્ટ વિકેન્ડમાં એ અને એના પપ્પા મમ્મી અચાનક જ અમારે ઘેર આવ્યા અને એ દિવસે સવારે જ પપ્પાએ મને કીધું કે વરુણ સાથે તારા આજે ગોળ ધાણા કરીએ છીએ.’ ભૂમિના ડૂસકાં હવે ધીરેધીરે ઓછાં થઇ રહ્યા છે.

‘ઓહ..એટલે એ પહેલાં તમે લોકો મળ્યા જ નહોતા?’ સૌમિત્રએ પૂછ્યું.

‘ના અમે એના ઘરે ગયા હતા ને? પછી ગુજરાતી સમાજની પાર્ટીમાં પણ મળ્યા હતા. જનરલ વાતોચીતો કરી હતી. એને બધીજ ખબર હતી કે એ મારી સાથે કેમ વાતો કરી રહ્યો છે પણ મને પપ્પાએ સાવ અંધારામાં રાખી હતી.’ આટલું કહેતા ભૂમિની એક આંખમાંથી આંસુ સરી પડ્યું.

‘એટલે તને તારા પપ્પાએ સીધું તે દિવસ જ કીધું?’ સૌમિત્ર બોલ્યો.

‘હા, એ દિવસે સવારે હું નાહીને ફ્રેશ થઈને બહાર બ્રેકફાસ્ટ ટેબલ પર બેઠી અને પપ્પા મમ્મી મારી પાસે આવ્યા અને પૂછ્યું કે દશરથ કાકાનો વરુણ મને કેવો લાગે છે? હું તો હેબતાઈ જ ગઈ. મને ડાઉટ તો ગયો જ કે ક્યાંક આ લોકોનો વિચાર....’ ભૂમિએ પોતાની વાત શરુ કરી.

‘પછી?’ સૌમિત્રએ સ્વાભાવિક સવાલ કર્યો.

‘મેં મારી આદત મૂજબ હસતાં હસતાં જવાબ આપ્યો કે મેરેજ કરવા જેવો નથી લાગ્યો. પછી એ બંને હસી પડ્યા અને કીધું કે હમણાં એવો નથી લાગતો, પછી તને જરૂર એવો લાગશે. એટલે મેં સામો સવાલ કર્યો કે એમનો કહેવાનો મતલબ શો છે એ મને ચોખ્ખું જણાવી દે. એટલે પછી પપ્પાએ કીધું કે આજે સાંજે તારા અને વરુણના ગોળ ધાણા કરવાના છે.’ ભૂમિ બોલી.

‘પણ તેં વિરોધ ન કર્યો?’ સૌમિત્રને નવાઈ લાગી.

‘કર્યો જ હોયને મિત્ર? મે કીધું કે મારે તો હજી એમએ કરવું છે અને પછી જો મારી ઈચ્છા હશે તો પીએચડી પણ કરીશ એટલે હમણાં મારે મેરેજ નથી કરવા. પણ, પપ્પાનો પ્લાન પરફેક્ટ હતો. એમણે તરતજ કીધું કે તું શાંતિથી બધું કરજે ને? આજે તો ખાલી ગોળ ધાણાજ કરવાના છે, પછી ઇન્ડિયા જઈને સગાઈ અને લગ્નતો ત્રણ વર્ષ પછી જ કરવાના છે કારણકે વરુણની જોબ પણ નવી છે એટલે એને પણ હજી રાહ જોવી છે.’ ભૂમિએ સૌમિત્રના સવાલનો જવાબ આપ્યો.

‘જોબ? કેમ તારા પપ્પાને કોઈ બિઝનેસમેનનો બેટો ન મળ્યો? જેમ એમણે નિલમદીદી માટે જીગરભાઈ શોધી કાઢ્યા હતા એમ?’ સૌમિત્રને વરુણ જોબ કરતો હોવાની વાત જાણીને આશ્ચર્ય થયું.

‘મિત્ર વરુણ એમબીએ છે અને જમશેદપુરમાં ટાટા સ્ટીલમાં ખુબ સારી પોઝિશન પર છે. એના પપ્પા એટલેકે દશરથકાકા એક ટાઈમમાં કેમિકલ કિંગ ગણાતા હતા પણ વરુણને એમાં નહોતું પડવું એટલે દશરથ કાકાએ પાંચ કે સાત વર્ષ પહેલાં પોતાનો આખો બિઝનેસ આટોપીને કોઈને વેંચી દીધો. કરોડપતિ છે એ લોકો એટલે પપ્પાને પછી વરુણ જોબ કરે કે ન કરે એનાથી શું વાંધો હોય?’ ભૂમિએ સ્પષ્ટતા કરી.

‘એમબીએ છે અને જોબ કરે છે તો, તારાથી તો ખૂબ મોટો હશે.’ સૌમિત્રને એક ઔર આશ્ચર્ય થયું.

‘સાત વર્ષ. વરુણ આપણાથી સાત વર્ષ મોટો છે. પણ મારે એનાથી શું? મારે એની સાથે લગ્ન નથી કરવા બસ ફાઈનલ.’ સૌમિત્રને કોલ કર્યા બાદ કદાચ પહેલીવાર ભૂમિના અવાજમાં આત્મવિશ્વાસ છલકાયો.

‘તારે એની સાથે લગ્ન નથી કરવા અને મારે તારા લગ્ન એની સાથે થવા નથી દેવા એ બધું તો બરોબર છે ભૂમિ પણ આપણું માનશે કોણ? તારા પપ્પાએ જે ધમકી મયંકભાઈને આપી હતી એ ધમકી એ મને પણ આપી શકે છે અને જો હું તો પણ તને છોડવાની ના પાડીશ તો વ્રજેશની જેમ કાલ સવારે હું પણ કોઈ હોસ્પિટલમાં ભાંગેલી હાલતમાં પડ્યો હોઈશ અને વધારે માર સહન નહીં થાય તો ક્યાંક...’ સૌમિત્રએ પોતાની બંને કોણીઓ વાળીને પોતાના ઘૂંટણ પર મૂકી અને જમીન તરફ સતત જોવા લાગ્યો.

‘આટલું નેગેટિવ ના વિચાર સૌમિત્ર.’ ભૂમિએ પોતાની હથેળી સૌમિત્રની પીઠ પર મૂકી.

ગજબની પરિસ્થિતિ હતી. એક તરફ તો સૌમિત્ર અને ભૂમિને પોઝિટીવ રહેવું હતું જેથી એ હવે શું કરી શકે તેના વિષે સ્વસ્થતાથી વિચાર કરી શકે તો બીજી તરફ એમને એવું લાગતું હતું કે હવે બધું જ પતી ગયું છે. આનું કારણ હતું ભૂમિના પિતા પ્રભુદાસ અમીનનો કડક સ્વભાવ અને એમની પાસે રહેલી સત્તા, જેના બળથી એ ધાર્યું કામ કરાવી શકતા હતા. પણ તેમ છતાં બંને એકબીજાને પોઝિટીવ રહેવાની સલાહ આપી રહ્યા હતા.

‘તો શું વિચારું ભૂમિ? હાલની પોઝિશનમાં તો મને કોઈજ રસ્તો નથી દેખાતો. આપણને એમ હતું કે હજી આપણે ભણી રહીશું ત્યાં સુધી કોઈજ વાંધો નહીં આવે. હું પણ કદાચ એમએ કરીને ક્યાંક પ્રોફેસર બની જઈશ તો પછી વટ કે સાથ તારા પપ્પાને મળીને આપણી વાત કરીશ, પણ હવે તો મારે એમને મળી પણ ન શકાય. એમણે ઓલરેડી તારી સગાઈ નક્કી કરી દીધી છે.

‘મિતુ હજી ગોળ ધાણા જ થયા છે, સગાઈ તો નેક્સ્ટ વિક છે. ગોળ ધાણા એટલે સગાઈ નહીં.’ ભૂમિ બોલી.

‘તોયે હું શું કરી લેવાનો હતો ભૂમિ? મારા માટે તો હવે તારા ગોળ ધાણા, સગાઈ કે લગ્ન બધું એક જ છે. જ્યારથી તે મને ફોન પર આ વાત કરી છે ને, મને એવું લાગી રહ્યું છે કે હું તને હવે ઓલમોસ્ટ ગૂમાવી ચૂક્યો છું.’ સૌમિત્રથી છેલ્લું વાક્ય માંડ બોલાયું એની આંખ પણ હવે ભીની થઇ રહી હતી.

‘એવું ના બોલ, જ્યાં સુધી આપણી પાસે ચાન્સ છે ત્યાં સુધી આપણે એ ચાન્સનો લાભ લેવો જ જોઈએ.’ ભૂમિએ સૌમિત્રને સધિયારો આપવાની કોશિશ કરી.

‘જ્યાં સુધી આપણી પાસે...એટલે તને પણ ડાઉટ તો છે જ ને ભૂમિ કે હવે ખાસ કોઈ ચાન્સ નથી?’ સૌમિત્ર ભૂમિ તરફ જોઇને બોલ્યો.

‘ના મને કોઈજ ડાઉટ નથી. અત્યારે જ મને એક વિચાર આવ્યો છે જો તને ગમે તો પછી....’ ભૂમિ અધવચ્ચે જ અટકી.

‘કયો વિચાર?’ સૌમિત્ર બોલ્યો.

‘તું એક વખત પપ્પાને મળ, મારી સગાઈ પહેલાં. એમને જે બોલવું હોય તે બોલવા દે પણ પછી તું મને કેવી રીતે સુખી રાખીશ એનો પ્લાન એટલેકે તે મને જે અત્યારે જણાવ્યું પ્રોફેસર બનવાનો, એ એમને જણાવ. પપ્પા ભલે કડક સ્વભાવના હોય પરંતુ એમને પોતાનું ભવિષ્યનો પ્લાન બનાવીને અને એક લક્ષ્ય તરફ આગળ વધતા યંગસ્ટર્સ ખૂબ ગમે છે. કદાચ...કદાચ એવું બને, જો આપણું લક હોય તો, તું એમને ગમી જાય અને વરુણ સાથે મારા ગોળ ધાણા ફોક કરીને તને સ્વિકારી લે.’ ભૂમિ ફરીથી આત્મવિશ્વાસથી ભરપૂર લાગી.

‘કેવી ગાંડા જેવી વાત કરે છે ભૂમિ? એવા યંગસ્ટર્સ એમને જરૂર ગમતા હશે પણ એ બધા યંગસ્ટર્સ એમની દીકરીના પ્રેમમાં નથી હોતા.’ સૌમિત્રને એકદમ મુદ્દાની વાત કરી.

‘ચાન્સ લેવામાં શું જાય છે? તું એટલીસ્ટ એક વખત એમને મળ તો ખરો? મારે કોઇપણ હિસાબે આ સગાઈ રોકવી છે, એટલે કે નથી કરવી, પણ એમનેમ નહીં. પપ્પાને બધુંજ સાચું જણાવીને.’ ભૂમિએ સૌમિત્રની આંખમાં આંખ નાખીને કહ્યું.

‘અને એમણે ના પાડી તો? ના પાડવાના જ છે એની અત્યારથી જ ખબર છે.’ સૌમિત્રના અવાજમાં નિરાશા હતી.

‘તો આપણે ભાગી જઈશું.’ ભૂમિએ પોતાનો નિર્ણય જાહેર કર્યો.

‘શું? ક્યાં ભાગી જઈશું?’ સૌમિત્રનો અવાજ સહેજ મોટો થઇ ગયો.

‘એની તો મનેય ખબર નથી. પણ ક્યાંક જતા રહીશું. પપ્પાની પહોંચની બહાર અને લગ્ન કરી લઈશું. તું નાનીમોટી નોકરી શોધી લેજે. થોડા વખત પછી આપણે પપ્પાને બધું કહીને પાછા અમદાવાદ આવી જઈશું અને પછી આપણે બેય એમએ કરીશું.’ ભૂમિ પાસે જાણેકે આખો પ્લાન તૈયાર જ હતો.

‘કેવી બચ્ચા જેવી વાત કરે છે ભૂમિ? આ બધું એટલું સહેલું છે? ભાગી જઈશું, નોકરી કરી લેજે? અને મારા મમ્મી પપ્પાનું શું? એમને શું કહીશું? મમ્મી તો મારા સુખમાં સુખી થશે પણ પપ્પા? એ આપણા ભાગી ગયા પછી મમ્મીને રોજ સંભળાવશે અને મમ્મી મારી ચિંતામાં અડધી થઇ જશે.’ સૌમિત્ર સહેજ ગુસ્સામાં હતો.

‘હું મળીશ મમ્મી પપ્પાને. સૌમિત્ર હવે આપણી પાસે ટાઈમ નથી. તું સમજ.’ ભૂમિને હવે લગ્ન કરવાની ઉતાવળ હતી. જો કે ન હોય તો જ નવાઈ કારણકે એને કે સૌમિત્ર બંનેને એકબીજાને ગુમાવવા ન હતા.

‘મમ્મીનો વાંધો નથી, પણ પપ્પા.... ઠીક છે. જો મને તારા પપ્પાનો કોઈજ ડર નથી. મને મળવાનો પણ વાંધો નથી. પણ હું જે હશે તે સાચું કહી દઈશ. મને એમને સારી લાગે એવી વાતો કરવી નહીં ગમે, ટૂંકમાં કહું તો ચમચાગીરી હું નહીં કરું.’ સૌમિત્રએ સ્પષ્ટતા કરી.

‘તારે એવું કશું કરવાની જરૂર પણ નથી. તું ફક્ત સૌમિત્ર જ રહેજે, મારો સૌમિત્ર! અને હું પણ ત્યાં હોઈશ જ ને? તું ભલે પપ્પાને મળવાનો છે પણ એક્ચ્યુલી તો આપણે બંનેએ આપણા ફ્યુચર વિષે એમને વાત કરવાની છે ને?’ ભૂમિએ હવે સૌમિત્રનો હાથ પકડ્યો અને તેની સામે આજે પહેલી વાર હસી.

‘તું એમને શું કહેવાની છે મારા વિષે?’ સૌમિત્ર પોતાના ભૂમિના ઘેર આવવા પહેલાં ભૂમિ એના પપ્પાને એના વિષે શું કહેશે એ જાણવું હતું.

‘ગુરુવારે તું મારે ઘેર આવ. ગુરુવારે પપ્પા બપોર પછી ફેક્ટરી કે ઓફીસ નથી જતા. તું ચારેક વાગ્યે આવ હું એમને ફક્ત એટલુંજ કહીશ કે મારો એક ફ્રેન્ડ છે જેને મારે તમને મેળવવો છે. હું મમ્મીને પણ જોડે રાખીશ. દીદીએ આ ભૂલ કરી હતી અને એટલેજ પપ્પાએ મયંકભાઈને મારવાની ધમકી આપી હતી. મમ્મી જોડે હશે તો એ કશું જ નહીં બોલે.’ ભૂમિનો પ્લાન તૈયાર હતો.

‘પણ મારે કેવી રીતે વાત શરુ કરવી કે હું તને પ્રેમ કરું છું અને...’ સૌમિત્ર હજી સ્પષ્ટ ન હતો.

‘તું આવીશ પછી હું મમ્મી પપ્પાની સામે જ કહીશ કે એક્ચ્યુલી અમે એકબીજાને પ્રેમ કરીએ છીએ અને અમારા ભવિષ્ય માટે ડિસ્કસ કરવા જ મે તેને બોલાવ્યો છે. પછી તું હમણાં આપણે વાત થઇ એ બધું કહેજે અને હું પણ વચ્ચે બધું એડ કરીશ. આઈ હોપ કે પપ્પા માની જશે. એમને માનવું જ પડશે. એમ એ પોતાની દીકરીને એની ઈચ્છા વિરુદ્ધ પરણાવીને દુઃખી થોડી જોઈ શકવાના છે? બસ બધું સરખું થઇ જશે તો નેક્સ્ટ વિકની મારી સગાઈ ફોક થઇ જશે.’ જે ભૂમિ હજી એક કલાક અગાઉ રડીરડીને અડધી થઇ ગઈ હતી તે અત્યારે આત્મવિશ્વાસથી એટલી ભરપૂર હતી કે જાણે એના પપ્પાએ એના અને સૌમિત્રના લગ્ન વિષે હા પાડી દીધી હોય.

‘આટલું એડવાન્સમાં ના વિચાર ભૂમિ. હું નેગેટિવ નથી, પણ .... ઠીક છે પડશે એવા દેવાશે. હું લગભગ ચાર-સાડાચારે આવી જઈશ.’ આટલું કહીને ભૂમિએ સૌમિત્રનો હાથ પકડ્યો હતો તેને સૌમિત્રએ દબાવ્યો.

==: : =

ગુરુવારે લગભગ સવાચાર વાગ્યે સૌમિત્ર ભૂમિના ઘરની એકદમ સામે આવેલા એએમટીએસ ના બસસ્ટોપ પર ઉતર્યો. મેઈન ગેટ પર ઉભેલા સિક્યોરીટીએ ઇન્ટરકોમથી અંદર ભૂમિને પૂછ્યા બાદ સૌમિત્રને અંદર જવાની પરમીશન આપી અને ધડકતા હૈયે એણે ભૂમિના ઘરમાં પ્રવેશ કર્યો. ભૂમિનું ઘર આલિશાન શબ્દને ઝાંખો પાડી દે એવું હતું, ખાસકરીને એનો લીવીંગ રૂમ તો અત્યંત શાનદાર હતો. આટલા મોટા પિતાની પુત્રી ભૂમિ આટલી સીધીસાદી અને સરળ કેવી રીતે છે? અને એ એના નસીબમાં કેવી રીતે આવી ગઈ એવો વિચાર પણ સૌમિત્રને બે ઘડી આવી ગયો.

‘આવ સૌમિત્ર.’ ભૂમિ સૌમિત્રને જોતાં જ સોફા પરથી ઉભી થઈને તેની સામે આવી.

અત્યારસુધી ભૂમિના લીવીંગ રૂમને જોઈ રહેલો સૌમિત્ર ભૂમિને એની સામેજ ઉભેલી જોતાં ટેન્શનમાં ફિક્કું હસ્યો.

‘જો મિત્ર પછી મને લાગ્યું કે આપણે અંદર જઈએ પછી પપ્પાને હું આપણી વાત કરું તો કદાચ એમનું રિએક્શન પોઝિટીવ ના હોય તો? અને એ વિચારવાનો સમય માંગીને તને અત્યારે મળવાની ના પાડે અને પછી સગાઈના દિવસો ઓછા રહે એટલે મેં હમણાંજ એમને આપણી બધી વાત કરી દીધી છે.’ ભૂમિ દબાયેલા સ્વરે બોલી.

‘શ્શશ્શ્શ....શું? અરે યાર, આમ ઉતાવળ કેમ કરી? હવે?’ ઓલરેડી ટેન્શનમાં રહેલા સૌમિત્રને ભૂમિની આ વાત કાને પડતાંજ ડઘાઈ ગયો.

‘તું ચિંતા ન કર. પપ્પાનો મૂડ જરાય બદલાયો નથી. એમણે મને હસીને કહ્યું કે એને આવવા દે એટલે આપણે મળી લઈએ. આપણે ફિફ્ટી પર્સન્ટ જીતી ચૂક્યા છીએ મિત્ર, બસ હવે તું ગોટાળો ન કરતો પ્લીઝ. બસ મારો સૌમિત્ર જ રહેજે બાકી બધું એનીમેળે જ સરખું થઇ જશે.’ ભૂમિ ખુબ ઉત્સાહમાં લાગી રહી હતી.

‘તું આવે છે ને? અને તારા મમ્મી?’ સૌમિત્ર હજીપણ ગભરાયેલો હતો.

‘હા, હું આવું જ છું, મમ્મી પણ ઓલરેડી ઓફિસમાં જ છે.’ ભૂમિ બોલી.

‘ઓફિસ??’ સૌમિત્રને નવાઈ લાગી.

‘અરે, ઘરમાં જ પપ્પાએ એક નાનકડી ઓફિસ રાખી છે, રજાના દિવસે કે પછી અચાનક કામ આવી જાય એના માટે.’ ભૂમિએ ચોખવટ કરી.

‘ઓહ...’ સૌમિત્રને શું રિએક્શન આપવું એની સૂઝ ન પડી.

‘ચલ...’ આટલું કહીને ભૂમિએ સૌમિત્રના આંગળામાં પોતાના આંગળા ભરાવીને એને દબાવ્યા અને સૌમિત્ર સામે જોઇને હસીને પોતાની બંને આંખો મીંચકારી અને રૂમના બીજા છેડા તરફ સૌમિત્રને રીતસર ખેંચવા લાગી.

ભૂમિના ચહેરા પર અને તેના વર્તનમાં જબરો આત્મવિશ્વાસ જોઇને સૌમિત્રને સહેજ રાહત તો થઇ, પરંતુ હજીપણ એ એના હ્રદયના ધબકારા સાંભળી રહ્યો હતો. ભૂમિ સૌમિત્રને એના વિશાળ લીવીંગ રૂમના એક ખૂણા તરફ દોરી ગઈ અને કાચના દરવાજા પર નોક કર્યું.

‘પપ્પા? ભૂમિ. સૌમિત્ર આવી ગયો છે.’ ભૂમિએ નોક કરતા કહ્યું.

‘આવી જાવ.’ અંદરથી અવાજ આવ્યો.

સૌમિત્ર અને ભૂમિ પ્રભુદાસ અમીનની એ ટેમ્પરરી પણ ભવ્ય ઓફિસમાં દાખલ થયા. પ્રભુદાસ અમીન બેઠી દડીના અને એકદમ ઉજળો વાન ધરાવતા વ્યક્તિ હતા. માથા પર એકપણ વાળ નહોતો અને એમનું માથું ઓફિસની લાઈટ્સના રીફ્લેક્શનથી રીતસર ચમકતું હતું. પાન ખાવાની કદાચ એમને આદત હશે એટલે એમના હોઠ પણ એકદમ લાલચટક હતા. એમના ટેબલની સામે ત્રણ ખુરશીઓ હતી જેમાંથી એક ખુરશી પર ભૂમિના મમ્મી બેઠા હતા.

‘બેસો સૌમિત્ર.’ ભૂમિ અને સૌમિત્રના ઓફિસમાં દાખલ થવાની સાથે જ ખાલી ખુરશી તરફ પોતાનો હાથ લંબાવીને પ્રભુદાસ બોલ્યા.

પ્રભુદાસનો આદેશ મળતાં જ સૌમિત્ર ખૂણા પરની ખુરશી પર ઓટોમેટીકલી બેસી ગયો.

‘હું ન કહું ત્યાંસુધી મારા કોઈજ કોલ ટ્રાન્સફર ન કરતી, કોઈ ઈમરજન્સી હોય તો પણ કહી દેજે કે સર વીસેક મિનીટ પછી સામેથી કોલ કરશે.’ જમણી તરફ પડેલા પાંચ ફોનમાંથી એક ફોન ઉપાડીને પ્રભુદાસે એમની ઓપરેટરને કહી દીધું.

‘પપ્પા આ સૌમિત્ર, જેની મેં હમણાં તમને અને મમ્મીને વાત કરી.’ સૌમિત્રની બાજુની ખુરશીમાં બેસતાં ભૂમિએ સૌમિત્રની ઓળખાણ કરાવી.

‘હમમમ... તારે અને મમ્મીને અહીંયા બેસવાની જરૂર નથી. તેં મને સૌમિત્રને મળવાનું કીધું છે ને? તો મને જ મળી લેવા દે. તમે બંને અત્યારે બહાર જાવ.’ પ્રભુદાસ અમીનના સ્વરમાં ઓથોરીટી હતી.

‘પણ પપ્પા...આપણે તો....’ ભૂમિએ સામો સવાલ કરવાની કોશિશ કરી.

‘ભૂમિ, પ્લીઝ બહાર જઈશ? તમે ભૂમિને બહાર લઇ જાવ તો?’ પ્રભુદાસે ભૂમિના મમ્મી તરફ ઈશારો કર્યો.

ભૂમિ કમને પોતાની ખુરશી પરથી ઉભી થઇ, એની આંખો ભીની થઇ ગઈ. એ અને એની મમ્મી પાછળના દરવાજા તરફ ચાલવા લાગ્યા. સૌમિત્ર પાછળ વળીને ભૂમિને જોતો રહ્યો.

ભૂમિના પ્લાનનું પહેલું પગથીયું જ કાચું નીકળ્યું હતું.

સૌમિત્રના ધબકારા જે માંડમાંડ થોડા શાંત થયા હતા એ હવે પોતાને પ્રભુદાસ અમીનનો સામનો એકલો જ કરવો પડશે એ વિચારે ફરીથી જોરજોરથી ધબકવા માંડ્યા.

સૌમિત્ર ભૂમિ અને એના મમ્મીના ઓફીસની બહાર જતાં રહેવા છતાં એમણે બંધ કરેલા દરવાજા તરફ જોઈ રહ્યો હતો અને હવે તે એકલો પ્રભુદાસ અમીનનો સામનો કેવી રીતે કરશે એ વિચારી રહ્યો હતો.

-: પ્રકરણ સોળ સમાપ્ત :-