Shabdavkash - Ank - 6 - 1 books and stories free download online pdf in Gujarati

શબ્દાવકાશ અંક-6ઃ લેખ-1

શબ્દાવકાશ અંક-૬

લેખ-૧

આજે શબ્દાવકાશના અંક ૬નો પ્રથમ લેખ પરિવર્તન વિષે છે. અને માતૃભારતી દ્વારા મેગેઝીનને એક નવતર સ્વરૂપે આપની સમક્ષ રજુ કરવાનું વિચાર્યું છે. દરેક લેખને, દરેક લેખકને એક સરખું ફૂટેજ મળે એ હેતુથી આ નવા સ્વરૂપે ‘શબ્દાવકાશ અંક-૬’નો પ્રથમ લેખ અમારી ટીમના સક્રિય સભ્ય અને USAના રહેવાસી એવા શ્રી અજય પંચાલભાઈ નો લેખ ‘પરિવર્તન - એક પ્રક્રિયા’, પ્રસ્તુત કરીએ છીએ. માતૃભારતીના નવા પ્રયાસને બિરદાવતો આ લેખ વાંચી, વાંચક મિત્રો, આપનો અભિપ્રાય જરૂર જણાવશો.

તમારા ફીડબેક અને રચનાઓ અમને kathakadi.online@gmail.com પર મોકલી આપો . આ આપણું મેગેઝીન છે તમે પણ જોડાઈ જાઓ .




લેખ –૧.. પરિવર્તન - એક પ્રક્રિયા

માનવી ઉત્સવ પ્રિય પ્રાણી છે. એટલે કોઈને કોઈ બહાને ઉત્સવોની ઉજવણી તો થતી જ રહે છે. જન્મ, મરણ, લગ્ન, જન્મ દિવસ, લગ્નની વર્ષ ગાંઠ, ઈશ્વરીય અવતારનો પ્રાગટ્ય દિવસ, રાષ્ટ્રીય નેતાનો જન્મદિવસ કે પુણ્ય તિથી, સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન વિગેરે વિગેરે. વરસમાં અલગ અલગ સમયે અલગ તહેવાર કે ઉજવણીનો દિવસ આવતો રહે છે. પોતપોતાના મનગમતા વ્યક્તિઓ સાથે ઉત્સવ ઉજવાતા જ રહે છે. રોજબરોજની સ્ટ્રેસફૂલ લાઈફમાં આવા ઉત્સવો માનવીની રોજીંદી જીંદગીમાં એક નવો પ્રાણ પૂરતા રહે છે ઉત્સવો માનવીની રોજીંદી જીંદગીમાં ઉત્સાહ ભરે છે અને જીવનને આનંદથી જીવવાનું જોમ આપતા રહે છે. આજ કારણથી દરેક સંસ્કૃતિમાં સમાજવ્યવસ્થા મુજબ સમયાનુસાર ઉત્સવો ગોઠવાયેલા જ હોય છે અને એની ઉજવણી ખુબ જ જરૂરી બની રહે છે. ઉત્સવો માનવીને માનવીની નજીક લાવે છે.

વરસો પહેલા એક જમાનો એ પણ હતો કે ત્યારે લોકો ધાર્મિક અને સામાજિક ઉત્સવો જ ઉજવતા. જન્મદિવસની ઉજવણી કે મેરેજ એનીવર્સરી પણ ધનિક લોકોનું તુત જ ગણવામાં આવતું. ત્યારે ભલે ગ્રેજયુએશનપાર્ટી નહોતી થતી છતાં ય દીકરો સ્કુલમાં ભણવા જાય કે કોઈ પરદેશ જાય કે કોઈના લગ્ન ગોઠવાય ત્યારે ગોળ ધાણા તો વહેચાતાં જ હતા. કંસાર કે લાપશીના આંધણ તો મુકાતા જ હતા. કુટુંબીજનો, સગાવ્હાલા કે મિત્રોની હાજરીમાં પ્રસંગની ઉજવણી થતી જ હતી. આપણી ભારતીય સંસ્કૃતિ ખેતી પ્રધાન સંસ્કૃતિ હતી. દેશની 70 ટકાથી પણ વધુ વસ્તી ખેતી પર જ નભતી એટલે મોટાભાગના તહેવારો ખેતીના સમયની અનુકુળતા પ્રમાણે જ ગોઠવાયેલા છે. ખેતીની વાવણી કે લણણી સમયે લગ્નો કરવા પણ બાધ્ય એટલે જ ગણાયા હતા. જો કે એની પાછળ ચોમાસાની ઋતુ પણ કારણભૂત હતી જ. પણ આપણી ધાર્મિક ભીરુ સંસ્કૃતિમાં કોઈ પણ કાર્ય કરવા કે ન કરવા માટે જ્યાં સુધી ધાર્મિક કારણ ના આપવામાં આવે ત્યાં સુધી લોકોમાં એનો અમલ શક્ય જ નહોતો. એટલે જ આપણી મોટાભાગની માન્યતાઓ, રીતી રીવાજો કે જેની પાછળ સામાજિક, આરોગ્ય લગતું કે માનવીય સંવેદનાને લગતું કારણ હોવા છતાં એને ધાર્મિક કારણસંગત કરી દેવાઈ હતી.

જેમ જેમ ગામડાઓમાંથી શહેરો તરફ સ્થળાંતર થતું ગયું, લોકોનું વલણ ખેતીમાંથી નોકરી કે ધંધા તરફી થતું ગયું, આવક વધતી ગઈ, ભણતર વધતું ગયું તેમ તેમ ઉત્સવોનું પ્રમાણ અને એની ઉજવણી કરવાની રીતોમાં પણ પરિવર્તન આવતું ગયું. જે લગ્નો પહેલા સાદગીથી થતા હતા એમાં નવી ખર્ચાળ ઝાકઝમાળ ઉમેરાતી ગઈ. જે ઉત્સવો ની ઉજવણી ફક્ત ગોળ ધાણાથી થતી હતી તેની જગ્યાએ પેંડા - જલેબી અને પછી તો અવનવી પાર્ટીઓએ લીધું. નાના મોટા પ્રસંગોએ નવા નવા કારણોથો પાર્ટીઓ થવા લાગી. નવા નવા તહેવારો ઉમેરાતા ગયા, ઉજવણીના નવાનવા કારણો ઉમેરાતાં ગયા અને ઉજવણીના પ્રકારોમાં પણ વર્ષે દરવર્ષે નવી રીતો ઉમેરાતી રહી અને માનવી ઉજવણી કરતો જ રહ્યો. છેલ્લા એકાદ બે-ત્રણ દાયકામાં ગ્લોબલાઈઝેશનનો પવન ફુંકાતા દુનિયા જેમ જેમ સાંકડી થતી ગઈ, તેમ તેમ અલગ અલગ દેશો સાથેનો વ્યવહાર વધતો ચાલ્યો. લોકો પણ પરદેશની જાણકારી મેળવવા લાગ્યા. વિદેશોમાં આવન જાવન વધવા લાગી. આધુનિક જમાનામાં ટેકનોલોજીમાં થયેલા વિકાસને કારણે સોશિયલ મીડિયાનો વ્યાપ વધ્યો અને એ કારણે દેશો વચ્ચેના સોશિયલ અંતર પણ ઘટવા લાગતા પરદેશી તહેવારો પણ આપણી સહિષ્ણું સંસ્કૃતિમાં ઉમેરાતાં ગયા.

આપણે હમેશા કહેતા રહીએ છે કે ભારતીય સંસ્કૃતિ ઉદાર અને સહિષ્ણુ છે. અને એ બાબતે કોઈ શંકા પણ નથી. સૈકાઓથી પરદેશી પ્રજાઓના ભારત પરના રાજકીય આક્રમણોની સાથે સાથે પરદેશી પ્રજાના આપણા દેશમાં વસવાટને કારણે સામાજિક રીત રીવાજો, આચાર વિચારો અને ભાષા અને શબ્દોમાં પણ નવું તત્વ ઉમેરાવા લાગ્યું. જેમ ભાષામાં નવા શબ્દોને આપણે સ્વીકારી લીધા તેમ નવા આચાર વિચારોને પણ આપણે સ્વીકારતા જ ગયા છે. જોકે એમાં આપણે કંઈ અલગ પણ નથી કરતા. દરેક સંસ્કૃતિમાં પરિવર્તન તો આવતું જ રહે છે. પાષાણ યુગથી આધુનિક યુગ સુધીમાં દુનિયાની દરેક સંસ્કૃતિમાં પરિવર્તન આવ્યા જ છે. અમુક સંસ્કૃતિઓ પરિવર્તનને ઉમળકાભેર આવકારતી રહી અને અમુક સંસ્કૃતિઓએ પરિવર્તન તરફ સંકુચિત વલણ રાખ્યું. જેની સીધી અસર સામાજિક વિકાસ પર પડી. પરિવર્તનનો સ્વીકાર હંમેશા અઘરો જ હોય છે. પ્રાચીન સમયમાં પણ આર્ય અનાર્ય વચ્ચે પણ સાંસ્કૃતિક ઘણું અંતર હતું જે આજે નહીવત થઇ ગયું છે.

આધુનિક યુગમાં પાશ્ચાત્ય સંસ્કૃતિના પ્રભાવના કારણે ઘણાં નવા તહેવારો આપણી સંસ્કૃતિમાં ઉમેરાયા છે. ફેબ્રુઆરીના મધ્યમાં વેલેન્ટાઈન ડે, મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે અને જુન મહિનાના ત્રીજા રવિવારે ફાધર્સ ડે ની ઉજવણી પશ્ચિમ જગતમાં થાય છે .પરદેશમાં સ્વાવલંબનને, સ્વવિકાસને વધુ મહત્વ અપાય છે. બાળકો અમુક વયના થઇ જાય એટલે એમને ઉડવા માટેનું સ્વતંત્ર આકાશ અપાય છે. એમને એમની લાઈફના નિર્ણયો લેવાની તક અપાય છે. એમની રોજીંદી જીંદગીમાં પણ એમનો ચંચુપાત નથી હોતો. બાળકો એડલ્ટ એજ પર પહોંચતા જ ઈન્ડીપેન્ડન્ટ થઇ જતાં અહિયાં વિભક્ત કુટુંબ વ્યવસ્થાનું ચલન વધારે છે. એ ઉપરાંત વિકસિત દેશોમાં રોજગારીની વિપુલ તકો હોવાથી મા બાપ એટલા જલ્દી નિવૃત પણ નથી થતા. નિવૃત થવાની વય મર્યાદા 58 નહિ પણ 65-67 વરસની છે. અને એ પછી પણ વિકસિત દેશોની સરકારો રીટાયરમેન્ટ પછી કુટુંબના ભરણ પોષણ માટે મરણોપર્યંત આર્થીક સહાય અને મફત આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. નોકરી દરમ્યાન પણ રીટાયરમેન્ટ સેવિંગ્સ માટેની કર મુક્ત યોજનાઓ હોય છે. જેના પરિણામે મા બાપ સંતાનો પર આર્થિક રીતે બોજા રૂપ નથી બનતાં. અહિયાં મોટેભાગે એવી પરિસ્થિતિ નથી સર્જાતી કે જેમાં માબાપે સંતાનોના આશ્રિત થઈને રહેવું જ પડે અને આજ કારણોસર મા-બાપ સંતાનોથી અલગ રહે છે. જેના કારણે મધર્સ ડે, ફાધર્સ ડે અને થેન્ક્સગીવીંગ ડે જેવા તહેવારો અહિયાં ઉજવાય છે. સંતાનો માબાપની મુલાકાતે જાય છે, એમની સાથે દિવસ વિતાવે છે. પણ એનો અર્થ એ પણ નથી કે આ પ્રજા બીજા મધર્સ ડે કે ફાધર્સ ડે સુધી માબાપની મુલાકાત નથી લેતી. મારી ઓફીસમાં મારી ઇટાલિયન મિત્ર છે કે જે દરરોજ એના દત્તક ફાધરને ફોન કરીને એની ખબર પૂછે છે. દત્તક માતાના અવસાન પછી પણ દીકરી-જમાઈના અતિઆગ્રહને ઠુકરાવીને સ્વાવલંબી ફાધરે 75 વરસની ઉંમરે પણ અલગ રહેવાનું જ પસંદ કર્યું. પણ દરરોજ એ દીકરી બાપને ઘરે બોલાવે છે અથવા એના ઘરે જાય છે અને જરૂરી બધી જ મદદો પૂરી પાડે છે. આવા ઘણાં પોઝીટીવ ઉદાહરણો છે. પશ્ચિમ જગતમાં રહ્યા વિના જ આપણે દુરથી જે જોયું જાણ્યું કે કોઈનું લખેલું વાંચીને અભિપ્રાય બાંધી લઈએ છે. બાકી દરેક ઉત્સવ કે ઉજવણી માટેના ખાસ કારણો હોય છે. દરેક સંસ્કૃતિમાં સારી બાબતો છે અને નરસી બાબતો પણ છે.

ભારતીય સમાજ વ્યવસ્થા પ્રમાણે મધર્સ અને ફાધર્સ હંમેશા સાથે જ રહેતા હોવાથી એ તર્ક અમુક અંશે યોગ્ય લાગે છે કે આપણે આ ઉત્સવની જરૂર નથી. પણ જો આ ઉત્સવ ઉજવાઈ જ રહ્યો છે તો એમાં વાંધો પણ શું છે? આ ઉત્સવની ઉજવણી તમારી માતા પિતાને પ્રેમ કરવાની, સન્માન કરવાની તકોને માર્યાદિત તો નથી જ બનાવતો? ઉલટાનું એક નવો આઈડિયા આપે છે કે ચાલો રોજીંદી જિંદગીની ઘટમાળમાં આપણે શબ્દો કે આચરણથી માબાપ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત ન કરી શકતા હોઈએ તો આજે બધા જ પોતપોતાના માતા પિતાને આ રીતનું સન્માન આપે. આર્થિક આશ્રિતતા ને કારણે ઘણાં માબાપોની પરિસ્થિતિ દયનીય હોય છે તો દેખાદેખીમાં એમનું પણ સન્માન થશે. અથવા તો બીજાનું જોઇને પણ થોડીઘણું ભાન થશે. આજ રીતે વેલેન્ટાઈન ડે ની ઉજવણીનું છે. આમ તો આ તહેવાર પાશ્ચાત્ય સંસ્કૃતિમાં પણ બીઝનેસ માર્કેટિંગને કારણે જ પ્રચલિત બન્યો છે. પણ એના થકી પણ દરરોજના ગૃહકાર્યમાં થાકી પાકી ગૃહિણીના જીવનમાં પતિ તરફથી થોડું સેલિબ્રેશન થઇ જાય તો એમાં ખોટું શું છે? પતિ પત્નીને કે પત્ની પતિને સાંસ્કૃતિક મર્યાદાઓને કારણે કદાચ ખુલી ને 'આઈ લવ યુ' કહી ના શકતા હોય તો આ તહેવાર એક મોકો આપે છે. નહીતર તમારે રોજે રોજ કે દિવસમાં અનેકવાર કહેવું હોય તો એવી કોઈ મર્યાદા આ તહેવાર તો નથી જ બાંધતો?

દરેક પરિવર્તનને કારણે સમાજમાં સુધારો તો આવે જ છે. દરેક વિચારમાં રહેલી સારી બાબતને અપનાવવી અને ખરાબ બાબતને દુર રાખીને નીર-ક્ષીરનો વિવેક રાખીને પરિવર્તનને અપનાવવામાં કોઈ ખોટ તો નહિ જ જાય.

-અજય પંચાલ (USA)