Shabdavkash - Ank - 6 - 6 books and stories free download online pdf in Gujarati

શબ્દાવકાશ-6 અંક-6

શબ્દાવકાશ અંક-૬

લેખ : ૬

માતૃભારતી દ્વારા મેગેઝીનને એક નવતર સ્વરૂપે આપની સમક્ષ રજુ કરવાનું વિચાર્યું છે. દરેક લેખને, દરેક લેખકને એક સરખું ફૂટેજ મળે એ હેતુથી આ નવા સ્વરૂપે ‘શબ્દાવકાશ અંક-૬’નો છઠ્ઠો લેખ પુસ્તક પરિચય રૂપે પ્રસ્તુત કરીએ છીએ. ‘સળગતાં સૂરજમુખી’નામનાં પુસ્તકનો ડો. નિયતિ અંતાણી કરાવેલ પરિચય કેવો લાગ્યો એ વિષે આપનો અભિપ્રાય જરૂર જણાવશો.


તમારા ફીડબેક અને રચનાઓ અમને kathakadi.online@gmail.com પર મોકલી આપો . આ આપણું મેગેઝીન છે તમે પણ જોડાઈ જાઓ .


























પુસ્તક પરિચય -- નૈરાશ્યથી આશ્ય તરફની કથા

જીવનના છેલ્લા શ્વાસ સુધી લડી લેવાની, જીવી લેવાની ક્ષમતા દરેક માણસમાં ઈશ્વરે આપી છે. સફળતા સુધી પહોંચવાના રસ્તે ઘણી નકારાત્મક, નૈરાશ્યપૂર્ણ લાલચો આવતી હોય છે પણ સતત કશુંક પામવાની, મેળવવાની ઝંખના આ લાલાચોને વટી જાય ત્યારે જ સફળતા પ્રાપ્ત થાય છે. પ્રસિદ્ધ ચિત્રકાર વિન્સેન્ટ વાન ગોંગનાં જીવન પર આધારિત ઇરવિંગ સ્ટોનની નવલકથા ‘લસ્ટ ફોર લાઈફ’. એનો ગુજરાતીમાં ‘સળગતા સુરજમુખી’ નામે ભાવાનુવાદ કર્યો છે શ્રી વિનોદભાઈ મેઘાણીએ. શરીફાબહેનની ‘ગમતાનો ગુલાલ’ કોલમમાં આ નવલકથા વિષે સરસ લેખ વાચ્યો અને એક વિદ્યાર્થી જય દ્વારા આ નવલકથા વાંચવાનું સૂચન પણ મળ્યું ત્યારથી આ નવલકથા મનમાં રમતી હતી. અને વાંચવાનું શરુ કર્યું પછીથી આ નવલકથા મનમાં વસતી થઇ ગઈ છે. વિન્સેન્ટ વાન ગોગના જીવનની સંઘર્ષ ગાથા અહીં આલેખાયેલી છે. નવ ખંડમાં વહેંચાયેલી આ ગાથાનો પ્રમુખ આધાર વિન્સેન્ટ અને તેના નાના ભાઈ થિયો વચ્ચે થયેલો પત્રવ્યવહાર છે. એટલે કે એના આધારે લેખકને આ જીવન આધારિત નવલકથા લખવી સરળ બની છે.

વિન્સેન્ટ વાન ગોગ (30 માર્ચ 1853-29 જુલાઇ 1890) અત્યંત પ્રતિભાશાળી ડચ ચિત્રકાર હતા જેમના પર-પ્રભાવવાદી ચિત્રકામે 20મી સદીની કળા પર અમીટ છાપ છોડી છે. તેમના ચિત્ર વિશદ રંગો અને સંવેદનાઓથી ભરપૂર છે. તેઓ જીવનભર અસ્વસ્થતા અને માનસિક બીમારીનો ભોગ બની રહ્યાં, અંતે 37 વર્ષની વયે પોતાની જાતને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. પોતાના જીવનકાળ દરમિયાન તેમને ઓછા બિરદાવવામાં આવ્યા હતા, પરંતુ મૃત્યુ પછી તેમની ખ્યાતિમાં વધારો થયો હતો. આજે તેમને ઇતિહાસના સૌથી મહાન ચિત્રકારો પૈકી એક અને આધુનિક કળાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપનાર વ્યક્તિ ગણવામાં આવે છે. વેન ગોગે તેમની ઉમરના બીજા દાયકાના અંત સુધી ચિત્રકામની શરૂઆત કરી ન હતી અને તેમની સૌથી જાણતી કૃતિઓ પૈકી મોટા ભાગનાનું સર્જન તેમણે જીવનના છેલ્લા બે વર્ષમાં કર્યું હતું. તેમણે 2000થી વધુ કળાકૃતિઓનું સર્જન કર્યું હતું જેમાં આશરે 900 પેઇન્ટિંગ અને 1100 ડ્રોઇંગ અને સ્કેચ સામેલ હતા. પોતાના જીવનકાળ દરમિયાન તેઓ ઓછા જાણીતા હતા, છતાં ત્યાર પછીની મોડર્નિસ્ટ કળા પર તેનો ભારે પ્રભાવ છે. આજે તેમની ઘણી કૃતિઓ જેમાં તેમના અસંખ્ય સેલ્ફ પોટ્રેઇટ્સ, લેન્ડસ્કેપ્સ, પોટ્રેઇટ્સ અને સન ફ્લાવર્સની ગણના વિશ્વના સૌથી વધુ માન્યતા પ્રાપ્ત અને કિંમતી કળાકૃતિઓમાં થાય છે.

શૂન્યથી સર્જન સુધીની આ સફર ‘સળગતા સૂરજમુખી’માં વર્ણવી છે.

જીવનમાં સતત આવતા પડકારો, નૈરાશ્ય્વાદી ઘટનાઓ, નિષ્ફળતાઓ આ બધાની સાથે એક આંતરસત્વ રહેલું છે, એક આશાનું કિરણ હંમેશા ક્યાંક ઊંડે ઊંડે છે જે આ નકારાત્મકતાઓની તમા નથી કરતુ. ઉત્તમ સર્જન વેદના વગર શક્ય જ નથી. અરવિન્ગ સ્ટોને તો યથાર્થ શીર્ષક આપ્યું છે ‘ લસ્ટ ફોર લાઈફ’. જીવન માટેની આ કામના, થપાટો સામે ટકી જવાની તીવ્ર ઉત્તેજના જ શ્વાસને ધબકતા રાખે છે. ઘણી બધી નિષ્ફળતાઓ, તિરસ્કારો ઘણી વાર માણસને બ્રહ્મ તત્વ પામવામાં સીડી બની જાય છે. આ બધા વિચારો ભેગા થયા છે વાન ગોગના જીવનમાં અને તેના જીવન આધારિત આ નવલકથામાં.

આર્શલાનો પ્રેમ પામી ન શકનાર વિન્સેન્ટના અંતરમાં કંઇક સાંઠીકડાની જેમ બટકી ગયું. બે કટકા થઇ ગયું. પ્રથમ પ્રેમ આમ નિષ્ફળ રહ્યો. પણ વિન્સેન્ટ બોરિનાઝ માટેનો રસ્તો ખુલી ગયો. જ્યાં પાદરી તરીકે જઈને એણે ધર્મની સાચી વ્યાખ્યા જાણી. બોરિનાઝના ખાણિયાઓના જીવનની પીડા વિન્સેન્ટને અંદરથી ઝંઝોડે છે. ચિત્ર તરફ તેનાં પગલાંને વાળવા બોરિનાઝ માધ્યમ બને છે. પાદરી બનવામાં સ્વભાવ, વિચારો અને કર્મથી વિન્સેન્ટ સજ્જ છે. પરંતુ સામાન્ય દુનિયાવાસીઓને આ કેવી રીતે સમજાય ? પાદરીની શાળાના નિયમો તેની નિમણુક નથી કરતા. મેન્ડ્સે ડીકોસ્ટાને વિન્સેન્ટમાં માનવીને ભડ બનાવતું હીર દેખાઈ જાય છે. એ વિન્સેન્ટ જ છે જે કહે છે, “ પુસ્તકિયા ભણતરમાં હું પાવરધો નથી એનો અર્થ એવો નથી કે દુનિયા માટે હું નકામો છું. આખરે માનવપ્રેમને ગ્રીક – લેટિન સાથે શી લેવાદેવા છે ?...” બસ આ જ ધગશ વિન્સેન્ટને દરેક નિષ્ફળતા પછી પાછો ઉભો કરે છે – ‘લસ્ટ ફોર લાઈફ’.

ખાણિયાઓની અતિ પીડાને પોતાના પર અનુભવે છે, એમના માટે બનતું કરી છૂટે છે, એમના જેવી જીવનશૈલી અપનાવે છે. આ કાળી ગરીબીથી પીડાતાને પોતે શું ઉપદેશ આપી શકે ? એ લોકોને ઉપદેશની નહિ પણ ખોરાકની જરૂર હતી. જેના માટે આ ખાણિયાઓ અતિ યાતના ભોગવતા હતાં. વિન્સેન્ટ બોરીનાઝવાસીઓની ગરીબી, ભૂખમરો પોતે આત્મસાત કરે છે. ઉપદેશની જગ્યાએ એમણે બનતી સહાય કરવાનો પ્રયાસ કરે છે. પણ એક પાદરીને કાઈ આના માટે મોકલવામાં નહોતો આવ્યો. તેણે માત્ર ધર્મનો ઉપદેશ આપવાનો અને પ્રજાને ધર્મમય (કહો કે ધર્માંધ) બનાવી રાખવાની ! દેવળનો, કુટુંબનો બધાનો સાથે છૂટી જાય છે. વિન્સેન્ટ આર્થિક અને શારીરિક તૂટી જાય છે તોય પેલો આંતરિક સંઘર્ષ પીછો નથી છોડતો. ‘હું નિષ્ફળ છું, હું નિષ્ફળ છું’ એવી કિકિયારીઓ સતત મગજમાં થયા કરે છે ? સર્જનહારનું સાન્નિધ્ય પણ પોતે ગુમાવી બેઠો છે તેવી પ્રતીતિ પણ તેને થાય છે. પણ સર્જનહાર એમ કાઈ સાથ છોડી દે ? આ સંઘર્ષ અનુભવતા અનુભવતા જ તો વિન્સેન્ટ પીંછી ઉપાડે છે. અને એકાએક એને ભાન થયું કે ચિત્રોની દુનિયામાં પાછો ફરવા એ ઝાંખી રહ્યો હતો. વર્ષો પછી જાણે શાંતિમય નિદ્રા પ્રાપ્ત થઇ. બોરિનાઝવાસીઓને પોતાના કેનવાસમાં તે ઉતારવા લાગ્યો.

થોડા વખત પછી ભાઈ થિયો આવીને વિન્સેન્ટને લઇ જાય છે. વિન્સેન્ટ કુટુંબમાં પાછો ફરે છે. એક સફળ ચિત્રકાર થવાની સતત પ્રેરણા માતા અને ભાઈ થિયો પાસેથી મળતી રહે છે. કુટુંબમાં પાછો ફરેલો વિન્સેન્ટ માસીયાઈ બહેન અને વિધવા થયેલ કેઈના પ્રેમમાં પડે છે. પણ કેઈ પણ એનો અસ્વીકાર કરે છે. વળી ‘હું નિષ્ફળ છું’ની લાગણી તીવ્ર બંને છે. હેગ જઈને વિન્સેન્ટ પોતાને ચિત્રકાર તરીકે સ્થાપિત કરવાની મહેનતમાં લાગી જાય છે. પોતાના પુરોગામી, અનુગામી, સમકાલીનોમાંથી સતત પ્રેરણા મેળવતો રહે છે. થિયો સતત તેની સાથે છે. પણ વિન્સેન્ટને સફળતા તો નથી જ મળતી અને મળે છે માત્ર તિરસ્કાર અને ધુત્કાર. પ્રેમમાં પણ અને ચિત્રમાં પણ તેણે સમજનાર કોઈ નથી. ગર્ભવતી વેશ્યા ક્રિસ્ટીનના શારીરિક સાન્નિધ્યમાં વિન્સેન્ટ રાહત અનુભવે છે. ક્રિસ્ટીન તેની મોડેલ પણ બને છે. વિન્સેન્ટ તેને પત્ની બનાવવા તૈયાર છે. પણ અહીં પણ વિન્સેન્ટનાં પ્રેમને સમજે તે ક્રિસ્ટીન નથી. વિન્સેન્ટને ખરા હૃદયથી ચાહે છે માર્ગારેટ. પણ વિન્સેન્ટ તેણે ચાહી શકતો નથી. આ ઘટનાઓથી વિન્સેન્ટનાં સ્વભાવ પર અસર પડે છે. પણ આ બધી ઘટનાઓ તેના ચિત્રોને સક્ષમ ને સક્ષમ બનાવે છે.

આખી જિંદગી કદાચ વિન્સેન્ટ એક સૂર્યપ્રકાશ (એક પ્રેમના ઉજાશ)ની ઝંખના કરે છે. સૂર્યની પીળાશ માટે જાણે તે તરસે છે. વિન્સેન્ટ પોતે જ કહે છે, ‘કમનસીબે કોઈ માણસ લાયક હોય છતાં એની રોટી ના રળી શકે એ બહુ મોટું દુર્ભાગ્ય ગણાય.” (નવાઈ તો એ છે કે આખી જિંદગી જે પોતાની કલાને પ્રસ્થાપિત કરવા સતત ઝૂઝતો રહ્યો, જેના ચિત્રોની કોઈ કદર ના થઇ એ ચિત્રોના આજે કરોડો ઉપજે છે)

હેગથી પેરિસ ગયેલા વિન્સેન્ટને ત્યાં અનેક ચિત્રકાર મિત્રો પ્રાપ્ત થાય છે. બધાં જ પોતાનું ચૈત્રિક અસ્તિત્વ ટકાવી રાખવા સતત ઝઝૂમે છે. વિન્સેન્ટ સામ્યવાદી વલણ અપનાવે છે પરંતુ અંતે તો તેણે પેલા સૂર્યની ઝંખના છે. અને પેરિસ છોડીને તે બળબળતા સૂર્યના પ્રદેશ આર્લ આવે છે. લોત્રેક નામના ચિત્રકાર મિત્રે તેણે કહ્યું હતું, “ આર્લનો સૂર્ય તને પાગલ કરી મૂકશે એટલો પ્રખર છે.” (લોત્રેકની આ વાણી સાચી પણ ઠરે છે.) અહીં વિન્સેન્ટ સમજી ગયો હતો કે , પત્ની, બાળકો, ઘર વગર ચાલશે પણ સર્જન કર્યા વગર નહી ચાલે. આર્લમાં વિન્સેન્ટને રંગોનો જાણે કેફ ચડ્યો. ધગધગતો સૂર્ય તેના ચિત્રોમાં ઉતારવા લાગ્યો. ભૂખ, નશીલા પદાર્થોનું સેવન, ભડભડતો સૂર્ય વિન્સેન્ટને પાગલખાના સુધી લઇ જાય છે. ડોક્ટર તેને સાવધાન પણ કરે છે પરંતુ વિન્સેન્ટને તો આત્મવિસર્જન કરીને પણ સર્જન કરવું હતું. અને એણે ઉત્તેજનાની પરાકાષ્ઠાએ પહોંચીને જ્વલંત ચિત્રો સર્જ્યા. વિન્સેન્ટના પૂર્ણપ્રાગટ્ય માટે સ્ત્રીનો પ્રેમ અનિવાર્ય હતો પણ સ્ત્રીના પ્રેમની બાબતે વિન્સેન્ટ કમનસીબ હતો. અહીં જ લેખક ‘માયા’ નું કાલ્પનિક પાત્ર સર્જે છે. આપણા દરેકના જીવનમાં આવી એક પ્રેમમયી કલ્પનામૂર્તિ હોય જ છે ને ! પોતાની બધી જ આંતરિક પીડા અને મંથન માયા સમક્ષ ઠાલવીને વિન્સેન્ટ હલકોફૂલ બની જાય છે. લેખક ઉત્તમ રીતે એનું વર્ણન કરે છે, “વિન્સેન્ટે માયાના હોઠ ચૂમ્યા. એ હોઠ હવે ઠંડા અને સ્વસ્થ નહોતા. ફળદ્રુપ ઢેફાલી માટીમાં બંને આશ્લેષમાં સૂતાં. સ્ત્રીએ વિન્સેન્ટના નાક, કાન, આંખો, હોઠ અને દાઢી ઉપર ચુંબનો વરસાવ્યા અને પછી એના મોની અંદર પોતાની મધુર સુંવાળી જીભ ફેરવી. .... કદી ન અનુભવેલી એવી તીવ્રતમ વાંછનાનો પ્રચંડ ધસમસાટ એ ચુંબનોથી પેદા થયો અને વિન્સેન્ટનાં અણુએ અણુમાં વ્યાપી ગયો. એના અંગેઅંગમાંથી એવી આરઝૂ ઉઠી જે માત્ર હાડમાંસથી સંતોષી ન શકાય. .... એને માયાના બદનને છાતીસરસું ચાંપ્યું અને એના સફેદ ગાઉનની નીચે સ્પર્શ કરીને માયાની જીવંત ચેતનાની વહેતી ઉષ્મા અનુભવી.”

વિન્સેન્ટની કલ્પનામાં તેની સાથે સંપૂર્ણ સમર્પિત અને એકાકાર થયેલી ‘માયા’ સાથેનો માનસિક શારીરિક સહવાસ વિન્સેન્ટને પૂર્ણ બનાવે છે, એનો આત્મવિશ્વાસ પુન:જીવિત કરે છે.

સતત વાઈના આંચકા અને માનસિક અસ્વસ્થતાની વચ્ચે પણ વિન્સેન્ટ સર્જન નથી છોડતો. પણ અચાનક એને લાગે છે કે એના વ્યક્તિત્વમાંથી હવે શ્રેષ્ઠ સર્જક મરી ચુક્યો છે. અને જો હવે ચીતરવાનું ના હોય તો આ જીવનનો અર્થ શું રહે ? અને માત્ર સાડત્રીસ વર્ષની વયે ઉત્તમ ચિત્રોનું સર્જન કરીને વિન્સેન્ટ પોતાની જાતને ગોળી મારે છે. વિન્સેન્ટ સર્જક જીવી જાય છે, શરીરથી દૂર થઇ જાય છે. ડૉ. ગાશે તેની કબરની આજુબાજુ સુરજમુખી વાવ્યાં. આખી જિંદગી સૂર્યને ઝંખતો વિન્સેન્ટ અંતે સૂરજમુખીમાં લીન થઇ ગયો. તેની સતત નિષ્ફળતાઓમાં પણ સૂર્યના કિરણની જેમ આશા સાથે રહેતો તેનો નાનો ભાઈ થિયો પણ બરાબર છ મહીને એ જ દિવસે મૃત્યુ પામે છે. (મૃત્યુમાં પણ એ છૂટા નાં પડ્યા.) “ તેં જે કહેવા પ્રયત્ન કર્યો છે તે તું નહિ હો ત્યારે આખું વિશ્વ સમજશે.” માયાના આ શબ્દો આજે સાર્થક બની રહ્યા છે.

સમગ્ર નવલકથામાં લેખકે વિન્સેન્ટના સ્થૂળ અને સૂક્ષ્મ બંને સંઘર્ષને સંપૂર્ણ ન્યાય આપીને ચીતર્યો છે. ચિત્રકળાની તકનિકી માહિતી, જે-તે સમયના ચિત્રકારોની તકનિકો, વિચારો અને પદ્ધતિઓને પણ આલેખવામાં સફળ રહ્યા છે.

નવલકથાનાં કેટલાંક વાક્યો તો મૌક્તિકો બની રહે તેવાં છે.

- આપણે ભગવાન વિશેનો અભિપ્રાય માત્ર આ દુનિયા જોઇને જ ન બાંધી લેવો જોઈએ. આ દુનિયાને આપણે એકાદ સારું ન ચીતરાયું હોય એવું ચિત્ર માનવું.

- અંતરમાં જે અનુભવી શકાય તે જ ચીતરી શકાય. ગૃહસંસારની વાસ્તવિકતા ચિત્ર દ્વારા પ્રગટ કરાવી હોય તો ગૃહસ્થાશ્રમમાં જીવ્યે જ છૂટકો.

- કલાકારનું સર્જન અને એનું અંગત જીવન નવજાત શિશુ અને પ્રસવપીડામાંથી પસાર થયેલી માતા સાથે સરખાવી શકાય. બાળકનું દર્શન ખુશીથી કરો, પણ માતાનું વસ્ત્ર લોહીથી ખરડાયેલું છે કે નહી તે જોવા એ વસ્ત્ર ઊંચું ન કરાય. એ બેહદ અસભ્ય વર્તન ગણાય.

- અન્નથી પેટની પીડા શમી, પણ અંતરને કોઈ અજ્ઞાત ખૂણે ધરબી રાખેલી એકલતાની વ્યથા ઉમટતી રહી.

- જીવનમાં પ્રેમ સબરસ સમાન હતો. સૃષ્ટિની સર્વ સુવાસને ફોરતી કરવા માટે પ્રેમરસની આવશ્યકતા હતી.

- સ્ત્રીના નાજુક ઉચ્છવાસની લહેર અનુભવ્યા પછી જ માણસ પુરુષત્વ પામે છે.

- વ્યથામાંથી પ્રગટે સૌન્દર્ય.

જીવનના તત્વજ્ઞાનને ઉજાગર કરતાં કઈ કેટલાંય મૌક્તિકો નવલકથામાં છે. વિન્સેન્ટ અને થિયોનું પાત્ર બહુ મજબૂત બન્યાં છે. આમ ગૌણ પણ વિન્સેન્ટનાં જીવનમાં મહત્વનું ક્રિસ્ટીનનું પાત્ર પણ સ્ત્રીની ત્યકતા તરીકેની વ્યથાને સરસ રીતે બહાર લાવે છે. મૂળ લેખક અરવિન્ગ સ્ટોન જેટલી કુશળતાથી ભ્રમણાઓના અસબાબ ચીરી નાખીને બ્રહ્માંડ અને માનવી વચ્ચેના સંબંધનું આટલું સમગ્ર અને સ્પષ્ટ દર્શન કરાવનાર ચિત્રકારને સર્જે છે આ નવલકથામાં એટલી જ સહજતાથી અને આસ્વાદપૂર્વક શ્રી વિનોદ મેઘાણી એને અનુવાદિત કરી શક્યા છે.

મકરંદ દવે એ આ સર્જકને ઉત્તમ અંજલી આપતી કવિતા ‘સળગતાં સૂરજમુખી – હાથમાં લેતાં’ માં કહ્યું છે,

“ નૈરાશ્યથી ઝુકી પડેલી નગ્નતા

ને મૃત્યુને આરે ઢળેલી જિંદગીથી,

ક્યાં મને દોરી ગયો તું ?

ક્યાં મને લઇ જાય છે

આગળ હજી, આગળ હજી,

ઓ રંગરેખાના પ્રવાસી !

....... ટોળા હજી ઘૂમે, અને ત્યાં, ત્યાં જ

જાણે ઈશુને મન થયું, પીંછી લઇ

આપું નવી આંખો, નવી પાંખો, નવો વિસ્તાર

અને એ ગોગ થઇ આવ્યો ધરા પર –

ક્રૂસ લઇ કાંધે, ફરિ ખીલા જડાવા.”

–ડો. નિયતિ અંતાણી