shalvi in Gujarati Short Stories by Hemal Maulesh Dave books and stories PDF | શાલવી - shalvi

Featured Books
  • Forest of Demons - 1

    सुबह 7:30 बजे J. K. Commerce College                   कॉलेज...

  • विक्री - 5

    6 किलोमीटर। सीधी रेखा में। लेकिन 2087 के पुरानी दिल्ली में क...

  • Beginning of My Love - 7

    प्रोफेसर शरद देशमुख यांच्या या भावूक कथेचा हिंदी अनुवाद खाली...

  • श्रापित एक प्रेम कहानी - 78

    निलु के इतना कहने पर गाड़ी अपने आप रुक जाती है। गाड़ी रुकने...

  • वो कौन थी? - 7

    Chapter 7 — धुंध की वापसीआर्यन ने उस जली हुई चाबी को अपनी मु...

Categories
Share

શાલવી - shalvi

મૃત્યુ એક સનાતન સત્ય .રોજે રોજ આપણી સાથે જીવતું સત્ય ને તે છતાં એને જાકારો આપી ન શકાય , એને મન પડે ત્યારે ગમે તે રૂપ ધારણ કરીને આવે ને મન ફાવે ત્યારે લઈ જાય . ન કોઈ આગાહી કરે ન કોઇની પણ તાબેદારી કરે બસ આવે અને જાય .

ને આ આવજાવ વચ્ચે જીવન ચાલતું રહે , ક્યારેક ઊછળતું રહે ક્યારેક કૂદતું રહે ને ક્યારેક હાંફીને ઊભું રહી જાય પણ થંભે નહીં બસ દોડતું જ રહે અને એની દોડ મૃત્યુ સુધીની છે એ જાણવા છતાં પણ એની ચાહ એને જીવન તરફ જ લઈ જાય .

કોણ જાણે ક્યારે ટપકી પડશે અને ક્યારે આપણને હતા ન હોતા કરી નાખશે ..?? આવા જ કૈંક વિચારો સાથે શાલવી બાલ્કનીમાં રહેલા વાંસના હીંચકામાં બેસીને વિચારો કરી રહી હતી ...આજે મૃત્યુની વાત કેમ યાદ આવે છે ? શું આજે કોઈ એવું પુસ્તકતો નથી વાંચી નાખ્યું ને ? આ ચાલીસી વટાવવાનું આ દુખ ! લાંબો ભૂતકાળ ભૂલાતો નથી અને કાલે જીવેલા ભૂતકાળ જાણે જીવ્યો જ નથી એમ યાદ નથી રહેતો !! મગજને કસવામાં તો માથું દુખી જાય છે ને ક્યારેક પાછું ફટાક દઈને મગજનું ફાટક ખૂલે છે અને તે યાદ રુમઝુમ કરતી બહાર આવે છે . પહેલા તો આ સ્થિતિ કોઠે નહોતી પડતી કારણ કે એની યાદશક્તિ પર તો એ મુસ્તાક હતી ..કોઈ ભૂલી ગયા આવું કહે તો એને નવાઈ લાગતી કે ‘ આમ ભુલાય કેમ જાય ? ‘ જાણે એના જ શબ્દોને સાચા પાડવા કુદરત અત્યારે પ્રયાસ કરી રહી હતી ...હા પુસ્તકનું ટાઇટલ ભૂલાયું હતું ..ને સાથે રહેલી વિગતો પણ . હશે ત્યારે જે હોય તે , વિચારો પર ક્યાં આપણો ઇજારો ચાલે છે એ તો મન પડે ત્યારે આવે ને જાય ..!

બાલ્કની હવે અંધારી થઈ .સાંજનો ઉજાસ પથરાયો થોડો રતુંબડો સુરજ બિલ્ડીંગની પાછળ છુપાયો ને હવે જ શરૂ થઈ પ્રતિક્ષાની ઘડીઓ. છેલ્લા પાંચ વર્ષથી અનુભવાતો એક જ સમય જેમાં ક્યારેય કોઈ ફેરફાર નથી થયા . હા રવિવારની વાત જુદી છે ત્યારે ઝૂલતા ઝુલાએ સંભાળીને ઝૂલવું પડે છે . સામે જ એક આરામખુરશી ગોઠવાઈ હોય છે ને પછી આરામખુરશી અને ઝુલા વચ્ચે સંવાદો થયા કરે છે . ત્યારે આખી સાંજ બાલ્કનીમાં ઠલવાય છે અને રાતો સુરજ ડૂબતાં ડૂબતાં શાલવીના ગાલને ક્યારેક રાતા કરી શકે છે .

વળી પાછો સુરજ સવારે આછા કિરણો સાથે શાલવીના બેડરૂમમાં મુકાયેલા બેડ સુધી પહોંચે છે ને શાલવીને જગાડે છે , જાગીને સીધી શાલવીની નજર બાજુમાં સૂતેલા અધખુલ્લા શરીર પર પડે છે ને એ ખુલ્લી પીઠ પર ઝગારા મારતા તલને જોઈને હાશકારો અનુભવે છે . એ ઝગારાને ચૂમી લેવા મન કરે છે પરંતુ થોડો સળવળાટ થશે તો એ ઝગારો જલ્દીથી ગાયબ થઈ જશે ને પાછી એને કરવી પડશે અઠવાડીયાની પ્રતિક્ષા...! એ વિચારે બસ અનિમેષ એ જોયા જ કરે છે ...ગૌર વર્ણની ઉપર શોભતો કાળો તલ જ યુવાન રહ્યો છે હજુ બાકી તો ......!!!

આ ચાલીસીની પકડ પણ હવે ઢીલી પડી છે ..હા ..! 20 વર્ષે થયેલા ઉભરા હવે ધીમે ધીમે ઓછા થતાં જાય છે પણ એની યાદ તો રોજ હુમલા કરે છે ને છલોછલ છલકાવીને જાય છે ક્યારેક આંસુઓ ને ક્યારેક મન.

એ દિવસે કોલેજનું પગથિયું ચુકાયું ને સાથે જીવનનું પણ . ત્યારે એ કેવી મજબૂત બાજુઓમાં ઝીલાઈ હતી ને પછી એ બાહોંનું વ્યસન થઈ ગયું . ..વીસ વર્ષ અને પાંત્રીસ વર્ષના ભેદ ભુલાયા હતા. ક્યારેક લાયબ્રેરી તો ક્યારેક પાર્કિંગમાં નજરની સાથે સ્મિતની આપ લે થતી હતી ને ક્યારે એ સ્મિત ખડખડાટ હાસ્યમાં પલટાયું એની ખબર ન રહી હતી .

એ દિવસ એને હજુ પણ યાદ છે . કોલેજની પીકનિક આબુમાં હતી ને કેટલી વાર એ આબુ જઇ આવી હતી એટ્લે એ અવઢવમાં હતી કે જાઉં કે ન જાઉં .....એ અવઢવ એક જ ધડાકે ખતમ થઈ ગઈ હતી જ્યારે તેને ખબર પડી કે …..!

બસ ઉપડી ત્યારે એ છેલ્લેથી બીજી સીટમાં બેઠેલી ને એની આગળ જ એ ...ખુલ્લી બારીમાંથી આવતી હવા એના ચહેરા ને વાંકડિયા વાળને સ્પર્શીને મારા સુધી પહોંચતી હતી ને એ સુગંધનું જોર આબુમાં જુદી હોટેલમાં ઉતાર્યા તો પણ રહ્યું હતું. નખી લેકમાં કરેલા બોટિંગમાં રૂપાનો સાથ એને જરા પણ ગમ્યો ન હતો ..અને સનસેટ વખતે એ અણગમો ક્યારે ગમામાં પલટયો એ ખબર ત્યારે જ પડી જ્યારે એ ડૂબતાં સુરજની સાખે એ સુગંધને ભારોભાર ભરી હતી ને કદાચ એટ્લે જ તેને આજે પણ ડૂબતાં સુરજનું મહત્વ એટલું જ છે.

એ દિવસની સાંજ અને એ પછીની સાંજ ...આ બન્ને દિવસની સાંજમાં તેની આખી જિંદગી પલટાઈ જશે એની તો એને જરા પણ અંદેશો ન હતો .. એ સનસેટ જોઈને ઢોળાવ વાળા રસ્તે ઉતરતા આછા અંધારામાં પડી ન જવાય એના આગોતરા આયોજને એનો જમણો હાથ તેના ડાબા હાથમાં મુકાયો ને હોટેલ આવતા આવતા એ પકડ એટલી મજબૂત થઈ ગઈ કે લાગ્યું કે , “ આ હુંફ વગર નહીં જ જીવી શકાય ‘ .! નિર્ણય ભારે હતો એ તો ઠીક ભારે કરતાં પણ ભારેખમ હતો . એણે અનુભવેલી ડાબા હાથની હુંફ એના જમણા હાથમાં ક્યારેય અનુભવી શકવાની નહોતી . એ જમણો હાથ આઠ વર્ષ પહેલા જ કોઈના હાથમાં અપાઈ ગયો હતો . છતાં પણ એ મુસ્તાક બની ..હોટેલ સુધી પકડાયેલા એ હાથે એને બીજા મહિને હોટેલના કમરા સુધી પહોંચાડી દીધી ને એ રાત્રિએ એક બીનઅનુભવી કન્યાને એક અનુભવી પુરુષે સ્ત્રી બનાવી હતી.

સમાજના અને ઘરના વિરોધની વચ્ચે એ એકદંડિયા મહેલની એકલી રાણી બનવા તૈયાર થઈ હતી ને એ જ ડાબો હાથ અને અઠવાડીયાના બે દિવસોના સહારે ચાલીસીએ પહોંચી ગઈ હતી .

હા ..ખુશ હતી એ . દુખી થવાના કોઈ કારણો ઉપલા સ્તરે કોઈ જ જણાતા નહોતા. થોડો સમય ઝંઝાવાત આવ્યો હતો .એ જ્યારે સેમિનારમાં ભાગ લેવા ત્રણ મહિના માટે જાપાન જવાનો હતો ..એ રાત્રે જુદાઈની ક્ષણો પહેલાનો પ્રેમ આહલાદક રહ્યો હતો , એમ માનોને કે જવાબદારી વગરનો પ્રેમ રહ્યો હતો ને એ જવાબદારીનું ભાન તેને બીજા મહિને જ થઈ ગયું જ્યારે નિયમિત રહેતા માસિકની તારીખ ચુકાઈ ગઈ . થોડો અંદેશો આવ્યો ને સાથે યાદ આવી તેની સહેલી રૂપા જે હવે પ્રસિધ્ધ ગાયનેક હતી ..હ્રદયનો ધબકારો ચૂકી જવાય એવા સમાચાર તેણે આપ્યા હતા . “ you are pregnant “ .

ને પછી પ્રતિક્ષાનો દોર શરૂ થયો હતો ક્યારે ‘એ ‘ આવે અને ક્યારે એને શુભ સમાચાર આપું .....એ સુખદ ઘડી બહુ જલ્દી આવી ને દુ:ખદ યાદો સાથે હજુ સુધી અટવાઈને પડી છે . એ મા તો ન બની શકી પણ રૂપાની સાથે મળીને એ ક્યારેય મા ન બની શકે એનું પ્લાનિંગ પણ એમણે કરી દીધું હતું . એ ટીસ હવે ચૂભતી જ રહેવાની છે ક્યારેય એ ચૂભનને મિટાવવાની કોશિષ પણ નથી કરી ..છો ને રહી.. .!!

એ જ તો યાદ દેવડાવે છે કે , વીસ વર્ષની જિંદગી ત્રેવીસ કે ચોવીસ વર્ષ વાળા હાથમાં જ શોભે અથવા બહુમાં બહુ પચીસ કે છવીસ .પણ પાંત્રીસ વર્ષ ? ના ક્યારેય નહીં .

પણ જ્યારે જ્યારે એ ખુલ્લી પીઠમાં ઝગારા મારતા તલને જોવે છે ત્યારે ત્યારે એ ઉંમરના બધા જ પડાવને ભૂલી જઈને પાછી મોહમાં ભરાય છે ને પછી હતી એમ ની એમ .

વિચારોમાંથી પીછેહઠ કરીને પછી એની નજર એ પીઠ પર જાય છે ..આજે આ પીઠ કયારની પડખું કેમ નથી ફરતી ? આજે તો વિચારમાં ને વિચારમાં આ સુરજના આછા કિરણો તપવા માંડ્યા તો યે એ પીઠ એમની એમ જ કેમ ?

ને પછી તેને યાદ આવ્યું કે રાત મોડી પડી હતી એની ચાલીસી અને એનો સાઇઠમો દાયકો હરીફાઈએ ચડ્યા હતા ને પછી હરીફાઈમાં માંડ માંડ મેળવેલી જીતે તેમની રાતને મોળીમાંથી મોડી બનાવી દીધી હતી . એમની હાંફ ક્યાંય સુધી શમી ન હતી પણ એ તો શનિવારે મળેલા ભરપૂર પ્રેમના લીધે સંતોષના ઓડકાર સાથે સૂતી હતી ...પણ એ ... હજુ સળવળાટ કેમ નથી કે નથી નસકોરાંના અવાજ ..???

ને એ સફાળી જાગી બ્લેન્કેટને ફગાવી ઊભી થઈને પલંગના બીજા છેડે આવીને ઊભી .......

બ્લેકેન્ટ વગરની એ ખુલ્લી પીઠ ને આવરણરહિત શરીરને હવે સફેદ ચાદરની જ જરૂર હતી. .