nani nani vartao books and stories free download online pdf in Gujarati

નાની નાની વાર્તાઓ

ઈલેક્ટ્રીકલ / ઇલેક્ટ્રોનીક્સ એન્જીનીઅર :

પ્રોડક્ટ તૈયાર થઈને પડી હતી, બસ એક મશીનમાંથી પસાર થાય પછી ટેસ્ટીંગ અને ઓકેનો સિક્કો મારી બજારમાં મોકલવાની હતી. પણ ખરે ટાણે મશીન ખરાબ થયું હતું. એન્જીનીઅર અને ટેકનીશીયન રજા પર હતા. તે મશીન રીપેર કરવા બેઠો પણ ફોલ્ટ મળતો નહોતો. ડાયરેક્ટર ત્રણ ચક્કર લગાવી ચુક્યા હતા. પાછા આવીને બોલ્યા રમેશભાઈ આપણે મશીનને બહાર રીપેર માટે ન આપી શકીએ?
આ તેની કાબેલિયત પર કારમો પ્રહાર હતો.


સર અહીં રીપેર ન થાય તો હું મારા ઘેર મશીન લઇ જઈશ અને સવારે રીપેર કરીને પાછો લઇ આવીશ. તે બોલ્યો.

ઘેર પણ ઘણા પ્રયત્ન કરવા છતાં તેને સફળતા મળતી નહોતી.
પપ્પા ......તેનો દશ વર્ષનો છોકરો બોલ્યો.
નીતા પ્લીઝ આરવને અંદર લઈજા.....મારી એકાગ્રતામાં વિક્ષેપ પડે છે તે તાડૂક્યો.
ત્યાં રહેવા દો ને...કિચનમાંથી મીઠો ટહુકો આવ્યો.
પપ્પા તમે મેઈન સ્વીચ ચાલુ જ નથી કરી આરવ બોલ્યો...તેના વિના મશીન ચાલુ કેવી રીતે થાય?

ઓહ માય ગોડ......તેણે હર્ષની ચિચિયારી પાડી, અને આરવને બાથમાં લીધો.
મશીન તો ઓકે જ હતું, પણ વધુ પડતી ચિંતાને કારણે તે કંપનીમાં અને
ઘેર મેઈન સ્વીચ ચાલુ કરવાનું જ ભૂલી ગયો હતો. એટલે મશીન ચાલુ થતું ન હતું.

* * *

પુરુષ જાત :

આજ સવારથી જ ઘરમાં ખુશનુમા માહોલ હતો. વ્યોમ અને ધરાનું આજે વાર્ષિક પરિક્ષાનું રિજલ્ટ હતું. વ્યોમ ધોરણ ૫માં અને ધરા ધોરણ ૩માં એક જ સ્કુલમાં ભણતા હતા. ગયા વરસે વ્યોમને ૭૩ ટકા આવ્યા હતા અને ધરાને ૬૮ ટકા આવ્યા હતા. પપ્પાએ વ્યોમને વચન આપ્યું હતું કે જો વ્યોમ ૮૦ ટકા માર્ક્સ મેળવશે તો તેને સાઈકલ ગીફ્ટ કરવામાં આવશે. આને કારણે વ્યોમ વધારે ખુશ હતો તેણે ૮૨ ટકા ગુણ મેળવેલ હતા.

બંને ભાઈ બહેન હંસી મજાક કરતા ઘેર પહોંચ્યા. પપ્પાએ વ્યોમનું રિજલ્ટ જોયું, વ્યોમે ૮૨ ટકા ગુણ મેળવ્યા તે જાણી ખુશીથી ઉછળી પડ્યા. પપ્પાએ વ્યોમને બાથમાં લીધો અને બોલ્યા વેલ ડન માય સન, અને પછી ધરાને રિજલ્ટનું પૂછ્યું જેણે ગયા વખતે વ્યોમ કરતા ઓછા ટકા મેળવેલ.

ધરા ખુબ ખુશ હતી, તે બોલી પપ્પા મારા ૯૩ ટકા આવ્યા મારો સ્કુલમાં પહેલો નંબર આવ્યો. તેની ખુશીને ચાર ચાંદ લાગી ગયા હતા. પપ્પા શું ગીફ્ટ આપશે તે વિષે તે વિચારી રહી હતી.

સારું ચોરી તો નહોતી કરીને? પપ્પા બોલ્યા.

ધરા તો ડઘાઈ જ ગઈ, તેની આંખોમાં આંસુ આવી ગયા. તે કિચન તરફ દોડી અને હિબકે ને હિબકે રડવા લાગી. તેના મનમાં ભૂતકાળ વલોવાઈ રહ્યો, તે અને તેનો ભાઈ સાથે વાંચતા હોય અને તેના ભાઈને તરસ લાગી હોય તો તેને જ પાણી લેવા જવું પડતું. રસોઈમાં પણ મમ્મીને નાની મોટી મદદ કરવી પડતી ત્યારે ભાઈ રમવા ગયો હોય. ઘણી વખત મમ્મી તેની સહેલી જોડે કે પડોશણ જોડે ક્યારેક વાતો કરતી કે પુરુષ જાત બહુ ખરાબ હોય.

અત્યારે તે કિચનમાં રડતી હતી અને મમ્મી તો પપ્પા પાસે જ બેઠી છે. અને મારી પાસે આવતી પણ નથી. તેના કુમળા મનના એવો સવાલ ઉઠતો હતો કે તો શું મમ્મી પણ પુરુષ જાત હશે?

* * *

હેપ્પી બર્થ ડે

સતત ત્રણ રાતોથી તે સુતો ન હતો, અચાનક જ બે દિવસ પહેલા તેના મેનેજરે તેને નોકરીમાંથી છુટ્ટો કરી દીધો હતો. અને તે પણ કોઈ પણ જાતની નોટીસ આપ્યા વગર. એકાઉંટ ડીપાર્ટમેંટ તરફથી બધો જ હિસાબ કરી નાખવામાં આવ્યો હતો. તે જાણતો હતો કે આ વરસે કંપની પાસે કોઈ નવા ઓર્ડર નથી. વળી તેની ઉમર પણ વધતી જતી હતી. એટલે નવા ભરતી કરેલ યુવાનો જેવી ચપળતા તે દાખવી શકતો ન હતો. પણ જયારે તે યુવાન હતો અને આ કંપનીમાં જોડાયો ત્યારે મેનેજરના કહેવાથી જ બીજી કંપનીઓમાં સારી તક મળતી હતી છતાં પણ તેણે આ કંપની છોડી નહોતી. મેનેજર તે વખતે કંપનીના માલિક પાસે તેની કંપની પ્રત્યેની વફાદારીના ગાણા અવાર નવાર ગાયા કરતો. પણ બે દિવસ પહેલા જ બધું જ ભુલાઈ જવાયું. અને મેનેજરે તેને પાણીચું પકડાવી દીધું.

તેના બંને બાળકો દીકરી અને દીકરો હજુ ભણતા હતા. ધંધાનો તેને કોઈ જ અનુભવ નહોતો. તેના ભાઈઓ અને બહેનોમાંથી કોઈ જ મદદ કરી શકે તેવું નહોતું. સાસરીયા પક્ષ પણ મદદ કરી શકે તેવી સ્થિતિમાં નહોતો. મોંઘવારી પણ એટલી હતી કે નોકરીના ૨૦ વર્ષ દરમિયાન કશી જ બચત થઇ નહોતી. તેણે હજુ ઘરના કોઈ સભ્યને આ વાતથી માહિતગાર કર્યા નહોતા.

તે મનમાં મોટી મુંજવણ અનુભવતો હતો. વળી આજે તેની બર્થ ડે પણ હતી. ઘરના બધા સભ્યો તેની બર્થ ડે મનાવવાની તૈયારીમાં પડ્યા હતા. તેનું મોઢું પડી ગયું હતું, કેક કાપવાના સમયે પત્નીનું ધ્યાન તેના મુખ પર ગયું હતું, પણ તેની ઉદાસીનું કારણ પત્ની સમજી શકી નહિ. ત્યાં નાના દીકરાનો અવાજ આવ્યો પપ્પા મોઢું હસતું રાખો હું ફોટો પાડું છું. તેણે પરાણે, મહા મહેનતે માંડ માંડ મોઢું હસતું રાખવાનો પ્રયત્ન કર્યો. તેના મનમાં વિચાર ચાલી રહ્યો હતો આજે તેની બર્થ ડે છે, અને બર્થ ડે હંમેશા હેપ્પી જ હોય, બર્થ ડે કદી સેડ ન હોય. પછી ભલેને ગમે તેટલું મોટું દુઃખ આવી પડ્યું હોય.

* * *

આંસુ –


ભારતના ટોચના રાજરાણીઓ ભાવુક થઇ આંસુ વહાવી રહ્યા છે તે જોઈ બધા મગરની એક સભા ભરાઈ. અને તેઓએ બધાએ પોતાના આંસુનો સ્ટોક ઈશ્વરને પાછો આપી દીધો. કારણ કે બહુ ખરાબ રીતે તેઓ બદનામ થઇ રહ્યા છે તેવું તેઓ અનુભવતા હતા.

* * *

ઈમાનદારી !!!

સાધુ ઈમાનદારી વિશે કથા કહી રહ્યા હતા. શ્રોતાઓ ભાવુક બની ગયા હતા, કેટલાકની આંખોમાં આંસુ હતા.

કથા પૂરી કરી સાધુએ સવાલ પુછવાનું શરુ કર્યું.
જો તમને રસ્તે જતા ૧૦ રૂપિયા મળે તો ?
મૂળ માલિકને પરત કરીએ એક સાથે બધાએ જવાબ આપ્યો.
સરસ, હવે જો તમને રસ્તે જતા ૧૦૦ રૂપિયા મળે તો ?
મૂળ માલિકને પરત કરીએ ફરીથી બધાએ એક સાથે જવાબ આપ્યો.
વાહ, સાધુ ખુશ થયા કથાની ધારી અસર થઇ છે.
હવે છેલ્લો સવાલ જો તમને રસ્તે જતા એક કરોડ રૂપિયા મળે તો ?

શ્રોતા ગણમાં શાંતિ પથરાઈ ગઈ હતી. એક બહેન વિચારતા હતા કે આવું થાય તો પેલી રશ્મી બે- બે દિવસે નવો નવો સોનાનો સેટ પહેરી ફેસબુકમાં ફોટો મોકલે છે તેને નવા ઘરેણા બનાવી જોરદાર જવાબ આપી શકાય. કોલેજમાં અભ્યાસ કરતો જનક મોંઘી ગાડી લેવાનું વિચારતો હતો. એક બીઝનેસ મેન આ પૈસાનું ધંધામાં કેવી રીતે રોકાણ કરવું તે વિચારતો હતો. એક બે પુત્રીનો બાપ વિચારતો હતો કે તો જમાઈને સારું દહેજ આપી બંને દીકરીઓને સારા ઘેર વળાવી શકાય.

અને સાધુ હજુ જવાબની રાહ જોતા હતા.

* * *

સંદેશ (સત્ય ઘટના)


ગણપતિ પર્વ દરમિયાન અમારી બાજુના જ ગણપતિ મંડળે, ગણપતિની વિરાટ મૂર્તિ એક મુકેલ અને એક માણસની પ્રતિમા મુકેલ જેના હાથમાં કુહાડી હતી, તેની બાજુમાં એક વ્રુક્ષ રાખેલ. સંદેશ એવો આપવાનો હતો કે વ્રુક્ષો કાપો નહિ. એટલે જયારે માણસ વ્રુક્ષ કાપવામાં માટે વ્રુક્ષ પર કુહાડી ઉગામે ત્યારે ગણપતિ ભગવાનની પ્રતિમા માણસનો હાથ ખંચી લે તેવી રચના કરવામાં આવી હતી. આ પ્રક્રિયામાં વાસ્તવિક રંગ ભાવ માટે તેઓ એક સાચું વ્રુક્ષ કાપીને લાવ્યા.

* * *

ડોક્ટર –


એક મહાનગર માં પેટના રોગોના ડોક્ટર પેટલીયાને ત્યાં દર્દીઓનો ભારે ભીડ ઉમટતી જોઇને ત્યાની સ્થાનિક ચેનલે ડોક્ટરને ઈન્ટરવ્યું માટે સમય માંગ્યો. ડોકટરે ૬ મહિનાનો સમય માંગ્યો, કારણ કે ૬ મહિનાનું દર્દીઓને તપાસવાનું લીસ્ટ બહાર પડી ગયું હતું,

૬ મહિના પછી પત્રકાર અને ડો. પેટલીયાનું ઈન્ટરવ્યું

પત્રકાર: શહેરમાં વિદેશથી ભણીને અને ગોલ્ડ મેડાલીસ્ટ ડોકટરો હોવા છતાં દર્દીનું કીડીયારું અહીજ કેમ ઉભરાય છે?
ડોકટર : મારી ફી ઓછી છે, અને તેમના રોગ મટી જાય છે.
પત્રકાર: તમને આ સિદ્ધિ મળી કેવીરીતે?
ડોકટર : તમે ઈશ્વરના સોગંદ લઈને વાત ગુપ્ત રાખો તો કહું.
પત્રકાર : હા હું ગુપ્તતા જાળવવાના સોગંદ લઉં છું.
ડોકટર : વરસો પહેલા હું પોતે જ પેટના દર્દથી ખુબ પીડાતો , ગામડાથી માંડી દરેક મોટા શહેરમાં ઈલાજ કર્યો , પણ ક્યાય ફર્ક ન પડ્યો, પછી મારી જાતેજ મારા શરીર પર પ્રયોગો કર્યા અને દુખાવો મટી ગયો, પછી ઓળખીતાઓ પર પ્રયોગો કર્યા , બધાને સારું થઇ ગયું. પછી આ નગરમાં પ્રેક્ટીસ કરી ઈશ્વર કૃપાથી બધાને રોગ મટી જાય છે.

* * *

હાસ્ય નાટક –

એક કોમેડી નાટકમાં દર્શકો એટલું રડ્યા કે તેનાથી જે પાણી ભરાયું તે ખાલી કરવામાં કર્મચારીઓને ત્રણ દિવસ લાગ્યા.

* * *

એકવીસમી સદીની વરવી રાજનીતિ-

તોફાન કેમ શરુ થયા? કોને આવા તોફાનો પાછળ ફાયદો હતો તે સામાન્ય નાગરિકની સમજની બહાર હતું, પણ અચાનક જ કર્ફ્યું લાદવામાં આવ્યો હતો, ચારે બાજુ ટોળાઓ એક બીજાના લોહીના તરસ્યા બન્યા હતા, તેમાં આઠમા ધોરણમાં ભણતા એક ગરીબ વિદ્યાર્થીનું ગોળીબારથી મોત થયું હતું, તેની ધોરણ ૮ નું ગુજરાતીનું પાઠ્ય પુસ્તક દફતરની બહાર પડી ગયું હતું. પુસ્તકના પહેલા પૃષ્ઠ પર પ્રતિજ્ઞા લખેલ હતી....." ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારા ભાઈ બહેન છે.”

* * *

વિનાશ:

કોઈ પણ સંસ્થામાં યોગ્ય વ્યક્તિને યોગ્ય તક આપવામાં ન આવે, અને અયોગ્ય વ્યક્તિને અયોગ્ય તક આપવામાં આવે તો લાંબા ગાળે તે સંસ્થા વિનાશના માર્ગે ધકેલાય છે.

અને તમને એવું નથી લાગતું કે આપણો દેશ ભારત આ કારણો સર વિકસિત થઇ શક્યો નથી. બાકી અબજો માનવ શક્તિથી ભરપુર આપણા દેશમાં સારા દોડવીર, એથ્લીટ, ક્રિકેટરો, વિશ્વ કક્ષાના લેખકો સારા સંગીત કાર, વિશ્વ કક્ષાની ફિલ્મો આવું બધું મળી ન શકે?

* * *

જનરેશન ગેપ:

તે જયારે નાનો હતો ત્યારે તેના પિતાનો બહુ કડપ હતો, તે તેના પિતાથી ડરતો. તેના પિતા તેની માતા પર અને તેના બધા ભાઈ - બહેન પણ અવાર નવાર હાથ ઉપાડી લેતા. તેના પિતાએ નાનો એવો ગૃહ ઉદ્યોગ શરુ કર્યો હતો. ઘરના સહુ મળીને કામ કરતા. અને ગૃહ ઉદ્યોગમાં ઘરના નાના મોટા સહુની જરૂર પડતી

તે ઘણીવાર શેરીના છોકરા બહાર રમવા જતા ત્યારે પોતાનું કામ પતાવી રમવા જતો રહેતો. પણ ક્યારેક તેના ભાગનું કામ બાકી અચાનક ફરીથી આવી પડતું. તેના પિતા ગુસ્સે થઈને તેને શોધવા નીકળતા અને તેને મારતા મારતા ઘર સુધી લઇ આવતા. તેના પિતા તેને હંમેશા કહેતા કે તેને કશી

જ ખબર પડતી નથી.

આ બાબતથી તે ખુબ નિરાશ થતો, તે તેના પિતાને તો કશું કહી શકતો નહિ, પણ તેણે મનમાં ને મનમાં નક્કી કર્યું કે ભવિષ્યમાં તે લગ્ન કરે ત્યારે અને બાળકો થાય તો તે તેની પત્ની અને બાળકો પર કદી હાથ નહિ ઉગામે. હાથ ઉગામવું તો દુર રહ્યું તે પત્ની તથા તેના સંતાનોને ઉંચે અવાજે બોલશે પણ નહિ. ભલે ને તેમણે ગમે તેવી મોટી ભૂલ કરી હોય.

સંતાનો નાના હતા ત્યાં સુધી તો બધું બરાબર ચાલ્યું પણ જેવા યુવાન થયા ત્યારે તેના ઉપર ગુસ્સે થતા. સંતાનો કહેતા કે તેમને કશી જ ખબર પડતી નથી. હવે પત્ની પણ તેના સંતાનોને સાથ આપતી. પોતાની નાની એવી ભૂલ પર હવે સંતાનો અને પત્ની તેનો ઉધડો લઇ નાખતા. ઘરના બધા મોટેથી ઘાંટા પાડી બરાડતા. બધાનો એક જ સુર રહેતો, તમને કશી ખબર પડતી નથી.

આવું થતું ત્યારે તેની આંખોમાં આંસુ આવી જતા. તે ઘરમાંથી બહાર નીકળી જતો. શહેરના કોઈ બગીચામાં બેસતો અને વિચાર્યા કરતો આખરે તેના જીવનમાં બે પેઢી પસાર થઇ ગઈ છતાં પણ હજુ સુધી તેને ખબર કેમ નહિ પડતી હોય?

* * *

દ્રષ્ટિ

પિતા અને પુત્ર સાથે જઈ રહ્યા હતા અને પુત્ર અચાનક બોલ્યો આજુ બાજુનું બધું ઝાંખું ઝાંખું કેમ લાગે છે? પિતાએ આજુ બાજુ નજર કરી તો તેમને બધું સ્પષ્ટ દેખાતું હતું.

પિતા પુત્ર એક હોટેલમાં ચા પાણી પીવા રોકાયા. પિતાએ જોયું તો તેના પુત્રના ચશ્માં સાફ નહોતા. એટલે પત્રને ઝાંખું દેખાતું હતું. પિતાએ પુત્રના ચશ્માં સાફ કરી આપ્યા અને પુત્રને કહ્યું આ પહેરી ને જો કેવું દેખાય છે. પુત્રને હવે બધું સાફ દેખાતું હતું.

આપણા જીવનમાં પણ ક્યારેક નબળી પળો આવે છે ત્યારે આપણને બધું જ ઝાંખું ઝાંખું લાગે. ત્યારે આપણો દુનિયા પર વિશ્વાસ ઉઠી જાય છે. આવા સમયે આપણું મન ખુબ જ નિરાશ થઇ જાય છે.

દોસ્તો તમારા જીવનમાં પણ આવી પળો આવી હશે કે ભવિષ્યમાં આવી પળો આવશે ત્યારે તમારે નિરાશ થવાની જરૂર નથી. પણ વિશ્વાસ રૂપી કપડાથી તમારી નિરાશા ખંખેરી નાખો.

મનને પ્રફુલ્લિત કરો, અને પુરુષાર્થ કરતા રહો, મનને સંતુલિત રાખો, નબળી પળો તમારા જીવનમાંથી વિદાય થઇ જશે. જીવનમાંથી ઝાંખપ દુર થશે. અને જીવન સાફ, સ્પષ્ટ અને આનંદમય લાગશે.

* * *

વિડમ્બના :

સ્વામીજી મનુ સ્મૃતિમાં લખેલ વર્ણ વ્યવસ્થાના પૂર્ણ હિમાયતી હતા, સ્વામીજીએ આજન્મ બ્રહ્મચર્ય પાળ્યું હતું, તેમનું ચાલે તો આજે પણ દેશમાં જૂની વર્ણ વ્યવસ્થા લાવવા માંગતા હતા. અને તેમની સાથે તેમના ચેલા પણ તેમના જેવું જ વિચારતા હતા. અને એટલા માટે ચેલાઓ સ્વામીને પ્રિય હતા. પણ આઝાદી મળ્યા પછી દેશનું પોતાનું બંધારણ ઘડાઈ ચુક્યું હતું અને તેમાં સર્વ ધર્મ, નાત જાત, સ્ત્રી -પુરુષ એમ સહુને સરખા ગણવામાં આવ્યા હતા.

તેઓ અછુતોનો પડછાયો પણ લેતા નહિ. તેમણે બંધાવેલ મંદિરમાં અછુતોનો પ્રવેશ નિષેધ હતો. તેઓ ગાયને માતા માનતા હતા, પણ શહેરમાં ઉકરડા ફંફોળતી ગાયો અને ટ્રાફિકમાં અડચણ કરતી ગાયો પર ભેદી મૌન સેવતા. શનિ મંદિરમાં સ્ત્રીઓને હમણા પ્રવેશ અપાયો તેના પણ તેઓ અને તેમના ચેલાઓ વિરોધી હતા. અને આનાથી દેશમાં કુદરતી કોપ આવશે તેવું તેઓ વ્યક્તિગતરીતે માનતા.

અચાનક સ્વામીજીની તબિયત ખરાબ થઇ ગઈ, તેમને મોંઘામાં મોંઘી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. અને તેમને હોસ્પીટલમાં દાખલ કર્યા બાદ તેમને લોહીની જરૂર પડી. સ્વામીજીનું લોહી O -ve ગ્રુપનું હતું. આમ તો હોસ્પિટલમાં આ ગ્રુપનું લોહી ઉપલબ્ધ હતું પણ એક ઉદ્યોગપતિ અને એક સીને સ્ટારને આ ગ્રુપની લોહીની જરૂર હોઈ તેમને આપવામાં આવ્યું હતું.

બ્લડ બેંકમાં આ ગ્રુપનું લોહી હતું નહિ એટલે તુરંત આખા દેશમાં આ ગ્રુપના લોહી માટે સંદેશ પ્રસારિત કરવામાં આવ્યો. પણ લોહીની તાત્કાલિક જરૂર હતી. હોસ્પીટલમાં જ એક સફાઈ કર્મચારીનું લોહી સ્વામીજીને મેચ થતું હતું, અને તેણે લોહી આપવાની તૈયારી બતાવી.

પણ પ્રશ્ન એવો હતો કે અછૂત હતો. આખરે તેમના ચેલાઓ અછુતનું લોહી લેવા તો સમંત તો થયા પણ લોહીની બોટલ ઉપર ગાય મૂત્ર અને ગંગા જળ છાંટી લોહીને શુદ્ધ કરવામાં આવ્યું.