Ek parul be anup books and stories free download online pdf in Gujarati

એક પારુલ બે અનુપ!

એક પારુલ બે અનુપ ---યશવંત ઠક્કર

ત્રણેક વર્ષો પછી સાવ અચાનક જ અનુપ અને પારુલ ફરીથી મળ્યાં. ત્રણ વર્ષો! છત્રીસ મહિના! એક હજારથી પણ વધારે દિવસો! એક સમય એવો પણ હતો કે પારુલને એક દિવસ પણ ન મળાયું હોય તો અનુપને એવું લાગતું કે યુગો યુગોથી નથી મળાયું! એમ લાગતું કે પારુલ વગર એનાથી જીવી જ ન શકાય! પારુલ હોય તો એનું જીવન એક લીલોછમ બાગ! પારુલ ન હોય તો નર્યું રણ!

પારુલ હતી જ એવી! એ હસતી ત્યારે અનુપને એમ લાગતું કે એ ઝરણું બનીને વહે છે! ગીત બનીને ગુંજે છે! વાદળી બનીને વરસે છે! ફૂલ બનીને ખીલે છે! પારુલની હાજરી માત્રથી આબોહવા ખુશનુમા બની જતી! પારુલ જેની સામે હસતી એને એમ લાગતું કે દરિયાનું મોજાં એને ભીંજવી રહ્યાં છે!

પારુલના સંપર્કમાં જે લોકો આવતા એ માનતા હતા કે પારુલનું હાસ્ય એ એની વિશેષતા છે. પારુલનું હાસ્ય એ અનુપની દૃષ્ટિએ પણ એક વિશેષતા હતી. પણ એ જયારે અનુપ સામે હસે ત્યારે જ. પારુલનું બીજા સામે હસવું એ અનુપની દૃષ્ટિએ પારુલની મોટામાં મોટી નબળાઈ હતી. અનુપની એવી દૃઢ માન્યતા હતી કે: ‘પારુલે માત્ર મારી સામે જ હસવું જોઈએ. બીજાની સામે તો એના હોઠની એકાદ રેખા પણ ન બદલાવી જોઈએ.’

અનુપના માનવા મુજબ પારુલમાં બીજો અવગુણ પણ હતો. એ બધાની સાથે વાતો બહુ કરતી. એક તો મજાનું હાસ્ય! ઉપરથી મધુર અવાજ! અને જેની તેની સાથે જન્મોજન્મની ઓળખાણ હોય એમ વાતો! પારુલ હસે અને પછી વાતો શરૂ કરે પછી સામેવાળો માણસ પારુલના વ્યક્તિત્વને સલામી આપ્યા વગર રહે જ નહીં. અનુપને બસ પારુલની આ આદત સામે જ સખત વાંધો હતો.

અનુપ માનતો હતો કે: ‘પારુલે માત્ર મારી સાથે જ વાતો કરવી જોઈએ. બીજાની સાથે કામ પૂરતી જ વાત કરવી જોઈએ. અને બીજાને મળીને એટલું ખુશ તો થવાનું જ ન હોય. જો કોઈ એનામાં વધારે પડતો રસ ધરાવવા લાગે તો એણે ગુસ્સે થઈને કહી દેવું જોઈએ કે – ભાઈ, તમે તમારું કામ કરો. મારી પાસેથી બિનજરૂરી વાતોની અપેક્ષા રાખશો નહીં.’

અનુપ તો પારુલના હાસ્યને, પારુલના અવાજને, પારુલની વાતોને, અરે! આખેઆખી પારુલને માત્રને માત્ર પોતાની સમજતો હતો. અનુપે પારુલને ઘણી વખત એવી સલાહ આપી હતી કે : ‘બધા સાથે હસવા બોલવાની તારી આ ટેવ સારી નથી. તું તારી જાતને કાબુમાં રાખ. કોઈ વખત તકલીફમાં મુકાઈ જઈશ.’

પરંતુ પારુલ પર અનુપની સલાહની કશી અસર થતી નહોતી. બલ્કે એ તો બીજા લોકો સાથે વધારે ને વધારે વાતો કરતી. અનુપની વારંવારની રોકટોકથી અકળાઈને એણે એક વખત કહી દીધું હતું કે : ‘અનુપ, તું સાવ શોર્ટ માઇન્ડનો માણસ છો. શા માટે શંકાના સરવાળા અને ખુશીઓની બાદબાકી કરે છે? વિશ્વાસ રાખ. હું તને છોડીને કોઈની સાથે ભાગી નહીં જાઉં. માણસનું દિલ તો દરિયા જેવું હોવું જોઈએ. બંધિયાર ખાબોચિયા જેવું નહીં. ’

અનુપ ખિજાતો, બબડતો, રિસાતો, મોઢું ફેરવતો, ઊભો થતો, ચાલ્યો જતો, પાછો ફરતો, રાજી થતો અને ફરીથી પારુલને ચાહવા લાગતો. પારુલ એને માફ કરી દેતી. અનુપની અનહદ ચાહત સામે એ અનુપની ખામીઓ ભૂલી જતી હતી. છતાય ક્યારેય પણ એનું હસવું કે બોલવું માત્ર અનુપ પૂરતું માર્યાદિત રહ્યું નહીં.

આવી પારુલ અને આવો અનુપ બંને એકબીજાને ચાહતાં હતાં. એકબીજાની મર્યાદાઓ સમજતાં હોવા છતાં ચાહતાં હતાં. એમના સંબંધણી ઈમારત ઊંચી ને ઊંચી ચણાતી ગઈ. પરંતુ એ ઈમારતનો પાયો કાચો હતો એટલે એક દિવસ તૂટી પડી.

તે દિવસે...

અનુપે પારુલને ફરિયાદ કરી કે : ‘પારુલ, હમણાં હમણાં તું બહુ જ બદલાઈ ગઈ છે.’

જવાબમાં પારુલે હસીને કહ્યું : ‘હું તો હર ધડીએ બદલાતી જઉં છું. આવ, મારા દિલના ધબકારા સાંભળ. એક એક ધબકારે હું બદલાતી રહું છું.’

‘મજાક રહેવા દે. હું પૂરી ગંભીરતાથી કહું છું.’

‘તું ક્યારે ગંભીર નથી હોતો અને હું ક્યારે મજાકણ નથી હોતી?’

‘પારુલ!’ અનુપે મોટેથી કહ્યું. એને ગુસ્સો આવ્યો હતો.

‘હજી મોટેથી બૂમ પાડ. આજુબાજુમાં ક્યાંય બીજી પારુલો હશે તો આવી ચડશે.’

‘પારુલ, હું તને આજે છેલ્લી વખત કહી દેવા માંગુ છું કે...’

‘કે હું માત્ર તારી સામે જ હસું અને માત્ર તારી સાથે જ વાત કરું. એમને?’

‘હા.’

‘તો સાંભળી લે અનુપ, કોઈ એવી અપેક્ષા ન રાખી શકે કે : વાદળી, માત્ર એના જ ખેતરમાં વરસે. ફૂલની સુવાસ માત્ર એ પોતે જ માણે. ઝરણાનો ખળખળ અવાજ માત્ર પોતે એકલો જ સાંભળે. અનુપ, હું વાદળી છું. ફૂલ છું. મારી ઊંચાઈ પાંચ ફૂટ ને ચાર ઇંચ. હું દેખાવે નમણી છું. સ્વભાવે રમતિયાળ છું. શિક્ષિત છું. સ્વતંત્ર છું. હું માત્ર તારી સામે જ હસું, માત્ર તારી સાથે જ વાતો કરું, ચોવીસે કલાક માત્ર તારી જ લાગણીને સાચવ્યા કરું એ શક્ય નથી. તારા કાયદા માની લઉં એટલી હું કાયર નથી. તું તારો આગ્રહ છોડ અથવા તો મને છોડ.’ પારુલે આજસુધી જાળવી રાખેલા સંયમને વિદાયમાન આપી દીધું! અનુપે ક્યારેય ધાર્યું ન હોય એવું બની ગયું.

‘પારુલ, હું તને છોડી શકું છું પણ મારા સિદ્ધાંતને નહીં.’

‘ભલે. તું તારા સિદ્ધાંતને સાચવ હું મારા વ્યક્તિત્વને સાચવું છું.’

પારુલ ને અનુપ વચ્ચેના સંબંધ રૂપી ઇમારત તૂટી પડી.

પારુલ હેમખેમ રહી. અનુપ ઘવાયો.

અનુપનો ઘા હજી મટ્યો નથી.

એ ઘટના બાદ આજે ગાંધી રોડ પર સાવ અચાનક જ અનુપની પારુલ સાથે મુલાકાત થઈ. અનુપનું તો ધ્યાન જ નહોતું. પારુલે જ બૂમ પાડી : ‘એય... અનુપ!’

અનુપ એ રમતિયાળ અવાજને ઓળખી ગયો. એ અવાજ સાંભળતાં જ અનુપ નખશિખ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયો. અવાજ જે તરફથી આવ્યો હતો એ તરફ જોયું તો મલક મલક થતી પારુલ ઊભી હતી. એ જ ચહેરો! ચહેરા પર ત્રણ વર્ષો પહેલાં હતું એવું જ હાસ્ય! એ જ રમતિયાળ રીતભાત! છત્રીસ મહિનાઓ પારુલના વ્યક્તિત્વની એકાદ કાંકરી પણ ખેરવી શક્યા ન હતા!

‘તું?’ અનુપ માંડ માંડ બોલી શક્યો.

‘હા, હું પારુલ પોતે જ! કશી શંકા લાગે છે?’ પારુલ બોલી.

‘શંકા તો નથી. પણ સાવ અચાનક?’

‘શાની અચાનક? છેલ્લા પાંચ દિવસથી તને આ શહેરમાં બાવરી બનીને શોધું છું. પણ તારા તો દર્શન જ નહોતાં થતાં. પણ આજે તને જોયો. જોતાંની સાથે જ તને ઓળખી ગઈ. જેવો તને ઓળખ્યો એવી જ મેં બૂમ મારી કે- એય...અનુપ!’

‘અરે! પારુલ, ગાંડી થઈ ગઈ છે કે શું? હું આવી રહ્યો છું એટલી વારમાં તો અનુપ અનુપ કરવા માંડી! આવી રીતે રસ્તા પર બૂમો પાડીશ તો બીજા આઠદશ અનુપો આવી ચડશે. ક્યાં નાખીશ બધાને?’ બાજુની દુકાનના પગથિયાં ઊતરતાં ઊતરતાં એક યુવાન બોલ્યો.

‘આઠદસ તો ઠીક પણ બીજો એક અનુપ તો આપણી સામે હાજર છે. મારો જૂનો મિત્ર.’ પારુલ અનુપ તરફ હાથ કરીને બોલી.

‘ઓહ! તમારું નામ પણ અનુપ છે. તમને મળીને આનંદ થયો.’ એ યુવાને અનુપ સાથે હાથ મિલાવ્યા. ખુશ થતાં થતાં આગળ બોલ્યો: ‘મજા આવી ગઈ. દો અનુપ કા મિલન! મને તો આ નામ બહુ ગમે છે. તમને? માફ કરજો. વધારે પરિચય વગર હું આટલું બધું બોલી ગયો.’

‘અનુપ, આ મારો નવો મિત્ર છે અને એક માત્ર હસબન્ડ છે. એનું નામ પણ અનુપ છે.’ પારુલે અનુપને એનાં પતિનો પરિચય કરાવ્યો.

પારુલ અને એનો પતિ બંને ખડખડાટ હસ્યાં. અનુપ પણ હસ્યો. ન હસવા જેવું.

તેઓ અનુપને બાજુની હોટલમાં કોફી પીવા લઈ ગયાં. પારુલનો પતિ હસવામાં અને બોલવામાં પારૂલની સામે હરીફાઈમાં ઊતર્યો હોય એવું અનુપને લાગ્યું.

અનુપ વારંવાર એ બીજા અનુપના ચહેરા તરફ જોઈ લેતો હતો. એ બીજા અનુપના ચહેરા પર સહેજ પણ શંકાના, અવિશ્વાસના, ગુસ્સાના, ઈર્ષાના ભાવ નહોતા. અને પારુલ? એ તો એવી જ! પહેલાં હતી એવી જ!

અનુપ એ બીજા અનુપ સાથે મનોમન પોતાની સરખામણી કરવા લાગ્યો : ‘ક્યાં આ અનુપ ને ક્યાં હું!’

ત્યાં તો એ બીજો અનુપ બોલ્યો : ‘અનુપજી, તમે એમ નહીં મારું નામ પહેલેથી જ અનુપ હતું. હમણાંનું જ પાડેલું છે. અમારાં લગ્ન પછી આ પારુલે જ મારું નવું નામ પાડ્યું. એને આ નામ બહુ ગમે છે. બોલો, લગ્ન પછી સ્ત્રી નામ બદલાવે પણ આ પુરુષે પોતાનું નામ બદલાવ્યું! અરે યાર! નામ બદલવાથી શું વળે? માણસ ઓછો બદલાઈ જાય છે? પણ જવા દો. આ લોકોને આપણાથી નહીં પહોંચાય.’

અનુપથી પારુલ સામે જોવાઈ ગયું. પારુલ હસતી હતી. ત્રણ વર્ષો પહેલાં હસતી હતી એવું જ!

[સમાપ્ત]